Home Blog Page 1574

ચંદ્રયાન -3ની સફળતાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી

ગાંધીનગર: 23 ઑગસ્ટ, 2023 એ ભારત માટે એક ઐતિહાસિક દિવસ તરીકે નોંધાયો. ચંદ્રયાન-3 દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતર્યા પછી, ભારત દુનિયામાં ચંદ્ર પર પગ મુકનાર ચોથી દેશ બન્યો. આ ઐતિહાસિક સિદ્ધિની યાદમાં, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 ઓગસ્ટને “રાષ્ટ્રીય અવકાશ દિવસ” તરીકે જાહેર કર્યો હતો. “Touching Lives While Touching the Moon: India’s Space Saga” થીમ પર આધારિત આ ઉજવણીનો હેતુ દેશની અવકાશની ઉપલબ્ધિઓને ઉજાગર કરવાનું અને યુવાધનને તેના વિકાસમાં યોગદાન અને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉત્સવ સમગ્ર દેશમાં ઉજવાશે, જેમાં મુખ્ય કાર્યક્રમ 22-23 ઑગસ્ટ, 2024ના રોજ નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં યોજાશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) દ્વારા SAC-ISRO અમદાવાદના સહયોગ સાથે 10 ઑગસ્ટ, 2024ના રોજ જીબાબેન પટેલ (કનિસા) મેમોરિયલ ઓડિટોરીયમ, IITGN ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રના વિખ્યાત વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોની ઉપસ્થિતિ રહી, જેમ કે SAC ISROના વૈજ્ઞાનિક-SG પ્રદીપ સોની, પુણેના IUCAA પ્રોફેસર ગુલાબ દ્વાનગન, અમદાવાદ PRLના એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સ ડિવિઝનના  પ્રોફેસર શશિકિરણ ગણેશ, પુણે STO-F R&D IUCAAના ડૉ. સુરેશ દોરાવરી અને અમદાવાદ SAC-ISROના IN-SPACe પ્રોગ્રામ મેનેજમેન્ટ અને ઓથોરાઇઝેશનના ડેપ્યુટી ડિરેક્ટર પ્રણવ સિંહ આ તમામ વિદ્વાનો દ્વારા અવકાશ વિજ્ઞાનના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિશે પ્રેરણાત્મક પ્રવચનો આપવામાં આવ્યા.

તેમના ઉદ્ઘાટન સંબોધનમાં, સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC/ISRO)ના ડિરેક્ટર નિલેશ એમ. દેસાઈ દ્વારા ચંદ્રયાન- 3 ના સફળ અવતરણમાં SACના યોગદાન અને મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું “લોકો ISRO વિશે જાણે છે, પરંતુ બહુ ઓછા લોકોને SAC વિશે માહિતી છે. SAC એ ISRO ની એક વિશિષ્ટ પહેલ છે, જે વિવિધ ક્ષેત્રોમાં પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે”.  ભારત દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ અવકાશ પહેલનો સંક્ષિપ્ત ઇતિહાસ લખતા, તેમણે અવકાશ વિજ્ઞાનને સામાન્ય લોકો માટે સુલભ બનાવવા માટે આજના કાર્યક્રમના મહત્વને રેખાંકિત કર્યું.

ચંદ્રયાન-3 ના સફળ ઉતરાણમાં SAC ના યોગદાન વિશે વાત કરતા, શ્રી પ્રદીપ સોનીએ ટિપ્પણી કરી કે “SAC એ ઉતરાણ પ્રક્રિયામાં અભિન્ન ભૂમિકા ભજવી હતી. ચંદ્રનો દક્ષિણી પ્રદેશ એકદમ અન્દોષિત રહ્યો છે. તે છતાં, અમે માત્ર લેન્ડિંગ સાઇટ જ નક્કી કરવા સાથે, ચંદ્રના સપાટીનું જીવંત પ્રસારણ પણ સમગ્ર દુનિયને બતાવ્યું હતું.” મિશનની ટેકનિકલ વાતોની ચર્ચા કરતાં, તેમણે ચંદ્રયાન – 4 વિશે પણ વાત કરી. એક મિશન જેનો હેતુ વધુ પરીક્ષણ અને સંશોધન માટે ચંદ્ર પરથી નમૂનાઓ લાવવાનો છે.

