Home Blog Page 1583

મુંબઈ: કાંદીવલીમાં સાહિત્યિક કાર્યક્રમ ‘અનુવાદ આદાનપ્રદાન ‘નું આયોજન

મુંબઈ: એક ભાષાનું સાહિત્ય જ્યારે બીજી ભાષામાં અનુવાદિત થાય છે ત્યારે એ સાહિત્યનો સમય, ત્યાંની સંસ્કૃતિ, સંવેદના અને માનવજીવનના ધબકારા પણ બીજી ભાષાના ભાવક સુધી પહોંચે છે. 10 ઑગસ્ટ, શનિવારે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તથા કેઈએસ ગુજરાતી ભાષાભવનના ઉપક્રમે ‘અનુવાદ આદાનપ્રદાન’ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

દિનકર જોષી, કલ્પના દવે, અભિજિત ચિત્રે અને દર્શના ઓઝા

વરિષ્ઠ સર્જક દિનકર જોષી આ કાર્યક્રમની ભૂમિકા માંડતું વક્તવ્ય આપશે. ડૉ. કલ્પના દવે ગુજરાતી અને મરાઠી ભાષાના નવલકથા તથા નિબંધના અનુવાદની વાત કરશે. કવયિત્રી પ્રતિમા પંડ્યા ગુજરાતી અને મરાઠી ભાષાની કવિતાના આદાનપ્રદાનની વાત કરશે. જ્યારે ડૉ. દર્શના ઓઝા ભારતીય તથા અન્ય ભાષાઓ તથા ગુજરાતી ભાષાના સાહિત્યના આદાનપ્રદાન વિશે સંચાલનમાં વાત વણી લેશે.

જાણીતા નાટ્ય કલાકાર અભિજિત ચિત્રે કેટલાક ઉત્તમ અંશોનું વાચિકમ કરશે. આ કાર્યક્રમની પરિકલ્પના સંજય પંડ્યાએ કરી છે. કાર્યક્રમનું આયોજન કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલના હૉલમાં, કાંદિવલી ખાતે સાંજે 5:30 કલાકે કરવામાં આવ્યું છે. ઈચ્છુક દરેક સાહિત્યપ્રેમી આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.

દેશમાં સતત વધી રહ્યા છે હિટ એન્ડ રનના કેસ

નવી દિલ્હીઃ દેશમાં હાલમાં BMW અને પુણેમાં થયલો પોર્શે હિટ એન્ડ રન કેસે ફરી એક વાર ડ્રાઇવરોની વધતી અસંવેદનશીલતાને સમાચારો લાવી દીધી છે. હિટ એન્ડ રન મામલે એક ચોંકાવનારો ડેટા સામે આવ્યો છે. વર્ષ 2022માં હિટ એન્ડ રનની કુલ 67,387 ઘટનાઓ બની હતી, જેમાં આશરે 30,486 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ડેટા પાછલા 10 વર્ષોમાં સૌથી વધુ છે.

રસ્તા પર બનતી અકસ્માતની ઘટનાઓ કે જ્યાં અપરાધીઓ ઘટનાનો રિપોર્ટ કર્યા વગર કે પીડિતોની મદદ કર્યા વિના ઘટનાસ્થળેથી ભાગી જાય છે. છેલ્લા એક દાયકામાં આ કેસો સતત વધી રહ્યા છે.

રોડ પરિવહન અને હાઇવે મંત્રાલયના ડેટા અનુસાર વર્ષ 2013માં દેશમાં આશરે 49,576 હિટ એન્ડ રનના કેસ નોંધાયા હતા, જે વર્ષ 2018માં વધીને 69,822 પર પહોંચ્યા હતા.

છેલ્લાં પાંચ વર્ષોનો ડેટા જોઈએ તો 2018માં 69,822 કેસોમાં (28,619), 2019માં 69,621 (29,354), 2020માં 52,448 (23,159), 2021માં 57,415 25,938) કેસો નોંધાયા હતા.

