Home Blog Page 2025

પૂર્વ સાંસદ ધનંજય સિંહને અપહરણ-ખંડણી કેસમાં 7 વર્ષની સજા

લોકસભા ચૂંટણી પહેલા જૌનપુરના પૂર્વ સાંસદ ધનંજય સિંહને મોટો આંચકો લાગ્યો છે. એન્જિનિયરના અપહરણ અને ખંડણીના કેસમાં સાંસદ-ધારાસભ્ય કોર્ટે ધનંજય સિંહને સાત વર્ષની જેલની સજા અને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગત મંગળવારે જ કોર્ટે આ કેસમાં ધનંજય સિંહ અને તેના ભાગીદાર સંતોષ વિક્રમ સિંહને દોષિત જાહેર કર્યા હતા. પોલીસે બંનેની કોર્ટમાંથી જ ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. હવે ધનંજય સિંહને સાત વર્ષની જેલની સજા થઈ હોવાથી તેમની લોકસભાની ચૂંટણી લડવાની શક્યતાઓ પર પણ રોક લગાવી દેવામાં આવી છે.

સાંસદ-ધારાસભ્ય કોર્ટે અપહરણ-ખંડણીના કેસમાં દોષિત પૂર્વાંચલના જોનપુરના પૂર્વ સાંસદ ધનંજય સિંહને સજા સંભળાવી છે. નમામી ગંગે પ્રોજેક્ટ મેનેજર અભિનવ સિંઘલે ધનંજય અને તેના સહયોગી સંતોષ વિક્રમ સિંહ વિરુદ્ધ અપહરણ, ખંડણી અને હલકી ગુણવત્તાની સામગ્રી ન આપવા બદલ ધમકી આપવાનો કેસ દાખલ કર્યો હતો. 5 માર્ચના રોજ કોર્ટે બંનેને દોષિત જાહેર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દીધા હતા. એડિશનલ સેશન્સ જજ IV શરદ ચંદ્ર ત્રિપાઠીએ સાંજે 4:10 વાગ્યે ધનંજય સિંહ અને તેના સહયોગી સંતોષ વિક્રમ સિંહને 7 વર્ષની જેલ અને 50,000 રૂપિયાના દંડની સજા ફટકારી હતી. હાલમાં સજા બાદ ધનંજય સિંહની ચૂંટણી લડવાની શક્યતાઓ પર ગ્રહણ લાગી ગયું છે.

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ થઈ તળીયાઝાટક!

રાજકોટ: ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્ર નું મહત્વનું સ્થાન છે. રાજકીય ગલીયારીમાં એવું કહેવાય છે કે ગાંધીનગરમાં શાસન મેળવવાનો રસ્તો સૌરાષ્ટ્રમાંથી જાય છે. ભાજપે 1995માં પહેલી વાર સતા મેળવી ત્યારે સૌરાષ્ટ્રે સૌથી વધુ બેઠકો આપી હતી અને સૌરાષ્ટ્રના નેતા કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા હતા. હાલ સમય બદલાયો છે. કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં એક પછી એક રાજકીય આંચકાઓ મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પહેલી વખત તળિયે પહોંચી ગઈ છે. જે રાજકીય ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે તે જોતાં એવું ચિત્ર ઉપસી રહ્યું છે કે વિધાનસભામાં સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસના શું માત્ર એક જ ધારાસભ્ય રહેશે ?

સૌરાષ્ટ્ર – કચ્છની 54 વિધાનસભા બેઠકોમાં છેલ્લે 2022ની ચૂંટણીમાં માત્ર 3 બેઠક મળી હતી. તેમાં પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી અને સોમનાથથી વિમલ ચુડાસમાનો સમાવેશ થાય છે. દરમિયાન 5મી માર્ચ, 2024ના રોજ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને રામ-રામ કરીને કેસરિયો પહેરી લીધો. આમ કોંગ્રેસની સૌરાષ્ટ્રમાં એક બેઠક ગઈ. આજે માણાવદરના કોંગ્રેસના ધારાસભ્યએ પણ રાજીનામું આપી દીધું છે અને તેઓ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમની પ્રદેશ ભાજપના નેતાઓ સાથે બેઠક થઈ ગઈ છે. હવે સૌરાષ્ટ્રમાં માત્ર એક જ બેઠક ગીર-સોમનાથની કોંગ્રેસ પાસે રહી.

અગાઉ 2012 ની વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપને 36 અને કોંગ્રેસને 15 બેઠક અને GPPને 2 અને 1 બેઠક NCPને મળી હતી. પાંચ વર્ષ બાદ 2017માં પાટીદાર આંદોલનને કારણે કોંગ્રેસ મજબૂત બની હતી. તેની અસર ચૂ્ંટણીમાં જોવા મળી. ગુજરાતમાં 77 બેઠક કોંગ્રેસને મળી તેમાં સૌરાષ્ટ્રમાંથી 20 જેટલી બેઠકોનો હિસ્સો હતો.

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના એક સમયે વિઠ્ઠલ રાદડીયા, કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ, અર્જુન મોઢવાડિયા સહિતના મોટા નેતા હતા. જે આજે ભાજપમાં છે. આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં ઉમેદવારો ગોતવાના ફાંફાં પડી રહ્યા છે. ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા 7મી માર્ચે આવી રહી છે. ત્યારે તેની પૂર્વ સંધ્યાએ ગુજરાત કોંગ્રેસમાં ઉત્સાહની જગ્યાએ મનોમંથનની ચિંતાઓ નેતાઓના ચહેરા પર જોવા મળી રહી છે.

દેવેન્દ્ર જાની (રાજકોટ)

ગુજરાત કોંગ્રેસ વેરવિખેર, ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામું

ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં કોંગ્રેસના પાંચ દિગ્ગજ નેતાઓએ રાજીનામું આપીને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. આજે કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ વિધાનસભા અધ્યક્ષના બંગલે પહોંચીને રાજીનામું આપ્યું હતું. આ દરમિયાન જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા પણ હાજર હતા. સૌરાષ્ટ્રના વધુ એક નેતા ભાજપમાં જોડાશે. બીજી તરફ મહુઆના કોંગ્રેસના નેતા કનુભાઈ કળસરિયાએ આજે ભાજપ પ્રમુખ સાથે મુલાકાત કરી હતી. જેથી તેઓ પણ કેસરીયા કરશે.

અરવિંદ લાડાણી અર્જુન મોઢવાડિયાના નજીક મનાય છે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરવિંદ લાડાણી અર્જુન મોઢવાડિયાના નજીકના માનવામાં આવે છે. તેમને ભાજપમાં જોડાવવા અર્જુન મોઢવાડિયાએ એપ્રોચ કર્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.અરવિંદ લાડાણી 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં એટલે કે 2019ની પેટાચૂંટણીમાં ભાજપના તત્કાલીન મંત્રી જવાહર ચાવડા સામે પહેલીવાર ધારાસભાની ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં તેમનો જવાહર ચાવડા સામે 9000 મતથી પરાજય થયો હતો. જોકે ફરી એકવાર કોંગ્રેસ દ્વારા 2022માં તેમના પર વિશ્વાસ વ્યક્ત કરી તેમને ટિકિટ આપવામાં આવી હતી.

બે વખતથી જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે

તેમણે આ વિશ્વાસ પર ખરા ઊતરી તેમના પરિવારનું કોઈપણ જાતનું રાજકીય કનેક્શન ન હોવા છતાં તેમણે પેથલજી ચાવડાનો રાજકીય વારસો ધરાવતા ભાજપના જવાહર ચાવડાને પરાજિત કર્યા હતા. લાડાણી 1989માં સૌપ્રથમવાર કોડવાવ ગામના સરપંચપદે ચૂંટાયા હતાં. છેલ્લાં 34 વર્ષથી તેમના ગામમાં પોતાના જ ગ્રૂપના માણસ સરપંચ બને છે. લાડાણી બે વખતથી જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે, આ ઉપરાંત માણાવદર તાલુકા ખરીદ-વેચાણ સંઘમાં બે વખત પ્રમુખ રહી ચૂક્યા છે. વર્ષ 1995થી તેમના કોડવાવ ગામની સહકારી મંડળી અને કેળવણી મંડળ કોડવાવના પ્રમુખ છે. તેમણે સમાજસેવા કરવા માટે આજસુધી લગ્ન નથી કર્યા.

રામ ચરણની મજાક બનાવવાના ચક્કરમાં શાહરુખનો ભારે વિરોધ

જામનગરઃ જામનગરમાં ત્રણ દિવસ સુધી ચાલેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ સેલિબ્રેશનના વિડિયોઝ સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યા છે, જેમાં શાહરુખ સાઉથના સુપરસ્ટાર રામચરણને ઇડલી રામ ચરણ કહીને બોલાવી રહ્યો છે. શાહરુખની આ કોમેન્ટનો સોશિયલ મિડિયા પર ભારે વિરોધ થઈ રહ્યો છે.

શાહરુખની આ મજાક પર રામચરણ મેકઅપ આર્ટિસ્ટ ઝેબા હસને પણ રિએક્શન આપ્યું હતું.  તેણે લખ્યું હતું કે કરોડો લોકોની જેમ શાહરુખ ખાનની હું પણ ફેન છું, પણ જે રીતે શાહરુખે રામ ચરણની મજાક કરી એ મને બિલકુલ ગમી નથી. તેણે આ બાબતે ઇન્સ્ટાગ્રામ પર રિએક્ટ પણ કર્યું હતું. હું આ મજાક સાંભળીને બહાર આવી ગઈ હતી અને રામ ચરણ માટે બહુ અપમાનજનક હતું. અંબાણીની પાર્ટી પછી શાહરુખ ખાનના ફેન્સ પણ તેનાથી નારાજ થયા છે.

એક યુઝરે લખ્યું હતું કે રામ ચરણ સાઉથનું મોટું નામ છે. તેણે ઓસ્કાર અને ગોલ્ડન એવોર્ડ જીત્યો છે. હવે લગ્નપ્રસંગમાં આવા શબ્દોનો ઉપયોગ એ ખોટું છે.

એક યુઝરે લખ્યું હતું કે શાહરુખ ખાન અને બોલીવૂડ કલાકારોએ એ ક્લીયર કરી લેવું જોઈએ કે સાઉથ સાંભાર વડા કે ઇડલી જેટલું નથી. દક્ષિણ ભારત દેશની આન, બાન અને શાન છે. દેશની પરંપરા અને સંસ્કૃતિનું પ્રતીક છે.

રામ ચરણ, પ્રભાસ, અલ્લુ અર્જુન, રજનીકાંત, મહેશબાબુ, વિજેન્દ્ર પ્રસાદ, મણિરત્નમ, એ આર રહેમાન, ચિરંજીવી, નાગાર્જુન અને એસ. એસ. રાજામૌલી માંડીને તમામ સુપરસ્ટાર્સ અહીંની દેન છે.

 

 

 

 

 

 

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ અને જો બાઈડન વચ્ચે મુકાબલો

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડન વચ્ચે ફરી એકવાર સીધો મુકાબલો થશે. તમને જણાવી દઈએ કે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે 52 વર્ષીય રિપબ્લિકન પ્રતિસ્પર્ધી નિક્કી હેલીને ચૂંટણીની રેસમાંથી બહાર ફેંકી દીધી છે, પરંતુ તે અન્ય રિપબ્લિકન પ્રતિસ્પર્ધી કરતાં 77 વર્ષીય ટ્રમ્પની સામે લાંબા સમય સુધી ઊભી રહી.

નિક્કી હેલીનું આગામી સ્ટેન્ડ શું હશે?

