Home Blog Page 1605

કેરળમાં તારાજી : વાયનાડ પહોંચ્યા રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડના ચુરલમાલામાં ભૂસ્ખલન સ્થળ પર પહોંચ્યા છે, જ્યાં 30 જુલાઈએ ભૂસ્ખલન થયું હતું. રાહુલ અને પ્રિયંકા વાયનાડના પીડિત પરિવારોને પણ મળશે. પૂર, વરસાદ અને ભૂસ્ખલનની વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 167 લોકોના મોત થયા છે જ્યારે 300થી વધુ લોકો લાપતા છે. 8000 થી વધુ લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.

કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે સવારે 7 વાગ્યા સુધી શરીરના અંગો સહિત કુલ 256 પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા. આમ, આ સમગ્ર 256 મૃતદેહો નથી પરંતુ કેટલાક મૃતદેહોના ભાગો પણ તેમાં સામેલ છે. અમે 154 મૃતદેહોને જિલ્લા પ્રશાસનને સોંપ્યા છે. રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. સેના સતત બચાવ કાર્ય ચલાવી રહી છે.

મુંડક્કાઈ અને ચુરલમાલા સૌથી વધુ અસરગ્રસ્ત

મુંડક્કાઈ અને ચુરલમાલા સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો છે. અહીં ઘણું નુકસાન થયું છે. બંને વિસ્તારોને જોડવા માટે 190 ફૂટ લાંબો ‘બેઈલી બ્રિજ’ બનાવવામાં આવ્યો છે. મુંડક્કાઈ નગરમાં લગભગ 450 થી 500 ઘરો હતા પરંતુ મુંડક્કાઈ હવે વાયનાડના નકશામાંથી ભૂંસાઈ ગયું છે. અહીં કશું બાકી નથી. કાદવ અને પથ્થરો સિવાય કશું જ નથી.

લોકસભામાં પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો

બુધવારે લોકસભામાં પણ વાયનાડ ભૂસ્ખલનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ સમય કેરળના વાયનાડના લોકો સાથે ખડકની જેમ ઉભા રહેવાનો છે. મોદી સરકાર આ માટે પ્રતિબદ્ધ છે. રાહત, બચાવ અને પુનર્વસન માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવશે. શાહે ગૃહને એમ પણ કહ્યું કે તે આ જ સત્રમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર બિલ પણ લાવશે. મંત્રીએ કહ્યું કે સરકાર કેરળના લોકોને ખાતરી આપવા માંગે છે કે તે તેમને કોઈપણ મુશ્કેલીમાં એકલા નહીં છોડે.

શેર માર્કેટમાં તેજી, નિફ્ટી ઓલટાઈમ હાઈ

છેલ્લા ઘણા સમયથી શેર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી તમામ રેકોર્ડ તોડી ઓલ ટાઈમ હાઈની સપાટીએ બંધ થઈ રહ્યા છે. ઓગસ્ટ મહિનાનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઐતિહાસિક હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પ્રથમ વખત 25,000ની સર્વકાલીન ઊંચી સપાટીને પાર કરવામાં સફળ રહ્યો હતો, જ્યારે BSE સેન્સેક્સે પણ 82,000નો આંકડો પાર કરીને 82,129.49ની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. બજારમાં આ ઉછાળાનો શ્રેય ઉર્જા ક્ષેત્રના શેરોને જાય છે. કોલ ઈન્ડિયા, ઓએનજીસી પાવર ગ્રીડ જેવી સરકારી કંપનીઓના શેરમાં ભારે ખરીદી જોવા મળી રહી છે. આજના કારોબારના અંતે નિફ્ટી 640 પોઈન્ટના ઉછાળા સાથે 25,000ની સપાટી વટાવીને 25,011 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 126 પોઈન્ટના ઉછાળા સાથે 81,867 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

