Home Blog Page 2020

ટેસ્ટમાં બીજા દિવસે ભારતીય બેટર છવાયાઃ ભારત 473/8

ધર્મશાલાઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાલામાં પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 218 રન બનાવ્યા હતા. બીજા દિવસની રમતના અંતે ટીમ ઇન્ડિયાએ  473/8 સ્કોર કર્યો છે. ભારતે 255 રનની લીડ મેળવી છે. ભારતીય ટીમ સિરીઝમાં પહેલાથી જ 3-1 થી આગળ છે.

આ મેચના બીજા દિવસે ભારતની પ્રથમ ઈનિંગમાં કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર રમત રમતા સદી ફટકારી હતી. રોહિતે 154 બોલમાં સદી ફટકારી છે, જેમાં 13 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. શુભમન ગિલે પણ 137 બોલમાં 10 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. આ ટેસ્ટ સિરીઝમાં બંને ખેલાડીઓની આ બીજી સદી હતી. રોહિત શર્માના આંતરરાષ્ટ્રીય કરિયરની આ 48મી સદી હતી. તેમાંથી રોહિતે ઓપનર તરીકે 43 સદી ફટકારી છે. રોહિત હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી વધુ સદી ફટકારવાના મામલે ત્રીજા નંબર પર આવી ગયો છે. રોહિતે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલને પાછળ છોડી દીધો, જેણે ઓપનર તરીકે 42 સદી ફટકારી હતી.

રોહિત શર્મા (c), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાહ, ધ્રુવ જુરેલ (wk), રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, આકાશ દીપ

ઈંગ્લેન્ડ ટીમ પ્લેયર્સ

ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (C), બેન ફોક્સ (wk), ટોમ હાર્ટલી, માર્ક વૂડ, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન.

 

 

UNSCમાં સુધારા માટે ભારતે રજૂ કર્યો G4 દેશોનો પ્રસ્તાવ

નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં G4 દેશો તરફથી સુધારાનો વિગતવાર પ્રસ્તાવ રજૂ કર્યો છે. ભારતે એવા ઘણા સુધારાની ભલામણ કરી છે, જે લાગુ કરવામાં આવશે તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વધુ લોકતાંત્રિક અને સમાવેશી બની શક્શે. ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે  ‘ઇન્ટરગવર્નમેન્ટલ નેગોસિએશન ઓન સિક્યોરિટી કાઉન્સિલ રિફૉર્મ’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં રુચિરા કંબોજે G4 દેશો બ્રાઝિલ, જર્મની, જાપાન અને ભારત તરફથી પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં સુરક્ષા પરિષદના સભ્યોની સંખ્યા વર્તમાન 15થી વધારીને 25-26 કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત છ કાયમી સભ્યો અને ચાર-પાંચ હંગામી સભ્યોનો સમાવેશ કરવાનું સૂચન કર્યું છે. સાથે ભારતે ‘છ નવા સ્થાયી સભ્યોમાંથી બે આફ્રિકન રાજ્યો અને એશિયા પેસિફિકના દેશો દ્વારા, એક લેટિન અમેરિકન દેશો અને કેરેબિયન દેશો દ્વારા અને એક પશ્ચિમ યુરોપિયન દેશો અને અન્ય દેશો દ્વારા પ્રસ્તાવિત થવા જોઈએ’ તેવું કહ્યું છે.

આ સિવાય તેમણે એમ પણ કહ્યું છે કે સુરક્ષા પરિષદની વર્તમાન વ્યવસ્થામાં કાયમી અને અસ્થાયી એમ બંને વર્ગોમાં પ્રતિનિધિત્વનો અભાવ છે. આ કારણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલું અસરકારક નથી અને વૈશ્વિક સ્થિરતા અને શાંતિ માટે આમાં તાત્કાલિક સુધારાની જરૂર છે. પ્રતિનિધિત્વના અભાવને અવગણીને કોઈ સુધારો શક્ય નથી અને ખાસ કરીને સ્થાયી કેટેગરીમાં ભારે અસંતુલન છે અને તેના કારણે સુરક્ષા પરિષદ આંતરરાષ્ટ્રીય પડકારોનો સામનો કરવામાં અસમર્થ સાબિત થઈ રહી છે.

