Home Blog Page 152

PM મોદીના હસ્તે, કોબામાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આધ્યાત્મિકતા અને આધુનિક વિકાસનો અનોખો સમન્વય જોવા મળ્યો. આજે મહાવીર જયંતિના પાવન અવસરે ખાસ ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું PMના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોબા ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું. જે જૈન ધર્મના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને સમર્પિત છે. મહાવીર જયંતિના પવિત્ર અવસરે શરૂ થયેલું આ મ્યુઝિયમ અહિંસા, આધ્યાત્મિકતા અને ભારતીય પરંપરાઓને ઉજાગર કરે છે. આ મ્યુઝિયમ 23 એપ્રિલથી સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકાશે અને માત્ર પ્રદર્શન સ્થળ નહીં પરંતુ આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર બનશે.

આ મ્યુઝિયમ પાછળ રાષ્ટ્રસંત આચાર્યદેવ પદ્મસાગરસૂરીશ્વરજીનું વર્ષોનું તપ અને સ્વપ્ન જોડાયેલું છે. તેમણે છેલ્લા 60 વર્ષમાં ભારત અને નેપાળના ખૂણેખૂણે આશરે 2,00,000 કિલોમીટરની પદયાત્રા કરી છે. આ પદયાત્રા દરમિયાન તેમણે ભારતના વિવિધ પ્રદેશોમાંથી દુર્લભ સાંસ્કૃતિક અવશેષો અને ઐતિહાસિક પુરાવાઓનું સંકલન કર્યું છે. આ અમૂલ્ય ખજાનાને અત્યંત શ્રદ્ધાપૂર્વક આ મ્યુઝિયમમાં સુરક્ષિત કરવામાં આવ્યો છે.મહાવીર જૈન આરાધના કેન્દ્ર સંકુલમાં સ્થિત, આ મ્યુઝિયમમાં સાત અલગ-અલગ વિભાગ છે. તે મુલાકાતીઓને સદીઓ જૂના જ્ઞાન અને વારસા સાથે જોડે છે. આ મ્યુઝિયમમાં સદીઓ જૂના દુર્લભ અવશેષો, જૈન કલાકૃતિઓ અને પરંપરાગત વારસા સંગ્રહને સાચવવામાં આવ્યો છે. જેમાં જટિલ રીતે બનાવેલા પથ્થર અને ધાતુના શિલ્પો, વિશાળ મંદિર પ્લેટો અને યંત્ર પ્લેટો, લઘુચિત્ર, ચાંદીના રથ, સિક્કા અને પ્રાચીન હસ્તપ્રતોનો સમાવેશ થાય છે. આ બધા સાત ભવ્ય ગેલેરીઓમાં પ્રદર્શિત થાય છે. વિશાળ રૂમમાં રાખવામાં આવેલા અને બે હજારથી વધુ દુર્લભ વસ્તુઓનો ખજાનો ધરાવતું, મ્યુઝિયમ મુલાકાતીઓને જૈન ધર્મના ઉત્ક્રાંતિ અને તેના ઊંડા સાંસ્કૃતિક પ્રભાવની સમજ મેળવવા માટે સક્ષમ બનાવે છે.

શેરબજાર માટે કેવું રહ્યું FY26?

નવી દિલ્હીઃ સ્ટોક માર્કેટ માટે આજે (31 માર્ચ) નાણાકીય વર્ષ 2025-26નો છેલ્લો દિવસ છે. આવતી કાલે એટલે કે 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ 2026-27 શરૂ થશે. આ નાણાકીય વર્ષ શેર બજાર માટે ખાસ સારું રહ્યું નથી. વિદેશી ફંડોએ ભારતીય બજારમાં વેચવાલી કરી હતી. ઊંચા વેલ્યુએશન અંગે ચિંતા યથાવત્ રહી છે. છેલ્લા ત્રિમાસિકમાં એન્થ્રોપિકના નવા AI ટૂલ્સ આવ્યા બાદ IT શેરોમાં ભારે વેચવાલી જોવા મળી. ત્યાર બાદ અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના યુદ્ધના તણાવથી બજાર પર વધુ દબાણ આવ્યું, જેને કારણે બજારનું કુલ રિટર્ન નેગેટિવ રહ્યું હતું.

