Home Blog Page 1821

લોકસભા ચૂંટણીઃ NDAને 2019ની તુલનાએ વધુ સીટો મળવાની શક્યતા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં NDAની જીતનો અંદાજ છે. વડા પ્રધાન મોદી ત્રીજી વાર કેન્દ્રમાં સરકાર બનાવશે, એમ એન્ટિક સ્ટોક બ્રોકિંગનો રિપોર્ટ કહે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભાજપની આગેવાની હેઠળની NDAની સીટો 370-410થી ઓછી રહેશે, પરંતુ વર્ષ 2019ની તુલનાએ વધુ સીટો NDAને મળશે. 2019ની લોકસભા ચૂંટણીમાં NDAને 353 સીટો મળી જશે.

આ અહેવાલમાં ચાર તબક્કામાં થયેલા મતદાનમાં ઓછા મતદાનને પગલે NDAને નુકસાનની આશંકાને ફગાવવામાં આવી છે. ચાર તબક્કામાં અત્યાર સુધી મતદાનમાં લોકસભાની ચૂંટણીમાં મતદારો આશરે 70 ટકા મતદાન કરી ચૂક્યા છે. જો 2019ની સરખામણીએ આ વખતે મતદાન ટકાવારી ઓછી છે. 2019માં 68.9 ટકા મતદાનના મુકાબલે આ વખતે એ 66.5 ટકા રહ્યું છે.

બ્રોકરેજ કંપનીએ રિપોર્ટમાં કહ્યું છે કે આ વખતે NDAનો દેખાવ 2019ની સ્થિતિ સારો રહેશે. અહેવાલ મુજબ ભાજપની મત બેન્કનો દાયરો વધ્યો છે. સરકાર તરફથી આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે શરૂ કરવામાં આવેલી યોજનાઓની અસર પડી છે. હવે ભાજપની મત બેન્કમાં ઓછી આવકવાળા વર્ગના લોકોનો હિસ્સો ઘણો વધ્યો છે. ગઈ ચૂંટણીમાં મતદાનના વિશ્લેષણથી માલૂમ પડે છે કે આ વખતે ઓછા મતદાનથી કોંગ્રેસને નુકસાન થવાની આશંકા છે.  જે સીટો કોંગ્રેસની પાસે છે, ત્યાં મતદાન વધુ છે.

લોકસભા ચૂંટણીમાં હવે ત્રણ તબક્કામાં મતદાન બચ્યું છે. પાંચમા તબક્કાનું મતદાન આવતી કાલે છે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેએ છે અને સાતમા તબક્કાનું મતદાન પહેલી જૂને થવાનું છે. ચોથી જૂને મત ગણતરી થવાની છે.

 

 

 

 

PM મોદીએ પાકિસ્તાનને લઈને સાધ્યું નિશાન

હરિયાણામાં PM મોદી રેલી માટે આજે અંબાલા અને સોનીપત પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ અંબાલા, કુરુક્ષેત્ર અને કરનાલના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રતનલાલ કટારિયાની પ્રથમ પુણ્યતિથિ પર એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા છે. તેણે પાકિસ્તાન પર પણ પ્રહાર કરતા કહ્યું કે પાકિસ્તાનના હાથમાં ભીખ માંગવાનો કટોરો છે.

પીએમ મોદીએ કહ્યું કે આ અમારી સરકાર છે, જેણે અફઘાનિસ્તાનના યુદ્ધના મેદાનમાંથી ગુરુ ગ્રંથ સાહિબના સંસ્કરણોને સન્માન સાથે ઘરે પાછા લાવ્યા. અમારી સરકારે પોતે સાહિબજાદાઓની યાદમાં ‘વીર બાલ દિવસ’ ઉજવવાનું શરૂ કર્યું છે. દેશનું પહેલું કૌભાંડ ભારતીય સેનામાં જ કોંગ્રેસે કર્યું હતું. કોંગ્રેસ જ્યાં સુધી સત્તામાં હતી ત્યાં સુધી હંમેશા આ ટ્રેક રેકોર્ડ જાળવી રાખ્યો હતો. બોફોર્સ કૌભાંડ, સબમરીન કૌભાંડ, હેલિકોપ્ટર કૌભાંડ… કોંગ્રેસીઓ ભારતીય દળોને નબળા રાખતા હતા જેથી તેઓ વિદેશમાંથી શસ્ત્રો આયાત કરવાના નામે મોટી કમાણી કરી શકે.