આજના વેપારમાં એનર્જી શેરોનું વર્ચસ્વ હતું. આ સેક્ટરના શેરો પર નજર કરીએ તો પાવર ગ્રીડ 3.73 ટકા, અદાણી ગ્રીન એનર્જી 3.16 ટકા, ટાટા પાવર 2.51 ટકા, ONGC 2.03 ટકા, NTPC 1.83 ટકા, રિલાયન્સ 0.75 ટકાના વધારા સાથે બંધ થયા છે. આ સિવાય HDFC બેન્ક 1.85 ટકા, નેસ્લે 1.38 ટકા, અદાણી પોર્ટ્સ 1.07 ટકા, મારુતિ સુઝુકી 1.01 ટકા, ભારતી એરટેલ 0.66 ટકાના વધારા સાથે બંધ થયા હતા. ઘટતા શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.76 ટકાના ઘટાડા સાથે, ટાટા સ્ટીલ 1.36 ટકાના ઘટાડા સાથે, બજાજ ફિનસર્વ 1.20 ટકાના ઘટાડા સાથે, SBI 1.20 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

આજના કારોબારમાં એનર્જી, ફાર્મા, એફએમસીજી, હેલ્થકેર બેન્કિંગ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ખરીદારી જોવા મળી હતી, જ્યારે ઓટો, આઈટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ્સ, રિયલ એસ્ટેટ અને મીડિયા શેરો નુકસાન સાથે બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં આજે તેજીને બ્રેક લાગી હતી અને આ શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 વધ્યા અને 15 નુકસાન સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 28 વધ્યા અને 22 નુકસાન સાથે બંધ થયા.

ઓલિમ્પિકમાં ત્રીજોઃ સ્વપ્નિલે બ્રોન્ઝ મેડલ પર સાધ્યું નિશાન

પેરિસઃ ઓલિમ્પિક 2024માં શૂટિંગમાં ભારતે ઇતિહાસ રચ્યો છે. સ્વપ્નિલ કુસાલેએ 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં કાંસ્ય પદક જીત્યો હતો. સૌપ્રથમ વાર ઓલિમ્પિકમાં એવું થયું છે કે એક જ રમતમાં ભારતને ત્રણ મેડલ મળ્યા હોય.

પેરિસ ઓલિમ્પિકમાં 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં સૌપ્રથમ વાર ભારતીય ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચ્યો હોય અને મેડલ જીત્યો હોય. ભારતીય દળે અત્યાર સુધી ત્રણ મેડલ જીત્યા છે. આ ત્રણે મેડલ શૂટિંગમાં આવ્યા છે અને ત્રણે મેડલ બ્રોન્ઝ છે. 3 પોઝિશન શૂટિંગમાં ત્રણ અલગ પ્રકારે શૂટિંગ કરવાનું હોય છે. સ્ટેન્ડિંગ એટલે કે ઊભા ઊભા, પ્રોન અને નીલિંગ એટલે કે ઘૂંટણીયે બેસીને આમ રીતે ત્રણ અલગ રીતે નિશાન સાધવાનું હોય છે.

સ્વપ્નિલ કુસાલે 451.4 સ્કોર કરીને ત્રીજા ક્રમે રહ્યો હતો. ચીનનો લિયુ યુકુન 463.6ના સ્કોર સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો. આ સાથે જ યુક્રેનના સિરહી કુલીશે 461.3ના સ્કોર સાથે સિલ્વર જીત્યો હતો.

બુધવારે 50 મીટર રાઇફલ ત્રણ પોઝિશન શૂટિંગના ક્વોલિફિકેશન રાઉન્ડ રમાયા હતા. ભારતીય શૂટર સ્વપ્નિલ કુસાલેએ કુલ 590ના સ્કોર સાથે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેણે નીલિંગમાં 198, પ્રોનમાં 197 અને સ્ટેન્ડિંગમાં 195 સ્કોર કર્યો હતો. ગુરુવારે પણ કુસાલે ભારતની કરોડો અપેક્ષાઓ પર ખરો ઊતરી અને દેશ માટે મેડલ જીત્યો હતો.

આ અગાઉ મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યાર બાદ મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ મિક્સ ડબલ્સ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

 

 

ગુજરાતમાં 24 કલાકમાં 122 તાલુકામાં નોંધાયો વરસાદ..

