Home Blog Page 1898

ગુજરાતમાં કઈ બેઠક પર કેટલા ઉમેદવાર?

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. એ પણ‌ જાણી લો કે આ વખતે કુલ 433 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી ચકાસણી પછી 328 ફોર્મને માન્ય રાખવામાં આવ્યા. માન્ય રખાયેલા આ ફોર્મમાંથી 62 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવાથી હવે 25 બેઠકો પર 266 ઉમેદવારો ચૂંટણી મેદાને જંગ લડશે. ઉલ્લેખનીય છે કે સુરતની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે.

આ બેઠક પર માત્ર ત્રણ ઉમેદવાર

અમદાવાદ પૂર્વ બેઠક પરથી આ ચૂંટણીમાં સૌથી વધુ 18 ઉમેદવારો વચ્ચે જંગ થશે. જ્યારે બારડોલી લોકસભામાં સૌથી ઓછા 3 ઉમેદવારો ચૂંટણી લડશે. જેમાં ભાજપમાંથી પ્રભુભાઈ વસાવા કોંગ્રેસમાંથી સિદ્ધાર્થ ચૌધરી અને બહુજન સમાજ પાર્ટીમાંથી મહિલા ઉમેદવાર રેખાબહેન ચૌધરી વચ્ચે ચૂંટણી જંગ જામશે.

 પેટા ચૂંટણીમાં પણ બે જ ઉમેદવાર

નોંધીય છે કે સુરત બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે. વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરીએ તો 24 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. જેમાં સૌથી વધુ વિજાપુર વિધાનસભા બેઠક પર 8 ઉમેદવારો અને વાઘોડિયા બેઠક પર 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે.

કઈ બેઠક પર કેટલા ઉમેદવાર

વિગતે જોઈએ તો બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં 12 ઉમેદવારો મેદાને છે. જ્યારે અમરેલીમાં 8 ઉમેદવારો પૈકી 4 રાજકીય પક્ષના અને 4 અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. એવી જ રીતે પંચમહાલમાં પણ 8 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા છે. જેમાં 4 અપક્ષ ઉમેદવારો છે. જો કે અહીં ભાજપના રાજપાલસિંહ જાદવ અને કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે. નવસારીમાં 26 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી 7 ફોર્મ રદ થયા જયારે 5 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી માટે હવે 8 રાજકીય પક્ષના અને 6 અપક્ષના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે. વડોદરામાં પણ કોંગ્રેસ ભાજપ વચ્ચે સીધો જંગ થશે. આ બેઠક પર 14 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. જ્યારે ગાંધીનગરમાં 14 ઉમેદવારો ચૂંટણી લડશે. સાબરકાંઠા બેઠક પર 14 અને આણાંદ બેઠક પર 7 ઉમેદવારો વચ્ચે ચૂટણી જંગ થશે.

અપક્ષ ઉમેદવારોનું ચૂંટણી ગણિત

છેલ્લી દસ લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોની વાત કરીએ તો 1998માં સૌથી ઓછા 30 અને 1991માં સૌથી વધારે 258 અપક્ષ ઉમેદવારો હતા. ગુજરાતમાં 1962થી 2019 સુધીમાં કુલ 1925 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જે પૈકી મોટાભાગના ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ પણ ગુમાવી પડી છે.

