‘ધ લેડી કિલર’નું ટ્રેલરઃ અર્જુન-ભૂમિની રોમેન્ટિક કેમિસ્ટ્રી; ક્રાઈમ, રોમાન્સ, થ્રિલરનું મિશ્રણ

મુંબઈઃ અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકરને પહેલી જ વાર રોમેન્ટિક જોડીમાં ચમકાવતી અને બંનેનાં બોલ્ડ તેમજ કિસિંગ દ્રશ્યો બતાવતી આગામી નવી હિન્દી ફિલ્મ ‘ધ લેડી કિલર’નું ટ્રેલર નિર્માતાઓએ આજે રિલીઝ કર્યું છે. અજય બહલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ આવતી 3 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવાની છે. 2.22 મિનિટના ટ્રેલરનો આરંભ મહારાજાને મળવા માટે એક શાહી બંગલામાં અર્જુન કપૂરના પ્રવેશ સાથે થાય છે. પરંતુ ત્યાં એક યુવતી – ભૂમિ એનું સ્વાગત કરે છે. એ બંને વચ્ચે પ્રેમ થાય છે. વાર્તામાં બંનેને ઉત્કટ પ્રેમીઓ તરીકે બતાવવામાં આવ્યા છે, પરંતુ વાર્તામાં રહસ્યનું જાળું, ભયાનક વળાંક સર્જાય છે. ટ્રેલરમાં અર્જુન અને ભૂમિની ઉત્તેજક કેમિસ્ટ્રી અને સસ્પેન્સ જોવા મળે છે. આ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી હોય એવું લાગે છે.

(તસવીર સૌજન્યઃ ટી-સીરિઝ યૂટ્યૂબ)

ભૂમિનું કહેવું છે કે, ‘આ ફિલ્મ ખરા અર્થમાં એક લવસ્ટોરી છે. મેં સતત 45 દિવસ સુધી આ ફિલ્મ માટે શૂટિંગ કર્યું હતું.’

અર્જુન અને ભૂમિ આ ઉપરાંત એક અન્ય ફિલ્મમાં પણ સાથે ચમકવાનાં છે – ‘મેરી પત્ની કા રીમેક’. એમાં રકુલપ્રીત સિંહ પણ મુખ્ય ભૂમિકામાં હશે. અર્જુન છેલ્લે 2022માં ‘એક વિલન રિટર્ન્સ’ ફિલ્મમાં જોવા મળ્યો હતો. એમાં તેની સાથે જોન અબ્રાહમ, તારા સુતરિયા અને દિશા પટની જેવા કલાકારો પણ હતાં. ભૂમિની ‘થેંક્યૂ ફોર કમિંગ’ ફિલ્મ હાલમાં જ રિલીઝ થઈ હતી. તેની નવી ફિલ્મ આવી રહી છે ‘ભક્ષક’.