અમદાવાદઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ટેન્શન ઘટવાને લીધે બજારમાં તેજી જોવા મળી હતી. ઈન્ડેક્સ હેવી વેઇટ એલ એન્ડ ટી HDFC અને ICICI બેન્કના શેરોમાં આવેલી તેજીએ બજારને સપોર્ટ આપ્યો. IT શેરોમાં તેજી થઈ હતી, જેથી સેન્સેક્સ 1400 પોઇન્ટ ઊછળ્યો હતો., જ્યારે નિફ્ટી પણ 400 પોઇન્ટ ઊછળ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં નવ લાખ કરોડ રૂપિયાનો ઉછાળો થયો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે ખૂબ સારી અને અર્થપૂર્ણ ચર્ચા થઈ છે, જેને કારણે યુદ્ધનો “પૂર્ણ અને નિર્ણાયક ઉકેલ” મળે એવી શક્યતા છે. આ સમાચારની બજારના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર પડી હતી. જોકે ઈરાને બંને દેશો વચ્ચે કોઈ ચર્ચા થઈ હોવાની હજુ સુધી પુષ્ટિ કરી નથી.
બજારના વિશ્લેષકના જણાવ્યાનુસાર ઈરાનના ઊર્જા માળખા પર હુમલામાં તાત્કાલિક વિરામ મળતાં સ્થાનિક બજારમાં રાહતભરી તેજી જોવા મળી છે. જોકે રોકાણકારો હજુ સાવચેત છે અને હોર્મુઝ જળમાર્ગ સંબંધિત પરિસ્થિતિ પર સ્પષ્ટતા માટે રાહ જોઈ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે સપ્લાય ચેઇનમાં ઊભી થયેલી મુશ્કેલીઓની લાંબા ગાળે બજાર પર મોટી અસર થવાની શક્યતા ઓછી છે અને તેનો પ્રભાવ માત્ર એકથી બે ત્રિમાસિક સુધી જ કમાણી પર દેખાઈ શકે છે. સ્થાનિક આર્થિક આધાર મજબૂત છે અને તેને મોનેટરી તથા ફિસ્કલ પગલાંનો સહારો મળી રહ્યો છે. બહારની અનિશ્ચિતતા ઘટશે તો માંગમાં વધારો થઈ શકે છે.
BSE સેન્સેક્સ 500થી વધુ અંકની તેજી સાથે 74,212.47 પર ખૂલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન 74,489 સુધી ઊછળ્યા પછી અંતે 1,372.06 પોઇન્ટના ઉછાળા સાથે 74,068.45 પર બંધ થયો હતો. એ જ રીતે નિફ્ટી50 399.75 પોઇન્ટની તેજી સાથે 22,912 પર બંધ થયો હતો. આ સાથે જાપાન, કોરિયા, ચીન અને હોંગકોંગ સહિત એશિયાનાં બજારોમાં તેજી જોવા મળી હતી. અમેરિકન બજારો પણ વધારા સાથે બંધ થતાં ભારતીય બજારને મજબૂતી મળી હતી. આ સાથે બ્રેન્ટ ક્રૂડ $ 110થી નીચે આવી લગભગ $ 104 આસપાસ પહોંચ્યું. તેલના ભાવમાં આ ઘટાડો બજાર માટે સકારાત્મક માનવામાં આવે છે, કારણ કે તે મોંઘવારી અને અર્થતંત્ર પરનો દબાણ ઘટાડે છે.




