શિક્ષણ સર્વગ્રાહી હોવું જોઈએ

શિક્ષણનો હેતુ એવી વ્યક્તિઓનું સર્જન કરવાનો છે કે જેમનું વ્યક્તિત્વ સંપૂર્ણપણે ખીલ્યું હોય,એવી શાંતિમય વ્યક્તિઓ જેઓ દુનિયા અને તેમની આસપાસના સમાજ માટે વિશાળ પરિકલ્પના કરવા ઘડાયા હોય.બાળકનું ભણતર સર્વગ્રાહી હોવું જોઈએ,અને નહીં કે તેના પર માહિતી થોપી દેવાની પ્રક્રિયા.

વર્ગમાં ઉપસ્થિત રહેવાનો અર્થ એ નથી થતો કે બાળક ભણી રહ્યું છે. આપણે બાળકના મન અને શરીર બન્નેના સંપૂર્ણ વિકાસ પર ધ્યાન આપવું જોઈએ અને સાથે સાથે તેનામાં બધાની સાથે આત્મીયતાની ભાવના,અન્યો સાથે વહેંચવાની ભાવના,અન્યો સાથે પ્રેમથી વર્તવાની અને તેમની કાળજી કરવાની ભાવના,અહિંસા અને શાંતિ જેવા માનવીય મુલ્યો પણ રોપવા જોઈએ.

પ્રાચીન ગુરુ શિષ્ય પરંપરાના ભાગરુપે એક સુંદર અભિગમ હતો જેને આજે ફરી અપનાવવો જોઈએ.એક સારો શિક્ષક હંમેશા એવું ઈચ્છતા કે તેમનો વિદ્યાર્થી જીતે.અને એક સારો વિદ્યાર્થી શિક્ષક, કે જે બૃહદ મનના પ્રતિનિધિ છે તે, જીતે એવું ઈચ્છતો.વિદ્યાર્થી જાણતો કે તેના લઘુ મનની જીત માત્ર દુખ લાવશે, જ્યારે બૃહદ મનની જીત સારા પરિણામ જ લાવશે.આને લીધે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે એક મજબૂત સંબંધ બંધાતો જેમાં તેઓ બન્ને વિદ્યાર્થીની વિકાસયાત્રામાં એકબીજા પર સંપૂર્ણ વિશ્વાસ રાખતા.

એક સારા શિક્ષકમાં ભરપૂર ધીરજ હોવી જોઈએ.શિક્ષકની ધીરજ વિદ્યાર્થીના જીવનમાં ચમત્કારો સર્જી શકે છે,તે શીખવામાં થોડા ધીમા હોય તો પણ. ઘેર માતા પિતાએ એક કે બે જ બાળકોનું ધ્યાન રાખવાનું હોય છે,જ્યારે શિક્ષકોએ ભરચક વર્ગના વિદ્યાર્થીઓનું.સમજી શકાય છે કે શિક્ષકો માટે આ કેટલું તનાવયુક્ત અને અઘરું હોઈ શકે છે.આથી શિક્ષકોએ વધારે સંતુલિત રહેવાની જરૂર હોય છે. ધ્યાન અને પ્રાણાયામ જેવી પ્રક્રિયાઓ શિક્ષકોને શાંત અને સંતુલિત બની રહેવામાં ખૂબ સહાયરૂપ નીવડી શકે છે.આ અગત્યનું છે કારણ કે વિદ્યાર્થીઓ શિક્ષકોનું અવલોકન કરતા હોય છે અને સતત તેમનામાંથી શીખતા હોય છે.

આજે શિક્ષકો માટે એ સમજવું બહુ જરૂરી છે કે દરેક વિદ્યાર્થી કયા સ્તરે છે અને તે સ્તરથી અંતિમ લક્ષ્ય સુધી દરેક ડગલે તેમને માર્ગદર્શન આપવું જરૂરી છે. આ બાબત આપણે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શીખી શકીએ છીએ,જે રીતે તેઓ અર્જુનને ધીરજ અને પ્રેમથી અંતિમ લક્ષ્ય સુધી ડગલે અને પગલેથી લઈ ગયા. શરુઆતમાં અર્જુન દ્વિધામાં હતો અને તેને અનેક પ્રશ્નો ઉઠતા હતા.જેમ જેમ વિદ્યાર્થીનો વિકાસ થાય છે તેમ તેમ તેને પુષ્કળ દ્વિધા થવી સ્વભાવિક છે કારણ કે તેની માન્યતાઓ તૂટતી જતી હોય છે. દા.ત.,આપણે એવું શીખીએ છીએ કે સૂર્ય પૂર્વમાં ઊગે છે.પછીથી આપણે ગ્રહો કેવી રીતે ફરે છે તે શીખતા હોઈએ છીએ.તો, આ બાબતે વિદ્યાર્થીઓના મનમાં ઉઠતા પ્રશ્નોના ઉત્તર આપવા એક સારો શિક્ષક પ્રાપ્ય રહે છે.એક સારા શિક્ષકને આનો ખ્યાલ હોય છે અને તેથી વિદ્યાર્થીને તેની દ્વિધામાં માર્ગદર્શન આપે છે.અને જ્યારે જરૂરી હોય ત્યારે દ્વિધા ઉત્પન્ન પણ કરે છે.

શિક્ષકોએ એક નાજુક સંયોજન માટે પ્રયત્ન કરવા જોઈએ-પ્રેમ સાથે સખ્તાઈ.કેટલાક શિક્ષકો ખૂબ પ્રેમાળ હોય છે અને બીજા કેટલાક માત્ર કડક હોય છે. કેટલાક બાળકો બંડખોર હોય છે,જ્યારે કેટલાક ડરપોક અને શરમાળ.બંડખોરને પ્રોત્સાહનની જરૂર હોય છે,તેની પીઠ થાબડવાની જરૂર હોય છે.તેમની સાથે પ્રેમ, દરકાર અને આત્મીયતા દાખવવાની જરૂર હોય છે.પરંતુ જે બાળકો ડરપોક અને શરમાળ હોય છે તેમની સાથે તમે થોડી સખ્તાઈ કરી શકો છો જેથી તેઓ ખુલીને બોલતા થઈ શકે.તેમની સાથે કડક થાવ અને પ્રેમાળ પણ.ઘણી વાર આપણે આનાથી વિપરીત કરતા હોઈએ છીએ. શિક્ષકો બંડખોર બાળકો સાથે કડકાઈથી વર્તે છે અને શરમાળ સાથે નાજુકતાથી. એનાથી આ લોકોના વર્તનની ઢબ સુધરશે નહીં. તમારે કડક અને મીઠા બન્ને થવાની જરૂર હોય છે,નહીંતર તમે વિદ્યાર્થીને જે માર્ગે લઈ જવા ઈચ્છો છો તે માટે માર્ગદર્શન નહીં આપી શકો.