ભાજપ-કોંગ્રેસ-આપ ઉમેદવાર

બેઠક ભાજપ કોંગ્રેસ-આપ
ગાંધીનગર અમિત શાહ સોનલ પટેલ
કચ્છ વિનોદ ચાવડા નિતેશ લાલણ
બનાસકાંઠા રેખા ચૌધરી ગેનીબેન ઠાકોર
પાટણ  ભરતસિંહજી ડાભી ચંદનજી ઠાકોર
અમદાવાદ પશ્વિમ દિનેશ મકવાણા ભરત મકવાણા
રાજકોટ પરશોત્તમ રૂપાલા પરેશ ધાનાણી
પોરબંદર મનસુખ માંડવિયા લલિત વસોયા
જામનગર  પૂનમ માડવ જે.પી.મારવિયા
આણંદ મિતેશ પટેલ અમિત ચાવડા
ખેડા  દેવુસિંહ ચૌહાણ કાળુસિંહ ડાભી
પંચમહાલ    રાજપાલસિંહ જાદવ                        ગુલાબસિંહ ચોહાણ
દાહોદ જસવંતસિંહ ભાભોર પ્રભાબહેન તાવડિયા
બારડોલી પ્રભુભાઈ વસાવા સિદ્રાર્થ ચૌધરી
નવસારી સી.આર.પાટીલ નૈષદ દેસાઈ
સાબરકાંઠા શોભના બારૈયા તુષાર ચૌધરી
અમદાવાદ પૂર્વ હસમુખભાઈ પટેલ હિંમતસિંહ પટેલ
ભાવનગર નિમુબેન બાંભણિયા ઉમેશ મકવાણા (AAP)
વડોદરા    હેમાંગ જોશી જયપાલસિંહ પઢિયાર
છોટા ઉદેપુર જશુભાઈ રાઠવા સુખરામ રાઠવા
વલસાડ ધવલ પટેલ અમંત પટેલ
જૂનાગઢ   રાજેશ ચુજાસમા હિરાભાઈ જોટવા
સુરેન્દ્રનગર ચંદુભાઈ શિહોરા ઋત્વિક મકવાણા
મહેસાણા હરિભાઈ પટેલ રામજી ઠાકોર
અમરેલી ભરત સુતરિયા જેનીબહેન ઠુંમ્મર
ભરૂચ મનસુખ વસાવા ચૈતર વસાવા (AAP)

EDએ કેજરીવાલની ધરપકડ મુદ્દે SCમાં દાખલ કર્યું સોગંદનામું

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી (આપ) કથિત દિલ્હી લિકર કૌભાંડમાં ગુનાની આવકના મુખ્ય લાભાર્થી છે અને તેમણે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલના માધ્યમથી મની લોન્ડરિંગનો ગુનો કર્યો છે.

દિલ્હી લિકર કેસથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલામાં કેજરીવાલની ધરપકડવાળી કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં દાખલ જવાબી સોગંદનામામાં EDએ દાવો કર્યો હતો કે ગોવામાં આપ દ્વારા આપ દ્વારા ચૂંટણી સંબંધી કામગીરીમાં સામેલ વિવિધ વ્યક્તિઓનાં નિવેદનોથી માલૂમ પડ્યું છે કે કાર્કર્તાઓ, ક્ષેત્ર મેનેજરો, એસેમ્બલી મેનેજરો વગેરે રૂપે તેમના દ્વારા કરવામાં આવેલા કામ માટે તેમને ચુકવણી કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટી દિલ્હી લિકર કૌભાંડ થયેલી આવકના મુખ્ય લાભાર્થી છે. ગુનાની આવકનો એક હિસ્સો આશરે રૂ. 45 કરોડની રોકડનો ઉપયોગ આપની વિધાનસભા ચૂંટણી 2022ની ચૂંટણી ઝુંબેશમાં કરવામાં આવ્યો હતો.આ પ્રકારે કેજરીવાલના માધ્યમથી મની લોન્ડરિંગનો ગુનો કર્યો છે અને આ પ્રકારે અપરાધ કલમ 70, PMLA 2002ના અંતર્ગત આવે છે. EDએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતુ કે જ્યારે તેઓ PMLA ની કલમ 17 હેઠળ કેજરીવાલનું નિવેદન નોંધી રહ્યા હતા, તે દરમિયાન પણ તેઓ અમારા પ્રશ્નોના ઉત્તર નહોતા આપી રહ્યા. વાસ્તવમાં કેજરીવાલે એક્સાઈઝ પોલિસી કેસમાં તેમની ધરપકડ વિરુદ્ધ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમને અહીંથી રાહત મળી ન હતી.

EDએ અરવિંદ કેજરીવાલને દિલ્હી લિકર પોલિસી કેસની ગેરરીતિઓમાં મુખ્ય ષડયંત્રકારી ગણાવ્યા છે, કેન્દ્રીય તપાસ એજન્સીનો દાવો છે કે AAPના ઘણા મોટા નેતાઓ અને મંત્રીઓ તેમાં સામેલ છે. આવી સ્થિતિમાં કેજરીવાલની પૂછપરછ જરૂરી છે.