ગુલાબ દેવાંગન, શશિકિરણ ગણેશ અને સુરેશ દોરાવરીએ અવકાશ વિજ્ઞાનના વિવિધ પાસાઓ, જેમ કે મલ્ટી-વેવલેંગ્થ એસ્ટ્રોનોમી, ગ્રેવિટેશનલ વેવ્ઝ અને સ્પેસ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીને ચર્ચા કરી. દરેક વ્યાખ્યાન પછી પ્રેક્ષકો સાથે એક ઇન્ટરેક્ટિવ સત્ર કરવામાં આવ્યું હતું, જ્યાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ અવકાશ અને ટેકનોલોજીને લગતા અનેક પ્રશ્નો પૂછ્યા હતા. પ્રણવ સિંહે આવા ઉત્સાહી વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ વિવિધ કારકિર્દીના અવસરોથી પરિચય કરાવ્યો અને IN-SPACeની ભૂમિકા પર ભાર મૂક્યો. આ કાર્યક્રમનો સમાપન IITGNના ફિઝિક્સ વિભાગના એસોસિયેટ પ્રોફેસર પ્રોફેસર આનંદ સેનગુપ્તા દ્વારા આભાર વિધિ સાથે કરવામાં આવ્યો, જેમણે આવા કાર્યક્રમોના આયોજન અને ભારતમાં અવકાશ સંશોધન અને અન્વેષણને આગળ વધારવામાં આંતર પેઢી જ્ઞાન વહેંચવાની મહત્વતાને ઊજાગર કરી.

450 હેલિપેડ, કરોડોનો ખર્ચઃ વીકે પાંડિયનની વિરુદ્ધ ભાજપ પગલાં લેશે

નવી દિલ્હીઃ સરકારી નાણાં કે કરદાતાનાં ટેક્સના પૈસાનો દુરુપયોગ થતો અટકાવવા માટે કડક સજાનો કાયદો ઘડવાનો સમય પાકી ગયો છે.  ઓડિશામાં લાંબા સમય સુધી સત્તામાં રહેલી પટનાયક સરકારની ચૂંટણીમાં હાર્યા પછી મુશ્કેલીઓનો દોર શરૂ થયો છે. પટનાયકના ખાસ સહયોગી વીકે પાંડિયનને લઈને તાજો મામલો છે. રાજ્યની ભાજપ સરકારે આરોપ લગાવ્યો હતો કે વિધાનસભા ચૂંટણીના સમયે વીકે પાંડિયને જે હેલિકોપ્ટરનો અને હેલિપેડ્સનો ઉપયોગ કર્યો હતો, એનો ખર્ચ તેમની પાર્ટીને બદલે BJDની સરકારે ઉઠાવ્યો હતો. તેમના માટે રાજ્યમાં કુલ 450 હેલિપેડ્સ બનાવવામાં આવ્યા હતા.

રાજ્યના વાણિજ્ય અને પરિવહન મંત્રી બિભૂતિ ભૂષણ જેનાએ તપાસ કરવાની વાત કહી હતી. કાનૂન મંત્રી હરિચંદને પણ કહ્યું હતું કે આ ગંભીર મામલો છે. આખરે કોના આદેશ પર અને કોના માટે ખર્ચ થયો એની તપાસ થવી જોઈએ. વીકે પાંડિયન ભૂતપૂર્વ IAS અધિકારી હતા અને નોકરી છોડીને રાજકારણમાં આવી ગયા હતા. ત્યારે તેઓ CM નવીન પટનાયકના બહુ નજીકના હતા અને સરકાર અને પાર્ટીમાં બહુ પ્રભુત્વ ધરાવતા હતા.

ઓડિશામાં RTI કાર્યકર્તાના એક જૂથે 24 જુલાઈએ પાંડિયનની વિરુદ્ધ  હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ ફ્લાઇટ્સના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે BJD પદાધિકારી સંબિત રાઉત્રેએ કહ્યું હતું કે ભાજપ, કોંગ્રેસે રાજ્યમાં વિકાસ કેટલો થયો છે એના પર ધ્યાન આપવું જોઈએ. તેમને એ વાતની ચિંતા કેમ છે કે કોણે ક્યાં સવારી કરી?

નવીન પટનાયકના નેતૃત્વવાળી BJD સરકાર પાંચ માર્ચ, 2000એ ઓડિશામાં સત્તા પર આવી હતી. પટનાયક સરકાર 24 વર્ષ સતત સત્તમાં રહી હતી. આ સરકારનો કાર્યકાળ 12 જૂન, 2024એ પૂરો થયો, ત્યાર બાદ ભાજપ સત્તામાં આવી હતી અને રાજ્યમાં 15મા CM તરીકે મોહન ચરણ માઝીએ સરકાર બનાવી હતી.

 

વિનેશ ફોગાટના વજન મામલે શું કહ્યું પીટી ઉષાએ? આ કોની જવાબદારી?

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને ફાઈનલ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવેલો ઓલિમ્પિક પુરો થયા બાદ પણ સમાચારોમાં રહ્યો છે. વિનેશને 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. હવે ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના પ્રમુખ પીટી ઉષાએ આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે વજનને નિયંત્રિત કરવાની જવાબદારી એથ્લેટ અને તેના કોચની છે. આ માટે મેડિકલ ટીમને દોષ આપવો યોગ્ય નથી.

વાસ્તવમાં, ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલ પહેલા અયોગ્ય ઠેરવવામાં આવી હતી. આ પછી તેણે સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલમાં તેને સંયુક્ત સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી. હવે આ મામલે ચુકાદો 13 ઓગસ્ટ એટલે કે મંગળવારે સાંજે 6 વાગ્યા સુધીમાં આપવામાં આવશે. તો બીજી બાજુ ફાઈનલ પહેલા બહાર થયા પછી વિનેશે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. મહિલા રેસલરને ગેરલાયક ઠેરવ્યા બાદ સોશિયલ મીડિયા પર એક વિભાગ IOA મેડિકલ ટીમ, ખાસ કરીને ડૉ. દિનશા પારડીવાલા અને તેની ટીમ પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યો છે.

હવે IOA પ્રમુખ પીટી ઉષાએ આ મામલે ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું,”કુસ્તી, વેઇટલિફ્ટિંગ, બોક્સિંગ, જુડો જેવી રમતોમાં ખેલાડીઓના વેઇટ મેનેજમેન્ટની જવાબદારી દરેક એથ્લેટ અને તેના કોચની છે, અને IOAના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. દિનશા પારડીવાલા અને તેમની ટીમની નથી. IOA મેડિકલ ટીમ,ખાસ કરીને ડૉ. પારડીવાલા સામે નફરત અસ્વીકાર્ય છે, અમે કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તમામ હકીકતો પર વિચાર કરીશું.

ઉષાએ વધુમાં કહ્યું, “પેરિસ ઓલિમ્પિકમાં, દરેક ભારતીય એથ્લેટ પાસે આવી રમતોમાં તેમની પોતાની સહાયક ટીમ હતી. આ ટીમો ઘણા વર્ષોથી એથ્લેટ્સ સાથે કામ કરી રહી છે. IOAએ થોડા મહિના પહેલા એક મેડિકલ ટીમની નિમણૂક કરી હતી, જે ખેલાડીઓને સ્પર્ધા દરમિયાન મદદ કરે. તેમજ આ ટીમ બનાવવો એ પણ ઉદ્દેશ હતો કે જેમની પાસે અને ફિઝિયોથેરાપિસ્ટ નથી તેમને પણ ટીમ મદદ કરે.

 

ઉંદરના ત્રાસથી વસ્ત્રાપુર તળાવનો વિકાસ મોંઘો પડશે..

અમદાવાદ: શહેરના જાણીતા વસ્ત્રાપુર તળાવમાં રીડેવલમેન્ટ કાર્ય શરૂ હાથ ધરવામાં આવ્યું છે. આ વર્ષ અંત સુધીમાં લેકની રીડેવલમેન્ટ કામગીરી પૂર્ણ થવા છે. ત્યારે વસ્ત્રાપુર લેકના રીડેવલમેન્ટ કામગીરી આડે ઊંદરોના ત્રાસથી તળાવના વિકાસ પાછળ અંદાજે 14 કરોડથી વધુ રકમનો ખર્ચ કરાશે.

