Home Blog Page 1897

દિલ્હીમાં આવતીકાલે યોજાનારી મેયરની ચૂંટણી મોકૂફ

રાજધાની દિલ્હીમાં આવતીકાલે એટલે કે 26મી એપ્રિલે યોજાનારી મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. લેફ્ટનન્ટ ગવર્નર સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આવતીકાલે થનારી મેયરની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. વાસ્તવમાં, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણી પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂકને લઈને વિવાદને કારણે રદ્દ કરવામાં આવી છે.

સૂત્રોનું માનીએ તો મેયરની ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક માટેની ભલામણ હાલ જેલમાં રહેલા મુખ્યમંત્રી દ્વારા મોકલવામાં આવી છે. આવી સ્થિતિમાં લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસને કોઈ પ્રિસાઇડિંગ ઓફિસરના નામનો પ્રસ્તાવ મળ્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ સંજોગોમાં ચૂંટણી સ્થગિત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. જ્યાં સુધી મેયરની પસંદગી ન થાય ત્યાં સુધી વર્તમાન મેયર શૈલી ઓબેરોય કામગીરી જોશે.

આ મામલે દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે આવતીકાલે દિલ્હીમાં મેયરની ચૂંટણી યોજાવાની છે, પરંતુ હજુ સુધી પ્રિસાઇડિંગ ઓફિસરના નામવાળી ફાઇલ ચૂંટાયેલી સરકારને મળી નથી. સૌરભ ભારદ્વાજનો આરોપ હતો કે મુખ્ય સચિવે તેમને બાયપાસ કરીને સીધી લેફ્ટનન્ટ ગવર્નરને ફાઈલ મોકલી હતી. સૌરભ ભારદ્વાજે મુખ્ય સચિવને એ પણ સમજાવવા કહ્યું હતું કે કઈ કાયદાકીય જોગવાઈઓ તેમને ચૂંટાયેલી સરકારને બાયપાસ કરવાનો અધિકાર આપે છે. તમને જણાવી દઈએ કે પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા જ કરવામાં આવે છે. જોકે નવા મેયરની ચૂંટણી અગાઉના મેયર કરાવે છે, પરંતુ આ માટે લેફ્ટનન્ટ ગવર્નરની પરવાનગી જરૂરી છે.

હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન ચૂંટણી મેદાનમાં ઉતર્યા

ઝારખંડના ભૂતપૂર્વ સીએમ હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેને ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો છે. ઝારખંડ મુક્તિ મોરચાએ તેમને ગાંડે વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જો કે તે ચૂંટણી રેલીઓમાં જોવા મળી હતી, પરંતુ તે ચૂંટણીના રાજકારણમાં પણ જોડાશે કે કેમ તે અંગે ઘણી ચર્ચા થઈ હતી. હવે તેમના ઉમેદવારોની જાહેરાત બાદ ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ થઈ ગયું છે. આ સીટ પર 20 મેના રોજ મતદાન થશે.

JMMએ શું કહ્યું?

JMMએ કહ્યું, “લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અને ગાંડે વિધાનસભા પેટાચૂંટણી 2024 માં ઝારખંડ મુક્તિ મોરચાના ઉમેદવારોની અંતિમ યાદી બહાર પાડવામાં આવી છે. સમીર મોહંતી જમશેદપુર લોકસભા સીટથી ચૂંટણી લડશે. કલ્પના સોરેનને ગાંડેય વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

કલ્પના સોરેને તૈયારીઓ શરૂ કરી દીધી હતી

નામની ઘોષણા પહેલા જ કલ્પના સોરેને ગાંડે સીટ માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ સીટ ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં આવે છે. તાજેતરમાં જ કલ્પનાએ ત્યાં જેએમએમ કાર્યકર્તા સંમેલનને પણ સંબોધિત કર્યું હતું.

સીએમની રેસમાં નામ આવ્યું

હેમંત સોરેનની ધરપકડ પહેલા જ ઝારખંડની રાજનીતિમાં કલ્પના સોરેનનું નામ મોખરે હતું. જ્યારે હેમંત સોરેનની ED દ્વારા ધરપકડ કરવામાં આવી શકે છે, ત્યારે તેમણે તેમના નિવાસસ્થાને પાર્ટી નેતાઓની બેઠક બોલાવી હતી. તે બેઠકમાં કલ્પના સોરેન પણ હાજર રહી હતી. તે મીટિંગમાં કલ્પના સોરેનની તસવીર વાયરલ થઈ છે.