ભારત દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવમાં વીટો અંગેના સૂચનો પણ આપવામાં આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે નવા સ્થાયી સભ્યો પાસે પણ વર્તમાન સભ્યોની જેમ જ જવાબદારીઓ અને અધિકારો હશે, પરંતુ તેઓ કોઈ પણ મુદ્દા પર સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ જ વીટોનો નિર્ણય લઈ શકશે. ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં હાલમાં માત્ર પાંચ દેશો પાસે જ વીટો પાવર છે જેમાં ચીન, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે.

 

 

 

 

 

 

એશિયામાં સૌથી વધુ પગારવધારો ભારતમાં કર્મચારીઓનો

નવી દિલ્હીઃ એશિયા પેસિફિકના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં પગાર વધારો સૌથી વધુ છે. અંદાજ  છે કે આ વર્ષે વિયેતનામમાં કામ કરતા કર્મચારીઓને 8 ટકાનો વધારો મળવાની અપેક્ષા છે. ચીનમાં 6 ટકા, ફિલિપિન્સમાં 5.7 ટકા અને થાઇલેન્ડમાં 5 ટકાનો વધારો થશે, જ્યારે  ભારતીય કંપનીઓ આ વર્ષે પર્ફોર્મન્સ બેઝ એપ્રેઝલમાં 10 ટકાથી વધુનો વધારો આપે એવી શક્યતા છે.

ભારતમાં 91 ટકા કર્મચારીઓ અને મલેશિયામાં 72 ટકા કર્મચારીઓ નોકરી બદલતી વખતે ઓછામાં ઓછા 20  ટકા પગાર વધારાની અપેક્ષા રાખે છે.

ગયા વર્ષે, 2023માં  ભારતમાં 50 ટકાથી વધુ કર્મચારીઓને પર્ફોર્મન્સ બેઝ મૂલ્યાંકનના કારણે પાંચથી 10 ટકાની વચ્ચેનો વધારો મળ્યો હતો, જ્યારે 15 ટકા લોકોને પગારમાં 20 ટકાથી વધુનો વધારો મળ્યો હતો. ફ્યુચર ઓફ પે ઇન ઇન્ડિયા 2022 એ એક સર્વે બહાર પાડ્યો હતો જેમાં ઘણી કંપનીઓને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ તેમના કર્મચારીઓના પગાર ધોરણમાં સુધારો કરવાનું વિચારી રહી છે.

સર્વેમાં સામેલ 90 ટકા કંપનીઓએ કહ્યું કે તેઓ આગામી 12 મહિનામાં તેમના પગાર ધોરણમાં સુધારો કરવાનું વિચારી રહી છે. જ્યારે 88 ટકા કંપનીઓનું કહેવું છે કે તેઓ તેમના કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવાનું કામ કરશે. ICICI સિક્યોરિટીઝના રિપોર્ટ અનુસાર  નાણાકીય વર્ષ 2022ના બીજા ક્વાર્ટરમાં ભારતના શહેરી વિસ્તારોમાં કામ કરતા પગારદાર વ્યક્તિની માસિક સરેરાશ આવક રૂ. 20,030 હતી, જે નાણાકીય વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં વધીને રૂ 21,647 કરવામાં આવી હતી.

પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) ના એક અહેવાલ મુજબ દેશના શહેરી વિસ્તારોમાં દૈનિક વેતન મજૂર તરીકે કામ કરતી વ્યક્તિને નાણાકીય વર્ષ 2021ના ​​બીજા ત્રિમાસિક સુધી દરરોજ રૂ. 385નું વેતન આપવામાં આવ્યું હતું. જોકે, નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિકમાં તેમનું વેતન પણ વધારીને રૂ. 464 પ્રતિ દિવસ કરવામાં આવ્યું હતું.

દેશના ગ્રામીણ વિસ્તારોમાં પગારદાર કર્મચારીઓની સરેરાશ આવક નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પૂરા થયેલા 18 મહિનાના સમયગાળામાં દર મહિને રૂ. 14,700 હતી.

 

 

 

મહિલા દિને 25 દાદીમાના જન્મદિવસની અનોખી ઉજવણી!

