Home Blog Page 2381

પંચાંગ 30/10/2023

શરદ પુનમની રાત્રે ભારત-પાકિસ્તાન બોર્ડર પર જામ્યો ગરબાનો રંગ

નડાબેટ: નવરાત્રીનું પર્વ એટલે માતાજીની આરાધનાનો અનેરો મહિમા… ગુજરાતના સૌથી લાંબા ઉત્સવ તરીકે ઓળખાતા નવરાત્રીમાં લોકો માતાજીની આરાધનાની સાથે સાથે ગરબે રમવાનો આનંદ લે છે, ત્યારે ભારત પાકિસ્તાનની સીમા પર નડાબેટ ખાતે શરદપૂર્ણિમાએ યોજાયેલા ગરબામાં બી.એસ.એફના જવાનો પણ રંગે ચંગે ગરબામાં સહભાગી થયા હતા.

શરદપૂર્ણિમાની રાત્રે નડાબેટ ખાતે ગરાબનું આયોજન કરવામાં આવતા સીમા પર દેશની સુરક્ષા કરતા BSFના જવાનો સાથે લોકોએ રમી આનંદ માણ્યો હતો. અમદાવાદ સ્થિત શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરદપૂર્ણિમાએ નડાબેટ ખાતે બીએસએફના જવાનો માટે ગરબાનું વિશેષ આયોજન કરાયું હતું. સરહદી સુરક્ષામાં સદાય વ્યસ્ત રહેતા જવાનો માટે આ ગરબાનું આયોજનએ ઘર આંગણે માતાજીનાની આરાધનાનું પર્વ પુરવાર થયું હતું.

શિવમ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક અને ચેરમેન ડોક્ટર પ્રકાશ કુર્મીએ જણાવ્યું હતું કે, ‘અમારું ટ્રસ્ટ સામાન્ય રીતે સરહદ પર બીએસએફના જવાનોના આરોગ્ય ચકાસણી માટે મેડિકલ કેમ્પ કરતું આવ્યું છે. આ ઉપરાંત આ જવાનોને તેમની ફરજમાં સહૂલિયત રહે તે માટે વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. છેલ્લા પાંચેક વર્ષથી સરહદના જવાનો પણ નવરાત્રીના પર્વમાં સહભાગી થઈ શકે તે માટે ટ્રસ્ટ દ્વારા ગરબાનું આયોજન કરાય છે. શરદ પૂર્ણિમાએ નડાબેટ બોર્ડર પર જવાનો માટે ગરબાનું વિશેષ આયોજન કરાયું હતું, જેમાં અનેક જવાનો મન મૂકીને ગરબે ઘુમ્યા હતા.’

‘ધ લેડી કિલર’નું ટ્રેલરઃ અર્જુન-ભૂમિની રોમેન્ટિક કેમિસ્ટ્રી; ક્રાઈમ, રોમાન્સ, થ્રિલરનું મિશ્રણ

મુંબઈઃ અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકરને પહેલી જ વાર રોમેન્ટિક જોડીમાં ચમકાવતી અને બંનેનાં બોલ્ડ તેમજ કિસિંગ દ્રશ્યો બતાવતી આગામી નવી હિન્દી ફિલ્મ ‘ધ લેડી કિલર’નું ટ્રેલર નિર્માતાઓએ આજે રિલીઝ કર્યું છે. અજય બહલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ આવતી 3 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવાની છે. 2.22 મિનિટના ટ્રેલરનો આરંભ મહારાજાને મળવા માટે એક શાહી બંગલામાં અર્જુન કપૂરના પ્રવેશ સાથે થાય છે. પરંતુ ત્યાં એક યુવતી – ભૂમિ એનું સ્વાગત કરે છે. એ બંને વચ્ચે પ્રેમ થાય છે. વાર્તામાં બંનેને ઉત્કટ પ્રેમીઓ તરીકે બતાવવામાં આવ્યા છે, પરંતુ વાર્તામાં રહસ્યનું જાળું, ભયાનક વળાંક સર્જાય છે. ટ્રેલરમાં અર્જુન અને ભૂમિની ઉત્તેજક કેમિસ્ટ્રી અને સસ્પેન્સ જોવા મળે છે. આ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી હોય એવું લાગે છે.

(તસવીર સૌજન્યઃ ટી-સીરિઝ યૂટ્યૂબ)

ભૂમિનું કહેવું છે કે, ‘આ ફિલ્મ ખરા અર્થમાં એક લવસ્ટોરી છે. મેં સતત 45 દિવસ સુધી આ ફિલ્મ માટે શૂટિંગ કર્યું હતું.’