ભારતે માનવાધિકાર અંગેના યુએસ રિપોર્ટને નકારી કાઢ્યો

ભારતે ગુરુવારે કથિત માનવાધિકાર ઉલ્લંઘન અંગેના યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના અહેવાલને નકારી કાઢ્યો હતો. અમેરિકાએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે મણિપુરમાં જાતિય હિંસા ફેલાયા બાદ રાજ્યમાં માનવાધિકારનું વ્યાપક ઉલ્લંઘન થયું છે. આ સિવાય રિપોર્ટમાં બીબીસી ઓફિસ પર ઈન્કમટેક્સ અધિકારીઓના દરોડા અને રાહુલ ગાંધી સાથે જોડાયેલા એક કેસનો પણ ઉલ્લેખ છે.

 

ભારતે અમેરિકાના અહેવાલને નકારી કાઢ્યો હતો

ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકાના અહેવાલને પક્ષપાતી ગણાવીને સદંતર ફગાવી દીધો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કોલંબિયા યુનિવર્સિટી અને અમેરિકાની અન્ય યુનિવર્સિટીઓમાં વિરોધ પ્રદર્શન અંગે રણધીર જયસ્વાલે કહ્યું કે અમે અહેવાલો જોયા છે અને અમે સંબંધિત ઘટનાઓ પર નજર રાખી રહ્યા છીએ. દરેક લોકશાહીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા, જવાબદારીની ભાવના અને જાહેર સુરક્ષા અને વ્યવસ્થા વચ્ચે યોગ્ય સંતુલન હોવું જોઈએ.

ગૌતમ અદાણી વર્લ્ડ ક્લાસ થિંક-ટેંક શરૂ કરશે

અમદાવાદ: સંશોધન સહિત ગ્લોબલ પ્લેટફોર્મ્સ પર ભારતના હિતોના તરફેણની વ્યવસ્થારૂપે ગૌતમ અદાણી વર્લ્ડ ક્લાસ થિંક-ટેન્ક સ્થાપવાના છે. નવી દિલ્હીમાં હેડક્વાર્ટર ધરાવતી આ નવીન સંસ્થાનો ઉદ્દેશ્ય માત્ર ભારત જ નહીં, પરંતુ “ગ્લોબલ સાઉથ” માટે સંશોધન કરવાનો છે. થિંક ટેન્કને અદાણી ગ્રુપથી સ્વતંત્ર રાખવામાં આવશે, તેનું પોતાનું ગવર્નન્સ સ્ટ્રક્ચર અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ રહેશે. જો કે હજી સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે થિંક-ટેન્કનું નામ ચિંતન રિસર્ચ ફાઉન્ડેશન નક્કી કરવામાં આવ્યું છે. અદાણી જૂથ પાસેથી નવનિર્મિત સંસ્થાને રૂ.100 કરોડનું ભંડોળ મળશે. જો કે ભવિષ્યમાં તે રકમમાં વધારો થઈ શકે છે. પ્રારંભિક ભંડોળ મેળવ્યા બાદ તેની પાસે આવકનો આગવો પ્રવાહ ઉભો થશે. જેનાથી તે આત્મનિર્ભરતા માટે સક્ષમ બનશે. ચિંતન રિસર્ચ ફાઉન્ડેશનનો ઉદ્દેશ માત્ર સંશોધન જ નહીં, આબોહવા પરિવર્તન અને ઉર્જા સંક્રમણના ત્રણ સ્તંભો, ભૌગોલિક રાજનીતિ અને વ્યૂહાત્મક બાબતો, અને અર્થતંત્ર અને વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. વળી તે COP29, યુનાઈટેડ નેશન્સ અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન જેવા વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતના હિતોની તરફેણ પણ કરશે.સંસ્થા બહારના ભંડોળને આકર્ષવા અને તેની સાથે વિસ્તરણ કરવાનું પણ વિચારી રહી છે. અદાણી સાથે સૂચિત સ્વતંત્ર સંશોધન સંસ્થા માટે બોર્ડ જૂથની નિમણૂંક હાથવગી રાખવામાં આવી છે. લંડન, વોશિંગ્ટન, મુંબઈ અને બેંગલુરુ જેવા ભારતીય રાજ્યોની રાજધાનીઓમાં પણ તેની ઓફિસો પથરાયેલી હશે. સ્વદેશ નિર્મિત અદ્યતન થિંક-ટેન્ક વિકાસશીલ રાષ્ટ્રોને નવું પ્લેટફોર્મ પૂરુ પાડશે. હિંડનબર્ગ રિસર્ચના કથાકથિત આરોપો બાદ અદાણીએ આંતરરાષ્ટ્રીય છબીને ફરીથી બનાવવા કમર કસી છે. યુ.એસ.ના શોર્ટ સેલરે આરોપ મૂક્યો હતો કે તેનું જૂથ વ્યાપક કોર્પોરેટ છેતરપિંડી અને શેરના ભાવની હેરાફેરીમાં રોકાયેલું છે. યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સ અદાણી જૂથના સ્થાપકની પણ સંભવિત લાંચના ઉલ્લંઘન માટે તપાસ કરી રહ્યા છે. જો કે અદાણી જૂથે વારંવાર કોઈપણ જાતની ગેરરીતિ આચર્યાનો ઇનકાર કર્યો છે. અદાણીની એન્ટ્રીનું ચેરિટેબલ જૂથો અને બિન-સરકારી સંસ્થાઓ સામેના કથિત ક્રેકડાઉન અંતર્ગત ભારતના ગૃહ મંત્રાલય દ્વારા ચુસ્તપણે નિરીક્ષણ કરવામાં આવે છે.