સરકારના હિટ એન્ડ રન કેસના નવા નિયમો અનુસાર જો કોઈ વાહનની ટક્કરથી કોઈનું મૃત્યુ થાય છે અને ડ્રાઈવર પોલીસને જાણ કર્યા વિના ત્યાંથી ફરાર થઈ જાય છે, તો તેને 10 વર્ષ સુધીની સજા થશે. આ સિવાય તેના પર સાત લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવશે. જોકે હિટ એન્ડ રન કાયદાનો યુપી, બિહાર, દિલ્હી, હરિયાણા, મુંબઈ, ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત ઘણાં રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો હતો. નવા નિયમને લઈને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

મુંબઈની હાજી અલી દરગાહ માટે અક્ષય કુમારે લીધો આવો નિર્ણય

મુંબઈ: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર હાલમાં તેની આગામી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અભિનેતાની આ વર્ષની આ ત્રીજી ફિલ્મ છે, જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અક્ષય કુમાર એક સારા અભિનેતા હોવા ઉપરાંત તેની ઉદારતા માટે પણ જાણીતા છે. અક્ષય કુમાર ક્યારેય લોકોની મદદ કરવામાં પાછી પાની કરતા નથી. ઘણા પ્રસંગોએ અભિનેતા લાખો અને કરોડો રૂપિયાનું દાન કરતા જોવા મળ્યા છે. ત્યારે હવે ફરી અભિનેતાએ કંઈક એવું જ કર્યું છે, જેના કારણે તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

દરગાહ માટે કરોડોનું દાન
હકીકતમાં, તાજેતરમાં અક્ષય કુમારે મુંબઈમાં હાજી અલી દરગાહની મુલાકાત લીધી હતી, જ્યાં હાજી અલી દરગાહ ટ્રસ્ટ અને માહિમ દરગાહ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સુહેલ ખંડવાનીએ તેમની ટીમ સાથે અભિનેતાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અક્ષય કુમારની દરગાહ પર નમાજ પઢતા હોવાની ઘણી તસવીરો પણ વાયરલ થઈ રહી છે. આટલું જ નહીં અક્કીએ દરગાહ જઈને વધુ એક ઉમદા કાર્ય કર્યું છે, જેની ચર્ચા અત્યારે દરેક જગ્યાએ થઈ રહી છે. અભિનેતાએ દરગાહના એક ભાગને ફરીથી બનાવવાની જવાબદારી લીધી છે અને આ માટે અક્ષયે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. હાજી અલી દરગાહ ટ્રસ્ટ અનુસાર અક્ષય કુમારે હાજી અલી દરગાહ માટે લગભગ 1 કરોડ 21 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. લોકો અક્ષયની આ ઉદારતાની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

અક્ષય કુમાર લંગર પીરસતા જોવા મળ્યા

નોંધનીય છે કે આ પહેલા અક્ષયે મુંબઈમાં પોતાના ઘરે લંગરનું આયોજન કર્યું હતું. આ દરમિયાન અભિનેતાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં અક્ષય કુમાર પોતે લંગરમાં ભોજન પીરસતા જોવા મળ્યા હતા. જોકે આ દરમિયાન અક્ષયે પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કેપની સાથે માસ્ક પણ પહેર્યો હતો પરંતુ તે પછી પણ ચાહકો તેને ઓળખી ગયા. અક્ષયના આ વીડિયોએ પણ લોકોના દિલ જીતી લીધા હતા.

અક્ષય કુમારના કામની વાત કરીએ તો તેની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ સિવાય અક્ષય કુમાર ‘સિંઘમ અગેન’, ‘હેરા ફેરી 3’ અને ‘વેલકમ ટુ ધ જંગલ’ જેવી ઘણી ફિલ્મોમાં પણ જોવા મળવાના
છે.

