અમદાવાદ: ગીતાર્થ ગંગા ધાર્મિક સંશોધન સંસ્થા દ્વારા 19મી મેના રોજ આર્ય યુગકોષ એન્સાઈક્લોપિડીયાનું અનાવરણ કરવામાં આવશે. આ સંસ્થાએ અત્યાર સુધીમાં 290થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા છે. આ પ્રસંગને સંસ્થા દ્વારા પ્રાચીન દ્રષ્ટાઓના બૌદ્ધિક ઊંડાણ, વિદ્ધત્તાપૂર્ણ સમર્પણ અને કાલાતીત જ્ઞાનના ઉત્સવ તરીકે ઉજવવામાં આવશે.
આર્ય યુગકોષ એ જૈન શાસ્ત્રો અને અન્ય ધર્મોના ઝીણવટપૂર્વકનો વ્યાપક અને વિશાળ જ્ઞાનકોષ છે. જે મુનિ મોહજિત વિજયજી અને જૈનાચાર્ય યુગભૂષણસુરિજીની પહેલ છે. જેને ખાસ ટીમ દ્વારા ત્રણ દાયકાથી વધુ સમયમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ જ્ઞાન કોષમાં ચાર મુખ્ય વિષયો અને 159 પેટા વિષયો શાસ્ત્રના અધિકૃત અવતરણો સાથે દર્શાવ્યા છે. આ દરેક સંદર્ભો આઠ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે.
- व्युत्पत्तिअर्थ – વ્યુત્પર્ત્ત
- व्याख्या – વ્યાખ્યા
- सान्वर्थलक्षण – ર્વહુંગાવલોકન
- लक्षण – લક્ષણ
- लक्षण (चिह्न) – પ્રતીકાત્મક લક્ષણ
- पर्यायवाची – સમાનાર્થી
- विकल्पवाची – અવેજી
- स्वरूप – સામાન્ય રૂપરેખા
આગામી દસ વર્ષમા સંસ્થા મુખ્ય 108 વિષય અને 15000 પેટા વિષયોને સમાવીને સમાન રૂપરેખા સાથે આવા 30 જેટલા ગ્રંથો પ્રકાશિત કરવાનું આયોજન ધરાવે છે. સંસ્થા પાસે વિવિધ વિષયોના 20,000થી વધુ ચાર્ટ્સ, 5500થી વધુ ટ્રી વગેરે પણ છે. આ ગ્રંથમાં દરેક વિષય માટે ગુજરાતી અને હિન્દીમાં પરિચય આપવામાં આવ્યો છે. ગીતાર્થ ગંગાનો મૂળ ઉદ્દેશ્ય જૈન શાસ્ત્રોમાં પથરાયેલા મુખ્ય વિષયો અને અધિક પેટા વિષયો બાબતે જેટલા પણ શાસ્ત્ર સંદર્ભો, અન્ય ધાર્મિક સંદર્ભો કે આધુનિક સંદર્ભો હોય તેનું સંકલન કરીને એન્સાઈક્લોપિડીયા તૈયાર કરવાનો છે. જેનો અભ્યાસ કરીને આગામી પેઢીના જૈનાચાર્યો ગહન જાણકાર બની શકે.
ભારતના પૂર્વ NSA અને વર્તમાન VIFના ડિરેક્ટર ડૉ. અરવિંદ ગુપ્તાએ ગીતાર્થ ગંગાની ટીમને અભિનંદન આપતા કહ્યું, “આ પ્રયત્નનો વ્યાપ વિશાળ છે અને તે માત્ર જૈન ધર્મ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ઉપયોગી થશે.”












અરવિંદ કેજરીવાલે કાર્યકરોને વધુમાં કહ્યું કે પંજાબ ચૂંટણીને 10 દિવસ કરતાં ઓછો સમય બાકી છે. ત્યારે તમારે સખત મહેનત કરવી પડશે. તમારે 13માંથી 13 લોકસભા બેઠકો જીતવી પડશે. વધુમાં તેમણે કહ્યું, “મેં તમને લોકોને જેલમાં ખૂબ જ યાદ કર્યા. આજે સાંસદ, ધારાસભ્ય અને કાઉન્સિલર બધા અહીં હાજર છે. જેલમાંથી બહાર આવતાં જ મેં સંદીપ પાઠકને કહ્યું કે હું પંજાબ અને દિલ્હીના મારા લોકોને મળવા માંગુ છું. કોઈ એજન્ડા નથી. બધાને મળવાની ઈચ્છા છે. મને બધાને ગળે લગાડવાનું મન થાય છે. ભગવંત માન સાહેબ મને જેલમાં મળવા આવતા હતા. તે કહેતો હતા કે બધા મને યાદ કરે છે.” પંજાબની તમામ 13 બેઠકો પર 25મી મેના રોજ મતદાન થવાનું છે.