આપણા જવાનોને યોગ્ય કપડાં, પગરખાં, બુલેટ પ્રૂફ જેકેટ પણ મળ્યાં નથી. તેમની પાસે સારી રાઈફલ પણ નહોતી. મેં ભારતના દળોને આત્મનિર્ભર બનાવવા માટે એક અભિયાન શરૂ કર્યું. આજે સેનાને મેડ ઈન ઈન્ડિયા હથિયારો મળી રહ્યા છે. એક સમયે અન્ય દેશોમાંથી શસ્ત્રોની આયાત કરતું ભારત હવે અન્ય દેશોને શસ્ત્રો વેચી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, જે પાકિસ્તાન 70 વર્ષથી ભારતને હેરાન કરી રહ્યું હતું અને તેના હાથમાં બોમ્બ છે, તેના હાથમાં આજે ભીખ માંગવાનો કટોરો છે. જ્યારે મજબૂત સરકાર હોય ત્યારે દુશ્મન આ રીતે ધ્રૂજે છે.

બંગાળી મિષ્ટાન્ન મેન્ગો મિષ્ટી દહીં

કેરીની સિઝન છે તો કેરીની વાનગીમાં નિતનવી વેરાયટી મળશે જ! પાકી કેરીવાળું મિષ્ટી દહીં પણ એમાંનું જ એક બંગાળી મિષ્ટાન્ન છે. જે એકવાર બનાવી શકાય !

સામગ્રીઃ

  • પાકી કેરી 2-3 નંગ અથવા 500 ગ્રામ જેટલી
  • સાકર 3 ટે.સ્પૂન
  • દૂધ 1 લિટર
  • દહીં 2 કપ,
  • દહીં મેળવવા માટે માટીનું વાસણ

રીતઃ પાકી કેરીને ધોઈને છોલીને કટકા કરીને તેની પ્યુરી બનાવી લો.  એક કઢાઈમાં આ પ્યુરી લઈ તેમાં સાકર ઉમેરીને ગેસની મધ્યમ આંચે તેને પકવા માટે મૂકો. એક તવેથા વડે એકસરખા પ્યુરીને હલાવતાં રહો. 10-12 મિનિટ બાદ તેમાંથી પાણી સૂકાવા આવે એટલે ગેસ બંધ કરી દો.

દહીંમાંથી પાણી નિતારવા તેને એક ચાળણીમાં મૂકી દો. નીચે એક વાસણ બીજું મૂકી રાખો. જેથી પાણી તેમાં પડે. લગભગ એકાદ કલાક માટે આ રીતે દહીં રહેવા દો.

એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ તેમાં સાકર ઉમેરીને ગેસની મધ્યમ આંચે ગરમ કરવા મૂકો. તેમાં એકાદ ચમચી જેટલું પાણી ઉમેરીને. એક તવેથા વડે સાકર હલાવતાં રહો. ધીમે ધીમે સાકર ઓગળીને કેરેમલ સોસ બની જાય એટલે ગેસની આંચ ધીમી કરીને 1 કપ જેટલું દૂધ ઉમેરીને મેળવો. ધીરે ધીરે બાકીનું દૂધ મેળવીને તવેથા વડે હલાવતા રહો. જેથી તેમાં રહેલું કેરેમલ દૂધમાં એકરસ થઈ જાય. ગેસની આંચ મધ્યમ કરી દેવી. દૂધમાં ઉભરો આવે એટલે એક ઝારો અથવા તવેથો તેમાં ફેરવતા રહો અને કઢાઈની ફરતે જામેલી મલાઈ તવેથા વડે કાઢી લઈને દૂધમાં મેળવતા રહો. આમ 15-20 મિનિટ સુધી દૂધ ગરમ થવા દો. લગભગ 1 લિટરમાંથી 300 ગ્રામ દૂધ ઓછું થાય તેવું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.

