મુંબઈઃ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર ‘ઈન્ડિયા’નો ઉલ્લેખ દેશના બંધારણમાંથી દૂર કરવા વિચારે છે અને દેશનું સત્તાવાર નામ ‘ભારત’ કરવા માગે છે એવા અહેવાલો અને અટકળોને પગલે આજે દેશભરમાં જબરદસ્ત ઉત્સાહ, જુસ્સાનું મોજું ફરી વળ્યું છે. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ પોતાના પ્રત્યાઘાત આપવાનું ચૂક્યા નથી. એમણે સોશિયલ નેટવર્કિંગ સર્વિસીસ X અને ફેસબુક પર પોતાના હેન્ડલ પર પોસ્ટ મૂકીને લખ્યું છેઃ ‘ભારત માતા કી જય’ અને દેશના નામકરણ માટે પોતાનો ટેકો પ્રદર્શિત કર્યો છે. એમણે હિન્દીમાં”भारत माता की जय” લખ્યું છે અને તેની સાથે ભારતીય તિરંગાનું ઈમોટીકોન પણ દર્શાવ્યું છે.
બિગ બીની આ પોસ્ટ બાદ તરત જ નેટયૂઝર્સે એમની ખૂબ જ સરાહના કરી છે. તો કેટલાકે એમની ટીકા કરી છે. કોઈકે લખ્યું છે કે આ તો ‘પેઈડ ટ્વીટ’ છે તો કોઈકે એમને રાજકીય અભિપ્રાય માટે ‘કરોડરજ્જૂ વિનાના’ કહ્યા છે.
એવું મનાય છે કે કેન્દ્ર સરકાર દેશના બંધારણમાંથી ‘ઈન્ડિયા’ શબ્દને દૂર કરાવવા સંબંધિત ખરડા સંસદના આગામી વિશેષ સત્રમાં રજૂ કરશે. આ સત્ર આવતી 18-22 સપ્ટેમ્બરે બોલાવવામાં આવ્યું છે.
અમિતાભ હાલ ‘કૌન બનેગા કરોડપતિ’ ટીવી ગેમ-શોની નવી મોસમના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મ મોરચે, તેઓ ‘કલ્કી 2898 AD’ ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પદુકોણ સાથે અભિનય કરતા જોવા મળશે. આ ઉપરાંત તેઓ હોલીવુડની ‘ધ ઈન્ટર્ન’ ફિલ્મની હિન્દી રીમેક ‘સેક્શન 84’ ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે. એમાં દીપિકા પદુકોણ અને ડાયના પેન્ટી પણ છે.
ચાણક્ય એ કહ્યું છે કે…’શિક્ષક કભી સાધારણ નહીં હોતા..’ કારણ ગણિત, વિજ્ઞાન, ભાષા, મનોરંજન કે રમત ગમત માં નિષ્ણાત થવા માટે સારા શિક્ષકની જરૂર પડે છે.
શિક્ષણ ક્ષેત્રને સારો અને સાચો માર્ગ બતાવનારા શિક્ષકો ની સખત જરૂર પડે છે. કારણ પોતાના ક્ષેત્ર માં મોટા પદ પર બિરાજમાન માણસો પણ એ ઉંચાઈ સુધી પહોંચાડનારા એ શિક્ષકના એક વિચાર ને જીવનભર યાદ રાખે છે. 5 સપ્ટેમ્બર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ દિવસ છે.
સર્વપલ્લી રાધાકૃષ્ણન એક ઉમદા વિદ્યાર્થી અને શ્રેષ્ઠ શિક્ષક હતા. એમની યાદ માં ભારત માં 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિન ઉજવવામાં આવે છે. શાળા ઓ માં વિવિધ કાર્યક્રમો થાય છે. શિક્ષકો દિવસ ની ઉજવણી ના ભાગરૂપે કેટલીક શાળા ઓ ભવિષ્ય ના શિક્ષક તૈયાર કરવા તેમજ શિક્ષકો કેવી રીતે તૈયારી કરી વિદ્યાર્થીઓ ને ભણાવે છે..? એ માટે તેજસ્વી બાળકોને એક દિવસ માટે શિક્ષક બનાવે છે.
