ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વિદાય લેતા વડા પ્રધાન શાહબાઝ શરીફે કબૂલ કર્યું છે કે એમની સરકાર પણ શક્તિશાળી એવા દેશના લશ્કરના ટેકા વગર ચલાવી શકાય એમ નથી. શરીફનું આ વિધાન પાકિસ્તાનના રાજકારણમાં લશ્કરની મહત્ત્વની ભૂમિકાનું પ્રતિબિંબ પાડે છે.
આ જ શરીફ જ્યારે વિપક્ષી નેતા હતા ત્યારે એમના પુરોગામી વડા પ્રધાન ઈમરાન ખાનની ટીકા કરતા હતા કે એમની સરકાર હાઈબ્રિડ (વર્ણસંકર) છે અને દેશના લશ્કરના ટેકા પર ચાલે છે. પરંતુ હવે જ્યારે પોતે સત્તા પર આવ્યા છે ત્યારે એમણે પણ ઈમરાનવાળી જ પેટર્નને અપનાવી છે. જિયો ન્યૂઝને આપેલી મુલાકાતમાં શરીફે કહ્યું કે, ઈમરાન ખાનને પણ એમની મુદત દરમિયાન લશ્કરનો ટેકો મળ્યો હતો. દેશની દરેક સરકારને લશ્કરના ટેકાની આવશ્યક્તા રહે છે.
“ઈસ સ્ટોરી મેં ઈમોશન હૈ, રોમાન્સ હૈ, ટ્રેજેડી હૈ…”
રામગઢવાસીઓનાં ઘરમાં વૉટર સપ્લાય કરતી ટાંકી ઉપર ચડીને વીરુ આવું કહી રહ્યો હોય છે ત્યારે નીચે એનો દોસ્તદાર જય ઠંડા કલેજે રકાબીમાંથી ચા પી રહ્યો છે.
15 ઑગસ્ટ નજીક આવે ને દેશની આઝાદી, સ્વાતંત્રવીરોનાં બલિદાન બાદ યાદ આવે શોલે. આ 15 ઑગસ્ટે ‘શોલે’ને 48મું બેસશે. 48-48 વર્ષ પછી પણ નરેશકુમાર, પ્રફુલ્લકુમાર, જયવંતકુમાર, રઘુકુમારથી લઈને પરદેશમાં હેમલકુમાર, નિમેષકુમાર જેવા સિનેમાપ્રેમી એના વિશે ચર્ચા કરે એ કેવું, નહીં?
ગયા વર્ષે પૅન નલિનની દર્જેદાર ફિલ્મ ‘છેલ્લો શો’ના પ્રીમિયરમાં ‘શોલે’ના સર્જક રમેશ સિપ્પી મળી ગયા ત્યારે એમને મેં સવાલ કરેલોઃ “શૂટિંગ વખતે એવું લાગતું હતું કે તમે ઈતિહાસ સર્જી રહ્યા છો?”
જવાબમાં રમેશજી કહે, “અમે એક સરસ ફિલ્મ બનાવી રહ્યા છીએ એટલી ખબર હતી, પણ એ આવી હિસ્ટોરિકલ બની જશે એવો અંદેશો નહોતો.”
ઈન્ટરેસ્ટિંગ્લી, 1975માં 15 ઑગસ્ટે, રિલીઝના પહેલા જ દિવસે ‘શોલે’ ફ્લૉપ ડિકલેર થઈ. કારણ શોધતાં ખબર પડી કે અંતમાં જય ગુજરી જાય છે એ પ્રેક્ષકોને ગમ્યું નહેતું. લોકો ઈચ્છતા હતા કે રમેશ સિપ્પી વિધવા પુનર્વિવાહ જેવો પ્રગતિશીલ ટ્વિસ્ટ લાવશે. એમાં પાછું એ જ વર્ષે જાન્યુઆરીમાં આવેલી, સલીમ-જાવેદ લિખિત ‘દીવાર’માં પણ અમિતાભનું અવસાન થાય છે. એ અંત પણ પ્રેક્ષકોને ગમ્યો નહોતો ત્યાં સાત મહિના બાદ ‘શોલે’માં પણ પ્યારા ઍક્ટર-કૅરેક્ટરનું ડેથ થાય એ તેઓ ચલાવી લેવા માગતા નહોતા.
રિલીઝના બીજા દિવસે, શનિવારે મળેલી મહત્વની મિટિંગમાં આવી ચર્ચા થતાં અમિતાભે કહ્યું, “ચાલો, ક્લાઈમેક્સ પાછી શૂટ કરીએ, હું જીવતો રહીને ઠાકૂરની વિધવા પુત્રવધૂ રાધા સાથે સુખી સંસાર માંડું છું એવું દેખાડીએ.”
બધાંએ ડિરેક્ટર સામે જોયું. એ કહેઃ “આપણે સોમવાર સુધી રાહ જોઈએ. સોમવારે પણ આમ જ ચાલ્યું તો જેવી ફિલ્મની નિયતિ…”
-અને સોમવારે જે બન્યું એ કલ્પનાતીત હતું. પ્રેક્ષકોએ ટિકિટબારીના ભૂકા કાઢી નાખ્યા.