રાજકોટ: જીવનની સંધ્યાકાળે લગભગ બધું જ ભૂલી જવાતું હોય છે. ત્યારે જન્મદિવસ તો કેમ યાદ હોય? જિંદગીના 70 કે 80 વર્ષની વયે અચાનક જ કોઈ હેપ્પી બર્થ ડે કહે તો? ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામમાં મહિલા દિવસે આવુ જ કંઇક બન્યું. આ ગામમાં એકસાથે 25 દાદીમાંનો કેક કાપીને જન્મદિવસ ઉજવાયો. ત્યારે દાદીમાંઓની આંખો છલકાઈ ગઈ.

8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામે એક અનોખો કાર્યક્રમ યોજાયો. ગામની શાળાના શિક્ષિકા બહેન ગીતાબેન ટંકારીયા સંચાલિત કંકણ ગ્રુપ દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 70 વર્ષથી ઉપરના 25 દાદીમાંના હસ્તે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ તમામ દાદીમાંનું સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં વડીલો પ્રત્યે અત્યારથી જ લાગણી જન્મે તથા સારા સંસ્કારોનું સિંચન થાય તે માટેનો હતો. આ રીતે વડીલોનું સન્માન કરીને સમાજને એક નવો રાહ ચિંધ્યો છે.

આ પ્રસંગે મોરબી જિલ્લા DPO નમ્રતાબહેન મહેતા સહિતના અધિકારીઓ, કલ્પેશભાઈ ફેફર, વિરમભાઈ દેસાઈ, કૌશિકભાઈ ઢેઢી તેમજ ઇન્ડિયન લાયન્સ તેમજ ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખો અને હોદેદારો હાજર રહ્યા હતા. લાયન્સ ક્લબના કે.પી. ભાગિયા તેમજ મિત્રો તરફથી શાળાના તમામ બાળકોને યુનિફોર્મ ભેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કંકણ ગ્રુપના બહેનો, સરપંચ પંકજભાઈ ભાગિયા, ચીમનભાઈ ઢેઢી, ગામના આગેવાનો વડીલો, યુવાનો તેમજ બાળકોએ જહેમત ઉઠાવી હતી.

દેવેન્દ્ર જાની (રાજકોટ)

સુધા મૂર્તિ પહોંચ્યાં રાજ્યસભાઃ PMએ કર્યું સ્વાગત

નવી દિલ્હીઃ જાણીતાં લેખિકા સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. સુધા મૂર્તિને 2006માં સામાજિક કાર્ય માટે ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2023માં તેમને ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
બિઝનેસ મેન અને ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિનાં પત્ની અને મશહૂર લેખિકા સુધાને રાજ્યસભા માટે નોમિનેટ બનાવવામાં આવ્યાં છે. પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે (8 માર્ચ) સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર તેની માહિતી આપી છે. તેમણે કહ્યું હતું  કે મને ખુશી છે કે ભારતનાં રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિજીને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં સુધાજીનું યોગદાન અજોડ અને પ્રેરણાદાયી છે. રાજ્યસભામાં તેમની હાજરી એ એક પ્રમાણપત્ર છે. આપણી ‘મહિલા શક્તિ’ માટે.’ આપણા દેશની નિયતિ ઘડવામાં મહિલાઓની શક્તિ અને ક્ષમતાનો એક શક્તિશાળી પ્રમાણપત્ર છે. હું તેમના સફળ સંસદીય કાર્યકાળની શુભેચ્છા પાઠવું છું.

વડા પ્રધાને  પોસ્ટમાં લખ્યું હતું કે ભારતની રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિને રાજ્યસભા માટે મનોનિત કર્યા છે. રાજ્યસભામાં તેમની હાજરી નારી શક્તિનું શક્તિશાળી પ્રમાણ છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણના ક્ષેત્રમાં ઉત્તેજન આપનાર છે. સુધા મૂર્તિ કન્નડ અને અંગ્રેજી સાહિત્યમાં તેમના યોગદાન માટે જાણીતાં છે. લેખિકા હોવા ઉપરાંત તે એક શિક્ષક અને સામાજિક કાર્યકર પણ છે. સુધા મૂર્તિ ઇન્ફોસિસ ફાઉન્ડેશનનાં ભૂતપૂર્વ ચેરપર્સન પણ રહી ચૂક્યા છે.

