લખનૌઃ કનોજમાં ફરી એક વાર સમાજવાદી પાર્ટી (SP)ના નેતા પર સગીરથી રેપનો સામલો સામે આવ્યો છે. SPપ્રમુખ અને ભૂતપૂર્વ CM અખિલેશ યાદવની નજીકના નેતા નવાબ સિંહની પોલીસે ધરપકડ કરી છે.પીડિતા યુવતીને નોકરીને બહાને તેની ફોઈ સાથે SP નેતાએ બોલાવી હતી. એ દરમ્યાન SP નેતાએ સગીર યુવતીની સાથે બળાત્કાર કરવાના પ્રયાસ કર્યા હતા. પીડિતાએ કોઈ પ્રકારે જીવ બચાવીને પોલીસને ફોન કર્યો હતો. એ પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીની ધરપકડ કરી હતી.
કન્નોજ SP અમિતકુમારે જણાવ્યું હતું કે રાત્રે એક વાગ્યે આવેલા ફોનથી કેસ પોલીસની જાણમાં આવ્યો હતો, જે પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે પોસ્કો એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી છે.
कन्नौज में डिंपल यादव के प्रतिनिधि रहे और सपा से पूर्व ब्लॉक प्रमुख नवाब सिंह यादव नाबालिग बच्ची से रेप के आरोप में गिरफ्तार।सपा सरकार में नवाब कन्नौज में “मिनी सीएम” के नाम से जाना जाता था। अयोध्या में मोइद खान के बाद ये दूसरे सपा नेता की पॉक्सो एक्ट के अंतर्गत गिरफ़्तारी है।… pic.twitter.com/JeSG5SxiJY
તેમણે જણાવ્યું હતું કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો આરોપી નવાબ સિંહ યાદવ વાંધાજનક સ્થિતિમાં હતો. યુવતીની ફરિયાદમાં સ્પષ્ટ લખેલું છે કે આરોપીએ તેને નોકરીનું વચન આપીને તેને બોલાવી હતી. તે તેની ફોઈ સાથે નવાબ સિંહના ઘરે પહોંચી હતી. જ્યાં તેની સાથે બળાત્કારના પ્રયાસ થયા હતા. આ યુવતીની વય માત્ર 15 વર્ષની છે.
આ પહેલાં અયોધ્યામાં પણ આવો એક કેસ સામે આવ્યો હતો, જેમાં SP નેતા અને ભદરસાનગર મોઇદ ખાન અને તેના નોકર રાજુ પર પીડિતા પર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો હતો અને પોલીસે તેમની ધરપકડ કરી હતી. જે પછી હવે સમાજવાદી પક્ષથી જોડાયેલા એક વધુ નેતાનું નામ રેપ કેસમાં સામે આવ્યું છે.
હાલમાં જ પેરિસ ઓલિમ્પિકની સમાપ્તિ થઈ. દેશવાસીઓને એથ્લિટ પાસેથી ખુબ જ આશાઓ હતી, ખેલાડીઓએ તેમનો બેસ્ટ પ્રયત્ન પણ કર્યો. છતાં ભારતના ભાગે એકપણ ગોલ્ડ મેડલ આવ્યો નથી. 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સાથે ભારત 71મા ક્રમ પર રહ્યું છે. ત્યારે હવે સૌને પેરા એથ્લિટ પાસેથી ખુબ જ અપેક્ષાઓ છે. ખાસ કરીને ગુજરાતીઓને ભાવિના પટેલ પાસેથી… ભાવિના હસમુખભાઈ પટેલ એટલે આપણા ગુજરાતનું ગૌરવ. મહેસાણાના વડનગર તાલુકાના સૂંઢિયા ગામના વતની. વર્ષ 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ જીતીને ભાવિનાબેને ઈતિહાસ રચી દીધો હતો. કોમનવેલ્થ ગેમ્સ એ ઓલિમ્પિક પછીની બીજી સૌથી મોટી ઈવેન્ટ છે જેમાં 72 દેશો ભાગ લેતાં હોય છે. આજના દીવાદાંડી વિભાગમાં દિવ્યાંગોની સાથે સામાન્ય લોકોને પણ પ્રેરિત કરનારા ભાવિનાબેન પટેલ વિશે કરીએ વાત…
વર્ષ 2021માં ટોકિયો પેરાલિમ્પિક દરમિયાન ભાવિનાબેને ઐતિહાસિક સિલ્વર મેડલ જીતીને ભારત સહિત સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી હતી. ત્યારે જ તેમણે કહ્યું હતું કે આ વર્ષે ગોલ્ડ ચૂકી ગઈ છું તે વાતનો અફસોસ છે. પરંતુ 2024માં રમાનારી પેરિસ પેરાલિમ્પિકસમાં ગોલ્ડ ચોક્કસથી જીતીશ. 37 વર્ષીય ભાવિનાબેન હાલમાં પેરિસ પેરાલમ્પિકની તૈયારીઓ કરી રહ્યા છે. જે આગામી 28 ઓગષ્ટથી શરૂ થવાની છે.
સંઘર્ષમય સફર વિશે વાત કરીએ તો 6 નવેમ્બર 1986માં જન્મેલા ભાવિના હસમુખભાઈ પટેલને માત્ર એક વર્ષની ઉંમરે પોલિયો થઈ ગયો હતો. તેમની સાથે માતા-પિતાના જીવનનો સંઘર્ષ શરૂ થઈ ગયો. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી છતાં પિતાએ દીકરીની સારવાર માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. વ્હિલચેર પર જીવન વિતાવવા મજબૂર બનેલા ભાવિનાબેને 12મા ધોરણ સુધીનો અભ્યાસ સૂંઢિયા ગામમાંથી કર્યો હતો. ત્યાર બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી ડિસ્ટન્સ લર્નિંગ અંતર્ગત સ્નાતકની ડિગ્રી મેળવી હતી. શોખથી ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું અને હવે તે ભાવિનાબેનનું પેશન બની ગયું છે.
ટેબલ ટેનિસ માટે પરિવારે કરેલાં સહયોગ વિશે વાત કરતાં ભાવિનાબેને કહ્યું, “મમ્મી-પપ્પાએ ખૂબ સહકાર આપ્યો છે. મારા પપ્પા એક નાનાકડા ગામના મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. મારે ઇન્ટરનેશનલ મેચ રમવા જવાનું હોય તો એના માટે ખૂબ ખર્ચ થાય. મારા પપ્પાએ ક્યારેય મને રમવા જતાં રોકી નથી. ક્યારેક તો દેવું કરીને પણ મને રમવા મોકલી છે. માતા-પિતાએ મારા કૅરિયરને આગળ ધપાવવામાં ખૂબ મદદ કરી છે.”
ભાવિનાબેનને માતા-પિતાએ જેટલો સાથ આપ્યો તેટલો જ લગ્ન બાદ પતિ નિકુલ પટેલનો મળ્યો છે. નિકુલભાઈ પોતે પણ સ્પોર્ટસ પર્સન છે. ૨૦૦૨માં જ્યારે અંડર-19 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ શૉટલિસ્ટ થઈ હતી ત્યારે એમાં નિકુલ પટેલનું પણ નામ હતું. ત્યારની ભારતીય અંડર-19 ટીમમાં કૅપ્ટન પાર્થિવ પટેલ સાથે ઇરફાન પઠાણ, સ્ટુઅર્ટ બિન્ની વગેરે જાણીતા ખેલાડીઓનો સમાવેશ થયો હતો. નિકુલ પટેલ પોતે પણ રાજ્ય સ્તરના પૂર્વ ક્રિકેટર છે. નસીબે ઓછો સાથ આપ્યો અને ફૅમિલી બિઝનેસ સંભાળવાને કારણે નિકુલભાઈએ ક્રિકેટ રમવાનું છોડી દીધું હતું.ભાવિનાબેન અને નિકુલભાઈની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા અમદાવાદમાં થઈ હતી. બંન્નેનો રસનો વિષય સ્પોર્ટ્સ એટલે વાતોચીતો થતી રહેતી. ધીમે-ધીમે મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. શરૂઆતમં બંન્નેના સંબંધોને નજીકના લોકો સ્વીકારી શક્યા નહીં. જો કે ધીમે-ધીમે બધું જ સ્મૂથ થઈ ગયું અને ત્યારબાદ થયા લગ્ન.
સંઘર્ષ, આખી સફર અને આગળના ધ્યેય વિશે ચિત્રલેખા.કોમએ ભાવિનાબેન સાથે વાત કરી. ત્યારે તેમણે સૌપ્રથમ પરિવારનો અને ખાસ કરીને પતિનો આભાર વ્યક્ત કર્યો. ભાવિનાબેને કહ્યું કે “આ વ્યક્તિગત રમત છે, છતાં ટીમવર્ક જરૂરી છે. કારણ કે બધાંનો સપોર્ટ મળે તો વ્યક્તિ શ્રેષ્ઠ ક્ષમતાથી રમે છે. સદભાગ્યે મને એ સાથ-સહકાર મળ્યો છે. જેનાથી મારામાં આત્મવિશ્વાસ આપોઆપ આવી જાય અને બેસ્ટ પર્ફોર્મ કરવાનું મારા માટે સરળ થઈ જાય. મારા પતિએ મને ક્યારેય ઘર કામ વિશેનું ભારણ આપ્યું જ નથી. આથી હું મારી રમત પર પૂરેપૂરું ધ્યાન આપી શકું છું.”
લગ્ન પછી પતિના સતત સપોર્ટ વિશે વાત કરતાં ભાવિનાબેને કહ્યું, “નિકુલ વગર હું કશું નથી. તેમનાથી મને ખૂબ આત્મવિશ્વાસ મળે છે. હું ક્યારેય પણ, ક્યાંય પણ જઉં તો નિકુલ મારા માટે સૌથી પહેલા આવશે. મને લાગતું હતું કે લગ્ન પછી કદાચ મારે ટેબલ ટેનિસ છોડવું પડશે. પરંતુ નિકુલ જ્યારથી મને મળ્યા છે ત્યારથી મને અનુભવ થયો છે કે તેમને સ્પોર્ટસ પ્રત્યે અપાર પ્રેમ છે. “
“મારે કોઈ પણ ટુર્નામેન્ટમાં રમવા જવાનું હોય ત્યારે નિકુલ અગાઉ જે પ્લેયર્સ લિસ્ટ આવે તે પ્લેયરની રમતમાં શું ખાસિયત છે અને શું નબળાઈ છે તેની તમામ વિગતો તૈયાર કરીને આપે છે. જેથી મને રમતમાં સપોર્ટ મળે. તે મારા ઇનડાયરેક્ટ કોચ છે. તેમને પણ ક્રિકેટ ખૂબ ગમે છે અને સારું રમે છે. ઘર, ઑફિસ કે સ્પોર્ટ એવું કોઈ પણ ક્ષેત્ર નથી જેમાં નિકુલ મારી પડખે ન ઊભા હોય.”
પોતાની ટેબલ ટેનિસની શરૂઆત વિશે વાત કરતાં ભાવિનાબેને કહ્યું, “વર્ષ 2004-2005માં ITIનો કોર્સ કરવા અમદાવાદમાં આવેલા અંધજન મંડળ હું પહોંચી. ત્યાં ગયા પછી જ મારા જીવનમાં મહત્વનો વળાંક આવ્યો હતો. અંધજન મંડળમાં મેં મારા જેવાં લોકોને ટેબલ ટેનિસ રમતાં જોયાં. એ અગાઉ મને ખબર જ ન હતી કે ટેબલ ટેનિસ નામની કોઈ રમત પણ છે. એ વખતે મને એવું થયું કે મારે પણ ટાઇમપાસ માટે આવું કંઈક કરવું જોઈએ. એ વખતે ત્યાં સુપરિન્ટેન્ડેન્ટ તેજલ લાખિયા હતા. તેમણે મને પ્રોત્સાહિત કરી કે તું સરસ રીતે રમી શકીશ.”
વધુમાં ભાવિનાબેને કહ્યું,“ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યા પછી ભાગ્યે જ કોઈ એવો દિવસ હશે કે જ્યારે હું એ ન રમી હોઉં. એ પછી મારા પર ભૂત સવાર થયું કે એક દિવસ ભોજન ન મળે તો ચાલે પણ ટેબલ ટેનિસ રમવા ન મળે તો એમ થાય કે જીવનમાં કંઈક ખૂટે છે. વર્ષ 2007થી મેં વિધિવત્ ટેબલ ટેનિસની ટ્રેનિંગ શરૂ કરી. એ જ ગાળામાં અમદાવાદની અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હૉસ્પિટલમાં મને ક્લાર્ક તરીકે નોકરી મળી હતી. એ વખતે અમદાવાદમાં હું પેઇંગગેસ્ટ તરીકે રહેતી. આર્થિક પરિસ્થિતિના કારણે નોકરી તો કરવી જ પડતી. બધાં જ પડકારો સાથે મેં ટેબલ ટેનિસ રમવાનું ચાલુ રાખ્યું હતું. કારકિર્દીના શરૂઆતના તબક્કામાં એક વખત દિલ્હી નેશનલ ચૅમ્પિયનશિપ રમવા જવાનું થયું. ત્યાં મને કાંસ્ય પદક મળ્યો હતો. બસ ત્યારથી પાક્કું થઈ ગયું કે હવે તો ટેબલ ટેનિસમાં જ કેરિયર બનાવવું છે. પછી પાછું વળીને જોયું નથી.”
હાલમાં ભાવિનાબેન પેરિસ પેરાલિમ્પિક માટે ખુબ જ તન તોડ મહેનત કરી રહ્યા છે. તેમના કોચ લાલન દોશી સાથે સવારે 4:00 વાગ્યાથી લઈને સાંજે 7:00 વાગ્યા સુધીનું શિડ્યુલ ખુબ જ વ્યસ્ત હોય છે. રોજની સાતથી આઠ કલાકની પ્રેક્ટિસ કરીને ભાવિનાબેન ગોલ્ડ પર નિશાન સાધવા માંગે છે.
ભાવિનાબેને પૅરા ટેબલ ટેનિસમાં 26 જેટલા દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ 22થી વધુ મેડલ મેળવ્યા છે. આ યાદીમાં ટૂંક સમયમાં જ પેરાલિમ્પિક ગોલ્ડનો ઉમેરો થાય તો નવાઈ નહીં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૈજન્ય મુલાકાત ભારત સ્થિત બ્રિટીશ હાઈ કમિશનર લિન્ડી કેમેરોને ગાંધીનગરમાં લીધી હતી. બ્રિટીશ હાઈ કમિશનર તરીકેનો ભારતમાં પદભાર સંભાળ્યા પછી તેમની ગુજરાતની આ પ્રથમ મુલાકાતમાં મુખ્યમંત્રીએ તેમને ઉષ્માસભર આવકાર આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની સાથેની વાતચીતમાં કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત-બ્રિટનના પરસ્પર સંબંધોનો સેતુ સુદ્રઢ બની રહ્યો છે તેને વધુ આગળ ધપાવવામાં ગુજરાત પણ પોતાનું યોગદાન આપવા પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ સૌને સાથે લઈને ચાલવાની નીતિરીતી સાથે સૌના સાથ સૌના વિકાસનો મંત્ર સાકાર કર્યો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બ્રિટિશ હાઇ કમિશનર સાથેની વાતચીતમાં ગુજરાત રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં અગ્રેસર રાજ્ય છે, કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ એનર્જી પાર્ક નિર્માણ આધીન છે, એટલું જ નહીં ગ્રીન હાઈડ્રોજન જેવા ઉભરતા ક્ષેત્રમાં પણ ગુજરાતની ગ્લોબલ પ્રેઝન્સ થઇ છે. રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં બ્રિટન સાથે મળીને આગળ વધવાની તત્પરતા આ સંદર્ભમાં લિન્ડી કેમેરોને વ્યક્ત કરી હતી. તેમણે મુખ્યમંત્રી ને જણાવ્યું કે બ્રિટનમાં ઇન્ડિયન ડાયસ્પોરા અને ગુજરાતી સમુદાયોની સંખ્યા અને ત્યાના વેપાર ઉદ્યોગ જગતમાં તેમનુ નોંધપાત્ર યોગદાન છે.
