Home Blog Page 2475

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટે એસટીના કર્મચારીઓનું સન્માન કર્યુ

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી ગાંધીનગરમાં સમાજ સેવા કરી રહ્યું છે. “વિશ્વ પ્રવાસન દિન” નિમિત્તે તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા, લીંબોદરાના સીએસઆર હેઠળ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

પ્રથમ કાર્યક્રમ ગુજરાતના પરિવહનની જીવા દોરી સમાન એસ‌.ટી‌. ના ડ્રાઇવર, કંડકટર અને વર્કશોપના કારીગરોનું સન્માન કરવામાં આવેલ જ્યારે દ્વિતીય કાર્યક્રમમાં સમર્પણ હાઈસ્કૂલ સેક્ટર-૨૮ , ગાંધીનગરના વિદ્યાર્થીઓને તાજ ગાંધીનગરના હિતેશકુમાર, નીશિકાન્ત પાણીગ્રહી અને મનોજભાઈ જોષીએ વિધાર્થોઓને રિસ્પોન્સિબલ ટુરીઝમ અંગે માહિતી આપી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હેમાબેન ભટ્ટ અને શાળા પરિવારે જેહમત ઉઠાવી હતી.

ગાંધીનગરના એસટી ડેપોના વર્કશોપમાં આયોજિત કાર્યક્રમની શરૂઆત ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. મયુરભાઈ જોષી એ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે ઉદગમ એસટીના વિવિધ વર્ગો સાથે તમાકુ નિયંત્રણ માટે પણ કામ કરી રહ્યું છે.  વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે ગુજરાત અને ગુજરાત બહારના લાખો નાગરિકોને પરિવહન પૂરું પાડતા એસટી નિગમના કર્મચારીઓનું સન્માન કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રથમ વખત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે..

તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પાના સીએસઆર હેડ શ્રી ચંદ્રવીર સિંઘે વિશ્વ પ્રવાસન દિવસની શુભેચ્છાઓ પાઠવીને એસટીના કર્મચારીઓને પ્રવાસીઓ પ્રત્યેની તેમની જવાબદારીઓ અને ફરજ માટે સંવેદનશીલ રીતે કાર્ય કરવા માટેની માહિતી આપીને વિશ્વ પ્રવાસન દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

ત્યારબાદ સહુ પધારેલ મહાનુભાવોએ ધૂપ, દીપ, અત્તર, પુષ્પ, તુલસીની માળા સાથે ચંદન તિલક કરીને ગાંધીનગર એસટી ડેપોના વર્કશોપ મેનેજર, ડેપ્યુટી મેનેજર, સ્ટાફ, ડ્રાઇવર અને કંડક્ટરોનું સન્માન કરેલ. માન-સન્માન પ્રાપ્ત કરીને સૌ કર્મચારીઓ ગદગદ થઈ ગયા હતા. ત્યાર બાદ સર્વેને તાજ ગાંધીનગર રિસોર્ટસ સ્પા તરફથી અનલીમીટેડ ચા નાસ્તો કરાવવામાં આવેલ હતો.

સમાપનમાં ગાંધીનગર એસટી ડેપોના મેનેજર હાર્દિકભાઈ રાવલે આટલા સુંદર વિચાર અને કાર્યક્રમ બદલ સૌનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પાના હિતેશકુમાર, નીશિકાન્ત પાણીગ્રહી, સંદિપ ગેલ, ભુપેન્દ્ર પંવાર, શ્રદ્ધા, સુચી, ડો.મિલિંદ સાળુંકે તથા મનોજભાઈ જોષી, કિર્તીભાઈ જોષી, નિલેન્દુભાઈ વોરા, અશોકભાઈ પરીખ,  રજનીકાંતભાઈ સુથાર એ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો‌.

‘અભિવ્યક્તિ-ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ’ UNM ફાઉન્ડેશનની પહેલ

વડોદરામાં અભિવ્યક્તિ ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ એ ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવારના UNM ફાઉન્ડેશનની પહેલ છે. અમદાવાદમાં ચાર સફળ આવૃત્તિઓ પૂર્ણ કર્યા પછી, અભિવ્યક્તિ 30મી સપ્ટેમ્બર અને 1લી ઓક્ટોબર, 2023ના રોજ વડોદરા શહેરમાં તેનું પ્રથમ પરફોર્મન્સ યોજવા જઈ રહી છે.

આ ફેસ્ટિવલમાં 250થી વધુ કલાકારોની સહભાગીતા જોવા મળી. જેમને આ પહેલ થકી UNM ફાઉન્ડેશન દ્વારા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. અમદાવાદ અને સુરતમાં અંદાજે 1 લાખ લોકો પરફોર્મન્સનો આનંદ લઈ ચૂક્યા છે. અભિવ્યક્તિને અમદાવાદ શહેરની બહાર લઈ જવાની એમની યોજના હેઠળ UNM ફાઉન્ડેશને અભિવ્યક્તિ સુરતના બેનર હેઠળ ફેબ્રુઆરી 2023માં સુરતમાં બે દિવસીય ઉત્સવનું આયોજન કર્યું હતું.

હવે વડોદરામાં અભિવ્યક્તિ વડોદરાના બેનર હેઠળ બે દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલનું આયોજન 30મી સપ્ટેમ્બર અને 1લી ઓક્ટોબરના રોજ એલેમ્બિક આર્ટ ડિસ્ટ્રિક્ટ, વડોદરા ખાતે કરવામાં આવશે. અભિવ્યક્તિ વડોદરા, અમદાવાદની આવૃત્તિ-4 માંથી એના ત્રણ સૌથી વધુ વખણાયેલા અને સફળ પરફોર્મન્સ લાવી રહ્યું છે. ફેસ્ટિવલમાં પ્રેક્ષકોની એન્ટ્રી મફત છે અને વહેલા તે પહેલાના ધોરણે બધા માટે ખુલ્લો છે.

કલાકારોનો પરિચય અને બે દિવસ દરમિયાન એમના દ્વારા રજૂ કરવામાં આવનાર કૃતિ

પી.એસ. ચારી, એક પ્રખ્યાત કલાકાર, દિગ્દર્શક અને શિક્ષક છે. જે 35 વર્ષથી થિયેટર કરે છે. થિયેટરમાં એમનો બહોળો અનુભવ અને વાર્તાઓ કહેવાની અનોખી શૈલીએ એમને નેશનલ થિયેટર ફેસ્ટિવલ, ભારત રંગ મહોત્સવ, ઇન્ડિયા થિયેટર ઓલિમ્પિયાડ (2018), વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર થિયેટર ફેસ્ટિવલ (ઉદયપુર) અને ગુજરાત સંગીત નાટક એકેડેમી ફેસ્ટિવલ અન્ય પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પર જાણીતા કર્યા છે અને નામના અપાવી છે. અનુભૂતિ પ્લેટફોર્મ પર એમના નાટક દ્વારા ડાંગની મૌખિક લોકકથા- ધ ટેલ ઓફ કણસરી દ્વારા શ્રી ચારી ડાંગ જિલ્લાના કુકણા સમુદાયની સ્થાનિક આદિજાતિની વાર્તાને મંચ પર લાવશે. “કણસરી” શીર્ષક, એક મહિલાની વાર્તા વર્ણવે છે. જે વિશ્વમાં પ્રજનન અને જીવન માટે લડે છે જ્યાં બધું નાશવંત છે. હૃદયદ્રાવક અને આંખ ખોલનારી વાર્તા અને તેમાં કલાકારો દ્વારા ભાવનાત્મક પ્રદર્શન પ્રેક્ષકોને અંત સુધી જકડી રાખશે.

ઇક્વારા- હાર્દિક વે દ્વારા શબ્દ પરિક્રમા
30મી સપ્ટેમ્બર રાત્રે 9.00 કલાકે, વિવિધ રાજ્યો અને રાષ્ટ્રીયતાના લોકસંગીતની શોધખોળની તેની સફરમાંથી પ્રેરણા લઈને, હાર્દિક “શબ્દ પરિક્રમા” નામની એક અનોખી કૃતિ રજૂ કરશે. ગુજરાતથી શરૂ કરીને, આ પ્રોડક્શન પ્રેક્ષકોને દેશભરના સંગીતની ઝલક આપશે. આ પર્ફોર્મન્સ પિયાનો, પર્ક્યુસન, ચેલો, ઉડ્ડ અને કરતલ જેવા વાધોનું રસપ્રદ મિશ્રણ રજૂ કરશે, સંગીતાના સૂરો સાથે પ્રેક્ષકોની આ પર્ફોર્મન્સ તમામ પ્રદેશોની સંગીત યાત્રા પર લઇ જાય છે.

‘કોરી શાહીનો કલામ’

1લી ઓક્ટોબર રાત્રે 8.00 વાગ્યે તાપી પ્રોજેક્ટ, સુરતના એક પ્રિય બેન્ડ કે જેઓ યુરોપમાં નિયમિત કલાકારો છે. તેઓ ‘કોરી શાહીનો કલામ’ સાથે સ્ટેજ પર પોતાની કૃતિ રજૂ કરશે. પ્રદર્શનમાં જાત સાથે એકમયતા સાધીને અને શરતો, નિયમો અને અન્ય બંધનો તોડી સ્વમાં લીન થવા વિશેના ગીતોનો સમાવેશ થાય છે. તેમની આ અભિવ્યક્તિ સાચા અર્થમાં શ્રોતાઓને તેમની ઇન્દ્રિયોને પાર જઈને સાંભળવા, જોવા, સ્પર્શનો અનુભવ કરવાનું આમંત્રણ છે. અભિવ્યક્તિ સુરતમાં પણ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

યુનિક અને ભવ્ય આર્ટ ફોર્મ્સ

ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ એ ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવારના યુએનએમ ફાઉન્ડેશનની એક પહેલ છે, જે ફ્રી એન્ટ્રી દ્વારા (શારીરિક અને વ્યક્તિગત) અને સામાજિક મર્યાદાઓ વિના પ્રેક્ષકો સુધી, કલાને સરળતાથી પહોંચાડવાની અને તેને સામાજીક રચનાના એક અભિન્ન ભાગ બનાવવાની કલ્પના કરે છે.

સાંસ્કૃતિક લેન્ડસ્કેપમાં એક નવો અધ્યાય શરૂ

આવા વિઝન તરફ મિશનનો ધ્યેય ઉભરતી પ્રતિભાને ઓળખવા અને તેને પીઠબળ આપવાનું છે અને પછી તમામ શૈલીના આ કલાકારોને શહેર અને તેની શહેરીજનો સમક્ષ તેમની કલા રજૂ કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પ્રદાન કરવાનું છે. અભિવ્યક્તિ, વડોદરાના કલા અને સાંસ્કૃતિક લેન્ડસ્કેપમાં એક નવો અધ્યાય શરૂ કરવા માટે તૈયાર છે. એક ઉત્સવ તરીકે તેને આગળ ધપાવવા પ્રયત્નશીલ છે.

અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, સ્થાપન અને થિયેટરથી માંડીને અસંખ્ય કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની કલાને લોકો સુધી પહોંચાડવાનો છે, અને તે પણ તદ્દન મફત!

ગુજરાતીઓની સોસાયટીમાં મરાઠી મહિલાને ઓફિસ સ્પેસ આપવાનો ઈનકારઃ રાજ ઠાકરે ભડક્યા

મુંબઈઃ શહેરના પૂર્વ ભાગમાં આવેલા મુલુંડ ઉપનગરમાં એક હાઉસિંગ સોસાયટીમાં એક મરાઠી મહિલાને ઓફિસ સ્પેસ ખરીદવાનો ઈનકાર કરવાના મુદ્દે હોબાળો મચી ગયો છે. એને કારણે રાજકીય પ્રત્યાઘાતો પણ આવ્યા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના વડા રાજ ઠાકરે એકદમ આક્રમક થઈ ગયા છે અને કહ્યું છે કે, ‘મહારાષ્ટ્રમાં જો આવું ફરીવાર બન્યું તો આક્રોશ થશે એ નિશ્ચિત છે. આવા વર્તનને જરાય સાંખી લેવામાં નહીં આવે. આવા લોકો પર સરકારની પણ ધાક હોવી જોઈએ.’ ઠાકરેએ એમની પાર્ટીના કાર્યકરોને આવાહન આપ્યું છે કે, ‘જ્યાં પણ તમને મરાઠીઓ સાથે આવો અન્યાય થતો દેખાય ત્યાં જઈને એમને લાત મારજો.’