શું હતી સલમાન અને સંજય ભણસાલી વચ્ચેના અબોલાની કહાની?

મુંબઈ: સંજય લીલા ભણસાલી વેબ સિરીઝની દુનિયામાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. તેનો પ્રથમ OTT શો ‘હીરામંડી’ બહુ ચર્ચામાં છે. સીરિઝનું પ્રીમિયર રિલીઝ પહેલા બુધવારે યોજાયું હતું. જ્યાં ઘણા બોલિવૂડ સ્ટાર્સે સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આલિયા ભટ્ટ, રેખા, કરણ જૌહર, વિકી કૌશલ સહિત અનેક સેલેબ્સ હતાં, પરંતુ તેમાં સલમાન ખાને સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું.

હીરામંડીના પ્રીમિયરમાં સંજય લીલા ભણસાલી અને સલમાન ખાનને એકસાથે જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે લાંબા સમયથી બંને વચ્ચે અણબનાવના અહેવાલો હતા.હીરામંડીનું પ્રીમિયર બુધવારે મુંબઈમાં યોજાયું હતું. આ દરમિયાન સલમાન ખાને પણ સ્વેગ સાથે એન્ટ્રી કરી હતી. ફાયરિંગની ઘટના બાદ ભાઈજાન કડક સુરક્ષા સાથે ઈવેન્ટમાં પહોંચ્યા હતા. કાફલા સાથે જેવો સલમાન ખાને પ્રવેશ કર્યો ને દરેકના મનમાં એક જ પ્રશ્ન ઊભો થયો કે શું તેનું સંજય લીલા ભણસાલી સાથે પૅચઅપ થઈ ગયું છે?

સલમાન-સંજય લીલા ભણસાલીનો ઝઘડો?

સલમાન ખાનને ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’માં સૂરજ બડજાત્યાએ હીરો તરીકે લોન્ચ કર્યો હતો. આ ફિલ્મ સુપરહિટ રહી અને સલમાન સ્ટાર બની ગયો. બાદમાં સલમાન અને સૂરજ બડજાત્યાની જોડીએ ‘હમ આપકે હૈ કૌન’, ‘હમ સાથ સાથ હૈ’ અને ‘પ્રેમ રતન ધન પાયો’ જેવી ફિલ્મો કરી. તે જ સમયે સલમાને સંજય લીલા ભણસાલી સાથે ‘ખામોશી’ અને ‘હમ દિલ દે ચૂકે સનમ’ જેવી ફિલ્મો કરી હતી. આ પછી ભણસાલી અને સલમાન ‘બાજીરાવ મસ્તાની’માં સાથે કામ કરવા જઈ રહ્યા હતા. પરંતુ અહેવાલો અનુસાર તે સમયે સલમાને ઐશ્વર્યા રાય સાથે બ્રેકઅપ કરી લીધું હતું, અભિનેતા ઇચ્છતો હતો કે ભણસાલી તેના બદલે કેટરીના કૈફને ફિલ્મમાં સાઇન કરે. પરંતુ ભણસાલીએ તેમ કરવાની ના પાડી દીધી હતી.

અહીંથી જ સંજય લીલા ભણસાલી અને સલમાન વચ્ચે ઝઘડાનું બીજ રોપાયું. ઘણા વર્ષો સુધી સંજય લીલા ભણસાલી અને સલમાને એક પણ ફિલ્મમાં સાથે કામ કર્યું ન હતું.અચાનક સલમાન અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ ‘ઇન્શાઅલ્લાહ’ બનવાના સમાચાર આવ્યા. પણ કોણ જાણે શું થયું કે સલમાન ફિલ્મમાંથી બહાર થઈ ગયો અને સંજય લીલા ભણસાલીએ ફિલ્મ બંધ કરી દીધી. ત્યારથી સલમાન અને સંજય લીલા ભણસાલી ફરી સાથે આવ્યા નથી.ત્યાર બાદ હવે હીરામંડીના સ્ક્રીનિંગમાં બંને સાથે જોવા મળ્યા.