કોણ છે સુધા મૂર્તિ?

સુધા મૂર્તિ ઇન્ફોસિસ ફાઉન્ડેશનનાં ચેરપર્સન તેમ જ શિક્ષક અને લેખક છે. તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે. તેમનો જન્મ 19 ઓગસ્ટ, 1950એ શિગાંવમાં થયો હતો. તેણે 1978માં ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્રી અક્ષરા મૂર્તિ છે જે બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકની પત્ની છે. સુધા મૂર્તિના પુત્રનું નામ રોહન મૂર્તિ છે. 74મા પ્રજાસત્તાક દિવસના અવસર પર તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

 

 

 

રાજસ્થાનમાં શિવયાત્રામાં કરંટ લાગવાથી 14 બાળકો દાઝ્યા

કોટાઃ રાજસ્થાનના કોટાથી એક મોટી દુર્ઘટનાના બની રહ્યા છે. અહીં શિવ શોભાયાત્રામાં ઇલેક્ટ્રિક શોક લાગવાથી 14 બાળકો દાઝી ગયા હતા. આ દુર્ઘટનાને કારણે ચારે તરફ ચીસાચીસ થઈ હતી. લોકો આ બાળકોને લઈને હોસ્પિટલ તરફ દોડતા ગયા હતા.  હાલ તમામને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

કોટામાં બધાં બાળકોની સારવાર માટે MBS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ બાળકોની હાલત અત્યંત ગંભીર છે. આ ઘટના બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી, હાલમાં પોલીસ ફોર્સ અને એમ્બ્યુલન્સ વાહનો ઘટનાસ્થળે હાજર છે. આસપાસના લોકો ગભરાટમાં છે.

આ ઘટના કુન્હાડી થર્મલ ચાર રસ્તાની પાસે બપોરે આશરે 12.30 કલાકે બની હતી. ડોક્ટરો આ બાળકોની સારવાર કરી રહ્યા છે. આ ઘટના સક્તપુર કાળી વસતિમાં શિવયાત્રા દરમ્યાન બની હતી. આ દુર્ઘટનામાં હાઇટેન્શન વીજળીના તાર બહુ નીચે છે.એને કારણે 14 બાળકો કરંટની ચપેટમાં આવ્યા હતા અને રસ્ત પર એક ખાડો પણ થયો હતો. આ દુર્ઘટના વીજ વિભાગની બેદરકારીને કારણે થયો હતો. એની બેદરકારીની સજા બાળકોને મળી રહી છે.

 

 

 

 

 

શૈતાનઃ વશીકરણનું દ્રશ્યમ્-અદ્રશ્યમ્

ઓપનિંગ ક્રેડિટ્સમાં “મૂલ કહાની કે લેખક ક્રિશ્ન દેવ યાજ્ઞિક” એવું વાંચીને મેં બાજુમાં બેઠેલા સમીક્ષકમિત્રને કોણી મારી… હિતેનકુમાર-હિતુ કનોડિયા-નીલમ પંચાલ-જાનકી બોડીવાલા-અંશને ચમકાવતી, ક્રિશ્નદેવ યાજ્ઞિક-કે.ડી. લિખિત-દિગ્દર્શિત અને કેદાર-ભાર્ગવના બૅકગ્રાઉન્ડ મ્યુઝિકવાળી ‘વશ’ ગયા વર્ષે ઓલમોસ્ટ આ જ સમયે આવીને ધૂમ મચાવી ગયેલી. એના પરથી સર્જાયેલી ‘શૈતાન’ આજે (8 માર્ચે રિલીઝ) થઈ.

સ્ટોરીટાઈમઃ ધૂમ કમાણી કરતો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કબિર (અજય દેવગન) પરિવાર સાથે વરસાદી વીકએન્ડ માણવા શહેરથી દૂર આવેલા પોતાના ફાર્મ હાઉસ પર જાય છે. પરિવારમાં છે પત્ની જ્યોતિ (જ્યોતિકા), ટીનેજ લાડલી જાહ્નવી (જાનકી બોડીવાલા), જરા વહેલો મોટો (ઓવરગ્રોન) થઈ ગયેલો, પ્રેક્ષકને ઈરિટેટ કરતો આઠ-વર્ષી નાનકો ધ્રુવ (અંગદ રાજ)… શહેરથી જંગલ વચાળે આવેલા ફાર્મ હાઉસ જતાં વાટમાં ધાબા પર મળેલો વનરાજ (આર. માધવન્) બંગલા સુધી આવી ચડે છે કેમ કે એના ફોનની બૅટરી ડેડ છે. પંદરેક મિનિટના ચાર્જિંગ બાદ જતો રહેશે એવું એ કહે છે, પણ એ જવાનું નામ જ નથી લેતો. આટલું જ નહીં, પણ કબીરની લાડલી જાહ્નવી (જાનકી બોડીવાલાએ) ડરામણા વનરાજનો સાથ આપવા માંડે છે, એ કહે એમ કરે છેઃ ચાની ભૂકી ફાંકી જાય છે, પોતાના ગાલે તમાચા મારે છે, ચાકુથી મમ્મી-પપ્પા પર વાર કરે છે, કેમ કે વનરાજે એની પર વશીકરણ કર્યું છે. વનરાજ પોતાને સર્વશક્તિમાન ઈશ્વર ગણાવે છે. એ જાહ્નવીને ને પોતાની સાથે લઈ જવા માગે છે, માતા-પિતા વહાલસોયી પુત્રીને છોડવા તૈયાર નથી અને છેડાય છે સારા-ખરાબનું દ્ધંદ્ધ. ડિરેક્ટર વિકાસ બહલે હિંદી ફિલ્મ સર્જી છે. સંગીતકાર કેદાર-ભાર્ગવનું સ્થાન લીધું છે અમીત ત્રિવેદીએ.

મૂળ કૃતિમાં દીકરીની ભૂમિકા ભજવનારી જાનકી બોડીવાલાએ રિમેકમાં પણ એ જ ભૂમિકા ભજવી છે. વનરાજનો પડ્યો બોલ ઝીલી લેતી વખતે એના ચહેરાના હાવભાવ, અંગભંગિમા સંવાદ વગર ઘણું બધું કહી જાય છે. અને વનરાજ કરતાં પ્રતાપ (હિતેનકુમાર) બેટર (કહો કે ડરામણા) હતા. માધવન્ સારો અદાકાર હોવા છતાં અહીં નથી જામતો. અજય-જ્યોતિકા સરસ.

બે શબ્દ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને કૅમેરાવર્ક (સુધાકર રેડ્ડી) વિશે. આમ તો કોઈ બી ફિલ્મમાં બન્ને મહત્વનાં હોય, પણ હૉરર, સાઈકૉલૉજિકલ થ્રિલરમાં પ્રેક્ષકને જકડી રાખવાની જવાબદારી એમની પર હોય. ઉદાહરણ તરીકે માધવનની એન્ટ્રીવાળો સીન. એ વેળાએ કૅમેરાએન્ગલ અને મ્યુઝિક પ્રેક્ષકને હિન્ટ આપી દે છે કે આ માળોહાળો કંઈ કરવાનો છે. બીજો સીન. કાળી રાત ને ધોધમાર વરસાદમાં બંગલામાં કંઈ બન્યું છે કે એ ચેક કરવા પુલીસ અફ્સર કૉન્સ્ટેબલ સાથે બંગલા પર આવે છે. સામે પરિવારે એવું વર્તન કરવાનું છે કે ઘરમાં બધું નોર્મલ છે. તમે ખુરશીમાં ઉભડક થઈ જાવ છોઃ હમણાં કંઈ બનશે. એક સીનમાં ફાર્મ હાઉસના સ્વિમિંગ પૂલમાં તરતા રબરના મગર પર મંડરાયેલો કૅમેરા અને મ્યુઝિક પણ વાતાવરણ સૅટ કરી આપે છે.