તૃપ્તિ દેવરુખકર-એકબોટે નામની મહિલાએ એમની સાથે થયેલા બનાવ વિશે રાજ ઠાકરે અને એમના પત્ની શર્મિલા તથા પાર્ટીના અન્ય નેતાઓને મળીને જાણ કર્યા બાદ આ મામલો ચગ્યો છે. આ બનાવ મુલુંડની શિવસદન સોસાયટીનો છે. રાજ ઠાકરેના આદેશ બાદ જ્યારે મનસે પાર્ટીના કાર્યકર્તાઓ તે હાઉસિંગ સોસાયટીમાં ગયા હતા અને એમની સ્ટાઈલ હસ્તક્ષેપ કર્યો હતો. તે મકાનના પ્રવીણ ઠક્કર નામના સેક્રેટરીએ તરત જ માફી માગી લીધી હતી. એમને તરત જ સેક્રેટરી પદ પરથી હટાવી લેવામાં આવ્યા હતા.

કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ નાના પટોલે, શિવસેના-યૂબીટીના આદિત્ય ઠાકરે અને સુષમા અંધારે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહામંત્રી જિતેન્દ્ર આવ્હાડ, મનસેના પ્રવક્તા સંદીપ દેશપાંડે તથા અન્ય નેતાઓએ તૃપ્તિ દેવરૂખકર-એકબોટે સાથે કરાયેલા વર્તનને વખોડી કાઢ્યું છે.

મુલુંડ ઉપનગરના પોલીસ સ્ટેશને પણ પ્રવીણ ઠક્કર અને એમના પુત્ર નિલેશ સામે ફરિયાદ નોંધી એમને અટકાયતમાં લીધા હતા.

મરાઠી હોવાને કારણે શિવસદન સોસાયટીમાં પોતાને ઓફિસ સ્પેસ આપવાનો ઈનકાર કરાયા બાદ તૃપ્તિએ રડીને પોતાની આપવીતી જણાવતો વિડિયો સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યો હતો. તેણે કહ્યું કે સેક્રેટરીએ તેને એમ કહ્યું હતું કે આ સોસાયટીના નિયમો અનુસાર મરાઠી લોકોને અહીંયા પરવાનગી અપાતી નથી.

અમદાવાદ : 10 દિવસના ગણેશ મહોત્સવ પછી ભીની આંખે બાપ્પાને વિદાય

દસ દિવસ સુધી બાપ્પાને રંગચંગે પૂજી, આરાધના કરી ગુજરાતીઓએ ધામધૂમપૂર્વક ગણેશ મહોત્સવ ઊજવ્યો. આજે અંતિમ દિવસે ગુજરાતભરમાં લોકો દ્વારા ભીની આંખોથી ગણેશ વિસર્જન કરી બાપ્પાને વિદાય આપી હતી.        અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જનના પગલે શહેરના રસ્તાઓને ટ્રાફિક પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

પાકિસ્તાનમાં મસ્જિદની બહાર આત્મઘાતી વિસ્ફોટે 52નો ભોગ લીધો, 50થી વધુ ઘાયલ

ક્વેટાઃ પાકિસ્તાનના બળવાખોરીને લીધે અશાંતિગ્રસ્ત રહેતા બલુચિસ્તાન પ્રાંતમાં આજે મોહમ્મદ પયગંબરના જન્મદિવસની ઉજવણી માટે યોજાયેલી એક ધાર્મિક સભામાં એક આત્મઘાતી વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા 52 જણ માર્યા ગયા છે અને બીજા 50થી વધારે લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ માટે કોઈ બળવાખોર કે આતંકવાદી જૂથે જવાબદારી લીધી નથી.