દૂધ બહુ ઠંડું નહીં પણ સહેજ હૂંફાળું થાય એટલે મેન્ગો પ્યુરી તેમાં મેળવી દો અને સાથે સાથે પાણી નિતારેલું દહીં પણ મેળવી દો અને એક જેરણીથી 2 મિનિટ સુધી મેળવી લો. આ પ્રવાહી રબડી જેવું ઘટ્ટ થયેલું હશે.

દહીં મેળવવા માટે માટીનું વાસણ 1-2 પાણીએથી ધોઈને સૂકવી લો. તેમાં દહીં મેળવી લો. આ વાસણને સરખું ઢંકાય તે રીતે ઢાંકીને વાસણને ફરતે જાડો રસોઈનો ટુવાલ લપેટી લો. જેથી તેમાં હવા ન જાય. તેને સરખો ગરમાટો મળે અને દહીં સરખું જામે. ગરમીમાં આ દહીં 8 કલાક સુધીમાં જામી જશે. ઠંડીના દિવસોમાં 12-14 કલાક લાગશે.

દહીં જામ્યું છે કે નહીં તે તપાસવા માટે વાસણને થોડું હલાવી જુઓ. જો દહીં ઘટ્ટ જામેલું લાગે તો વાસણ ઉંધું કરી જુઓ. દહીં જામી ગયું હોય તો તેને ફ્રીજમાં 2-3 કલાક માટે રાખો અને ત્યારબાદ ખાવાના ઉપયોગમાં લો.

ગૌતમ ગંભીર બની શકે છે ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની રેસમાં ગંભીરનું નામ સૌથી આગળ છે. તે આ રેસ પણ જીતી શકે છે. કારણ કે, કેટલાક સંકેતો મળ્યા છે જે તેના કોચ બનવા તરફ ઈશારો કરે છે. ટીમ ઈન્ડિયાના આગામી મુખ્ય કોચ કોણ છે? આ પ્રશ્ને વેગ પકડ્યો છે કારણ કે રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 પછી સમાપ્ત થઈ રહ્યો છે. બીસીસીઆઈએ નવા કોચ માટે પણ અરજીઓ મંગાવી છે, જેની છેલ્લી તારીખ 27 મે છે. એવા પણ સમાચાર છે કે ટીમ ઈન્ડિયાના આગામી મુખ્ય કોચનો કાર્યકાળ 1 જુલાઈથી શરૂ થશે. પરંતુ, રાહુલ દ્રવિડનું સ્થાન લેનાર કોચ કોણ હશે? સ્ટીફન ફ્લેમિંગ, રિકી પોન્ટિંગ જેવા અનેક નામોને લઈને આ અંગે અટકળો ચાલી રહી છે. પરંતુ, ગૌતમ ગંભીરનું નામ ચર્ચામાં સૌથી આગળ છે.

ગંભીર વિશે એવા સમાચાર છે કે બીસીસીઆઈએ કોચ બનવા માટે તેનો ખાસ સંપર્ક કર્યો છે. તો શું ભારતીય ક્રિકેટ બોર્ડનો પ્રસ્તાવ સ્વીકારીને ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો આગામી મુખ્ય કોચ બનશે? જવાબ હા હોઈ શકે છે. જો કે આપણે આ વાત સંપૂર્ણ નિશ્ચિતતા સાથે કહી શકતા નથી, પરંતુ ઓછામાં ઓછા અત્યાર સુધી મળેલા બે સંકેતો પરથી એવું લાગે છે.

શું ગંભીર બનશે ટીમ ઈન્ડિયાનો કોચ?