ઓલરાઈટ. ‘શૈતાન’ સામે મારો મૂળભૂત વાંધો છે પટકથા (આમિલ કિયાન ખાન). પટકથાનાં બાકોરાં (જે વર્ણવવામાં સ્પોઈલરનો ભય છે). ઓકે, આ જુઓઃ વનરાજનો મોટિવ અથવા એ જે કંઈ કરે છે એ શું કામ કરે છે એ બધું કાચુંપાકું રંધાયું છે. ઓલમોસ્ટ કાચું. અને સંવાદ? “તુમે લગા તુમ મુજે પૈસે સે ખરીદ લોગે?” અરે યાર… ‘શૈતાન’ એક સરસ હૉરર કે સુપરનૅચરલ થ્રિલર બની શકી હોત, પણ ચીવટના અભાવવાળું ડિરેક્શન, વધુપડતો લાંબો, ગળે ન ઊતરે એવો, અતાર્કિક, નિરાશાજનક ક્લાઈમૅક્સ એને એવરેજ ફિલ્મ બનાવી મૂકે છે. ‘વશ’નો ક્લાઈમેક્સ- “ન રહેશે વાંસ ન વાગશે વાંસલડી” તથા ટ્રીટમેન્ટ બેટર હતાં. ‘ક્વીન,’ ‘સુપર થર્ટી’ અને છેલ્લે ‘ગુડબાય’ જેવી ફિલ્મના સર્જક પાસે સરસ વિષય પરથી સરસ ફિલ્મની અપેક્ષા હતી.

મહિલા દિનઃ મહિલાઓની વિરુદ્ધ હિંસા વધી, ન્યાયનો દર ઘટ્યો

નવી દિલ્હીઃ વિશ્વના અન્ય દેશોની જેમ દેશમાં પણ આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ઊજવવામાં આવે છે. જોકે દેશમાં મહિલાઓ સુરક્ષિત મહસૂસ કરી રહી છે?  દેશમાં 15 વર્ષ અને એનાથી વધુ વયની મહિલાઓમાં સુરક્ષાની ભાવના ઓછી છે.

એક સર્વે અનુસાર દેશમાં 15 વર્ષ અને એનાથી વધુ વયની મહિલોમાં સુરક્ષાની ભાવનામાં ઘટાડો થયો છે. વર્ષ 2017મા 65.5 ટકા ભારતીય મહિલાઓ સુરક્ષિત હોવાની માહિતી આપી હતી, પરંતુ વર્ષ 2023માં એ આંકડો ઘટીને 58 ટકાએ આવી ગયો હતો. આ આંકડો શહેર કે ગામમાં રાતના સમયે નીકળતી મહિલાઓ સુરક્ષિતતા અનુભવે છે કે કેમ? એના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો. એની તુલનાએ ચીનમાં 91 ટકા મહિલાઓ સુરક્ષિતતા અનુભવે છએ, જ્યારે UK અને અમેરિકામાં એ આંકડો ક્રમશઃ 74 ટકા અને 61 ટકા છે. આ યાદીમાં સૌથી નીચે દક્ષિણ આફ્રિકા છે. ત્યાંની 27 ટકા મહિલાઓ સુરક્ષિતતા અનુભવે છે.

આ સૂચકાંકથી માલૂમ પડે છે કે વૈશ્વિક સ્તરે આઠમાંથી એકથી વધુ મહિલાઓ છેલ્લા 12 મહિનામાં શારીરિક કે યૌન હિંસાનો શિકાર બની છે. એ દર સ્વિઝટઝર્લેન્ડ અને સિંગાપોરમાં બે ટકાથી માંડીને ઇરાકમાં 45 ટકા છે. ભારતમાં એ આંકડો 18 ટકા છે.

વર્ષ 2022માં ભારતમાં મહિલાઓની વિરુદ્ધ અપરાધોની સરેરાશ 1001 કેસ પ્રતિદિન નોંધાય હતા, જ્યારે 2021માં એ આંકડો 980 હતો. NCRBના ડેટાથી માલૂમ પડે છે કે આવા અપરાધોની સજાનો દર 2022માં ઘટીને 23.3 ટકા થયો હતો, જે ગયા વર્ષે 25.2 ટકા હતો. 2022માં યૌન ઉત્પીડનના 17,809 કેસ નોંધાયા હતા, એમાં 523 મહિલાઓ અને બાળકોના બનેલા શેલ્ટર હોમમાં, 422 જાહેર ટ્રાન્સપોર્ટેશનમાં અને 419 કાર્યસ્થળો અથવા ઓફિસમાં થયા હતા.

