Home Blog Page 2408

વર્લ્ડકપ: 6 વર્ષ બાદ વિરાટ કોહલીએ બોલિંગ કરી, જુઓ Video

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડ કપ 2023ની મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી 6 વર્ષ બાદ વન-ડે ઈન્ટરનેશનલ ફોર્મેટમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો. વર્લ્ડકપ 2023ની મેચ દરમિયાન બાંગ્લાદેશની ઈનિંગની નવમી ઓવરમાં કંઈક એવું બન્યું જેના કારણે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને બોલિંગ કરવાની ફરજ પડી હતી. લાંબા સમય બાદ ક્રિકેટના મેદાન પર વિરાટ કોહલીને આ રીતે બોલિંગ કરતા જોઈને તમામ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વિરાટ કોહલીની બોલિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બાંગ્લાદેશી ઇનિંગ્સની નવમી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. હાર્દિક પંડ્યાએ આ ઓવરમાં માત્ર ત્રણ બોલ ફેંક્યા હતા ત્યારે અચાનક તેને ડાબા પગમાં દુખાવો થવા લાગ્યો.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

બાંગ્લાદેશી ઇનિંગ્સની નવમી ઓવરમાં હાર્દિક પંડ્યા અચાનક બોલિંગ છોડી ગયો હતો. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક સાહસિક નિર્ણય લીધો છે. નવમી ઓવરમાં 3 બોલ બાકી હતા. આવી સ્થિતિમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ અચાનક એક મોટો નિર્ણય લીધો અને બોલ ટીમના મજબૂત બેટ્સમેન વિરાટ કોહલીને સોંપ્યો. વિરાટ કોહલીએ નવમી ઓવરના બાકીના ત્રણ બોલ ફેંક્યા. વિરાટ કોહલીએ પણ પોતાના કેપ્ટન રોહિત શર્માના આત્મવિશ્વાસને તૂટવા ન દીધો અને 3 બોલમાં માત્ર 2 રન જ ખર્ચ્યા. વિરાટ કોહલીની બોલિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિરાટ કોહલીએ અગાઉ 15 ઓગસ્ટ 2017ના રોજ કોલંબોમાં શ્રીલંકા સામે રમાયેલી ODI મેચમાં બોલિંગ કરી હતી.

આમિર ખાનના પુત્ર જુનૈદનો નવો લુક ચર્ચામાં; બોલીવુડમાં કરી રહ્યો છે પ્રવેશ

મુંબઈઃ બોલીવુડમાં અનેક કલાકારોનાં સંતાનો પદાર્પણ કરી રહ્યાં છે. હવે ટૂંક સમયમાં જ સુપરસ્ટાર આમિર ખાનનો પુત્ર પણ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવાનો છે. એની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. જુનૈદે લીલા રંગનું શર્ટ પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટામાં એ હેન્ડસમ દેખાય છે. એનો આ લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. જુનૈદની તસવીર તેના ફોટોગ્રાફર અવિનાશ ગોવારીકરે એમના અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે: ‘બાપ તેવો બેટો? જુનૈદ ખાન હવે મોટો થઈ ગયો છે અને ફિલ્મોમાં કામ કરવા સજ્જ થઈ ગયો છે.’

આ ફોટો વાઈરલ થતાં ઈન્ટરનેટ યૂઝર્સ દ્વારા લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે. એક યૂઝરે લખ્યું છે, વાહ, આ આમિર ખાનનો દીકરો છે? ઘણો હેન્ડસમ દેખાય છે. બીજા એક યૂઝરે લખ્યું છે, મસ્ત. એણે પોતાના લુક પર ઘણી મહેનત કરી છે.

ઉલ્લેખનીય છે કે, આમિર ખાનનો પુત્ર જુનૈદ છેલ્લા છ વર્ષથી નાટકોમાં કામ કરે છે. 2017માં એણે દિગ્દર્શક ક્વાસર ઠાકોર પદમશી સાથે કામ કરીને અભિનયસફરની શરૂઆત કરી હતી. આજ સુધી એ નાટકોમાં જ કામ કરતો દેખાયો છે. યશરાજ ફિલ્મ્સની આગામી હિન્દી ફિલ્મ મહારાજામાં એ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

PMOના નકલી અધિકારીની વિરુદ્ધ CBIએ કેસ નોંધ્યો

વડોદરા: રાજ્યમાં ચર્ચિત કિરણ પટેલ કાંડ પછી PMOના એક વધુ નકલી અધિકારીનો કેસ બહાર આવ્યો છે. કિરણ પટેલની જેમ મયંક તિવારી કુદને PMOમાં એડવાઇઝર હોવાની વાત કહીને અધિકારીઓને પરેશાન કરતો હતો. થોડા દિવસ પહેલાં વડોદરા પોલીસે મયંક તિવારીની ધરપકડ કરી છે. PMO ઓફિસથી ફરિયાદ મળ્યા પછી CBIએ કેસ નોંધ્યો છે.