પાછલા થોડા દિવસોથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો હતો. ત્યારે ગઈકાલે ગુજરાતમાં જાણે વરસાદે વિરામ લીધો હોય એવુ જોવા મળ્યુ. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 122 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ખંભાળિયા, મહુવા, અને ઉમરગામમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા. રાજ્યના સિઝનના સરેરાશ વરસાદની વાત કરીએ તો 1 ઓગસ્ટે સવારે 6 વાગ્યા સુધીમાં 61.13 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. બીજી તરફ બે આગામી બે દિવસ બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે.

 ઉલ્લેખનીય છે કે આજે સવારે અમદાવાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધવામાં આવ્યો હતો. શહેરના સુભાષબ્રિજ, સાબરમતી, આશ્રમરોડ, વાડજ, ઉસ્માનપુરા, આરટીઓ સર્કલ, શાહીબાગ, માધુપુરા, ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. શહેરમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. તો બીજી બાજુ ધારી તેમજ ગીર કાંઠાના ગામોમાં વરસાદી માહોલ છવાયો છે. ધારી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે.

 

હવામાન વિભાગની આગાહી મુજબ આજે આખા ગુજરાત રાજ્યમાં વરસાદની શક્યતાઓ નહિવત રહેશે. ત્યાર બાદ 2જી ઓગસ્ટથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. તે સિવાય રાજ્યના અન્ય કોઈ ભાગ ઉપર ત્રણ દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વરસાદની શક્યતાઓ નહીવત છે. ચોથા દિવસથી એટલે કે 3 ઓગસ્ટથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે એટલે કે અમદાવાદવાસીઓને આગામી 5 દિવસ ગરમી અને બફારો સહન કરવો પડશે કારણ કે, આજની આગાહી અનુસાર આગામી 5 દિવસ અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ નથી.

રાજ્યનો સિઝનનો એવરેજ 61.13 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો 75.51 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 84.99 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.32 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 43.89 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 42.46 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદના કારણે તારાજીના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અંજાર તાલુકાના નીગાળ ગામમાં ત્રણ ભેસ ઉપર વીજળી પડી હતી. વીજળી પડતા ત્રણેય પશુઓના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે.

‘ઝરૂખો ‘માં જાણીતા વૈજ્ઞાનિક ડૉ. જે. જે. રાવલનું વક્તવ્ય

મુંબઈ: બ્રહ્માંડના વિવિધ પાસાંનો જાણીતા વૈજ્ઞાનિક ડૉ‌.જે જે રાવલ ‘ઝરૂખો ‘નાં શ્રોતાઓને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી પરિચય કરાવશે. વૈજ્ઞાનિક ડૉ.જે જે રાવલ મુંબઈમાં નહેરુ પ્લેનેટોરિયમના સર્વોચ્ચ પદે રહી ચૂક્યા છે અને હાલમાં ગુજરાતમાં ટૂંક સમયમાં બે પ્લેનેટરી સ્થાપી રહ્યા છે. તેઓ ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીના સ્થાપક છે. વિવિધ અખબારોમાં એમણે બ્રહ્માંડ વિશે લેખો પણ લખ્યા છે. હજારો લોકોને તેમણે ટેલિસ્કોપ દ્વારા આકાશ દર્શન કરાવ્યું છે.

આ બ્રહ્માંડ અદભૂત છે અને એનો તાગ મેળવવો ખરેખર કઠીન છે છતાં એને સમજવાના પ્રયાસો વૈજ્ઞાનિકોએ કર્યા છે. બ્રહ્માંડ બહુ માયાવી છે! તમે કયા પ્લેટફોર્મ પરથી એને જુઓ છો એ પ્રમાણે એ દ્રશ્યમાન થાય છે. કાળ જ બ્રહ્માંડને રચે છે અને ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે હું જ કાળ છું. આ ગહન વિધાન છે. ૐ પૂર્ણમદ: પૂર્ણમિદં …આ શ્લોક બ્રહ્માંડનો જ પરિચય આપે છે.‘આપણું અદભૂત બ્રહ્માંડ’ કાર્યક્રમ ૩જી ઑગસ્ટ શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે સાંઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાવાનો છે. કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે અને આ જાહેર કાર્યક્રમમાં કોઈપણ વ્યક્તિ હાજરી આપી શકશે. છેલ્લી દસેક મિનિટ શ્રોતાઓ વક્તાને પ્રશ્નો પૂછી શકશે.