ઉનાળાનું વેકેશન, કાળઝાળ ગરમીની આ ઋતુમાં ગુજરાતમાંથી અસંખ્ય પ્રવાસીઓ, શ્રધાળુઓનો ઉત્તરાખંડ ચારધામ તરફ ધસારો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. એકલા ગુજરાતમાંથી અસંખ્ય ટુર્સ અને ટ્રાવેલ્સ કંપનીઓ ચારધામનો પ્રવાસ કરાવી રહી છે. બીજી તરફ પોતાની રીતે ગૃપ બનાવી જતાં લોકો ખાનગી વાહનો કરીને એડવેન્ચરની મજા લેવા માટે પણ ચારધામ પહોંચી રહ્યા છે. હાલમાં એવી પરિસ્થિતિ છે કે ઉત્તરાખંડ સરકારે સમયાંતરે પ્રવાસીઓ માટે સૂચના અને સૂચનો જાહેર કરવા પડે છે.
અમદાવાદથી ગૃપ સાથે ચારધામ યાત્રા કરવા નીકળેલા કાજલ રૂપારેલિયાએ ચિત્રલેખા.કોમ સાથે વાત કરે છે. તેમનું કહેવું છે કે, “ઉત્તરાખંડ સરકારે જાહેરાત કરી છે કે જે યાત્રીએ ચારધામ યાત્રા કરવાની હોય એમણે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવીને જ આવવાનું રહેશે. અહીંયા યમુનોત્રી જવા માટે અસંખ્ય વાહનોની ભીડ લાગી છે. હાઇવે એકદમ જામ છે. અમને ચારે તરફ ગુજરાતના યાત્રાળુઓ જ જોવા મળી રહ્યા છે. સામેથી વીસ ગાડીઓ આવે ત્યારે બીજી તરફ ટોકન રજીસ્ટ્રેશન સાથેના દશ વાહનોને જવાની પરવાનગી આપવામાં આવી રહી છે. દુર્ગમ રસ્તાઓ અને પહાડો વચ્ચે યાત્રાળુઓના ભારે ધસારાથી કલાકોના કલાકો સુધી રાહ જોઇને બેસી રહેવું પડે છે.
યમુનોત્રી તરફ જતાં માર્ગમાં કલાકોથી ફસાયેલા યાત્રી ધવલભાઇ ચિત્રલેખા.કોમને કહે છે જો ચારધામની યાત્રા કરવી હોય તો દરેક શ્રધાળુઓએ સમય લઇને જ આવવું. કારણ અહીં એક યાત્રા સ્થળની મુલાકાત લેતા પહેલાં 12 થી 15 કલાક સુધી હાઇવે પર બેસી રહી સમય પસાર કરવો પડે એવી સ્થિતિ સર્જાય છે. ઉત્તરાખંડ પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ યાત્રાળુઓને સમજાવવા માર્ગદર્શન આપવા પ્રયાસ કરે છે. પરંતુ ખાસ કરીને ગુજરાતમાંથી યાત્રાળુઓનો અભુતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડ સરકાર અને સામાજિક સેવાકીય સંસ્થાઓ દ્વારા કેમ્પ ખોલી સુવિધાઓ આપવામાં આવી રહી છે. હાલ અહીં ગરમીનું પ્રમાણ પણ વધારે છે એ સાથે રજીસ્ટ્રેશન ટોકન અને વાહનોની કતારોની પરેશાની પણ ખરી. જેથી આયોજન અને લાંબા સમયની રાહ જોવાનો સમય હોય તો જ ચારધામની યાત્રા થાય.
તાજેતરમાં જ પ્રસિધ્ધ થયેલા આંકડા મુજબ 5 જ દિવસમાં અઢી લાખથી પણ વધારે લોકોએ ચારધામ યાત્રાના દર્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. બીજી તરફ રજીસ્ટ્રેશન વગરના યાત્રાળુઓને પરત મોકલવામાં આવી રહ્યા છે. વાહનો વધતાં અકસ્માતો પણ વધી રહ્યા છે. વાહનની બ્રેક ફેઇલ થતાં પલટી ખાઇ ગયેલા ટ્રેમ્પો ટ્રાવેલરમાં સવાર ગુજરાતના જ 8 જેટલાં યાત્રાળુઓને નાની મોટી ઇજાઓ થઇ હતી. જેમને સહી સલામત અમદાવાદ રવાના કરાયા હતા.