 

 

 

શિવરાત્રિ: શિવ અને શક્તિના મિલનનો ઉત્સવ

આ સંપૂર્ણ સૃષ્ટિ શિવનો ખેલ છે, એ ચેતનાનું એક નૃત્ય છે જે જગતની વિવિધ પ્રજાતિઓમાં પ્રગટ થઈ રહી છે. સરળતા અને બુધ્ધિમતાની પવિત્ર લયબધ્ધતામાં ઘૂમી રહેલી સંપૂર્ણ સૃષ્ટિ જ શિવ છે. શિવ એ અસ્તિત્વની શાશ્વત અવસ્થાનું નામ છે. જ્યારે શિવ તત્વ અને શક્તિ એકરૂપ થઈ જાય છે તે જ શિવરાત્રિ છે.

આપણે શિવરાત્રિ પર શિવ અને શક્તિના મિલનનો ઉત્સવ મનાવીએ છીએ, પરંતુ હકીકતમાં બ્રહ્મના મૂળભૂત અદ્વૈત સ્વભાવને ઓળખવો એ શિવરાત્રિ છે. શિવરાત્રિએ ગતિમય આદિશક્તિના લગ્ન પરલૌકિક શિવ સાથે થાય છે. શિવ મૂક સાક્ષી અથવા ચિદાકાશ છે અને શક્તિ તેની સમજ અથવા ચિદવિલાસ છે. શક્તિ એ રચનાત્મક ઊર્જા છે જે અનંતમાં ખેલ કરતા કરતા વ્યક્ત થઈ રહી છે. શિવ નિરાકાર ચેતના છે; શક્તિ એ જ ચેતનાની અભિવ્યક્તિ છે. પદાર્થ અને ઊર્જા,પ્રકૃતિ અને પુરુષ,દ્રવ્ય અને ગુણ–આમ આપણે દ્વૈતને ઓળખીએ છીએ.

સામાન્ય રીતે જે ક્ષણથી આપણે જાગીએ છીએ ત્યારથી શરુ કરીને આપણે રાત્રે થાકીને સૂઈ જઈએ છીએ તે ક્ષણ સુધી સક્રિય રહીએ છીએ. પરંતુ એક એવી અવસ્થા પણ છે જે સુષુપ્તિ,જાગૃતિ અને સ્વપ્નથી ઉપર છે. શિવરાત્રિ પર આપણે જાગૃત રહીએ છીએ અને એ ત્રણ અવસ્થાઓથી ઉપરની પરલૌકિક ચેતનાનો અનુભવ કરીએ છીએ. આ અવસર પોતાને દરેક પ્રકારની નિંદ્રામાંથી જગાડવાનો છે. શિવરાત્રિ પર કરેલું જાગરણ માત્ર પોતાની જાતને જાગતી રાખવા વિવશ કરવી અથવા જોર જોરથી ભજન ગાવા એવું નથી. પરંતુ આ તો પોતાની અંદર ઉતરવાનો અને સચેત રહીને એ આંતરિક વિશ્રામ, કે જે રોજ આપણને નિંદ્રાથી પ્રાપ્ત થાય જ છે,તેના પ્રત્યે જાગૃત થવાનો અવસર છે.

જ્યારે તમે નિંદ્રાની એક નિશ્ચિત અવસ્થાની ઉપર જતા રહો છો ત્યારે સમાધિ એટલે કે શિવ સાયુજ્યમાં વિશ્રામ કરવાનો અનુભવ મળે છે. શિવને પ્રતિકાત્મક રીતે લિંગ સ્વરુપે દર્શાવાય છે. હકીકતમાં ઈશ્વર કોઈ પણ લિંગથી ઉપર છે. એટલા માટે ઈશ્વરને એકલિંગી કહેવાય છે. એ બીજું કંઈ નહીં પણ સ્વયં ચેતના છે. એ ચેતના શરીર, મન અને બુદ્ધિથી ઉપર છે, રાગ અને દ્વેષથી ઉપર છે–એ ચેતના માત્ર એક છે, તે એકલિંગ છે.