CBIએ ગુજરાતની એક 45 વર્ષીય વ્યક્તિની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. વડોદરાના મયંક તિવારીનું CBIએ રેકેટ પકડી પાડ્યું છે. મયંક પરશુરામ તિવારીએ ચેન્નાઈની અગ્રવાલ હેલ્થ કેર લિમિટેડ હોસ્પિટલના ડોક્ટર અગ્રવાલને ઇન્દોરમાં આંખની હોસ્પિટલ શરૂ કરવા માટે રોકાણ કરેલા રૂ. 16 કરોડથી વધુ રૂપિયા પરત આપ્યા ન હતા. આ ઉપરાંત તે PMOના નામે ધમકીઓ આપતો હતો. આ અંગે દિલ્હી CBIએ વડોદરામાં રહેતા મયંક તિવારી સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મયંક તિવારી વિનાયક આંખની હોસ્પિટલના ડો. પ્રણયની તરફેણમાં રૂ.16.43 કરોડના વિવાદનું સમાધાન કરવા ડો.અગ્રવાલ આંખની હોસ્પિટલના MD ડો.અગ્રવાલને ધમકી આપી રહ્યો હતો.

શું છે ફરિયાદ?

પ્રાપ્ત માહિતી પ્રમણે ચેન્નાઈની અગ્રવાલ હેલ્થ કેર લિમિટેડ હોસ્પિટલના ડોકટર અગ્રવાલની ભારત અને આફિકામાં 100થી વધુ આંખની હોસ્પિટલ છે. આ અંગેની ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આરોપી મયંક તિવારીએ ડો. પ્રણય કુમાર સિંહ અને ડો. સોનુ વર્મા વતી ડો. અગ્રવાલને “મામલો પતાવવા” માટે ઘણા મેસેજ મોકલ્યા હતા. નકલી PMO અધિકારી બનીને ડો. અગ્રવાલ આંખની હોસ્પિટલના CEOને મોકલેલા મેસેજમાં લખ્યું હતું કે મેં તમને પરસ્પર સંમતિથી મામલો ઉકેલવા વિનંતી કરી હતી અને તે તમારા પર નિર્ભર છે કે તમે આ મામલાને કેવી રીતે હેન્ડલ કરો છો.

PMOની સ્પષ્ટતા

PMOએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તિવારીએ પોતાને PMOમાં સરકારી સલાહકારોના ડિરેક્ટર તરીકે ગણાવ્યા હતા. તે આ આધારે કેટલાક લોકોને ધમકાવતો હતો. PMO તરફથી કહેવામાં આવ્યું કે આ નામનr કોઈ વ્યક્તિ PMOમાં કામ નથી કરતી.

 

 

 

 

 

ફ્રાંસનાં આઠ સુરક્ષાનાં કારણોસર ખાલી કરાવાયાં

પેરિસઃ ફ્રાંસમાં આઠ એરપોર્ટ સુરક્ષા કારણોસર ખાલી કરાવવામાં આવ્યાં હતાં. એ અજ્ઞાત ધમકી મળ્યા પછી આ એરપોર્ટ ખાલી કરાવવામાં આવ્યાં હતાં. પેરિસની પાસે બ્યુવૈસ, સ્ટ્રાસબર્ગ, નેનટેસ, બિયારિટ્સ, ટૂલુઝ, લિલી, લ્યોન-બ્રોન અને નાઇસ એરપોર્ટ સામેલ છે. ફ્રાંસના મિડિયા અહેવાલો અનુસાર બોમ્બની ધમકી મળ્યા પછી સ્ટ્રાસબર્ગ અને નૈનટેસને ખાલી કરાવવામાં આવ્યાં હતાં.

