Home Blog Page 1716

ચારધામ યાત્રા : 24.60 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા

ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા શરૂ થયાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. અત્યાર સુધીમાં 24.60 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચારધામના દર્શન કરી ચુક્યા છે. ઉત્તરાખંડ સરકાર યાત્રાળુઓને દરેક સંભવ સુવિધા આપવાના પ્રયાસો કરી રહી છે. યાત્રાળુઓના સ્વાસ્થ્ય પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. યાત્રાના રૂટ પર યાત્રીઓ માટે પીવાના પાણીની પૂરતી સુવિધા અને રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

તમામ ધામોના દર્શન કરવા માટે યાત્રિકો માટે કોઈપણ પ્રકારની સુવિધા નથી. ચોમાસાની ઋતુ દરમિયાન યાત્રાળુઓને શક્ય તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને તમામ સમસ્યાઓના નિરાકરણ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને પ્રવાસન વિભાગે એકબીજા સાથે સંકલન કરી તમામ જિલ્લાઓને એસઓપી મોકલી આપી છે. પર્યટન સચિવ સચિન કુર્વેએ જણાવ્યું કે ચારધામ યાત્રા 10 મેથી શરૂ થઈ છે. અત્યાર સુધીમાં ચારેય ધામો અને હેમકુંડ સાહેબ સહિત 24.60 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે, ભીડ સામાન્ય છે. ચોમાસાની ઋતુમાં યાત્રિકોને શક્ય તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે તમામ જિલ્લાઓને એસઓપી મોકલવામાં આવી છે.

આ પહેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચારધામ યાત્રા માટે આવનારા તીર્થયાત્રીઓની દૈનિક મર્યાદાને નાબૂદ કરવાની સૂચના આપી હતી. સીએમ ધામીએ કહ્યું હતું કે ચાર ધામોમાં ભીડ સામાન્ય થયા બાદ મુખ્યમંત્રી ધામીની સૂચના મુજબ જનહિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચારધામ યાત્રાને લઈને મુખ્યમંત્રી ધામીએ અધિકારીઓને કેટલાક નવા રૂટની ઓળખ કરવા અને જૂના રૂટ પહોળા કરવા સૂચના આપી છે.

સીએમ ધામીએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેમની પ્રાથમિકતા એ છે કે ચારધામ યાત્રા ખૂબ જ વ્યવસ્થિત રીતે ચાલે, આવનારા લોકો સારો સંદેશ અને સારો અનુભવ લે. તમને જણાવી દઈએ કે ચારધામ યાત્રા શરૂ થતાની સાથે જ ભક્તોની ભારે ભીડ હતી, આ ભીડની સંખ્યાને મર્યાદિત કરવા સિવાય સીએમ ધામીએ હરિદ્વાર અને ઋષિકેશમાં 31 મે સુધી ઑફલાઇન રજિસ્ટ્રેશન બંધ રાખવાની સૂચના આપી હતી. સીએમ ધામીની ગાઈડલાઈન બાદ સિસ્ટમ પાછી ફરી હતી.

 

આ છે અમદાવાદનો સર્વપ્રથમ પુલ…

અંગ્રેજોએ વર્ષો સુધી ભારત પર રાજ કર્યુ. બ્રિટિશ સલ્તનતના એ સમયગાળામાં અંગ્રેજોએ દેશના શહેરોમાં કેટલીક બેનમૂન ઇમારતો, બ્રીજ, ટ્રાન્સપોર્ટેશન માટેની સગવડોની વિકસાવી એમાંથી ઘણીખરી આજેપણ અકબંધ છે, એટલું જ નહીં હાલમાં કાર્યરત પણ છે.

