
રેપર બાદશાહે ગુપ્ત રીતે બીજી વાર કઈ અભિનેત્રી સાથે લગ્ન કર્યા?
ગાયક અને રેપર બાદશાહ ઘણીવાર પોતાના ગીતો માટે સમાચારમાં રહે છે. તે હવે પોતાના લગ્નને લઈને સમાચારમાં છે. બાદશાહે પંજાબી અભિનેત્રી ઈશા રિખી સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા છે. આ બાદશાહના બીજા લગ્ન છે. છ વર્ષ પહેલા બાદશાહે પહેલી પત્નીથી છૂટાછેડા લીધા હતાં.

લગ્ન સાદગીપૂર્ણ રીતે થયા
બાદશાહ અને ઈશા રિખીના દુલ્હન અને દુલ્હા અવતારના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ગાયકે હજુ સુધી આ સમાચારની પુષ્ટિ કરી નથી, પરંતુ લગ્નના ફોટા અને વીડિયો પૂનમ રિખી નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યા છે, જે હવે આ સમાચારની પુષ્ટિ કરે છે.
આ ફોટામાં બાદશાહ ઓલિવ ગ્રીન કુર્તા અને ચૂડીદાર પાયજામામાં જોવા મળે છે, જ્યારે ઈશા લાલ સૂટ અને લગ્નના આઉટફિટમાં સજ્જ છે. ફોટા દર્શાવે છે કે આ કપલે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં એક સાદા સમારંભમાં લગ્નની વિધિ કરી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટામાં, એકમાં કપલ તેમના પરિવારો સાથે પોઝ આપતા દેખાય છે. બીજામાં બંને હસતાં હસતાં સાથે ઉભેલા દેખાય છે. જ્યારે કે એક તસવીરમાં તેઓ મંડપની સામે બેઠેલા દેખાય છે. કેટલાક વીડિયોમાં, બાદશાહ અને ઈશા એકબીજાને માળા પહેરાવતી વખતે મસ્તી કરી ગળે લગાવતા જોવા મળે છે. પૃષ્ઠભૂમિમાં પુજારીનો મંત્ર ગાવાનો અવાજ સંભળાય છે. બીજા વીડિયોમાં કપલ મંડપમાં અગ્નિની સામે બેઠેલા દેખાય છે.
બાદશાહ અને ઈશાના લગ્નના દિવસોના ફોટા જ નહીં, પરંતુ પછીના નવપરિણીત યુગલ તરીકેના ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે. બંનેના રોમેન્ટિક ફોટા પૂનમ રિખીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યા છે.
કોણ છે ઈશા રિખી?
બાદશાહ સંગીત જગતમાં એક મોટું નામ છે તો તેની દુલ્હન, ઈશા રિખી, એક પ્રખ્યાત અભિનેત્રી અને મોડેલ છે. 9 સપ્ટેમ્બર, 1993 ના રોજ ચંદીગઢમાં જન્મેલી ઈશાએ પંજાબ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી. તેણીએ 12મા ધોરણમાં મોડેલિંગ શરૂ કર્યું. ત્યારબાદ તેણીએ પંજાબી ફિલ્મોમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી. ઈશા રિખી પંજાબી ફિલ્મ ઉદ્યોગમાં એક જાણીતું નામ છે. તેણીએ સિપ્પી ગિલ સાથે પંજાબી ફિલ્મ “જટ્ટ બોય્ઝ પુટ જટ્ટન દે” (2013) થી ડેબ્યૂ કર્યું હતું. ઈશા પંજાબી અભિનેતા અમરિન્દર ગિલ સાથે “હેપ્પી ગો લકી” (2014) માં પણ જોવા મળી હતી. તેણી ઘણી અન્ય લોકપ્રિય પંજાબી ફિલ્મોમાં પણ જોવા મળી છે.