 

 

 

 

 

 

મહેસાણાના મયુરના ગીતે મતદાન જાગૃતિ માટે ધૂમ મચાવી

અમદાવાદ: યુવાનોને મતદાન કરવા પ્રેરિત કરવા હોય તો યુ ટ્યુબ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવાં અનેક માધ્યમો બેસ્ટ છે. એમાંય ઘણાં યુવાનોની કલા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા નિખરી છે. હાલ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે. આ સમયે મહેસાણાના યુવાન કોલેજિયન મયુર પરમારે તૈયાર કરેલા મતદાન જાગૃતિના ગીતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. જેના શબ્દો છે,“ચાલો ચાલો ચાલો મતદાન કરવા.. ચાલો તો રાહ કોની જુવો છો તો ચાલો મારી સાથે..ચાલો રે ચાલોરે ચાલો આપણે મતદાન કરીએ..
મમ્મી પપ્પા ચાલો તમે દાદા દાદી ચાલો… કાકા કાકી ચાલો તમે મિત્રો મારા ચાલો..
બહેનો મારી ચાલો તમે સખી મારી ચાલો..
લોકશાહીના અવસરને ઉજવીએ નવયુગનું નિર્માણ કરીએ..
ચાલો આપણે સંકલ્પ લઈએ ચાલો આપણે મતદાન કરીએ……ચાલો રે ચાલો રે ચાલો રે ચાલો આપણે મતદાન કરીએ…..”મયુર પરમાર ચિત્રલેખા.કોમને કહે છે, “મહેસાણાના જોવાલાયક અને જાહેર સ્થાનો પર મતદાન જાગૃતિના આ ગીતને કેટલાક યુવાનો બાળકો, નાગરિકો તેમજ સિનિયર સિટીઝન સાથે ગાઈ અને કમ્પોઝ કર્યું છે. અમારી ટીમે મહેસાણાના સોશિયલ મીડિયાના પ્રસિદ્ધ ઇન્ફલુઅન્સર કૌશિકભાઈ પટેલ સાથે રહી ગીતને તૈયાર કર્યુ છે. હું એમ.કોમનો વિદ્યાર્થી છું. સિંગર પણ છું ઘણા ગીતો મારા પોતાના સ્ટુડિયોમાં તૈયાર કર્યા છે. ચૂંટણીમાં મતદાનની જાગૃતિના ગીતને તૈયાર કરવા માટે કોલેજના પ્રોફેસરોએ મને સપોર્ટ કર્યો છે. તેમણે કહ્યું કે તારામાં ટેલેન્ટ છે તો ચૂંટણી પંચની આ સ્પર્ધામાં ભાગ લેવા જ જોઈએ.” મતદાન જાગૃતિના આ ગીતે ધૂમ મચાવી મયુરને પહેલો નંબર અપાવ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યના 10 સોશિયલ મીડિયા ઇન્ફ્લુન્સરમાંથી મહેસાણા જિલ્લા માટે મતદાન જાગૃતિ અભિયાન માટે પસંદ કરાયેલું ગીત મયુર પરમારનું છે. સમગ્ર જિલ્લા અને મહેસાણા શહેરમાં મતદાન જાગૃતિના અભિયાન માટે પસંદ કરાયેલ નેશનલ વોટર્સ ડે ૨૫મી જાન્યુઆરી ૨૦૨૪ના દિવસે મતદાન જાગૃતિ પ્રવૃત્તિ માટે સિંગર મયુરને જિલ્લા વહીવટી અને ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી, કલેક્ટર એમ.નાગરાજનની ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશના વરદ હસ્તે મતદાન જાગૃતિ માટે પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતાં. વધુમાં ગાયક મયુર પરમાર કહે છે, “ આપણે છીએ લોકશાહીના હકદાર ..આપણે છીએ એક દેશનો અવાજ…. થોડો સમય આપી તમે કરો મતદાન ત્યારે થશે આપણો દેશ બલવાન… લોભ કે લાલચમાં ન અટવાઓ…. નિષ્પક્ષ મતદાન કરવા હરખાવો…. સંજોગો કપરા ભલે હોય કરશું મતદાન અચૂક તોય…… ચાલો આપણે સંકલ્પ લઈએ ચાલો આપણે મતદાન કરીએ.” મારા આ શબ્દો થકી યુવાઓ, પ્રથમવાર મતદાન કરનારા મતદાતાઓ તેમજ નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને અચૂક મતદાન કરે એવા આશયથી અમે આ ગીત બનાવી રહ્યા છીએ તેમજ મહેસાણાના વિવિધ સ્થળો પર તેનું શૂટિંગ કરીને સ્થાનિક પબ્લિકને અમારી સાથે સહભાગી પણ બનાવી રહ્યા છીએ. છેલ્લી બે ચૂંટણીથી અમે જિલ્લામાં જાહેર સ્થળોમાં અને સોશિયલ મીડિયાના youtube , insta અને facebook આ ત્રણ માધ્યમ દ્વારા અમે મતદાન જનજાગૃતિના કાર્યક્રમો કરી રહ્યા છીએ. અમને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.”સોશિયલ મીડિયાના ચૂંટણી માટે પસંદ કરાયેલા મીડિયા ઇન્ફ્લુઅન્સર કૌશિકભાઇ પટેલ કહે છે, “આજનું યુથ જ નહીં પણ મોટાભાગના લોકો સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ છે અને મતદાન જનજાગૃતિ માટે આ પણ એક લોકપ્રિય પ્લેટફોર્મ છે. જેના દ્વારા વધારેમાં-વધારે મતદાન કરાવી શકાય અને લોકોમાં જનજાગૃતિ આવે એ માટે અમારી પસંદગી થઈ છે. ત્યારે અમે સૌને કહીએ છીએ કે, ચોક્કસ મતદાન કરીએ. ભેદભાવથી પર રહીને મતદાન કરીએ.” નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કહે છે યંગ જનરેશન અને સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ લોકોને વધારે મતદાન કરવા પ્રેરિત કરવા માટે આ એક સરસ માધ્યમ છે. જેના દ્વારા અમે જિલ્લાના નાગરિકો વધારેમાં વધારે મતદાન કરવા પ્રેરાય એવા પ્રયત્નો કરી રહ્યા છે.ભારત ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત દેશના નાગરિકો વધારેમાં વધારે મતદાન કરે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જન સંપર્ક અને જાગૃતિના પ્રયત્નો થઈ રહ્યા છે. જે પૈકી સોશિયલ મીડિયાના ઉપયોગથી પણ જનજાગૃતિનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