એમાંનો એક છે અમદાવાદ શહેરની ઓળખસમો એલિસબ્રીજ. શહેરને મધ્યમાંથી ચીરતી સાબરમતી નદી પર બંધાયેલો સૌ પ્રથમ પુલ એટલે એલિસબ્રીજ. વર્ષ 1892માં બાંધવામાં આવેલો મૂળ લાકડાનો આ પુલ અમદાવાદીઓમાં લક્કડીયા બ્રીજ તરીકે જ ઓળખાતો. યુનિક કમાનોવાળી ડિઝાઇન ધરાવતા આ બ્રીજને  સાબરમતીના નીરે, એ નીરના પૂરે ઘણીવાર ઘાયલ કર્યો, પણ આ બ્રીજ એની જગ્યાઓ અડીખમ રહીને શહેરની આન-બાન-શાન બની રહ્યો. 1997માં આ બ્રીજ બન્ને તરફ પહોળો કરવામાં આવ્યો અને એને ‘સ્વામી વિવેકાનંદ બ્રીજ’ એવું નવું નામ-ઓળખ મળી.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ હેરિટેજ સિટીનું મહત્વ ધરાવતા અમદાવાદનો આ ભવ્ય વારસો છે, જે એક સદી કરતાં પણ જૂની ઓળખ ધરાવે છે. ફિલ્મો, દસ્તાવેજી ચિત્રોમાં જ્યારે અમદાવાદ શહેરના દર્શન થાય ત્યારે સુંદર ડિઝાઇનવાળો એલિસબ્રીજ અવશ્ય દેખાય. એ વાત જૂદી છે કે, મૂળ લક્કડીયા પુલ તરીકે ઓળખાતો ઓરિજિનલ પુલ, એના માવજત પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા પછી પણ, આજે બંધ હાલતમાં છે. એની બન્ને તરફ તાળાં લાગેલા છે, પણ એની ઓળખને કોઇ તાળું મારી શકે એમ નથી!

(પ્રજ્ઞેશ વ્યાસ)

સ્કૂલ વર્ધી એસોસિએશનની હડતાલનો સુખદ અંત

સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોની હડલાતનો આજે બીજો દિવસ હતો. જ્યારે તમામ સ્કૂલના લગભહ 8 લાખથી વધું સ્કૂલ વર્ધી ચાલકો તંત્ર પાસેથી નિયમોમાં છૂટછાટની માંગણી સાથે અનિશ્ચિત મુદ્દત સુધી હડતાલ પર ઉતર્યા હતા. ત્યારે સ્કૂલ વર્ધી ચાલકોની હડતાલને લઈ બે દિવસ વાલીઓની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જેથી સરકાર અને સ્કૂલ વર્ધી એસોસિયેશન વાતચીત કરીને આ અંગે સમાધાન કરી હડતાલ સમેટે તો વાલીઓને રાહત મળશે. આ અંગે અમદાવાદ RTO કચેરીમાં સ્કૂલ વર્ધી એસોસિયેશનની બેઠક મળી હતી અને બેઠકમાં સ્કૂલ વર્ધી એસોસિયેશનના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

એસોસિયેશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ, વાહન પાસિંગ અને પરમિશન માટે 3 મહિનાની મુદત માંગી છે. RTO અને વર્ધી એસોસિયેશન વચ્ચે ચર્ચા થઈ હતી ત્યારે ચર્ચાના અંતે હડતાલ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકનો સુખદ અંત આવ્યો, RTO જે.જે પટેલ સાથેની બેઠક બાદ હડતાલ સમેટવામાં આવી છે. મળતી માહિતી અનુસાર બેઠકમાં બાળકોની સલામતી સાથે બાંધછોડ ન નિર્ણય કરવામાં આવ્યો. આ સાથે જે  ડ્રાઈવરોને 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જ્યારે RTO દ્વારા રોજની 200 થી 250 ગાડીઓનું રજિસ્ટ્રેશન થશે. વાહનો અંગેના 2019થી ચાલતા નિયમ જારી જ રહેશે, મંજૂરી વગરની ગાડીમાં ઘટના બને તો વાહનચાલક જવાબદાર રહેશે.

શું હતો મામલો?

આરટીઓ અને ટ્રાફિક પોલીસની સ્કૂલવાન અને રિક્ષામાં ફિટનેસ સર્ટિફિકેટ, વાહન પાસિંગ, પરમિશન સહિતના મુદ્દે ડ્રાઈવ કરવાની જાહેરાતને લઈને સ્કૂલ વર્ધી એસોસિયેશન દ્વારા ગઈકાલથી અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરવામાં આવી હતી. હડતાલ જાહેર થતાં અમદાવાદમાં તમામ સ્કૂલોમાં બાળકોને લેવા મૂકવા આવતી સ્કૂલવાન અને રિક્ષા બંધ થઈ છે.