હીરામંડી ક્યારે રિલીઝ થશે?

હીરામંડી એક મલ્ટિસ્ટારર વેબ સિરીઝ છે. તેમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ અને શર્મિન સહગલ મહત્વની ભૂમિકામાં છે. આ ઉપરાંત હીરામંડીમાં શેખર સુમન, ફરદીન ખાન, અધ્યાયન સુમન અને ફરીદા જલાલ પણ સામેલ છે. આ સિરીઝ 1 મેથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ થશે.

ગુજરાતમાં કઈ બેઠક પર કેટલા ઉમેદવાર?

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. એ પણ‌ જાણી લો કે આ વખતે કુલ 433 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી ચકાસણી પછી 328 ફોર્મને માન્ય રાખવામાં આવ્યા. માન્ય રખાયેલા આ ફોર્મમાંથી 62 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવાથી હવે 25 બેઠકો પર 266 ઉમેદવારો ચૂંટણી મેદાને જંગ લડશે. ઉલ્લેખનીય છે કે સુરતની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે.

આ બેઠક પર માત્ર ત્રણ ઉમેદવાર

અમદાવાદ પૂર્વ બેઠક પરથી આ ચૂંટણીમાં સૌથી વધુ 18 ઉમેદવારો વચ્ચે જંગ થશે. જ્યારે બારડોલી લોકસભામાં સૌથી ઓછા 3 ઉમેદવારો ચૂંટણી લડશે. જેમાં ભાજપમાંથી પ્રભુભાઈ વસાવા કોંગ્રેસમાંથી સિદ્ધાર્થ ચૌધરી અને બહુજન સમાજ પાર્ટીમાંથી મહિલા ઉમેદવાર રેખાબહેન ચૌધરી વચ્ચે ચૂંટણી જંગ જામશે.

 પેટા ચૂંટણીમાં પણ બે જ ઉમેદવાર

નોંધીય છે કે સુરત બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે. વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરીએ તો 24 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. જેમાં સૌથી વધુ વિજાપુર વિધાનસભા બેઠક પર 8 ઉમેદવારો અને વાઘોડિયા બેઠક પર 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે.

કઈ બેઠક પર કેટલા ઉમેદવાર

વિગતે જોઈએ તો બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં 12 ઉમેદવારો મેદાને છે. જ્યારે અમરેલીમાં 8 ઉમેદવારો પૈકી 4 રાજકીય પક્ષના અને 4 અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. એવી જ રીતે પંચમહાલમાં પણ 8 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા છે. જેમાં 4 અપક્ષ ઉમેદવારો છે. જો કે અહીં ભાજપના રાજપાલસિંહ જાદવ અને કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે. નવસારીમાં 26 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી 7 ફોર્મ રદ થયા જયારે 5 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી માટે હવે 8 રાજકીય પક્ષના અને 6 અપક્ષના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે. વડોદરામાં પણ કોંગ્રેસ ભાજપ વચ્ચે સીધો જંગ થશે. આ બેઠક પર 14 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. જ્યારે ગાંધીનગરમાં 14 ઉમેદવારો ચૂંટણી લડશે. સાબરકાંઠા બેઠક પર 14 અને આણાંદ બેઠક પર 7 ઉમેદવારો વચ્ચે ચૂટણી જંગ થશે.

અપક્ષ ઉમેદવારોનું ચૂંટણી ગણિત

છેલ્લી દસ લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોની વાત કરીએ તો 1998માં સૌથી ઓછા 30 અને 1991માં સૌથી વધારે 258 અપક્ષ ઉમેદવારો હતા. ગુજરાતમાં 1962થી 2019 સુધીમાં કુલ 1925 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જે પૈકી મોટાભાગના ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ પણ ગુમાવી પડી છે.

