બાઈડનની ભારત મુલાકાત પૂર્વે પત્ની જિલને કોરોના થયો

વોશિંગ્ટનઃ અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બાઈડનનો કોવિડ-19 ચેપનો રિપોર્ટ ગઈ કાલે પોઝિટીવ આવ્યો હતો, પરંતુ એમનામાં આ બીમારીના માત્ર હળવા લક્ષણો જોવા મળ્યા છે, એમ તેમનાં મહિલા પ્રવક્તાએ કહ્યું છે. પત્ની કોરોના પોઝિટીવ થયાં બાદ યૂએસ પ્રમુખ જો બાઈડનની પણ મેડિકલ ટેસ્ટ કરવામાં આવી હતી, પરંતુ એમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. વ્હાઈટ હાઉસ તરફથી જણાવવામાં આવ્યું છે કે ફર્સ્ટ લેડી ડેલાવેરના રેહોબોથ બીચ ખાતેનાં એમનાં નિવાસસ્થાને જ રહેશે અને આરામ કરશે. પ્રમુખ બાઈડન નિયમિત રીતે ટેસ્ટિંગ કરાવતા રહેશે અને ડોક્ટરો એમના લક્ષણો ઉપર પણ સતત નિરીક્ષણ રાખશે.

જિલ બાઈડનને ગયા ઓગસ્ટમાં પણ કોરોના થયો હતો. એ વખતે તેઓ સાઉથ કેરોલીનામાં વેકેશન માણવા ગયાં હતાં.  પ્રમુખ બાઈડનને ગયા જુલાઈમાં કોરોના થયો હતો.

ઉલ્લેખનીય છે કે પ્રમુખ બાઈડન G20 શિખર સંમેલનમાં હાજરી આપવા માટે આવતી  7 સપ્ટેમ્બરે ભારતના પ્રવાસે જવાના છે. ત્યાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરવાના છે. ભારત G20 શિખર સંમેલનનું હાલ એક વર્ષ માટે વૈશ્વિક યજમાન છે. G20 સંમેલન 9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાવાનું છે.