મેઘરાજાનું રોદ્ર રૂપ, સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જળબંબાકાર

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જે આગામી બે ત્રણ દિવસ યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.

આ સમય દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેને લઇને આજે વહેલી સવારથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે.ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ 85 ટકાથી વધારે ભરાઈ ગયો છે શેત્રુંજી ડેમની સપાટી હાલ 31 ફૂટ 11 ઈંચે પહોંચી ગઈ છે અને હજુ શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી 2030 પાણીની આવક શરૂ છે તેથી ડેમની સપાટી હજુ પણ વધશે.

શેત્રુંજી ડેમમાં લેવલ સપાટી જાળવવા માટે પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈને અવરજવર કરવી નહીં તેમ સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું, ડેમ 34 ફૂટે છલકાશે તેથી હવે માત્ર 2 ફૂટ જેટલો જ ડેમ ખાલી છે, આથી હવે ભાવનગર શહેર-જિલ્લામાં વિના વરસાદે પણ જિલ્લાની જીવાદોરી છલક સપાટી એ પહોંચી ચૂકી છે જેને પગલે ધરતીપુત્રો તથા શહેરીજનો માં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

આ અંગે ડેમ પરના ફરજ પરના અધિકારી બાલધિયાએ જણાવ્યું હતુંએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સતત ઉપરવાસમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે આજે 3:45 વાગે વહેલી સવારે 8117 ક્યુસેક પાણીની પ્રવાહ આવી રહ્યો છે, સવારે 7 વાગ્યાથી અવિરત 2030 ક્યુસેક પાણી આવક સતત શરૂ છે જેના કારણે ડેમની સપાટી 31 ફુટ 11 ઈંચ જેટલો ભરાય ગયો છે, આમ, સતત ત્રણ-ચાર દિવસથી શેત્રુંજી ડેમમાં પાણીની આવક અવિરીત શરૂ રહી છે.

ઉપરવાસમાંથી આવી રહેલા અવિરત પ્રવાહને કારણે શેત્રુંજી ડેમ હેઠળના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માઈધાર, મેંઢા તથા ભાવનગર તાલુકાના ભેગાળી, દાંત્રડ,પીંગળી, ટીમાણા, શેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા તથા સરતાનપર સહિતના ગામના લોકો ને સાવધાન રહેવા જણાવાયું છે.

જામનગરમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે. જેને લઇને નદીઓ બે કાંઠે થઈ છે. આ બાજુ ખેતરો બેટમાં ફેરવાયા છે. જામનગરની જીવા દોરી સમાન રજીતસાગર ડેમ ઓવરફ્લો થયા બાદ આજે સસોઈ ડેમમાં એક ફૂટથી વધુ પાણીની આવક થતાં ઓવરફ્લો થયો છે.

ભારે વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ મંડાણ કર્યું છે. અમરેલી, જાફરાબાદ, રાજુલા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ટિબલા, પાણિયા, સહિતના ગામોમાં ભારે વરસાદ પડતાં ખેડૂતોને ખેતર જવાના રસ્તાઓ પર નદી માફક પાણી ફરી વળ્યા છે. તો સાતલડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે.