Home Blog Page 2132

સાનિયા મિર્ઝાની મરજીથી થયાં શોએબ મલિકનાં બીજાં લગ્ન?

નવી દિલ્હીઃ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે બીજાં લગ્ન કરીને સૌને ચોંકાવ્યા હતા. મલિકે પાકિસ્તાની એક્ટ્રેસ સના જાવેદ સાથે લગ્ન કર્યાં છે. શોએબે લગ્નના ફોટો શેર કર્યા હતા. એ સાથે સાનિયા અને શોએબના તલાકની અફવા લોકોને સાચી લાગી રહી છે. જોકે ઇન્સ્ટાગ્રામ પર એવા પુરાવા મળ્યા છે કે લોકો એ અંદાજ લગાવી રહ્યા છે કે શોએબનાં લગ્ન સાનિયાની મરજીથી થયાં છે.

સાનિયા અને શોએબ મલિકના તલાકના સમાચાર છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યા છે. જોકે બંને અત્યાર સુધી પુષ્ટિ નથી કરી, પણ તેઓ ક્યાંય સાથે નથી દેખાતા. બંને એકમેકને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી રહ્યા છે. સામાન્ય રીતે સેલિબ્રિટી અલગ થવા પર એકમેકને અનફોલો કરી દે છે, પરંતુ સાનિયા અને શોએબે આવું નથી કર્યું.

એ કારણે યુઝર્સ અંદાજ લગાવી રહ્યા છે કે ભલે શોએબે લગ્ન કરી લીધાં પણ બંને વચ્ચે ખટાશ નથી. શોએબે સાનિયા સાથે દગો નથી કર્યો અને બંને આપસી સહમતીથી અલગ થયાં છે. બંને પુત્રના જન્મદિને એકસાથે દેખાયા હતા.

જોકે આ પહેલાં સમાચાર હતા કે શોએબે સાનિયાને દગો કર્યો છે અને તે પાકિસ્તાની એક્ટ્રેસ આયેશા ઓમરને ડેટ કરી રહ્યો છે. જોકે આયેશાએ આ સમાચારોને અફવા ગણાવ્યા હતા. સાનિયા અને શોએબે હૈદરાબાદમાં 2010માં નિકાહ કર્યા હતા અને બંને દુબઈમાં રહેતા હતા.

 

 

 

 

હરણી તળાવમાં થયેલી બોટ દુર્ઘટના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી

વડોદરા શહેરમાં હરણી તળાવમાં થયેલી બોટ દુર્ઘટના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. આ અરજીમાં સ્કૂલના આચાર્ય અને ટ્રસ્ટીઓ સામે પગલાં લેવા તેમજ વડોદરા જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નરને પાર્ટી બનાવવા માંગ કરવામાં આવી છે. આ અરજી મોરબી બ્રિજ દુર્ઘટનામાં 112 પીડિત પરિવારો વતી કેસ લડતા વકીલ ઉત્કર્ષ દવે દ્વારા કરવામાં આવી છે. આ ઘટનાની તપાસ અર્થે SITની રચના સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના નિરીક્ષણ હેઠળ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

કોઈપણ વકીલ આરોપીઓનો કેસ નહીં લડે

આ ઘટનામાં કોઈપણ વકીલ આરોપીઓનો કેસ નહીં લડે તેવો વડોદરાના વકીલ મંડળએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. જ્યારે એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં સુઓમોટો દાખલ કરવા રજૂઆત કરાઈ હતી. બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું છે કે, આ ખૂબ કરુણ ઘટના હોવાથી હાઈકોર્ટે આ ઘટનામાં સુઓમોટો લેવો જોઈએ. કોર્ટે ન્યુઝ પેપરમાં પ્રકાશિત થયેલા અહેવાલ સહિતના દસ્તાવેજો માંગ્યા છે. હવે કોર્ટને દરેક ડોક્યુમેન્ટ આપવા પડશે. વડોદરામા બોટ પલટી થવાની ઘટનામાં જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલના આચાર્ય અને પ્રતિનિધિઓને બોલાવ્યા છે. રુબરુ મુલાકાત બાદ શિક્ષણ વિભાગ જવાબદારી નક્કી કરાશે.

પીડિતોને વધુ વળતર ચૂકવવામાં આવે

અરજીમાં જણાવાયું છે કે ડિઝાસ્ટર મેનજમેન્ટ એક્ટ અંતર્ગત આ દુર્ઘટના માટે વડોદરા કલેક્ટર જવાબદાર છે. જેથી વડોદરા કલેક્ટર અને મ્યુનિસિલ કમિશનરને સસ્પેન્ડ કરીને કાયદાકીય પગલાં લેવામાં આવે. તથા પીડિતોને કેન્દ્ર અને રાજ્ય સરકારનું ફક્ત 6 લાખ રૂપિયા જ નહીં, પણ વધુ વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરાઇ છે.

અયોધ્યા જનારા રામરથ સાથે વિશાળ શ્રીરામ સ્વાગત શોભાયાત્રા યોજાઈ

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય એ પહેલાં લોકોમાં સ્વયંભુ જબરજસ્ત જુવાળ જાગ્યો છે. સૌથી મહત્ત્વની વાતે છે કે ગામે ગામની નાની મોટી શાળાઓ, શૈક્ષણિક સંકુલોમાં રામ રથયાત્રા, શોભાયાત્રા, વેશભુષા, રામાયણના પ્રસંગોની ઝાંખી બાળકો તૈયાર કરી રહ્યા છે.

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા જ્ઞાનદા ગર્લ્સ શિક્ષણ સંકુલ દ્વારા 20મી જાન્યુઆરી, શનિવારની સવારે ” શ્રી રામ સ્વાગત શોભાયાત્રા” નું આયોજન કરવામાં આવ્યુ હતું.

જ્ઞાનદા ગર્લ્સ શિક્ષણ સંકુલના આચાર્ય જાગૃતિબહેન પટેલ ચિત્રલેખા.કોમને કહે છે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે યોજાયેલી અમારી શાળાની શોભાયાત્રા વિશિષ્ટ છે. આ શોભાયાત્રામાં જે રામરથ અયોધ્યા જવાનો છે એ પણ સામેલ હતો..બાપુનગરથી આવેલા આ રથ આગળ વિશાળ હનુમાનજીની મુર્તિ ઉભી કરેલી છે.

આ સાથે અમારી શાળાના 2500 બાળકોએ રામાયણની જુદા જુદા ભાગ, પ્રસંગો એ વખતના ડ્રેસ સાથે રજુ કર્યા હતા..આ શાળામાં અભ્યાસ કરતા 4 થી 12 ધોરણના બાળકો સાથે 100 શિક્ષકો શોભાયાત્રામાં જોડાયા હતા.

એક કિલોમીટર લાંબી શોભાયાત્રામાં સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ, જતીન પટેલ, શશીકાંત પટેલ( વીએચપી), સાધુ સંતો, વાલીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. શ્રીરામ સ્વાગત શોભાયાત્રામાં વિશાળ રથ, બાળકોની વેશભુષા અને વિવિધ આકારના ભગવા ઝંડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)

રામના વધામણાં કરવા ગુજરાતની સરકારી શાળાઓમાં હાફ ડે ની જાહેરાત

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને લઈને કેન્દ્ર સરકાર સહિત અનેક રાજ્યોમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે રામના આ વધામણાંને લઈને ગુજરાત સરકારે રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બંધ રાખવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ હવે 22 જાન્યુઆરીએ રાજ્યની સરકારી શાળાઓ બપોર સુધી બંધ રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

રાજ્યની સરકારી શાળાઓ બપોર સુધી બંધ રાખવા નિર્દેશ

પ્રાપ્ત વિગતો મુજબ સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખી નિર્દેશ કર્યો છે કે, રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ગુજરાત સહીત દેશભરમાં ઉજવણીનો માહોલ છે. જેમાં રામ મંદીર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ 22 જાન્યુઆરીએ રાજ્યની સરકારી શાળાઓ બપોર સુધી બંધ રાખવા નિર્દેશ કરાયો છે.

સરકારી ઓફિસો પણ અડધા દિવસ બંધ

રાજ્ય સરકારના પરિપત્ર પ્રમાણે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને જોતા તમામ રાજ્ય સરકારની ઓફિસો અડધો દિવસ માટે બંધ રહેશે. એટલે કે રાજ્ય સરકારના કર્મચારીઓને અડધો દિવસ રજા આપવામાં આવી છે. 22 જાન્યુઆરી સોમવારે રાજ્ય સરકારના તમામ વિભાગોમાં બપોરે 2.30 કલાક સુધી રજા રહેશે. ત્યારબાદ તમામ સરકારી કચેરીઓ પોતાનું કામકાજ કરશે.

મુન્દ્રામાં ‘કચ્છ એમ્બ્રોઇડરી ડે’ની ઉત્સાહભેર ઉજવણી

મુન્દ્રાઃ અદાણી ફાઉન્ડેશનના સથવારો પ્રોજેક્ટ અંતર્ગત મુન્દ્રામાં ‘કચ્છ એમ્બ્રોઇડરી ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. 19 જાન્યુઆરીએ સૌપ્રથમ વાર આયોજિત આ પહેલનો ઉદ્દેશ સ્થાનિક મહિલાઓની પરંપરાગત હસ્તકળાને પ્રોત્સાહન અને કૌશલ્યોનું સશક્તીકરણ કરવાનો છે. વીસરાતી જતી હેન્ડિક્રાફટ સૂફ-કચ્છ એમ્બ્રોઇડરીને શીખવવા અને તેના દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અદાણી ફાઉન્ડેશન દ્વારા ત્રણ દિવસની તાલીમ અને કાર્યશાળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.  

અદાણી ફાઉન્ડેશન દ્વારા 16થી 18મી જાન્યુઆરીમાં ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓને કચ્છ એમ્બ્રોઇડરીની કળામાં હાથથી તાલીમ આપવામાં આવી હતી. જેનાથી તેઓ આ હસ્તકળામાં કૌશલ્યવર્ધનથી તેમની સફરને આગળ વધારવા સજ્જ બની હતી. આ તાલીમમાં લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર (LLDC)નો ખાસ સહયોગ મળ્યો હતો.

સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કર્યા બાદ 19 જાન્યુઆરીએ ફાઉન્ડેશને કચ્છના એમ્બ્રોઇડરી કારીગરોને એકસાથે લાવીને ઉજવણીના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ મંચે કારીગરોને વિસરાતી જતી આ પરંપરાગત કળાને આધુનિક ટ્રેન્ડ્સનો પરિચય કરાવ્યો હતો. કેટલાય સમયથી પ્રેક્ટિસ કરી રહેલા હસ્તશિલ્પીઓની વહારે આવી અદાણી ફાઉન્ડેશને અમૂલ્ય તક પૂરી પાડી હતી.

તાલીમાર્થી પાર્વતીબહેન જણાવે છે કે મને આ તક આપવા બદલ હું અદાણી ફાઉન્ડેશનની ખૂબ જ આભારી છું. ગ્રામીણ હોવાને કારણે અને ગૃહિણીની ફરજો નિભાવતાં તાલીમ મેળવી મારા માટે કઠિન હતું, પરંતુ આ તાલીમ લીધા બાદ મને ભવિષ્યમાં સ્વનિર્ભર થવાનો વિશ્વાસ છે.

અન્ય એક સૂફ કારીગર હીરલ જણાવે છે કે આ તાલીમે મને મારા ભરતકામ કૌશલ્યો સુધારવા અને તેને વ્યવસાય તરીકે આગળ ધપાવવા સમર્પિત થવાની પ્રેરણા આપી છે.

સથવારો એ અદાણી ફાઉન્ડેશન દ્વારા દેશના કારીગરોને ટેકો આપવા અને તેમની કળાને જાળવી રાખવા માટે એક હૃદયપૂર્વકની પહેલ છે. તેનો ઉદ્દેશ આ કારીગરોને ટકાઉ આજીવિકા પૂરી પાડવા અને ભારતની સમૃદ્ધ કળા-સંસ્કૃતિનું સંરક્ષણ અને પુનરુત્થાનમાં યોગદાન આપવાનો છે. અદાણી ફાઉન્ડેશન આ કારીગરોને કચ્છ એમ્બ્રોઇડરીમાં શ્રેષ્ઠ બનાવવા સમર્થન આપવા પ્રતિબદ્ધ છે.

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ અમેરિકામાં પ્રભુ શ્રીરામનો જય જયકાર

22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભારતના જ નહીં પમ વિદેશોમાં રહેતા ભારતોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે 10 જાન્યુઆરીના રોજ ઇતિહાસ રચાયો હતો જ્યારે અમેરિકાના હ્યુસ્ટનવાસીઓ શહેરમાં પહેલાં ક્યારેય ન જોયા હોય એવા દૃશ્ય જોયા હતા. હ્યુસ્ટન સ્કાયલાઇનને અયોધ્યા રામ મંદિર સાથે શ્રી રામની છબીઓ સાથેના વિશાળ બિલબોર્ડથી શણગારવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટની ડિઝાઈન અને અમલીકરણ લિવિંગ પ્લેનેટ ફાઉન્ડેશનના ડો. કુસુમ વ્યાસ, ગ્રીન કુંભ યાત્રા અને સેવ રામ સેતુ અભિયાનના સ્થાપક દ્વારા કરવામાં આવી હતી.

“ઇતિહાસમાં કદાચ આ પ્રથમ વખત બનશે કે ભારતની બહાર આટલા મોટા શહેરમાં શ્રી રામ અને અયોધ્યા બિલબોર્ડ પર દેખાશે. આ વિશે ડો. વ્યાસે કહ્યું કે આ બિલબોર્ડ ફાઉન્ટેનવ્યુમાં 59 સાઉથ પર સ્થિત છે, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં ચોથું સૌથી મોટું શહેર હ્યુસ્ટનના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંનું એક છે. દર અઠવાડિયે 1.2 મિલિયનથી વધુ લોકો આ બિલબોર્ડ પરથી પસાર થશે અને અંદાજિત 30 મિલિયન લોકો આગામી 30 દિવસમાં શ્રી રામના દર્શન કરશે.

બિલબોર્ડ અમેરિકાના વંશીય સાંસ્કૃતિક ઇતિહાસમાં એક વળાંકને પ્રતિબિંબિત કરી શકે છે જ્યાં સમાજના 4-6 મિલિયન હિંદુ/ભારતીય-અમેરિકનોનો એક નાનો હિસ્સો તેમની સંસ્કૃતિ અને ધર્મ, શાંતિ, એકતા અને સમાનતા દ્વારા અમેરિકામાં હિંદુ ધર્મ લાવી રહ્યો છે. અમેરીકાની ધરતી પર આ પહેલા ક્યારેય નથી જોયું. ત્રણસો ફૂટ ઊંચા બિલબોર્ડ પરથી ક્ષિતિજને પ્રકાશિત કરતી શ્રી રામ અને અયોધ્યાની છબીઓ જ્યારે શ્રી રામના સારનું અભિવ્યક્ત કરે છે, ત્યારે ખરેખર ઇતિહાસ રચાય છે.

ડો. કુસુમ વ્યાસે કહ્યું,  “અમારો મુખ્ય ઉદ્દેશ્ય એક એવી છબી બનાવવાનો છે જે આકર્ષક અને દૃષ્ટિની રીતે શ્રી રામ અને અયોધ્યાના સિદ્ધાંતો સાથે જોડાયેલી હોય કારણ કે બંને અવિભાજ્ય છે.” “અમારી ડિઝાઇન બિલબોર્ડને આવકારદાયક બનાવવા અને દિવસના પ્રકાશને મહત્તમ કરીને, યોગ્ય રંગોનો અસામાન્ય ઉપયોગ કરીને, દરેકના અનુભવમાં હૂંફ અને શાંતિપૂર્ણ સ્પંદનો લાવીને શ્રી રામ અને અયોધ્યાના સાચા સાર અને પવિત્રતાને પ્રગટ કરવા પર કેન્દ્રિત છે.”

આ વિચારને સમર્થન આપનારા અગ્રણી ઉદ્યોગપતિ ઉમંગ મહેતાએ કહ્યું કે, “અયોધ્યામાં રામ મંદિર એ 500 વર્ષના બલિદાન અને સંકલ્પના લાંબા સંઘર્ષનું પરિણામ છે જ્યાં ઘણા બધાએ એમના જીવનનું બલિદાન આપ્યું હતું. જો કે અમે ઉદ્ઘાટન માટે વ્યક્તિગત રીતે અયોધ્યા જઈ શકતા નથી, અમે શ્રી રામ અને અયોધ્યા મંદિરને યુ.એસ. લઈ જવા માંગીએ છીએ.”

ડો. વ્યાસે જણાવ્યું હતું કે, “હિંદુઓ માને છે કે માનવ આત્મા પણ શ્રી રામ અને અયોધ્યાના દર્શન કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે – જેનાથી માનવ આત્મા મૃત્યુ અને પુનર્જન્મના ચક્રમાંથી મુક્ત થાય છે.” “બિલબોર્ડ ઉપર ગયા ત્યારથી સેંકડો લોકોએ તેની મુલાકાત લીધી છે.

૨૨મીએ ગુજરાતના આ રામમંદિરની પણ પ્રાણ પ્રતિષ્ઠા થશે…

જામનગરઃ જામનગર જિલ્લામાં રિલાયન્સ રિફાઈનરી નજીકના પડાણામાં ૨૦, ૨૧ અને ૨૨ જાન્યુઆરી દરમિયાન ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પડાણામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવેલા શ્રીરામ મંદિરમાં ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના શુભ મુહૂર્તમાં મૂર્તિની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

વર્ષ ૧૯૯૮માં પરિમલભાઈ નથવાણી દ્વારા ગ્રામજનોની ધાર્મિક આસ્થાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા રામ મંદિર વર્ષો વીતતાં જીર્ણ- શીર્ણ થયું હતું. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના ધ્યાને આ બાબત આવતાં જ તાબડતોબ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની કામગીરી હાથ પર લેવામાં આવી હતી અને નવોન્મેશ પામેલાં મંદિરમાં શ્રીરામ પ્રભુની પ્રતિમાને પુન: પધરાવવાનો કાર્યક્રમ ૨૨ જાન્યુઆરીના અત્યંત શુભ મુહૂર્તમાં યોજાવાનો છે.

ધનરાજભાઈ નથવાણીની અખંડ આસ્થાને કારણે ગામને મળેલી આ ભેટને સત્કારવા ગ્રામજનોમાં પણ અનેરો ઉત્સાહ વ્યાપી રહ્યો છે. ગ્રામ અગ્રણી ગોવુભા જાડેજાના જણાવ્યા મુજબ આ માંગલિક પ્રસંગને સમસ્ત ગામ ૨૦-૨૧-૨૨ જાન્યુઆરીએ ત્રિદિવસીય મહોત્સવ તરીકે ઊજવશે.

રામલલ્લાની શોભાયાત્રા સહિતનાં અનેક ધાર્મિક કાર્યો ગ્રામજનો દ્વારા ગોઠવવામાં આવ્યાં છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ભાજપના આ નેતાએ રામ મંદિર માટે કઈ પ્રતિજ્ઞા લીધેલી?

‘જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નહીં બને ત્યાં સુધી હું મિઠાઈ નહીં આરોગુ’. આ પ્રણ લગભગ ત્રીસેક વર્ષ પહેલા ભાજપના એક વરિષ્ટ નેતાએ લીધા હતા. આજે જ્યારે સમગ્ર દેશમાં 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે ગુજરાત ભાજપના પીઢ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની એક અનોખી પ્રતિજ્ઞાની વાત યાદ કરીએ.

જય શ્રી રામ..રાજા રામના નારા દેશભરમાં ગુંજી રહ્યાં છે. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુ શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ હર્ષોઉત્સવની ઉજણવી મહિનાઓ પહેલા શરૂ થઈ ગઈ છે. આજે જે ધર્મોઉત્સવ ઉજવાઈ રહ્યોં છે એના બીજ તો દાયકાઓ પહેલા રોપાયા છે. જેમાં કોઈએ પ્રત્યક્ષ રીતે તો કોઈએ પરોક્ષ રીતે પોતાનું યોગદાન આપ્યું છે. જેમાં એક નામ ભાજપના સિનિયર નેતા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું પણ છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કહે છે, 25 સપ્ટેમબ્ર 1990માં રામમંદિરના નિમાર્ણ માટે ભાજપના આગેવાન લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા નિકાળી હતી. જેમાં હું પણ જોડાયો હતો. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદે જનજાગૃતિનું કામ મને સોપ્યું હતું. આ યાત્રાની ધોળકામાં જન જાગૃતિની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મારે બધા સાથે વાત કરવાની હતી. મે પહેલેથી કોઈ વાત નક્કી નહોતી કરી. ત્યાં જમણવાર પણ હતો. જમવાની થાળીમાં મીઠાઈ જોઈને મે કહ્યું કે આ મીઠાઈ લઈ લો, ત્યારે ત્યાં હાજર અન્ય કોઈએ ટીખળ કરતા કહ્યું કે આજ પુરતી જ લેવાની છે કે…એમના અધુરા વાક્યને પુર્ણ કરતા મે નક્કી કર્યુ કે જ્યાં સુધી અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું મંદિર નહીં બને ત્યાં સુધી હું મીઠાઈ નહીં ખાઉં.

વધુમાં ભૂપેન્દ્રસિંહ કહે છે, મારી માતાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે એમણે ખુબ ગર્વ અનુભવ્યો અને સાથે મને એમ પણ કહ્યું કે તને તો મીઠાઈ ખુબ ભાવે છે. મારા માટે દર રવિવારે ઘરે ખાસ મીઠાઈ બનાવવામાં આવતી. પણ નક્કી કર્યુ તો કરી જાણ્યું.

ગુજરાત ભજપના આ નેતાએ 40 વર્ષની ઉંમરે રામમંદિર ન બને ત્યાં સુધી મીઠાઈ ન ખાવાની બાધા રાખી હતી. જે આજથી 4 વર્ષ પહેલા એટલે કે 9 નવેમ્બર 2019ના રોજ રામ મંદિર કેસમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય આપ્યો ત્યારે ભૂપેન્દ્રસિંહને એમની 92 વર્ષની માતાએ મીઠાઈ ખવડાવતા કહ્યું દીકરા, તારી બાધા આજે પૂરી થઈ.

માનવ સેવામાં સમર્પિત એવા આછવણીના સ્વામી ઊર્જાનંદજીને, મળો…

નવસારીઃ ખેરવાણીના આછવણી ગામના સ્વયંભૂ પ્રગટેશ્વર મહાદેવ મંદિરના સ્વામી ઊર્જાનંદજીએ જીવન આખું સમાજ માટે ઘસી નાખ્યું છે. તેમણે ધનકુબેરોને જગાડીને જરૂરિયાતમંદો મદદ કરાવી છે. અણુવિજ્ઞાની ડો. વિક્રમ સારાભાઈએ એક વાર કહ્યું હતું કે હું ઇચ્છું છું કે મારા અંતિમ જીવનની ભૂમિકા એક શિક્ષક તરીકે હોય. તેમના શિષ્ય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. કલામે પણ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે આવનારી પેઢી મને એક શિક્ષક તરીકે યાદ કરે, તેમ હું ઇચ્છું છું.

એક શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી અને ક્યારેય નિવૃત્ત થતો નથી. આવો, સ્વામી ઊર્જાનંદજી ઉર્ફે 84 વર્ષીય પ્રભુભાઈ પી. પટેલને મળીએ. તેમને રાજ્ય સરકાર તરફથી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે જે વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું તેઓ ડોક્ટર્સ, એન્જિનિયરો, આચાર્યો અને અધ્યાપકો બન્યા છે અને તેમના વ્યક્તિત્વ ઘડતરમાં તેમનો નોંધનીય ફાળો છે. તેમણે મંદિર પ્રાંગણમાં રહેલી હોસ્ટેલનો ખર્ચ પણ કોઈને કહ્યા વગર ઉઠાવ્યો છે, કેમ કે આછવણીમાં મંદિરમાં કોઈ દાન પેટી જ નથી અને કોઈની પાસેથી એક પાઇ પણ લેવામાં નથી આવતી. આ મંદિરમાં વર્ષમાં આવતા ઉત્સવો ભવ્યતાથી ઊજવાય છે. સ્વામિ ઊર્જાનંદ મંદિરમાં આવતા ભક્તોને દેશના તીર્થસ્થાનોએ લઈ જઈને યજ્ઞો સહિત વિવિધ પ્રકારના આયોજનો નિઃશુલ્ક કરે છે. વળી, એ તીર્થ સ્થાનની આસપાસ સફાઈ યજ્ઞ પણ કરે છે. 

તેઓ મનુષ્ય સેવા એ જ પ્રભુ સેવા એ માનીને આસપસના વિસ્તારો અને આશ્રમ શાળામાં સેવાર્થીઓ દ્વારા લાડુ, ગરમ કપડાં, સાડીધાબળા વગેરેનું વિતરણ કરતા રહે છે. એ ઉપરાંત તેઓ જૂનમાં બાળકોને નોટબુક, પુસ્તકો, શૈક્ષણિક ફી સહિત દિવાળીએ મીઠાઇનું વિતરણ પણ કરે છે.

 

 

 

 

 

મોરિશિયસના લોકો રામભક્તિમાં ડૂબ્યાઃ PMએ રામભજન શેર કર્યું

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં બે દિવસ બચ્યા છે. રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશ વિદેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વડા પ્રધાન મોદીએ મોરિશિયસના લોકોએ ગાયેલા એક રામ ભજન અને કથાને શેર કરી છે.

વડા પ્રધાન મોદીએ X પર એ ગીતને શેર કરતાં લખ્યું છે કે મોરિશિયસના અદભુત લોકોએ પોતાની પરંપરાને જાળવી રાખી છે અને એમાં કથા અને ભજનના માધ્યમથી રામ ભક્તિ પણ સામેલ છે. આટલાં વર્ષો સુધી આટલી ઘેરી સાંસ્કતિક વારસાને અને ભક્તિને ફૂલીફાલી રહી છે, એ જોઈને બહુ સારું લાગી રહ્યું છે.

આ પહેલાં શુક્રવારે સૂરિનામ અને ત્રિનિદાદ-ટોબૈગોમાં પણ રામ ભજન લોન્ચ કરવામાં આવ્યું હતું.વડા પ્રધાન મોદીએ આવાં કેટલાંક ભજનોની માહિતી X  પર આપી હતી. તેમણે આ ભજનોની લિંક્સ શેર કરતાં લખ્યું હતું કે રામાયણનો સંદેશ વિશ્વના લોકોને પણ પ્રેરિત કર્યો છે. અહીં સૂરિનામ અને ત્રિનિદાદ અને ટોબેગોથી પણ કેટલાંક ભજન છે.

વડા પ્રધાન મોદીએ આ પહેલાં પણ કેટલાક વધુ ગાયકોના રામ ભજન X પર શેર કરી ચૂક્યા છે. શુક્રવારે તેમણે સુરેશ વાડેકરના ગીતને શેર કર્યું હતું. તેમણે પાંચ જાન્યુઆરી, 2024એ જુબિન નોટિયાલના ગીતને શેર કરતાં X પર લખ્યું હતું કે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે અયોધ્યાની સાથે દેશ રામમય થઈ રહ્યો છે. રામલલ્લાની ભક્તિથી ઓતપ્રોત જુબિન નોટિયાલ, પાયલ દેવ અને મનોજ મુંતશિરનું એ સ્વાગત ભજન દિલને સ્પર્શી જનારું છે. વડા પ્રધાને એ દિવસે હંસરાજ રઘુવંશી દ્વારા ગવાયેલું રામ ભજન પણ તેમણે શેર કર્યું હતું અને એ રામ ભજનની પ્રશંસા કરી હતી.