ફરી એક વાર… શોલે

“ઈસ સ્ટોરી મેં ઈમોશન હૈ, રોમાન્સ હૈ, ટ્રેજેડી હૈ…”

રામગઢવાસીઓનાં ઘરમાં વૉટર સપ્લાય કરતી ટાંકી ઉપર ચડીને વીરુ આવું કહી રહ્યો હોય છે ત્યારે નીચે એનો દોસ્તદાર જય ઠંડા કલેજે રકાબીમાંથી ચા પી રહ્યો છે.

15 ઑગસ્ટ નજીક આવે ને દેશની આઝાદી, સ્વાતંત્રવીરોનાં બલિદાન બાદ યાદ આવે શોલે. આ 15 ઑગસ્ટે ‘શોલે’ને 48મું બેસશે. 48-48 વર્ષ પછી પણ નરેશકુમાર, પ્રફુલ્લકુમાર, જયવંતકુમાર, રઘુકુમારથી લઈને પરદેશમાં હેમલકુમાર, નિમેષકુમાર જેવા સિનેમાપ્રેમી એના વિશે ચર્ચા કરે એ કેવું, નહીં?

ગયા વર્ષે પૅન નલિનની દર્જેદાર ફિલ્મ ‘છેલ્લો શો’ના પ્રીમિયરમાં ‘શોલે’ના સર્જક રમેશ સિપ્પી મળી ગયા ત્યારે એમને મેં સવાલ કરેલોઃ “શૂટિંગ વખતે એવું લાગતું હતું કે તમે ઈતિહાસ સર્જી રહ્યા છો?”

જવાબમાં રમેશજી કહે, “અમે એક સરસ ફિલ્મ બનાવી રહ્યા છીએ એટલી ખબર હતી, પણ એ આવી હિસ્ટોરિકલ બની જશે એવો અંદેશો નહોતો.”

ઈન્ટરેસ્ટિંગ્લી, 1975માં 15 ઑગસ્ટે, રિલીઝના પહેલા જ દિવસે ‘શોલે’ ફ્લૉપ ડિકલેર થઈ. કારણ શોધતાં ખબર પડી કે અંતમાં જય ગુજરી જાય છે એ પ્રેક્ષકોને ગમ્યું નહેતું. લોકો ઈચ્છતા હતા કે રમેશ સિપ્પી વિધવા પુનર્વિવાહ જેવો પ્રગતિશીલ ટ્વિસ્ટ લાવશે. એમાં પાછું એ જ વર્ષે જાન્યુઆરીમાં આવેલી, સલીમ-જાવેદ લિખિત ‘દીવાર’માં પણ અમિતાભનું અવસાન થાય છે. એ અંત પણ પ્રેક્ષકોને ગમ્યો નહોતો ત્યાં સાત મહિના બાદ ‘શોલે’માં પણ પ્યારા ઍક્ટર-કૅરેક્ટરનું ડેથ થાય એ તેઓ ચલાવી લેવા માગતા નહોતા.

રિલીઝના બીજા દિવસે, શનિવારે મળેલી મહત્વની મિટિંગમાં આવી ચર્ચા થતાં અમિતાભે કહ્યું, “ચાલો, ક્લાઈમેક્સ પાછી શૂટ કરીએ, હું જીવતો રહીને ઠાકૂરની વિધવા પુત્રવધૂ રાધા સાથે સુખી સંસાર માંડું છું એવું દેખાડીએ.”

ફટાફટ યોજના ઘડાઈ ગઈઃ રવિવારે વહેલી સવારે અમુક લોકોએ (બેંગલોર નજીક) રામનગર જવું, હેપી એન્ડિંગના સીન શૂટ કરી નવી પ્રિન્ટ સોમવારે રિલીઝ કરવી. બેંગલોરમાં સાધનસામગ્રીના ઑર્ડર અપાઈ ગયા, બધું ગોઠવાઈ ગયું, ત્યાં…

…સૌ ઊભા થયા ત્યારે રમેશ સિપ્પી કહેઃ “એક મિનિટ…”

બધાંએ ડિરેક્ટર સામે જોયું. એ કહેઃ “આપણે સોમવાર સુધી રાહ જોઈએ. સોમવારે પણ આમ જ ચાલ્યું તો જેવી ફિલ્મની નિયતિ…”

-અને સોમવારે જે બન્યું એ કલ્પનાતીત હતું. પ્રેક્ષકોએ ટિકિટબારીના ભૂકા કાઢી નાખ્યા.