હાલ તળાવમાં વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે અહીં ઊંદરનો ત્રાસ હોવાની માહિતી મળી હતી. આ વચ્ચે મળતી માહિતી અનુસાર મ્યુનિ. તંત્રે દાવો કર્યો છે કે, તળાવમાં વોકવે સહિત જરૂરી જગ્યાએ કાચનું લેયર પાથરીને માટી નાખી આરસીસી કે પેવરબ્લોક કરાશે તો ઊંદરનો ત્રાસ નહીં રહે. જોકે તળાવમાં કરેલું કામ કેટલું ચાલશે તેની કોન્ટ્રાક્ટરે કોઇ ગેરંટી આપી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઊંદરોના લીધે મ્યુનિ.નું બજેટ ત્રણ કરોડ વધી ગયું હોવાનું મનાય છે. અગાઉ તળાવના વોકવે સહિતના વિકાસ પાછળ પાંચ કરોડના ખર્ચનો અંદાજ મુકાયો હતો. આ પછી કાચના લેયર સહિતના કામ વધી જતાં રૂપિયા ત્રણ કરોડનો વધારો કરાતા રિવાઇઝ ટેન્ડર કુલ આઠ કરોડનું થઇ ગયું છે. બજેટ વધ્યા પછી પણ ઉંદરો નહીં આવવાની ગેરંટી અપાઇ નથી. વસ્ત્રાપુર તળાવમાં ચાલવા જતાં લોકોને ઉંદરો જોવા મળે છે. કેટલાક સ્થળોએ માટીમાં મોટા હોલ થઇ ગયા છે. મ્યુનિ.એ ઉંદરોના ત્રાસને દૂર કરવા રિવાઇઝ ટેન્ડર કરી આપ્યું છે. જેમાં વોકવે સહિત ઉપર અને નીચના ભાગમાં માટી કાઢયા પછી એક મીટર નીચ કાચનું લેયર પાથરવાનું અને તેના પર માટી નાંખી, આરસીસી કે પેવરબ્લોકનું કામ કરાશે.

સાબરમતીના કાંઠે આવ્યું છે શિવજીનું આ પૌરાણિક મંદિર

પવિત્ર શ્રાવણમાસની શરૂઆત થઈ ગઈ છે. આજે શ્રાવણનો બીજો સોમવાર છે. ભાવિકો ભક્તિમાં લીન છે. ત્યારે વાત કરીએ અમદાવદના એક પ્રાચીન મહાદેવના મંદિરની.

અમદાવાદ શહેરનો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારેય તરફ વિકાસ થઈ રહ્યો છે. શહેરની મધ્યમાંથી નીકળતી સાબરમતી નદીને બેય કાંઠે કોતરપુરથી ગ્યાસપુર સુધી અનેક વર્ષો જુના  મંદિરોની સ્થાપના થયેલી છે. એમાં એક વિશિષ્ટ મંદિર છે જુના શાહવાડી ગામનું સોમનાથ મહાદેવનું મંદિર.

શહેરની સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બની છે, એ અંતરિયાળ વિસ્તારમાં નદીને અડીને આવેલા જુના શાહવાડી ગામ પાસે સોમનાથ મહાદેવનું મંદિર આવેલું હતું. ભુતકાળમાં સાબરમતીના પુરના પ્રકોપથી ગામનું સ્થળાંતર થઈ ગયું. જો કે મંદિર પરિસર ઋષિમુનિઓની સમાધિ સહિત અકબંધ છે.

આસપાસના કેમિકલના કારખાના અન્ય ઉદ્યોગોથી ભરચક વિસ્તારમાં સોમનાથ મહાદેવમાં ગૌશાળા અને યજ્ઞશાળા પણ છે. આ યજ્ઞશાળામાં સતત તમામ પ્રકારની ગ્રહોની વિધિ અને હોમ હવન, પૂજા પાઠ થતા રહે છે.  જો કે અહીં લગ્ન જેવા કેટલાક પ્રસંગો પર મનાઈ છે. આ પૌરાણિક મંદિરનું સંચાલન સુએઝ ફાર્મ ખેડૂત મંડળ દ્વારા કરવામાં આવે છે. શહેરના જુહાપુરા – વિશાલા સર્કલથી સાબરમતીના તુટેલા જર્જરિત પુલ પરથી નારોલ તરફ જતાં  માર્ગ પર પસાર થાઓ એટલે એક પાટિયું તમારું ધ્યાન ખેંચે છે ત્યાં છે એક હજાર વર્ષ જુનું સોમનાથ મંદિર.