હવે સવાલ એ છે કે તે બે સંકેતો કયા છે, જે સાબિતી આપે છે કે માત્ર ગૌતમ ગંભીર જ ટીમ ઈન્ડિયાના આગામી મુખ્ય કોચ બની શકે છે. આ પ્રથમ સંકેત છે જે નવીનતમ છે. IPL 2024માં ગંભીરના માર્ગદર્શન હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સનું જોરદાર પ્રદર્શન. KKR માત્ર IPL 2024 ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની નથી પરંતુ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને ગ્રુપ સ્ટેજનો અંત પણ કર્યો હતો. સ્વાભાવિક છે કે, ગંભીરના જોડાયા બાદ કોલકાતાની કરિશ્માઈ રમતે પણ BCCIનું ધ્યાન ખેંચ્યું છે.

વધતી ગરમીએ વધાર્યું ACનું વેચાણ!

હાલ રાજ્યમાં ઉનાળો ચાલી રહ્યો છે. થોડા દિવસો બાદ સત્તાવાર ચોમાસું બેસી જવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. પણ ચોમાસા પહેલા ગુજરાતીઓને અંગ દજાવતી ગરમીનો સામનો કરવો પડશે એવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ભારે ગરમી અને રાજ્યમાં વધતા રોગચાળાને લઈ ડોક્ટરો આ સમયે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે. જેને કારણે આ વર્ષે કુલિંગ એપલાયન્સ, મુખ્યત્વે એસીના વેચાણમાં તેજી આવી છે. પેનાસોનિક અને ગોદરેજ એપ્લાયન્સ જેવી કંપનીઓ અનુસાર, એપ્રિલમાં જ ગત વર્ષની તુલનાએ એસીનું વેચાણ અંદાજે 40% વધ્યું છે. સમગ્ર સિઝન દરમિયાન એસીનું વેચાણ 25% વધીને 1.25 કરોડ યુનિટ્સ સુધી પહોંચવાનું અનુમાન છે. 2023માં અંદાજે 1 કરોડ એ.સી.નું વેચાણ થયું હતું.

કન્ઝ્યુમર ઇલેક્ટ્રૉનિક્સ એન્ડ એપ્લાયન્સ મેન્યુફેક્ચર્સ એસોસિએશન અનુસાર આગામી સમયમાં પણ એસીનું વેચાણ 20-35% વધી શકે છે. એપ્રિલમાં જ તેનું વેચાણ 40% વધ્યું હતું. જ્યાં એક અનુમાનનું માનીયે તો દેશમાં એસી માર્કેટ 50 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. નોંધનીય છે કે એસી સહિત અન્ય હોમ એપ્લાયન્સમાં ઉપયોગ થતા એલ્યુમિનિયમ અને કૉપર જેવી મેટલની કિંમત આ વર્ષે વધી છે. તેમ છતાં એસી કંપનીઓના અધિકારીઓના મતે માંગ વધવા છતાં આ સિઝનમાં કિંમત વધશે નહીં.

ગુજરાતી ફિલ્મની કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી

સુરત: ફ્રાન્સના કેન્સ શહેરમાં ચાલી રહેલા 77મા કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે ઇન્ડિયન મોશન પિક્ચર્સ એસોસિએશન દ્વારા સમગ્ર દેશમાંથી અલગ-અલગ ભાષાની 12 ફિલ્મોનું સિલેક્શન કરાયું હતું. જેમાં સુરતના ગાંગાણી મોશન પિક્ચરની ગુજરાતી ફિલ્મ ‘માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ’નું સિલેક્શન થયું છે. આ ફિલ્મના લેખક, દિગ્દર્શક, નિર્માતા જશવંત ગાંગાણી સુરતના છે. ફિલ્મનું શૂટિંગ પણ સુરતમાં જ થયુ છે. કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ 15મી મેથી 25મી મે સુધી ચાલશે. જશવંત ગાંગાણી ચિત્રલેખા.કોમને કહે છે, “આ ઘટના મારી સાથે જ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ગૌરવની વાત છે. આ ફિલ્મનો વિષય જ કેન્સમાં પસંદગીનું મુખ્ય કારણ છે.” શું છે ફિલ્મની સ્ટોરી: આજની બીઝી લાઈફમાં પતિ-પત્નીની વચ્ચે સ્પર્ધા ચાલતી હોય છે કે કોણ વધારે કમાય અને એ કારણે એમના બાળકનું બાળપણ અસ્ત-વ્યસ્ત થઈ જાય છે. બાળકને જ્યારે ખબર પડે છે કે મારા દાદી હતા અને એમના પ્રેમથી વંચિત રહેવાનું કારણ મારા માતા-પિતા છે. એટલે બાળક પોતાના દાદા-દાદીનું શોધમાં નીકળી પડે છે અને પોતાના માતા પિતા પર કેસ કરે છે કે તમારા લીધે હું દાદા-દાદીનો પ્રેમ ન પામી શક્યો.