નિક્કી હેલીના નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન નોમિનેશન જીતશે અને નવેમ્બરની ચૂંટણીમાં ફરી એકવાર ડેમોક્રેટિક પ્રમુખ જો બાઈડન સામે સીધો મુકાબલો કરશે અને નિક્કી હેલી બુધવારે તેમના પ્રમુખપદના અભિયાનને સ્થગિત કરશે. અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે નિક્કી હેલી તેના રાજકીય ભવિષ્યને લઈને ભાષણ આપશે. જો કે, તે સમર્થન આપવાના મૂડમાં નથી.

ટ્રમ્પનો રસ્તો સરળ બન્યો

તમને જણાવી દઈએ કે પૂર્વ રાષ્ટ્રપતિ આ મહિનાના અંતમાં રિપબ્લિકન નોમિનેશનને સુરક્ષિત કરવા માટે જરૂરી 1,215 ડેલિગેટ્સ સુધી પહોંચવાના માર્ગ પર છે. ‘સુપર ટ્યુઝડે’ પછી ડોનાલ્ડ ટ્રમ્પને 244 ડેલિગેટ્સનું સમર્થન છે, જ્યારે નિક્કી હેલીની તરફેણમાં માત્ર 86 ડેલિગેટ્સ ચૂંટાયા છે.

ડેમોક્રેટ પ્રાથમિક ચૂંટણીમાં બાઈડનની જીત

જો બાઈડનને પ્રાથમિક ચૂંટણીઓમાં કોઈ પડકારનો સામનો કરવો પડ્યો ન હતો અને અત્યાર સુધીમાં તે તમામ ડેમોક્રેટ પ્રાથમિક ચૂંટણી જીતી ચૂક્યા છે. જેનો સ્પષ્ટ અર્થ છે કે બિડેનની સામે ડેમોક્રેટિક નોમિનેશન માટે મેદાનમાં અન્ય કોઈ નેતાઓ નથી. આવી સ્થિતિમાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ ફરી એકવાર બિડેનનો સામનો કરતા જોવા મળશે.

600 વિદ્યાર્થીઓ વાવશે 25,000 વૃક્ષ!

મુન્દ્રા: અદાણી વિદ્યામંદિર-ભદ્રેશ્વરના 12મા વાર્ષિક દિનની ‘ઉત્કર્ષ’ શીર્ષક હેઠળ અનોખી ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ 6 માર્ચ, 2024ના રોજ ઉજવાયો. વિદ્યાર્થીઓએ સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને આ વાર્ષિકોત્સવ સમર્પિત કર્યો હતો. 600 વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષ દરમિયાન શાળાના પરિસર તેમજ બહાર દરિયાકિનારે મેન્ગ્રોવ સહિત 25,000થી વધુ રોપાઓ વાવવાનો સંકલ્પ કર્યો હતો. ‘ઉત્કર્ષ’ અંતર્ગત વિદ્યાર્થીઓએ પ્રકૃતિ સાથે સુમેળ સાધવાના પાસાઓને સર્જનાત્મક રીતે પ્રદર્શિત કર્યા હતા. તેમનો આ અભિગમ પર્યાવરણ અને જળ સરંક્ષણ માટેનો છે. જેને તેઓએ સ્કીટ્સ, ગીતો અને કવિતાઓ પર કાર્યકારી મોડલ્સ દ્વારા 17 સસ્ટેન્બલ ડેવલપમેન્ટ ગોલ્સના સાર અને મહત્વ દર્શાવતા પ્લેટફોર્મ સમાન હતો. કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોને દરિયાકાંઠાની જૈવવિવિધતાને બચાવવાની વિગતોથી માહિતીગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતુ્ં કે, વિદ્યાર્થીઓની આ પ્રતિજ્ઞા ધરતી પ્રત્યેની તેમની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે. કાર્યક્રમના મુખ્ય અતિથિ મુન્દ્રાના પ્રાંત અધિકારી ચેતન મિસા અને અદાણી ગ્રુપના CFO જુગશિન્દર (રોબી) સિંહ શાળામાં ઉપસ્થિત સુવિધાઓ અને બાળકોની વિવિધ વિષય પ્રત્યેની સમજણ તેમજ જ્ઞાનથી પ્રભાવિત થયા હતા.