બ્રિટીશ હાઈ કમિશનરએ ગુજરાતના ઉદ્યોગ રોકાણકારો જે બ્રિટનમાં રોકાણ માટે આવે તો તેમને આવકારવાની અને સહયોગની ઉત્સુક્તા દર્શાવી હતી. ગુજરાતમાં કાર્યરત બ્રિટીશ ઉદ્યોગ સાહસોને રાજ્ય સરકારના મળી રહેલા સહકાર અંગે તેમણે મુખ્યમંત્રી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બ્રિટીશ ઉદ્યોગોને રાજ્યમાં ઉદ્યોગ સ્થાપના સહિતની જરૂરી સુવિધાઓ માટે રાજ્ય સરકાર પૂરતો સહયોગ આપશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં બ્રિટિશ હાઇ કમિશનરએ ગુજરાતમાં સાયબર સિક્યુરિટીની બ્રિટનની તજજ્ઞતાનો લાભ આપ્યો તેમજ NFSU સાથે આ સંદર્ભમાં કોલાબોરેશન પણ તેમણે કર્યું છે તેની વિસ્તૃત વિગતો આપી હતી. આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ, ઉદ્યોગના અગ્ર સચિવ મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે તેમજ ઇન્ડેક્સ બીના એમ.ડી.ગૌરાંગ મકવાણા પણ જોડાયા હતા.
અમદાવાદ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA)ને દેશના શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થાન તરીકે સતત પાંચમાં વર્ષ માટે રાષ્ટ્રીય સંસ્થા રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) ઈન્ડિયા રેન્કિંગ્સ 2024માં સ્થાન મળ્યું છે, જે આજે શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે IIMAના નિયામક પ્રોફેસર ભરત ભાસ્કરે જણાવ્યું કે “IMA ખાતે, અમે મેનેજમેન્ટ એજ્યુકેશન અને રિસર્ચમાં ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. શિક્ષણ મંત્રાલયના NIRF 2024 રેન્કિંગ દ્વારા સતત પાંચમા વર્ષે ભારતની શ્રેષ્ઠ વ્યવસ્થાપન સંસ્થાનો એવોર્ડ મળવાથી આનંદ અનુભવી રહ્યા છીએ. આ સન્માન અમારા ફેકલ્ટી દ્વારા આપવામાં આવતી ઉત્તમ શિક્ષણ અને અગ્રણી સંશોધનને ઉજાગર કરે છે, જેનો બિઝનેસ અને જાહેર નીતિ પર ઊંડો પ્રભાવ છે. જ્યારે અમે આ સિદ્ધિ પર ગર્વ અનુભવીએ છીએ, ત્યારે તે અમારા તમામ પ્રયાસોમાં સતત શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાના અમારા સંકલ્પને બળ આપે છે, અને ભારતની વિકાસગાથામાં મહત્વપૂર્ણ યોગદાન આપવાની આપણી પ્રતિબદ્ધતા પ્રબળ બનાવે છે.”
NIRF એ દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું મૂલ્યાંકન કરી રેન્કિંગ આપે છે. આ સંસ્થા અધ્યાપન, અધ્યયન અને સંસાધનો, સંશોધન અને વ્યવસાયિક વ્યવહાર, ગ્રેજ્યુએશન પરિણામો, આઉટરીચ અને સર્વસમાવેશકતા, અને ધારણા જેવા પરિબળોને આવરીને શિક્ષણ સંસ્થાને રેન્કિંગ આપે છે. આ સંસ્થા દ્વારા 2016 માં રેન્કિંગ આપવાનું શરૂ થયું હતું, જ્યારે IIMA ને 2017, 2018 માં ટોચના સ્થાને મૂકવામાં આવ્યું છે અને પછી 2020થી સતત ટોચના સ્થાન પર છે.
મુંબઈ: જાણીતી નેચરલ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (S.R.K.)ની સખાવતી શાખા શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન (S.R.K.K.F) એ જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડ સમારંભનું આયોજન કર્યું હતું. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને મહર્ષિ વેદવ્યાસ પ્રતિષ્ઠાનના પ્રમુખ સ્વામી ગોવિંદ દેવ ગિરિજી મહારાજ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સાયરસ પૂનાવાલા, શિક્ષણ સુધારક અને HCL તથા શિવ નાદર ફાઉન્ડેશનના સ્થાપક શિવ નાદર, સામાજિક કાર્યકર અને સર્ચ ફાઉન્ડેશનના સ્થાપક ડો. અભય બંગ અને ડો. રાની બંગનું આ સમારંભમાં સન્માન કરવામાં આવ્યું હતું. સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડ્સ સૌપ્રથમવાર ‘સિટી ઓફ ડ્રીમ્સ’ મુંબઈ ખાતે યોજાયો હતો. જે સ્વપ્નદ્રષ્ટા અગ્રણીઓના અભૂતપૂર્વ યોગદાનની ઊજવણીની સાક્ષી બન્યું હતું.
