અમદાવાદ (પૂર્વ): આર-પારની લડાઈ

અમદાવાદ: અમદાવાદ પશ્ચિમથી એકદમ અલગ પ્રકારની બેઠક એટલે અમદાવાદ-પૂર્વ. આ લોકસભા બેઠકમાં મોટાભાગે ગ્રામ્ય વિસ્તારો તેમજ અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે. અહીં દેશના અનેક રાજ્યોમાંથી આવેલા લોકો વસવાટ કરે છે. આ બેઠકમાં ઉત્તર ભારતીયો તેમજ સૌરાષ્ટ્ર તથા ડાયમંડના વેપારીઓનો બહોળો વર્ગ વસવાટ કરે છે. એક જમાનામાં અહીં કાપડની મિલો ધમધમતી હતી. અમદાવાદ પૂર્વ બેઠક પર ઠાકોર-પાટીદાર મતદારોની સંખ્યા વધારે છે. આ ઉપરાંત ક્ષત્રીય મતદારોની સંખ્યા પણ સવિશેષ છે.

ઉમેદવાર

ભાજપ: હસમુખ પટેલ

હસમુખ પટેલ અમરાઇવાડીથી 2 વાર ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. 11-11-1960 ના રોજ જન્મેલા હસમુખ કડવા પટેલ સમાજમાંથી આવે છે. તેઓ AMCમાં બે ટર્મ કોર્પોરેટર પણ રહ્યા છે. એસ્ટેટ કમિટી અને વોટર સપ્લાય કમિટી ચેરમેન તરીકે કાર્યરત હતા. છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં ફરજ બજાવે છે. આ પહેલા બે વખત તેઓ સાંસદ રહી ચૂક્યા છે.

કોંગ્રેસ: હિંમતસિંહ પટેલ

હિંમતસિંહ પોતે અમદાવાદમાં રખિયાલમાં રહે છે. તેમણે SSC(ધોરણ-10) સુધીનો અભ્યાસ કરેલો છે. વ્યવસાયે બિઝનેસમેન છે. હાલમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ છે. તેમણે યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવેલી છે. હિંમતસિંહ ચાર ટર્મ કોર્પોરેટર તરીકે અમદાવાદ મહાનગરપાલિકામાં ચૂંટાઈ આવ્યા હતા. તેઓ અમદાવાદ શહેરના મેયર પણ રહી ચૂક્યા છે. તેઓ ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલના વાઈસ ચેરમેન પણ રહી ચૂક્યા છે. બાપુનગરના ધારાસભ્ય તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે.

PROFILE

  • અમદાવાદ (પૂર્વ) લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, દહેગામ અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાનો સમાવેશ થાય છે.
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 2,79,919 વોટની લીડથી જીત્યા હતા.
  • મતદારોની સંખ્યા

કુલ મતદારો    20,10,350

પુરુષ મતદાર   10,52,968

સ્ત્રી મતદાર     9,57,269

  • વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક પક્ષ વિજેતા વોટ લીડ
વટવા ભાજપ બાબુસિંહ જાદવ 1,51,710 1,00,046
નિકોલ ભાજપ જગદીશ વિશ્વકર્મા 93,714 55,198
નરોડા ભાજપ પાયલ કુકરાણી 1,12,767 83,513
ઠક્કરબાપાનગર ભાજપ કંચનબેન રાદડિયા 89,409 63,799
બાપુનગર ભાજપ દિનેશસિંહ કુશવાહા 59,465 12,070
દહેગામ ભાજપ બલરાજસિંહ ચૌહાણ 75,133 16,173
ગાંધીનગર(દક્ષિણ) ભાજપ અલ્પેશ ઠાકોર 1,34,051 43,064

વિશેષતા

  • 1951થી 1984 સુધી અમદાવાદ બેઠક પર કોંગ્રેસનું એકહથ્થું શાસન હતું.
  • 1989માં ભાજપમાંથી હરિન પાઠક પ્રથમ વખત આ બેઠક પર બિનકોંગ્રેસી ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ સતત 7 ટર્મ સુધી તેઓ ચૂંટાયા હતા. જેમાંથી સાતમી ટર્મ તેઓ નવા સીમાંકનમાં આવેલી અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાયા હતા.
  • આ બેઠક પર ઠાકોર-પાટીદાર મતદારોની સંખ્યા વધારે છે. ઉપરાંત ઉત્તર ભારતીયોનું વર્ચસ્વ પણ જોવા મળે છે.
  • અમદાવાદ પૂર્વ બેઠક પર 22 ટકા સવર્ણ મતદારો છે જ્યારે 20 ટકા દલિત મતદારો નોંધાયેલા છે. આ સિવાય 15 ટકા પરપ્રાંતીય મતદારો પણ મહત્વનો ભાગ ભજવે છે.