જોકે નાઇસ એરપોર્ટની સર્વિસ ફરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે પેરિસની પાસેના વર્સેલ્સથી એક સપ્તાહથી પણ ઓછા સમયમાં ત્રીજી વાર સુરક્ષાનાં કારણોસર પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. મંગળવારે એક શંકાસ્પદ ચીજવસ્તુ મળવાને કારણે ને સપ્તાહને અંતે બોમ્બની ધમકીને કારણે કાર્યક્રમ સ્થળ ખાલી કરાવવો પડ્યો હતો. પેરિસમાં સુરક્ષાનાં કારણોસર લોવર મ્યુઝિયમ બંધ કરવામાં આવ્યું હતું, પણ હવે એ ખોલવામાં આવ્યું છે.

ગયા સપ્તાહે વડા પ્રધાન એલિઝાબેથ બોર્ને ઉત્તરી શહેર અર્રાસની એક સ્કૂલમાં એક હુમલાખોરે એક શિક્ષકની હત્યા કર્યા બાદ ત્રણ અન્ય લોકોને ઘાયલ કર્યા બાદ દેશમાં સુરક્ષા સલામતી વધારવામાં આવી છે. હાલના વર્ષોમાં ફ્રાંસ સિલસિલેવાર ઇસ્લામી હુમલાથી પ્રભાવિત થયું છે.

 

 

ક્રોમા અને લંડનની નથિંગ બ્રાન્ડ વચ્ચે ભાગીદારી

મુંબઈઃ લંડનસ્થિત કન્ઝ્યૂમર ટેક ક્ષેત્રની જાણીતી બ્રાન્ડ નથિંગએ ભારતમાં ટાટા ગ્રુપની માલિકીની ક્રોમા સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી અંતર્ગત, ગ્રાહકો ભારતમાં તમામ ક્રોમા સ્ટોર્સમાંથી નથિંગના ઉત્પાદનો ખરીદી શકશે

 

ગ્રાહકો નથિંગ ફોન (1) અને નથિંગ ફોન (2), ઓડિયો પ્રોડક્ટ્સ પસંદગીના ક્રોમા પ્રીમિયમ સ્ટોર્સમાંથી ખરીદી શકશે. વધુમાં, આ ભાગીદારીની ઉજવણી રૂપે નથિંગ અને ક્રોમા કંપનીઓ ખાસ કરીને ICICI બેન્ક કાર્ડધારકોને નથિંગ ફોન (2) પર રૂ. 3,000નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપશે. નથિંગ કંપનીએ તેના નથિંગ ફોન (1) યૂઝર્સ માટે નથિંગ OS 2.0.4 અપડેટ રિલીઝ કર્યું છે.

ટેસ્લાના ત્રીજા ત્રિમાસિકમાં ચોખ્ખા નફામાં 44 ટકાનું ગાબડું

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષમાં ટેસ્લાનો ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક આધારે 44 ટકા ઘટ્યો હતો. ઇલેક્ટ્રિક વાહન સોલર પેનલ અને બેટરી ઉત્પાદક કંપનીનો જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ચોખ્ખી આવક 1.86 અબજ અમેરિકી ડોલર થઈ હતી. કંપનીની શેરદીઠ આવક 95 સેન્ટ ઘટીને 53 સેન્ટ થઈ છે.

કંપનીની કુલ આવક નવ ટકા વધીને 23.35 અબજ અમેરિકી ડોલર થઈ છે. વિશ્લેષકોએ આવક 24.19 અબજ ડોલર રહેવાનો અંદાજ વ્યક્ય કર્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે આ મહિનાના પ્રારંભમાં જુલાઈ-સપ્ટેમ્બરમાં 4,35,059 વાહનોનું વેચાણ થયું છે, જે ગયા વર્ષના સમાન ગાળાની તુલનાએ 27 ટકા વધુ છે. કંપનીએ જણાવ્યું હતું કે ચોખ્ખો નફો અંદાજિત 73 સેન્ટની તુલનાએ 66 ટકા શેરદીઠ રહ્યો હતો, જે અંદાજ કરતાં ઓછો હતો.

બીજી બાજુ કેન્દ્ર સરકાર નવી ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસી પર કામ કરી રહી છે અને એ નીતિ હેઠળ કંપનીને ઇમ્પોર્ટ ટેક્સમાં ભારે છૂટ અપાય એવી શક્યતા છે. સરકાર ઇમ્પોર્ટ ડ્યુટી ટેક્સને 100 ટકાથી ઘટાડીને 15 ટકા કરે એવી શક્યતા છે.