રોંગ સાઇડ વાહન ચલાવતા પકડાયા તો થશો જેલભેગા

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યમાં અનેક લોકો ફરીને જવાની આળસને કારણે રોંગ સાઇડમાંથી વાહન ચલાવતા હોય છે. લોકો નિશ્ચિત જગ્યાએ જવા માટે વારંવાર શોર્ટકટ લેતા હોય છે, જેથી ટ્રાફિકમાં આ રોંગ સાઇડ જતા લોકોને કારણે ક્યારેક અકસ્માત થાય છે અથવા તો ટ્રાફિકમાં સમસ્યા સર્જાય છે.

જોકે હવે આવા રોંગ સાઇડ જનારા લોકોની ખેર નથી. હવે પોલીસ કડક પગલાં ભરવા માટે તૈયાર છે, હવે રોંગ સાઇડમાં કોઈ વ્યક્તિ પણ પકડાશે તો તો ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત કે કેન્સલ થવાથી લઈ પોલીસ ફરિયાદ તથા ધરપકડ પણ થઈ શકે છે. હાલમાં જ પોલીસે લક્ઝરી બસના ડ્રાઇવરને રોંગ સાઇડમાં આવતા પકડી પાડ્યો હતો અને બાદમાં તેની સામે કડક પગલાં ભર્યાં હતાં.

SG હાઇવે પર રોંગ સાઇડમાંથી હાલમાં ડ્રાઇવર બસ ચલાવતો હતો. પોલીસે તેને જેલ ભેગો કરી દીધો હતો. તેના આવા કૃત્યને લીધે હવે આ વ્યક્તિ પોતાનું ડ્રાઇવિંગ લાઈસન્સ પણ ગુમાવી દે એવી શક્યતા છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે હવે આગામી સમયમાં અમે રોંગ સાઇડમાં વાહન ચલાવતા ડ્રાઇવર કે વાહનચાલકો સામે મોટાં પગલાં ભરવાના છીએ. તેમને કડકમાં કડક સજા થાય અને આનાથી અકસ્માતનું જોખમ ટળી જાય એની ખાતરી અમે કરી રહ્યા છીએ.

તેમણે X પર એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે આ બસને ડિટેન કરી દેવામાં આવી છે અને સેક્શન 177 અને 184 હેઠળ તેની સામે ગુનો પણ નોંધી દેવાયો છે.  એટલું જ નહીં આની સાથે ડ્રાઈવરનું લાઈસન્સ કેન્સલ કરી દેવાય એના માટે પણ RTOને રિપોર્ટ મળી ગયો છે.

 

 

 

 

 

 

રાજ્ય પુરવઠા મંત્રીની તબિયત લથડી..

રાજ્ય કક્ષાના પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી છે. સૂત્રો પાસેથી મળતા સમાચાર મુજબ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને સવારે ચા-નાસ્તો કરી રહ્યા હતા ત્યારે એકાએક બ્લડ પ્રેશર વધી જતા તેઓને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. MRI કર્યા બાદ આગળની સારવાર હાથ ધરવામાં આવશે.

રાજ્ય કક્ષાના પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની રાજકીય સફર સંઘર્ષમય રહી છે. ધારાસભ્ય બનવા માટે 27 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. 1995માં પ્રથમવાર મોડાસા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા પણ તેની હાર થઈ હતી. આ પછી વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે અને 2007માં બસપાની ટિકિટ પર મોડાસા બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, પણ તેમાં પણ નસીબે સાથ ન આપતા ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ ભાજપે 2017ની ચૂંટણીમાં મોડાસા બેઠક પરથી ભીખુસિંહ પરમારને ટિકિટ આપી હતી, જો કે 1640 વોટના અંતરે હારી ગયા હતા.