(અરવિંદ ગોંડલિયા – સુરત)

સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ 2024માં ટોચનું સ્થાન મેળવતો ‘હિંદુજા પરિવાર’

મુંબઈઃ હિંદુજા ગ્રુપના ચેરમેન  ગોપીચંદ હિંદુજાના નેતૃત્વ હેઠળના હિંદુજા પરિવારે 37.196 અબજ પાઉન્ડ સાથે સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ધ સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટમાં યુકેમાં રહેતા ટોચના 1000 લોકો અથવા પરિવારોની નેટવર્થ રેન્કિંગ તૈયાર કરવામાં આવે છે, જે તેમાં સૌથી વધુ ધનવાન લોકોને રજૂ કરે છે. આ પ્રતિષ્ઠિત રેન્કિંગ હિંદુજા ગ્રુપે મેળવેલી બિઝનેસની દુનિયામાં અભૂતપૂર્વ સફળતા અને નોંધપાત્ર સિદ્ધિઓનું પ્રમાણ છે.

ચેરમેન જી. પી. હિંદુજાના નેતૃત્વ હેઠળ યુકે સ્થિત પરિવારની ગ્રુપ ઓફ કંપનીઝ મોબિલિટી, ડિજિટલ ટેક્નોલોજી, બેંકિંગ અને ફાઇનાન્શિયલ સેવાઓ, મીડિયા, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, લુબ્રિકેન્ટ્સ અને સ્પેશિયલ્ટી કેમિકલ્સ, એનર્જી, રિયલ એસ્ટેટ, ટ્રેડિંગ અને હેલ્થકેર જેવાં અનેક ક્ષેત્રોમાં 38 દેશોમાં કામ કરે છે.

હિંદુજા પરિવારના બિઝનેસમાં નોંધપાત્ર સીમાચિહ્નો ઉપરાંત તેઓ હિંદુજા ફાઉન્ડેશન થકી વિવિધ સખાવતી કાર્યોમાં પણ સક્રિય રીતે જોડાયેલાં છે. શિક્ષણ, હેલ્થકેર અને સમુદાયના વિકાસ પર ધ્યાન આપીને ફાઉન્ડેશને અનેક લોકોના જીવન પર હકારાત્મક અસર કરી છે.

બે વર્ષ પૂર્વે વાર્ષિક સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટમાં પ્રવેશનાર બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને તેમનાં પત્ની અક્ષતા મૂર્તિ 2024ની યાદીમાં તેમનું સ્થાન આગળ વધાય્રું છે. ગયા વર્ષે 275મા સ્થાને રહેલા આ દંપતીએ 651 અબજ પાઉન્ડ સાથે 245મું સ્થાન મેળવ્યું છે.

સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ 2024માં સ્થાન મેળવનાર અન્ય ટોચનાં નામોમાં 29.246 અબજ પાઉન્ડ સાથે સર લિયોનાર્ડ બ્લાવાત્નિક, 24.977 અબજ પાઉન્ડ સાથે ડેવિડ એન્ડ સિમોન રુબેન તથા પરિવાર, 23.519 અબજ પાઉન્ડ સાથે સર જિમ રેટક્લિફ, 20.8 અબજ પાઉન્ડ સથે સર જેમ્સ ડાયસન અને પરિવાર, 17.2 અબજ પાઉન્ડ સાથે મર્લિન સ્વિર અને પરિવાર, 14.96 અબજ પાઉન્ડ સાથે એડેન ઓફર અને 14.921 અબજ પાઉન્ડ સાથે લક્ષ્મી મિત્તલ અને પરિવારનો સમાવેશ થાય છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

વડોદરામાં સ્માર્ટ મીટરના ઈન્સ્ટોલેશન પર બ્રેક

વડોદરા: શહેરમાં સ્માર્ટ મીટરના ભારે વિરોધ બાદ આખરે સ્માર્ટ મીટર લગાવવા પર MGVCL એ બ્રેક લગાવી છે. આડેધડ નાણાં કપાતા હોવાના લોકોના વિરોધ બાદ તંત્ર દ્વારા હંગામી નિર્ણય લેવાયો છે. ફરિયાદ કરનારને ત્યાં ચેક મીટર લગાવી હકીકત જાણાવવામાં આવશે. સાથે જ સામેથી કહેનાર સોસાયટી અને કચેરીઓમાં જ સ્માર્ટ મીટર હાલ લગાવાશે. સ્માર્ટ સિટીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. પરંતુ આ પ્રોજેક્ટ સંપૂર્ણ પાર પડે તે પહેલા જ તેનો વિરોધ શરૂ થયો છે. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાનો લોકોનો આક્ષેપ છે. વડોદરામાં 15 હજાર ઘરોમાં લગાવેલા આ સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે અને આ જ કકળાટને કારણે શહેરીજનોએ ઉગ્ર રજૂઆત કરી. મોટી સંખ્યામાં મહિલાઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં જઈને હોબાળો મચાવ્યો. લોકોનો આક્ષેપ છે કે પહેલા જે મીટર હતા તેની સરખામણીએ સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે. એવા પણ આક્ષેપ થયા છે કે, રિચાર્જ કરાવ્યા બાદ પણ બેલેન્સ ઓછું આવે છે. ઘરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડે છે. વડોદરામાં લાગેલા સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ તો વિરોધ કર્યો જ પરંતુ સાથે સાથે હવે વિપક્ષ પણ મેદાનમાં આવી ગયું છે.

મદરેસાના સર્વે વચ્ચે અમદાવાદમાં આચાર્ય પર ટોળાનો હુમલો

અમદાવાદ: શહેરમાં મદરેસાના સર્વેની કામગીરી દરમિયાન હુમલાની ઘટના સામે આવી છે. દરિયાપુરમાં આવેલા સુલતાન મહોલ્લામાં સર્વે કરવા ગયેલા આચાર્ય પર ટોળાએ હુમલો કર્યો હતો. આચાર્ય બાપુનગરની સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયમાં ફરજ બજાવે છે. શિક્ષણ વિભાગના આદેશને પગલે આચાર્ય સર્વે કરવા પહોંચ્યા હતા. આચાર્ય મદરેસા બંધ હોવાથી પુરાવારૂપે ફોટો લઈ રહ્યા હતા એ સમયે ટોળાએ આચાર્ય પર હુમલો કર્યો હતો. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના આદેશથી આજે ગુજરાતના તમામ મદરેસાઓમાં સરવે હાથ ધરવામાં આવ્યો છે. ઘટનાના પગલે અમદાવાદ શહેર DEO અને અન્ય આચાર્ય દરિયાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ગુજરાત રાજ્યમાં અનેક મદરેસા ચાલે છે. જેમાંથી અનેકનું મેપિંગ થઈ ચૂક્યું છે, જ્યારે કેટલીક મદરેસાનું મેપિંગ થયું નથી. આથી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવને સમન્સ પાઠવ્યો છે. એમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને સર્વે કરવા સૂચના આપવામાં આવી છે. એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મદરેસામાં અભ્યાસ કરતાં બાળકોએ સામાન્ય શિક્ષણ લેવું આવશ્યક છે, આથી મદરેસામાં અભ્યાસ કરતાં બાળકો સામાન્ય શિક્ષણ લે છે કે નહીં એનો સરવે કરવા સૂચન કરવામાં આવ્યું છે, જેથી આજથી તમામ મદરેસામાં શિક્ષણ વિભાગ દ્વારા સરવે હાથ ધરવામાં આવ્યો છે. એમાં શિક્ષકોનો કેટલો પગાર, સ્ટુડન્ટ્સ અન્ય સ્કૂલોમાં ભણે છે કે કેમ, બાળકોની ઉંમર સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ અંગેનો રિપોર્ટ તૈયાર કરી શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલ.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે ધાર્મિક શિક્ષણની સાથે બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવું એ અંગે રાજ્ય સરકાર ચિંતિત છે.રાજ્યમાં અંદાજે 1200 મદરેસા છે, જ્યારે અમદાવાદ શહેરમાં 175 અને ગ્રામ્યમાં 30 મદરેસા છે. તમામ મદરેસામાં જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા તપાસ કરાશે. તપાસ બાદ અધિકારીઓ ઓનલાઈન રિપોર્ટ ફાઇલ કરશે.

