Home Blog Page 2297

“મારી ભાષા, મારી જવાબદારી” સંદેશ પ્રસારિત કરવાનો એક સક્ષમ પ્રયાસ

મુંબઈઃ “ગુર્જરી નમોસ્તુતે” એ માતૃભાષાના સંવર્ધનનો યજ્ઞ છે. “મારી ભાષા, મારી જવાબદારી” આ સંદેશ પ્રસારિત કરવાનો એક સક્ષમ પ્રયાસ છે. ફિલ્મો, નાટકો, સિરિયલોના માધ્યમ થકી વિદ્યાર્થીઓ આ ભાષાની નજીક આવે છે. વાર્તાઓ તરફ ધ્યાન કેન્દ્રિત થાય છે. જુદી-જુદી સંસ્થાઓ જોડાય છે અને ભાષા ગુંજે છે. આ માટે કે. ઈ. એસ. સતત પ્રયાસ કરતી રહે છે.

કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત કે. ઈ. એસ. શ્રોફ કોલેજના આંગણે પહેલી ડિસેમ્બરે “ગુર્જરી નમોસ્તુતે” આંતર મહાવિદ્યાલય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં સાહિત્ય, કળા, સંગીત સંબંધિત વિવિધ પ્રકારની સ્પર્ધાઓમાં વિવિધ શિક્ષણ સંસ્થાઓના સેંકડો વિદ્યાર્થીઓ ભાગ લેશે.

માતૃભાષા સદા પલ્લવિત રહે, માતૃભાષાની ચેતના જાગ્રત રહે એ ઉદેશ સાથે યોજાતા ગુર્જરી નમોસ્તુતેનું આ ૧૩મું વર્ષ છે. છેલ્લાં બાર વર્ષથી આ પ્રકારના કાર્યક્રમોમાં અલગ-અલગ વિષય લઈને આ ઉત્સવ ઊજવાય છે. સાહિત્ય, સંગીત અને કળા આ ત્રણે પાસાં આવરી લઈને વિવિધ સ્પર્ધાઓ યોજાય છે. નિબંધ અને કવિતા લેખનથી લઈને એકોકિત, નાટક, ગીત ગુંજન, નૃત્ય, પી પી ટી અને શોર્ટ ફિલ્મ બનાવવી, વાનગી બનાવટ, ચિત્ર અને રંગોળી જેવી અનેક સ્પર્ધાઓ આયોજિત થાય છે.માત્ર મુંબઇ જ નહીં, ગુજરાતથી સ્પર્ધકો આવે છે. ઓનલાઇન સ્પર્ધાઓમાં વિદેશથી પણ સ્પર્ધકો જોડાય છે. એકસાથે લગભગ ૫૦૦થી વધુ ભાષાપ્રેમી વિદ્યાર્થીઓ અને શિક્ષકો,અનેક સંસ્થાઓનું યોગદાન ઉત્સવને મહોત્સવ બનાવે છે. આ સ્પર્ધામાં ૧૧મા ધોરણથી લઈ ઉચ્ચ ડિગ્રીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દેશના કોઈ પણ ભાગમાંથી આવી શકે છે. ઓનલાઇન સ્પર્ધાઓમાં વિદેશના વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે. આ કાર્યક્રમમાં હાજર રહેવા સર્વ ભાષાપ્રેમીઓને સંસ્થા તરફથી જાહેર નિમંત્રણ છે. આ જ દિવસે સાંજે સ્પર્ધાના વિજેતાઓને ઇનામનું વિતરણ પણ થશે.

 

 

 

 

 

 

 

 

‘સેમ બહાદુર’ ‘એનિમલ’, ‘ટાઇગર 3’નો ક્રેઝ બોક્સઓફિસ પર ખતમ કરશે

નવી દિલ્હીઃ બોક્સ ઓફિસ પર બહુ મોટો કલેશ થવાનો છે. બોલીવૂડ એક્ટર વિક્કી કૌશલ અને મેઘના ગુલઝારની ‘સેમ બહાદૂર’ રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ‘એનિમલ’ની સાથે ટક્કર થવા માટે તૈયાર છે. આ બંને ફિલ્મો પહેલી ડિસેમ્બરે રિલીઝ થવાથી છે. બીજી બાજુ સલમાન ખાનની ‘ટાઇગર 3’ પણ દર્શકોને આકર્ષી રહી છે. અપેક્ષા હતી કે ફિલ્મ હિટ થશે, પરંતુ 12 નવેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર આટલી સફળ થશે, એ કોઈએ વિચાર્યું નહોતું.