રામગઢના જમીનદાર ઠાકૂર બલદેવસિંહ (સંજીવકુમાર) ડાકુ ગબ્બરસિંહ (અમજદ ખાન)ને પકડવા બે યુવાનોને ભાડે રાખે એ આઈડિયા સલીમ-જાવેદે 1954માં જપાની ડિરેક્ટર અકીરા કુરોસાવાની ‘સેવન સમુરાઈ’ પરથી લીધેલો. ‘સેવન સમુરાઈ’ પરથી હોલિવૂડમાં ‘મેગ્નિફિસન્ટ સેવન’ (1960) બની, જેમાં નરાધમને પકડવા સાત જણને રોકવામાં આવે છે. રમેશ સિપ્પી-સલીમ-જાવેદે બેથી કામ ચલાવી લીધું.
જો કે ‘સેવન સમુરાઈ’નાં મૂળ-કુળવાળી ‘શોલે’ એકમાત્ર હિંદી ફિલ્મ નથી. અમિતાભની પહેલી ફિલ્મ ‘સાત હિંદુસ્તાની’નાં મૂળ પણ જપાનીસ ફિલ્મમાં હતાં. ખ્વાજા અહેમદ અબ્બાસ લિખિત વાર્તામાં ગોવાનાં મારિયા (શેહનાઝ વહાણવટી)ના કહેણ પર બિહારનો શાયર અન્વર અલી (અમિતાભ બચ્ચન) તથા વિવિધ ધર્મ, પ્રાંતના પાંચ બહાદુર યુવાનો ગોવામાં પોર્તુગીઝોએ કબજે કરેલા કિલ્લા તથા અન્ય મકાનો પર તિરંગો લહેરાવા પહોંચે છે.
આ સિવાય અન્ય ફિલ્મોઃ ‘શોલે’ રિલીઝ થઈ એના આગલા વર્ષે આવેલી ‘ખોટે સિક્કે’. એ પહેલાં 1971માં આવેલી રાજ ખોસલાની ‘મેરા ગાંવ મેરા દેશ’, સુભાષ ઘાઈની ‘કર્મા’ (1986), રાજકુમાર સંતોષીની ‘ચાઈના ગેટ’ (1998). બીજી પણ ઘણી હશે, પણ મારી પર્સનલ ફેવરીટ છે ‘ખોટે સિક્કે’.
ઐતિહાસિક ‘શોલે’ની જેમ ઍક્શન-ઈમોશન-કૉમેડી-ટ્રેજેડી ધરાવતી નરેન્દ્ર બેદી દિગ્દર્શિત ‘ખોટે સિક્કે’માં ચોરીચપાટી કરતા પાંચ મવાલીઃ ડૅની-રણજિત-નરેન્દ્રનાથ-સુધીર-પેન્ટલ મુંબઈથી કોઈ ગામડે જાય છે, ખૂનખાર ડાકુ જંગા (અજિત)થી ગામવાસીઓને બચાવવા. એમની સાથે જોડાય છે નામ વિનાનો એક બહાદુર યુવાન (ફિરોઝ ખાન). યસ. એમના કૅરેક્ટરનું નામ જ નહોતું. “કાળાં કપડાંમાં સજ્જ ઘોડેસવાર” એવું નામાવલિમાં આવતું.
અમદાવાદઃ શહેરની નજીક બાવળા-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત થયો છે, જેમાં 10 લોકોનાં મોત થયાં છે. બાવળા- બગોદરા રસ્તા પર મીઠાપુર પાસે ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતાં 10 લોકોનાં મોત થયાં છે, જેમાં પાંચ મહિલા, ત્રણ બાળક સહિત 10 લોકોનાં મોત થયાં છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ ત્રણ લોકોને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ અકસ્માત બાવળા-બગોદરા વચ્ચે અને અમદાવાદથી આશરે 50 કિમી દૂર અકસ્માત થયો છે.
આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો- કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતી. આ ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતાં ઘટનાસ્થળે 10 લોકોનાં મોત થયાં હતાં. આ વિશે અમદાવાદ જિલ્લા ડીએસપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે હાલ તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.
આ અકસ્માતના પગલે હાઇવે પર લાંબો ટ્રાફિકજામ થયો છે તેમ જ લોકોનાં ટોળેટોળાં જમા થયાં છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
બીજી તરફ ગઈકાલે અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટના ગઈ કાલે મોડી રાત્રે એલિઝબ્રિજ પર બની હતી. જેમાં એક અજાણ્યા કારચાલકે એક ઇઈકસવાર યુવકને ટક્કર મારી હતી. આ ઘટનામાં જમાલપુરના ટોકરસાની પોળમાં રહેતા સાહિલ અજમેરી નામના યુવકનું મોત થયું છે.
પુણેઃ ઓનલાઇન છેતરપિંડીના નિતનવા કેસ અવારનવાર સાંભળવા મળે જ છે. હવે નવો મામલો સામે આવ્યો છે. એક વિદ્યાર્થીને છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીની માતાના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 53 લાખ કાઢી લેવામાં આવ્યા છે. વાસ્તવમાં ઠગોએ દવાઓના નકલી પાર્સલનો સહારો લીધો છે. હવે ઓનલાઇન છેતરપિંડીનો નવી રીત કાઢી છે.