‘ઉત્કર્ષ 2024’ કાર્યક્રમમાં કચ્છના આગેવાનો, માછીમાર સમુદાયના સભ્યો, વાલીગણ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અદાણી ફાઉન્ડેશનના નેજા હેઠળ અદાણી વિદ્યામંદિર- ભદ્રેશ્વર 2012થી કાર્યરત છે. જેમાં ભદ્રેશ્વર અને તેની આસપાસના વંચિત સમુદાયોના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ અને સંલગ્ન સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. વર્ષ 2022માં NABET માન્યતા પ્રાપ્ત કરનાર તે ગુજરાતી માધ્યમની પ્રથમ GSEB સંલગ્ન શાળા બની હતી.

સેન્સેક્સ સૌપ્રથમ વાર 74,000ને પાર, નિફ્ટી નવી ઊંચાઈએ

અમદાવાદઃ સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સે નવી ઓલટાઇમ ઊંચી સપાટી બનાવી હતી. શેરબજારોમાં ખાનગી બેન્કોમાં આવેલી તેજીને લીધે શેરોમાં થઈ હતી. આ ઉપરાંત ક્રૂડમાં પણ છેલ્લા ચાર દિવસમાં ઘટાડો થયો હતો. સેન્સેક્સ સૌપ્રથમ વાર 74,000ને પાર થઈને 74,151 થયો હતો, જયારે નિફ્ટીએ 22,497ની નવી ઊંચી સપાટી સર કરી હતી. સ્થાનિક શેરબજારોમાં પસંદગીના શેરોમાં તેજી સીમિત રહી હતી. મોટા ભાગના શેરોમાં નપારૂપી વેચવાલી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 1.59 લાખ કરોડનો ઘટાડો થયો હતો.  

બજારના ટ્રેડિંગ સેશનમાં IT, બેન્કિંગ, અને ફાર્મા શેરોમાં લેવાલી જોવા મળી હતી. ઓટો ઇન્ડેક્સ પણ તેજી સાથે બંધ થયો હતો, જેયારે PSE, એનર્જી અને મેટલ ઇન્ડેક્સ નરમ બંધ આવ્યા હતા. BSE સેન્સેક્સ 408.86ની તેજી સાથે 74,085.99 બંધ થયો હતો, જ્યારે NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ 126.55 પોઇન્ટ વધીને 22,482ના સ્તરે બંધ થયો હતો. મિડકેપ શેરોમાં પણ વેચાણો કપાતાં સુધારો થયો હતો.

BSE સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 12 શેરો ઘટીને બંધ થયા હતા. એક્સચેંજ પર કુલ 3940 શેરોમાં કામકાજ થયાં હતાં, એમાં 900 શેર તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 2960 શેરોમાં ઘટાડો થયો હતો, જ્યારે 80 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 180 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 97 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

 

 

 

 

 

 

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે તેનો ઢંઢેરો તૈયાર કર્યો

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે તેનો ઢંઢેરો તૈયાર કર્યો છે જે CWC એટલે કે કોંગ્રેસ વર્કિંગ કમિટી દ્વારા પસાર થયા બાદ આગામી દિવસોમાં બહાર પાડવામાં આવશે. કોંગ્રેસના પ્રસ્તાવિત ઢંઢેરાની બ્લુ પ્રિન્ટમાં રોજગાર, મોંઘવારીમાંથી રાહત અને સામાજિક ન્યાય પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પી ચિદમ્બરમની આગેવાની હેઠળની સમિતિ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ડ્રાફ્ટ મેનિફેસ્ટો સુપરત કરશે. આ પછી કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં તેના પર ચર્ચા કરવામાં આવશે અને તે પછી પાર્ટી મેનિફેસ્ટો જાહેર કરશે.