(પ્રજ્ઞેશ વ્યાસ)

સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર ખોલવા માટે આપ્યો આદેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે છ મહિનામાં શંભુ બોર્ડરને આંશિક રીતે ખોલવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એમ્બ્યુલન્સ, સિનિયર સિટિજન્સ, મહિલાઓ અને વિદ્યાર્થીઓ વગેર માટે હાઇવે ખોલવાનો આદેશ આપ્યો છે. હાઇવેની બંને બાજુ એક-એક લેન ખોલવાનો કોર્ટે આદેશ આપ્યો છે. કોર્ટે હરિયાણા અને પંજાબના પોલીસ અધિકારીઓને આ સંબંધે એક સપ્તાહમાં મીટિંગ કરીને કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. આ મામલે આગામી સુનાવણી 22 ઓગસ્ટે કરવામાં આવશે.

કોર્ટે સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે શંભુ બોર્ડરની એક લેનને લોકો માટે ખોલી શકાય છે. હાઇવે ટ્રેક્ટરોના પાર્કિંગ માટે નથી. કોર્ટે હરિયાણા અને પંજાબના DGPને બોર્ડર ખોલવા માટે એક સપ્તાહમાં બેઠક કરીને રૂપરેખા બનાવવા માટે કહ્યું છે. કોર્ટે સુનાવણી દરમ્યાન બોર્ડર બંધ થવાથી સામાન્ય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ પહેલાં પહેલાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે શંભુ બોર્ડર ખોલવા નિર્દેશ આપ્યા હતા. હાઇકોર્ટનો આદેશ 10 જુલાઈએ આવ્યો હતો. હાઇકોર્ટના આદેશની વિરુદ્ધ હરિયાણા સરકાર સુપ્રીમ કોર્ટ ગઈ હતી.

કોર્ટે પંજાબ સરકારને પ્રદર્શનકારી ખેડૂતોને શંભુ બોર્ડરથી રસ્તા પરથી ટ્રેક્ટર દૂર કરવા માટે સમજાવવા નિર્દેશ આપ્યા છે. કોર્ટ એ દરમ્યાન ખેડૂતોના પ્રદર્શનને લઈને નારાજગી પણ વ્યક્ત કરી હતી. કોર્ટે  ખેડૂતોથી વાત કરવા માટે પ્રસ્તાવિત સમિતિ માટે બિન રાજકીય નામ સૂચવવા માટે પંજાબ, હરિયાણા સરકારોની પ્રશંસા કરી હતી.

બીજી તરફ ફેબ્રુઆરીથી અડગ ખેડૂતોએ હાઈકોર્ટના આદેશ બાદ દિલ્હી કૂચનું એલાન કરી દીધું હતું. સંયુક્ત કિસાન મોરચાના બિનરાજકીય સભ્ય જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું હતું કે અમે શંભુ બોર્ડર ખુલતાની સાથે જ તેઓ દિલ્હી કૂચ કરશે. 15મી ઓગસ્ટે ટ્રેક્ટર માર્ચ કરવાનો પણ નિર્ણય લીધો છે. આ ટ્રેક્ટર માર્ચ દેશભરમાં કાઢવામાં આવશે.

 

 

કાગળ પર કલમ ચલાવતા કર્મયોગીઓએ પર્યાવરણ માટે પાડ્યો પરસેવો

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ ખેડા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ નડિયાદ તાલુકાના પીપલગ ગામે 19,000 ચોરસ મીટર વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપ્યો છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્લાના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ એક નવી પહેલ તરીકે પીપલગ ગામના સર્વે નંબર 386ના 1.90 હૅક્ટર વિસ્તારમાં વિવિધ પ્રજાતિઓના લગભગ 4,000 રોપાઓ વાવીને ‘કર્મયોગી વન’ તૈયાર કરવામાં આવ્યું છે. આ વનને તૈયાર કરવામાં સામાજિક વનીકરણ વિભાગ અને પીપલગ ગ્રામ પંચાયતનો મોટો સહયોગ રહ્યો છે.