પ્રખ્યાત ઉદ્યોગપતિ અને સ્વપ્નદ્રષ્ટા સાયરસ પૂનાવાલાને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની સ્થાપનામાં તેમની મુખ્ય ભૂમિકા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. કોવિડ-19 સમયગાળા દરમિયાન જાહેર આરોગ્ય અને પરોપકાર માટેની પ્રતિબદ્ધતા માટે જાણીતા ડો. પૂનાવાલાએ લાખો લોકો માટે ઉચ્ચ-ગુણવત્તાવાળી, સસ્તી રસી બનાવીને દુનિયાભરમાં રસીના ક્ષેત્રે ક્રાંતિ કરી છે. ડો. પૂનાવાલાએ જણાવ્યું, “હું આ સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડ માટે ગોવિંદ ધોળકિયા અને SRK નોલેજ ફાઉન્ડેશનનો આભાર માનું છું. જે તેમની માતા સ્વ. શ્રી સંતોકબાજીની સ્નેહભરી સ્મૃતિમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. 1966માં સ્થપાયેલ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા 25 મિલિયનથી વધુ લોકોના જીવન બચાવવા માટે આપેલા અજોડ યોગદાનને માન્યતા આપવા બદલ આ એવોર્ડ મેળવતા હું ખૂબ જ વિશેષાધિકાર અને નમ્રતા અનુભવું છું.”
શિક્ષણ સુધારક શિવ નાદરને તેમના ફાઉન્ડેશન દ્વારા અસાધારણ યોગદાન માટે સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તેમના અવિરત પ્રયાસો દ્વારા શિવ નાદારે સમુદાયોને સશક્ત બનાવવા અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર કામ કર્યું છે. શિવ નાદરના પત્ની અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા કિરણ નાદરે જણાવ્યું, “શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના માતા સંતોકબા દ્વારા પ્રેરિત આ પ્રતિષ્ઠિત એવોર્ડથી મારા પતિને સન્માનિત કરવામાં આવ્યા તેનાથી હું ખુબ જ ખુશ છું. આ સન્માન ખાસ કરીને અર્થપૂર્ણ લાગે છે કારણ કે અમારી પોતાની પરોપકારી યાત્રા આવા જ એક પ્રભાવથી શરૂ થઈ હતી. મારા સાસુએ 1990માં મારા પતિને પૂછ્યું કે સમાજને પાછું આપવા માટે તેઓ શું કરવા માગે છે. તેમના શબ્દોએ મારા પતિમાં જવાબદારીની ઊંડી ભાવના જાગૃત કરી, જેના કારણે શિક્ષણ પર મજબૂત ભાર સાથે શિવ નાદર ફાઉન્ડેશનની રચના થઈ. અમારી પ્રથમ કોલેજ મારા સસરાના નામ પર ચેન્નાઈમાં સ્થાપી હતી.”
સર્ચ ફાઉન્ડેશનની સ્થાપના દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં પાયાના સ્તરે સસ્તી હેલ્થકેર સેવાઓ પૂરી પાડવાના કાર્ય માટે સામાજિક કાર્યકરો ડો. અભય બંગ અને ડો. રાની બંગને પણ પ્રતિષ્ઠિત સંતોકબા એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. આ બંનેએ હોમ-બેઝ્ડ ન્યુબોર્ન કેર (એચબીએનસી) પહેલ તેમજ કોમ્યુનિટી હેલ્થ વર્કર્સ (સીએચડબ્લ્યુ) પહેલ દ્વારા આદિવાસી સમુદાયોના ઉત્થાન માટે અગ્રણી ભૂમિકા ભજવી છે.
એવોર્ડ સમારંભમાં ડો. અભય બાંગે જણાવ્યું હતું કે “મને અને મારી પત્નીને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવા બદલ હું ગઢચિરોલીના લોકો વતી આ સન્માન સ્વીકારું છું, જેમના અતૂટ સમર્થન અને વિશ્વાસે મને આ સ્થાન અપાવ્યું છે.”
SRK અને SRKKFના સ્થાપક અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા દ્વારા 2006માં શરૂ કરવામાં આવેલ સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડ તેમની માતા સંતોકબા લાલજીદાદા ધોળકિયાની નિઃસ્વાર્થ ભાવના અને દ્રષ્ટિને મૂર્તિમંત કરે છે. ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું, “સંતોકબા એવોર્ડ એ કરુણાની શક્તિ અને વિશ્વ પર સકારાત્મક અસર ઊભી કરવાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમને એવી વ્યક્તિઓનું સન્માન કરવાનો ગર્વ છે કે જેમણે પોતાનું જીવન પરિવર્તન લાવવા અને અન્યોને પણ તે જ કરવા માટે પ્રેરિત કરવા માટે સમર્પિત કર્યું છે. આ સન્માન દયાની શક્તિ અને સમાજ પર તેની ઊંડી અસરને દર્શાવે છે.”
આ વર્ષે SRKFFની માનવતાવાદી કામો માટે સમર્પિત પ્રતિબદ્ધતાની 10મી વર્ષગાંઠ પણ છે. અગાઉ સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડ મેળવનારા મહાનુભાવોમાં ઉદ્યોગપતિ અને પરોપકારી રતન ટાટા, આધ્યાત્મિક ગુરૂ દલાઈ લામા, એન્જિનિયર અને ઈનોવેટર સોનમ વાંગચુક, ભારતની શ્વેત ક્રાંતિના જનક ડો. વર્ગીસ કુરિયન, સમાજ સુધારક કૈલાશ સત્યાર્થી અને સ્પેસ સાયન્ટિસ્ટ તથા ઈસરોના પૂર્વ ચેરમેન એ.એસ. કિરણ કુમારનો સમાવેશ થાય છે.
અમદાવાદ: ગાંધી પેનોરમા એ ગાંધીજીના જીવન અને ગાંધીજી પર આધારિત ફિલ્મ શો છે. આ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન મુંબઈ સ્થિત કંપની ઈડિયન ઈન્ફોટેનમેન્ટ મીડિયા કોર્પોરેશન દ્વારા સમગ્ર ભારતમાં કરવામાં આવે છે. આજે, 12 ઓગસ્ટ 2024 ના રોજ અમદાવાદમાં આ શોનું પ્રદર્શન ગુજરાત સરકારના યુવા, રમતગમત અને સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજીત કરવામાં આવ્યું હતું. ગાંધી પેનોરમામાં વિશ્વભર માંથી આવેલ 40 ફિલ્મો માંથી અમુક ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. જેમાં ‘બાપુને કહા થા’, ‘મેકિંગ ઓફ મહાત્મા’, ‘મહાત્મા ગાંધી, અપની ગંદગી હમ નહીં તો સાફ કરેગા’, ‘અપરિગ્રહ’, ‘કપ ઓફ ટી’, ‘આઝાદી’, ‘અહિંસા’ વગેરે જેવી ફિલ્મોનો સમાવેશ સાથે છે.
અમદાવાદની કેટલીક શાળાઓના બાળકો અને કોલેજના વિદ્યાર્થીઓએ મહાત્મા ગાંધી પર બનેલી ગાંધી પેનોરમાની આ ફિલ્મો જોઈ શીખી લીધી. અમે વિચારતા હતા કે કદાચ ગાંધીજી આજના ઝડપી જીવનમાં અપ્રસ્તુAત બની ગયા છે, પરંતુ અમારો વિચાર ખોટો સાબિત થયો. ગાંધી પેનોરમાના અધ્યક્ષ દેવેન્દ્ર ખંડેલવાલ કહે છે કે, “જ્યારે 15-15 વર્ષ પહેલાં ગાંધી પેનોરમાની કલ્પના કરવામાં આવી હતી, ત્યારે મુખ્ય બાબત એ હતી કે ગાંધીજીને ભૂલી રહેલી આજની યુવા પેઢીને ગાંધીજીનું જીવન અને ફિલોસોફી બતાવવી, ભારતીય સંસ્કૃતિ અને જીવનને ગેરમાર્ગે લઈ જવાથી બચાવાનો હતો.
અમારા છેલ્લા ગાંધી પેનોરમા ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યું હતું. નીતિશ કુમાર, બિહારના મુખ્યમંત્રી, આસામ અને મધ્યપ્રદેશના માનનીય રાજ્યપાલો અને ઘણા મંત્રીઓ અને ગાંધીવાદી વિચારકો. અમદાવાદના આ ગાંધી પેનોરમાનું ઉદ્ઘાટન અમદાવાદના માનનીય મેયર પ્રતિભા બેન જૈન દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાનો ગાંધીવાદી વિચારક, પ્રકાશભાઈ શાહ અને જાણીતા ગાંધીવાદી સામાજિક કાર્યકર મંદા બેન પારેખ હતા. તમામ મુખ્ય મહેમાનોનું કપાસના હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમારંભના અધ્યક્ષ દેવેન્દ્ર ખંડેલવાલે મુખ્ય મહેમાનોને ગાંધીજીની એક વિશિષ્ટ પ્રતિમા અર્પણ કરી, જે પ્રખ્યાત શિલ્પકાર નિલેશ સોનાવણે દ્વારા બનાવવામાં આવી છે. આ કાર્યક્રમનું સંચાલન ગાંધી પેનોરમાના સેક્રેટરી કેતકી કાપડિયાએ કર્યું હતું અને ગાંધી પેનોરમાના ડાયરેક્ટર શ્રીવાસ નાયડુએ સન્માનિત મહેમાનો અને ઉપસ્થિત સેંકડો યુવાનો અને બાળકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પછી ચૂંટણી પંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. સૌથી પહેલાં મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ જમ્મુ-કાશ્મીર અને દિલ્હીમાં ચૂંટણી થવાની છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીપ્રક્રિયા 30 સપ્ટેમ્બર સુધી થઈ જવી જોઈએ.
કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે જમ્મુ-કાશ્મીરની સાથે જ મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ ચૂંટણી કરાવી લેવામાં આવે. જ્યાં પહેલાં ઓક્ટોબરમાં ચૂંટણી થવાની હતી. આવામાં ત્રણે રાજ્યોમાં એકસાથે ચૂંટણી કરાવવા માટે વહીવટી તંત્રની તૈયારી તેજ કરવાની સાથે રાજકીય તૈયારી પણ તેજ થઈ ગઈ છે. ભાજપે ત્રણે રાજ્યોમાં ઉમેદવારોનાં નામોના એલાન કરવા માટે પસંદગી પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.બીજી બાજુ, દિલ્હીમાં વિધાસભા ચૂંટણી આગામી વર્ષે ફેબ્રુઆરીમાં થવાની છે, પણ રાજકીય પક્ષોએ ચૂંટણીપ્રચાર માટે કેપેનિંગ શરૂ કરી દીધું છે, કેમ કે ચૂંટણી પંચ તરફથી MCDને નોડલ અધિકારીઓ નિયુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચના આદેશનો સંકેત છે કે ચૂંટણી નિયત સમયથી પહેલાં થવાની શક્યતા છે. પંચે MCDને નિર્દેશ આપ્યા હતા કે એ કોર્પોરેશન કર્મચારીઓને ચૂંટણીથી જોડાયેલી ટ્રેનિંગ આપે.
ચૂંટણી પંચથી નિર્દેશ પ્રાપ્ત થતાં MCDએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વર્ષના અંત સુધીમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થવાની છે.