આ પછી ભાજપે ફરી ભીખુસિંહને જ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં મોડાસા બેઠક પરથી ટિકિટ આપી હતી. આ વખતે તેઓ જીતીને 27 વર્ષની રાજકીય સફરમાં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. હાલ ભીખુસિંહ પરમાર ગુજરાત સરકારમાં કેબિનેટમાં રાજ્ય કક્ષાના મંત્રી અને અન્ન નાગરિક પુરવાઠા વિભાગની જવાબદારી સંભાળી રહ્યા છે.  ગુજરાત એસટી વિભાગમાં હેલ્પર તરીકે નોકરી કરી હતી. જેમાં તેમણે સાફ સફાઈ કરવાની કામગીરી પણ કરી હતી.  ત્રણ વર્ષ સુધી નોકરી કર્યા બાદ તેમણે હેલ્પર તરીકેની નોકરી છોડી દીધી હતી. આ ઉપરાંત તેમણે આરોગ્ય વિભાગમાં પણ દવા છંટકાવ કરવા હંગામી ધોરણે કામ કર્યું હતું

 

સાંસદની પુત્રીએ શખસને કચડ્યો, તરત મળ્યા જામીન

નવી દિલ્હીઃ પુણે પોર્શે કાંડ પછી હિટ એન્ડ રનનો એક વધુ હેરાન કરતો કેસ તામિલનાડુના ચેન્નઈમાં બન્યો છે. રાજ્યસભા સાંસદ બીડા મસ્તાન રાવની પુત્રીએ BMW કારથી ફૂટપાથ પર સૂઈ રહેલી એક વ્યક્તિને કચડી મારી છે. આ દુર્ઘટનામાં વ્યક્તિએ થોડી વાર પછી દમ તોડ્યો હતો, જ્યારે મહિલાને તરત જામીન પણ મળી ગયા છે.

YSR કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ બીડા મસ્તાન રાવનાં પુત્રી માધુરી તેના મિત્ર સાથે BMW ચલાવી રહી હતી. કારે 24 વર્ષીય પેઇન્ટર સૂર્યાને કચડી માર્યો છે, જે ચેન્નઈના બેસેન્ટ નગરમાં ફૂટપાથ પર નશાની હાલતમાં સૂઈ રહ્યો હતો, એમ અહેવાલ કહે છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે માધુરી અકસ્માત પછી તરત ઘટનાસ્થળથી ભાગી ગઈ હતી, પણ તેની મિત્ર ત્યાં જ ઊભી રહી હતી. આ અકસ્માતને લીધે ઘટનાસ્થળે લોકો જમા થયા હતા, જેમનાથી તેની મિત્ર વાદવિવાદ કરવા લાગી હતી. તે પણ થોડી વાર પછી ચાલી ગઈ હતી. કેટલાક લોકોએ સૂર્યાને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો, પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.

અહેવાલ અનુસાર સૂર્યાનાં લગ્ન આઠ મહિના પહેલાં થયાં હતાં. તેનાં સગાંસંબંધી અને કોલોનીના લોકો કાર્યવાહીની માગ સાથે J-5 શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશન પાસે જમા થયા હતા. CCTV ફુટેજની તપાસમાં પોલીસને માલૂમ પડ્યું હતું કે કાર BMR (બીડા મસ્તાન રાવ) ગ્રુપની છે અને પુડુચેરીમાં નોંધાયેલી છે.

આ અકસ્માત પછી માધુરીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ સ્ટેશનથી તેને તરત જામીન પણ મળી ગયા હતા. રાવ 2022માં રાજ્યસભા સાંસદ બન્યા છે. તેઓ વિધાનસભ્ય પણ રહી ચૂક્યા છે. BMR ગ્રુપ સીફૂડ ઇન્ડસ્ટ્રીઝ એક આગળ પડતું નામ છે.

 

 

 

 

 

 

 

શું છે કાનની એ ગંભીર બિમારી? જેનો શિકાર થયા અલકા યાજ્ઞિક

બૉલિવૂડના લોકપ્રિય સિંગર અલકા યાજ્ઞિક એક ગંભીર સામે લડી રહ્યાં છે. તેઓ Rare Sensorineural Hearing Loss (દુર્લભ સંવેદનાત્મક ચેતા સાંભળવાની ખોટ)થી પીડિત છે. સંગીત ક્ષેત્રની હસ્તીઓ અને ચાહકો તેમની જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યાં છે. શું તમને ખબર છે આ બિમારી શું છે?