આગામી 15 ઓગસ્ટ, 2024ના રોજ આયોજિત થનારા સ્વાતંત્ર્ય દિવસના રાજ્ય કક્ષાના સમારોહમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નડિયાદ જશે ત્યારે તેઓ પણ પીપલગના આ ‘કર્મયોગી વન’માં એક રોપાની વાવણી કરશે. ‘એક પેડ મા કે નામ’ અભિયાનના અભિગમને સાર્થક કરવા માટે અહીં આકાર લેનાર વનની વચ્ચોવચ્ચ માતા-બાળકનું એક પ્રતીકાત્મક શિલ્પ મૂકવામાં આવશે, જેનું અનાવરણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.

‘કર્મયોગી વન’ તૈયાર કરવા માટે મહેસૂલ વિભાગ, પંચાયત વિભાગ, પોલીસ વિભાગ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ 7 થી 10 ઓગસ્ટ, 2024 દરમિયાન પોતાની માતાના નામની તકતીઓ સાથે શ્રમદાન કરતા વૃક્ષારોપણ કર્યુ હતું.

નોંધનીય છે કે, મહેસૂલ વિભાગ દ્વારા 7 ઑગસ્ટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા કલેક્ટર, અધિક નિવાસી કલેક્ટર તથા અન્ય મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓએ રોપાઓ વાવ્યા હતા. પંચાયત વિભાગ દ્વારા 8 ઑગસ્ટે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તથા પંચાયત વિભાગના અન્ય કર્મચારીઓ-અધિકારીઓએ રોપાઓની વાવણી કરી હતી.

આ સાથે જ, પોલીસ વિભાગ દ્વારા 9 ઑગસ્ટે યોજાયેલ એક કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક તથા ઉપાધિક્ષકો સહિત વિભાગના અન્ય અધિકારીઓ-કર્મચારીઓએ વૃક્ષારોપણ કર્યું. શિક્ષણ વિભાગ દ્વારા 10 ઑગસ્ટે યોજવામાં આવેલ કાર્યક્રમમાં પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની માતાની સ્મૃતિમાં અથવા તેમના સન્માનમાં રોપાઓ વાવ્યા.

ઉલ્લેખનીય છે કે પીપગલ ગ્રામ પંચાયતે લોકભાગીદારીથી આ ‘કર્મયોગી વન’માં રોપવામાં આવેલ 4,000 રોપાઓના ઉછેર માટે બોર તથા ઇલેક્ટ્રિક મોટરની વ્યવસ્થા કરી છે. રોપા-વૃક્ષોની સારસંભાળ માટે જરૂરી પાવડા, કુહાડીઓ તથા તાંસળા વગેરે ઉપકરણો રાખવા માટે એક રૂમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

‘કર્મયોગી વન’ના સમગ્ર 1.90 હૅક્ટર વિસ્તારને સિમેન્ટની દીવાલ વડે રક્ષા કવચ આપવામાં આવ્યું છે કે જેથી કોઈ પશુ અંદર ન ઘૂસી શકે અથવા રોપાઓને બીજી કોઈ રીતે નુકસાન ન પહોંચે. વન ભૂમિની બંને બાજુ ગેટ લગાવવામાં આવ્યા છે, જેથી ભૂમિનું ખેડાણ કરી તેને રોપાઓની વાવણીને યોગ્ય બનાવવા માટે મિનિ ટ્રેક્ટરોનું આવાગમન સુનિશ્ચિત થઈ શકે.

ખેડા જિલ્લાના સરકારી કર્મચારીઓએ આ પહેલ વડે પ્રકૃતિ સંરક્ષણ તથા માતા પ્રત્યે સન્માન પ્રગટ કરવાના વડાપ્રધાનશ્રીના અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ગ્લોબલ વૉર્મિંગ તેમજ ક્લાઇમેટ ચેન્જ જેવા પ્રવર્તમાન સંકટોને પહોંચી વળવાની દિશામાં પોતાનો ફાળો પણ આપ્યો.