 

હરણી દુર્ઘટનામાં હાઈકોર્ટનો આદેશ, ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ

જાન્યુઆરી મહિનામાં એક ગોજાનારી દુર્ઘટના થઈ હતી. વડોદરામાં હરણી તળાવમાં એક સાથી 12 બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. જે બાદ હાઈકોર્ટમાં સુઓમોટો સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સામે ડિસિપ્લિનરી પગલાં લેવા માટે અર્બન હાઉસિંગના સેક્રેટરીને આદેશ કર્યો છે. આ તપાસ IAS નિયમોના પરિપ્રેક્ષ્યમાં થશે. આ ઉપરાંત હાઇકોર્ટે સવાલ કર્યો કે કોન્ટ્રાકટર પાસે લાયકાત ના હોવા છતાં પહેલી વખત કોન્ટ્રેક્ટ નહોતો અપાયો તો બીજી વખત ફક્ત બે મહિનામાં લાયકાત કેવી રીતે આવી ગઈ?

આ અંગે પીડિત પક્ષના વકીલ ઉત્કર્ષ દવે જણાવ્યું, હાઇકોર્ટમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનરનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામાંથી હાઇકોર્ટ નાખુશ છે. વકીલ ઉત્કર્ષ દવેએ આગળ કહ્યું કે, કોર્ટે એ વસ્તુ ઓર્ડરમાં નોંધી છે કે પહેલીવાર કોન્ટ્રેક્ટ રિજેક્ટ કરવામાં આવ્યો ત્યારે તેની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી શૂન્ય હતી, પણ બે મહિનામાં એવું તો ક્યું વાદળ પડી ગયું કે આની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એટલી તો વધી ગઈ કે તેને કોન્ટ્રેક્ટ આપી દેવામાં આવ્યો. આ ઉપરાંત કોર્ટે ટકોર કરી કે આ સંપૂર્ણ બાબત માટે એ વખતના મ્યુનિસિપલ કમિશનર જવાબદાર છે. તેમજ કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. એની સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર સામે ડિસિપ્લિનરી પગલાં લેવા આદેશ કર્યો છે.