વિષયની રુચિ અને આવડત પ્રમાણે શિક્ષકની જેમ જ તૈયારી કરી વર્ગખંડમાં એક દિવસ માટે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્ય કરે છે. શ્રેષ્ઠ શિક્ષકો નું સન્માન પણ થાય છે.
અમદાવાદ શહેરના નારણપુરા માં વિજય નગર ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ માં વિદ્યાર્થીઓ ના નેતૃત્વમાં એ શૈક્ષણિક કાર્ય કર્યુ હતુ. આ સાથે ઘાટલોડિયા વિસ્તારની અક્ષર વિદ્યાલય ના પ્રાંગણ માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. શહેર રાજ્ય ની અનેક શાળાઓ ના શ્રેષ્ઠ શિક્ષકો નું સન્માન પણ કરવા માટે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું .
ન્યુ યોર્કઃ વિશ્વમાં વોટ્સએપના લાખો-કરોડો યુઝર્સ છે. વોટ્સએપમાં ફીચર્સ અને ઇન્સ્ટન્ટ મેસેજિંગ સહિત વિડિયો અને કોલિંગ જેવી સુવિધાઓને કારણે એપને પસંદ કરવામાં આવે છે. મેટાની માલિકીના વોટ્સએપને ભારત સહિત અનેક દેશોમાં ઘણી પસંદ કરવામાં આવે છે. જોકે કંપની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખે છે.
જોકે ભારતના IT નિયમ 2021 અનુસાર વોટ્સએપને દરેક મહિને માસિક ઇન્ડિયા રિપોર્ટને જારી કરવાનો રહે છે, જેમાં એ અકાઉન્ટ સામેલ હોય છે, જે કંપની દ્વારા બંધ કરવામાં આવે છે.IT નિયમ 2021ના પાલનમાં જુલાઈમાં ભારતમાં 72 લાખથી વધુ શંકાસ્પદ ખાતાંઓના રેકોર્ડ પર પ્રતિબંધ મૂક્યો હતો. રિપોર્ટ અનુસાર વોટ્સએપે પહેલી જુલાઈથી 31 જુલાઈ, 2023ની વચ્ચે ભારતમાં 72,28,000માંથી 31,08,000ને કોઈ પણ રિપોર્ટ પહેલાં સક્તિ રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. એક ભારતીત ખાથાની ઓળખ +91 દેશ કોડના માધ્યમથી કરવામાં આવે છે.
સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપના ભારતમાં 500 મિલિયનથી વધુ ઉપયોગકર્તાઓ છે. કંપનીના જણાવ્યાનુસાર ભારતમાં જુલાઈમાં એક વધુ રેકોર્ડ 11,067 ફરિયાદ રિપોર્ટ પ્રાપ્ત થયા હતા અને કાર્યવાહી રેકોર્ડ 72 હતા. “એકાઉન્ટ એક્શન્ડ” એ એવા અહેવાલોનો ઉલ્લેખ કરે છે જ્યાં કંપનીએ અહેવાલના આધારે ઉપચારાત્મક પગલાં લીધાં છે.વોટ્સએપ અનુસાર યુઝર સેફ્ટી રિપોર્ટ જણાવે છે કે કંપનીને કેટલી ફરિયાદો મળી છે અને પ્લેટફોર્મને સુરક્ષિત રાખવા માટે કંપની દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે.
મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની પસંદગી સમિતિના વડા અજિત આગરકરે આગામી વર્લ્ડ કપ-2023 માટે ભારતની ટીમની આજે જાહેરાત કરી છે. વર્લ્ડ કપ સ્પર્ધા ભારતમાં યોજાવાની છે.
ભારતીય પસંદગીકારોએ દેશની ટીમમાં સાત બેટર, ચાર બોલર, અને ચાર ઓલરાઉન્ડરને પસંદ કર્યા છે. કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐયર ઈજામાંથી સાજા થઈ ગયા બાદ ટીમમાં પાછા ફર્યા છે. મિડલ ઓર્ડર માટે ત્રણ બેટરમાંથી એકની પસંદગી કરવાની હતી – સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને વિકેટકીપર-બેટર સંજુ સેમસન. એમાં 32 વર્ષીય યાદવે બાજી મારી છે. યાદવ જોકે છેલ્લા 18 દાવમાં માત્ર એક જ અડધી સદી કરી શક્યો છે.