‘કૈલાસ’ એ શિવનું પૌરાણિક નિવાસ છે. કૈલાસનો અર્થ છે જ્યાં માત્ર ઉત્સવ અને આનંદ છે. શિવ દરેક સ્થાને ઉપસ્થિત છે; સંસાર હોય કે સંન્યાસ, શિવથી બચી શકાતું નથી. દરેક કાળમાં શિવ તત્વનો અનુભવ કરવો એ જ શિવરાત્રિનો સાર છે.

શિવ એ કોઈ વ્યકિત નથી જે હજારો વર્ષો પહેલા આ ધરતી પર આવેલી હતી. છતાં ચિત્રોમાં એમને બંધ આંખોવાળા અને ગળામાં સાપ લટકાવેલો હોય તેવા નિરુપણ કરાય છે. એ દર્શાવે છે કે તેઓ સૂઈ ગયેલા લાગે છે પણ સાપની જેમ સંપૂર્ણપણે સજગ છે. ચિત્રોમાં તેમને વાદળી રંગના બતાવાય છે. વાદળી રંગ આકાશની વિશાળતાનો પ્રતિક છે. તેમના શિર પર શોભાયમાન ચંદ્ર તેમની અંદરની દરેક બાબતને દર્શાવે છે. જીવીત કે અન્ય યોનીઓની બધી સત્તાઓ તેમના ગણોનો અંશ છે.

શિવની જાનમાં દરેક પ્રકારના લોકો જોવા મળે છે. તે સૌ જેવા છે તેવો તેમનો સ્વીકાર કરે છે અને આ સૌ એક જ ચેતનાનો અંશ છે.”સર્વમ્ શિવમયમ્ જગત્” એવું કહેવાય છે,એટલે કે આ સમસ્ત સંસાર શિવમય છે. તમારી પાસે જે કંઈ છે તેના પ્રત્યે જાગૃત અને આભારી થવું એ છે શિવરાત્રિનું પ્રતિક!જે સુખ વિકાસ તરફ લઈ જાય છે તે માટે આભારી રહીએ, અને જે દુખ જીવનને ગહેરાઈ આપે છે તેના માટે પણ આભારી રહીએ. શિવરાત્રિ ઉજવવાની આ જ યોગ્ય રીત છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

સરકાર દ્વારા LPG સિલિન્ડરની કિંમતોમાં રૂ. 100ના કાપનું એલાન

નવી દિલ્હીઃ દેશભરમાં રાંધણ ગેસ સિલિન્ડર સસ્તાં થયાં છે. વડા પ્રધાન મોદીએ શુક્રવારે ઘોષણા કરી હતી કે સરકારે શુક્રવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિનને ધ્યાનમાં રાખતાં LPG સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર નિર્ણય વિશે એક પોસ્ટમાં  આ વાતની માહિતી આપી હતી.

તેમણે ટ્વીટ કર્યું હતું કે આજે મહિલા દિવસ પર અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 100નો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આનાથી દેશભરના લાખો પરિવારો પરનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે હળવો થશે, ખાસ કરીને અમારી નારી શક્તિને ફાયદો થશે. રાંધણ ગેસ બનાવીને. વધુ સસ્તું, અમારું લક્ષ્ય પરિવારોની સુખાકારીને ટેકો આપવા અને તંદુરસ્ત વાતાવરણની ખાતરી કરવાનો પણ છે. આ મહિલાઓને સશક્તીકરણ અને તેમના માટે ‘ઇઝ ઓફ લિવિંગ સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ છે.

“આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ! અમે અમારી મહિલા શક્તિની શક્તિ, હિંમત અને સ્થિતિસ્થાપકતાને સલામ કરીએ છીએ અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓની પ્રશંસા કરીએ છીએ. અમારી સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસો કરી રહી છે. કૃષિ, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં પહેલ દ્વારા મહિલાઓને સશક્તીકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ છેલ્લા દાયકામાં અમારી સિદ્ધિઓમાં પણ પ્રતિબિંબિત થાય છે.

સરકારે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેતાં ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી એક વર્ષ માટે વધારી દીધી હતી. લગભગ 10 લાખ લાભાર્થીઓને તેનો લાભ મળશે. આ લાભાર્થીઓને એક વર્ષમાં 12 સિલિન્ડર પર સબસિડી મળશે.