PMOના નકલી અધિકારીની વિરુદ્ધ CBIએ કેસ નોંધ્યો

વડોદરા: રાજ્યમાં ચર્ચિત કિરણ પટેલ કાંડ પછી PMOના એક વધુ નકલી અધિકારીનો કેસ બહાર આવ્યો છે. કિરણ પટેલની જેમ મયંક તિવારી કુદને PMOમાં એડવાઇઝર હોવાની વાત કહીને અધિકારીઓને પરેશાન કરતો હતો. થોડા દિવસ પહેલાં વડોદરા પોલીસે મયંક તિવારીની ધરપકડ કરી છે. PMO ઓફિસથી ફરિયાદ મળ્યા પછી CBIએ કેસ નોંધ્યો છે.

CBIએ ગુજરાતની એક 45 વર્ષીય વ્યક્તિની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. વડોદરાના મયંક તિવારીનું CBIએ રેકેટ પકડી પાડ્યું છે. મયંક પરશુરામ તિવારીએ ચેન્નાઈની અગ્રવાલ હેલ્થ કેર લિમિટેડ હોસ્પિટલના ડોક્ટર અગ્રવાલને ઇન્દોરમાં આંખની હોસ્પિટલ શરૂ કરવા માટે રોકાણ કરેલા રૂ. 16 કરોડથી વધુ રૂપિયા પરત આપ્યા ન હતા. આ ઉપરાંત તે PMOના નામે ધમકીઓ આપતો હતો. આ અંગે દિલ્હી CBIએ વડોદરામાં રહેતા મયંક તિવારી સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મયંક તિવારી વિનાયક આંખની હોસ્પિટલના ડો. પ્રણયની તરફેણમાં રૂ.16.43 કરોડના વિવાદનું સમાધાન કરવા ડો.અગ્રવાલ આંખની હોસ્પિટલના MD ડો.અગ્રવાલને ધમકી આપી રહ્યો હતો.

શું છે ફરિયાદ?

પ્રાપ્ત માહિતી પ્રમણે ચેન્નાઈની અગ્રવાલ હેલ્થ કેર લિમિટેડ હોસ્પિટલના ડોકટર અગ્રવાલની ભારત અને આફિકામાં 100થી વધુ આંખની હોસ્પિટલ છે. આ અંગેની ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આરોપી મયંક તિવારીએ ડો. પ્રણય કુમાર સિંહ અને ડો. સોનુ વર્મા વતી ડો. અગ્રવાલને “મામલો પતાવવા” માટે ઘણા મેસેજ મોકલ્યા હતા. નકલી PMO અધિકારી બનીને ડો. અગ્રવાલ આંખની હોસ્પિટલના CEOને મોકલેલા મેસેજમાં લખ્યું હતું કે મેં તમને પરસ્પર સંમતિથી મામલો ઉકેલવા વિનંતી કરી હતી અને તે તમારા પર નિર્ભર છે કે તમે આ મામલાને કેવી રીતે હેન્ડલ કરો છો.

PMOની સ્પષ્ટતા

PMOએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તિવારીએ પોતાને PMOમાં સરકારી સલાહકારોના ડિરેક્ટર તરીકે ગણાવ્યા હતા. તે આ આધારે કેટલાક લોકોને ધમકાવતો હતો. PMO તરફથી કહેવામાં આવ્યું કે આ નામનr કોઈ વ્યક્તિ PMOમાં કામ નથી કરતી.