કબીરવાણી: સંતને કેમ ઓળખવા?

દયા ગરીબી,  બંદગી,  સમતા શીલ સુભાવ,

યે તે લક્ષણ સાધુ કે, કહૈ કબીર સદભાવ.

 

સંતની સૌબત ભલી પણ સંતને કેમ ઓળખવા? કબીર સાહેબે આ સાખીમાં સંતના 6 ગુણ વર્ણવ્યા. દયા, અનુકંપા, કરુણા, સંવેદનશીલતા વિનાને સાધુ કેમ કહી શકાય? ગરીબી – સાદગી – વૈરાગ્ય – અપરિગ્રહથી જ આસક્તિ ટળે છે. સ્વેચ્છાએ ગરીબી સ્વીકાર કરનારને અસંતોષ નથી હોતો. જાનકુ કુછ ન ચાહિયે વો શાહોં કા શાહ. બંદગી – પ્રાર્થના – નામ-સ્મરણ – આરઝુ અને ભક્તિ એ તો પ્રભુ સાથેના સંવાદસેતુ છે. મનને સ્થિર કરી, ઈચ્છાઓનો પરિત્યાગ કરી, જાત સાથે સંવાદ કરી જે સત્યની આરાધના કરે છે તે જીવ ઉચ્ચ કોટિનો છે. સમતા – સુખદુઃખ સમાન – અદ્વૈતના અનુભવથી સર્વમાં ચૈતન્ય સ્વરૂપ નિહાળવાની વૃત્તિ જ મંગળકારી છે.

શીલ – ચારિત્ર્ય – ગુણ અને શિસ્ત વિના માનવીમાં રહેલી પાશવી વૃત્તિઓનું નિયંત્રણ શક્ય નથી. શીલ વિનાનો મનુષ્ય બુદ્ધિના દુરુપયોગથી પોતાને અને સૌને દુઃખ આપે છે. સુભાવ સદભાવનાના કારણે જ પરોપકારી વૃત્તિ દ્દઢ બને છે. મોહ, મદ, માયા, લોભ, ઈર્ષા અને હિંસા તજવી છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

આવા ગુંડાને CM નિવાસસ્થાનમાં કોણ રાખે છે?: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીથી રાજ્યસભાનાં સભ્ય સ્વાતિ માલીવાલની સાથે મારપીટને મામલે સુપ્રીમ કોર્ટે CM કેજરીવાલના સહયોગી બિભવકુમારના વકીલથી તીખા સવાલ પૂછ્યા હતા. CM નિવાસસ્થાન પ્રાઇવેટ બંગલો છે? શું આ પ્રકારના ગુંડાએ CM નિવાસસ્થાનમાં કામ કરવું જોઈએ? એવા સવાલ સુપ્રીમ કોર્ટે કર્યા હતા.

CM કેજરીવાલના નજીકના સહયોગી બિભવકુમાર દ્વારા જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. બિભવકુમાર પર આમ આદમી પાર્ટીનાં સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે. કોર્ટે કહ્યું હતું કે મારપીટની આ ઘટના દરમ્યાન રાજ્યસભાનાં સભ્ય સ્વાતિ માલીવાલ દ્વારા પોલીસ હેલ્પલાઇન પર ફોન કરવાથી શું સંકેત મળે છે. બિભવકુમારના આ વર્તનથી શરમ આવે છે કે મહિલાની સાથે જબરદસ્તી કરવામાં આવી.

કોર્ટે કહ્યું હતું કે જે પ્રકારે ઘટના બની છે, એનાથી અમે સ્તબ્ધ છીએ. શું આવા ગુંડાઓને રાખવા માટે એ ઓફિસની જરૂર છે? શું આ કોઈ રીત છે? અમે હેરાન છીએ. સવાલ એ છે કે એ કેવી રીતે થયું. માલીવાલે એને અટકવા માટે કહ્યું, પરંતુ એ વ્યક્તિ નહીં અટકી, શું એનામાં શક્તિ સવાર છે? તમે ભૂતપૂર્વ  સચિવ હતા, જો પીડિતાને ત્યાં રહેવાનો અધિકાર નહોતો તો તમને ત્યાં રહેવાનો અધિકાર પણ નહોતો. તમે એવું બતાવ્યું કે કોઈ ગુંડો પ્રાંગણમાં ઘૂસી ગયો હોય. તમને આવું કરતા શરમ ના આવી? સ્વાતિ એક યુવા મહિલા છે. શું તમને લાગે છે કે એ રૂમમાં હાજર કોઈને પણ બિભવની વિરુદ્ધ કંઈ પણ કહેવાની હિંમત થઈ હશે? એમ કોર્ટે સવાલ કર્યા હતા. સુપ્રીમ કોર્ટ આ કેસની આગામી સુનાવણી સાત ઓગસ્ટે કરશે.