સાઇબર ગુનેગારોએ 25 વર્ષના એક વિદ્યાર્થીને કોલ કર્યો હતો. તેને જણાવવામાં આવ્યું હતું કે તેના નામે તાઇવાનથી એક પાર્સલ આવ્યું છે. આ પાર્સલમાં ડ્રગ્સ અને નકલી પાસપોર્ટ જપ્ત થયો છે. આ પાર્સલને પોલીસે જપ્ત કરી લીધું છે. જે પછી ઠગે ખુદને પોલીસ અધિકારી બતાવીને વિદ્યાર્થીને ડરાવીને કાનૂની કાર્યવાહી કરવા માટે કહ્યું હતું. જેનાથી વિદ્યાર્થી ડરી ગયો હતો. જોકે તેણે જણાવ્યું હતું કે એ પાર્સલ તેનું નથી, તેણે આવું કોઈ પાર્સલ નથી મગાવ્યું. આ વિદ્યાર્થીને ફસાવવા માટે ખોટા પુરાવા ઠગો દ્વારા આપવામાં આવ્યા કે પાર્સલ પર તેની વિગતવાર માહિતી છે. પાર્સલ પર તેનું નામ અને નંબર છે. કુરિયર અને પોલીસ કર્મચારી બતાવીને એ વાત વિદ્યાર્થીને ખૂબ ડરાવ્યો.
ત્યાર બાદ સાયબર ઠગોએ વિદ્યાર્થીને જણાવ્યું હતું કે તેઓ મુંબઈના એન્ટિ-નાર્કોટિક્સ સેલમાં કામ કરી રહ્યા છે અને IPS અધિકારી છે. ત્યાર બાદ વિદ્યાર્થી પર ધરપકડનું કરવાનું દબાણ બનાવવામાં આવ્યું હતું અને આ કેસને બંધ કરવા માટે પૈસાની માગ કરવામાં આવી, જેમાં વિદ્યાર્થી પૈસા આપવા તૈયાર થયો હતો.
વિદ્યાર્થીએ ધરપકડના ડરથી કેટલાક કલાકોમાં માતાના બેન્ક ખાતામાંથી આશરે 34 વ્યવહારો થકી કુલ રૂ. 53.63 લાખ ટ્રાન્સફર કર્યા હતા. થોડા સમય પછી તેને સમજવામાં આવ્યું કે તેની સાથે છેતરપિંડી થઈ છે અને તેણે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
જ્યારે “તમે” ના બદલે “હું” આવી જાય છે ત્યારે વ્યક્તિ વિચારવા લાગે છે હું સારો વક્તા, હું સારો સેવક, હું સારો આયોજક…. હું સારો….. હું સારો…. અહીંથી જ ઈર્ષા, ઘૃણા, પ્રભાવિત થવું તથા અલબેલાપન ચાર યમદૂત આત્માને દબાવવાનું શરૂ કરી દે છે, જેનાથી મુક્તિનો એક જ ઉપાય છે કે હું-હું કરવાના બદલે પ્રભુ મહિમા રૂપી ધૂણી જગાવીને રાખીએ. ઘણીવાર એ વિચાર પણ રહમદિલ બનવાથી રોકી દે છે કે અત્યારે ચારે તરફ અહમ ફેલાયેલ છે તો પછી હું રહમદિલ કેવી રીતે બની શકું! પરંતુ વિચારવા જેવી વાત છે કે ઉનાળાના દિવસોમાં જ્યારે બહારનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ થી વધવા લાગે છે ત્યારે આપણે ઘરમાં ઠંડકના અનુભવ માટે ઉપાયો કરીએ છીએ. એ જ રીતે બહાર ગમે તેટલી ક્રૂરતા હોય પરંતુ મનની કરુણા ક્યારેય પણ ઓછી ન થાય. બહાર ગમે તેટલો અંધકાર હોય છતાં પણ મનનો દિપક હંમેશા પ્રજ્વલિત રહે. બહાર ભલે અગ્નિ ભભૂકે પરંતુ અંદર શીતળતાની લહેર ચાલતી રહે. સાચા દિલનો રહમ એ જ છે તે જે ગુણ-દોષ નથી જોતો. આગળ પાછળની વ્યર્થ બાબતોથી દૂર રહે છે. બદલાની આશા નથી રાખતો. બીજાનું દુઃખ દર્દ તેને દ્રવિત કરી દે છે.
ક્રૂરતા વ્યક્તિને નબળો, મનોબળ વગરનો તથા ભયભીત કરી દે છે. વિશ્વના ઇતિહાસમાં ક્રૂરતા વાળી મોટાભાગની વ્યક્તિઓએ પોતાનો અંત આત્મહત્યા દ્વારા અથવા રીબાઈને પોતાના પાપોની પીડા ભોગવતા-ભોગવતા, પોતે કરેલ પાપોનો પસ્તાવો કરતા-કરતા કરેલ છે. ઇતિહાસ દ્વારા કોઈ વ્યક્તિ જો બોધ ગ્રહણ નથી કરતો તો તે પોતાના હાથે ખોટા કાર્યોની કાંટો થી ભરેલ પથારી તૈયાર કરે છે અને લોહીલુહાણ થાય છે. આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના માતાઓ-બહેનો અને કેટલાક ભાઈઓની પાસે એવા હજારો ઉદાહરણ છે કે જેઓએ અનેક અત્યાચારો સહન કર્યા. પરંતુ આ ભાઈ-બહેનોએ અંતિમ ઘડી સુધી પોતાના ઉપર અત્યાચાર કરવા વાળા પ્રત્યે નફરત ન કરી. રહમ દિલ બની તેમના પ્રત્યે શુભ ભાવના રાખી. તેમના પાપ કર્મોને ભૂલીને તમને માફ પણ કર્યા.