લિકર કેસઃ CM કેજરીવાલે જામીન માટે ‘સુપ્રીમ’ દ્વાર ખટખટાવ્યાં

નવી દિલ્હીઃ દિલ્હીના CM કેજરીવાલને લિકર કેસમાં CBIની ધરપકડને રદ કરવા માટે હાઇકોર્ટે ઇનકાર કર્યા પછી આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. કેજરીવાલે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. CM કેજરીવાલે ધરપકડને અને રિમાન્ડ આદેશોને પડકાર આપતાં સુપ્રીમ કોર્ટમાં જામીન માગ્યા છે. તેમણે દિલ્હી હાઇકોર્ટના પાંચ ઓગસ્ટના ચુકાદા પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં તેમણે ધરપકડને કાયયદેસર ના હોવાની અને ના ઉચિત આધાર હોવાની વાત કહી છે, કેમ કે CBIએ તેમની ધરપકડ અને રિમાન્ડને યોગ્ય ઠેરવવા માટે પર્યાપ્ત પુરાવા રજૂ કર્યા હતા.

હાઇકોર્ટે પાંચ ઓગસ્ટે CM કેજરીવાલની અરજી ફગાવી હતી, જેમાં લિકર કેસમાં ભ્રષ્ટાચાર કેસમાં CBI દ્વારા ધરપકડને પડકાર ફેંક્યો હતો. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની ખંડપીઠે CM કેજરીવાલને કહ્યું હતું કે તેઓ વચગાળાના જામીન માટે ટ્રાયલ કોર્ટનાં દ્વાર ખટખટાવે. EDએ મની લોન્ડરિંગ મામલે પહેલેથી જ ચાર્જશીટ દાખલ કરી દીધી છે, જેમાં આમ આદમી પાર્ટી અને રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને આરોપી બનાવવામાં આવ્યા છે.

દિલ્હીની કોર્ટે CBI મામલે CM કેજરીવાલની ન્યાયિક હિરાસત નવ ઓગસ્ટ સુધી અને મની લોન્ડરિંગ મામલે 13 ઓગસ્ટ સુધી વધારી દીધી હતી. કેજરીવાલ 115 દિવસોથી દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.

EDએ 21 માર્ચે દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી 26 જૂનએ CBIએ તેમને આ જ કેસમાં પોતાની કસ્ટડીમાં લીધો હતો. કેન્દ્રીય તપાસ એજન્સીઓ અનુસાર લિકરના વેપારીઓને અયોગ્ય લાભ આપવા માટે તેમની પાસેથી લાંચ લેવામાં આવી હતી. દિલ્હી સરકાર અને આમ આદમી પાર્ટી આ દાવાઓને વારંવાર ફગાવી રહી છે.

 

પાંજરાપોળ વિસ્તારમાં બીજા ફ્લાયઓવર બ્રિજની જરૂર નથી: HC

અમદાવાદ: પાંજરાપોળ ક્રોસ રોડથી આઈઆઈએમ સુધી AMC દ્વારા ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે એક ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવાની યોજના બહાર આવી હતી. આ બ્રિજ બનવવા માટે નડતર રૂપ બનતા વૃક્ષોને લઈ વિવાદ સર્જાયો હતો. ફ્લાય ઓવર બ્રિજના પ્રોજેકટને પડકારતી અને ટ્રાફિક, વધતા અકસ્માતો સહિતના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જાહેરહિતની રિટ અરજી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેચમાં ગંભીર અને મહત્વની નોંધ લીધી હતી.