શું હતો સમગ્ર મામલો

તારીખ 18 જાન્યુઆરી 2024ના રોજ બનેલી વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં વાઘોડિયા રોડ ઉપર આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના હોડી સહેલગાહ દરમિયાન હોડી પલટી મારી જવાથી મોત નીપજ્યાં હતાં. 14 લોકોનો ભોગ લેનાર આ દુર્ઘટનાથી રાજ્યમાં શોકનો માહોલ છવાય ગયો હતો. સાથે જ આ દુર્ઘટનાના જવાબદાર લોકોને પકડવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું હતું. આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક પછી એક 18 જેટલા આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી આપ્યા છે. તો બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ હોડી દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી અને જવાબદાર મનાતા 6 અધિકારીઓને શોકોઝ નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં 7 દિવસમાં ખુલાસો કરવા માટે જણાવ્યું હતું.

અમદાવાદ (પૂર્વ): આર-પારની લડાઈ

અમદાવાદ: અમદાવાદ પશ્ચિમથી એકદમ અલગ પ્રકારની બેઠક એટલે અમદાવાદ-પૂર્વ. આ લોકસભા બેઠકમાં મોટાભાગે ગ્રામ્ય વિસ્તારો તેમજ અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે. અહીં દેશના અનેક રાજ્યોમાંથી આવેલા લોકો વસવાટ કરે છે. આ બેઠકમાં ઉત્તર ભારતીયો તેમજ સૌરાષ્ટ્ર તથા ડાયમંડના વેપારીઓનો બહોળો વર્ગ વસવાટ કરે છે. એક જમાનામાં અહીં કાપડની મિલો ધમધમતી હતી. અમદાવાદ પૂર્વ બેઠક પર ઠાકોર-પાટીદાર મતદારોની સંખ્યા વધારે છે. આ ઉપરાંત ક્ષત્રીય મતદારોની સંખ્યા પણ સવિશેષ છે.

ઉમેદવાર

ભાજપ: હસમુખ પટેલ

હસમુખ પટેલ અમરાઇવાડીથી 2 વાર ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. 11-11-1960 ના રોજ જન્મેલા હસમુખ કડવા પટેલ સમાજમાંથી આવે છે. તેઓ AMCમાં બે ટર્મ કોર્પોરેટર પણ રહ્યા છે. એસ્ટેટ કમિટી અને વોટર સપ્લાય કમિટી ચેરમેન તરીકે કાર્યરત હતા. છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં ફરજ બજાવે છે. આ પહેલા બે વખત તેઓ સાંસદ રહી ચૂક્યા છે.

કોંગ્રેસ: હિંમતસિંહ પટેલ

હિંમતસિંહ પોતે અમદાવાદમાં રખિયાલમાં રહે છે. તેમણે SSC(ધોરણ-10) સુધીનો અભ્યાસ કરેલો છે. વ્યવસાયે બિઝનેસમેન છે. હાલમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ છે. તેમણે યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવેલી છે. હિંમતસિંહ ચાર ટર્મ કોર્પોરેટર તરીકે અમદાવાદ મહાનગરપાલિકામાં ચૂંટાઈ આવ્યા હતા. તેઓ અમદાવાદ શહેરના મેયર પણ રહી ચૂક્યા છે. તેઓ ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલના વાઈસ ચેરમેન પણ રહી ચૂક્યા છે. બાપુનગરના ધારાસભ્ય તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે.

PROFILE

  • અમદાવાદ (પૂર્વ) લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, દહેગામ અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાનો સમાવેશ થાય છે.
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 2,79,919 વોટની લીડથી જીત્યા હતા.
  • મતદારોની સંખ્યા

કુલ મતદારો    20,10,350

પુરુષ મતદાર   10,52,968

સ્ત્રી મતદાર     9,57,269

  • વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક પક્ષ વિજેતા વોટ લીડ
વટવા ભાજપ બાબુસિંહ જાદવ 1,51,710 1,00,046
નિકોલ ભાજપ જગદીશ વિશ્વકર્મા 93,714 55,198
નરોડા ભાજપ પાયલ કુકરાણી 1,12,767 83,513
ઠક્કરબાપાનગર ભાજપ કંચનબેન રાદડિયા 89,409 63,799
બાપુનગર ભાજપ દિનેશસિંહ કુશવાહા 59,465 12,070
દહેગામ ભાજપ બલરાજસિંહ ચૌહાણ 75,133 16,173
ગાંધીનગર(દક્ષિણ) ભાજપ અલ્પેશ ઠાકોર 1,34,051 43,064

વિશેષતા

  • 1951થી 1984 સુધી અમદાવાદ બેઠક પર કોંગ્રેસનું એકહથ્થું શાસન હતું.
  • 1989માં ભાજપમાંથી હરિન પાઠક પ્રથમ વખત આ બેઠક પર બિનકોંગ્રેસી ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ સતત 7 ટર્મ સુધી તેઓ ચૂંટાયા હતા. જેમાંથી સાતમી ટર્મ તેઓ નવા સીમાંકનમાં આવેલી અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાયા હતા.
  • આ બેઠક પર ઠાકોર-પાટીદાર મતદારોની સંખ્યા વધારે છે. ઉપરાંત ઉત્તર ભારતીયોનું વર્ચસ્વ પણ જોવા મળે છે.
  • અમદાવાદ પૂર્વ બેઠક પર 22 ટકા સવર્ણ મતદારો છે જ્યારે 20 ટકા દલિત મતદારો નોંધાયેલા છે. આ સિવાય 15 ટકા પરપ્રાંતીય મતદારો પણ મહત્વનો ભાગ ભજવે છે.

બીજા તબક્કામાં આ દિગ્ગજોની કિસ્મતનો થશે નિર્ણય

નવી દિલ્હીઃ દેશમાં બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે 13 રાજ્યોમાં થશે. આ તબક્કામાં કુલ 88 સીટો પર ઉમેદવારોની કિસ્મત EVMમાં કેદ થશે. આ બીજા તબક્કામાં રાહુલ ગાંધી,  લોકસભા સ્પીકર ઓમ બિરલા, હેમા માલિની, પપ્પુ યાદવ જેવા મોટા દિગ્ગજ નેતાઓ પોતાની કિસ્મત અપનાવશે.

બીજા તબક્કામાં ચૂંટણીમાં દેશની 88 સીટો પર મતદાન થશે, જેમાં કેરળની બધી 20 સીટો, કર્ણટકની 14 સીટો, રાજસ્થાનની 13 સીટો, ઉત્તર પ્રદેશની આઠ, મહારાષ્ટ્ર 8, મધ્ય પ્રદેશ છ, બિહાર પાંચ, આસામ પાંચ, પશ્ચિમ બંગાળ ત્રણ, છત્તીસગઢ ત્રણ, જમ્મુ-કાશ્મીર એક, ત્રિપુરા એક અને મણિપુરની એક સીટ પર મતદાન થશે.

બીજા તબક્કામાં હાઇ પ્રોફાઇલ સીટ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા સીટ પર ઊભા છે. બિહારની પૂર્ણિયાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં પપ્પુ યાદવ ઊભા છે. તેમની વિરુદ્ધ JDUના સંતોષ કુશવાહા મેદાનમાં છે. આ ઉપરાંત RJDની બીમા ભારતી ચૂંટણી મેદાનમાં છે.

આ સાથે બોલીવૂડમાં ડ્રીમ ગર્લ હેમા માલિની મથુરાથી ત્રીજી વાર ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. આ સાથે કોટાથી લોકસભા સીટ પર લોકસભા સ્પીકર ઓમ બિરલા ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. આ સાથે ઉત્તર પ્રદેશની મેરઠની સીટથી અરુમ ગોવિલની ઉમેદવારીને કારણે ચર્ચામાં છે. આ ઉપરાંત બેંગલુરુ ગ્રામીણ સીટ પર ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવે ગોવડાના જમાઈ CN મંજુનાથ ભાજપની સીટ પર ઊભા છે.