ઈશ્વરીય અભ્યાસ (પઢાઈ) ના લક્ષ મુજબ શ્રીલક્ષ્મીદેવી કે શ્રીનારાયણ દેવ તો અભ્યાસ પૂરો થયા બાદ બનીશું. પરંતુ વર્તમાન સમયે તો કરુણા દેવી, રહમ કુમાર બની જઈએ. પોતાની અંદર ચેક કરો કે મારામાં બીજા કોના-કોના પ્રત્યે કેટલી નફરત-ઈર્ષ્યા છે? કોની સાથે બદલો લેવાની મનમાં ગાંઠ વાળેલી છે?
રહમ ભાવ આ બધા દુષણોને સમાપ્ત કરી દે છે. દેશના રાષ્ટ્રપતિ જો રીઢા ગુનેગારને માફ કરી શકે છે તો શું શુભ ભાવનાથી ભરપૂર ભગવાનના બાળકો પોતાની આધ્યાત્મિક શક્તિનો પ્રયોગ કરીને, મન મોટાવ ભૂલીને પોતાના ભાઈઓને માફ ન કરી શકે! અન્નદાન, વસ્ત્રદાન, જ્ઞાનદાન આ બધાથી મોટું છે ક્ષમાદાન, રહમ તથા કરુણા દાન. ભગવાન શિવ કહે છે – ‘અજાણી દુઃખી આત્માઓ ઉપર રહમદિલ બનો. સાથે સાથે આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ માટે પણ રહમદિલ બનાવવાની આવશ્યકતા છે. દિલથી રહમની ભાવના અલબેલાપનને સમાપ્ત કરી દે છે. સાચા ભક્ત રહમ દિલ હોય છે, તેઓ પાપ કરવાથી ડરે છે. રહમની ભાવના પ્રેમ તથા દયા થી ભરપૂર હોય. જે ભગવાન ને સારું નથી લાગતું તેનાથી દિલ નો વૈરાગ્ય કરો.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
આજે 11 ઓગસ્ટ, શુક્રવારથી થિયેટરોમાં રિલીઝ થયેલી નવી હિન્દી ફિલ્મ ‘ઓ માય ગોડ 2’ના નિર્માતાઓએ 10 ઓગસ્ટ, ગુરુવારે મુંબઈમાં ફિલ્મના પ્રચાર માટે રેડ કાર્પેટનું આયોજન કર્યું હતું. તેમાં ફિલ્મનાં મુખ્ય કલાકારો – યામી ગૌતમ, પંકજ ત્રિપાઠી તથા અન્ય કલાકારો અને મિડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. (તસવીર, વિડિયોઃ માનસ સોમપુરા)
નવી દિલ્હીઃ અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસે કહ્યું હતું કે કંપની વિલ્મરમાં પોતાનો હિસ્સો નથી વેચી રહી. FMCG કંપની અદાણી વિલ્મરમાં સિંગાપોરમાં વિલ્મર ગ્રુપની સાથે સંયુક્ત સાહસમાંથી પોતાનો 44 ટકા હિસ્સો વેચી રહી છે, એવા અહેવાલોને અદાણીએ ખોટા ઠરાવ્યા હતા અને સ્પષ્ટીકરણ જારી કર્યું હતું.
અદાણી વિલ્મરનું માર્કેટ વેલ્યુયેશન 6.17 અબજ ડોલર છે અને એ 23 પ્લાન્ટો ધરાવે, જે 10 રાજ્યોમાં છે. અમે સ્પષ્ટતા કરવા ઇચ્છીએ છીએ કે કંપનીમાં અદાણી ગ્રુપે હિસ્યો વેચ્યાના અહેવાલો ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે. આ સાથે સેબીના લિસ્ટિંગના રેગ્યુલેશન 30 મુજબ જો જરૂર જણાશે તો અમે ચોક્કસ ખુલાસો કરીશું, એમ અદાણી ગ્રુપે જણાવ્યું હતું.
અહેવાલો મુજબ અદાણી ગ્રુપ કેટલાક મહિનાઓથી અદાણી વિલ્મરમાં પોતાનો 44 ટકા હિસ્સો વેચવા માટે વિચારી રહ્યું છે. હાલ અદાણીના શેરની કિંમતો આશરે 2.7 અબજ ડોલર છે. અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે વેચાણ પછી ગૌતમ અદાણી અને પરિવાર વ્યકિતગત ક્ષમતાથી કંપનીમાં લઘુમતી હિસ્સો જાળવી રાખશે. આ ન્યૂઝ બજારમાં ફેલાતાં અદાણી શેરોમાં ભારે ચડઊતર થઈ હતી. જોકે કંપનીએ વિલ્મરમાં હિસ્સો વેચ્યાના અહેવાલોનું ખંડન કર્યું હતું.