ભાજપ-કોંગ્રેસ-આપ ઉમેદવાર

બેઠક ભાજપ કોંગ્રેસ-આપ
ગાંધીનગર અમિત શાહ સોનલ પટેલ
કચ્છ વિનોદ ચાવડા નિતેશ લાલણ
બનાસકાંઠા રેખા ચૌધરી ગેનીબેન ઠાકોર
પાટણ  ભરતસિંહજી ડાભી ચંદનજી ઠાકોર
અમદાવાદ પશ્વિમ દિનેશ મકવાણા ભરત મકવાણા
રાજકોટ પરશોત્તમ રૂપાલા પરેશ ધાનાણી
પોરબંદર મનસુખ માંડવિયા લલિત વસોયા
જામનગર  પૂનમ માડવ જે.પી.મારવિયા
આણંદ મિતેશ પટેલ અમિત ચાવડા
ખેડા  દેવુસિંહ ચૌહાણ કાળુસિંહ ડાભી
પંચમહાલ    રાજપાલસિંહ જાદવ                        ગુલાબસિંહ ચોહાણ
દાહોદ જસવંતસિંહ ભાભોર પ્રભાબહેન તાવડિયા
બારડોલી પ્રભુભાઈ વસાવા સિદ્રાર્થ ચૌધરી
નવસારી સી.આર.પાટીલ નૈષદ દેસાઈ
સાબરકાંઠા શોભના બારૈયા તુષાર ચૌધરી
અમદાવાદ પૂર્વ હસમુખભાઈ પટેલ હિંમતસિંહ પટેલ
ભાવનગર નિમુબેન બાંભણિયા ઉમેશ મકવાણા (AAP)
વડોદરા    હેમાંગ જોશી જયપાલસિંહ પઢિયાર
છોટા ઉદેપુર જશુભાઈ રાઠવા સુખરામ રાઠવા
વલસાડ ધવલ પટેલ અમંત પટેલ
જૂનાગઢ   રાજેશ ચુજાસમા હિરાભાઈ જોટવા
સુરેન્દ્રનગર ચંદુભાઈ શિહોરા ઋત્વિક મકવાણા
મહેસાણા હરિભાઈ પટેલ રામજી ઠાકોર
અમરેલી ભરત સુતરિયા જેનીબહેન ઠુંમ્મર
ભરૂચ મનસુખ વસાવા ચૈતર વસાવા (AAP)

EDએ કેજરીવાલની ધરપકડ મુદ્દે SCમાં દાખલ કર્યું સોગંદનામું

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી (આપ) કથિત દિલ્હી લિકર કૌભાંડમાં ગુનાની આવકના મુખ્ય લાભાર્થી છે અને તેમણે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલના માધ્યમથી મની લોન્ડરિંગનો ગુનો કર્યો છે.

દિલ્હી લિકર કેસથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલામાં કેજરીવાલની ધરપકડવાળી કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં દાખલ જવાબી સોગંદનામામાં EDએ દાવો કર્યો હતો કે ગોવામાં આપ દ્વારા આપ દ્વારા ચૂંટણી સંબંધી કામગીરીમાં સામેલ વિવિધ વ્યક્તિઓનાં નિવેદનોથી માલૂમ પડ્યું છે કે કાર્કર્તાઓ, ક્ષેત્ર મેનેજરો, એસેમ્બલી મેનેજરો વગેરે રૂપે તેમના દ્વારા કરવામાં આવેલા કામ માટે તેમને ચુકવણી કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટી દિલ્હી લિકર કૌભાંડ થયેલી આવકના મુખ્ય લાભાર્થી છે. ગુનાની આવકનો એક હિસ્સો આશરે રૂ. 45 કરોડની રોકડનો ઉપયોગ આપની વિધાનસભા ચૂંટણી 2022ની ચૂંટણી ઝુંબેશમાં કરવામાં આવ્યો હતો.આ પ્રકારે કેજરીવાલના માધ્યમથી મની લોન્ડરિંગનો ગુનો કર્યો છે અને આ પ્રકારે અપરાધ કલમ 70, PMLA 2002ના અંતર્ગત આવે છે. EDએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતુ કે જ્યારે તેઓ PMLA ની કલમ 17 હેઠળ કેજરીવાલનું નિવેદન નોંધી રહ્યા હતા, તે દરમિયાન પણ તેઓ અમારા પ્રશ્નોના ઉત્તર નહોતા આપી રહ્યા. વાસ્તવમાં કેજરીવાલે એક્સાઈઝ પોલિસી કેસમાં તેમની ધરપકડ વિરુદ્ધ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમને અહીંથી રાહત મળી ન હતી.

EDએ અરવિંદ કેજરીવાલને દિલ્હી લિકર પોલિસી કેસની ગેરરીતિઓમાં મુખ્ય ષડયંત્રકારી ગણાવ્યા છે, કેન્દ્રીય તપાસ એજન્સીનો દાવો છે કે AAPના ઘણા મોટા નેતાઓ અને મંત્રીઓ તેમાં સામેલ છે. આવી સ્થિતિમાં કેજરીવાલની પૂછપરછ જરૂરી છે.

