બોલીવૂડના વિશ્વકર્માની આઘાતજનક વિદાય

આશરે સાડાત્રણ દાયકાની કારકિર્દીમાં એંસીથી વધુ ફિલ્મો, ડઝનબંધ ટીવીસિરિયલ્સ, ટીવીકાર્યક્રમ તથા ઍડફિલ્મ્સ માટે જાદુઈ સૃષ્ટિ ઊભી કરનારા નીતિન ચંદ્રકાંત દેસાઈએ બુધવારે (2 ઑગસ્ટ, 2023) આત્મહત્યા કર્યાના સમાચાર આવ્યા. આવું આત્યંતિક પગલું એમણે શું કામ લીધું એનાં ન પડતાં મારે અમારી મુલાકાત યાદ કરવી છે. હું એમને ‘ચિત્રલેખા’ની કવરસ્ટોરી માટે મળ્યો ત્યારે એ ‘જોધા અકબર’ તથા એમના મહત્વાકાંક્ષી ‘એનડી સ્ટુડિયો’ માટે સમાચારમાં હતા. તે વખતે અનિલ ધીરુભાઈ અંબાણીની રિલાયન્સે સ્ટુડિયોના વિસ્તરણ-વૈવિધ્યકરણ માટે આશરે 400 કરોડ રૂપિયા રોકીને એમાં સ્ટેક લીધેલો.

ઈશાન મુંબઈના પરા મુલુંડમાં આવેલી એમની ઑફિસ અને તે પછી કર્જતમાં આવેલા એનડી સ્ટુડિયો એમ બે પાર્ટમાં અમારો ઈન્ટરવ્યુ થયેલો. સાલસ સ્વભાવના નીતિનભાઉએ એમનો કરિયરગ્રાફ તથા આશરે બાવન એકરમાં આવા ગંજાવર સ્ટુડિયો ઊભો કરવાના સાહસનું કારણ સમજાવ્યાં.

૧૯૬૫ની છઠ્ઠી ઑગસ્ટની પરોઢે થાણાની એક હૉસ્પિટલમાં નીતિનનો જન્મ. પિતા મહારાષ્ટ્રના દાપોલી ગામથી મુંબઈ આવી વરલીની બીડીડી ચાલમાં દસ ફૂટ બાય દસ ફૂટની ઓરડીમાં રહીને ભણ્યા, બૅન્ક ઑફ મહારાષ્ટ્રમાં નોકરીએ લાગ્યા, અથાગ પરિશ્રમથી બ્રાન્ચ મૅનેજરના હોદ્દા સુધી પહોંચ્યા.

 

૧૯૭૦ના દાયકામાં માતા-પિતા પોતાનાં સંતાનને ડૉક્ટર-એન્જિનિયર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવવાનાં સપનાં જોતાં એ કાળમાં મીના અને ચંદ્રકાંત દેસાઈએ પુત્રને કલાવિદ્યા અપાવવાનું નક્કી કર્યું. એસએસસી બાદ નીતિને તળ મુંબઈની જે. જે. સ્કૂલ ઑફ આર્ટસમાં પ્રવેશ લીધો.

નીતિનને પહેલેથી ફોટોગ્રાફીમાં વધુ રસ. જે.જે.માંય એમણે ફોટોગ્રાફી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરેલું. એમનાં એક મામી બંગાળી પરિવારમાં પરણેલાં. એમણે નીતિનની ઓળખાણ તે વખતના મહાન આર્ટ ડિરેક્ટર નીતિશ રૉય સાથે કરાવી. હિંદી પિક્ચરની વાર્તામાં કંઈ એવું બને ને વાર્તા જોરદાર વળાંક લે એમ આ ઓળખાણ નીતિન માટે ટર્નિંગ પૉઈન્ટ સાબિત થઈ.

એક દિવસ નીતિશ રૉય મુલુંડ પહોંચ્યા નીતિનના ઘરે. એમણે એક ફિલ્મરોલ નીતિનને આપતાં કહ્યું કે ‘આમાં થોડા ફોટોગ્રાફ્સ છે. તું બને તો એમાં તારી રીતે સુધારાવધારા કરજે.’

 

એ ફોટોગ્રાફ્સ જયપુર મ્યુઝિયમમાં ચોરીછૂપીથી લેવામાં આવેલા. એમની કોઈ ફિલ્મના સેટ્સના રીસર્ચ માટે એ તસવીરો લેવામાં આવેલી. નીતિને પડકાર ઝીલી લીધો. ફોટોગ્રાફ્સ ડેવેલપ કર્યા. રિઝલ્ટ જોઈને નીતિશ રૉય ખૂબ ખુશ થયા. એમણે વાત વાતમાં જ યુવા નીતિનને હિંદી સિનેમામાં આવવાનું આમંત્રણ આપ્યું.