રાજ્યમાં ચૂંટણીની તારીખોનું એલાન ચૂંટણી પંચ ક્યારે કરશે, એ હજી નક્કી નતદી, પરંતુ મુખ્ય ચૂંટણી કમિશનર અને તેમની ટીમના અન્ય સભ્યોએ જમ્મુ-કાશ્મીરમાં મીટિંગ કરીને તૈયારી શરૂ કરી દીધી છે, જેથી એ વાતની પૂરી સંભાવના છે કે ચૂંટણી પંચ તારીખોનું એલાન ટૂંક સમયમાં કરશે.
મુંબઈ: શરત ચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા પર આધારિત સંજય લીલા ભણસાલીની ‘દેવદાસ’ ભારતીય સિનેમા અને શાહરૂખ ખાનની કારકિર્દીની બેસ્ટ ફિલ્મોમાંની એક છે. જોકે, એ બીજી વાત છે કે શાહરૂખ ખાન પહેલા આ ફિલ્મ કરવા તૈયાર નહોતા. જી હા, આ વાતનો ખુલાસો ખુદ કિંગ ખાને કર્યો છે. વાસ્તવમાં, તાજેતરમાં જ શાહરૂખ ખાનને ‘લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલ’માં ‘પાર્ડો અલા કેરીએરા’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડથી સન્માનિત થનાર શાહરૂખ પ્રથમ ભારતીય છે. આ કાર્યક્રમમાં શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘દેવદાસ’ પણ લોકોને બતાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં કિંગ ખાને આ ફિલ્મ સાથે જોડાયેલો એક ખૂબ જ રસપ્રદ કિસ્સો શેર કર્યો છે.
શાહરૂખે દેવદાસ વિશે શું કહ્યું?
શાહરૂખ ખાને ખુલાસો કર્યો કે તે આ ફિલ્મ કરવા માટે તૈયાર નહોતા, પરંતુ ભણસાલીએ તેને આ ફિલ્મ કરવા અને દેવદાસ બનવા માટે સમજાવ્યા. કારણ કે, ભણસાલીને લાગ્યું કે શાહરૂખ દેવદાસનો રોલ કરવા માટે પરફેક્ટ છે. જોકે, સવાલ એ છે કે ભણસાલીએ એવું શું કહ્યું કે ના કહેવાથી અચકાતા શાહરૂખ આ ફિલ્મ માટે સંમત થઈ ગયા.
શાહરૂખે દેવદાસ કરવાની ના પાડી હતી
દેવદાસ વિશે વાત કરતા શાહરૂખ ખાને કહ્યું,’ આને ઘણી વાર બનાવવામાં આવી છે અને આ એક એવા છોકરા વિશે છે જે શરાબી છે, કોઈ છોકરી સાથે કમિટેડ નથી અને જતો રહે છે. જ્યારે મને આ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી ત્યારે મને તે ઉંમરે તેમાં કોઈ સાર દેખાતો નહોતો. ઘણા વર્ષો પહેલા જ્યારે સંજય લીલા ભણસાલી, જે મને લાગે છે કે અમારા સમયના સૌથી પ્રતિભાશાળી ફિલ્મ નિર્માતાઓમાંથી એક છે, ત્યારે તેઓ આવ્યા અને તેમણે કહ્યું, હું ઈચ્છું છું કે તમે દેવદાસ કરો. મેં કહ્યું, ના, તે હારેલો આદમી છે, શરાબી છે. હું દેવદાસ બનવા માટે ઘણો સારો છું!’
ભણસાલીએ શાહરૂખને કેવી રીતે મનાવ્યો?
તેના વિશે વાત કરતાં શાહરૂખ આગળ કહે છે, જોકે વાતને આગળ ખેંચવાનો કોઈ મતલબ નહોતો, જતા પહેલા તેણે માત્ર એક વાત કહી,જે મને સ્પર્શી ગઈ. તેમણે કહ્યું, ‘તમારી સાથે નહીં તો કોઈની સાથે આ ફિલ્મ નહીં, કારણ કે તમારી આંખો દેવદાસ જેવી છે.’ તો મેં કહ્યું, ઠીક છે. તેમણે કહ્યું,’હું કોઈને કાસ્ટ નહીં કરું.’ અને તેણે એક વર્ષ સુધી કોઈને પણ કાસ્ટ ન કર્યા. પછી અમે ફરી મળ્યા અને મેં કહ્યું,’ઠીક છે, જો તમને મારા જેવી આંખો ન મળતી હોય તો હું ફિલ્મ કરીશ.’
શાહરૂખે આગળ શું કહ્યું?
શાહરૂખે એમ પણ કહ્યું હતું કે તે નથી ઈચ્છતો કે દેવદાસ પર કોઈ ધ્યાન આપે,ભલે એક્ટિંગ સારી હોય. મને એવા પાત્રો ભજવવાનું પસંદ નથી કે જે મહિલાઓનું અપમાન કરે. હું પ્રમાણિક રહીશ. હું નહોતો ઇચ્છતો કે ફિલ્મમાં તેને એટલા માટે પસંદ કરે કે એક સ્ત્રી છે જે તેને પ્રેમ કરે છે, પરંતુ તે તેના માટે કમિટેડ નથી. હું ઇચ્છતો હતો કે તેને એવી વ્યક્તિ તરીકે જોવામાં આવે જે થોડો સાહસ વગરનો છે. આ એવી વ્યક્તિ નથી જેને તમારે જોવી જોઈએ.”