નાયબ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ મુનિર એહમદના જણાવ્યા મુજબ હુમલાખોર બોમ્બરે નાયબ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટની જીપ નજીક વિસ્ફોટ કર્યો હતો. આ જીપ એક મસ્જિદની બહાર ઊભી હતી. મસ્જિદમાં લોકો પયગંબરના જન્મદિન ઉજવણી સરઘસમાં જોડાવા માટે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. એ જ વખતે ભયાનક વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં પોતાનો હાથ હોવાનો તેહરીક-એ-તાલીબાન પાકિસ્તાન નામના સંગઠને ઈનકાર કર્યો છે. આ કેટલાક કટ્ટરવાદી સુન્ની ઈસ્લામી જૂથોનું સંગઠન છે.

કામિની, ગુલાબો, રોઝી, હીરાબાઈ…

એણે હિંદી સિનેમાની ટિપિકલ હીરોઈનના ચોકઠામાંથી બહાર નીકળવાની ડૅરિંગ કરી હતી. પછી એ ‘સીઆઈડી’માં નેગેટિવ શેડ્સવાળું કૅરેક્ટર ભજવતી કામિની હોય, ‘તીસરી કસમ’ની નાચનારી હીરાબાઈ, ‘ગાઈડ’માં પડ્યું પાનું નિભાવી લેવાને બદલે વેરવિખેર લગ્ન, પતિ, ઘર છોડીને પોતાના માર્ગે જતી રોઝી કે પહેલી મોટી ફિલ્મમાં પ્રોસ્ટિટ્યૂટ બનનારી ગુલાબો.

85 વર્ષી વહિદા રેહમાનને હિંદી સિનેમાનું સર્વોચ્ચ સમ્માન, ‘દાદાસાહેબ ફાળકે એવૉર્ડ’ ઘોષિત થાય છે ને આ બધી ફિલ્મો સાંભરી આવે છે. અને હા, ‘ખામોશી’ની લાગણીશીલ નર્સને કેમ ભુલાય? એ નર્સ, જે ગાંડપણમાં પ્રેમ શોધે છે.

એવૉર્ડ પણ ક્યારે મળે છે? દેવ આનંદની જન્મ શતાબ્દી પર. એ દેવ આનંદ, જેમને વહિદાજી સહ-અભિનેતા તરીકે પસંદ કરતાં. એમની જોડી હિટ હતી. જેમ કે રોમાન્ટિક કૉમેડી ‘સોલવા સાલ’માં એ ધનાઢ્ય બાપની ઈકલૌતી બેટી લાજ હતી, જે ઘરેથી ભાગે છે. વાટમાં એને જર્નલિસ્ટ પ્રાણનાથ (દેવ આનંદ) મળે છે, જે એને મદદ કરે છે, બન્ને પ્રેમમાં પડે છે. ફ્રાન્ક કાપરાની ‘ઈટ હેપન્ડ વન નાઈટ’ પરથી બનેલી આ ફિલ્મ હતી એમ અમુક જાણકારો કહે છે. પણ આમાં એક ડાઉટ છે. ‘સોલવા સાલ’ પહેલાં આવેલી રાજ કપૂર-નરગિસની ‘ચોરી ચોરી’નું શું? એ પણ તો ‘ઈટ હેપન્ડ વન નાઈટ’ પરથી બનેલી. મહેશ ભટ્ટે ‘ઈટ હેપન્ડ વન નાઈટ’ અને ‘ચોરી ચોરી’ની સેળભેળ કરીને ‘દિલ હૈ કિ માનતા’ નહીં બનાવી.

દેવ આનંદ અને વહિદા રેહમાનની હિટ જોડીએ સાતેક ફિલ્મ આપી, જેમાંની પાંચ તો સુપરહિટઃ ‘સીઆઈડી’, ‘સોલવા સાલ’, ‘કાલા બઝાર’, ‘બાત એક રાત કી’ અને ‘ગાઈડ’. ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ અને ‘પ્રેમ પુજારી’ ચાલી નહોતી.