હવે બોક્સઓફિસ પર ત્રણ મોટી ફિલ્મો વચ્ચે લડાઈ થવાની છે, આ ફિલ્મોમાં સારા ડિરેક્ટરો અને સ્ટાર કાસ્ટ કાસ્ટ છે. ‘ટાઇગર 3’ પહેલેથી સફળ થયેલી ફિલ્મ છે. જ્યારે ‘એનિમલ’ અને ‘સેમ બહાદુર’નાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂક્યાં છે. જોકે સંદીપ વાગા રેડ્ડી નિર્દેશિત ‘એનિમલ’ ‘સેમ બહાદુર’થી ક્યાંય આગળ છે.

જોકે દર્શકોને ‘એનિમલ’ના ટ્રેલરે અને ગીતો પસંદ આવ્યાં છે, જેથી દર્શકો થિયેટરોમાં આ ફિલ્મ જોવા જરૂર જાય એવી શક્યતા છે. રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની કેમિસ્ટ્રી યુવા દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

જોકે ‘સેમ બહાદુર’નું ટ્રેલર પણ દર્શકોમાં રસ જગાડે એટલું આકર્ષક છે. એ ભારતના પહેલા ફીલ્ડ માર્શલ જનરલના જીવન પર એક બાયોપિક છે અને ટ્રેલરથી માલૂમ પડે છે કે વિક્કીએ તેની ભૂમિકા સરસ રીતે ભજવી છે. ‘સેમ બહાદુર’ દેશભક્તિ, માતૃભૂમિ પ્રતિ પ્રેમ, વિકટ પરિસ્થિઓમાં પણ સાચી પસંદગી કરવા અને સૌથી ઉપર દેશને રાખવો છે.

અપેક્ષા છે કે આ ફિલ્મ ભારતીયોની લાગણીઓને તરબતર કરશે અને રિલીઝના થોડા દિવસ પર બોક્સ ઓફિલ પર ‘એનિમલ’ના ક્રેઝની સાથે-સાથે ‘ટાઇગર ત્રણ’ને પણ પછાડશે. એવી અપેક્ષા છે કે વર્ડ ઓફ માઉથ મેઘના ગુલઝારની તરફેણમાં જશે.જે પહેલાં વિક્કી કોશલની સાથે એક અદભુત દેશભક્તિની ફિલ્મ ‘રાઝી’ આપી ચૂકી છે.

 

 

કોરાનાના 22 નવા કેસો, એક પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 22 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,807 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,298 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,252 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 16 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 257 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,77,403 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 75 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ન્યૂયોર્કના ગુરુદ્વારામાં ભારતીય રાજદૂત સાથેના ગેરવર્તાવને અમેરિકાની શીખ સંસ્થાએ વખોડી કાઢ્યો

ન્યૂયોર્કઃ ગયા સપ્તાહાંતે અહીંના એક ગુરુદ્વારાની બહાર અમેરિકાસ્થિત ભારતીય રાજદૂત તરનજીતસિંહ સંધૂની કેટલાક ખાલિસ્તાની સમર્થકો દ્વારા કરાયેલી ધક્કામુક્કીની ઘટનાને અમેરિકામાં વસતા શીખોની એક સંસ્થાએ વખોડી કાઢી છે. ‘શીખ્સ ઓફ અમેરિકા’ નામની સંસ્થાએ ગુરુદ્વારાના મેનેજમેન્ટને વિનંતી કરી છે કે સંધૂ પર કરાયેલા હુમલા માટે જવાબદાર લોકો સામે તે કડક પગલું ભરે.

‘શીખ્સ ઓફ અમેરિકા’ના સ્થાપક અને ચેરમેન જસદિપસિંહ જસ્સી અને પ્રમુખ કંવલજીતસિંહ સોનીએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે ગુરુદ્વારા ભક્તિના સ્થળો છે અને એમને અંગત રાજકીય મંતવ્યોથી મુક્ત રાખવા જોઈએ. તરનજીતસિંહ સંધૂ ગયા રવિવારે ગુરુપૂરબ પર્વ નિમિત્તે ન્યૂયોર્કના લોન્ગ આઈલેન્ડમાં આવેલા હિક્સવિલ ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા ગયા હતા. ત્યાં ગુરુદ્વારાના સંચાલકો દ્વારા એમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાર્થના કરીને સંધૂ ત્યાંથી બહાર નીકળ્યા ત્યારે ત્યાં એકત્રિત થયેલા કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ એમને ધક્કે ચઢાવ્યા હતા. પરંતુ શીખ સમુદાયના સભ્યોએ એ તોફાની તત્ત્વોને ત્યાંથી હાંકી કાઢ્યા હતા.

ભારત પર હમાસ જેવા હુમલાની ભીતિ છેઃ ગુપ્તચર વિભાગનો અહેવાલ

મુંબઈઃ ગાઝા સ્ટ્રીપ પર અંકુશ ધરાવતા હમાસ ઉગ્રવાદી જૂથે ઈઝરાયલ પર ઓચિંતો હુમલો કર્યા બાદ બંને વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું છે. એને કારણે આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. હવે હમાસ જેવા સંકલિત હુમલા ભારતમાં પણ થવાનું જોખમ છે એવું ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB)ના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. ‘ફ્રી પ્રેસ’ અખબારના અહેવાલ મુજબ, ગુપ્તચર વિભાગની આ ચેતવણીને પગલે ભારત સરકારે તેની સુરક્ષા સંસ્થાઓને હાઈ એલર્ટ પર મૂકી દીધી છે અને વૈશ્વિક આતંકવાદી ગ્રુપ, આંતરિક આતંકવાદી સંગઠનો અને ભાગલાવાદી જૂથો તરફથી સંભવિત ધમકીઓ પર ચાંપતી દેખરેખ રાખી રહી છે.

ગુપ્તચર વિભાગે પેલેસ્ટિનીયન લોકો માટે સમર્થન વ્યક્ત કરનાર કશ્મીરસ્થિત ઉગ્રવાદી જૂથો અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ISIS ની શંકાસ્પદ પ્રવૃત્તિઓને ઓળખી કાઢી છે. આતંકવાદીઓ મુંબઈ, દિલ્હી, કોલકાતા જેવા મહાનગરોમાં રેલવે લાઈન, એરપોર્ટ રનવે, મેટ્રો ટ્રેક્સ સહિત મહત્ત્વના માળખાગત સ્થાનો પર ભાંગફોડ, હુમલા કરવાની પેરવી કરી રહ્યા છે. દેશના જે રાજકીય નેતાઓએ હમાસને આતંકવાદી સંગઠન તરીકે ઓળખાવી વખોડી કાઢ્યું છે તેઓ પર ઈસ્લામી કટ્ટરવાદીઓના નિશાના પર છે.

ગુપ્તચર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, લશ્કર-એ-તૈબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા વિદેશી આતંકવાદી સંગઠનો સાથે સંપર્ક ધરાવનાર ફરાર આતંકવાદી ફરહતુલ્લાહ ઘૌરી હમાસ-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને ધર્મની લડાઈ તરીકે ગણાવીને ભારતમાં કોમી લાગણી ભડકાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એવી જ રીતે, વિદેશમાં સક્રિય ખાલિસ્તાની સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ ગ્રુપ પણ ભારતમાં હમાસ ટાઈપના હુમલા કરાવે એવો ખતરો છે. ગુપ્તચર એજન્સીએ એવી માહિતી આપી છે કે તાજેતરમાં કેરળના કોચી શહેરમાં યેહોવા વિટનેસ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કથિતપણે ખ્રિસ્તીઓના એક આતંકવાદી સંગઠને કરાવ્યા હતા. આ સંગઠન યહૂદીઓ અને ખ્રિસ્તીઓનું સમર્થક છે.

ગુપ્તચર વિભાગ વહાદત-એ-ઈસ્લામી, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા, જમાઈત ઉલેમા-એ-હિંદ, ઈનડો-પેલેસ્ટાઈન સોલિડારિટી ફોરમ, જમાત-એ-ઈસ્લામી હિંદ જેવા સંગઠનોની હિલચાલ, પ્રવૃત્તિઓ ઉપર પણ ચાંપતી નજર રાખી રહ્યું છે. આ સંગઠનોએ હમાસને આતંકવાદી સંગઠન ગણાવવા સામે અને ભારત સરકારે હાલ ચાલી રહેલા યુદ્ધમાં ઈઝરાયલનો પક્ષ લીધો છે એની સામે વાંધો ઉઠાવ્યો છે.