સ્પેશિયલ સેશનમાં સેન્સેક્સ 74,000, નિફ્ટી 22,500ની પાર

અમદાવાદઃ શનિવારે શેરબજારોમાં સ્પેશિયલ સેશન યોજવામાં આવ્યું હતું. બે અલગ-અલગ સેશનમાં થયેલાં કામકાજમાં બજારમાં તેજી થઈ હતી. બંને સેશનને અંતે નિફ્ટી 36 પોઇન્ટની તેજી સાથે 22,502ના સ્તરે અને સેન્સેક્સ 89 પોઇન્ટની તેજી સાથે 74,006ના સ્તરે બંધ થયો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.14 લાખ કરોડનો વધારો થયો હતો.

BSE અને NSE 18 મેએ પહેલું સ્પેશિયલ લાઇવ ટ્રેડિંગ સવારે 9.15 કલાકથી 10 કલાક સુધી અને બીજું સ્પેશિયલ સેશન સવારે 11.30 કલાકથી 12.30 કલાક સુધી આયોજિત થયું હતું.

સવારના પહેલા સેશનના પ્રારંભે રોકાણકારોની શેરોમાં લેવાલીથી સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી થઈ હતી. સેન્સેક્સ 158 પોઇન્ટ વધીને 74,075.04એ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 53.75 પેઇન્ટ વધીને 22,519.85એ પહોંચ્યો હતો. જોકે ઊંચા મથાળેથી પ્રોફિટ બુકિંગ આવતાં સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા હતા.

બીજા સેશનમાં પણ શેરોમાં તેજી જારી રહી હતી. બીજા સેશનમાં સેન્સેક્સ 68.17 પોઇન્ટ વધ્યો હતો અને નિફ્ટી 50 ઇન્ડેક્સ 28.20 પોઇન્ટ વધ્યો હતો. જોકે ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 88.91 પોઇન્ટ વધીને 74,005.94 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 35.90 પોઇન્ટ વધીને 22,502ની સપાટીએ બંધ થયો હતો.  નિફ્ટી 22,500ના સ્તરની ઉપર બીજી મે પછી સૌપ્રથમ વાર બંધ થયો હતો, જ્યારે આ સપ્તાહે શેરોમાં બે ટકાની તેજી જોવા મળી હતી.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)ની ખરીદીથી સતત ત્રીજા દિવસે તેજી થઈ હતી. FII કેટલાય દિવસની વેચવાલી પછી શુક્રવારે પસંદગીની જાતોમાં લેવાલી કાઢી હતી. FIIએ શુક્રવારે રૂ. 1616.79 કરોડની ખરીદી કરી હતી.