આંખ, નાક અને કાન આપણા શરીરના સૌથી સંવેદનશીલ અંગોમાંથી એક છે. આ સ્થળોએ થોડી મુશ્કેલી આપણને બેચેન કરી દે છે. હવે કલ્પના કરો કે એક દિવસ અચાનક તમને સંભળાતું બંધ થઈ જાય તો કેવું લાગે! હા, ગાયિકા અલકા યાજ્ઞિક સાથે આવું જ બન્યું છે. અલ્કા યાજ્ઞિકને ન્યુરલ શ્રવણશક્તિની ખોટ છે, જેમાં તેણે અચાનક સાંભળાતું બંધ થઈ ગયુ હતું. જો કે અલકા યાજ્ઞિક એક જાણીતી ગાયિકા છે અને દેશના શ્રેષ્ઠ ડોક્ટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે, પરંતુ તમારી સાથે પણ આવું થઈ શકે છે. જાણો સેન્સોરિન્યુરલ હિયરિંગ લૉસ( Sensorineural Hearing Loss) શું છે અને તેને કેવી રીતે અટકાવી શકાય?

સેન્સોરી ન્યુરલ હિયરિંગ લૉસ શું છે?

સેન્સોરિન્યુરલ હિયરિંગ લૉસ એક દુર્લભ હિયરિંગ લોસ ડિસઓર્ડર છે, જેમાં શ્રવણશક્તિ ઓછી થઈ જાય છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ સિનિયર કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન ડૉ. સંજીવ ઝા (ગ્લોબલ મેડિક્લિનિક નવી દિલ્હી) અનુસાર, સરળ ભાષામાં કહીએ તો, સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ એ એક ડિસઓર્ડર છે જેમાં સાંભળવાની ક્ષમતા પર અસર થાય છે. કાનની અંદરની પેથોલોજી અને મગજમાં ઓડિયો સિગ્નલ પ્રસારિત કરતી કોક્લિયર નર્વને નુકસાન થવાને કારણે સાંભળવાની ખોટ થાય છે. ક્યારેક આવું અચાનક થાય છે તો ક્યારેક સાંભળવાની ક્ષમતા ધીરે ધીરે ઓછી થવા લાગે છે.

સેન્સોરી ન્યુરલ હિયરિંગ લૉસના કારણો શું છે?

  • મુખ્ય કારણ જન્મજાત હોઈ શકે છે.
  • ક્યારેક વાઇરલ ઇન્ફેક્શનને કારણે પણ થઈ શકે છે.
  • મગજમાં ટ્યુમર કે ટ્રોમાને કારણે થઈ શકે છે.
  • ખૂબ મોટા અવાજના સંપર્કથી સાંભળવાની ક્ષમતા પર અસર થાય છે.
  • વય-સંબંધિત (પ્રેસ્બીક્યુસિસ) અને આઇડિયોપેથિક કારણો પણ હોઈ શકે છે.
  • સાંભળવાની ખોટના અન્ય ઘણા કારણો પણ હોઈ શકે છે.

સેન્સોરી ન્યુરલ હિયરિંગ લૉસની સારવાર

મોટા ભાગના કિસ્સાઓમાં, જો તીવ્ર સંવેદનાત્મક નુકશાન થયું હોય અને સ્ટેરોઇડ્સનો ઉપયોગ કરીને તાત્કાલિક સારવાર કરવામાં આવે તો સારા પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. જો 4 અઠવાડિયાની અંદર તેની સારવાર કરવામાં આવે તો, પુનઃપ્રાપ્તિની શક્યતા વધી જાય છે. જો કે, તેને ઠીક કરવા માટે, તમારે સાચા કારણો જાણવાની જરૂર છે.