૨૮ નવેમ્બર, ૨૦૨૩

૨૮ નવેમ્બર, ૨૦૨૩

લોભને થોભ ન હોય

                  લોભને થોભ ન હોય

 

માણસ લોભી હોય ત્યારે એની અપેક્ષાની કોઈ સીમા નથી હોતી. ગમે તેટલું મળે તોય એને સંતોષ નથી થતો. માણસ પ્રમાણભાન ભૂલી જાય છે અને વધુને વધુ મેળવવા માટે પ્રયત્નશીલ બને છે. થોભવું એટલે રોકાવું. જ્યારે માણસ લોભીવૃત્તિનો શિકાર બને ત્યારે સંતોષ વિદાય લે છે અને લોભ/લોભીવૃત્તિ ચાલ્યા કરે છે.

આ પરિસ્થિતી વર્ણવવા આ કહેવત વપરાય છે. સંસ્કૃતમાં આશા એટલે કે અપેક્ષાને કોઈ મર્યાદા નથી એ બોધ આપતો શ્લોક છે –

अङ्गं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् ।

वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशापिण्डम् ॥

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

મોહમ્મદ અઝીઝને ‘મર્દ’ થી ગાયકનું ટાઇટલ મળ્યું

મોહમ્મદ અઝીઝને ગાયક બનવા ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો પણ સંગીતકારો આખરે એમની ગાયિકીને માન્યા હતા અને પછી તક આપી હતી. કલકત્તામાં કિશોર અવસ્થાથી ગાયક બનેલા અઝીઝને થયું કે અહીં આમતેમ કાર્યક્રમોમાં ગાવા કરતાં મુંબઈ જઈને કારકિર્દી બનાવવી જોઈએ. એમણે ૧૯૮૨ માં બાબુલ બોઝ (‘જીના તેરી ગલી મેં’ ના સંગીતકાર) સાથે મુંબઇમાં પ્રવેશ કર્યો. લગભગ પોણા બે વર્ષ સુધી સંઘર્ષ કર્યો. ફિલ્મી સ્ટુડિયો, નિર્માતાઓ અને સંગીતકારોને ત્યાં ચક્કર લગાવતા રહ્યા. મોહમ્મદ અઝીઝ મુંબઈ જતા હતા ત્યારે મિત્ર જાવેદે એના નાનાભાઈ અને ‘આફતાબ પિક્ચર્સ’ ના સલીમ અખ્તરના નામે એક ભલામણ પત્ર લખી આપ્યો હતો. એમાં ભારપૂર્વક લખ્યું હતું કે અઝીઝ સારું ગાય છે અને એને તક આપવાની જ છે.

સલીમે પોતાની આગામી ફિલ્મમાં તક આપવા સંગીતકાર અનુ મલિક સાથે મુલાકાત કરાવી. અનુ ત્યારે સંઘર્ષ જ કરતા હતા. એક-બે નાની ફિલ્મો કરી હતી. સલીમે અનુને અઝીઝનો અવાજ સાંભળીને એના માટે જે થઈ શકે એ કરવા કહ્યું. ત્યારે અનુએ કહ્યું કે અત્યારે જે ફિલ્મનું સંગીત આપી રહ્યો છે એના ચાર ગીતો તૈયાર થઈ ગયા છે. એક બાકી છે એને આશા ભોંસલેના સ્વરમાં રેકોર્ડ કરવાનું છે. કોઈ પુરુષ સ્વર માટે ગીત બાકી નથી. છતાં તમે કીધું છે એટલે એને બોલાવતો રહીશ અને ધ્યાન રાખીશ. અઝીઝ અનુને મળતા રહ્યા. અઝીઝ મુંબઈમાં શરૂઆતમાં ખર્ચ કાઢવા હોટલોમાં ગાતા રહેતા હતા અને સંગીતકારોને મળતા રહેતા હતા.