સરકાર ટેસ્લા જેવા હાઇ ટેક્નોલોજીવાળા વાહન ઉત્પાદકોને ભારત આવવા માટે મોટી ઓફર આપે એવી શક્યતા છે. જો આ મુદ્દે સહમતી બનશે તો ટેસ્લા જેવી લક્ઝરી કારો સરળતાથી દેશમાં વેચાણ થશે.

 

 

 

 

 

 

‘સિંઘમ અગેન’ના કલાકાર તરીકે ટાઈગર શ્રોફનો ઉમેરો કરાયો

મુંબઈ: દિગ્દર્શક રોહિત શેટ્ટી ‘સિંઘમ’ શ્રેણીની નવી ફિલ્મ બનાવી રહ્યા છે – ‘સિંઘમ અગેન’. આ ફિલ્મના કલાકારોમાં ટાઈગર શ્રોફનો ઉમેરો કરવામાં આવ્યો છે. શેટ્ટીએ આની જાણકારી એમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી છે. એમણે ટાઈગરને આવકારતાં લખ્યું છે, ‘મળો સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઓફિસર એસીપી સત્યાને… અમારી ટીમમાં સ્વાગત છે, ટાઈગર.’

આ લખાણ આપીને શેટ્ટીએ આ એક્શન-પેક્ડ ફિલ્મમાં ટાઈગરના લુકની તસવીર પણ શેર કરી છે. ‘સિંઘમ અગેન’માં અજય દેવગન, દીપિકા પદુકોણ, કરીના કપૂર-ખાન, અક્ષય કુમાર અને રણવીર સિંહ પણ ચમકશે.

 

 

 

ભારત 2027 સુધી ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે

નવી દિલ્હીઃ ભારત વર્ષ 2027 સુધી વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે, જેનો GDP વર્ષ 2030 સુધીમાં બે ગણાથી વધુ વધીને સાત લાખ કરોડ ડોલર થઈ જશે, એમ જેપી મોર્ગનના એશિયા પ્રશાંત ઇક્વિટી રિસર્ચના મેનેજિંગ ડિરેક્ટર જેમ્સ સુલિવને જણાવ્યું હતું.

વૈશ્વિક માર્કેટમાં જારી રહેલી અનિશ્ચિતતાની વચ્ચે ભારતીય અર્થતંત્રના વિકાસ દર પર વિશ્વની નજર ટકેલી છે. ભારતીય અર્થતંત્ર પર વિશ્વના દિગ્ગજોનો વિશ્વાસ મજબૂત થઈ રહ્યો છે. જેપી મોર્ગન દ્વારા આગામી સાત વર્ષો માટે આપેલા અંદાજોમાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે.

 

તેમણે કહ્યું હતું કે આગામી કેટલાંક વર્ષોમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર ગ્રોથને વેગ આપવાનું કામ કરશે અને GDPમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું યોગદાન 17 ટકાથી વધીને આશરે 25 ટકા થવાની શક્યતા છે. આ સાથે નિકાસ બે ગણાથી વધુ- એક લાખ કરોડ ડોલરથી વધુ થવાની શક્યતા છે.

ભારતીય અર્થતંત્રમાં મોટા પાયે ફેરફારોને જોતાં બજારમાં સ્પષ્ટ તકો ઊભી થશે. ચીનના અર્થતંત્રમાં આ ટ્રેન્ડ 2005 પછી નથી જોવા મળ્યો.

ભારતનો આર્થિક વિકાસ દર અન્ય દેશોની તુલનાએ વધુ રહ્યો છે. મોંઘવારી દર અન્ય દેશોની તુલનાએ ઓછો હોવાની સાથે ભારતે સારો દેખાવ કર્યો છે. ભારત છ ટકા વિકાસ દરે વિકાસ કરી રહ્યું છે. વિશ્વના અનેક દેશો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મધ્યમ ટર્મમાં ભારત સૌથી ઝડપથી વિકાસ કરતું અર્થતંત્ર દેખાઈ રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

 

 

તમને માહિતી-જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરતાં આવડે છે?