 

ગુજરાતમાં વધુ બે લાયન સફારીને મળી મંજૂરી..

જંગલનો રાજા અને ગુજરાતનું ગૌરવ માત્ર સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. સમગ્ર એશિયામાં ગીરના જંગલમાં જોવા મળતા સિંહ હવે ગુજરાતના અન્ય વિસ્તારમાં પણ જોવા મળશે. પાછલા થોડા સમયથી સિંહોની વસ્તીમાં પણ નોંધપાત્ર વધારો નોંધાય રહ્યો છે. ત્યારે સિંહોનું ગીરના જંગલ સિવાય પણ વસાવાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સિંહ તો જંગલનો રાજા છે એમને તો ગીરનું જંગલ પણ ટૂંકુ પડે. ઉનાળાના સમયમાં સિંહો લટાર મારતા રાજકોટ ગોંડલ સુધી ધસી આવતા હોય છે. ત્યારે હવે કચ્છના નારાયણ સરોવર પાસે અને ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક નલિયા માંડવી વિસ્તારમાં લાયન સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજુરી અપાયાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.

મળતી માહિતી અનુસાર નારાયણ સરોવર પાસે આશરે 300 હેક્ટર જમીનમાં લાયન સફારી પાર્ક સાકાર થશે. તેનો હેતુ પ્રવાસનને  પ્રોત્સાહન સાથે બ્રીડીંગ સેન્ટર માટેનો પણ છે. લાયન સફારી સાકાર થયા બાદ સિંહ, દિપડાં સહિતના પ્રાણીઓ મંજુરી મેળવીને તેમાં વિહરતા જોઈ શકાશે. જ્યારે ઉના ગીર જંગલને અડીને આવેલો વિસ્તાર છે અને ત્યાં પણ લાયન સફારી બનશે. હાલ જુનાગઢના દેવળીયા વિસ્તારમાં લાયન સફારી ધમધમે છે આ પહેલા રાજકોટમાં લાલપરી-રાંદરડા તળાવ કાંઠે રમણીય વિસ્તારમાં આવેલા ઝૂને અડીને ખુલ્લી જમીનમાં લાયન સફારી બનાવવા ઝૂ ઓથોરિટીએ મંજુરી મહાપાલિકાને આપી છે.

સૌરાષ્ટ્રમાં જુનાગઢ  પછી રાજકોટમાં પણ બ્રીડીંગ સેન્ટર છે અને આજ સુધીમાં 50થી વધુ સિંહોનો અહીં જન્મ થયો છે, હાલ ઝૂમાં કૂલ 12 સિંહો છે. રાજકોટમાં ભવિષ્યમાં શરુ થનારા લાયન સફારીમાં સિંહોને શિકાર કરતા નહીં જોઈ શકાય પરંતુ, મુલાકાતીઓ તેને વાહનમાં બેસીને ખુલ્લા વિસ્તારમાં વિહરતા જોઈ શકશે.

પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું લાંબી માંદગી બાદ નિધન

વડોદરા: ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું લાંબી માંદગી બાદ બુધવારે અવસાન થયું છે. તેઓ કેન્સરની બિમારી સામે જીવનની જંગ હાર ગયા. તેમણે 71 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. ગાયકવાડે ભારત માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમી હતી. તે 2000 ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં રનર-અપ થનારી ભારતીય ટીમના કોચ પણ હતા. ગાયકવાડ ગયા મહિને દેશમાં પરત ફર્યા તે પહેલા લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં બ્લડ કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. અંશુમાન ગાયકવાડના અંતિમ સંસ્કારમાં સામેલ થવા નયન મોંગીયા અને રોજર બિન્ની પહોંચ્યા હતા. અંશુમાન ગાયકવાડના ઘરે પૂર્વ ક્રિકેટરો તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. ઉપરાંત અનેક પૂર્વ ક્રિકેટરો, બરોડા ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો પણ પહોંચ્યા હતા. કીર્તિ મંદિર ખાતે અંતિમવિધિ કરવામાં આવશે. રાજવી પરિવારના સભ્યોના અંતિમ સંસ્કાર કીર્તિ મંદિર ખાતે કરાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ અંશુમાન ગાયકવાડના નિધન પર શોક વ્યક્ત કરતા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટ ખેલાડી અને કોચ અંશુમાન ગાયકવાડજીના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરું છું. ભારતીય ક્રિકેટ જગતમાં તેમનું યોગદાન અવિસ્મરણીય રહેશે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનો તથા પ્રશંસકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.’

BCCIએ અંશુમન ગાયકવાડની સારવાર માટે 1 કરોડ રૂપિયાની સહાયની રકમ જાહેર કરી હતી. 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્યોએ પણ ક્રિકેટરને મદદ કરી હતી.ગાયકવાડે 22 વર્ષની કારકિર્દીમાં 205 ફર્સ્ટ ક્લાસ મેચો પણ રમી હતી. બાદમાં તેમણે ભારતીય ટીમના કોચનું પદ સંભાળ્યું હતું. 1998માં શારજાહ ખાતે અને ફિરોઝશાહ કોટલામાં ટેસ્ટ મેચમાં તેમની સૌથી મોટી ક્ષણ આવી હતી, જ્યારે અનિલ કુંબલેએ 1999માં પાકિસ્તાન સામેની એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લીધી હતી.

મોંઘીદાટ હોટેલના ખાવામાંથી નીકળ્યો વંદો, બહારનું ખાતા પહેલા ચેતજો

અમદાવાદમાં ખાણીપીણીમાં ભેડસેડના કિસ્સા અવારનાવાર પ્રકાશમાં આવતા હોય છે. પરંતુ પાછલા થોડા સમયથી ખાણી પીણીમાંથી મરેલા જીવજંતુ નીકળવાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે ફરી એક વખત અમદાવાદ શહેરની નામચીન હોટલમાંથી ખાવાની વાનગીમાંથી જીવડા નીકળવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી ફાઈવ સ્ટાર હોટેલ ગણાતી હયાત હોટલના સંભારમાંથી વંદો નીકળતા ચકચાર મચી ગયો છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થયો છે. ફૂડ વિભાગે વિડીયો જોયા બાદ સ્થળ ઉપર જઈ હયાત હોટલના કિચનને સીલ કર્યુ હતુ.

વસ્ત્રાપુરમાં આવેલી હોટલ હયાત ખાતે એક ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. આ સમયે પીરસવામાં આવેલી સંભારમાંથી વંદો નીકળતા ત્યાં હાજર લોકોએ વિડીયો બનાવી સોશિયલ મિડીયામાં વાઈરલ કર્યો હતો. વાયરલ વિડીયો અને મળેલી ફરીયાદના આધારે મ્યુનિ.ના હયાત હોટલને કિચન કલોઝર નોટિસ આપી સીલ કર્યું છે. આ ઉપરાંત બીજી બાજું નવરંગપુરા વિસ્તારમાં આવેલ સેમ્સ પીઝાના કોલ્ડીંક્સમાં મચ્છર હોવાની ફરિયાદ પછી આ એકમને સીલ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હયાત હોટેલમાં રુચિ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને ફૂડનો કોન્ટ્રાકટ આપ્યો છે.

નોંધનીય છે કે આ અગાઉ પણ અમદાવાદ શહેરની મોંઘીદાટ હોટેલોમાંથી મરેલા કે જીવતા જીવજંતુ નિકળવાની ઘટના બની છે. આ અગાઉ ત્રણ દિવસ પહેલા કાંકરિયા વિસ્તારમાં આવેલા પુરોહિત રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ફૂડ મંગાવતા તેમાંથી ઈયળ નીકળી હોવાની ફરિયાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગને મળતા ત્યાં ચેકિંગ હાથ ધરી પુરોહિત રેસ્ટોરન્ટને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.