 

 

 

 

 

સાયન્સ સિટી ખાતે ‘વિશ્વ પેંગ્વિન દિવસ’ની ઉજવણી

અમદાવાદ: દર વર્ષે 25 એપ્રિલે ‘વિશ્વ પેંગ્વિન દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ગુજરાત સાયન્સ સિટી ખાતે પણ ‘વિશ્વ પેંગ્વિન દિવસ’ની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીના સ્ટાફ તેમજ પોપ્યુલરાઈઝેશન વિભાગ સહિતના અન્ય સ્ટાફના સભ્યોને પેંગ્વિન વિશે માહિતગાર કરવામાં આવ્યા.જેમાં તેમને આફ્રિકન પેંગ્વિન, નોર્ધન રોકહોપર પેંગ્વિન, કિંગ પેંગ્વિન, યેલ્લો આઈડ પેંગ્વિન, ચિન સ્ટ્રેપ પેંગ્વિન, ઓસ્ટ્રેલિયન લિટ્ટલ પેંગ્વિન સહિતના વિવિધ પેંગ્વિન વિશે અને તેમના રહેણાંક વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી.ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં રાખવામાં આવેલા પાંચ પેંગ્વિનની દેખરેખ રાખતા કર્મચારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી. આ ઉપરાંત તમામ સહભાગી કર્મચારીઓને પેંગ્વિનના સંરક્ષણ અંગેની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં વિવિધ પ્રજાતિની માછલીઓ અને જળચર જીવો સાથે પાંચ સાઉથ આફ્રિકન પેંગ્વિન પણ છે.જેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. આ પાંચેય પેંગ્વિનના નામ પુમ્બા, ટિમોન, નિમો, સ્વેન અને મુશુ -એવા રાખવામાં આવ્યા છે. આ પાંચેય પેંગ્વિનનું નિયમિત મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે.

અમદાવાદમાં તાપમાનનો પારો ઉચકાતાં લોકો ત્રાહિમામ!

અમદાવાદ: રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે તાપમાનનો પારો ફરી એકવાર ઊંચકાયો છે. ભયાનક ગરમીમાં ભરબપોરે ઘર બહાર નીકળવાનું કોઈને મન ન થાય, પણ નોકરી-ધંધાર્થે અને અન્ય કારણોસર લોકોને બહાર નીકળવાની ફરજ પડે છે.દેશભરમાં તાપમાન ઝડપથી ઊંચું જઈ રહ્યું છે, જેનાથી લોકો હેરાન છે. ઘણાં શહેરોમાં એપ્રિલમાં જ તાપમાન 40 ડિગ્રી પાર કરી ચૂક્યું છે.

ગરમીમાં શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવું જરૂરી છે. આથી બજારમાં નવા માટલાંની ડિમાન્ડ વધી ગઈ છે. લોકો પાણીદાર ફ્રુટ્સ જેવાં કે તરબૂચ, ટેટી, દ્વાક્ષનું વધારે સેવન કરતાં હોય છે.તાપમાનનો પારો વધતાં ગરમીથી રક્ષણ આપે તેવાં ચશ્મા અને ટોપીની માગમાં વધારો જોવા મળી રહ્યો છે. ગરમીમાં લોકો ના છૂટકે બહાર નીકળતાં હોય છે. ત્યારે સુતરાઉ કપડાં પહેરવાનું પસંદ કરે છે.ગરમીથી અબોલ પશુ-પક્ષીઓ પણ એટલાં જ ત્રાહિમામ હોય છે. ત્યારે તેમનાં માટે પણ વિશેષ સગવડો કરવામાં આવે છે.(તસવીરો – પ્રજ્ઞેશ વ્યાસ)

નિલેશ કુંભાણીના મોસ્ટ વૉન્ટેડના લાગ્યા બેનરો

લોકસભા ચૂંટણીને લઈ હાલ રાજ્યમાં મોટેપાયે ઉથલ-પાથલ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં પોતાના નિવેદનને લઈ ભાજપ નેતા જનતાના રોષનો શિકાર બની રહ્યા છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત બેઠક પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ચૂંટણી ફોર્મ રદ થયા બાદ એક પછી એક બધા ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ પરત ખેંચ્યા હતા. જેથી સુરત બેઠક પર લોકસભા ચૂંટણી પર ભાજપનું કમળ બિનહરી ખીલ્યું.