ન્યુરલ હિયરિંગ લોસ કેવી રીતે અટકાવવું

ઉચ્ચ ડેસિબલ અવાજો ટાળો.
ખૂબ ઘોંઘાટીયા સ્થળોએ ન જશો.
જો કંઈક થાય, તો ડૉક્ટરની સલાહ લો.

PM મોદીએ નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું કર્યું ઉદઘાટન

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના રાજગીરમાં ઐતિહાસિક નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદઘાટન કર્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી નીતીશકુમાર, વિદેશપ્રધાન એસ. જયશંકર સહિત 17 દેશોના એમ્બેસેડર હાજર રહ્યા હતા. યુનિવર્સિટીના ઉદઘાટનની સાથે બિહારને એની ગુમાવેલી વિરાસત ફરથી મળી છે. યુનિવર્સિટી નાલંદાના પ્રાચીન ખંડેરોની પાસે સ્થિત છે.

વડા પ્રધાન મોદીએ આજના દિવસને શિક્ષણ ક્ષેત્ર માટે બહુ ખાસ બતાવ્યો છે. તેમણે  કહ્યું હતું કે  મને વડા પ્રધાનના શપથ લીધાના 10 દિવસની અંદર નાલંદા આવવાની તક મળી છે. નાલંદા જ જ નહીં, એક નામ છે, એક ઓળખ છે, એક સન્માન છે. નાલંદા એક મૂલ્ય છે, એક મંત્ર છે. આગ પુસ્તકોને બાળી શકે છે, પણ જ્ઞાનને નષ્ટ નથી કરી શકતી.

આ અગાઉ સવારે નાલંદા યુનિવર્સિટી પહોંચીને વડા પ્રધાન મોદીએ સૌપ્રથમ યુનિવર્સિટીની જૂની વિરાસતને નજીકથી નિહાળી હતી. આ પછી તેઓ અહીંથી નવા કેમ્પસ પહોંચ્યા, જ્યાં તેમણે બોધિ વૃક્ષ વાવ્યું અને પછી નવા કેમ્પસનું ઉદઘાટન કર્યું હતું.

વર્ષ 2016માં નાલંદા યુનિવર્સિટીના ખંડેરો (અવશેષો)ને સંયુક્ત રાષ્ટ્રની હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી.  ત્યાર બાદ 2017માં યુનિવર્સિટીનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીનું નવું કેમ્પસ નાલંદાનાં પ્રાચીન ખંડેરોની જગ્યાની પાસે જ બનાવવામાં આવ્યું છે. આ નવા કેમ્પસની સ્થાપના નાલંદા યુનિવર્સિટી એક્ટ,  2010 દ્વારા કરવામાં આવી છે. 2007માં ફિલિપિન્સમાં યોજાયેલી બીજી ઈસ્ટ એશિયા સમિટમાં લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકવા માટે આ અધિનિયમની સ્થાપના કરવામાં આવી હતી.

નાલંદા યુનિવર્સિટીમાં બે એકેડમિક બ્લોક છે, જેમાં 40 ક્લાસરૂમ છે. અહીં કુલ 1900 વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા છે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં બે ઓડિટોરિયમ પણ છે, જેમાં 300 બેઠકો છે. આ ઉપરાંત એક ઇન્ટરનેશનલ સેન્ટર અને એમ્ફી થિયેટર પણ બનાવવામાં આવ્યું છે, જેમાં 200 લોકો બેસી શકે છે. આટલું જ નહીં, વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટી ક્લબ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત અન્ય ઘણી સુવિધાઓ છે. કેમ્પસમાં પાણીને રિસાઇકલ કરવા માટેનો પ્લાન્ટ, 100 એકર જળાશયો તેમ જ ઘણી સુવિધાઓ છે, જે પર્યાવરણને અનુકૂળ છે.

 

 

 

 

 

 

 

જામનગરી રસ પાંઉ

જામનગરમાં બનતી પ્રખ્યાત રસ પાંઉની વાનગીમાં રસો બનાવવામાં થોડી કળાકૂટ છે. પણ કંઈક નોખી અન્ય પ્રદેશની વાનગીનું નામ કાને પડે તો કઈ ગૃહિણી એ બનાવવામાં કંટાળો કરે? તો બનાવી જુઓ કંઈક નવીનતમ વાનગીની વેરાયટી!