અર્જુન અને ભૂમિ આ ઉપરાંત એક અન્ય ફિલ્મમાં પણ સાથે ચમકવાનાં છે – ‘મેરી પત્ની કા રીમેક’. એમાં રકુલપ્રીત સિંહ પણ મુખ્ય ભૂમિકામાં હશે. અર્જુન છેલ્લે 2022માં ‘એક વિલન રિટર્ન્સ’ ફિલ્મમાં જોવા મળ્યો હતો. એમાં તેની સાથે જોન અબ્રાહમ, તારા સુતરિયા અને દિશા પટની જેવા કલાકારો પણ હતાં. ભૂમિની ‘થેંક્યૂ ફોર કમિંગ’ ફિલ્મ હાલમાં જ રિલીઝ થઈ હતી. તેની નવી ફિલ્મ આવી રહી છે ‘ભક્ષક’.

 

 

કેરળમાં સિરિયલ બોમ્બધડાકાને પગલે મુંબઈમાં હાઈએલર્ટ

મુંબઈઃ કેરળના કોચી નજીકના વિસ્તારમાં આવેલા ખ્રિસ્તીઓના કન્વેન્શન સેન્ટરમાં આજે સવારે ત્રણ બોમ્બ વિસ્ફોટ થયા હતા. એમાં એક મહિલાનું મરણ થયું છે અને 45 જેટલા લોકો ઘાયલ થયા છે. બોમ્બ એક ટિફિનમાં મૂકવામાં આવ્યા હતા. વારાફરતી ધડાકા થયા હતા. તે ઘટનાને પગલે મુંબઈ શહેરમાં પોલીસ સુરક્ષા વધારે કડક બનાવી દેવામાં આવી છે.

મુંબઈની સાથે પુણે શહેરમાં પણ હાઈએલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. પોલીસતંત્રને અત્યંત સતર્ક રહેવાનો મહારાષ્ટ્ર સરકારે આદેશ આપ્યો છે. શહેરના તમામ મહત્ત્વના અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બાજ નજર રાખી રહી છે.

 

કેરળમાં સિરિયલ વિસ્ફોટની જવાબદારી કોચીના રહેવાસીએ લીધી

કોચીઃ કોચી શહેર નજીકના કલામાસેરી વિસ્તારમાં આવેલા ખ્રિસ્તીઓના ધાર્મિક પ્રાર્થના સ્થળે આજે સવારે પ્રાર્થના સમયે કરવામાં આવેલા શ્રેણીબદ્ધ બોમ્બવિસ્ફોટોની જવાબદારી યેહોવા વિટનેસીસ નામક ખ્રિસ્તી સંપ્રદાયનો સભ્ય હોવાનો દાવો કરનાર એક જણે લીધી છે. ડોમિનિક માર્ટિન નામનો કોચીનો રહેવાસી કેરળના ત્રિશૂર જિલ્લામાં કોડાકારા નગરમાં પોલીસને શરણે આવી ગયો છે. સવારે કરાયેલા બોમ્બ ધડાકાઓમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને બીજાં 45 જેટલા લોકોને ઈજા થઈ છે. જેમાંના કેટલાકની ઈજા ગંભીર પ્રકારની છે.

(ડોમિનિક માર્ટિનના ફેસબુક પેજની તસવીર)

માર્ટિને પોલીસ સ્ટેશનમાં જઈને ધડાકાઓની જવાબદારી લીધી હતી. પોતાના દાવાના ટેકામાં એણે પુરાવા પણ રજૂ કર્યા હતા. પોલીસે કહ્યું કે તેઓ તપાસ કરી રહ્યા છે કે માર્ટિનના દાવા સાચા છે કે નહીં અને તેણે આવું કૃત્ય કયા કારણોસર કર્યું હતું. માર્ટિને કહ્યું કે તે ખ્રિસ્તીઓના ધાર્મિક જૂથ યેહોવા વિટનેસીસનો અનુયાયી છે. આ જૂથ/સંપ્રદાય મૂળ 19મી સદીમાં અમેરિકામાં હતું.

 

જિયો MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ-2023: બોલીવુડ સિતારાઓનું રેડ કાર્પેટ સ્વાગત

‘જિયો MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ-2023’નો 27 ઓક્ટોબરે મુંબઈમાં બીકેસી વિસ્તારમાં આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ગ્રેન્ડ થિયેટરમાં શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે રેડ કાર્પેટ પર બોલીવુડના અનેક સિતારાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરની તસવીરમાં પ્રિયંકા ચોપરા-જોનસ છે. 10 દિવસ સુધી (5 નવેમ્બર સુધી) ચાલનારા આ જિયો MAMI (Mumbai Academy of Moving Image) ફિલ્મોત્સવમાં દુનિયાભરની 70 ભાષાઓની અઢીસોથી વધારે ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવશે. (તસવીરકારઃ માનસ સોમપુરા)