અહેવાલ પછી અદાણી વિલ્મરના શેરો બુધવારે ચાર ટકા ઘટીને બંધ થયા હતા. એ પછી ગઈ કાલે કંપનીનો શેર વધુ 1.30 ટકા ઘટ્યો હતો. અદાણી વિલ્મર ખાદ્ય તેલથી માંડીને લોટ, ચોખા-દાળ અને મસાલા જેવી ચીજવસ્તુઓનું વેચાણ કરે છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 47 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,96,198 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,920 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,62,773 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 47 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1505એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 29,358 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.41 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,57,191 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 462 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
સંસ્કૃતિ શબ્દની વ્યાખ્યા ક્યારે બદલાય? જયારે સંસ્કૃતિના પરિમાણો બદલાવા લાગે. એક સાવ કોરા સફેદ વસ્ત્ર પર જાત જાતના રંગો ચડવા લાગે. અને અંતે પોત કેવું હતું એ શોધવાનું અશક્ય થઇ જાય. નવું પોત લઇ લેવું કે પછી જુના પોત ને જ ફરી કોરું બનાવવું એની દ્વિધામાં જીવતી વ્યક્તિ રંગબેરંગી પોત પર અવનવા અખતરા કરતી રહે. અને પોત સફેદીથી વંચિત થતું રહે. વળી જેમના મનમાં જે આવે એવા સૂચનો પણ આપતા રહે. જાણે મૂળ પોત એમણે પોતે જ ન બનાવ્યું હોય.
એક વાર અવનવા રંગે રંગાયેલું પોત પાછુ સફેદ થાય ખરું? વિચાર અદ્ભુત છે પણ એવો વિચાર કોઈ કરે છે ખરું? કે પછી સારા દેખાવા માટે રોજ નવા રંગે રંગાવું એ જ જીવન ક્રમ બની જાય છે? જીવનમાં અવનવા રંગો ચડે તો જીવન રંગીન બને પણ સંક્સ્કૃતિ પર અવનવા રંગો ચડે તો શું થાય? ફરી સંસ્કૃત સમયની સચ્ચાઈ સમજવી જ પડે. પણ શું એના માટે સમય છે ખરો? માત્ર તાળીઓ પાડવાથી પતિ જાશે ખરું?
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપણે પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: એક ફિલ્મ આવી છે. લસ્ટ સ્ટોરીઝ. મને એમાં કોઈ સ્ટોરી જેવું ન લાગ્યું. પણ એમાંની વાર્તાઓ આપણી સંસ્કૃતિ માટે ઘાતક લાગી. એક વાર્તામાં એક દીકરીની દાદી એને સમજાવે છે કે જે પુરુષ સાથે શરીર મળે એની સાથે જ લગ્ન કરાય. પછી એ દીકરી જે છોકરો જોવા આવ્યો છે એની સાથે અલગ અલગ જગ્યાએ ટ્રાયલ લે છે. અને અંતે કહે છે કે હવે એ આકર્ષણ ઉભું થઇ ગયું છે. માનો કે પહેલા છોકરામાં એ સંતોષ ન મળ્યો. તો કેટલા ટ્રાયલ લેવાના? દીકરીની માનસિક સ્થિતિ, એનું સ્વાસ્થ્ય વિગેરેનો વિચાર જ નહિ. અન્ય એક વાર્તામાં કર્મના સિદ્ધાંતને પડકારવામાં આવ્યો છે. ચાર માંથી એક વાર્તા તો યાદ પણ નથી. આવી ફિલ્મની સફળતા આપણા સમાજની અભિરુચિ દર્શાવે છે. જે ફિલ્મનો વિરોધ કરવાનો હોય એ જ ચાલે છે. આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે? આપણી સંસ્કૃતિ શું માત્ર કાગળ પર જ છે? ઘરે ઘરે વ્યસન આવી રહ્યું છે. શું આવી પ્રજા ભારતનું ભવિષ્ય નક્કી કરશે?
જવાબ: સત્યની સમજણ હોવી અને ગમતી વાતને સત્ય માની લેવી એ બંનેનો ભેદ જયારે સમજાય ત્યારે સમાજને સાચી દિશા મળે છે. ફિલ્મો જોઇને જીવનના નિયમો ન બનાવાય. પણ હવે તો રીલ્સ પણ લોકોને જીવનના પાઠ ભણાવે છે. ટૂંકમાં ઊંડાણમાં જવાનો રસ ઓછો થઇ રહ્યો છે. મન મળે કે ન મળે શરીર મળવું જોઈએ એ કલ્પના કેટલી ઘાતક છે? અને જો શરીર ન રહ્યું તો? તો નવું શરીર? ભૂખ અને પ્રેમની સમજણ વિનાની વાત પણ ચાલી જાય છે. જો મન મળેલા હોય તો અર્ધા શરીર વાળી વ્યક્તિ સાથે પણ જીવન પસાર થઇ જાય. જે વ્યક્તિના જીવનસાથીની અન્ય જગ્યાએ નોકરી હોય એમનું શું? અમને શરીરની ભૂખ જાગે તો શું થાય? આપની ચિંતા યોગ્ય છે. મોર્ડન દેખાવાની ઘેલછામાં આપે આપણાપણાને ભૂલી રહ્યા છીએ. રીલ્સ બનાવવામાં વ્યસ્ત વડીલો પાસે સંસ્કાર આપવાનો સમય ઓછો થઇ રહ્યો છે. અને દિશાહીન યુવાનો એજ રીલ્સ માંથી સંસ્કાર અને સંસ્કૃતિ શોધી લે એવું પણ બને. કોઈ પણ કાયદો કે વ્યવસ્થા આમાં મદદરૂપ નહિ થાય. દરેક વ્યક્તિ પોતે પોતાની જવાબદારી સમજવા લાગશે ત્યારે જ કોઈ ચમત્કારની અપેક્ષા રાખી શકાશે. બસ આપના જેવા વિચારો ધરાવતા લોકો સમાજમાં વધતા રહે.