2020 માં જાસ્મીન મસીહથી છૂટાછેડા
આ બાદશાહના બીજા લગ્ન છે. તેમના એક વાર છૂટાછેડા થઈ ચૂક્યા છે. અગાઉ, બાદશાહ, જેને આદિત્ય પ્રતીક સિંહ સિસોદિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના લગ્ન જાસ્મીન મસીહ સાથે થયા હતા. તેઓએ 2012 માં લગ્ન કર્યા. જોકે, માત્ર પાંચ વર્ષ પછી, તેઓ 2017 માં અલગ થયા અને ત્યારબાદ 2020 માં છૂટાછેડા લીધા. બાદશાહને પહેલી પત્નીથી જેસેમી મસીહ સિંહ નામની પુત્રી પણ છે.
13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ લીધા અંતિમ શ્વાસ
નવી દિલ્હી: હરીશ રાણાએ મંગળવારે AIIMS(ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ)માં અંતિમ શ્વાસ લીધા. સમાચાર સંસ્થા PTIના સૂત્રો મુજબ આ માહિતી જાહેર કરવામાં આવી છે. હરીશ રાણા એવા વ્યક્તિ હતા જેમને સુપ્રીમ કોર્ટ તરફથી ઈચ્છા મૃત્યુની પરવાનગી મળી હતી. 13 વર્ષથી વધુ સમય સુધી કોમામાં રહ્યા બાદ સુપ્રીમ કોર્ટે તેમના માતાપિતાની અરજી પર આ પરવાનગી આપી હતી.
માહિતી મુજબ, ગાઝિયાબાદના રહેવાસી હરીશ રાણાને 14 માર્ચે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. 15 માર્ચથી તેમનો પ્રવાહી ખોરાક અને 17 માર્ચથી પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એઈમ્સના ડોક્ટર્સે હરીશ રાણાની લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવવા માટે વિશેષ પ્લાન તૈયાર કર્યો હતો. આ પ્રક્રિયા દરમિયાન દર્દીની ગરિમા જળવાઈ રહે તે માટે ડો. સીમા મિશ્રાના નેતૃત્વમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સતત દેખરેખ રાખી રહી હતી. એનેસ્થેસિયાના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, આ પ્રક્રિયામાં પોષણ ધીમે ધીમે ઘટાડીને બંધ કરવામાં આવે છે અને પીડા રાહતની દવાઓ ચાલુ રખાય છે.
31 વર્ષીય હરીશ રાણા વર્ષ 2013માં પંજાબ યુનિવર્સિટીમાં B.Techના વિદ્યાર્થી હતા. ત્યારે ચોથા માળની બાલ્કનીમાંથી પડી જવાથી તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારથી તેઓ કોમામાં છે. સુપ્રીમ કોર્ટે 11 માર્ચે તેમને ‘પેસિવ યુથેનેશિયા’/ઈચ્છા મૃત્યુની પ્રક્રિયા માટે મંજૂરી આપી હતી.
I-PAC કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મમતા બેનર્જીને ફરી ફટકાર
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે I-PAC કેસમાં પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને ફરી એક વખત ફટકાર લગાવી સવાલ કર્યો હતો કે જો કેન્દ્રમાં તમારી સરકાર સત્તામાં હોય અને કોઈ બીજી રાજકીય પાર્ટી રાજ્ય સ્તરે આવી જ કાર્યવાહી કરે તો શું થશે? આ પ્રશ્ન કોર્ટે ત્યારે કર્યો જ્યારે તે બંગાળનાં મુખ્ય મંત્રીના કથિત હસ્તક્ષેપ સંબંધિત મામલે સુનાવણી કરી રહી હતી.
પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે રાજ્ય સરકારની આપત્તિઓ પર પણ સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી. રાજ્ય સરકારે અપીલ કરી હતી કે મતદાન પહેલાં સુધી મતદાર યાદીમાં સુધારા કરવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવે. તેના પર મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતએ કહ્યું હતું કે SIR પ્રક્રિયા માત્ર બંગાળમાં જ સમસ્યાગ્રસ્ત દેખાઈ રહી છે, જ્યારે અન્ય રાજ્યોમાં તે સરળતાથી પૂર્ણ થઈ ગઈ છે.