વર્લ્ડ કપ સ્પર્ધા પાંચમી ઓક્ટોબરથી શરૂ થશે. પહેલી મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે – ગઈ વેળાની ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડ અને રનર્સ-અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે. ભારતની પહેલી મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમાશે – ઓસ્ટ્રેલિયા સામે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે. સ્પર્ધાની પહેલી સેમી ફાઈનલ (નંબર1 અને નંબર4 ટીમ વચ્ચે) 15 નવેમ્બરે મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બીજી સેમી ફાઈનલ (નંબર 2 અને નંબર 3 વચ્ચે) 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે. બધી મેચો ડે-નાઈટ હશે અને બપોરે બે વાગ્યાથી શરૂ થશે.
‘વન નેશન વન ઇલેક્શન’ માત્ર ચર્ચાનો વિષય નથી પરંતુ ભારતની જરૂરિયાત છે. દર થોડા મહિને ક્યાંક ને ક્યાંક ચૂંટણી યોજાઈ રહી છે. જેના કારણે વિકાસ કાર્યોને અસર થાય છે. નવેમ્બર 2020 માં, પીએમ નરેન્દ્ર મોદીએ 80મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે આ વાત કરી હતી.
હવે લગભગ 3 વર્ષ પછી, 1 સપ્ટેમ્બર 2023 ના રોજ, સરકારે વન નેશન વન ઇલેક્શન પર એક સમિતિની રચના કરી છે. તેના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હશે. એવી ચર્ચા છે કે 18 થી 22 સપ્ટેમ્બરના વિશેષ સત્રમાં આ અંગે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે અહીં એ જાણવું જરૂરી છે કે વન નેશન વન ઇલેક્શ છે શું ? અને એને લઈને આટલી ચર્ચા શુ કામ થઈ રહી છે.
‘વન નેશન વન ઇલેક્શન’ શું છે
હાલમાં ભારતમાં, રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. વન નેશન વન ઇલેક્શનનો અર્થ એ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ. એટલે કે, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરશે.
એક રાષ્ટ્ર-એક ચૂંટણીની પરંપરા તૂટી..
આઝાદી પછી, 1952, 1957, 1962 અને 1967 માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી, પરંતુ 1968 અને 1969 માં, ઘણી વિધાનસભાઓ સમય પહેલા ભંગ કરવામાં આવી હતી. અમે ત્યાર પછી 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી. જેના કારણે એક રાષ્ટ્ર-એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ હતી.
કરોડો રૂપિયાની થઈ શકે છે બચત
મે 2014માં કેન્દ્રમાં મોદી સરકાર સત્તામાં આવી ત્યારે તરત જ એક દેશ અને એક ચૂંટણીને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ડિસેમ્બર 2015માં કાયદા પંચે વન નેશન-વન ઇલેક્શન પર એક રિપોર્ટ રજૂ કર્યો હતો. કહેવામાં આવ્યું હતું કે જો દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થાય તો કરોડો રૂપિયાની બચત થઈ શકે છે. આ ઉપરાંત ચૂંટણીની આચારસંહિતાની વારંવાર અમલવારી ન થવાના કારણે વિકાસના કામોને પણ અસર નહીં થાય. દેશમાં દર મહિને ચૂંટણી થાય છે અને તેમાં ખર્ચ થાય છે. આચારસંહિતા લાગુ થવાને કારણે અનેક વહીવટી કામો પણ ઠપ્પ થઈ ગયા છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને 2015માં દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની ભલામણ કરવામાં આવી હતી. જૂન 2019માં પહેલીવાર પીએમ મોદીએ આ મુદ્દે ચર્ચા કરવા માટે તમામ પક્ષો સાથે ઔપચારિક રીતે બેઠક બોલાવી હતી. જો કે અનેક પક્ષોએ વિરોધ નોંધાવ્યો હતો.