સવાલ: હું એક ગ્રુપમાં છું. એમાં જ્યોતિષ અને વાસ્તુના વિદ્વાનો વિમર્શ કરતા રહે છે. કોઈ પણ વિષય પર વાત થાય, અંતે ડરાવવાની વાત જ આવે. શું આપણા વિષયો માત્ર ડરાવવા માટે જ છે?
જવાબ: એ ગ્રુપમાં સાચું જ્ઞાન ધરાવતા લોકો કેટલા છે? જે વિષય જીવન સાથે જોડાયેલા છે. એની માહિતી સાવ મફતમાં ? અને એ પણ એવા લોકોના ગ્રુપ પાસેથી જેમના જ્ઞાન વિષે આપને કોઈ માહિતી જ નથી? તમે કોઈ ડોક્ટરોના એવા ગ્રુપમાં નહિ હો એવી ઈશ્વરને પ્રાર્થના. જીવનની ઉર્જા પ્રાપ્ત કરવા માટે જે વિષય બન્યા છે એ વિષય ને સમજવા માટે પણ આવા ગ્રુપમાં જોડાવું પડે? કે પછી જેમ સ્વસ્થ રહેવા સાચા ડોક્ટરને શોધવામાં આવે છે એવું જ કાઈ કરવું પડે?
સુચન: વાસ્તુશાસ્ત્ર જીવનની ઉર્જા સાથે જોડાયેલો વિષય છે. એના માટે સલાહકાર નિષ્ણાત હોય એ ખુબ જરૂરી છે.
15 ઓગસ્ટ આવી ગઇ છે. સ્વાતંત્ર્ય દિવસની આ સવારે દેશ આખાનું ધ્યાન એક જ જગ્યા પર હોય છેઃ દિલ્હીના લાલ કિલ્લા પર. 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લાના લાહોરી ગેટ પરથી તિરંગો ફરકાવ્યો ત્યારથી લઇને આજ સુધી આ ઐતિહાસિક દિવસે, આ ઐતિહાસિક સ્થળે વડાપ્રધાન તિરંગો ફરકાવે છે, અને રાષ્ટ્રજોગસંબોધન કરે છે.
પરંતુ સ્વતંત્ર ભારતના સાર્વભૌમત્વ અને સત્તાનું પ્રતીક બની રહેલા આ લાલ કિલ્લાનું મહત્વ ફક્ત આટલું જ નથી. પાંચમા મુઘલ સમ્રાટ શાહજહાંએ સત્તરમી સદીમાં, ઇ.સ. 1638માં પોતાની રાજધાની આગ્રાથી દિલ્હી ખસેડી અને 1639માં લાલ કિલ્લાનું નિર્માણ શરૂ કર્યું એ પછીથી એ મુઘલ શાસન અને મુઘલ સ્થાપત્યનું પ્રતીક બની રહ્યો છે, પણ સ્વતંત્રતા પછી ઇતિહાસ-સ્થાપત્યના સંશોધકો-વિદ્વાનોની સાથે સાથે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે પણ એ કાયમ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. દિલ્હીમાં કોઇ ફરવા આવે અને લાલ કિલ્લાની મુલાકાતે ન જાય એવું ન જ બને.
લાહોરી, મોરી, અજમેરી, તુર્કમાન, કશ્મીરી જેવા ગેટ (દરવાજા) ઉપરાંત દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, તશીબખાના અને બક્ષબાગ જેવાં લાલ કિલ્લાના પરંપરાગત આકર્ષણોમાં હવે ઉમેરો થયો છે રેડ ફોર્ટ સેન્ટર અને જયહિંદ સાઉન્ડ-લાઇટ શોનો. જૂલાઇ 2022 માં રેડ ફોર્ટ સેન્ટર અને હમણાં જાન્યુઆરી 2023માં સાઉન્ડ-લાઇટ શોનું ઉદઘાટન થયા પછી આ પ્રાચીન વિરાસતે જાણે નવા રંગ-રૂપ ધારણ કર્યા છે.
તમને યાદ હોય તો વર્ષ 2018માં કેન્દ્ર સરકારે હેરીટેજ સ્થાપત્યોની જાળવણી-સંવર્ધન માટે પ્રવાસન મંત્રાલય અને આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા-એએસઆઇ સાથે ‘મોન્યુમેન્ટ મિત્ર’ એવી યોજના બહાર પાડી ત્યારે દિલ્હીસ્થિત જાણીતા ઉદ્યોગ જૂથ દાલમિયા ભારતને લાલ કિલ્લાની જાળવણી-સંવર્ધનનું કામ મળેલું. આ માટે નરેન્દ્ર મોદી સરકાર હવે દેશની કિંમતી ધરોહર ખાનગી ઉદ્યોગોને વેચી રહી છે એ મતલબનો બહુ મોટો વિવાદ પણ થયેલો.
પરંતુ એ યાદ રહે કે દાલમિયા ભારત જૂથ પાસે લાલ કિલ્લાની જાળવણીનું કામ છે, એનો કબજો નથી. સ્વતંત્રતા પછી છેક વર્ષ 2003 સુધી તો એનો કબજો ભારતીય લશ્કર પાસે જ હતો. એ પછી આ કિલ્લો એએસઆઇને સોંપવામાં આવ્યો. આજે પણ કિલ્લો એએસઆઇ પાસે જ છે, દાલમિયા ભારત જૂથ તો 2018 પછી જ ચિત્રમાં આવ્યું છે. જૂથના નવીદિલ્હીસ્થિત કમ્યુનિકેશન વિભાગના ડેપ્યુટી જનરલ મેનેજર પૂજા ભારદ્વાજ ચિત્રલેખા સાથેની વાતચીતમાં કહે છે કે, ‘અમારા માટે આ બિઝનેસ નથી. લાલ કિલ્લામાં જે કાંઇ પ્રકલ્પો ગ્રુપ દ્વારા હાથ ધરાયા છે એ ગ્રુપના સભ્યતા ફાઉન્ડેશનની સીએસઆર પ્રવૃત્તિનો ભાગ છે.’