બે દિવસ પહેલાં કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ નિલેશ કુંભાણી ગદ્દાર છે તેવા બેનર સાથે કુંભાણીના ઘર પર વિરોધ કર્યો હતો. જ્યારે આજે વરાછા વિસ્તારમાં આપના નેતા દિનેશ કાછડિયાએ આને ઓળખો; આ છે લોકતંત્રનો હત્યારો-ગદ્દાર તેવા લખાણ સાથેના બેનર લાગ્યા છે. આ ઉપરાંત બેનરમાં લખ્યું છે કે, સુરત લોકસભાનાં 19 લાખ મતદારોના હકનો સોદો કરનારને ઓળખો અને જ્યાં પણ દેખાય તેને સવાલ કરીને સબક શીખવાડો તેવા લખાણ લખવામાં આવ્યા છે. તો બીજી તરફ ચૂંટણી પ્રચાર માટે સરથાણા વિસ્તારમાં હોર્ડિગ્સ યથાવત્ રખાયા છે જેના પર સુરતનો સારથી નિલેશ કુંભાણી પણ જોવા મળી રહ્યું છે

ભારતની સામે ઘૂંટણ ટેકવા તૈયાર પાકિસ્તાન?

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં વેપારી વર્ગના લોકોએ વડા પ્રધાન શહબાઝ શરીફને વેપારને પ્રોત્સાહન આપવા માટે ભારતની સાથે વાટાઘાટ શરૂ કરવાની વિનંતી કરી છે. તેમણે શરીફ સાથે એક સંવાદ સત્રમાં આ આગ્રહ કર્યો હતો. વેપાર શરૂ થવાની રોકડના સંકટથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનના અર્થતંત્રને ઘણો લાભ થશે, એમ વેપારીઓએ કહ્યું હતું.

સિંધ CM હાઉસમાં બુધવારે એક કલાકની બેઠકમાં વેપારીઓએ અનેક મોટા સવાલ ઊભા કર્યા. કરાચીના વેપારી સમાજે આર્થિક મુદ્દાથી નીપટવા માટે વડા પ્રધાનના દ્રઢ સંકલ્પની પ્રશંસા કરી હતી, પરંતુ તેમણે અર્થતંત્ર માટે રાજકીય સ્થિરતા લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. વડા પ્રધાને નિકાસ દ્વારા અર્થતંત્રને ઉપર લાવવા માટે ઉપાયો શોધવા માટે વેપારી સમાજની સાથે બેઠક કરી હતી.

હબીબ ગ્રુપના પ્રમુખે વડા પ્રધાનને ભારત સાથે વેપાર વાટાઘાટ શરૂ કરવા પણ કહ્યું હતું. મારું સૂચન છે કે તમે કેટલીક વધુ સમજૂતી કરો અને એમાંથી એક ભારતની સાથે વેપારને લઈને છે, જેનાથી અર્થતંત્રને ઘણો લાભ થશે, એમ તેમણે કહ્યું હતું, એમ ડોનનો અહેવાલ કહે છે.

ભારતે પાંચ ઓગસ્ટ, 2019માં આર્ટિકલ 370ને દૂર કરતાં અને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરીને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા પછી બંને દેશોની વચ્ચે દ્વિપક્ષી સંબંધ તૂટી ગયા હતા.  ભારતના નિર્ણય પછી બંને દેશો વચ્ચે રાજકીય સંબંધો પણ ઓછા થયા હતા અને ભારતીય એમ્બેસેડરને ત્યાંથી કાઢી મૂક્યા હતા. એ પછી પાકિસ્તાને ભારત સાથેના સીધા વેપારી સંબંધ પણ ખતમ કર્યા હતા.