 

 

 

 

 

 

મહેસાણાના મયુરના ગીતે મતદાન જાગૃતિ માટે ધૂમ મચાવી

અમદાવાદ: યુવાનોને મતદાન કરવા પ્રેરિત કરવા હોય તો યુ ટ્યુબ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવાં અનેક માધ્યમો બેસ્ટ છે. એમાંય ઘણાં યુવાનોની કલા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા નિખરી છે. હાલ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે. આ સમયે મહેસાણાના યુવાન કોલેજિયન મયુર પરમારે તૈયાર કરેલા મતદાન જાગૃતિના ગીતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. જેના શબ્દો છે,“ચાલો ચાલો ચાલો મતદાન કરવા.. ચાલો તો રાહ કોની જુવો છો તો ચાલો મારી સાથે..ચાલો રે ચાલોરે ચાલો આપણે મતદાન કરીએ..
મમ્મી પપ્પા ચાલો તમે દાદા દાદી ચાલો… કાકા કાકી ચાલો તમે મિત્રો મારા ચાલો..
બહેનો મારી ચાલો તમે સખી મારી ચાલો..
લોકશાહીના અવસરને ઉજવીએ નવયુગનું નિર્માણ કરીએ..
ચાલો આપણે સંકલ્પ લઈએ ચાલો આપણે મતદાન કરીએ……ચાલો રે ચાલો રે ચાલો રે ચાલો આપણે મતદાન કરીએ…..”મયુર પરમાર ચિત્રલેખા.કોમને કહે છે, “મહેસાણાના જોવાલાયક અને જાહેર સ્થાનો પર મતદાન જાગૃતિના આ ગીતને કેટલાક યુવાનો બાળકો, નાગરિકો તેમજ સિનિયર સિટીઝન સાથે ગાઈ અને કમ્પોઝ કર્યું છે. અમારી ટીમે મહેસાણાના સોશિયલ મીડિયાના પ્રસિદ્ધ ઇન્ફલુઅન્સર કૌશિકભાઈ પટેલ સાથે રહી ગીતને તૈયાર કર્યુ છે. હું એમ.કોમનો વિદ્યાર્થી છું. સિંગર પણ છું ઘણા ગીતો મારા પોતાના સ્ટુડિયોમાં તૈયાર કર્યા છે. ચૂંટણીમાં મતદાનની જાગૃતિના ગીતને તૈયાર કરવા માટે કોલેજના પ્રોફેસરોએ મને સપોર્ટ કર્યો છે. તેમણે કહ્યું કે તારામાં ટેલેન્ટ છે તો ચૂંટણી પંચની આ સ્પર્ધામાં ભાગ લેવા જ જોઈએ.” મતદાન જાગૃતિના આ ગીતે ધૂમ મચાવી મયુરને પહેલો નંબર અપાવ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યના 10 સોશિયલ મીડિયા ઇન્ફ્લુન્સરમાંથી મહેસાણા જિલ્લા માટે મતદાન જાગૃતિ અભિયાન માટે પસંદ કરાયેલું ગીત મયુર પરમારનું છે. સમગ્ર જિલ્લા અને મહેસાણા શહેરમાં મતદાન જાગૃતિના અભિયાન માટે પસંદ કરાયેલ નેશનલ વોટર્સ ડે ૨૫મી જાન્યુઆરી ૨૦૨૪ના દિવસે મતદાન જાગૃતિ પ્રવૃત્તિ માટે સિંગર મયુરને જિલ્લા વહીવટી અને ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી, કલેક્ટર એમ.નાગરાજનની ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશના વરદ હસ્તે મતદાન જાગૃતિ માટે પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતાં. વધુમાં ગાયક મયુર પરમાર કહે છે, “ આપણે છીએ લોકશાહીના હકદાર ..આપણે છીએ એક દેશનો અવાજ…. થોડો સમય આપી તમે કરો મતદાન ત્યારે થશે આપણો દેશ બલવાન… લોભ કે લાલચમાં ન અટવાઓ…. નિષ્પક્ષ મતદાન કરવા હરખાવો…. સંજોગો કપરા ભલે હોય કરશું મતદાન અચૂક તોય…… ચાલો આપણે સંકલ્પ લઈએ ચાલો આપણે મતદાન કરીએ.” મારા આ શબ્દો થકી યુવાઓ, પ્રથમવાર મતદાન કરનારા મતદાતાઓ તેમજ નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને અચૂક મતદાન કરે એવા આશયથી અમે આ ગીત બનાવી રહ્યા છીએ તેમજ મહેસાણાના વિવિધ સ્થળો પર તેનું શૂટિંગ કરીને સ્થાનિક પબ્લિકને અમારી સાથે સહભાગી પણ બનાવી રહ્યા છીએ. છેલ્લી બે ચૂંટણીથી અમે જિલ્લામાં જાહેર સ્થળોમાં અને સોશિયલ મીડિયાના youtube , insta અને facebook આ ત્રણ માધ્યમ દ્વારા અમે મતદાન જનજાગૃતિના કાર્યક્રમો કરી રહ્યા છીએ. અમને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.”સોશિયલ મીડિયાના ચૂંટણી માટે પસંદ કરાયેલા મીડિયા ઇન્ફ્લુઅન્સર કૌશિકભાઇ પટેલ કહે છે, “આજનું યુથ જ નહીં પણ મોટાભાગના લોકો સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ છે અને મતદાન જનજાગૃતિ માટે આ પણ એક લોકપ્રિય પ્લેટફોર્મ છે. જેના દ્વારા વધારેમાં-વધારે મતદાન કરાવી શકાય અને લોકોમાં જનજાગૃતિ આવે એ માટે અમારી પસંદગી થઈ છે. ત્યારે અમે સૌને કહીએ છીએ કે, ચોક્કસ મતદાન કરીએ. ભેદભાવથી પર રહીને મતદાન કરીએ.” નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કહે છે યંગ જનરેશન અને સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ લોકોને વધારે મતદાન કરવા પ્રેરિત કરવા માટે આ એક સરસ માધ્યમ છે. જેના દ્વારા અમે જિલ્લાના નાગરિકો વધારેમાં વધારે મતદાન કરવા પ્રેરાય એવા પ્રયત્નો કરી રહ્યા છે.ભારત ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત દેશના નાગરિકો વધારેમાં વધારે મતદાન કરે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જન સંપર્ક અને જાગૃતિના પ્રયત્નો થઈ રહ્યા છે. જે પૈકી સોશિયલ મીડિયાના ઉપયોગથી પણ જનજાગૃતિનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