આ પ્રકલ્પો એટલે રેડ ફોર્ટ સેન્ટર અને સાઉન્ડ-લાઇટ શો. કિલ્લામાં 19મી સદીમાં બ્રિટીશરોએ એક બેરેક બનાવેલી. જર્જરીત થઇ ચૂકેલી આ બેરેક બિલ્ડીંગનું પુરાતત્વીય અને પર્યાવરણના નિયમોનો ભંગ ન થાય એ રીતે રિસ્ટોરેશન (સમારકામ) હાથ ધર્યા પછી આ સેન્ટર બનાવવામાં આવ્યું છે. લાલ કિલ્લાની મુલાકાતે જતી વખતે તમે સૌ પ્રથમ આ સેન્ટરની મુલાકાત લ્યો એટલે આખો લાલ કિલ્લો શું છે અને એનું મહત્વ શું છે એનો ખ્યાલ આવી જાય.
સેન્ટરમાં અતિઆધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એને શક્ય એટલું ઇન્ટએક્ટીવ બનાવવામાં આવ્યું છે, જેથી આપણા જૂના-પુરાણા મ્યુઝીયમ જેવો કંટાળો ન આવે. પહેલા માળે જે પ્રદર્શની છે એ સફર, જિંદગી, તારીખ અને હમ એક હૈ એમ જૂદા જૂદા વિભાગમાં વહેંચી નખાયેલ છે. સફર વિભાગમાં લાલ કિલ્લા અને શાહજહાંએ શાહજહાંબાદ વસાવ્યું એ પહેલાંનું દિલ્હી કેવું હતું એની ઓડિયો-વિઝ્યુઅલ ઝાંખી મળે છે. જિંદગી વિભાગમાં આવો એટલે કિલ્લાનું સ્થાપત્ય, મુગલ પરિવારની રહેણીકહેણી અને પરંપરાઓની સાથે કિલ્લાની વૈભવી જીવનશૈલીનો અંદાજ મળે. તારીખ વિભાગમાં ભારતીય ઇતિહાસની કેટલીક મહત્વની ઘટનાઓ વિશે જાણવા મળે તો હમ એક હૈ વિભાગમાં રેડ ફોર્ટ ભારતના એક કિલ્લા તરીકે અને ભારતીય વિવિધતાની એકતાના પ્રતીક તરીકે સરસ રીતે દર્શાવાયો છે. અહીં તમે ભારતીય એકતા-સંવાદિતાનું અદભૂત આર્ટ ઇન્સ્ટોલેશન જોઇ શકો અને આ એકતા માટે શપથ પણ લઇ શકો એવી વ્યવસ્થા છે!
આ સેન્ટરમાં ફરતાં ફરતાં જ તમે કિલ્લાના મુખ્ય નવ સ્થળની મુલાકાત લેતા હો એવું અનુભવી શકો. ઓગમેન્ટેટેડ રિઆલિટીની મદદથી ફોટોગ્રાફ લઇ શકો અને જાણે એ જ સ્થળ, એ જ કાળમાં તમે વિહરી રહ્યા હો એવું ફીલ કરી શકો.
એ પછી ડિસેમ્બર, 2022થી અહીં માતૃભૂમિ નામે એક નવો શો ઉમેરાયો છે. પ્રોજેક્શન મેપિંગની મદદથી આ શો મુલાકાતીઓને પ્રાચીન હરપ્પનકાળથી શરૂ કરીને વેદિક યુગ, મૌર્ય-ચૌલા અને ગુપ્તા વંશના ભારતની ઝલક આપે છે. સ્પિરિચ્યુઆલિટી, ફિલોસોફી, ગણિત, વિજ્ઞાન અને અર્થશાસ્ત્રમાં ભારતે કરેલી પ્રગતિનો અહેસાસ પણ આ શો કરાવે છે. સાથે સાથે ભારતીય હોવાનું ગૌરવ પણ થાય.
લાલ કિલ્લામાં ઉમેરાયેલું છેલ્લું નવું નક્કોર આકર્ષણ એટલે જયહિંદ સાઉન્ડ એન્ડ લાઇટ શો. આમ તો અગાઉ પણ અહીં સાઉન્ડ-લાઇટ શો હતો, પણ મર્યાદિત અર્થમાં. આ શોમાં સત્તરમી સદીથી લઇને અત્યાર સુધીના ભારતના ઇતિહાસનું કલાત્મક ચિત્રણ રજૂ કરાયું છે. પ્રોજેક્શન મેપિંગ, ફિલ્મ્સ, સાઉન્ડ ઇફેક્ટ, સ્ટેજ પર કલાકારોનું જીવંત પરફોર્મન્સ, નૃત્ય અને પપેટ્રી જેવા કલાના વિવિધ માધ્યમોનું યોગ્ય સંયોજન અહીં અદભૂત રીતે કરવામાં આવ્યું છે. દારા શિકોહ અને ઔરંગઝેબ વચ્ચેનું યુધ્ધ, મરાઠા સામ્રાજ્યનો ઉદય અને લાલ કિલ્લા પર એમનો કબજો, ઇ.સ. 1857નો વિપ્લવ, સ્વાતંત્ર્ય સંગ્રામ અને આઝાદી પછી ભારતે સતત સાધેલી પ્રગતિનું સરસ નિરુપણ કરાયું છે એમાં.
