અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર ઈરાનના નેતા મોજતબા ખોમિની

નવી દિલ્હીઃ શું ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ હવે અટકવા જઈ રહ્યું છે? એક દિવસ પહેલાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સાથે સકારાત્મક વાતચીત ચાલી રહી છે. હવે ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખોમિનીએ અમેરિકા સાથે વાતચીત શરૂ કરવા અને સંભવિત સમજૂતી તરફ આગળ વધવા માટે સંમતિ આપી છે. હાલના સંઘર્ષ વચ્ચે આ પગલું સંભવિત રાજનૈતિક પહેલનું સંકેત માનવામાં આવી રહ્યું છે, એમ અહેવાલ કહે છે.

ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ચર્ચા રવિવારથી શરૂ થઈ હતી અને તે આગળ પણ ચાલુ રહેવાની શક્યતા છે, જેને કારણે નજીકના ભવિષ્યમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ સમજૂતી થવાની આશા વધી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમના મધ્ય-પૂર્વ દૂત સ્ટીવ વિટકોફ અને તેમના જમાઈ તથા નજીકના સહયોગી જેરેડ કુશ્નર ઈરાની પ્રતિનિધિઓ સાથે થયેલી આ ચર્ચામાં સામેલ હતા. તેમણે કહ્યું હતું કે અમેરિકા તે વ્યક્તિ સાથે કામ કરી રહ્યું છે જેને હું ખૂબ માન આપું છું અને એક નેતા માનું છું તેમ જ તેમણે ઉમેર્યું હતું કે ઈરાનમાં હજુ પણ કેટલાક નેતાઓ બાકી છે.

થોડા જ દિવસોમાં સંભવિત સમજૂતીનો સંકેત

ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે ટૂંક સમયમાં મોટી સફળતા મળી શકે છે. તેમણે કહ્યું હતું કે વાતચીત પહેલેથી ચાલી રહી હતી, પરંતુ હવે તે વધુ ગંભીર બની છે. તેમણે જણાવ્યું હતું કે અમે લાંબા સમયથી ઈરાન સાથે વાતચીત કરી રહ્યા છીએ અને આ વખતે તેઓ ખરેખર ગંભીર દેખાઈ રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે વોશિંગ્ટન ચર્ચા આગળ વધારવા માટે પાંચ દિવસનો સમય આપી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે અમે પાંચ દિવસનો સમય આપી રહ્યા છીએ, પછી જોઈએ કે વાતચીત ક્યાં સુધી પહોંચે છે. મને લાગે છે કે આ સમયમર્યાદાના અંતે બધાના માટે ખૂબ સારો કરાર થઈ શકે છે.