ગયા વીકએન્ડમાં દેવ આનંદની ફિલ્મોનો ઉત્સવ ઊજવાયો તે નિમિત્તે વહિદાજીએ કંઈકેટલાં સંભારણાં ઉપસ્થિત સિનેમાપ્રેમીઓ સાથે વહેંચ્યાં. જેમ કે, લેખક આર.કે. નારાયણની નવલકથા પર આધારિત ‘ગાઈડ’ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું ત્યારે દેવ આનંદે એમને કહ્યું કે “આ ફિલ્મની હીરોઈન તું”. કમનસીબે, હિંદી વર્ઝનના ડિરેક્ટર ચેતન આનંદ અને અમેરિકન વર્ઝનના ડિરેક્ટર ટેડ ડેનિયલ્વ્સ્કી, બન્નેને હીરોઈન તરીકે વહિદા રેહમાન પસંદ નહોતી. આ વાત વહિદાજીને ખબર પડી ત્યારે એમણે દેવ સાહેબને કહ્યું કે “તમારા બન્ને ડિરેક્ટરને હું ગમતી નથી, તો તમે બીજી કોઈ હીરોઈન લઈ લો”.

દેવ સાહેબની કમાન છટકીઃ “ગાંડી થઈ છો? મારે કોને લેવી એ મારી મરજી. પ્રોડ્યુસર હું છું”.

વહિદાજીએ કહ્યું “તમે એક વાર અમરજીતને પૂછી જુઓ”. અમરજીત એટલે ‘નવ કેતન’ના પ્રચારક અને દેવ આનંદના ફ્રેન્ડ. એવો ફ્રેન્ડ કે એણે રિક્વેસ્ટ કરી એટલે ‘હમ દોનો’ જેવી ફિલ્મમાં ડિરેક્ટર તરીકે નામ એનું રાખ્યું. હકીકતમાં ડિરેક્ટર વિજય આનંદ હતા. ખેર. અમરજીતે કન્ફર્મ કર્યું કે બન્ને ડિરેક્ટરને વહિદા નથી જોઈતી, પણ દેવ આનંદ અડગ રહ્યા. ફાઈનલી, હિંદી ‘ગાઈડ’ના ડિરેક્ટર જ બદલાઈ ગયા. ચેતન આનંદના બદલે વિજય આનંદ આવી ગયા, બાકી ઈતિહાસ.

2018માં વહિદાજીએ કમલ હસનની ‘વિશ્વરૂપમ્ ટુ’ તથા 2021માં મંજરી મકિંજનય લિખિત દિગ્દર્શિત ‘સ્કેટર ગર્લ’માં કામ કર્યું.

વહિદાજીને ફાળકે એવૉર્ડ નવેમ્બરમાં ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એનાયત કરવામાં આવશે.

એશિયન ગેમ્સ-2023: શૂટિંગમાં આજે ભારતે જીત્યા બે ગોલ્ડ

હાંગ્ઝોઃ અહીં રમાતી 19મી એશિયાડ સ્પર્ધામાં આજે છઠ્ઠા દિવસે ભારતે શૂટિંગ રમતમાં બે સુવર્ણ અને એક રજત ચંદ્રક જીત્યો છે. આ રમતમાં ભારતે જીતેલા સુવર્ણ ચંદ્રકોની સંખ્યા છ પર પહોંચી છે. આજે પુરુષોની 50 મીટર રાઈફલ 3-પોઝિશન ટીમ હરીફાઈમાં સ્વપ્નિલ કુશાલે, ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર અને અખિલ શ્યોરાને વિશ્વવિક્રમી સ્કોર સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જ્યારે મહિલાઓનાં વર્ગમાં, 17 વર્ષની પલક ગુલિયાએ 10 મીટર પિસ્તોલ વ્યક્તિગત હરીફાઈમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે.

પલકે તે પહેલાં, ઈશા સિંહ અને દિવ્યા થડિગોલ સાથે ટીમ બનાવીને 10 મીટર એર પિસ્તોલ ટીમ હરીફાઈમાં રજત ચંદ્રક જીત્યો હતો.