ઓશોના આશ્રમ ખાતે ભવ્ય મોનસૂન ફેસ્ટિવલનું આયોજન

મહારાષ્ટ્ર: પુણેમાં આવેલા ઓશો ઈન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટ ખાતે આગામી 11મી ઓગષ્ટથી લઈને 15મી ઓગષ્ટ સુધી ઓશો ધ્યાન અને સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઓશોના અનુયાયીઓનું માનવું છે કે વર્ષાઋતુ હંમેશા મહાન સંગીતને પ્રેરણા આપે છે. પછી તે શાસ્ત્રીય સંગીત હોય કે સિનેમા જગતનું સંગીત. ઓશો દ્વારા સંગીતનો ઉપયોગ ધ્યાન માટે કરવામાં આવ્યો છે. તેમણે સંગીત અને ધ્યાનને લઈને અનેક પ્રયોગો કર્યા છે. ઓશોના મોટાભાગના ધ્યાન મનોવૈજ્ઞાનિક પ્રભાવ, સૂર અને લયની ધૂન પર રચાયેલા છે.ઓશોનું કહેવું છે કે, “સંગીત ધ્યાનથી ઉત્પન્ન થાય છે અને પછી સંગીત મૌન છે.”  આ ધ્યાન અને સંગીત મહોત્સવમાં આ વર્ષે કેટલાંક પ્રસિદ્ધ સંગીતકારોને ઓશો ઈન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. અનુપ જલોટા, જશપિંદર નરૂલા, ઉદય રામદાસ, મિલીંદ તુલનકર અને મિલીંદ દાતેનો તેમાં સમાવેશ થાય છે. દર વર્ષે આ કાર્યક્રમમાં હજારો લોકો ભાગ લેતાં હોય છે. આ વર્ષે પણ આશ્રમ હજારો લોકોથી ભરેલું હશે. આ બધાં જ લોકો એકસાથે ધ્યાન કરે છે. ભારત ઉપરાંત દુનિયાના અલગ-અલગ દેશોમાંથી ઓશોના ફોલોઅર્સ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ખાસ આવતા હોય છે.

100 ગ્રામ નહીં, સવા મણના સવાલો!

લાગે છે ફિલ્મી, પણ વાત વાસ્તવિક છે. કુશ્તીબાજ વિનેશ ફોગટના સંઘર્ષ પરથી ફિલ્મ બની, હીટ ગઇ અને એ પછી ય ફિલ્મીઢબે બનતી ઘટનાઓ હજુ એનો પીછો છોડતી નથી. ખૂબ મહનત કરી, સંઘર્ષો સામે ઝઝૂમી. એના પરથી બનેલી ફિલ્મે એને વધારે પ્રસિધ્ધિ અપાવી. એના કરતાં ય વધારે ચર્ચામાં આવી એ મહિલા રમતવીરોના થતા શોષણના મુદ્દે સત્તા સામે સંઘર્ષમાં ઉતરી ત્યારે. અહીંથી પછડાયા પછી એ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલના દરવાજે દસ્તક દઇને ફરી દેશભરમાં છવાઇ ગઇ. અને, ફક્ત ચોવીસ જ કલાકમાં બાજી બદલાઇ ગઇ. એકસો ગ્રામ વજનના મુદ્દે સ્પર્ધામાંથી બહાર અને હતાશા સાથે ખેલમાંથી નિવૃત્તિની જાહેરાત. એક મહિલા એથલીટના જીવનમાં આનાથી વધારે નાટ્યાત્મકતા બીજી કેવી હોય?
વેલ, બે દિવસથી વિનેશ ચર્ચામાં છવાયેલી છે. હજુ ય રહેશે. બધા જ પ્રકારના અભિપ્રાયો અને થિયરીઓ બધી દિશાઓમાંથી ફેંકાઇ રહી છે, પરંતુ આખા ય ઘટનાક્રમને બધી દિશાએથી ફંફોસ્યા પછી પણ અમુક મુદ્દાઓ એવા છે, જે ચર્ચા માગી લે છે.

એકઃ વિનેશ ફોગટને ફાઇનલમાંથી બહાર મૂકવાના મામલે નિયમો કે ઓલિમ્પિક સત્તાવાળાઓ સામે સવાલ ઉઠાવવાનો મતલબ નથી. નિયમ એ નિયમ છે અને એ કોઇપણને લાગુ પડે જ. 50 કિલોગ્રામની સ્પર્ધામાં વજન વધારે ન હોવું જોઇએ તો ન જ હોવું જોઇએ. પછી એ ‘વધારો’ એકસો ગ્રામનો હોય કે એક હજાર ગ્રામનો. એનાથી ફરક ન જ પડે. તો પછી શા માટે નિયમ સામે સવાલો ઉઠાવવામાં આવે છે?

બેઃ સવાલ એ છે કે, હજુ આગલા દિવસે જ વિનેશ ત્રણ રાઉન્ડ જીતી હતી. એ દિવસે એનું વજન 49.9 કિલોગ્રામ હતું. કુશ્તીમાં આંતરરાષ્ટ્રીયસ્તરે અપરાજિત પહેલવાન યુઇ સુસાકીને પછાડનારી વિનેશ બીજે દિવસે રમાનારી ફાઇનલમાં વજનના નિયમને લઇને અજાણ‌ ન હોય એ શક્ય નથી. એની સપોર્ટ ટીમ કે ઇન્ડિયન ઓલિમ્પિક સંઘ પણ આ નિયમોથી અજાણ હોય એ શક્ય નથી તો પછી ચોવીસ કલાકમાં એનું વજન એટલું કેમ વધવા દેવાયું કે સ્પર્ધાના દિવસે એ કંટ્રોલ ન થઇ શકે? સવાલ વિનેશના ડાયેટિશ્યન-ન્યુટ્રીશનિસ્ટ અને સપોર્ટ ટીમ સામે પણ થવા જોઇએ.

ત્રણઃ કેટલાક અહેવાલો એવું કહે છે કે, વિનેશની પસંદગી 53 કિલોગ્રામ વજનની શ્રેણી હતી. જો આ સાચું હોય તો એ 50 કિલોગ્રામની શ્રેણીની સ્પર્ધામાં કેમ ઉતરી? આ એની પસંદગી હતી કે મજબૂરી? આ નિર્ણય એનો હતો કે ભારતીય કુશ્તી સંઘનો? જો એ 53 કિલોગ્રામની શ્રેણીમાં વધારે કમ્ફર્ટેબલ હોય તો તેણે 50 કિલોગ્રામની શ્રેણીમાં ભાગ લેવો જ ન જોઇએ.

ચારઃ વિનેશના મુદ્દે કેન્દ્રિય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આપેલા નિવેદનમાં વિનેશ માટે સરકારે આંતરરાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાત સહાયકો, પર્સનલ આસિસ્ટન્ટ સહિત તાલીમ-પ્રશિક્ષણ માટે રૂપિયા 70.45 લાખ ખર્ચ્યા હોવાનો ઉલ્લેખ હતો. સરકાર એક રમતવીર માટે કેટલા રૂપિયા ખર્ચે છે એ મહત્વનું નથી, હોવું ન જ જોઇએ. પણ અહીં સવાલ એ થાય છે કે, આટલી મોંઘીદાટ ફી ચૂકવ્યા પછી ય આ નિષ્ણાતો અને વિનેશની સપોર્ટ ટીમ વજનની વાતનું ધ્યાન કેમ ન રાખી શકી? આવી સ્પર્ધાઓમાં એથલીટ્સ સાથે સરકારી ખર્ચે પરદેશ ફરતી સપોર્ટ-મેનેજમેન્ટ ટીમની જવાબદેહી પણ નક્કી થવી જોઇએ કે નહીં? મોટાભાગે આ ટીમમાં એસોસિએશનના હોદ્દેદારો અને એમના લાગતાવળગતા મળતિયાઓ જ ઘૂસેલા હોય છે અને સરકારી ખર્ચે પરદેશમાં મોજમજા કરતા હોય છે.

પાંચઃ વિનેશ ફોગટનો મુદ્દો વધારે ઉગ્રતાથી ચર્ચાવાનું એક કારણ એનું મહિલા પહેલવાનોના શોષણના મામલે સ્ટેન્ડ છે. કુશ્તી સંઘના બ્રીજભૂષણની ‘પહેલવાનગિરી’ સામે જે રમતવીરો ‘અખાડામાં’ ઉતર્યા એમાં વિનેશ મોખરે હતી. સરવાળે, ભારતમાં જે થાય છે એ જ થયું. સરકાર તરફી અને સરકાર વિરોધી લોબી પહેલવાનોને લઇને સામસામે આવી ગઇ. વિનેશ એક લોબી માટે હીરો હતી તો બીજી માટે વિલન. આ જ વિનેશ 6 ઓગસ્ટના રોજ ત્રણ હરીફોને પછાડીને ફાઇનલમાં આવી એટલે વિનેશ તરફી લોબીને મોકો મળી ગયો, સરકાર તરફી લોબીને સંભળાવવાનો. બસ, વિનેશ બાજુમાં રહી ગઇ અને આ બન્ને લોબી ઓનલાઇન કુશ્તીમાં એકબીજાને પછાડવામાં લાગી ગઇ!

સરવાળે, આખાય ઘટનાક્રમમાં સત્ય શું છે એ શોધવાનું રહી ગયું. હતાશામાં ડૂબેલી વિનેશે હવે નિવૃત્તિની જાહેરાત કર્યા પછી તમે એના ગમે એટલા વખાણ કરો, આશ્વાસનની ફિલોસોફીઓ ફટકારો કે એનું સમ્માન કરો, પણ વિનેશે ભોગવેલી પીડાનો ઘાવ ક્યારેય રૂઝાવાનો નથી.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)

RBIએ વ્યાજદર યથાવત્ રાખતાં સેન્સેક્સ 582 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં રિઝર્વ બેન્કની ધિરાણ નીતિની સમિતિ દ્વારા સતત નવમી વાર રેપો રેટને 6.5 ટકા યથાવત રાખવાના નિર્ણયથી ઘરેલુ શેરબજારોમાં વેચવાલી ફરી વળી હતી. જેથી વીકલી એક્સપાયરીના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી 50 ઘટાડા સાથે બંધ થયા હતા. રોકાણકારોના 2.79 લાખ કરોડ ડૂબ્યા હતા.

સ્થાનિક બજારમાં રિઝર્વ બેન્કની ધિરાણ નીતિના નિર્ણય પછી બેન્કિંગ, ફાઇનાન્સ, ઓટો અને રિયલ એસ્ટેટ શેરોમાં ઇન્ટ્રા-ડેમાં બજારના અંતે સુધારો જોવા મળ્યો હતો. સૌથી વધુ સુધારો બેન્કિંગ શેરોમાં જોવા મળ્યો હતો. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 581.79 પોઇન્ટ તૂટીને 78,886.22ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી50 ઇન્ડેક્સ 180.50 પોઇન્ટ તૂટીને 24,117ના સ્તરે બંધ થયો હતો.નિફ્ટીના 50માંથી 37 શેરો ઘટીને બંધ રહ્યા હતા.

નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 50,440.75ની સપાટીથી ઘટીને 50,015ની સપાટીએ પહોંચ્યો હતો, પણ એ ત્યાંથી રિકવર થઈને ટ્રેડિંગ સેશનને અંતે 50,156.70ના મથાળે બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટીએ છેલ્લા એક મહિનામાં મિશ્ર રિટર્ન આપ્યું છે.

બજારમાં GSTના દરોમાં કાપના અહેવાલો પછી ઇન્શ્યોરન્સ ક્ષેત્રના શેરોમાં તેજી થઈ હતી. જોકે મેટલ શેરોમાં વેચવાલીનું દબાણ હતું. નિફ્ટી મેટલ બે ટકા તૂટ્યો હતો.

BSE એક્સચેન્જ પર કુલ 4014 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1831 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2081 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 102 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 235 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 25 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટે પહોંચ્યા હતા.

 

CM ભૂપેન્દ્ર પટેલે તિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો

સમગ્ર દેશમાં 8મીથી 15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે.ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 8મી ઓગસ્ટ, ગુરુવારે સવારે પોતાના નિવાસ સ્થાનની અગાશીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સ્વયં સહભાગી થયા છે અને રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.ગુજરાતમાં આ હર ઘર તિરંગા અંતર્ગત 40થી 50 લાખ તિરંગાનું વિતરણ થવાનું આયોજન કરાયું છે.

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે.આ વર્ષે હર ઘર તિરંગા અંતર્ગત ત્રિરંગા રેલી, ત્રિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેલા જેવા બહુવિધ કાર્યક્રમો રાજ્યમાં યોજાવાના છે.આ હર ઘર તિરંગા અભિયાન 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાઝ જગાવનારું રાષ્ટ્ર ચેતના અભિયાન બને તેવી નેમ રાખવામાં આવી છે.

શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ દેશ ભક્તિની થીમ ઉપર ફેન્સી ડ્રેસ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તથા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીને પુરસ્કારથી સન્માનિત કરાશે. શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને આઝાદી તેમજ તિરંગાનું સન્માન જળવાય તે અંગેની વધુ સમજ પણ આપવામાં આવશે.રાજ્યના તમામ જિલ્લાઓમાં ૫૦ લાખથી વધુ તિરંગાઓનું વિતરણ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ શહેરોના ચાર રસ્તાઓ ઉપર નાગરીકોને તિરંગાનું વિતરણ પણ કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા રાજ્યની એસ.ટી. બસોમાં પણ મુસાફરોને તિરંગાનું વિતરણ કરવામાં આવશે.

પેરિસ ઓલિમ્પિક : ભારતીય કુસ્તીબાજ પર લાગશે પ્રતિબંધ

પેરિસ ઓલિમ્પિક 2024 પહેલાથી જ સફળતાના સંદર્ભમાં ભારત માટે નિરાશાજનક સાબિત થઈ રહ્યું છે. એક પછી એક દરેક રમતમાં દેશની આશાઓ તૂટી રહી છે અને ભારતીય ખેલાડીઓ મેડલ જીતવામાં નિષ્ફળ જઈ રહ્યા છે. જો આટલું પૂરતું ન હતું તો હવે દેશને શરમાવે તેવા સમાચાર પણ આવવા લાગ્યા છે. ભારતની યુવા કુસ્તીબાજ આખરી અંતિમ પંઘાલ માટે પ્રથમ ઓલિમ્પિક સતત ખરાબ અનુભવ સાબિત થઈ રહ્યો છે. અંતિમ પંઘાલ જે તેની પહેલી જ લડાઈમાં હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી, તે હવે પ્રતિબંધના ભયનો સામનો કરી રહી છે. પંઘાલ પર આરોપ છે કે તેણે તેની બહેનને તેના માન્યતા કાર્ડનો ઉપયોગ કરીને ગેમ્સ વિલેજમાં મોકલવાનો પ્રયાસ કરીને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, જે પછી હોબાળો થયો હતો.

બુધવારે વિનેશ ફોગાટને ફાઇનલમાં અયોગ્ય ઠેરવવાને લઈને દેશભરમાં હોબાળો થયો હતો, ત્યારે ફાઇનલિસ્ટ પંઘાલ તેની મેચ માટે બહાર આવી હતી. તે 53 કિગ્રા વર્ગમાં ભાગ લઈ રહી હતી પરંતુ તેને પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને તે બહાર થઈ ગઈ હતી. આ પછી પેરિસથી મોડી રાત્રે મીડિયા અહેવાલો બહાર આવ્યા કે બાદમાંની બહેનને પેરિસ પોલીસે અટકાયતમાં લીધી છે, જ્યારે તેના કોચ પર કેબ ડ્રાઇવર સાથે ઝઘડો કરવાનો આરોપ છે. બાદમાં પોલીસ દ્વારા બોલાવવામાં આવી હોવાના અહેવાલો પણ હતા.

IOA 3 વર્ષનો પ્રતિબંધ લગાવશે

આ અહેવાલ આવ્યા બાદથી જ હોબાળો મચી ગયો છે અને પેરિસમાં ભારતીય ટુકડીને શરમનો સામનો કરવો પડ્યો છે. એવું માનવામાં આવે છે કે ભારતીય ઓલિમ્પિક સંઘ આ વિવાદથી બિલકુલ ખુશ નથી. પીટીઆઈએ IOAના સૂત્રોને ટાંકીને કહ્યું કે બાદમાંની આ કાર્યવાહીને કારણે તેની સામે કાર્યવાહીની તૈયારી કરવામાં આવી રહી છે. ભારતીય ટુકડીના એક સભ્યને ટાંકવામાં આવ્યું છે કે IOA અધિકારીઓએ આ બાબતે ચર્ચા કરી હતી અને આખરે પંઘાલ પર 3 વર્ષનો પ્રતિબંધ લાદવાનું વિચારી રહ્યા છે. માત્ર કોચ જ નહીં પરંતુ તેના કોચ પર પણ પ્રતિબંધ લગાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