કરીના કપૂર-ખાન

મણીરત્નમ, કમલ હાસન

નિર્માતા-દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરા

કરિશ્મા કપૂર તેનાં બનેવી સૈફ અલી ખાન સાથે

સોનમ કપૂર

અદિતી રાવ હૈદરી

રાશી ખન્ના

પ્રતિક ગાંધી તેની પત્ની ભામિની સાથે

નિર્માતા કરણ જોહર અને શર્વરી વાઘ

સાન્યા મલ્હોત્રા

તારા સુતરિયા

કેરળમાં ખ્રિસ્તી પ્રાર્થનાસભા સ્થળે બોમ્બ વિસ્ફોટમાં એક મહિલાનું મરણ, અનેક ઘાયલ

કોચીઃ કેરળ રાજ્યના એર્નાકુલમ જિલ્લાના કોચી શહેરમાં ખ્રિસ્તીઓના કન્વેન્શન સેન્ટરને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા એક બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મરણ થયું છે જ્યારે બીજા 35 જેટલા લોકો ઘાયલ થયા છે. મૃતક એક મહિલા હતી. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં એવું માલુમ પડ્યું છે કે કોચી મેટ્રોપોલિટન વિસ્તારના કલામાસેરી વિસ્તારમાં આજે સવારે 9.40 વાગ્યે પ્રાર્થના સભા સ્થળનો થયેલો વિસ્ફોટ આતંકવાદી કૃત્ય છે અને એ માટે IED સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કેરળના પોલીસ વડા ડો. શૈક દરવેશ સાહેબે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, વિસ્ફોટ કલામાસેરીમાં ઝામરા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે થયો હતો. જ્યારે અહેવાલો એમ કહે છે કે કલામાસેરીમાં યેહોવા વિટનેસીસ સંપ્રદાયના ચર્ચમાં પ્રાર્થના સભા ચાલુ હતી ત્યારે ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટ થયા હતા.

વિસ્ફોટના સમાચાર મળ્યા બાદ કેરળ પોલીસની આતંકવાદ-વિરોધી ટૂકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને કલામાસેરીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભારત હમાસને આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરેઃ ઈઝરાયલી રાજદૂત

નવી દિલ્હીઃ કેરળમાં ગઈ કાલે કાઢવામાં આવેલા પેલેસ્ટાઈન-તરફી મોરચામાં ઈઝરાયલના દુશ્મન હમાસ આતંકવાદી સંગઠનના ભૂતપૂર્વ વડા ખાલેદ મશાલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વિશે ભારતમાં ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને આઘાત વ્યક્ત કર્યો છે. એમણે કહ્યું છે કે, ‘ભારત આતંકવાદી સંગઠનોની તેની યાદીમાં હમાસનો સમાવેશ કરે એ સમય આવી ગયો છે.’

ગિલોને X ટ્વિટર પર લખ્યું છે: ‘માની ન શકાય એવી વાત! કેરળમાં ‘બુલડોઝર હિન્દૂત્વ અને રંગભેદી યહૂદીવાદને ઉખેડી નાખો’ સૂત્ર હેઠળ આયોજિત રેલીમાં હમાસ આતંકવાદી ખાલેદ મશાલે કતરમાંથી નિવેદન કર્યું.’ ખાલેદ મશાલે વર્ચ્યુઅલ હાજરીમાં અરબી ભાષામાં સંબોધન કર્યું હતું. ગિલોને વધુમાં લખ્યું છે, ‘મશાલે રેલીમાં ભાગ લેનારાઓને હાકલ કરીઃ ‘રસ્તાઓ પર ઉતરો અને તમારો ગુસ્સો દર્શાવો, (ઈઝરાયલ પર) જિહાદ માટે તૈયાર રહો, હમાસને આર્થિક રીતે મદદ કરો, સોશિયલ મીડિયા પર પેલેસ્ટીનિયન મુદ્દાનો પ્રચાર કરો.’ હમાસISISનો પણ ભારતના ટેરર લિસ્ટમાં ઉમેરો કરવાનો સમય આવી ગયો છે.’

આ મોરચાનું આયોજન કેરળસ્થિત જમાત-એ-ઈસ્લામી સંસ્થાની યુવા પાંખ ‘સોલિડારિટી યૂથ મૂવમેન્ટ’ દ્વારા કરવામાં આવ્યું હતું.