એક દિવસ દુર્ગા પૂજાના કાર્યક્રમમાં મોહમ્મદ અઝીઝે ગાયું ત્યારે ‘આન મિલો સજના’ (૧૯૭૦) ના નિર્દેશક અને બંગાળી ગીતકાર મુકુલ દત્ત પ્રભાવિત થયા. એમને ખબર હતી કે નિર્માતા આશિષ રૉયની ફિલ્મ બંગાળી (જ્યોતિ) અને હિન્દી (અંબર) એમ બે ભાષામાં બની રહી છે. મુકુલે અઝીઝની ભલામણ કરી અને સપન- જગમોહનના સંગીતમાં પહેલું ગીત ‘કબ તલક દુલ્હે’ ગાવાની તક મળી. ‘અંબર’ ના એક વાદ્યવાદકે અઝીઝ માટે લાગણી થતાં સંગીતકાર ઉષા ખન્ના સાથે મુલાકાત કરાવી. ઉષાએ એમનો અવાજ સાંભળ્યો અને ફિલ્મ ‘માન મર્યાદા’ (૧૯૮૪) માં એક હોળીગીત ગવડાવ્યું. એ પછી ત્રણ- ચાર ગીતો ગવડાવ્યા. એટલું જ નહીં એ ગીતોની કેસેટ સાથે સંગીતકાર પ્યારેલાલના ઘરે ફોન કરીને પોતાની ભલામણ સાથે મોકલ્યા. એ કારણે લક્ષ્મીકાન્ત- પ્યારેલાલ સાથે પણ સંપર્ક શરૂ થયો. એમણે અવાજ સાંભળ્યો અને પછી મળવા કહ્યું. પછીથી જ્યારે એમના બંગલે મુલાકાત માટે અઝીઝે પ્રયત્ન કર્યા ત્યારે મોકો મળતો ન હતો.

એક દિવસ ફરી ઉષા ખન્નાની ભલામણથી બપોરે બંગલામાં ઘૂસી ગયા. ત્યારે લક્ષ્મીકાન્ત નહાઈને બાહર આવ્યા હતા. એમનો મૂડ બગડી ગયો અને કહી દીધું કે તું ગમે ત્યારે આવી જાય છે. સમય જોતો નથી અને એપોઈન્ટમેન્ટ કે ફોન વગર આવે છે. અઝીઝે માફી માંગી અને કલકત્તાથી આવ્યો હોવાનું કહ્યું ત્યારે એમણે કહી દીધું કે તું કલકત્તા પાછો ચાલ્યો જા અને રિયાઝ કર. અઝીઝ નિરાશ થઈને પાછા ફર્યા અને જૂહૂ બીચ પર બેસીને એમ વિચારીને રડ્યા કે મારા આદર્શ સંગીતકારે ના પાડી દીધી એટલે મારુ કંઇ થવાનું નથી. એ વાત અલગ છે કે લક્ષ્મીકાન્ત-પ્યારેલાલે પાછળથી એમની પાસે ગીતો ગવડાવ્યા હતા. દરમ્યાનમાં અઝીઝ કોઈને ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા હતા ત્યારે સવારે એક છોકરો આવ્યો અને સમાચાર આપ્યા કે તને અનુ મલિક બોલાવે છે.

અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘મર્દ’ (૧૯૮૫) નું ટાઇટલ ગીત તારે ગાવાનું છે. અઝીઝને પહેલાં તો સાચું લાગ્યું જ નહીં. અઝીઝ પહોંચ્યા ત્યારે અનુએ કહ્યું કે પહેલાં બીજું કોઈ ‘મર્દ’ નું ટાઇટલ ગીત ગાવાનું હતું. હવે તું પણ જો બરાબર નહીં ગાય તો તારા હાથમાંથી જતું રહેશે. તારો અવાજ નિર્દેશક મનમોહન દેસાઇને પસંદ આવશે તો તારું ગીત રહેશે. મેં તારો અવાજ એમને સંભળાવ્યો છે અને ગમ્યો છે. તારે તારું શ્રેષ્ઠ આપવાનું છે. અઝીઝે રિહર્સલમાં માઇક વગર ગાયું ત્યારે જ મનમોહન ખુશ થઈ ગયા. માઇક પર ફાઇનલ રેકોર્ડીંગ થયું એ પછી તો શાબાશી આપીને કહ્યું કે અત્યારે અવાજ વધારે સારો લાગ્યો અને બીજું ગીત ‘હમ તો તંબૂ મે બંબૂ’ પણ ગાવા આપ્યું. અમિતાભની ફિલ્મના ‘મર્દ ટાંગેવાલા’ ગીતથી મોહમ્મદ અઝીઝને જાણે પાર્શ્વગાયકનું ટાઇટલ મળ્યું અને નામ થઈ ગયું. પછી તો ગાયક તરીકે ગાડી ચાલી નીકળી હતી.

રાશિ ભવિષ્ય 28/11/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.


આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે,  વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 28/11/2023