Home Blog Page 1584

શું છે અદાણી ગ્રુપની ભાવિ યોજનાઓ?

અમદાવાદઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણીએ અદાણી ગ્રુપનો ફ્યુચર પ્લાન જણાવ્યો છે. વર્ષ 2030 સુધીમાં અદાણી જૂથે ઓછામાં ઓછા એક અબજ ટન વોલ્યુમની કંપની બનવાનું લક્ષ્ય નિર્ધાર્યું છે, કારણ કે ભારતનો વેપાર ઝડપથી વિકાસ પામી રહ્યો છે. અમે પણ આ વિકાસયાત્રાનો ભાગ બનવા માગીએ છીએ. અમે ભારતમાં વિશ્વસનીય સપ્લાય ચેઇન સોલ્યુશન્સ જાળવવા કામ કરી રહ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું.

તેઓ જણાવે છે કે અલબત્ત, અમુક પોઝિશન્સને કારણે તે અમારા માટે વ્યૂહરચના જરૂરી બની જાય છે. અમે ભારતના મુખ્ય વેપાર માર્ગોને ઓળખીએને ત્યાં પોઝિશન લઈએ છીએ, તે માર્ગો વચ્ચે વેપાર કરીએ છીએ. જોકે તેનો અર્થ એ નથી કે દેશની જિયો પોલિટિકલ પ્રાથમિકતાઓ ગ્રુપની પણ પ્રાથમિકતા હોય. આખરે અમે જોખમ કેટલું છે તેને પારખીએ છીએ. ઘણી વાર જોખમ લેવાથી ફાયદો થતો હોય છે. નુકસાન પણ થાય છે, જોકે આ બધું ચાલતું રહે છે.

અમારો પરિવાર અદાણી ગ્રુપમાં સૌથી મોટો શેરધારક છે. છેવટે અમારા રોકાણકારોને વળતર આપવું જરૂરી હોય છે, તેથી સંતુલન પણ જરૂરી છે. રોકાણકારોના દ્રષ્ટિકોણથી જુઓ તો, એક જૂથ તરીકે અમે 2007-2008માં સંક્રમણમાંથી પસાર થયા છીએ. 2007-2008માં અમારી પાસે હોલ્ડિંગ માળખું હતું. પહેલા અમારી પાસે અદાણી એન્ટરપ્રાઇઝીસ હતી. ત્યાર બાદ બાકીની સબસિડિયરી કંપનીઓએ કંપનીઓને અલગ કરવાનું શરૂ કર્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું.

પિતા ગૌતમ અદાણી વિશે વાત કરતાં તેઓ જણાવે છે મને લાગે છે કે મારા પિતાએ જે કામ કર્યું તેવું કદાચ હું કરી શકીશ નહીં. મારી નબળી બાજુ અને મજબૂત બાજુઓથી અમે વાકેફ છીએ. અમે મજબૂત બાજુને વધારી રહ્યા છીએ. મારા પિતા તરફથી હું જે શીખ્યો છું તેનો મારા રોજિંદા કામમાં ઉપયોગ કરવાનો પ્રયાસ કરું છું.

અદાણી ગ્રુપને આગળ લઈ જવાની જવાબદારી તેમના પુત્રો કરણ અદાણી અને જીત અદાણી અને ભત્રીજા પ્રણવ અદાણીના અને સાગર અદાણી ખભા પર રહેશે.

કોર્ટે CM કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવી

એક્સાઇઝ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 20 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. સીબીઆઈએ કેજરીવાલને તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કર્યા હતા.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ફરી આંચકો લાગ્યો છે. કોર્ટે કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી 20 ઓગસ્ટ સુધી લંબાવી છે. સીએમ અરવિંદ કેજરીવાલ ઘણા મહિનાઓથી તિહાર જેલમાં બંધ છે.

વક્ફ બોર્ડ એમેન્ડમેન્ટ બિલ JPCને મોકલવાની માંગ

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આજે પણ ભારે હોબાળો થવાની સંભાવના છે. વક્ફ બોર્ડને અપાયેલી અમર્યાદિત સત્તાઓ પર અંકુશ લાવવા અને વધુ સારા સંચાલન અને પારદર્શિતા માટે સરકારે ગુરુવારે લોકસભામાં એક બિલ રજૂ કર્યું હતું. સાથે જ વિનેશ કેસને લઈને વિપક્ષ પણ સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. લગભગ એક કલાક સુધી બોલ્યા બાદ કિરેન રિજિજુએ આ બિલ JPCને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે કહ્યું કે તેમની સરકારે આ બિલને જેપીસીને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પછી અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે તેઓ આ મામલે કમિટી બનાવવા પર કામ કરશે.

સચ્ચર સમિતિના અહેવાલ પર આધારિત બિલઃ રિજિજુ

કિરેન રિજિજુએ કહ્યું, આજે લાવવામાં આવેલ બિલ સચ્ચર કમિટીના રિપોર્ટ પર આધારિત છે, જે તમે (કોંગ્રેસ) દ્વારા બનાવવામાં આવ્યું હતું. કિરેન રિજિજુએ વકફ સુધારા બિલ પર કહ્યું કે આ બિલ દ્વારા બંધારણનું ઉલ્લંઘન નથી થઈ રહ્યું. જેમને નથી મળ્યા તેમને અધિકાર આપવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે. કોઈપણ ધર્મમાં દખલગીરી નથી. વિપક્ષની તમામ આશંકાઓ દૂર કરવામાં આવશે. આ બિલનું સમર્થન કરો, તમને કરોડો લોકોના આશીર્વાદ મળશે.

અધ્યક્ષ ધનખરે ગૃહના નેતાઓની બેઠક બોલાવી હતી

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે ગૃહના નેતાઓની બેઠક બોલાવી હતી. તેમણે કહ્યું કે ગૃહમાં જે દ્રશ્ય સર્જાયું તે અભૂતપૂર્વ હતું અને સહન કરી શકાય તેવું નથી. કઠિન નિર્ણયો લેવા એ આપણી ફરજ છે.

નાગા ચૈતન્યએ શોભિતા ધુલીપાલા સાથે કરી સગાઈ, પિતાએ તસવીર કરી શેર

મુંબઈ: નાગા ચૈતન્યએ શોભિતા ધૂલીપાલા સાથેના સંબંધને નવું નામ આપ્યું છે. તાજેતરમાં નાગા ચૈતન્યએ શોભિતા ધુલીપાલા સાથે સગાઈ કરી અને તેણીને પોતાની જીવનસાથીના રૂપમાં સ્વીકારી છે. હા, ફરી એકવાર નાગા ચૈતન્ય લગ્નસંબંધ તરફ આગળ વધવા તૈયાર છે.

સામંથાથી છૂટાછેડા પછી નાગા ચૈતન્ય લાંબા સમયથી શોભિતા ધુલીપાલાને ડેટ કરી રહ્યા હતા. હવે બંને સગાઈના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેની સગાઈ તાજેતરમાં નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં થઈ હતી, જેની તસવીરો ચૈતન્યના પિતા અને સુપરસ્ટાર નાગાર્જુને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

નાગાર્જુને સગાઈની તસવીરો શેર કરી છે

નાગાર્જુને તેના પુત્ર અને ભાવિ પુત્રવધૂની બે તસવીરો શેર કરી છે. પ્રથમ તસવીરમાં અભિનેતા તેના પુત્ર અને ભાવિ પુત્રવધૂ સાથે પોઝ આપતા જોવા મળે છે. તો બીજી તસવીરમાં શોભિતા નાગા ચૈતન્યના ખભા પર માથું રાખીને પોઝ આપતી જોવા મળે છે.

કપલની સગાઈની તસવીરો શેર કરતી વખતે, નાગાર્જુને લખ્યું, ‘અમે અમારા પુત્ર નાગા ચૈતન્યની સગાઈ શોભિતા ધૂલીપાલા સાથે જાહેર કરતાં ખુશ છીએ, જે આજે સવારે 9:42 વાગ્યે થઈ હતી!! અમે તેને અમારા પરિવારમાં આવકારતા ખૂબ જ ખુશ છીએ. સુખી યુગલને અભિનંદન. તેને જીવનભર પ્રેમ અને ખુશીની શુભેચ્છા. આશિર્વાદ.’

જાપાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપ, સુનામીની ચેતવણી

જાપાન ફરી એકવાર ભૂકંપનો શિકાર બન્યું છે. દક્ષિણ જાપાનના ક્યુશી વિસ્તારમાં ગુરુવારે 7.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. પ્રારંભિક અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નિચિનાનથી 20 કિમી ઉત્તર-પૂર્વમાં 25 કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપ બાદ અધિકારીઓએ સુનામીની ચેતવણી જારી કરી છે.

ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે શોપિંગ મોલનો સામાન, ખુરશીઓ, પંખા અને ટેબલ બેગની જેમ ધ્રૂજવા લાગ્યા. સુનામીની ચેતવણી બાદ સમગ્ર જાપાનમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટૂંકા ગાળામાં 2 મોટા ભૂકંપ આવ્યા છે. જેમાં દરિયાકાંઠે 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને દક્ષિણ જાપાનના દરિયાકાંઠે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપ અને સુનામી ફરી આવી શકે

જાપાનના હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ભૂકંપના વધુ એક મોજા આવી શકે છે. ભૂકંપ બાદ અધિકારીઓએ સુનામીની ચેતવણી જારી કરી છે. અધિકારીઓએ નાગરિકોને સલામત સ્થળે રહેવા જણાવ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલીવાર એક સાથે બે મોટા ભૂકંપ આવ્યા છે.

જાપાનના મિયાસાકી નજીક ક્યુશુના દક્ષિણી ટાપુમાં 7.1ની તીવ્રતાના ભૂકંપને કારણે અનેક નુકસાન થયાના અહેવાલો છે. ભૂકંપ પછીની તસવીરો હ્રદયસ્પર્શી છે. તસવીરોમાં શહેરની ગલીઓમાં ચીસો અને બૂમો સ્પષ્ટ જોઈ શકાય છે. રસ્તાઓ પર દોડતા વાહનો રમકડાંની જેમ ફરતા જોવા મળે છે.

વકફ બોર્ડ સંશોધન બિલ લોકસભામાં રજૂઃ અનેક પાર્ટીઓએ કર્યો વિરોધ

નવી દિલ્હીઃ લોકસભામાં અલ્પસંખ્યક મામલાના મંત્રી કિરણ રિજિજુએ વકફ બોર્ડ અધિનિયમમાં સંશોધનથી જોડાયેલું બિલ રજૂ કર્યું હતું. આ બિલ દ્વારા વકફ એક્ટમાં અનેક ફેરફારો થશે. વકફ કાનૂન 1995નું નામ બદલીને એકીકૃત વકફ પ્રબંધન, સખતીકરણ, દક્ષતા અને વિકાસ અધિનિયમ, 1995 હશે. લોકસભામાં કોંગ્રેસે કહ્યું હતું કે આ બંધારણ પર હુમલો છે.

કિરણ રિજિજુએ કહ્યું હતું કે વિપક્ષે જે તર્ક આપ્યો છે એ બરાબર નથી. આ બિલમાં બંધારણની કોઈ પણ જોગવાઈનું ઉલ્લંઘન નથી કરવામાં આવ્યું. આ કોઈ પણ ધર્મમાં દખલ નથી. કોઈનો પણ હક છીનવવા માટે નથી, પણ જેને દબાવીને રાખવામાં આવ્યા હતા, તેમને જગ્યા આપવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. મુઠ્ઠીભર લોકોએ વકફ બોર્ડ પર કબજો કરી રાખ્યો છે.

આ બિલનો કોંગ્રેસ, SP સહિત ઇન્ડિયા ગઠબંધનના પક્ષોએ જોરદાર વિરોધ કર્યો છે. આ બિલને લઈને લોકસભામાં ભારે હંગામો થયો છે. કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે લોકસભામાં વકફ બિલનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ બિલ બંધારણ પર એક મૌલિક હુમલો છે. આ બિલમાં એ જોગવાઈ છે કે બિન મુસ્લિમ પણ વકફ ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય હશે. એ ધર્મની સ્વતંત્રતા પર સીધો હુમલો છે. ત્યાર બાદ ખ્રિસ્તીઓ અને જૈનોને નંબર આવશે.