રાજ્ય સરકાર તરફથી સિનિયર એડવોકેટ શ્યામ દીવાને જણાવ્યું કે પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ છ એપ્રિલ છે અને ત્યાર બાદ મતદાર યાદીમાં ફેરફાર શક્ય નથી. તેમણે કહ્યું હતું કે હજુ લાખો લોકોના દાવાઓ પર નિર્ણય લેવાયો નથી. તેમણે કોર્ટને વિનંતી કરી કે મતદાન તારીખ પહેલાં સુધી યાદી સુધારવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવે અને જેમના દાવાઓનો નિકાલ થયો નથી તેમને પણ મતદાન કરવાની મંજૂરી આપવામાં આવે, કારણ કે તેમના નામ ડ્રાફ્ટ યાદીમાં હતા.
આ પર મુખ્ય ન્યાયાધીશએ કહ્યું કે અન્ય રાજ્યોમાં SIR સરળતાથી પૂર્ણ થઈ ગઈ છે અને બંગાળમાં જ વધુ મુશ્કેલીઓ કેમ આવી રહી છે. તેમણે ઉમેર્યું કે અન્ય રાજ્યોમાં બંગાળ કરતાં વધુ લોકોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. બંગાળમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાનાર છે, જેમાં 23 એપ્રિલ અને 29 એપ્રિલે બે તબક્કામાં મતદાન થશે.
ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ
ગાંધીનગર: 24મી માર્ચે ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ‘સમાન નાગરિક સંહિતા’ (UCC) બિલ 2026 રજૂ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘ગુજરાત બિલ નંબર 17 ઓફ 2026’ તરીકે ઓળખાતા આ બિલ પર આજે ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઈ. બિલ પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ચૂંટણી આવતા બિલ ઉતાવળે લાવવામાં આવ્યું. ઉત્તરાખંડ બાદ UCC બિલ લાવનાર ગુજરાત બીજું રાજ્ય છે. બિલમાં લગ્ન, લિવ ઈન રિલેશનશિપ, છૂટાછેડા ઉપરાંત વસિયત કરી ન હોય તો સંપત્તિમાં માતા-પિતા, બાળકો, પત્ની દરેકને સમાન ભાગ મળશે તેવી જોગવાઈ છે.
‘આદિવાસી સંસ્કૃતિને કોઈ નુકસાન નહીં પહોંચે’: CM
UCC બિલ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 25 મિનિટનું વિધાનસભામાં પ્રવચન કર્યું. કહ્યું ‘સંસ્કૃતિ મિટાવવા માટે બિલ નથી અને આદિવાસી સંસ્કૃતિને કોઈ નુકસાન નહીં પહોંચે. મહિલાઓ અને બાળકોના ન્યાયની વાત બિલમાં આવરી લેવામાં આવી છે. તમામ પાસાઓની ચર્ચા બાદ આ બિલ લાવવામાં આવ્યું છે.” મુખ્યમંત્રીએ ગૃહમાં UCC બિલ રજૂ કરતા જ સત્તાપક્ષમાંથી જયશ્રી રામ ના નારા લગાવવામાં આવ્યા હતા.
બિલમાં લગ્ન-છૂટાછેડા અંગેના નિયમો
ફરજિયાત નોંધણી: દરેક નાગરિક માટે લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.
દંડની જોગવાઈ: જો લગ્નની નોંધણી કરવામાં નહીં આવે તો 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
બહુપત્નીત્વ પર કડક સજા: એકથી વધુ લગ્ન કરનાર વ્યક્તિને 4 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
છૂટાછેડાના સમાન નિયમો: દરેક ધર્મ અને સમાજ માટે છૂટાછેડાના નિયમો એકસમાન રહેશે.