 તે પછી ૧૯૮૭-૮૮માં એક દિવસ નીતિશજીએ કહ્યું કે ‘એક સરસ પ્રોજેક્ટ પર કામ કરું છું. જોડાવું છે મારી સાથે?’ એ સરસ પ્રોજેક્ટ એટલે ગોવિંદ નિહલાનીની ટીવીસિરિયલ ‘તમસ.’

નીતિન ૧૩ દિવસ એમની સાથે રહ્યા. ઘરે જણાવેલું નહીં. 3-4 દિવસ બાદ એમણે ઘરે ફોન કરીને કહ્યું: ‘મારી ચિંતા ન કરશો. મને મારી દુનિયા મળી ગઈ છે…’ એમણે નક્કી કરી લીધું કે હવે જીવનમાં આ જ કરવું છે.

ફિલ્મમેકિંગ એટલે ટીમવર્ક. અને કલાદિગ્દર્શકનું કામ ઘણું મહત્ત્વનું. દિગ્દર્શક તથા ટેક્નિશિયનો સાથે ખૂબ ચર્ચા વિચારણા કરવી પડે, રીસર્ચ કરવું પડે ત્યારે કંઈક સર્જાય. નીતિનને આ બધું ગમવા માંડયું. ચંદ્રપ્રકાશ દ્વિવેદીની ‘ચાણક્ય,’ શ્યામ બેનેગલની ‘ડિસ્કવરી ઑફ ઈન્ડિયા,’ અમોલ પાલેકરની ‘મૃગનયની,’ નીતિશ ભારદ્વાજની ‘ગીતારહસ્ય’ જેવી કંઈકેટલીય સિરિયલોમાં લેખક-દિગ્દર્શકોની કલ્પનાને સાકાર કરી.

૧૯૮૯માં વિધુ વિનોદ ચોપડા ‘પરિંદા’ ફિલ્મ બનાવતા હતા. આમ તો આ ફિલ્મ મુંબઈના ઍક્ચ્યુઅલ લોકેશન્સ પર ચિત્રિત થયેલી, પણ ક્લાઈમેક્સમાં અનિલ કપૂર-માધુરી દીક્ષિત પાલવા બંદરના દરિયા પર ઊભેલી એક બોટમાં મધુરજની માણી રહ્યાં છે એ સીનમાં વિધુ વિનોદ મૂંઝાયા. એમણે ૪૮ જેટલી બોટ જોઈ હશે, પણ એકેય પસંદ ન પડી. પછી એમણે નીતિને બોટનો સેટ બનાવવાનું સૂચન કર્યું.

જો તમે ‘પરિંદા’ જોઈ હોય તો અંતભાગમાં આવતાં આ દૃશ્ય તમને યાદ હશે. ગેટ-વેની આસપાસ થર્ટી ફર્સ્ટ નાઈટના ઉત્સવનો માહોલ, એક સરસમજાની બોટ, બોટના બેડરૂમમાં બે જુવાન હૈયાં… કોઈ કહી ન શકે કે એ સાચકલી બોટ નહીં, બલકે સેટ હતો! સોનામાં સુગંધ ભળે એવું હતું સ્વર્ગસ્થ રેણુ સલુજાનું ચુસ્ત એડિટિંગ.

જો કે નીતિનને મોટો બ્રેક મળ્યો વિધુ વિનોદ ચોપડાની જ ‘૧૯૪૨: અ લવ સ્ટોરી’થી. શિમલાના ટાઉન સ્ક્વેરનો એ સેટ આજેય ચિત્રપટપ્રેમીઓને યાદ હશે. એ જમાનાનો સૌથી મોંઘો, પાંસઠ લાખ રૂપિયાનો સેટ મુંબઈના ફિલ્મસિટીમાં ખડો થયેલો. જો કે એ વખતે નીતિન જેવા નવા સેટડિઝાઈનરને આવો મહત્ત્વાકાંક્ષી સેટ બનાવવાનું કામ ન આપવાની સલાહ વિધુ વિનોદને અનેક લોકોએ આપેલી.

એ દિવસો યાદ કરતાં નીતિન ‘ચિત્રલેખા’ને કહેલું, હા, એક તબક્કે તો મારો કૉન્ફિડન્સ પણ હલી ગયેલો. વિધુ વિનોદ ઉત્તર ભારતમાં ચંબાથી લઈને શિમલા એમ બધે ફરી વળેલા, પણ શૂટિંગના લાંબા શિડચુઅલ માટે જોઈએ એવી જગ્યા ન મળતાં છેવટે સેટ બનાવવાનું નક્કી થયું. સેટ બનાવવાનો હતો એ ફિલ્મસિટીમાં હું જૂન મહિનામાં ગયો ત્યારે ભારે વરસાદના લીધે પાણી ભરાઈ ગયેલાં. આમાં સેટ કેવી રીતે બનાવવો? મને મૂંઝાયેલો જોઈ વિધુ વિનોદે કહ્યું, નીતિન, હું તને એક દિવસનો સમય આપું છું. વિચારી જો. તારાથી આ કામ થશે?’

‘એ આખી રાત મને ઊંઘ ન આવી, પણ પછી થયું કે આટલી મહેનત-રિસર્ચ કર્યાં છે એ બાતલ તો નહીં જ જાય…’

બીજે દિવસે બધા મળ્યા ત્યારે સૌની નજર નીતિન પર હતી. એ કયા શબ્દોમાં ના પાડશે એનો જ સૌને ઈન્તેજાર હતો, પણ સૌનાં આશ્ચર્ય વચ્ચે નીતિને કહ્યું: ‘હું સેટ બનાવીશ. આઈ એમ કૉન્ફિડન્ટ.’

-અને નીતિને બોલેલું પાળી બતાવ્યું. એમણે બ્રિટિશકાળના નૉર્થ ઈન્ડિયાના સુંદરમજાના હિલ સ્ટેશનનો હૂબહૂ ટાઉન સ્ક્વેર સરજ્યો. આ ફિલ્મ માટે નીતિનને અનેક એવૉર્ડ્સ મળ્યા.

અનેક ડિરેક્ટરો એવા છે, જે નીતિન સાથે જ ફિલ્મો બનાવતા. વિધુ વિનોદ ચોપડા (પરિંદા, ૧૯૪૨: અ લવ સ્ટોરી, કરીબ, મુન્નાભાઈ બીબીએસ, લગે રહો મુન્નાભાઈ, એકલવ્ય), સંજય લીલા ભણસાળી (ખામોશી, હમ દિલ દે ચૂકે સનમ, દેવદાસ), કેતન મહેતા (આર યા પાર, ડાર્લિંગ યે હૈ ઈન્ડિયા, મંગલ પાંડે, રંગરસિયા) મન્સૂર ખાન (જો જિતા વો હી સિકંદર, અકેલે હમ અકેલે તુમ, જોશ), આશુતોષ ગોવારિકર (લગાન, સ્વદેસ, જોધા અકબર અને છેલ્લે 2019માં પાણીપત), વગેરે…

આર્ટ ડિરેક્ટર અને પ્રોડક્શન ડિઝાઈનરમાંથી આટલા મોટા સ્ટુડિયોના માલિક, આટલું ટેન્શન એમણે શું કામ લીધેલું એની વાત કરતાં એમણે કહેલું- ‘થોડા સમય પહેલાં હોલિવૂડના વિખ્યાત ડિરેક્ટર ઑલિવર સ્ટોન એમની એલેક્ઝાન્ડર ફિલ્મ માટે લોકેશન શોધવા ભારત આવેલા. એમને કોઈ લોકેશન પસંદ ન આવ્યું. છેવટે અમે ફિલ્મસિટીમાં સેટ્સ બનાવવાનું નક્કી કર્યું, પણ એ એમને ન ગમ્યો. એ અમેરિકાભેગા થઈ ગયા, ભારતનાં દશ્યો એમણે વિદેશમાં શૂટ કર્યાં. મને બરાબરની ચાટી ગઈ. મેં નક્કી કર્યું કે ઈન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડનો એક સ્ટુડિયો મુંબઈમાં હું બનાવીશ. પરિણામ તમારી સામે છે. વિસ્તરણ બાદ તમે જોજો, અહીંનો નજારો…’

અમે સ્ટુડિયોની મુલાકાત લીધી ત્યારે એક ઑસ્ટ્રેલિયન સિનેમેટોગ્રાફર પોતાની ટીમ સાથે ઈનોવા કારની ઍડનું શૂટિંગ કરી રહ્યા હતા, બાજુના ફ્લોર પર સ્લમડૉગ મિલિયોનેરનો સેટ બની રહ્યો હતો. લાલ પથ્થરમાંથી બનેલો આગ્રા કિલ્લો (જોધા અકબર માટે) હતો, જે મૂળ કિલ્લા કરતાં પણ વધુ શાનદાર લાગતો હતો.

છૂટા પડતાં પહેલાં મારો છેલ્લો સવાલ હતોઃ

નીતિન ભાઉ, આ 400-500 કરોડ રૂપિયા ને એ બધું બરાબર, પણ ‘તમસ’ માટે કેટલા રૂપિયા મળેલા એ યાદ છે?

 ‘હા. નીતિશ રૉયને ત્યાં હતો ત્યારે મારો પગાર હતોઃ મહિને બે હજાર રૂપિયા!’

તસવીરોઃ પ્રકાશ સરમળકર (ચિત્રલેખા)