આ છે અમદાવાદનો સર્વપ્રથમ પુલ…

અંગ્રેજોએ વર્ષો સુધી ભારત પર રાજ કર્યુ. બ્રિટિશ સલ્તનતના એ સમયગાળામાં અંગ્રેજોએ દેશના શહેરોમાં કેટલીક બેનમૂન ઇમારતો, બ્રીજ, ટ્રાન્સપોર્ટેશન માટેની સગવડોની વિકસાવી એમાંથી ઘણીખરી આજેપણ અકબંધ છે, એટલું જ નહીં હાલમાં કાર્યરત પણ છે.

એમાંનો એક છે અમદાવાદ શહેરની ઓળખસમો એલિસબ્રીજ. શહેરને મધ્યમાંથી ચીરતી સાબરમતી નદી પર બંધાયેલો સૌ પ્રથમ પુલ એટલે એલિસબ્રીજ. વર્ષ 1892માં બાંધવામાં આવેલો મૂળ લાકડાનો આ પુલ અમદાવાદીઓમાં લક્કડીયા બ્રીજ તરીકે જ ઓળખાતો. યુનિક કમાનોવાળી ડિઝાઇન ધરાવતા આ બ્રીજને  સાબરમતીના નીરે, એ નીરના પૂરે ઘણીવાર ઘાયલ કર્યો, પણ આ બ્રીજ એની જગ્યાઓ અડીખમ રહીને શહેરની આન-બાન-શાન બની રહ્યો. 1997માં આ બ્રીજ બન્ને તરફ પહોળો કરવામાં આવ્યો અને એને ‘સ્વામી વિવેકાનંદ બ્રીજ’ એવું નવું નામ-ઓળખ મળી.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ હેરિટેજ સિટીનું મહત્વ ધરાવતા અમદાવાદનો આ ભવ્ય વારસો છે, જે એક સદી કરતાં પણ જૂની ઓળખ ધરાવે છે. ફિલ્મો, દસ્તાવેજી ચિત્રોમાં જ્યારે અમદાવાદ શહેરના દર્શન થાય ત્યારે સુંદર ડિઝાઇનવાળો એલિસબ્રીજ અવશ્ય દેખાય. એ વાત જૂદી છે કે, મૂળ લક્કડીયા પુલ તરીકે ઓળખાતો ઓરિજિનલ પુલ, એના માવજત પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા પછી પણ, આજે બંધ હાલતમાં છે. એની બન્ને તરફ તાળાં લાગેલા છે, પણ એની ઓળખને કોઇ તાળું મારી શકે એમ નથી!

(પ્રજ્ઞેશ વ્યાસ)