 

હરણી દુર્ઘટનામાં હાઈકોર્ટનો આદેશ, ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ

જાન્યુઆરી મહિનામાં એક ગોજાનારી દુર્ઘટના થઈ હતી. વડોદરામાં હરણી તળાવમાં એક સાથી 12 બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. જે બાદ હાઈકોર્ટમાં સુઓમોટો સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સામે ડિસિપ્લિનરી પગલાં લેવા માટે અર્બન હાઉસિંગના સેક્રેટરીને આદેશ કર્યો છે. આ તપાસ IAS નિયમોના પરિપ્રેક્ષ્યમાં થશે. આ ઉપરાંત હાઇકોર્ટે સવાલ કર્યો કે કોન્ટ્રાકટર પાસે લાયકાત ના હોવા છતાં પહેલી વખત કોન્ટ્રેક્ટ નહોતો અપાયો તો બીજી વખત ફક્ત બે મહિનામાં લાયકાત કેવી રીતે આવી ગઈ?

આ અંગે પીડિત પક્ષના વકીલ ઉત્કર્ષ દવે જણાવ્યું, હાઇકોર્ટમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનરનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામાંથી હાઇકોર્ટ નાખુશ છે. વકીલ ઉત્કર્ષ દવેએ આગળ કહ્યું કે, કોર્ટે એ વસ્તુ ઓર્ડરમાં નોંધી છે કે પહેલીવાર કોન્ટ્રેક્ટ રિજેક્ટ કરવામાં આવ્યો ત્યારે તેની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી શૂન્ય હતી, પણ બે મહિનામાં એવું તો ક્યું વાદળ પડી ગયું કે આની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એટલી તો વધી ગઈ કે તેને કોન્ટ્રેક્ટ આપી દેવામાં આવ્યો. આ ઉપરાંત કોર્ટે ટકોર કરી કે આ સંપૂર્ણ બાબત માટે એ વખતના મ્યુનિસિપલ કમિશનર જવાબદાર છે. તેમજ કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. એની સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર સામે ડિસિપ્લિનરી પગલાં લેવા આદેશ કર્યો છે.

શું હતો સમગ્ર મામલો

તારીખ 18 જાન્યુઆરી 2024ના રોજ બનેલી વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં વાઘોડિયા રોડ ઉપર આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના હોડી સહેલગાહ દરમિયાન હોડી પલટી મારી જવાથી મોત નીપજ્યાં હતાં. 14 લોકોનો ભોગ લેનાર આ દુર્ઘટનાથી રાજ્યમાં શોકનો માહોલ છવાય ગયો હતો. સાથે જ આ દુર્ઘટનાના જવાબદાર લોકોને પકડવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું હતું. આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક પછી એક 18 જેટલા આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી આપ્યા છે. તો બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ હોડી દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી અને જવાબદાર મનાતા 6 અધિકારીઓને શોકોઝ નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં 7 દિવસમાં ખુલાસો કરવા માટે જણાવ્યું હતું.

