ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટે એસટીના કર્મચારીઓનું સન્માન કર્યુ

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી ગાંધીનગરમાં સમાજ સેવા કરી રહ્યું છે. “વિશ્વ પ્રવાસન દિન” નિમિત્તે તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા, લીંબોદરાના સીએસઆર હેઠળ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

પ્રથમ કાર્યક્રમ ગુજરાતના પરિવહનની જીવા દોરી સમાન એસ‌.ટી‌. ના ડ્રાઇવર, કંડકટર અને વર્કશોપના કારીગરોનું સન્માન કરવામાં આવેલ જ્યારે દ્વિતીય કાર્યક્રમમાં સમર્પણ હાઈસ્કૂલ સેક્ટર-૨૮ , ગાંધીનગરના વિદ્યાર્થીઓને તાજ ગાંધીનગરના હિતેશકુમાર, નીશિકાન્ત પાણીગ્રહી અને મનોજભાઈ જોષીએ વિધાર્થોઓને રિસ્પોન્સિબલ ટુરીઝમ અંગે માહિતી આપી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હેમાબેન ભટ્ટ અને શાળા પરિવારે જેહમત ઉઠાવી હતી.

ગાંધીનગરના એસટી ડેપોના વર્કશોપમાં આયોજિત કાર્યક્રમની શરૂઆત ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. મયુરભાઈ જોષી એ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે ઉદગમ એસટીના વિવિધ વર્ગો સાથે તમાકુ નિયંત્રણ માટે પણ કામ કરી રહ્યું છે.  વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે ગુજરાત અને ગુજરાત બહારના લાખો નાગરિકોને પરિવહન પૂરું પાડતા એસટી નિગમના કર્મચારીઓનું સન્માન કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રથમ વખત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે..

તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પાના સીએસઆર હેડ શ્રી ચંદ્રવીર સિંઘે વિશ્વ પ્રવાસન દિવસની શુભેચ્છાઓ પાઠવીને એસટીના કર્મચારીઓને પ્રવાસીઓ પ્રત્યેની તેમની જવાબદારીઓ અને ફરજ માટે સંવેદનશીલ રીતે કાર્ય કરવા માટેની માહિતી આપીને વિશ્વ પ્રવાસન દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

ત્યારબાદ સહુ પધારેલ મહાનુભાવોએ ધૂપ, દીપ, અત્તર, પુષ્પ, તુલસીની માળા સાથે ચંદન તિલક કરીને ગાંધીનગર એસટી ડેપોના વર્કશોપ મેનેજર, ડેપ્યુટી મેનેજર, સ્ટાફ, ડ્રાઇવર અને કંડક્ટરોનું સન્માન કરેલ. માન-સન્માન પ્રાપ્ત કરીને સૌ કર્મચારીઓ ગદગદ થઈ ગયા હતા. ત્યાર બાદ સર્વેને તાજ ગાંધીનગર રિસોર્ટસ સ્પા તરફથી અનલીમીટેડ ચા નાસ્તો કરાવવામાં આવેલ હતો.

સમાપનમાં ગાંધીનગર એસટી ડેપોના મેનેજર હાર્દિકભાઈ રાવલે આટલા સુંદર વિચાર અને કાર્યક્રમ બદલ સૌનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પાના હિતેશકુમાર, નીશિકાન્ત પાણીગ્રહી, સંદિપ ગેલ, ભુપેન્દ્ર પંવાર, શ્રદ્ધા, સુચી, ડો.મિલિંદ સાળુંકે તથા મનોજભાઈ જોષી, કિર્તીભાઈ જોષી, નિલેન્દુભાઈ વોરા, અશોકભાઈ પરીખ,  રજનીકાંતભાઈ સુથાર એ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો‌.