આમિર ખાનના પુત્ર જુનૈદનો નવો લુક ચર્ચામાં; બોલીવુડમાં કરી રહ્યો છે પ્રવેશ

મુંબઈઃ બોલીવુડમાં અનેક કલાકારોનાં સંતાનો પદાર્પણ કરી રહ્યાં છે. હવે ટૂંક સમયમાં જ સુપરસ્ટાર આમિર ખાનનો પુત્ર પણ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવાનો છે. એની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. જુનૈદે લીલા રંગનું શર્ટ પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટામાં એ હેન્ડસમ દેખાય છે. એનો આ લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. જુનૈદની તસવીર તેના ફોટોગ્રાફર અવિનાશ ગોવારીકરે એમના અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે: ‘બાપ તેવો બેટો? જુનૈદ ખાન હવે મોટો થઈ ગયો છે અને ફિલ્મોમાં કામ કરવા સજ્જ થઈ ગયો છે.’

આ ફોટો વાઈરલ થતાં ઈન્ટરનેટ યૂઝર્સ દ્વારા લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે. એક યૂઝરે લખ્યું છે, વાહ, આ આમિર ખાનનો દીકરો છે? ઘણો હેન્ડસમ દેખાય છે. બીજા એક યૂઝરે લખ્યું છે, મસ્ત. એણે પોતાના લુક પર ઘણી મહેનત કરી છે.

ઉલ્લેખનીય છે કે, આમિર ખાનનો પુત્ર જુનૈદ છેલ્લા છ વર્ષથી નાટકોમાં કામ કરે છે. 2017માં એણે દિગ્દર્શક ક્વાસર ઠાકોર પદમશી સાથે કામ કરીને અભિનયસફરની શરૂઆત કરી હતી. આજ સુધી એ નાટકોમાં જ કામ કરતો દેખાયો છે. યશરાજ ફિલ્મ્સની આગામી હિન્દી ફિલ્મ મહારાજામાં એ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.