અમદાવાદ (પૂર્વ): આર-પારની લડાઈ

અમદાવાદ: અમદાવાદ પશ્ચિમથી એકદમ અલગ પ્રકારની બેઠક એટલે અમદાવાદ-પૂર્વ. આ લોકસભા બેઠકમાં મોટાભાગે ગ્રામ્ય વિસ્તારો તેમજ અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે. અહીં દેશના અનેક રાજ્યોમાંથી આવેલા લોકો વસવાટ કરે છે. આ બેઠકમાં ઉત્તર ભારતીયો તેમજ સૌરાષ્ટ્ર તથા ડાયમંડના વેપારીઓનો બહોળો વર્ગ વસવાટ કરે છે. એક જમાનામાં અહીં કાપડની મિલો ધમધમતી હતી. અમદાવાદ પૂર્વ બેઠક પર ઠાકોર-પાટીદાર મતદારોની સંખ્યા વધારે છે. આ ઉપરાંત ક્ષત્રીય મતદારોની સંખ્યા પણ સવિશેષ છે.

ઉમેદવાર

ભાજપ: હસમુખ પટેલ

હસમુખ પટેલ અમરાઇવાડીથી 2 વાર ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. 11-11-1960 ના રોજ જન્મેલા હસમુખ કડવા પટેલ સમાજમાંથી આવે છે. તેઓ AMCમાં બે ટર્મ કોર્પોરેટર પણ રહ્યા છે. એસ્ટેટ કમિટી અને વોટર સપ્લાય કમિટી ચેરમેન તરીકે કાર્યરત હતા. છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં ફરજ બજાવે છે. આ પહેલા બે વખત તેઓ સાંસદ રહી ચૂક્યા છે.

કોંગ્રેસ: હિંમતસિંહ પટેલ

હિંમતસિંહ પોતે અમદાવાદમાં રખિયાલમાં રહે છે. તેમણે SSC(ધોરણ-10) સુધીનો અભ્યાસ કરેલો છે. વ્યવસાયે બિઝનેસમેન છે. હાલમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ છે. તેમણે યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવેલી છે. હિંમતસિંહ ચાર ટર્મ કોર્પોરેટર તરીકે અમદાવાદ મહાનગરપાલિકામાં ચૂંટાઈ આવ્યા હતા. તેઓ અમદાવાદ શહેરના મેયર પણ રહી ચૂક્યા છે. તેઓ ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલના વાઈસ ચેરમેન પણ રહી ચૂક્યા છે. બાપુનગરના ધારાસભ્ય તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે.

PROFILE

  • અમદાવાદ (પૂર્વ) લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, દહેગામ અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાનો સમાવેશ થાય છે.
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 2,79,919 વોટની લીડથી જીત્યા હતા.
  • મતદારોની સંખ્યા

કુલ મતદારો    20,10,350

પુરુષ મતદાર   10,52,968

સ્ત્રી મતદાર     9,57,269

  • વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક પક્ષ વિજેતા વોટ લીડ
વટવા ભાજપ બાબુસિંહ જાદવ 1,51,710 1,00,046
નિકોલ ભાજપ જગદીશ વિશ્વકર્મા 93,714 55,198
નરોડા ભાજપ પાયલ કુકરાણી 1,12,767 83,513
ઠક્કરબાપાનગર ભાજપ કંચનબેન રાદડિયા 89,409 63,799
બાપુનગર ભાજપ દિનેશસિંહ કુશવાહા 59,465 12,070
દહેગામ ભાજપ બલરાજસિંહ ચૌહાણ 75,133 16,173
ગાંધીનગર(દક્ષિણ) ભાજપ અલ્પેશ ઠાકોર 1,34,051 43,064

વિશેષતા

  • 1951થી 1984 સુધી અમદાવાદ બેઠક પર કોંગ્રેસનું એકહથ્થું શાસન હતું.
  • 1989માં ભાજપમાંથી હરિન પાઠક પ્રથમ વખત આ બેઠક પર બિનકોંગ્રેસી ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ સતત 7 ટર્મ સુધી તેઓ ચૂંટાયા હતા. જેમાંથી સાતમી ટર્મ તેઓ નવા સીમાંકનમાં આવેલી અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાયા હતા.
  • આ બેઠક પર ઠાકોર-પાટીદાર મતદારોની સંખ્યા વધારે છે. ઉપરાંત ઉત્તર ભારતીયોનું વર્ચસ્વ પણ જોવા મળે છે.
  • અમદાવાદ પૂર્વ બેઠક પર 22 ટકા સવર્ણ મતદારો છે જ્યારે 20 ટકા દલિત મતદારો નોંધાયેલા છે. આ સિવાય 15 ટકા પરપ્રાંતીય મતદારો પણ મહત્વનો ભાગ ભજવે છે.