SPએ લોકસભામાં વકફ બોર્ડ સંશોધન બિલનો વિરોધ કર્યો હતો. પક્ષના સાંસદ મોહિબુલ્લાબે કહ્યું હતું કે મારા ધર્મમાં આ દખલઅંદાજી, એનાથી દેશની શાખને નુકસાન પહોંચશે, જ્યારે DMK સાંસદ કનિમોઝીએ કહ્યું હતું કે એ બિલ આર્ટિકલ 30નું સીધું ઉલ્લંઘન છે. આ બિલ એક વિશેષ ધાર્મિક સમૂહને ટાર્ગેટ કરે છે, એમ તેમણે કહ્યું હતું.

જોકે MP વકફ બોર્ડના અધ્યક્ષે સનવર પટેલે આ બિલનું સ્વાગત કરતાં કહ્યું હતું કે નવા પડકારોની સાથે નવા કાયદાની જરૂર હોય છે. જે લોકો સંપત્તિઓ પર ગેરકાયદે કબજો કરી લે છે, એના પર લગામ લાગશે. અમે મોદીજીનો આ બિલ માટે આભાર વ્યક્ત કરીએ છીએ.

 

હવે વિનેશ ફોગાટ પર નીતા અંબાણીએ આપી આવી પ્રતિક્રિયા

વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024 માટે ગેરલાયક ઠેરવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટ 50 કિલો રેસલિંગ કેટેગરીમાં ફાઇનલમાં પહોંચી હતી. બુધવારે તે ફાઇનલ મેચ રમવાની હતી. જો કે, વિનેશ ફોગાટનું વજન 50 કિલોથી વધુ હોવાને કારણે તેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી. આ ઘટના બાદ આખું ભારત દુઃખી અને આઘાતમાં છે. હવે IOC સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ આ સમગ્ર ઘટના અને વિનેશ ફોગાટને લઈ નિવેદન આપ્યું છે.

વિનેશ મજબૂત વાપસી કરશે – નીતા અંબાણી

વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માંથી અયોગ્ય ઠેરવવાના મુદ્દે નીતા અંબાણીએ કહ્યું કે આજે આખો દેશ વિનેશ ફોગાટનું દર્દ અને દુ:ખ વહેંચી રહ્યો છે. નીતા અંબાણીએ કહ્યું કે વિનેશ એક ચેમ્પિયન ફાઈટર છે અને મને કોઈ શંકા નથી કે તે વધુ મજબૂત રીતે વાપસી કરશે.

વિનેશ આવનારી પેઢીઓ માટે પ્રેરણા છે – નીતા અંબાણી

નીતા અંબાણીએ વધુમાં કહ્યું કે વિનેશે વારંવાર બતાવ્યું છે કે તેની તાકાત માત્ર જીતમાં જ નથી પરંતુ પ્રતિકૂળ સંજોગોને પાર કરવાની ક્ષમતામાં પણ રહેલી છે. નીતા અંબાણીએ કહ્યું કે વિનેશ આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ છે. ખાસ કરીને યુવાન છોકરીઓ અને તેમના માતાપિતા માટે જે તેમને સપના અને દ્રઢતાની શક્તિ દર્શાવે છે. નીતા અંબાણીએ કહ્યું કે વિનેશ, તારી ઈચ્છાશક્તિ કોઈપણ મેડલ કરતા સારી છે. અમે બધા તમારી સાથે છીએ.

સિલ્વર મેડલ પણ નહીં મળે

વિનેશનું વજન 50 કિલો કરતાં 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. વિનેશે 50 કિલો ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. વિનેશ તેની ફાઇનલ મેચ રમવાની હતી પરંતુ હવે તેને અયોગ્ય ઠેરવવામાં આવી. તેને સિલ્વર મેડલ પણ નહીં મળે.