સામગ્રીઃ

  • ગોળ 100 ગ્રામ
  • ખજૂર 100 ગ્રામ
  • આમલી 50 ગ્રામ
  • લીલા મોળા મરચાં 3
  • લીલી તીખા મરચાં 2
  • લસણની કળી 10-12
  • આદુનો ટુકડો 1½ ઈંચ
  • ધોઈને સમારેલી કોથમીર 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • લાલ મરચાં પાઉડર 2 ટી.સ્પૂન
  • ગરમ મસાલો 2 ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • ધાણાજીરુ પાઉડર 1½ ટી.સ્પૂન
  • લીંબુ 1
  • ખાંડ 1 ટી.સ્પૂન (અથવા તમારા સ્વાદ મુજબ)
  • કડક પાઉં 10-12
  • લીલી ચટણી
  • લસણની ચટણી

સજાવટ માટેઃ

  • મસાલા શીંગ
  • ચણાના લોટની ઝીણી સેવ
  • ઝીણી સમારેલી કોથમીર
  • ઝીણો સમારેલો કાંદો

રીતઃ એક કઢાઈમાં 1-1½ ગ્લાસ પાણી ઉમેરી તેમાં ગોળ, ખજૂર તેમજ આમલી નાખીને ધીમા મધ્યમ ગેસ પર ગરમ કરવા મૂકો.

બીજી બાજુ મિક્સીમાં બંને લીલા મરચાં ટુકડા કરીને ઉમેરો. તેમાં લસણની કળી, આદુનો ટુકડો તેમજ કોથમીર ઉમેરો. સાથે સૂકા મસાલા લાલ મરચાં પાઉડર, ગરમ મસાલો, હળદર, ધાણાજીરુ ઉમેરીને તેમાં ખાંડ તથા લીંબુનો રસ પણ મેળવી દો. ફક્ત અડધો કપ પાણી મેળવીને આ મસાલો પીસી લો.

ગોળ, ખજૂર આમલીનું મિશ્રણ ઠંડું થઈ ગયું હશે. આ મિશ્રણમાં લસણ-આદુનો વાટેલો મસાલો એક સ્પેટ્યૂલા વડે સરખો મેળવી લો. ત્યારબાદ એક સૂપ ગાળવાની સ્ટીલની ચાળણીમાં આ મિશ્રણ રેડીને એક ચમચી વડે હલાવીને ગાળી લો. થોડીવાર લાગશે પણ ત્યારબાદ એકદમ સ્મૂધ રસો તૈયાર થશે.

આમાંથી થોડો રસો એક બાઉલમાં કાઢી લો.

કડક પાઉંના ચપ્પૂ વડે 1 ઈંચ જેટલા ટુકડા કરી લો. હળવેથી આ પાઉં કટ કરવા કારણ કે, કડક હોવાને કારણે તેનો ભૂકો વધારે થશે. કડક પાઉં ના મળે તો સાદા પાઉંના પીસ કરીને તવા પર ગોઠવીને ગેસની ધીમી આંચે કડક કરી લેવા અથવા બેબી ટોસ્ટ (સાકર વગરના) લઈ શકાય.

પાઉંના ટુકડાને એક એક કરીને બાઉલમાં કાઢેલા રસામાં ડુબાડીને કાઢીને એક પ્લેટમાં ગોઠવતા જાઓ. (પાઉંના ટુકડા રસથી તરબતર થયેલા હોવા જોઈએ) પ્લેટમાં આવે તેટલા પાઉંના ટુકડા ગોઠવાઈ જાય એટલે તેની ઉપર લીલી તેમજ લસણની ચટણી એક-એક પાઉં ઉપર રેડીને ઉપરથી મસાલા શીંગ ભભરાવી દો. ત્યારબાદ ઉપર ઝીણી સેવ ભભરાવ્યા બાદ તેની ઉપર ઝીણી સમારેલી કોથમીર ભભરાવીને આ રસ પાઉંની ચટપટી ચાટ પીરસો.

૧૯ જૂન, ૨૦૨૪