હાઇકોર્ટે પાંજરાપોળ જંકશનથી ડો.વિક્રમ સારાભાઈ માર્ગ(આઇઆઇએમ રોડ) પર ફ્લાય ઓવરના નિર્માણ માટેની પ્રક્રિયા-નિર્ણય સંબંધી તમામ રેકોર્ડ અને મટીરીયલ્સ અદાલત સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો હતો. અ.મ્યુ.કો.એ અમદાવાદના રસ્તાઓ અને જંક્શનના ટ્રાફિકને લઈ દેશની જે બે સર્વોચ્ચ નિષ્ણાત સંસ્થા આઈઆઈટીરામ અને સીએસઆઈઆરની પાસેથી રિપોર્ટ મંગાવ્યા હતા. તે અંગે હાઈકોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેને લઈને ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે નોંધ લેતાં ટાંક્યુ હતું કે, ‘આ રિપોર્ટ પ્રમાણે, પાંજરાપોળ જંકશન પર ટ્રાફિકની એવી મોટી સમસ્યા નથી. આ ઉપરાંત અહિં ફ્લાયઓવરની કોઈ જરૂરિયાત જ જણાતી નથી.”’

આ ઉપરાંત હાઈકોર્ટમાં પાંજરાપોળ વિસ્તારમાં બ્રિજ બનાવવા મામલે કેટલાક જરૂરી મુદ્દા રજુ કરવામાં આવ્યા છે. જેમાં પાંજરાપોળ ક્રોસ રોડથી આઈઆઈએમ સુધી ફ્લાય ઓવરની કોઈ જરૂર નથી, કારણ કે, પહેલેથી જ એક ફલાય ઓવર છે. આ ફલાય ઓવર નિર્માણ માટે વર્ષો જૂના અને પ્રાચીન વૃક્ષોનું આડેધડ છેદન થશે, જે પર્યારવણીય દ્રષ્ટિકોણથી કોઈ સંજોગોમાં ના ચાલે. આ સમગ્ર વિસ્તાર ગ્રીન કવર છે અને વર્ષો જૂના ઘટાદાર વૃક્ષોના કારણે ગ્રીન કવરથી હરિયાળો છે. અ.મ્યુ.કો સત્તાધીશો તેમના અણઘડ આયોજન હેઠળ આ હરિયાળા ગ્રીન કવરનું નિકંદન કાઢવા માંગે છે, જેની મંજૂરી આપી શકાય નહીં. વર્ષ 2012ના વર્ષ કરતાં 2020માં આ રોડ પરનો ટ્રાફિક 15 ટકા સુધી ઘટ્યો છે. અમદાવાદ શહેરમાં 2011થી 48 ટકા જેટલું ગ્રીન કવર ઘટી ગયું છે. આ બ્રિજ બનાવવા જે રણજીત બિલ્ડકોન કંપનીને કોન્ટ્રાકટ અપાયર્યો છે, તેનો ટ્રેક રેકોર્ડ સારો નથી. કોઇપણ રીતે આ ફલાય ઓવરની જરૂરિયાત નહીં હોવાથી હાઈકોર્ટે તેના નિર્માણ માટેની મંજૂરી આપવી જોઇએ નહીં.

સરદાર સરોવરમાં પાણીની આવક, ડેમના 9 દરવાજા ખોલાયા

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. ત્યારે ભારે વરસાદના પગલે ગુજરાતના તમામ જળાશયોમાં પાણીની સારી આવક જોવા મળી રહી છે. તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સારી આવક હોવાથી ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે તારીખ 11 ઓગસ્ટના નર્મદાના ડેમના 30 માંથી 9 ગેટ ખોલવામાં આવ્યા. ડેમમાથી 1.35 લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા ૩ જિલ્લાની નદી કાંઠાના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સારી આવક નોંધાય છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ઇન્દિરાસાગરના 12 અને ઓમકારેશ્વરના 15 દરવાજા ખોલી સરદાર સરોવરમાં પાણી છોડતા ડેમમાં સપાટી વધી જતા રવિવારે સવારે 6 વાગ્યે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમમાંથી 134011 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં પાણીની આવક 309127 કયુસેક થતા ડેમના 9 દરવાજામાથી 90 હજાર કયુસેક અને રીવરબેડ પાવર હાઉસમાંથી 43 હજાર કયુસેક પાણી નદીમાં ઠલવાતા હાલ નદી બે કાંઠે વહી રહી છે.

સરદાર સરોવરમાંથી પાણીની આવક નોંધાય હતી. ત્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા નદીમાં પાણી આવક થવાથી સલામતી અને સાવચેતીના ભાગ રૂપે વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તંત્રની તકેદારી સાથે નદી કાંઠે પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ પણ ગોઠવી દેવાયું છે.