આજે ઈઝરાયલ-હમસ વિગ્રહ એના ચરમ પર છે ત્યારે ફિલૉસૉફર, રાજકારણી અને મુત્સદ્દી, સ્વતંત્ર ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું વિધાન યાદ આવે છેઃ મૅન હૅઝ લર્ન્ટ ટુ સ્વિમ લાઈક અ ફિશ ઈન વૉટર, હી હૅઝ લર્ન્ટ ટુ ફ્લાય ઈન સ્કાય ઍઝ અ બર્ડ, બટ હી ડિડન્ટ લર્ન ટુ વૉક લાઈક અ હ્યુમન બીઈંગ… ધિઝ ઈઝ ધી એજ ઑફ ગાઈડેડ મિઝાઈલ્સ ઍન્ડ મિસગાઈડેડ મૅન અર્થાત્ અવનવી શોધખોળ અને સુવિધાસજ્જ માળખા રચીને માણસ નામદામ તો ખૂબ કમાયો, જંગી સ્ટીમરમાં બેસીને દરિયા ઓળંગતો થયો, વિરાટ વિમાનમાં બેસીને ગગનગામી થયો, પરંતુ પોતે જ શોધેલાં સરંજામને કેવી રીતે વાપરવાં એનું મૅન્યુઅલ કદાચ વાંચવાનું ભૂલી ગયો.

એક વાતનો વિચાર કરીએ કે, બૉમ્બ, મિસાઈલ્સ જેવાં આધુનિક, પણ ઘાતક શસ્ત્રો બનાવનારા કંઈ અશિક્ષિત નથી. એમણે વિશ્વનાં શ્રેષ્ઠ કહેવાય એવાં વિદ્યાધામોમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય છે, પરંતુ માહિતી અને જ્ઞાનને સત્કાર્યમાં વાપરવાને બદલે માત્ર પોતાની કીર્તિ કમાવા પાછળ જ ખર્ચે તો એ વિનાશ નોતરી શકે. આવું ન બને તે માટે રોજ સવારે ઊઠીને એક વિચાર કરવોઃ ખરેખર અગત્યનું શું છે?

દરરોજ સવારે ઊઠીને ખાવું-પીવું, બેસવું-ચાલવું, વૉટ્સઍપ ચેક કરવા, ફૉરવર્ડ કરવા, કામ-ધંધો કરવો, સંબંધ વધારવા એટલું જ જો માણસને કરવાનું હોય તો એ ઍનિમલ લાઈફ થઈ. મોડી રાતે રસ્તા પર બે કૂતરાં રોટલાના ટુકડા માટે ઝઘડે અને સવારે કૉર્પોરેટ ઑફિસના ૩૫મા માળે બેસીને માણસ અડધો એકર જમીન માટે લડે- બંનેની વૃત્તિ તો એક જ થઈને?

સત્તા-સંપત્તિ અને ભોગવિલાસથી સમૃદ્ધ બનવું એ આપણી સાચી ઓળખ નથી. પ્રાયઃ નામના મેળવ્યા બાદ માણસ સ્વછંદ સ્વાભિમાન-સ્વમહત્ત્વકાંક્ષામાં રાચ્યા કરે, તેથી પોતાના કાર્ય પ્રત્યેની કર્તવ્યનિષ્ઠામાં આકસ્મિક રીતે ઘટાડો નોંધાવા લાગે છે, કારણ કે હવે તેણે સ્વમાં જ પૂર્ણ સંતોષ માની લીધો છે, જે તેની પ્રગતિ ઉપર રોક લગાવી દે છે. માણસને પ્રસિદ્ધિના નશામાંથી છોડાવવા ઈશ્વર તેના કાર્યમાં નિષ્ફળતાનાં બમ્પર મૂકે છે, જે ખૂબ જ જરૂરી હોય છે. આનાથી એ પોતાના કાર્યમાં સાચી સમજણ શીખે છે.

અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ‘કર્મણ્યેવાધિકારસ્તે માં ફલેષુ કદાચન્! અર્જુને કર્મફળપ્રદાતા ઈશ્વરને માનીને પોતાનું કર્તવ્ય દઢપણે બજાવ્યું તો આજે ભગવાન શ્રીકૃષ્ણની સાથે અર્જુનને કરોડો લોકો પૂજે છે. મહાપુરુષોનાં જીવનમાંથી એક નિષ્કર્ષ ચોક્કસ નીકળે છે કે, ઈન્સ્ટેડ ઑફ નેમ, ધે ઑલ્વેઝ ગો ફૉર ઑનેસ્ટ ઍન્ડ એથિકલ હાર્ડવર્ક અર્થાત્ આ લોકોએ નામદામને ગૌણ ગણીને ઈમાનદારીથી થતા અથાગ પરિશ્રમને મહત્વ આપ્યું.