કોર્ટની માન્યતા: કોર્ટની બહાર લેવાયેલા છૂટાછેડા અમાન્ય ગણાશે અને આવું કરનાર સજાને પાત્ર રહેશે.
લિવ-ઈન રિલેશનશિપ
ફરજિયાત રજીસ્ટ્રેશન: લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા યુગલોએ 3 મહિનાની અંદર તેની નોંધણી કરાવવી પડશે.
કાનૂની સુરક્ષા: આ જોગવાઈનો મુખ્ય હેતુ કાનૂની સુરક્ષા આપવાનો અને છેતરપિંડી રોકવાનો છે.
લઘુમતી સમાજ માટે છૂટ
મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે લઘુમતી સમાજમાં ચાલતી પિતરાઈ ભાઈ-બહેન સાથેના લગ્નની પરંપરા પર આ કાયદો લાગુ પડશે નહીં. તેમને આ બાબતમાં છૂટ આપવામાં આવી છે.
કોંગ્રેસના સરકાર પર કર્યા પ્રહાર
કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ બિલ મુદ્દે પ્રતિક્રિયા આપી. જણાવ્યું કે 45 દિવસની જગ્યાએ 1 વર્ષે રિપોર્ટ આવ્યો અને સમિતિમાં લોકોનું પ્રતિનિધિત્વ પણ ન રાખવામાં આવ્યું. સરકાર પર એવું તે શું થયુ કે 17મી એ રિપોર્ટ આવ્યો અને 24મી એ સરકારે વિધાનસભામાં બિલ લાવ્યા. તેમણે કહ્યું ચૂંટણીઓ છે એટલે સરકાર બિલ ઉતાવળે લઈને આવી છે.
અમિત ચાવડાએ આક્ષેપ કર્યા કે ધારાસભ્યોને અભ્યાસ માટે પણ રિપોર્ટ આપવામાં આવ્યો નથી. ઉતાવળે બિલ લાવવામાં આવ્યું છે જેથી ચૂંટણીમાં ફાયદો થાય. સ્થાનિક ચૂંટણીઓમાં OBC અનામત માટેના ઝેવરી કમિશનનો રિપોર્ટ હતો એ રિપોર્ટ હજુ જાહેર કરવામાં આવ્યો નથી. UCCનો રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો નથી.
શું છે UCC બિલના મુખ્ય અંશો?
UCC બિલનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ધર્મના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ-ઇન રિલેશનશિપ જેવા વિષયોમાં એકસમાન કાયદો લાવવાનો છે. લગ્ન અને છૂટાછેડાની નોંધણી હવે ફરજિયાત બનશે. લિવ-ઇન પાર્ટનર્સે રજિસ્ટ્રાર પાસે નિવેદન સબમિટ કરવું પડશે. આવા સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસર ગણવામાં આવશે અને તેમને તમામ કાયદાકીય સુરક્ષા મળશે. આ કાયદો ગુજરાતમાં રહેતા તમામ લોકો ઉપરાંત રાજ્યની બહાર રહેતા ગુજરાતના મૂળ રહેવાસીઓને પણ લાગુ પડશે.
સરકારે બિલમાં રાખી છે છૂટછાટ
આ સંહિતામાં વ્યક્તિગત કાયદાઓમાં એકરૂપતા લાવવાનો પ્રયાસ છે. પરંતુ સામાજિક સંતુલન જાળવવા માટે અનુસૂચિત જનજાતિઓ (ST) અને લઘુમતી સમાજ, સુરક્ષિત રૂઢિગત અધિકારો ધરાવતા ચોક્કસ જૂથોને આ કાયદાના દાયરામાંથી સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવ્યા છે.