વન નેશન વન ઇલેક્શન લાગુ કરવું શક્ય છે
નિષ્ણાંતોના મત અનુસાર વન નેશન વન ઈલેક્શનને લઈને બે મુદ્દા સામે આવે છે એક તો સંસદ કાયદો બનાવી શકે છે અથવા તેને બે તૃતીયાંશ રાજ્યોની સંમતિની જરૂર પડશે. જો અન્ય રાજ્યોમાંથી સંમતિ લેવાની જરૂર પડશે, તો મોટાભાગની બિન-ભાજપ સરકારો તેનો વિરોધ કરશે. સંસદમાંથી પસાર કરાવીને જ કાયદો બનાવવો શક્ય બને તો પણ ઘણી મુશ્કેલીઓ આવશે. જેમ કે- એક સાથે ચૂંટણી ક્યારે યોજવી જોઈએ? જે રાજ્યોમાં હમણાં જ ચૂંટણી થઈ છે ત્યાં શું થશે? એ સ્પષ્ટ છે કે ઘણા કાયદાકીય અવરોધો ઉભા થવાના છે. કાનૂની આધારો પર આ સમસ્યાનું સમાધાન શક્ય નથી. આ માટે અન્ય રાજ્યોની સંમતિ ખૂબ જ જરૂરી છે.
દેશમાં વન નેશન વન ઇલેક્શન કેવી રીતે લાગુ કરી શકાય
કાયદા પંચે એપ્રિલ 2018માં આ સંદર્ભમાં એક જાહેર નોટિસ જારી કરી હતી જેમાં સુધારાની વિગતો આપવામાં આવી હતી. કાયદા પંચના જણાવ્યા અનુસાર, વન નેશન વન ઇલેક્શનનો પ્રસ્તાવ બંધારણની કલમ 328ને પણ અસર કરશે, જેના માટે મહત્તમ રાજ્યોની મંજૂરી લેવી પડી શકે છે. બંધારણના અનુચ્છેદ 368(2) મુજબ, આવા સુધારા માટે ઓછામાં ઓછા 50% રાજ્યોની મંજૂરી જરૂરી છે, પરંતુ તે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ હેઠળ દરેક રાજ્યની વિધાનસભાની સત્તા અને અધિકારક્ષેત્રને અસર કરી શકે છે. માટે આ બાબતે તમામ રાજ્ય વિધાનસભાઓની મંજૂરીની જરૂર પડી શકે છે. આ પછી જનપ્રતિનિધિત્વ અધિનિયમ સહિત અન્ય ઘણા કાયદાઓમાં સુધારા કરવા પડશે.
શિક્ષણનો હેતુ એવી વ્યક્તિઓનું સર્જન કરવાનો છે કે જેમનું વ્યક્તિત્વ સંપૂર્ણપણે ખીલ્યું હોય,એવી શાંતિમય વ્યક્તિઓ જેઓ દુનિયા અને તેમની આસપાસના સમાજ માટે વિશાળ પરિકલ્પના કરવા ઘડાયા હોય.બાળકનું ભણતર સર્વગ્રાહી હોવું જોઈએ,અને નહીં કે તેના પર માહિતી થોપી દેવાની પ્રક્રિયા.
વર્ગમાં ઉપસ્થિત રહેવાનો અર્થ એ નથી થતો કે બાળક ભણી રહ્યું છે. આપણે બાળકના મન અને શરીર બન્નેના સંપૂર્ણ વિકાસ પર ધ્યાન આપવું જોઈએ અને સાથે સાથે તેનામાં બધાની સાથે આત્મીયતાની ભાવના,અન્યો સાથે વહેંચવાની ભાવના,અન્યો સાથે પ્રેમથી વર્તવાની અને તેમની કાળજી કરવાની ભાવના,અહિંસા અને શાંતિ જેવા માનવીય મુલ્યો પણ રોપવા જોઈએ.
પ્રાચીન ગુરુ શિષ્ય પરંપરાના ભાગરુપે એક સુંદર અભિગમ હતો જેને આજે ફરી અપનાવવો જોઈએ.એક સારો શિક્ષક હંમેશા એવું ઈચ્છતા કે તેમનો વિદ્યાર્થી જીતે.અને એક સારો વિદ્યાર્થી શિક્ષક, કે જે બૃહદ મનના પ્રતિનિધિ છે તે, જીતે એવું ઈચ્છતો.વિદ્યાર્થી જાણતો કે તેના લઘુ મનની જીત માત્ર દુખ લાવશે, જ્યારે બૃહદ મનની જીત સારા પરિણામ જ લાવશે.આને લીધે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે એક મજબૂત સંબંધ બંધાતો જેમાં તેઓ બન્ને વિદ્યાર્થીની વિકાસયાત્રામાં એકબીજા પર સંપૂર્ણ વિશ્વાસ રાખતા.
એક સારા શિક્ષકમાં ભરપૂર ધીરજ હોવી જોઈએ.શિક્ષકની ધીરજ વિદ્યાર્થીના જીવનમાં ચમત્કારો સર્જી શકે છે,તે શીખવામાં થોડા ધીમા હોય તો પણ. ઘેર માતા પિતાએ એક કે બે જ બાળકોનું ધ્યાન રાખવાનું હોય છે,જ્યારે શિક્ષકોએ ભરચક વર્ગના વિદ્યાર્થીઓનું.સમજી શકાય છે કે શિક્ષકો માટે આ કેટલું તનાવયુક્ત અને અઘરું હોઈ શકે છે.આથી શિક્ષકોએ વધારે સંતુલિત રહેવાની જરૂર હોય છે. ધ્યાન અને પ્રાણાયામ જેવી પ્રક્રિયાઓ શિક્ષકોને શાંત અને સંતુલિત બની રહેવામાં ખૂબ સહાયરૂપ નીવડી શકે છે.આ અગત્યનું છે કારણ કે વિદ્યાર્થીઓ શિક્ષકોનું અવલોકન કરતા હોય છે અને સતત તેમનામાંથી શીખતા હોય છે.
આજે શિક્ષકો માટે એ સમજવું બહુ જરૂરી છે કે દરેક વિદ્યાર્થી કયા સ્તરે છે અને તે સ્તરથી અંતિમ લક્ષ્ય સુધી દરેક ડગલે તેમને માર્ગદર્શન આપવું જરૂરી છે. આ બાબત આપણે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શીખી શકીએ છીએ,જે રીતે તેઓ અર્જુનને ધીરજ અને પ્રેમથી અંતિમ લક્ષ્ય સુધી ડગલે અને પગલેથી લઈ ગયા. શરુઆતમાં અર્જુન દ્વિધામાં હતો અને તેને અનેક પ્રશ્નો ઉઠતા હતા.જેમ જેમ વિદ્યાર્થીનો વિકાસ થાય છે તેમ તેમ તેને પુષ્કળ દ્વિધા થવી સ્વભાવિક છે કારણ કે તેની માન્યતાઓ તૂટતી જતી હોય છે. દા.ત.,આપણે એવું શીખીએ છીએ કે સૂર્ય પૂર્વમાં ઊગે છે.પછીથી આપણે ગ્રહો કેવી રીતે ફરે છે તે શીખતા હોઈએ છીએ.તો, આ બાબતે વિદ્યાર્થીઓના મનમાં ઉઠતા પ્રશ્નોના ઉત્તર આપવા એક સારો શિક્ષક પ્રાપ્ય રહે છે.એક સારા શિક્ષકને આનો ખ્યાલ હોય છે અને તેથી વિદ્યાર્થીને તેની દ્વિધામાં માર્ગદર્શન આપે છે.અને જ્યારે જરૂરી હોય ત્યારે દ્વિધા ઉત્પન્ન પણ કરે છે.
શિક્ષકોએ એક નાજુક સંયોજન માટે પ્રયત્ન કરવા જોઈએ-પ્રેમ સાથે સખ્તાઈ.કેટલાક શિક્ષકો ખૂબ પ્રેમાળ હોય છે અને બીજા કેટલાક માત્ર કડક હોય છે. કેટલાક બાળકો બંડખોર હોય છે,જ્યારે કેટલાક ડરપોક અને શરમાળ.બંડખોરને પ્રોત્સાહનની જરૂર હોય છે,તેની પીઠ થાબડવાની જરૂર હોય છે.તેમની સાથે પ્રેમ, દરકાર અને આત્મીયતા દાખવવાની જરૂર હોય છે.પરંતુ જે બાળકો ડરપોક અને શરમાળ હોય છે તેમની સાથે તમે થોડી સખ્તાઈ કરી શકો છો જેથી તેઓ ખુલીને બોલતા થઈ શકે.તેમની સાથે કડક થાવ અને પ્રેમાળ પણ.ઘણી વાર આપણે આનાથી વિપરીત કરતા હોઈએ છીએ. શિક્ષકો બંડખોર બાળકો સાથે કડકાઈથી વર્તે છે અને શરમાળ સાથે નાજુકતાથી. એનાથી આ લોકોના વર્તનની ઢબ સુધરશે નહીં. તમારે કડક અને મીઠા બન્ને થવાની જરૂર હોય છે,નહીંતર તમે વિદ્યાર્થીને જે માર્ગે લઈ જવા ઈચ્છો છો તે માટે માર્ગદર્શન નહીં આપી શકો.