અમેરિકાના લોકપ્રિય અને પ્રથમ રાષ્ટ્રપ્રમુખ જ્યૉર્જ વૉશિગ્ટન એક વાર પોતાની ઑફિસમાં એક બહુ મોટી પોસ્ટ માટે અથવા બહુ મોટા પદ માટે લાયક વ્યક્તિની નિમણૂક કરવા માટે સેક્રેટરીએ એમની સમક્ષ મૂકેલાં નામનું લિસ્ટ વાંચતા હતા. એ યાદીમાં એમના એક ખાસ મિત્રનું નામ આવ્યું. બધાને થયું કે સાહેબ એને જ પસંદ કરશે, પરંતુ લિસ્ટમાં આગળનાં નામો જોતાં બીજી એક વ્યક્તિનું નામ આવ્યું. આ એ વ્યક્તિ હતી, જેણે શ્રીમાન જ્યૉર્જ વૉશિંગ્ટનનો વિરોધ કરવાની એક પણ તક જતી કરી નહોતી. આમ છતાં એ વાત પર, પોતાના અંગત ગમા-અણગમા પર ધ્યાન ન આપતાં એમણે પોતાના વિરોધીની કર્તવ્યનિષ્ઠા પર નજર રાખીને એની જ પસંદગી કરી. આજે પણ એક સફળ રાષ્ટ્રપતિ તરીકે જ્યૉર્જ વૉશિંગ્ટનને લાખો લોકો યાદ કરે છે.

આવા જ એક અન્ય અમેરિકન રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રેગનના કહેવા પ્રમાણે ‘જો માણસ કાર્યનો યશ કોને મળશે? એનો વિચાર ન કરે તો તેની પ્રગતિની સીમા નથી.’ આવા આદર્શો આપણને સદગુણયુક્ત સત્કાર્યો કરવા પ્રેરે છે, નામ તો નિમિત્ત માત્રની ઓળખ છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

ટેક્સ ચોરી મામલે CM યોગીએ કર્યું નક્કર આયોજન

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ટેક્સ ચોરી અટકાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા અને આવક વધારવા માટે નવા સ્રોત તપાસવાનો નિર્દેશ આપ્યો છે. ટેક્સની કાર્યવાહીની ગુપ્તતાનો ભંગ કરવાવાળા કર્મચારીઓને ઓળખી કાઢવા અને તેમની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાના નિર્દેશ તેમણે આપ્યા છે.

તેમણે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષમાં આવકની પ્રાપ્તિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં નાણાપ્રધાન સુરેશ ખન્ના અને મંત્રી, આબકારી પ્રધાન નીતિન અગ્રવાલ પણ હાજર રહ્યા હતા. તેમણે GST, વેટ, આબકારી સહિત વિવિધ આવકનાં સાધનોની સમીક્ષા કરતા વિભાગના અધિકારીઓને દિશા-નિર્દેશ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક સુધી વિવિધ કરસાધનો થકી અત્યાર સુધી રૂ. 92,000 કરોડથી વધુની આવક પ્રાપ્ત થઈ હતી, જેમાં GST/ વેટથી રૂ. 52,000 કરોડ, આબકારી ટેક્સ તરીકે રૂ. 20,000 કરોડ સ્ટોપ એન્ડ રજિસ્ટ્રેશનથી રૂ. 13,000 કરોડ અને ટ્રાન્સપોર્ટેશનથી રૂ. 4700 કરેડથી વધુની આવક થઈ હતી.

તેમણે કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ. 2.62 લાખ કરોડની આવકનો લક્ષ્યાંક માટે નક્કર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આવકની ચોરી એ રાષ્ટ્રીય ક્ષતિ છે. GSTની ચોરી સહિત વિવિધ ટેક્સ ચોરી રોકવા માટે સજાગતા વધારવાની જરૂર છે.

તેમણે કહ્યું હતું કે નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા સુધીમાં વિવિધ માધ્યમથી અત્યાર સુધી રૂ. 92,000 કરોડથી વધુ થઈ છે. દરેક વિભાગે નોંધપાત્ર આવક કરી છે. આ રકમ પ્રદેશના વિકાસ ને લોકકલ્યાણકારી કાર્યોમાં ખર્ચ થશે. તેમણે ટેક્સ ચોરી અટકાવવા માટે સજાગતા જરૂરી હોવાનું જણાવ્યું હતું.