“મારી ભાષા, મારી જવાબદારી” સંદેશ પ્રસારિત કરવાનો એક સક્ષમ પ્રયાસ

મુંબઈઃ “ગુર્જરી નમોસ્તુતે” એ માતૃભાષાના સંવર્ધનનો યજ્ઞ છે. “મારી ભાષા, મારી જવાબદારી” આ સંદેશ પ્રસારિત કરવાનો એક સક્ષમ પ્રયાસ છે. ફિલ્મો, નાટકો, સિરિયલોના માધ્યમ થકી વિદ્યાર્થીઓ આ ભાષાની નજીક આવે છે. વાર્તાઓ તરફ ધ્યાન કેન્દ્રિત થાય છે. જુદી-જુદી સંસ્થાઓ જોડાય છે અને ભાષા ગુંજે છે. આ માટે કે. ઈ. એસ. સતત પ્રયાસ કરતી રહે છે.

કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત કે. ઈ. એસ. શ્રોફ કોલેજના આંગણે પહેલી ડિસેમ્બરે “ગુર્જરી નમોસ્તુતે” આંતર મહાવિદ્યાલય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં સાહિત્ય, કળા, સંગીત સંબંધિત વિવિધ પ્રકારની સ્પર્ધાઓમાં વિવિધ શિક્ષણ સંસ્થાઓના સેંકડો વિદ્યાર્થીઓ ભાગ લેશે.

માતૃભાષા સદા પલ્લવિત રહે, માતૃભાષાની ચેતના જાગ્રત રહે એ ઉદેશ સાથે યોજાતા ગુર્જરી નમોસ્તુતેનું આ ૧૩મું વર્ષ છે. છેલ્લાં બાર વર્ષથી આ પ્રકારના કાર્યક્રમોમાં અલગ-અલગ વિષય લઈને આ ઉત્સવ ઊજવાય છે. સાહિત્ય, સંગીત અને કળા આ ત્રણે પાસાં આવરી લઈને વિવિધ સ્પર્ધાઓ યોજાય છે. નિબંધ અને કવિતા લેખનથી લઈને એકોકિત, નાટક, ગીત ગુંજન, નૃત્ય, પી પી ટી અને શોર્ટ ફિલ્મ બનાવવી, વાનગી બનાવટ, ચિત્ર અને રંગોળી જેવી અનેક સ્પર્ધાઓ આયોજિત થાય છે.માત્ર મુંબઇ જ નહીં, ગુજરાતથી સ્પર્ધકો આવે છે. ઓનલાઇન સ્પર્ધાઓમાં વિદેશથી પણ સ્પર્ધકો જોડાય છે. એકસાથે લગભગ ૫૦૦થી વધુ ભાષાપ્રેમી વિદ્યાર્થીઓ અને શિક્ષકો,અનેક સંસ્થાઓનું યોગદાન ઉત્સવને મહોત્સવ બનાવે છે. આ સ્પર્ધામાં ૧૧મા ધોરણથી લઈ ઉચ્ચ ડિગ્રીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દેશના કોઈ પણ ભાગમાંથી આવી શકે છે. ઓનલાઇન સ્પર્ધાઓમાં વિદેશના વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે. આ કાર્યક્રમમાં હાજર રહેવા સર્વ ભાષાપ્રેમીઓને સંસ્થા તરફથી જાહેર નિમંત્રણ છે. આ જ દિવસે સાંજે સ્પર્ધાના વિજેતાઓને ઇનામનું વિતરણ પણ થશે.