કેરળમાં કાઢવામાં આવેલા મોરચાના પ્રતિસાદમાં, કેરળમાં ભાજપાના ઉપપ્રમુખ વી.ટી. રેમાએ કહ્યું કે, ‘બિનસાંપ્રદાયિક ભારતમાં ઈસ્લામી આતંકવાદીઓના જૂથની ખરી માનસિકતા ઉઘાડી પડી છે. આ વિરોધ-મોરચો નીકળ્યાનું જાણીને મને આઘાત લાગ્યો છે. કોઈ ઈસ્લામી આતંકવાદી જૂથ આમ છડેચોક બિનસાંપ્રદાયિક ભારતમાં અને આપણા દક્ષિણી રાજ્ય કેરળમાં પોતાની ખરી માનસિકતા આમ છડેચોક રજૂ કરે તે વખોડવાલાયક અને અત્યંત કમનસીબ છે.’

અમેરિકન ટીવી શો ‘ફ્રેન્ડ્સ’ના અભિનેતા મેથ્યૂ પેરી (54)નું આકસ્મિક મૃત્યુ

લોસ એન્જેલીસઃ અમેરિકાના જાણીતા ટીવી કોમેડી શો ‘ફ્રેન્ડ્સ’માં ‘ચેંડલર બિંગ’ની ભૂમિકાથી દુનિયાભરમાં પ્રશંસા પામેલા અભિનેતા મેથ્યૂ પેરીનું મૃત્યુ થયું છે. તેઓ 54 વર્ષના હતા. એમનો મૃતદેહ રવિવારે વહેલી સવારે અત્રે એમના ઘરમાં એક હોટ ટબ (જાકુઝી)માંથી મળી આવ્યો હતો. આ સમાચારથી અમેરિકાના મનોરંજન જગત હોલીવુડમાં ખળભળાટ મચી ગયો છે અને પેરીના દુનિયાભરમાંના કરોડો પ્રશંસકો અને મિત્રોને આઘાત લાગ્યો છે. ‘ફ્રેન્ડ્સ’ શોમાં મેથ્યૂ પેરીએ કટાક્ષ કરતા અને રમૂજ કરતા ચેંડલર બિંગના પાત્ર વડે માત્ર અમેરિકા જ નહીં, પણ દુનિયાભરમાં લોકપ્રિયતા હાંસલ કરી છે.

પેરી રાતના પિકલબોલ ગેમ રમીને ઘેર પાછા ફર્યા હતા અને એમના નોકરને અમુક કામ કરવા ઘેર બોલાવ્યો હતો. જ્યારે નોકર ઘેર આવ્યો ત્યારે એણે પેરીને એમના જાકુઝીમાં ડૂબી ગયેલી અવસ્થામાં પડેલા જોયા હતા. એણે તરત જ 911 નંબર પર પોલીસને જાણ કરી હતી. મૃત્યુનું કારણ હજી જાહેર કરવામાંઆવ્યું નથી. લોસ એન્જેલીસ ટાઈમ્સના અહેવાલ અનુસાર પેરી શનિવાર, 28 ઓક્ટોબરે બપોરે 4 વાગ્યે એમના ઘેર હતા. એમના ઘેર અમુક જણ આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ પેરીના ઘરમાંથી ડ્રગ્સ જેવી કોઈ ચીજ મળી નથી.

‘ફ્રેન્ડ્સ’ ટીવી શો એનબીસી નેટવર્ક પર 1994થી 2004 સુધી – દસ વર્ષ સુધી ચાલ્યો હતો અને દુનિયાભરમાં લોકપ્રિય બન્યો હતો. 2002માં પેરીને ચેંડલર બિંગની ભૂમિકા માટે ‘પ્રાઈમટાઈમ એમી એવોર્ડ’ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. પેરીએ ‘ફ્રેન્ડ્સ’ ઉપરાંત ‘ધ ગુડ વાઈફ’, ‘ધ ઓડ કપલ’, ‘સ્ટુડિયો 60 ઓન ધ સનસેટ સ્ટ્રિપ’ અને ‘ધ વેસ્ટ વિંગ’ જેવા અન્ય ટીવી શોમાં પણ અભિનય કર્યો હતો. અમેરિકાના મેસેચ્યૂસેટ્સમાં જન્મેલા અને કેનેડાના ઓટ્ટાવામાં ઉછરેલા પેરીના માતા કેનેડિયન પત્રકાર હતાં. એમણે પેરીના પિતાને છૂટાછેડા આપ્યાં હતાં અને કેનેડાના બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રના એક મહારથી સાથે લગ્ન કર્યાં હતાં. પેરી 15 વર્ષની ઉંમરે અભિનયમાં કારકિર્દી બનાવવા લોસ એન્જેલીસ આવ્યા હતા.

૨૯ ઓક્ટોબર, ૨૦૨૩

૨૯ ઓક્ટોબર, ૨૦૨૩