નવી દિલ્હીઃ શિક્ષક દિવસ ઘણું મહત્વ ધરાવે છે, કારણ કે તમામ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમના તમામ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા અને આદર દર્શાવે છે. સમાજના વિકાસમાં શિક્ષકોના અવિશ્વસનીય યોગદાન માટે આ દિવસે તેમનું સન્માન કરવામાં આવે છે.
પંજાબના ફાજિલ્કા જિલ્લાનું ડંગર ખેડા ગામ ભારત-પાકિસ્તાન સરહદથી માત્ર 15 કિમી દૂર છે અને આસપાસનાં અન્ય ગામો માટે પ્રેરણાસ્રોત છે. આ ગામની વસતિ 6500ની છે અને એ ગામ 1614 ડેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ ગામમાં 1100 પરિવારો છે અને આ પરિવારોએ દેશને 450થી વધુ સરકારી કર્મચારીઓ આપ્યા છે. અને ખાસ વાત એ છે કે એમાંથી 250 નવા ભારતની કિસ્મત લખનારા સરકારી ટીચર્સ છે.
એક ઓટો ડ્રાઇવર, જેનો પુત્ર પ્રાઇમરી સ્કૂલોમાં શિક્ષક છે. એક ટ્રેક્ટર ડ્રાઇવર કે જેનો પુત્ર BSFમાં છે અને પુત્રી પ્રાઇમરી ટીચર છે. અહીં સકારાત્મક એનર્જી આપતી આવી અનેક વાર્તાઓ છે. પાકિસ્તાન સરહદથી માત્ર 15 કિલોમીટર દૂર પંજાબના ફાઝિલ્કા જિલ્લામાં આવેલા ડંગર ખેડા ગામની વાત જ ન્યારી છે.
અકાઉન્ટ્સ અને બિઝનેસ સ્ટડીઝનું શિક્ષણ આપનાર એક ટીચર સુરિન્દર કુમાર કહે છે કે ડંગર ખેડાનું નામ બદલીને અધ્યાપક ખેડા કરી દેવું જોઈએ. અમારું ગામ એક ફેક્ટરીની જેમ છે, જ્યાંથી ટીચર્સ બહાર નીકળે છે.
આ ગામમાં બે કોચિંગ સેન્ટર્સ અને પાંચ પેડ રીડિંગ રૂમ્સ છે, જે 24 કલાક ખુલ્લા રહે છે. ગામનાં સરપંચ સોનિયા જણાવે છે કે આ રીડિંગ રૂમ્સમાં વિવાહિત મહિલાઓ પણ અભ્યાસ કરવા માટે આવે છે. આ ડંગર ખેડા ગામમાં એક સરકારી પ્રાઇમરી અને એક સરકારી સિનિયર સેકન્ડરી સ્કૂલ છે. અહીં 1200 વિદ્યાર્થીઓ શિક્ષણ લે છે. આ સિવાય અહીં કોઈ ખાનગી સ્કૂલ નથી.
બોટાદ: સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજી દાદાની 54 ફૂટ ઊંચી પ્રતિમા નીચેના ભીંતચિત્રોને ગઈ કાલે રાત્રો દૂર કરી દેવામાં આવ્યાં છે. ગઈ કાલે સ્વામિનારાયણ સંતો દ્વારા ભીંતચિત્રો હટાવવાની જાહેરાત કર્યા બાદ સૂર્યોદય પહેલાં વિવાદસ્પદ ચિત્ર હટાવી દેવામાં આવ્યાં છે. આ સાથે કુંડળમાંથી પણ ફળાહાર આપતા હનુમાનજીની મૂર્તિ હટાવી લેવામાં આવી છે આ ભીંતચિત્રો હટાવી લેવામાં આવતાં હવે આ વિવાદનો સુખદ અંત આવ્યો છે. સનાતન ધર્મના સાધુ-સંતોએ પણ આ નિર્ણયને આવકાર્યો છે તો ભક્તોએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી છે.
રાજ્યના CM સાથે મળેલી બેઠક બાદ ગઈ કાલે રાત્રે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની અમદાવાદમાં એક બેઠક મળી હતી. આ બેઠક બાદ સંતોએ પત્રકાર પરિષદ કરી ભીંતચિત્રો હટાવવાની જાહેરાત કરી હતી. ગઈ કાલે રાત્રિ દરમિયાન આ ભીતચિંત્રોને દૂર કરી નવાં ચિત્રો લગાવવામાં આવ્યાં છે.
બીજી બાજુ લીંબડીમાં સનાતન ધર્મના સાધુ-સંતોની આજે બેઠક મળી છે. સાધુ-સંતો અને મહંતોનું મહાસંમેલન લીંબડીના મનદીપ પાર્ટી પ્લોટમાં મળ્યું છે. જેમાં દેશ સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સંતો, મહંતો સહિત અલગ અલગ ધાર્મિક જગ્યાના મહામંડલેશ્વરો મોટી સંખ્યામાં સંમેલનમાં હાજરી આપી છે. સાળંગપુર હનુમાનજી મૂર્તિ વિવાદનો અંત આવ્યો હોવા છતાં મહાસંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની અન્ય ધર્મો વિશે માનસિકતા અને અપમાનજનક નિવેદનો અંગે વિચારવિમર્શ કરવામાં આવી રહ્યો છે. આ બેઠકમાં 20 ઠરાવ પસાર કરવામાં આવ્યા છે.
આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો દ્વારા સાળંગપુર મુદ્દે માફી માગવા અંગે પણ ચર્ચા કરાશે. આ સંમેલનમાં જ્યોર્તિનાથજી મહારાજ, દિલીપદાસજી મહારાજ, ઋષી ભારતીબાપુ, લલિત કિશોર દાસજી, ગંગા દાસજી, રોકડિયાનાથ બાપુ, શેરનાથ બાપુ, દુર્ગા દાસબાપુ, રામેશ્વર હરિયાણી બાપુ સહિતના મહામંડલેશ્વર અને સંતોની હાજરી છે. આ ઉપરાંત ટ્રસ્ટ, NGO,સં ગઠન અને જ્ઞાતિ આગેવાનો સહિત 2000થી વધુ લોકો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 28 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,97,400 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,32,0323 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,64,883 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 25 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 494એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 33,172 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.48 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,68,243 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 144 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
વોશિંગ્ટનઃ અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બાઈડનનો કોવિડ-19 ચેપનો રિપોર્ટ ગઈ કાલે પોઝિટીવ આવ્યો હતો, પરંતુ એમનામાં આ બીમારીના માત્ર હળવા લક્ષણો જોવા મળ્યા છે, એમ તેમનાં મહિલા પ્રવક્તાએ કહ્યું છે. પત્ની કોરોના પોઝિટીવ થયાં બાદ યૂએસ પ્રમુખ જો બાઈડનની પણ મેડિકલ ટેસ્ટ કરવામાં આવી હતી, પરંતુ એમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. વ્હાઈટ હાઉસ તરફથી જણાવવામાં આવ્યું છે કે ફર્સ્ટ લેડી ડેલાવેરના રેહોબોથ બીચ ખાતેનાં એમનાં નિવાસસ્થાને જ રહેશે અને આરામ કરશે. પ્રમુખ બાઈડન નિયમિત રીતે ટેસ્ટિંગ કરાવતા રહેશે અને ડોક્ટરો એમના લક્ષણો ઉપર પણ સતત નિરીક્ષણ રાખશે.
જિલ બાઈડનને ગયા ઓગસ્ટમાં પણ કોરોના થયો હતો. એ વખતે તેઓ સાઉથ કેરોલીનામાં વેકેશન માણવા ગયાં હતાં. પ્રમુખ બાઈડનને ગયા જુલાઈમાં કોરોના થયો હતો.
ઉલ્લેખનીય છે કે પ્રમુખ બાઈડન G20 શિખર સંમેલનમાં હાજરી આપવા માટે આવતી 7 સપ્ટેમ્બરે ભારતના પ્રવાસે જવાના છે. ત્યાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરવાના છે. ભારત G20 શિખર સંમેલનનું હાલ એક વર્ષ માટે વૈશ્વિક યજમાન છે. G20 સંમેલન 9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાવાનું છે.