પેસેજ માઈગ્રન્ટ પ્રવાસી પક્ષીઓનું નવું આશ્રય સ્થાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન…

(સિરકીર મલકોહા- કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર)

ઉનાળા અને ચોમાસાની ઋતુમાં અનેક પ્રવાસી પક્ષીઓ એશિયા અને યુરોપથી આફ્રિકા માઈગ્રેશન કરે છે. આ ઉપરાંત ભારતીય ઉપખંડમાં પણ અનેક પ્રવાસી પક્ષીઓ વિવિધ જરૂરીયાતો માટે પ્રવાસ કરે છે.

ગુજરાતમાં કચ્છતો એક આશ્રય સ્થાન હતું જ પણ, હવે કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન પણ આવા પેસેજ માઈગ્રન્ટ પ્રવાસી પક્ષીઓ માટે ટુંકા રોકાણ માટેનું આશ્રય સ્થાન બન્યું છે.

યુરોપીયન નાઈટ જાર, લોંગ ઈઅર આઉલ, સાયક્સ નાઈટજાર, સલ્ફર-બેલીડ વોર્બલર થી માંડી ઈન્ડિયન પીતા, ઈન્ડિયન પેરેડાઈઝ ફ્લાઈકેચર, સરકીર માલકોહા જેવા અનેક પક્ષીઓ જેના કયારેય વેળાવદર આસપાસ રેકોર્ડ નહતા તે આજકાલ જોવા મળી રહ્યા છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને તેની આસપાસ ઉનાળા અને ચોમાસાની ઋતુમાં થોડી મહેનત થી આ પક્ષીઓ જોવા મળી જાય છે.

આમ હાઈના અને વુલ્ફ માટે જાણીતું કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન આજકાલ પક્ષી પ્રેમીઓને પણ આકર્ષી રહ્યું છે.

આવતીકાલથી કોંગ્રેસની ન્યાય યાત્રા, રાહુલ ગાંધી જોડાશે

શુક્રવારથી ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાતની દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય મળે એ માટે મોરબીથી ન્યાયયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં અવશે. જે 23 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં પૂર્ણ થશે. બીજી તરફ રાજ્ય સરકારની તિરંગાયાત્રાની શરૂઆત રાજકોટથી કરવામાં આવશે.

 

આ તિરંગાયાત્રામાં કેન્દ્રીય આરોગ્યમંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જે. પી. નડ્ડા પણ ઉપસ્થિત રહેશે. રેસકોર્સના બહુમાળી ભવન ચોકથી આ યાત્રા શરૂ કરી જ્યુબેલી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાં સુધી દોઢ કિલોમીટરની આ યાત્રાનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. કોંગ્રેસની ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.


જીગ્નેશ મેવાણીએ કરી અપીલ

ભાજપના ભ્રષ્ટાચારના કારણે રાજકોટ ગેમિંગ ઝોનમાં 12 બાળકો સહિત 27 નિર્દોષ લોકોના મોત થયા હતા. મોરબી, તક્ષશિલા, અમદાવાદમાં બનેલી ઘટનાઓમાં 240 ના મોત થયા છે. પીડિતોને ન્યાય અપાવવા માટે 9 અગસ્ટે સવારે 9 વાગ્યાથી ગુજરાત ન્યાય યાત્રા શરૂ થશે. આવો સૌ સાથે મળીને યાત્રામાં જોડાઈએ.

 

મુખ્યમંત્રી રાજકોટથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવશે

આગામી 15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની શરૂઆત રાજકોટથી કરવામાં આવશે. આ યાત્રાનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જે. પી. નડ્ડાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવી છે. તિરંગાયાત્રાની ઉજવણી અંગે વાત કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યનાં મુખ્ય 4 મહાનગરમાં તિરંગાયાત્રા યોજાશે. 10 તારીખે રાજકોટ, 11 તારીખે સુરત, 12 તારીખે વડોદરા અને 13 તારીખે અમદાવાદમાં તિરંગાયાત્રા યોજાશે.