રામગઢના જમીનદાર ઠાકૂર બલદેવસિંહ (સંજીવકુમાર) ડાકુ ગબ્બરસિંહ (અમજદ ખાન)ને પકડવા બે યુવાનોને ભાડે રાખે એ આઈડિયા સલીમ-જાવેદે 1954માં જપાની ડિરેક્ટર અકીરા કુરોસાવાની ‘સેવન સમુરાઈ’ પરથી લીધેલો. ‘સેવન સમુરાઈ’ પરથી હોલિવૂડમાં ‘મેગ્નિફિસન્ટ સેવન’ (1960) બની, જેમાં નરાધમને પકડવા સાત જણને રોકવામાં આવે છે. રમેશ સિપ્પી-સલીમ-જાવેદે બેથી કામ ચલાવી લીધું.

જો કે ‘સેવન સમુરાઈ’નાં મૂળ-કુળવાળી ‘શોલે’ એકમાત્ર હિંદી ફિલ્મ નથી. અમિતાભની પહેલી ફિલ્મ ‘સાત હિંદુસ્તાની’નાં મૂળ પણ જપાનીસ ફિલ્મમાં હતાં. ખ્વાજા અહેમદ અબ્બાસ લિખિત વાર્તામાં ગોવાનાં મારિયા (શેહનાઝ વહાણવટી)ના કહેણ પર બિહારનો શાયર અન્વર અલી (અમિતાભ બચ્ચન) તથા વિવિધ ધર્મ, પ્રાંતના પાંચ બહાદુર યુવાનો ગોવામાં પોર્તુગીઝોએ કબજે કરેલા કિલ્લા તથા અન્ય મકાનો પર તિરંગો લહેરાવા પહોંચે છે.

આ સિવાય અન્ય ફિલ્મોઃ ‘શોલે’ રિલીઝ થઈ એના આગલા વર્ષે આવેલી ‘ખોટે સિક્કે’. એ પહેલાં 1971માં આવેલી રાજ ખોસલાની ‘મેરા ગાંવ મેરા દેશ’, સુભાષ ઘાઈની ‘કર્મા’ (1986), રાજકુમાર સંતોષીની ‘ચાઈના ગેટ’ (1998). બીજી પણ ઘણી હશે, પણ મારી પર્સનલ ફેવરીટ છે ‘ખોટે સિક્કે’.

ઐતિહાસિક ‘શોલે’ની જેમ ઍક્શન-ઈમોશન-કૉમેડી-ટ્રેજેડી ધરાવતી નરેન્દ્ર બેદી દિગ્દર્શિત ‘ખોટે સિક્કે’માં ચોરીચપાટી કરતા પાંચ મવાલીઃ ડૅની-રણજિત-નરેન્દ્રનાથ-સુધીર-પેન્ટલ મુંબઈથી કોઈ ગામડે જાય છે, ખૂનખાર ડાકુ જંગા (અજિત)થી ગામવાસીઓને બચાવવા. એમની સાથે જોડાય છે નામ વિનાનો એક બહાદુર યુવાન (ફિરોઝ ખાન). યસ. એમના કૅરેક્ટરનું નામ જ નહોતું. “કાળાં કપડાંમાં સજ્જ ઘોડેસવાર” એવું નામાવલિમાં આવતું.

અને ‘ખોટે સિક્કે’માં પંચમદાનું મ્યુઝિક. મજરૂહ સુલતાનપુરી રચિત, કિશોરદાનું આ સોંગ યાદ છે? “જીવન મેં તૂ ડરના નહીં, સર નીચા કભી કરના નહીં… હિંમત વાલે કો મરના નહીં…” કેવી મોટિવેશનલ પંક્તિ?

ભઈ, ‘ખોટે સિક્કે’ વિશે એક અલાયદા લેખનું આયોજન કરેલું છે. આજે તોઃ હેપી ઈન્ડિપેન્ડન્સ ડે, જય ભારત, જય ‘શોલે’!