સ્ત્રીઓ, યુવાનોનું શું?

મળતી માહિતી મુજબ, યુવાઓને જીતવાની પોતાની રણનીતિના ભાગરૂપે કોંગ્રેસ કેન્દ્ર સરકારમાં 30 લાખ ખાલી સરકારી પદો ભરવાનું વચન આપવા જઈ રહી છે, જેની જાહેરાત રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે બુધવારે મધ્યપ્રદેશમાં કરવા જઈ રહ્યા છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓ માટે દર મહિને રૂ. 6,000 અને કેન્દ્ર સરકારની નોકરીઓમાં 33 ટકા અનામતનો પણ ઉલ્લેખ છે.

અનામત પર પાર્ટીની તૈયારી

ઓબીસી વોટ બેંકને ટેપ કરવા માટે, જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા અને પછાત જાતિઓ માટે અનામતની મર્યાદા વધારવાનું પણ વચન આપવામાં આવ્યું છે. છેલ્લી લોકસભા ચૂંટણીના વચનને પુનરાવર્તિત કરીને, કોંગ્રેસ લઘુત્તમ આવક યોજના હેઠળ ગરીબોને વાર્ષિક 72 હજાર રૂપિયા આપવાનું વચન આપશે. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટો માટે તૈયાર કરેલા દસ્તાવેજમાં મુસ્લિમોને આકર્ષવા માટે સચ્ચર કમિટીની ભલામણોને લાગુ કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ભાજપ આ ભલામણોને ચૂંટણીમાં મોટો મુદ્દો બનાવી શકે છે.

કોંગ્રેસ મેનિફેસ્ટો કમિટીમાં કોણ છે?

કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે 16 સભ્યોની એક કમિટી બનાવી હતી, જેનું કામ મેનિફેસ્ટો તૈયાર કરવાનું હતું. ગયા વર્ષે ડિસેમ્બરમાં રચાયેલી આ સમિતિના અધ્યક્ષ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ છે. ચિદમ્બરમ ઉપરાંત ટીએસ સિંહ દેવ, પ્રિયંકા ગાંધી વાડ્રા, સિદ્ધારમૈયા, જયરામ રમેશ, શશિ થરૂર, પ્રવીણ ચક્રવર્તી, ઈમરાન પ્રતાપગઢી, રંજીત રંજન, ઓમકાર સિંહ મરકામ, જીગ્નેશ મેવાણીનો સમાવેશ થાય છે.

ભારતીય અમ્પાયરે રેકોર્ડ બુકમાં નામ નોંધાવ્યું, જાણો…

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના અમ્પાયર નીતિન મેનને કમાલ કરી દીધો છે. મેનને રેકોર્ડ બુકમાં નામ નોંધાવ્યું છે. 100મી ટેસ્ટ મેચ દરેક ક્રિકેટરનું સપનું હોય છે. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટ, ઓસ્ટ્રેલાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ન્યુ ઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેન વિલિયમસનની સ્પેશિયલ સેન્ચુરી પૂરી કરાવી છે.

આ ચારે ક્રિકેટરોને ફેબ-ચાર પણ કહેવામાં આવે છે. અત્યાર સુધી ત્રણ ક્રિકેટરો 100થી વધુ ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે અને કેન 100મી ટેસ્ટ રમવા ઊતરી રહ્યો છે. કેન જે મેચ રમશે, એના અમ્પાયર મેનન છે.

ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે બીજી મેચ આવતી કાલે (આઠ માર્ચ)થી શરૂ થઈ રહી છે. કેન અત્યાર સુધી 99 ટેસ્ટ રમી ચૂક્યો છે. એ દરમ્યાન તેણે 8675 રન બનાવ્યા છે. 32 સદી ફટકારી છે. મેનન 122મી આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરિંગ કરશે. કોહલીની 100મી મેચ શ્રીલંકા સામે હતી.