ઇરાન યુદ્ધ લાબું ચાલ્યું તો ગંભીર પરિણામો આવશેઃ PM મોદી
નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ યુદ્ધને કારણે ગંભીર ઊર્જા સંકટ ઊભું થયું છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે. તેને કારણે વેપાર પર અસર પડી રહી છે અને પેટ્રોલ, ડીઝલ, ગેસ તથા ખાતરની નિયમિત સપ્લાય પ્રભાવિત થઈ રહી છે. મધ્ય-પૂર્વમાં લગભગ એક કરોડ ભારતીયો રહે છે અને તેમની રોજગાર સુરક્ષા ભારત માટે મહત્વપૂર્ણ ચિંતા છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝ વિસ્તારમાં મોટી સંખ્યામાં ભારતીયો ફસાયેલા છે. આવા સંકટના સમયમાં ભારતીય સંસદમાંથી શાંતિ અને સંવાદનો એકતાભર્યો સંદેશ વિશ્વ સુધી પહોંચવો જરૂરી છે. ખાતરની સપ્લાય માટે સરકારે તૈયારીઓ કરી છે અને ખેડૂતોને ખાતરની કોઈ અછત ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
3.75 લાખથી વધુ ભારતીયોની વતન વાપસી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખુલ્લું રહે અને જહાજોની મુક્ત અવરજવર ચાલુ રહે એ માટે પણ ચર્ચા કરવામાં આવી છે. સંકટમાં દેશ-વિદેશમાં રહેલા ભારતીયોની સુરક્ષા ભારતની પ્રતિબદ્ધતા છે. યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધી 3.75 લાખથી વધુ ભારતીયો વતન પરત ફર્યા છે. ઇરાનમાંથી 1000થી વધુ ભારતીયો આવ્યા છે, જેમાંથી 700 મેડિકલ વિદ્યાર્થીઓ છે.
Speaking in the Rajya Sabha. https://t.co/NAcbZLZq7P
— Narendra Modi (@narendramodi) March 24, 2026
જ્યાંથી શક્ય ત્યાંથી ઓઇલ અને ગેસની આયાત
રાજ્યસભામાં વડા પ્રધાને કહ્યું હતું કે તમામ દેશોએ ભારતીયોની સુરક્ષાનો વિશ્વાસ આપ્યો છે. કેટલાક ભારતીયોનાં મોત થયાં છે અને કેટલાક ઘાયલ થયા છે. પીડિત પરિવારોને મદદ આપવામાં આવી રહી છે અને ઘાયલોની સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.

હવે 41 દેશોથી ઊર્જા આયાત
વડા પ્રધાને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં વિશ્વના અનેક દેશોમાંથી ક્રૂડ ઓઇલ અને એલપીજી ભરેલાં જહાજો ભારતમાં પહોંચ્યાં છે અને આ પ્રયાસો આગળ પણ ચાલુ રહેશે. ગેસ, ઓઇલ અને ખાતર સંબંધિત જહાજો સતત ભારતમાં પહોંચે એ માટે સરકાર કાર્યરત છે. જો આ સંકટ લાંબો સમય ચાલશે તો તેનાં ગંભીર પરિણામો આવી શકે છે. દેશ દરેક પડકારનો સામનો કરી શકે એ માટે અનેક પગલાં લેવામાં આવ્યાં છે. અગાઉ એલએનજી અને પીએનજી 27 દેશોમાંથી આયાત કરવામાં આવતી હતી, જ્યારે હવે 41 દેશોમાંથી ઊર્જા આયાત કરવામાં આવી રહી છે. એક જ ઊર્જા સ્ત્રોત પર નિર્ભરતા ન રહે તે માટે ક્રૂડ ઓઇલના ભંડાર વધારવા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર ઈરાનના નેતા મોજતબા ખોમિની
નવી દિલ્હીઃ શું ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ હવે અટકવા જઈ રહ્યું છે? એક દિવસ પહેલાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સાથે સકારાત્મક વાતચીત ચાલી રહી છે. હવે ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખોમિનીએ અમેરિકા સાથે વાતચીત શરૂ કરવા અને સંભવિત સમજૂતી તરફ આગળ વધવા માટે સંમતિ આપી છે. હાલના સંઘર્ષ વચ્ચે આ પગલું સંભવિત રાજનૈતિક પહેલનું સંકેત માનવામાં આવી રહ્યું છે, એમ અહેવાલ કહે છે.
ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ચર્ચા રવિવારથી શરૂ થઈ હતી અને તે આગળ પણ ચાલુ રહેવાની શક્યતા છે, જેને કારણે નજીકના ભવિષ્યમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ સમજૂતી થવાની આશા વધી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમના મધ્ય-પૂર્વ દૂત સ્ટીવ વિટકોફ અને તેમના જમાઈ તથા નજીકના સહયોગી જેરેડ કુશ્નર ઈરાની પ્રતિનિધિઓ સાથે થયેલી આ ચર્ચામાં સામેલ હતા. તેમણે કહ્યું હતું કે અમેરિકા તે વ્યક્તિ સાથે કામ કરી રહ્યું છે જેને હું ખૂબ માન આપું છું અને એક નેતા માનું છું તેમ જ તેમણે ઉમેર્યું હતું કે ઈરાનમાં હજુ પણ કેટલાક નેતાઓ બાકી છે.
થોડા જ દિવસોમાં સંભવિત સમજૂતીનો સંકેત
ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે ટૂંક સમયમાં મોટી સફળતા મળી શકે છે. તેમણે કહ્યું હતું કે વાતચીત પહેલેથી ચાલી રહી હતી, પરંતુ હવે તે વધુ ગંભીર બની છે. તેમણે જણાવ્યું હતું કે અમે લાંબા સમયથી ઈરાન સાથે વાતચીત કરી રહ્યા છીએ અને આ વખતે તેઓ ખરેખર ગંભીર દેખાઈ રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે વોશિંગ્ટન ચર્ચા આગળ વધારવા માટે પાંચ દિવસનો સમય આપી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે અમે પાંચ દિવસનો સમય આપી રહ્યા છીએ, પછી જોઈએ કે વાતચીત ક્યાં સુધી પહોંચે છે. મને લાગે છે કે આ સમયમર્યાદાના અંતે બધાના માટે ખૂબ સારો કરાર થઈ શકે છે.
દસક્રોઇમાં SMCની રેડ, વિદેશી દારૂની બોટલો સાથે ત્રણની ધરપકડ
અમદાવાદ: ગ્રામ્ય વિસ્તારમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દસક્રોઈ તાલુકાના ચાવલજ ગામના એક ખેતરમાં દરોડો પાડીને લાખોની કિંમતનો વિદેશી દારૂ અને વાહનો સહિત કુલ 1,35,57,660 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બાતમીના આધારે SMCએ ચાવલજ ગામના ખેતરમાં દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 25,793 બોટલો મળી આવી હતી. આ દારૂનો જથ્થો ખાસ કરીને ચંડીગઢ અને પંજાબમાં નિર્મિત હોવાનું બહાર આવ્યું છે, જેની બજાર કિંમત આશરે 92,90,900 રૂપિયા જેટલી થાય છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે હેરાફેરીમાં વપરાતા 6 વાહનો, 4 મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ કબજે લીધી છે.
આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી ગાંધીનગરના ભીયારામ ચૌધરી, મહેમદાવાદના આનંદ શાહ અને ચાવલજના દિનેશ ઝાલાની ધરપકડ કરી છે. જોકે, આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને રાજસ્થાનનો મુખ્ય સપ્લાયર હરીશ જાટ હજુ પોલીસ પકડથી દૂર છે. આ ઉપરાંત દારૂ મંગાવનાર કનવારામ ચૌધરી, કાનારામ ચૌધરી તેમજ ટ્રકચાલક અને માલિક સહિત અન્ય 9 શખસો ફરાર થઈ ગયા છે, જેમને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.






