કામિની, ગુલાબો, રોઝી, હીરાબાઈ…

એણે હિંદી સિનેમાની ટિપિકલ હીરોઈનના ચોકઠામાંથી બહાર નીકળવાની ડૅરિંગ કરી હતી. પછી એ ‘સીઆઈડી’માં નેગેટિવ શેડ્સવાળું કૅરેક્ટર ભજવતી કામિની હોય, ‘તીસરી કસમ’ની નાચનારી હીરાબાઈ, ‘ગાઈડ’માં પડ્યું પાનું નિભાવી લેવાને બદલે વેરવિખેર લગ્ન, પતિ, ઘર છોડીને પોતાના માર્ગે જતી રોઝી કે પહેલી મોટી ફિલ્મમાં પ્રોસ્ટિટ્યૂટ બનનારી ગુલાબો.

85 વર્ષી વહિદા રેહમાનને હિંદી સિનેમાનું સર્વોચ્ચ સમ્માન, ‘દાદાસાહેબ ફાળકે એવૉર્ડ’ ઘોષિત થાય છે ને આ બધી ફિલ્મો સાંભરી આવે છે. અને હા, ‘ખામોશી’ની લાગણીશીલ નર્સને કેમ ભુલાય? એ નર્સ, જે ગાંડપણમાં પ્રેમ શોધે છે.

એવૉર્ડ પણ ક્યારે મળે છે? દેવ આનંદની જન્મ શતાબ્દી પર. એ દેવ આનંદ, જેમને વહિદાજી સહ-અભિનેતા તરીકે પસંદ કરતાં. એમની જોડી હિટ હતી. જેમ કે રોમાન્ટિક કૉમેડી ‘સોલવા સાલ’માં એ ધનાઢ્ય બાપની ઈકલૌતી બેટી લાજ હતી, જે ઘરેથી ભાગે છે. વાટમાં એને જર્નલિસ્ટ પ્રાણનાથ (દેવ આનંદ) મળે છે, જે એને મદદ કરે છે, બન્ને પ્રેમમાં પડે છે. ફ્રાન્ક કાપરાની ‘ઈટ હેપન્ડ વન નાઈટ’ પરથી બનેલી આ ફિલ્મ હતી એમ અમુક જાણકારો કહે છે. પણ આમાં એક ડાઉટ છે. ‘સોલવા સાલ’ પહેલાં આવેલી રાજ કપૂર-નરગિસની ‘ચોરી ચોરી’નું શું? એ પણ તો ‘ઈટ હેપન્ડ વન નાઈટ’ પરથી બનેલી. મહેશ ભટ્ટે ‘ઈટ હેપન્ડ વન નાઈટ’ અને ‘ચોરી ચોરી’ની સેળભેળ કરીને ‘દિલ હૈ કિ માનતા’ નહીં બનાવી.

દેવ આનંદ અને વહિદા રેહમાનની હિટ જોડીએ સાતેક ફિલ્મ આપી, જેમાંની પાંચ તો સુપરહિટઃ ‘સીઆઈડી’, ‘સોલવા સાલ’, ‘કાલા બઝાર’, ‘બાત એક રાત કી’ અને ‘ગાઈડ’. ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ અને ‘પ્રેમ પુજારી’ ચાલી નહોતી.

ગયા વીકએન્ડમાં દેવ આનંદની ફિલ્મોનો ઉત્સવ ઊજવાયો તે નિમિત્તે વહિદાજીએ કંઈકેટલાં સંભારણાં ઉપસ્થિત સિનેમાપ્રેમીઓ સાથે વહેંચ્યાં. જેમ કે, લેખક આર.કે. નારાયણની નવલકથા પર આધારિત ‘ગાઈડ’ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું ત્યારે દેવ આનંદે એમને કહ્યું કે “આ ફિલ્મની હીરોઈન તું”. કમનસીબે, હિંદી વર્ઝનના ડિરેક્ટર ચેતન આનંદ અને અમેરિકન વર્ઝનના ડિરેક્ટર ટેડ ડેનિયલ્વ્સ્કી, બન્નેને હીરોઈન તરીકે વહિદા રેહમાન પસંદ નહોતી. આ વાત વહિદાજીને ખબર પડી ત્યારે એમણે દેવ સાહેબને કહ્યું કે “તમારા બન્ને ડિરેક્ટરને હું ગમતી નથી, તો તમે બીજી કોઈ હીરોઈન લઈ લો”.

દેવ સાહેબની કમાન છટકીઃ “ગાંડી થઈ છો? મારે કોને લેવી એ મારી મરજી. પ્રોડ્યુસર હું છું”.

વહિદાજીએ કહ્યું “તમે એક વાર અમરજીતને પૂછી જુઓ”. અમરજીત એટલે ‘નવ કેતન’ના પ્રચારક અને દેવ આનંદના ફ્રેન્ડ. એવો ફ્રેન્ડ કે એણે રિક્વેસ્ટ કરી એટલે ‘હમ દોનો’ જેવી ફિલ્મમાં ડિરેક્ટર તરીકે નામ એનું રાખ્યું. હકીકતમાં ડિરેક્ટર વિજય આનંદ હતા. ખેર. અમરજીતે કન્ફર્મ કર્યું કે બન્ને ડિરેક્ટરને વહિદા નથી જોઈતી, પણ દેવ આનંદ અડગ રહ્યા. ફાઈનલી, હિંદી ‘ગાઈડ’ના ડિરેક્ટર જ બદલાઈ ગયા. ચેતન આનંદના બદલે વિજય આનંદ આવી ગયા, બાકી ઈતિહાસ.

2018માં વહિદાજીએ કમલ હસનની ‘વિશ્વરૂપમ્ ટુ’ તથા 2021માં મંજરી મકિંજનય લિખિત દિગ્દર્શિત ‘સ્કેટર ગર્લ’માં કામ કર્યું.

વહિદાજીને ફાળકે એવૉર્ડ નવેમ્બરમાં ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એનાયત કરવામાં આવશે.