15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસને કારણે અમદાવાદ એરપોર્ટ પર સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. જ્યારે તહેવારોને કારણે લોંગ વિકેન્ડ પણ છે. જેથી મુસાફરોનો ધસારો પણ વધારે રહેશે. જેને કારણે મુસાફરોને સિક્યોરિટી પર્પઝથી એરપોર્ટ પર વહેલું પહોંચવું પડશે. આ માટે અમદાવાદ એરપોર્ટ દ્ધારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દિન-પ્રતિદિન મુસાફરોનો ધસારો વધી રહ્યો છે. આ ઉપરાંત વિવિઝ એરલાઈન્સ દ્ધારા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ સેક્ટર માટેની ફ્લાઈટ પણ શરૂ કરવામાં આવી છે. જેથી અમદાવાદ એરપોર્ટની કનેક્ટિવિટી વધતા મુસાફરોની અવરજવર પણ વધી રહી છે.
સ્વતંત્ર દિવસની તૈયારીઓના ભાગરૂપે એરપોર્ટ પર સિક્યોરિટી
તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. એટલે કે ચાલુ સપ્તાહમાં ચારથી પાંચ રજા એકસાથે આવવાથી અમદાવાદ સહિત ગુજરાતવાસીઓ વેકેશનના મૂડમાં છે. જેને કારણે આ સપ્તાહના અંતમાં અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો ધસારો વધી શકે છે. માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ઉપરાંત ગુરૂવારે 15 ઓગસ્ટના દિવસે સ્વતંત્ર દિવસની તૈયારીઓના ભાગરૂપે એરપોર્ટ પર સિક્યોરિટી પણ વધારી દેવામાં આવી છે.
નોંધનીય છે કે એરપોર્ટ ઉપર દરરોજ અનેક મુસાફરો અવર-જવર કરે છે ત્યારે લાંબા વિક એન્ડને કારણે મુસાફરો વધી જવાથી એર ટ્રાફિક વધુ રહેશે અને સ્વતંત્ર દિવસના ભાગરૂપે વીઆઇપી મુવમેન્ટ પણ વધી શકે છે. એટલે કે, એર ટ્રાફિક વધવાને કારણે મુસાફરોને વધુ સમય ફાળવવા માટે જણાવવામાં આવ્યું છે.
મુસાફરોએ સિક્યોરિટી પ્રોટોકોલ પૂર્ણ કરવા માટે વધુ સમય ફાળવવો પડશે
આ એડવાઈઝરીમાં એરપોર્ટ દ્વારા મુસાફરોને જણાવવામાં આવ્યું છે કે, 15મી ઓગસ્ટને કારણે વધારે સિક્યોરિટી મેજર્સને ધ્યાનમાં રાખીને 20 ઓગસ્ટ સુધી મુસાફરો માટે એરપોર્ટ ઉપર સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. માટે તમામ મુસાફરોએ સિક્યોરિટી પ્રોટોકોલ પૂર્ણ કરવા માટે વધુ સમય ફાળવવો પડશે. જેથી કરીને ફ્લાઇટના ઓપરેશનમાં કોઈ વિલંબ ન થાય અને સિક્યોરિટી મેજર્સ ચેક કરવા માટે પણ ઓફિસર્સને તથા પેસેન્જરને પૂરતો સમય મળી રહે.
માટે તમે પણ જો વીકએન્ડના મૂડમાં છો અને ફ્લાઈટ લેવાનું આયોજન કરી રહ્યાં છો તો એરપોર્ટ એડવાઈઝરી પ્રમાણે આપે એરપોર્ટ પર સમય કરતા ઘણું વહેલુ પહોંચવું પડશે.
અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત વિદ્યાસભા અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા સુપ્રતિષ્ઠિત વિદ્વાન કુલીનચંદ્ર યાજ્ઞિક અને ચંદ્રકાંત શેઠની ગુણાનુવાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.કુલીનચંદ્ર યાજ્ઞિકનું 97 વર્ષની વયે અવસાન થયું. કુશળ વહીવટકર્તા આઈ.એ.એસની સાથે કુલીનચંદ્ર યાજ્ઞિકે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્ર મહત્વનું યોગદાન આપ્યું હતું. ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અને સાહિત્ય પરિષદમાં પ્રેરણારૂપી સકારાત્મક કામો કર્યા હતા.તાજેતરમાં જ બીજા એક વિદ્વાન ચંદ્રકાંત શેઠનું અવસાન થયું. ગુજરાતી વિશ્વકોશમાં મહત્વનું યોગદાન આપનાર ચંદ્રકાંત શેઠ ઉત્કૃષ્ટ ગુજરાતી કવિ, નિબંધકાર, વાર્તાકાર, વિવેચક, સંપાદક, હાસ્યકાર, ચિત્રકાર હતા. એમણે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે મહત્વની કામગીરી કરી હતી.
કુલીનચંદ્ર યાજ્ઞિક અને ચંદ્રકાંત શેઠ જેવા જ્ઞાનીજનોની ગુણાનુવાદ સભામાં પોતાના ક્ષેત્રમાં દિગ્ગજ મહાનુભાવોએ એમની સાથેના અનુભવો પ્રસ્તુત કર્યા હતા. રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઈ, રતિલાલ બોરીસાગર, પ્રવિણ લહેરી, મણિભાઈ પ્રજાપતિ, હસિત મહેતા, નિરજ યાજ્ઞિક, સમીર ભટ્ટે ગુણાનુવાદ સભામાં વક્તવ્ય આપ્યું હતું. ભિખેશ ભટ્ટ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.ગુજરાત સાહિત્ય પરિષદમાં યોજાયેલા કાર્યક્રમમાં સિતાંશુ યશશ્ચંદ્ર સહિત મોટી સંખ્યામાં લેખકો, સાહિત્યકારો, વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા.