ASEAN-ભારત સમિટ 2023: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે યોજાનારી 20મી ASEAN-ભારત સમિટ અને 18મી પૂર્વ એશિયા સમિટ માટે જકાર્તા, ઇન્ડોનેશિયાની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયના સચિવે કહ્યું કે G20 સમિટ દિલ્હીમાં યોજાવા જઈ રહી છે. આ કારણે પીએમ મોદીની આ ટૂંકી મુલાકાત હશે. વાસ્તવમાં, G-20 સમિટ શનિવાર અને રવિવારે ભારતની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે.
આસિયાનમાં કેટલા દેશો છે?
આસિયાનના 10 સભ્ય દેશો છે. આ દેશો છે- બ્રુનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઈન્સ, સિંગાપોર, થાઈલેન્ડ અને વિયેતનામ. તેની સ્થાપના 8 ઓગસ્ટ, 1967ના રોજ થઈ હતી.
મુંબઈઃ પડોશના થાણે શહેરના ટ્રાફિક વિભાગના નાયબ પોલીસ કમિશનર ડો. વિનય રાઠોડના જણાવ્યા મુજબ, શહેરમાં દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સને માર્ગ કરી આપવા માટે જે વાહનચાલકો સિગ્નલ તોડશે એમને દંડ ફટકારવામાં નહીં આવે. અત્યાર સુધી આવા વાહનચાલકોને ખોટી રીતે દંડ કરવામાં આવતો હતો. હવે એમને પેનલ્ટી કરવામાં નહીં આવે. સાઈરન વગાડતી એમ્બ્યુલન્સને માર્ગ કરી આપવાની વાહનચાલક નાગરિકોની ફરજ છે અને એ માટે જો તેઓ લાલ સિગ્નલને તોડશે કે સિગ્નલ લાઈનને પાર કરીને માર્ગ કરી આપશે તો એને ટ્રાફિક નિયમનો ભંગ ગણવામાં નહીં આવે.
(પ્રતીકાત્મક તસવીર)
મુંબઈમાં, વરલી વિસ્તારમાં ટ્રાફિક મુખ્યાલય ખાતે ઈલેક્ટ્રોનિક એન્ફોર્સમેન્ટ વિભાગ શરૂ કરાયો છે. તે રેડ લાઈટ વાયોલેશન ડીટેક્શન કેમેરાનો ઉપયોગ કરે છે. જે વાહનચાલકો સિગ્નલ તોડે કે ટ્રાફિક નિયમનો ભંગ કરે તેઓ આ કેમેરામાં ઝડપાઈ જાય છે. તરત જ વાહનચાલક સામે ઈ-ચલન બની જાય છે. આ કેમેરા વાહનના રજિસ્ટ્રેશન નંબરને ઓળખી કાઢે છે અને તેને પગલે ટ્રાફિક વિભાગ સંબંધિત વાહનચાલકને ઈ-ચલન ઈસ્યૂ કરે છે.
મુંબઈઃ અમેરિકામાં સ્પોટ બિટકોઇન ઈટીએફ સંબંધે અનિશ્ચિતતા પ્રવર્તતી હોવાથી વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટ ફ્લેટ રહી હતી. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.28 ટકા (97 પોઇન્ટ) ઘટીને 33,854 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,951 ખૂલીને 33,973ની ઉપલી અને 33,488 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના મોટાભાગના કોઇન ઘટ્યા હતા, જેમાંથી યુનિસ્વોપ, શિબા ઇનુ, લાઇટકોઇન અને સોલાના મુખ્ય ઘટેલા કોઇન હતા. પોલીગોન, ડોઝકોઇન, ટ્રોન અને બીએનબીમાં સુધારો થયો હતો.
દરમિયાન, ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ બાયબિટે ટ્રેડજીપીટીની શરૂઆત કરી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત આ ટૂલની મદદથી યુઝર્સ વધુ સારી રીતે ટ્રેડિંગ કરી શકશે. બીજી બાજુ, દક્ષિણ કોરિયાની કેઈબી હાના બેન્કે કસ્ટડી સર્વિસ પૂરી પાડવા માટે ક્રીપ્ટોકરન્સી પ્લેટફોર્મ બિટગોની શરૂઆત કરી છે.
શ્રીલંકાના ભૂતપૂર્વ, મહાન અને વિશ્વ વિક્રમસર્જક ઓફ્ફ સ્પિનર મુથૈયા મુરલીધરનના જીવન સંઘર્ષ પરથી બનાવવામાં આવેલી ફિલ્મ ‘800 ધ મૂવી’ના તમિલ અને હિન્દીભાષી ટ્રેલરને 5 સપ્ટેમ્બર, મંગળવારે મુંબઈમાં મીડિયાકર્મીઓ સમક્ષ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મનાં મુરલીધરન એમના પત્ની મધીમલાર સાથે, તેમજ ફિલ્મનાં કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત ભૂતપૂર્વ ‘માસ્ટર બ્લાસ્ટર’ બેટર ‘ભારત રત્ન’ સમ્માનિત સચીન તેંડુલકર માનનીય અતિથિ તરીકે અને શ્રીલંકાના ભૂતપૂર્વ ઓપનર સનથ જયસૂર્યા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મ આવતી 6 ઓક્ટોબરે રિલીઝ થશે.
51 વર્ષીય મુરલીધરન જન્મથી શ્રીલંકાના નાગરિક છે અને તમિલભાષી હિન્દુ છે. એમના લગ્ન ભારતના ચેન્નાઈની યુવતી મધીમલાર રામમૂર્તિ સાથે થયા છે. ફિલ્મમાં મુરલીધરનના વ્યાવસાયિક અને અંગત જીવન વિશે જણાવવામાં આવ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં એમણે 800 વિકેટ ઝડપી હોવાથી ફિલ્મનું ટાઈટલ ‘800 ધ મૂવી’ રાખવામાં આવ્યું છે.
મુરલીએ વન-ડે ક્રિકેટમાં 534 અને પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 1,374 વિકેટ ઝડપી હતી. મુરલીધરને 2011ની 3 એપ્રિલે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરી હતી.
‘800 ધ મૂવી’ તમિલ ફિલ્મ છે. તેના પટકથા લેખક અને દિગ્દર્શક એમ.એસ. શ્રીપતિ છે. ફિલ્મમાં મુરલીધરનનો રોલ મધુર મિત્તલે ભજવ્યો છે. અન્ય કલાકારો તરીકે જાણીતા મલયાલમ અભિનેતા નાસર, મહિમા નામ્બિયાર, નારાયણ, રિત્વિકા છે.
ટ્રેલરના અંતે મુરલીધરનને ભાવુક કરી દે એવો ડાયલોગ બોલતો બતાવવામાં આવ્યો છે. એને પૂછવામાં આવે છે કે ‘શ્રીલંકાની ટીમમાં તમિલ છોકરાઓને સામેલ કરવામાં આવતા નથી.’ જવાબમાં મુરલી કહે છે, હું પોતાને માત્ર તમિલ માનતો નથી. તો બીજો સવાલ કરાયો, ‘તો શું તું સિંહાલી છો?’ મુરલીનો જવાબઃ ‘ના, હું ક્રિકેટર છું.’
મુરલીધરનનો પરિવાર મૂળ ભારતીય હોવાથી એમને ભારત આવવા માટે વિઝાની જરૂર પડતી નથી. એમના દાદા પેરિયાસામી સિનાસામી દક્ષિણ ભારતના વતની હતા. ભારત સરકારે મુરલીધરનને ઓવરસીઝ સિટીઝનશિપ ઓફ ઈન્ડિયા (ઓસીઆઈ) દરજ્જો આપ્યો છે.
ફિલ્મમાં મુરલીધરનનો રોલ ભજવનાર મધુર મિત્તલ
(ડાબેથી જમણે) સનથ જયસૂર્યા, સચીન તેંડુલકર અને મુરલીધરન
નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિશન (CBI)એ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (GAIL)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રોજેક્ટસ) કે.બી. સિંહને રૂ. 50 લાખની લાંચ આપવાના મામલે ધરપકડ કરી છે. સિંહની સાથે ચાર અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. જે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે, એમાંથી એકની ઓળખ વડોદરા એડવાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડિરેક્ટર સુરેન્દ્ર કુમાર તરીકે કરવામાં આવી છે.
આ લાંચ કાંડમાં દિલ્હી, નોએડા અને વિશાખાપટ્ટનમમાં કેટલીય જગ્યાઓ પર તપાસ ચાલી રહી છે. આ મામલો ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટમાં કેટલાક કોન્ટ્રેક્ટરોનો પક્ષ લેવાના બદલામાં નાણા લેવાનો મામલો જોડાયેલો છે, એમ સૂત્રોએ કહ્યું હતું. આ લાંચ બે ગેઇલ પાઇપલાઇન પ્રોજેક્ટ- શ્રીકાકુલમથી અંગુલ અને વિજયપુરથી ઔરૈયા માટે આપવામાં આવી હતી. CBIને લાંચની આપ-લે માટે ઇનપુટ મળ્યા હતા, જે પછી એણે ચોથી સપ્ટેમ્બરે એક ઓપરેશન શરૂ કર્યું હતું અને ધરપકડ કરી હતી, એમ સૂત્રોએ કહ્યું હતું.
CBIના સુપર ઓપરેશનમાં બરોડાની એડવાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના ડિરેક્ટર સુરેન્દ્રકુમાર પણ CBIના હાથે ઝડપાયા છે. એ સાથે-સાથે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં પ્રોજેક્ટ લેવા લાંચ માગી હતી એ પણ ખુલાસો થયો છે. CBIમાં ફરિયાદ થતાં ગેઇલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સહિત પાંચની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જન્માષ્ટમીના તહેવારને હવે માત્ર ગણતરી ના દિવસો બાકી છે. ત્યારે શહેરના કૃષ્ણ મંદિરોમાં અત્યારથી જન્માષ્ટમી માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદના ઇસ્કોન મંદિર અને સોલા ભાગવત વિદ્યાપીઠમાં લાલાના વધામણાનું સવિશેષ આયોજન ચાલી રહ્યું છે.
એસ.જી હાઈવે સ્થિત ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. દર વર્ષે આશરે ૨ લાખ થી વધારે શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના દર્શન કરે છે. આ વર્ષે ઇસ્કોન મંદિર દ્વારા તા. ૦૭-૦૯-૨૦૨૩ થી ૧૦-૦૯-૨૦૨૩ સુધી જન્માષ્ટમી તહેવાર ઉજવાશે.
મંદિર ના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર લાઈવ દર્શનનું આયોજન
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અમદાવાદ ઇસ્કોન મંદિરના હરેશ ગોવિંદ દાસ કહે છે કે, જન્માષ્ટમી મહામોહત્સવ દરમિયાન મંદિરમાં દર્શનાર્થીઓને દર્શન કરવા માટે સરળતા રહે એ રીતે સુલભ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે મંદિરના પરિસરમાં ડિજિટલ સ્ક્રીનથી પણ દર્શન કરી શકાશે. અમદાવાદ ના ભાવિક ભક્તો માટે મંદિર પ્રશાસન દ્વારા મંદિર ના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર લાઈવ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી ભક્તો ઘરે બેઠા-બેઠા ભગવાનના દર્શન, આરતી તથા મહા-અભિષેક નિહાળી શકે.
જનમાષ્ટમીના દિવસે સવારે ૦૪:૩૦ વાગ્યે ભગવાનની મંગળા આરતી થશે ત્યારબાદ ૦૭:૩૦ વાગ્યે ભગવાનને વૃંદાવન થી આવેલ વિશેષ વસ્ત્રો અને અલંકારોથી સુસજ્જિત કરી શ્રુંગાર દર્શન ખુલ્લા મુકવામાં આવશે. મંદિરમાં વરિષ્ઠ ભકતો દ્વારા કૃષ્ણ કથા કરાશે. સવારે ૯ થી રાત્રી ના ૧ વાગ્યા સુધી ૧૧૦૦૦ હરિનામ સંકીર્તન જપયજ્ઞ અને અખંડ હરે કૃષ્ણ મહામંત્રની ધૂન કરવામાં આવશે. મંદિરના ગર્ભગૃહને ૪૦૦ કિલોથી વધુ વિવિધ જાતના ફૂલોથી શણગારવામાં આવશે.
મંદિરને ગોકુલ થીમ થી શણગારવામાં આવ્યું
સમગ્ર મંદિરના પ્રાંગણને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. ઇસ્કોન મંદિરના ભક્ત પ્રહલાદ સ્કૂલના વિધાર્થીઓ દ્વારા સાંજે મંદિરની પાછળ ગાર્ડનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવશે. સમગ્ર મંદિરને ગોકુલ થીમ થી શણગારવામાં આવ્યું છે. રાત્રીના ૧૧:૩૦ કલાકે ભગવાનનો પંચામૃત, કેસર, ગંગાજળ અને વિવિધ પ્રકારના ફળોના રસો દ્વારા મહા-અભિષેક કરવામાં આવશે અને પછી ૧૨:૩૦ વાગ્યે મહાઆરતી કરવામાં આવશે. આ દિવસે ભગવાનને ૧૦૦૮ વિવિધ વાનગીઓ જેમ કે મૅક્સિકેન, ઇટાલિયન, થાઈ, ચાઇનીઝ, તથા ભારતની વિવિધ વાનગીઓ અર્પણ કરવામાં આવશે. ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમ ભક્તો ઓનલાઈન ઇસ્કોન મંદિર ના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર નિહાળી શકશે. જન્માષ્ટમીના દિવસે તમામ દર્શનાર્થીઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
જન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે નંદોત્સવના દિવસે મંદિર પ્રસાશન દ્વારા ૧૦,૦૦૦ લોકોનું ભંડારા- પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રી શ્રીમદ્દ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદજીના ૧૨૭મા આવિર્ભાવ દિનની પણ ઉજવણી કરવામાં આવશે. અને બપોરે ૧૨ વાગ્યે તમામ ભક્તો માટે પ્રસાદ ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાગવત વિદ્યાપીઠમાં પણ ઉત્સવની તૈયારીઓ
શ્રાવણ વદ આઠમ, તા.7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી મહોત્સવની ભાગવત વિદ્યાપીઠ-સોલા ખાતે ખૂબ જ ભિકતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે.
અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે. બીજા દિવસે નંદ મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવશે.
આ વિશે ચિત્રલેખા.કોમસાથે વાત કરતા ભાગવત વિદ્યાપીઠના શ્રી ભાગવત ઋષિજી કહે છે કે, વિદ્યાપીઠ ખાતે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે.
ગુરુવારે રાત્રે 8.30 થી ૧૧.૪૫ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. રાત્રે ૧૨ વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા થશે.
તા.8 સપ્ટેમ્બર, શુક્રવારે નંદ મહોત્સવની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે. જે અંતર્ગત સવારે ૯:30થી ૧૦:30 નંદ મહોત્સવ ઉજવાશે. દરમિયાન ઠાકોરજીને ચાંદીના પારણે ઝૂલાવવામાં આવશે.
નવી દિલ્હીઃ દિલ્હીની તીસ હજારી કોર્ટે એક મહિલા સાથે સામૂહિક બળાત્કાર અને એનાં બે બાળકોની હત્યાના ત્રણે આરોપીઓને મોતની સજા સંભળાવી છે. મહિલાના પુત્રની વય સાત વર્ષ અને પુત્રીની વય છ વર્ષની હતી. આરોપીઓએ મહિલાની હત્યા ગળું દબાવીને કરી હતી. ત્યાર બાદ બે બાળકોની હત્યા કરીને અને ઘરમાં લૂંટ કરી હતી.
આ ઘટના ખ્યાલા વિસ્તારમાં વર્ષ 2015માં થઈ હતી. મહિલાના પતિએ એ સગીર સહિત ચાર લોકોની વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. આ કેસમાં શાહિદ, અકરમ અને રફત અલી ઉર્ફે મંજૂર અલીને ફાંસીની સજા સંભાવવામાં આવી છે.
ફાસ્ટ ટ્રેકના જસ્ટિસ આંચલએ કલમ 302 (હત્યા) અને 120 B (ગુનાઇત કાવતરું) હેઠળ આ ત્રણે આરોપીને મોતની સજા સંભળાવી છે. તેમને સામૂહિક બળાત્કાર અને ચોરીના અપરાધમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટે પ્રત્યેક આરોપીને રૂ. 35,000નો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે ત્રણ આરોપીઓને 22 ઓગસ્ટે દોષી ઠેરવ્યા હતા.
મહિલા, તેના પતિ અને બાળકો દિલ્હીના રઘુબીરનગરમાં રહેતા હતા. આ ત્રણે આરોપીઓએ એક ષડયંત્ર થકી આ ઘટનાને અંજામ આપ્યો છે, જેથી આ અપરાધમાં એક પેર્ટન દેખાઈ છે, એમ કોર્ટે કહ્યું હતું.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના કેરટેકર વડા પ્રધાન અનવર ઉલ હક કાકડે કહ્યું હતું કે તેઓ ભારત સાથે વેપારી સંબંધોને સુધારવા ઇચ્છે છે, પણ એના માટે બંને દેશોએ કાશ્મીર મુદ્દે શાંતિપૂર્વક ઉકેલ લાવવો જરૂરી છે. જો ભારત લાંબા સમયથી ચાલતા કાશ્મીર મુદ્દે આગળ વધશે તો પાકિસ્તાન એનો હકારાત્મક પ્રતિસાદ આપશે.
ભારત સરકારે કાશ્મીરમાંથી અર્ધ સ્વાયત્તતા ખતમ કરી ત્યારથી પ્રતિદ્વંદ્વી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો ઓગસ્ટ, 2019થી ઠંડા પડ્યા છે. બંને પડોશી દેશો વચ્ચે કાશ્મીર મુદ્દે બેથી ત્રણ યુદ્ધો થઈ ચૂક્યાં છે. હાલની પરિસ્થિતિમાં જ્યાં સુધી કાશ્મીર મુદ્દે મંત્રણા ના થાય ત્યાં સુધી ઇસ્લામાબાદ અને નવી દિલ્હી વચ્ચે વેપારી સંબંધો સંભવ નથી.
તેમણે કહ્યું હતું કે કાશ્મીર બંને દેશો વચ્ચે સંવેદનશીલ મુદ્દો છે, પણ એનો અર્થ એ નથી કે અમારે દરેક વખતે એ મુદ્દે લડતા રહેવું જોઈએ. અમે યુદ્ધ નથી ઇચ્છતા, પણ અમે શાંતિપૂર્વક ઇચ્છીએ છીએ આ મુદ્દાનો ઉકેલ આવે. જો શાંતિ સ્થાપિત નહીં થાય તો એ ભારત, પાકિસ્તાન અને વિશ્વ માટે ચિંતાનો વિષય હશે.
તેમણે કહ્યું હતું કે જો ભારત કાશ્મીર પર લોકતાંત્રિક રીતે કામ કરશે તો પાકિસ્તાન એમાં એક ભાગીદારની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું હતું કે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન વ્યૂહાત્મક ભાગીદાર બનવાની સંભાવના નવી દિલ્હી માટે મુશ્કેલીઓ પેદા કરશે. જોકે આ નિર્ણય ભારતીય રાજકારણ, ભારતીય નાગરિક દ્વારા કરવામાં આવવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી લોકો અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ વધે તેના માટે સતત પ્રયત્નશીલ છે અને તેના માટે અવાર નવાર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન ગુજરાત સાયન્સ સિટી દ્વારા કરવામાં આવતું રહે છે.
ત્યારે સમગ્ર રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં ગુજરાત સાયન્સ સિટી દ્વારા ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે ભવ્ય ક્વિઝ કોમ્પિટિશન અને ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300થી વધુ શાળાઓના 10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આગામી થોડા દિવસોમાં ગુજરાત સાયન્સ સિટી દ્વારા ધોરણ -7 ના વિદ્યાર્થીઓ માટે પણ આવી ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવશે.
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવન દ્વારા નવ સપ્ટેમ્બરે G20 સંમેલનમાં આવનારા મહેમાનોને રાત્રિ ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં રિપબ્લિક ઓફ ઇન્ડિયાને બદલે રિપબ્લિક ઓફ ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતના રાષ્ટ્રપતિને નામે નિમંત્રણ મોકલવા પર કોંગ્રેસે સરકાર પર પલટવાર કર્યો છે.
G20 સમિટ પછી મોદી સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સંસદના ખાસ સત્રમાં શું થશે? જોકે એના માટે માત્ર અટકળો લગાવવામાં આવી રહી છે, પણ સંસદના વિશેષ સેશનમાં કેન્દ્ર સરકાર દેશનું નામ બદલવાનો પ્રસ્તાવ લાવે એવી શક્યતા છે. કેન્દ્ર સરકાર સંસદના વિશેષ સત્રમાં ઇન્ડિયા નામ બદલીને ભારત કરવાનો એક નવો પ્રસ્તાવ રજૂ કરે એવી સંભાવના છે.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મિડિયા X પર લખ્યું છે કે આ સમાચાર ખરેખર સાચા છે. રાષ્ટ્રપતિ ભવને નવ સપ્ટેમ્બરે G20 ડિનર માટે પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયાને બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારતને નામે નિમંત્રણ મોકલ્યું છે. તેમણે કહ્યું હતું કે બંધારણમાં અનુચ્છેદ કહે છે, ભારત જે ઇન્ડિયા હતું-રાજ્યોનો એક સંઘ હશે, પરંતુ હવે આ રાજ્યોના સંઘ પર પણ હુમલો થઈ રહ્યો છે.
Mr. Modi can continue to distort history and divide India, that is Bharat, that is a Union of States. But we will not be deterred.
After all, what is the objective of INDIA parties?
It is BHARAT—Bring Harmony, Amity, Reconciliation And Trust.
બીજી બાજુ શુક્રવારે ગુવાહાટીમાં એક કાર્યક્રમમાં સંઘપ્રમુખ મોહન ભાગવતે લોકોને સંબોધિત કરતાં લોકોને અપીલ કરી હતી કે દેશને ઇન્ડિયા નહીં બલકે ભારત કહેવામાં આવે. તેમણે કહ્યું હતું કે સદીઓથી અમારા દેશનું નામ ભારત છે, ઇન્ડિયા નથી.