જો રૂટે 2021માં ભારતની વિરુદ્ધ 100મી મેચ રમી હતી.ઇંગ્લેન્ડે ચેન્નઈમાં ટીમ ઇન્ડિયાને 227 રનથી માત આપી હતી. ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ સ્મિથે 100મી મેચ 2023માં રમી હતી અને એ મેચમાં બંને ઇનિંગ્સમાં 24 રન બનાવ્યા હતા. હવે કેન ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ 100મી ટેસ્ટ રમશે અને મેનન અમ્પાયરિંગની સાથે ઇતિહાસ રચશે. એ સાથે તે વિશ્વની પહેલી વ્યક્તિ થઈ જશે.

 

 

 

 

 

સંદેશખાલીમાં જે થયું તે શરમજનક છે : પીએમ મોદી

સંદેશખાલી વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ઉત્તર 24 પરગણાના બારાસત પહોંચ્યા. અહીં તેમણે નારી શક્તિ વંદન અભિનંદન કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભાજપ મહિલા શક્તિને વિકસિત ભારતની શક્તિ બનાવી રહી છે. આજનો વિશાળ કાર્યક્રમ તેનો સાક્ષી છે.પીએમ મોદીએ કહ્યું કે ભાજપ સરકાર ઝડપથી કામ કરી રહી છે.

તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભાજપે બંગાળના વિકાસ માટે ઈમાનદારીથી કામ કર્યું છે. આવું કામ જોઈને આખો દેશ કહી રહ્યો છે કે આ વખતે NDA સરકારે 400નો આંકડો વટાવી દીધો છે! પશ્ચિમ બંગાળ પણ કહે છે આ વખતે એનડીએ સરકાર! પીએમ મોદીએ ‘પરિવાર’ પરના નિવેદન પર વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે વિપક્ષ આ દિવસોમાં મારા પરિવાર વિશે પૂછે છે.

બંગાળની દરેક માતા અને બહેન મોદીનો પરિવાર

તેણે કહ્યું કે આ લોકો પૂછે છે કે મારો પરિવાર ક્યાં છે? બંગાળની દરેક માતા અને બહેન મોદીનો પરિવાર છે. આ આત્યંતિક કુટુંબવાદીઓએ અહીં એક નજર નાખવી જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે દરેક દેશવાસી મોદીને પોતાનો પરિવાર કહે છે. દેશનો દરેક ગરીબ વ્યક્તિ મોદીને પોતાનો પરિવાર કહી રહ્યો છે. પીએમ મોદીની આ રેલીમાં સંદેશખાલીની પીડિત મહિલાઓ પણ હાજર છે.

ટીએમસીના શાસનમાં મહિલાઓ પર અત્યાચાર

પીએમ મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ટીએમસીના શાસનમાં મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. સંદેશખાલીમાં જે બન્યું તે શરમજનક છે. તેમણે કહ્યું કે મમતા સરકારને અત્યાચારી પર વિશ્વાસ છે. સંદેશખાલીમાં બનેલી ઘટનાથી શરીર શરમથી ઝૂકી ગયું. ટીએમસી સરકાર સામે મહિલાઓમાં રોષ છે. મમતા સરકારને બહેન-દીકરીઓ પર વિશ્વાસ નથી.

ટીએમસીને ખતમ કરવા માટે મહિલા શક્તિ બહાર આવી 

પીએમ મોદીએ કહ્યું કે મમતા સરકાર ગુનેગારોને શોધવાનો પૂરો પ્રયાસ કરી રહી છે. TMCને ખતમ કરવા માટે મહિલા શક્તિ બહાર આવી છે. મમતા સરકારને પહેલા હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યો અને હવે સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. મમતા સરકાર બહેનો અને દીકરીઓને સુરક્ષા આપી શકતી નથી. ટીએમસી સરકાર મહિલાઓનું કલ્યાણ ઈચ્છતી નથી. પીએમ મોદીએ કહ્યું કે ભાજપ બંગાળની બહેનોનો બુલંદ અવાજ છે.