ઘોડેસવારી રમતમાં, ડ્રેસેજ વ્યક્તિગત હરીફાઈમાં અનુષ અગરવાલાએ ત્રીજા ક્રમે આવીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે.

ટેનિસમાં, મેન્સ ડબલ્સ હરીફાઈમાં સાકેત મૈનેની અને રામકુમાર રામનાથનની જોડીએ રજત ચંદ્રક જીત્યો છે.

આ સાથે વર્તમાન એશિયન ગેમ્સમાં ભારતના ગોલ્ડ મેડલની કુલ સંખ્યા 8 થઈ છે અને કુલ ચંદ્રકોની સંખ્યા 30 પર પહોંચી છે. આમાં 11 રજત અને 11 કાંસ્ય ચંદ્રકોનો સમાવેશ થાય છે. મેડલ વિજેતા દેશોની યાદીમાં ભારત ચોથા ક્રમે છે. યજમાન ચીન 93 સુવર્ણ, 54 રજત અને 26 કાંસ્ય સહિત કુલ 173 મેડલ જીતીને યાદીમાં પહેલા ક્રમે છે. બીજા ક્રમે દક્ષિણ કોરિયા 24 ગોલ્ડ, 24 સિલ્વર, 40 બ્રોન્ઝ સાથે કુલ 88 મેડલ સાથે બીજા ક્રમે છે. ત્રીજા ક્રમે જાપાન છે – 19, 31, 32 સહિત કુલ 82 મેડલ.

16 રમતોમાં ભારતના 158 ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે.

મનિષ મલ્હોત્રા એર ઈન્ડિયાના સ્ટાફના યૂનિફોર્મને આપશે ડિઝાઈનર લુક

મુંબઈઃ એર ઈન્ડિયા એરલાઈને નામાંકિત ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રા સાથે ભાગીદારી કરી છે. આ અંતર્ગત મલ્હોત્રા એર ઈન્ડિયાના કેબિન ક્રૂ, કોકપિટ ક્રૂ, ગ્રાઉન્ડ અને સિક્યુરિટી સ્ટાફ સહિતના 10,000 કર્મચારીઓ માટે નવો યૂનિફોર્મ ડિઝાઈન કરશે.

આ માટે મલ્હોત્રા અને એમની ટીમના સાથીઓએ એર ઈન્ડિયાના સ્ટાફ સાથે એમની ખાસ જરૂરિયાતોને વધારે સારી રીતે સમજવા માટે ચર્ચા શરૂ કરી છે.

એર ઈન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર કેમ્પબેલ વિલ્સને એક નિવેદનમાં કહ્યું છે કે ભારતને વિશ્વ સ્તરે એક જીવંત, સાહસી અને પ્રગતિશીલ રાષ્ટ્ર તરીકે પ્રસ્તુત કરવાની અમારી મહત્ત્વાકાંક્ષાને પરિપૂર્ણ કરવા માટે મનિષ મલ્હોત્રા સાથે સહયોગ કરવાનો અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. અમારી બ્રાન્ડ, અમારી વિરાસત અને અમારી સંસ્કૃતિને તેમજ અમારી એરલાઈનની વિશિષ્ટ આવશ્યક્તાઓને ધ્યાનમાં રાખીને  અમે મનીષ અને એમની ટીમ સાથે નિકટતાથી કાર્ય કરી રહ્યા છીએ. અમને આશા છે કે એમના સહયોગથી એક નવો અને રોમાંચક લુક મળશે જે નવી એર ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરશે.

મલ્હોત્રાએ પણ કહ્યું છે કે, આપણા રાષ્ટ્રીય ઉડ્ડયન દૂત સમાન એર ઈન્ડિયા સાથે સહયોગ કરવાનો મોકો મળ્યો છે એ મારે મન અત્યંત ગૌરવપૂર્ણ બાબત છે. એમના કર્મચારીઓનાં યૂનિફોર્મની પુનર્કલ્પના આનંદ અને સહયોગની સફરની શરૂઆત છે અને આ શરૂઆત કરવા માટે હું ઉત્સાહિત છું.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૩

૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૩