રિઝર્વ બેન્કે નવમી વાર રેપો રેટ યથાવત્ રાખ્યો

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે ફરી એક વાર ગ્રોથને બદલે મોંઘવારીને મહત્ત્વ આપતાં રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ સતત નવમી વાર છે, જ્યારે RBIની મોનિટરી પોલિસી કમિટી (MPC)એ રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. રેપો રેટ 6.5 ટકાએ છે. RBIએ છેલ્લે ફેબ્રુઆરી, 2023માં રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. છેલ્લાં 25 વર્ષોમાં આ બીજી વાર છે, જ્યારે RBIએ લાંબા સમય સુધી વ્યાજદરોમાં કોઈ ફેરફાર ના કર્યો હોય.

RBIની છ સભ્યોવાળી MPCએ 2 વિરુદ્ધ ચારના બહુમતથી રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. MPCની બેઠક પછી મિડિયાને સંબોધિત કરતાં ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે બેન્કનું મોંઘવારી પર ધ્યાન કેન્દ્રિત રહેશે. એ હજી પણ ચાર ટકાના વચગાળાના લક્ષ્યથી વધુ છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MFF) અને સ્ટેન્ડર્ડ ડિપોઝિટ ફેસિલિટી (SDF)ના દરો પણ ક્રમશઃ 6.75 ટકા ને 6.25 ટકાએ યથાવત રાખવામાં આવ્યા છે. આ સાથે રિવર્સ રેપો રેટ 3.35 ટકા, MSF અને બેન્ક રેટ 6.75 ટકા, SDF રેટ 6.25 ટકા, CRR 4.50 ટકા અને SLR 18 ટકા પર છે.


શક્તિકાંત દાસે અર્થતંત્ર પર કહ્યું હતું કે FY25 રિયલ GDP ગ્રોથ અંદાજ 7.2 ટકા રાખ્યો છે. FY25ના પહેલા ત્રિમાસિક માટે GDP અંદાજ 7.3 ટકાથી ઘટીને 7.1 ટકા કરી દીધો છે. બીજા ત્રિમાસિક માટે એ 7.2 ટકા, ત્રીજા ત્રિમાસિક માટે 7.3 ટકા અને ચોથા ત્રિમાસિક માટે 7.2 ટકા રાખવામાં આવ્યો છે.

RBI દ્વારા વ્યાજદરો યથાવત્ રાખવામાં આવતાં બેન્ક FDમાં વ્યાજ વધવાની અપેક્ષા જોવા મળી નથી. હોમ લોન ધારકોના EMI પર કોઈ વધારો થશે નહીં. રેપો રેટ RLLR લિંક લોન પર જ લાગુ થાય છે. જેથી રેપો રેટમાં થતાં ફેરફારોની અસર આ પ્રકારની લોન ધરાવતા લોનધારકોના EMI પર થાય છે. પરંતુ MCLR પર લેવામાં આવેલી હોમ લોન રેપો રેટ સાથે લિંક નથી.

 

દશામાના વિસર્જન માટે શહેરમાં 5 કૃત્રિમ તળાવ બનાવ્યા

સુરત: ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ ચૂકી છે, હાલ ભગવાના ભોળેનાથીને રિઝવવાનો શ્રાવણ મહિના સાથે દશામાંના વ્રત ચાલી રહ્યા છે. ત્યારે લોકો વ્રત નિમિત્તે દશામાંની પ્રતિમાની પૂજા અર્ચના કરતા હોય છે અને દશમા દિવસે દશામાંની પ્રતિમાનું વિસર્જન કરતા હોય છે. સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં કોઈ પણ પ્રકારની પ્રતિમાનું થતું વિસર્જન અટકાવવા માટે પાલિકા ગણેશ ઉત્સવ અને દશામાના તહેવારમાં પ્રતિમા વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવે છે. આ વર્ષે પણ દશામાના તહેવારની ઉજવણી ભવ્ય રીતે થઈ રહી હોવાથી પાલિકાએ શહેરમાં પાંચ જગ્યાએ કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી હાથ ધરી છે.

તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ ઉપરાંત કોઈ પણ પ્રકારની પ્રતિમાનું તાપી નદીમાં વિસર્જન ન થાય તેવા આદેશ બાદ પાલિકા તંત્ર કડક બન્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી કોઈ પણ પ્રતિમાનું વિસર્જન માટે પાલિકા કૃત્રિમ તળાવ બનાવી તેમાં પ્રતિમાનું વિસર્જનની કામગીરી કરી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ વર્ષે જે રીતે સુરતમાં દશામાની પ્રતિમાની સ્થાપના થઈ છે. આ તહેવાર પુરો થયા બાદ પ્રતિમા વિસર્જન માટેની કામગીરી કરવાની હોય છે. તેથી પાલિકાએ દશામા પ્રતિમા વિસર્જન માટે 5 સ્થળોએ કૃત્રિમ તળાવ  બનાવવાની કામગીરી હાથ ધરી છે.

સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ડક્કા ઓવારા, રાંદેર ઝોનમાં રામજી મંદિર ઓવારો, કતારગામમાં લંકા વિજય ઓવારો, વરાછા-એ અને વરાછા-બી ઝોન વિસ્તારમાં સરથાણા વી.ટી.સર્કલ પાસે, અઠવા વિસ્તારમાં ડુમસ કાંદી ફળિયા ખાતે કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ સાથે પાલિકાએ લોકોને અવી અપીલ કરી છે કે, તાપી નદીમાં થતા પ્રદૂષણને અટકાવવા તેમજ પર્યાવરણના રક્ષણ માટે દશામાની પ્રતિમાઓનું કૃત્રિમ તળાવ ઉપરાંત મંડપ, ઘરમાં જ વિસર્જન કરવામાં આવે.

વિકલાંગ ક્વોટામાં IASની નોકરી મેળવનાર અધિકારીઓ પર ચેકિંગ તલવાર..

ગુજરાતના વહીવટી તંત્રમાં ફરી એક વખત મોટી હલચલ જોવા મળી રહી છે. IAS પૂજા ખેડકર કેસ બાદ તંત્ર સફાડું જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાતના પાંચ IAS અધિકારીઓના ફરીથી મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ખોટા વિકલાંગના સર્ટિફિકેટના આધારે સિવિલ સર્વિસમાં ભરતી થયા હોવાના આરોપ હોવાથી, આ મેડિકલ ચેકએપ ફરી કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે.

IAS પૂજા ખેડકરની ઘટના બાદ ગુજરાતના પાંત IAS અધિકારીઓના વિકલાંગ સર્ટિફિકેટને લઈ પ્રશ્નો ઉભા થયા છે. એક વરિષ્ઠ અધિકારીએ દ્રષ્ટિહીનતા જ્યારે ત્રણ જુનિયર અધિકારીઓએ તેમના વિકલાંગ સર્ટિફિકેટમાં ‘લોકોમોટિવ ડિસેબિલિટી’ કારણો ટાંક્યા હતા. ગુજરાતમાંથી પાંચ આઈએએસ અધિકારીઓએ ફરીથી તેમનું વિકલાંગ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ મહારાષ્ટ્રમાં આઈએએસ અધિકારી પૂજા ખેડકરના કૌભાંડ બાદ ઓલ ઈન્ડિયા સર્વિસિઝના તમામ અધિકારીઓને ફરીથી મેડિકલ તપાસ કરાવી દિવ્યાંગ સર્ટિફિકેટ મેળવવા નિર્દેશ કર્યો છે.

પાંચ IAS અધિકારીઓ વિકલાંગ સર્ટિફિકેટને લઈ સરકારની નજરમાં છે. જ્યારે આ પાંચે અધિકારીઓને સરકારને ફરી એક વખત વિકલાંગ સર્ટિફિકેટ આપવું પડશે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ અધિકારીઓના મેડિકલ ટેસ્ટ અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને એઈમ્સમાં થાય તેવી સંભાવના છે. નોંધનીય બાબાત છે કે IPS અને IFS અધિકારીઓમાં પણ તપાસ આવે તેવી શક્યતાઓ સેવાય રહી છે. તમામ અધિકારીઓને ફરીથી આ નવુ વિકલાંગ સર્ટિફિકેટ યુપીએસસી સમક્ષ રજૂ કરવાનું રહેશે.