આ શોનું સૌથી મોટું આકર્ષણ એ છે કે એની કમેન્ટરી માટે અવાજ અમિતાભ બચ્ચને આપ્યો છે. વિખ્યાત નૃત્યાંગના અને કોરિયોગ્રાફર મૈત્રેયી પહારીએ ડિરેક્ટ કરેલા આ શોમાં વક્ત એટલે કે સમયની ભૂમિકામાં બચ્ચનસા’બ દર્શકોને નોબતખાના, દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસમાં ખેંચી જાય છે અને પછી પપેટ્રી આર્ટીસ્ટ તમારી સામે ઇ.સ. 1648માં લાલ કિલ્લાનું ઉદઘાટન થયું એ દ્રશ્ય ખડું કરે છે. કથક નૃત્ય તમને એ જમાનાની ઉજવણીમાં ખેંચી જાય છે, તો એ પછી સ્ટેજ પર તમારી સામે દીવાન-એ-ખાસ જીવંત થાય છે. વાયોલિનવાદક શરદચંદ્ર શ્રીવાસ્તવનું સંગીત, પપેટિયર દાદી પુદુમજી સહિત સાંઇઠ કલાકારો એક કલાકના આ શોથી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી દે છે. જાન્યુઆરી, 2023માં જ ગૃહમંત્રી અમિત શાહે આ શોનું ઉદઘાટન કર્યું હતું.
દાલમિયા ભારતના મેનેજિંગ ડિરેક્ટર પુનિત દાલમિયા કહે છે, ‘કલાકારોના જીવંત પરફોર્મન્સ અને હાઇ-ટેક પ્રોજેક્શન મેપિંગ ટેકનોલોજીના સમન્વયથી બનેલો ભારતની કોઇપણ હેરીટેજ સાઇટ પરનો આ પહેલો શો છે. ભારતના સમૃધ્ધ અને ગૌરવશાળી ઇતિહાસનું જીવંત નિદર્શન કરતો આ શો જોવા હું ખાસ કરીને દેશની સ્કૂલોના વિદ્યાર્થીઓને અપીલ કરું છું.’
અફકોર્સ, લાલ કિલ્લાની એન્ટ્રી ફી ચૂકવ્યા પછી તમારે આ સેન્ટર કે શો જોવા માટે અલગથી ફી ચૂકવવી પડે છે, પણ આ આવકમાંથી અમુક રકમ એએસઆઇને ચૂકવવામાં આવે છે, જ્યારે બાકીની રકમ એની જાળવણી-સંભાળ પાછળ ખર્ચવામાં આવે છે.
વેલ, આપણે ત્યાં એએસઆઇ હેઠળ આવતી મોટાભાગની હેરીટેજ સાઇટ્સની સ્થિતિ વિશે કાંઇ કહેવા જેવું તો નથી જ. બજેટ અને દેખભાળ ઉપરાંત નવી આઇડિયાઝના અભાવે સરકારી પેન્શન (એટલે કે ગ્રાન્ટ)થી નભતી આ સાઇટ્સ સ્થાપત્ય અને કલાની દ્રષ્ટિએ બેનમૂન હોવા છતાં ઉકરડાઓ સમાન રહી ગઇ હતી. આ સંજોગોમાં એનું ટેકનોલોજીની મદદથી નવીનીકરણ થાય અને પ્રવાસીઓ આવતા થાય તો એમાં ખોટું નથી.
વાત જ્યાં સુધી લાલ કિલ્લાની છે, તો લાલ કિલ્લો એ ફક્ત હેરીટેજ સાઇટ કે ફરવાનું સ્થળ નથી. એ ભારતની સ્વતંત્રતા અને શૌર્યનું પ્રતીક છે. એમાં સ્થાપત્યકલા ઉપરાંત એવું કાંઇક તત્વ છે, જે એને અન્ય પુરાતત્વીય સ્થાપત્યોથી અલગ ઓળખ આપે છે.
કદાચ એટલા માટે જ લાલ કિલ્લા માટે કવિઓએ ગાયું છેઃ
‘મેરા લાલ રંગ હિન્દ કે શહીદોં કી કુરબાની હે, મેરી શિખા પે લગા તિરંગા વીરોં કો મેરી સલામી હે હિન્દ દુલારોં લાલ રંગ મેરા આબાદ હી રહને દો, દીવારોં પર કાલિખ મત પોતો મુજકો આઝાદ હી રહને દો મૈં લાલ કિલા હૂં સિંઘાસન નહીં રાજ દરબારોં કા, મૈં પ્રતીક હૂં માતૃભૂમિ કા, ભારત કે રાજ દુલારોં કા...’
ચાલો ત્યારે, લાલ કિલ્લા પરથી સૌને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ!
કેતન ત્રિવેદી (નવી દિલ્હી)
લાલ કિલ્લાના સાઉન્ડ-લાઇટ શોની એક ઝલક માટે કરો ક્લિકઃ