સેન્સેક્સ-નિફ્ટી બંનેએ આપ્યું નેગેટિવ રિટર્ન

નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન સેન્સેક્સે લગભગ 7 ટકા નેગેટિવ રિટર્ન આપ્યું, જ્યારે નિફ્ટીએ આશરે 5 ટકા નેગેટિવ રિટર્ન આપ્યું. લગભગ પાંચ વર્ષ પછી ભારતીય શેર બજારે નેગેટિવ રિટર્ન નોંધાવ્યું છે. આ પહેલાં 2019-20માં બજાર નેગેટિવ રહ્યું હતું. માર્ચ મહિનો ખાસ કરીને બજાર માટે ખૂબ નબળો રહ્યો — આ મહિનામાં સેન્સેક્સ 11.48 ટકા, નિફ્ટી 11.14 ટકા અને બેંક નિફ્ટી 15.95 ટકા સુધી ઘટ્યા. મધ્ય પૂર્વમાં ચાલતા યુદ્ધને આ માટે મુખ્ય કારણ માનવામાં આવે છે.

નવા રોકાણકારોમાં વધુ નિરાશા

એક્સપર્ટ્સનું કહેવું છે કે બજારમાં આવેલી આ મોટા ઘટાડાથી રોકાણકારોમાં નિરાશા ફેલાઈ છે. ખાસ કરીને કોરોના કાળ દરમિયાન પ્રથમ વખત રોકાણ કરનારા રોકાણકારો માટે આ મોટો ઝટકો રહ્યો છે, કારણ કે તેમણે આવો મોટો ઘટાડો પહેલાં ક્યારેય જોયો નહોતો. જોકે, સામાન્ય રીતે બજારમાં ઘટાડો રોકાણ માટે તક માનવામાં આવે છે, પરંતુ આ વખતનો ઘટાડો અલગ પ્રકારનો છે. મધ્ય-પૂર્વને યુદ્ધને કારણે અનિશ્ચિતતા વધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમજૂતીના પ્રયાસો કરી રહ્યા હોવા છતાં ઇરાને હાલ સમજૂતી સ્વીકારી નથી. એ સાથે જ ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા સ્તરે જળવાયેલા છે.

 આ શેરોએ રોકાણકારોના પૈસા ડુબાવ્યા

કેટલાક મોટા શેરોએ રોકાણકારોને ભારે નુકસાન કરાવ્યું:

* TCS — 33 ટકાથી વધુ ઘટાડો (નવા AI ટુલ્સનો પ્રભાવ)

* ITC — લગભગ 29 ટકાનો ઘટાડો

* ઇન્ટરગ્લોબ એવિયેશન (ઇન્ડિગો) — 21 ટકાથી વધુ ઘટાડો

* ટ્રેન્ટ (ટાટા ગ્રુપ કંપની) — સૌથી વધુ, લગભગ 40 ટકાનો ઘટાડો

મમતા બેનર્જીની 11માંથી નવ યુનિવર્સિટીઓમાં નથી સ્થાયી શિક્ષકો

કોલકાતાઃ જાન્યુઆરી, 2017માં શાંતિનિકેતનમાં વિશ્વભારતી યુનિવર્સિટી જેવી નવી યુનિવર્સિટી જાહેર કરતી વખતે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેમની સરકાર વિશ્વ સ્તરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બનાવશે. તેમણે કહ્યું હતું કે બંગાળના વિદ્યાર્થીઓએ શિકાગો અને હાર્વર્ડ કેમ જવું જોઈએ, જ્યારે આપણે અહીં જ શિકાગો અને હાર્વર્ડ જેવી યુનિવર્સિટી બનાવી શકીએ? બંગાળમાં અમારી સરકાર આવતાં પહેલાં 13 યુનિવર્સિટીઓ હતી. અમે છેલ્લા પાંચ વર્ષમાં 16 નવી યુનિવર્સિટીઓ બનાવી છે.

મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની TMC સરકાર 2011માં પ્રથમ વખત સત્તામાં આવી હતી. 2017 અને 2018 વચ્ચે રાજ્ય સરકારે દાર્જિલિંગ, અલીપુરદ્વાર, બાલુરઘાટ, મુર્શિદાબાદ, હુગલી, નાદિયા, નોર્થ 24 પરગણા, ઝારગ્રામ, પશ્ચિમ મેદિનીપુર, હાવડા અને બીરભૂમમાં 11 યુનિવર્સિટીઓ બનાવવાની જાહેરાત કરી. મોટા ભાગની યુનિવર્સિટીઓમાં 2021થી ક્લાસ શરૂ થયા હતા. આ વર્ષની જાન્યુઆરીમાં દાર્જિલિંગ હિલ યુનિવર્સિટી સિવાય બાકીની તમામ યુનિવર્સિટીઓને કાનૂની માન્યતા અને ડિગ્રી આપવાનો અધિકાર મળી ગયો હતો.

પશ્ચિમ બંગાળમાં છેલ્લાં 15 વર્ષથી TMC સરકાર સત્તામાં છે. રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિને લઈને સરકાર પર પ્રશ્નો ઊઠી રહ્યા છે. ભાજપ શિક્ષક ભરતી સંબંધિત કૌભાંડોને લઈને સરકારને નિશાન બનાવી રહી છે, જેમાં TMCના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ ફસાયા છે. નવી યુનિવર્સિટીઓ જગ્યા અને ફેકલ્ટીની અછતનો સામનો કરી રહી છે, જેને કારણે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી રહી છે.

 16 નવી યુનિવર્સિટીઓની જાહેરાત

મમતાએ કુલ 16 નવી યુનિવર્સિટીઓ બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં  સાત યુનિવર્સિટીઓ હજુ પણ અસ્થાયી જગ્યાએથી ચાલે છે. નવ યુનિવર્સિટીઓમાં સ્થાયી ફેકલ્ટી નથી અને મોટા ભાગે UGC દ્વારા નક્કી કરાયેલા પ્રતિ ક્લાસ રૂ. 500ના દરે કામ કરતા ગેસ્ટ લેક્ચરર પર નિર્ભર છે.

ઘણી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ સતત ઘટી રહી છે. હાલ આમાંથી આઠ યુનિવર્સિટીઓમાં આશરે 17,000 વિદ્યાર્થીઓ દાખલ છે, જ્યારે ત્રણ યુનિવર્સિટીઓએ ચોક્કસ આંકડા આપ્યા નથી.

 

 

 

 

સુરતના લિંબાયતમાં મકાનમાં આગ, 5 લોકોના મોત

સુરત: લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી પાસે આવેલા એક રહેણાંક મકાનમાં મંગળવારે અચાનક આગ ફાટી નીકળતા પાંચ લોકોના મોત થયા છે. આગની ઘટનામાં એક બાળક અને ચાર મહિલાના દુખદ મોત થયા. જેમાંથી બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પર તબીબોએ મૃત જાહેર કર્યા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.આગ લાગવાનું પ્રાથમિક કારણ આવ્યું સામે

પ્રાથમિક તપાસ મુજબ, ઘરમાં સાડીઓનું કામ ચાલતું હતું. જેથી ઘરમાં સાડીઓ અને ફોર્મનો મોટો જથ્થો હતો. આ આગ લાગવાનું મુખ્ય કારણ ઘરમાં ઇલેક્ટ્રીક શોર્ટ-સર્કિટ હોવાનું જણાય છે. ઘરમાં સાડીઓના પેકિંગ માટે મોટી સંખ્યામાં ફોર્મ શીટ્સ અને કાપડનો જથ્થો રાખવામાં આવ્યો હતો, જે અત્યંત જ્વલનશીલ પદાર્થો છે. ઘરના ઇલેક્ટ્રીક સ્વીચ બોર્ડમાંથી તણખાં ઝર્યા, જે જ્વલનશીલ ફોર્મ પર પડ્યા હતા. જેને લઈને ધૂમાડો ફેલાયો હતો. જોકે, આ ઘટનામાં મોટું નુકસાન આગની જ્વાળાઓ કરતાં ફોર્મ બળવાથી ઉત્પન્ન થયેલા ઝેરી કેમિકલ યુક્ત ધુમાડાને કારણે થયું હતું. જેનાથી ગૂંગળામણ થતા 5 લોકોના કરુણ મોત નીપજ્યા.

મૃતકોના નામ

  1. શહેનાઝ બેગમ અબ્દુલ કલામ અંસારી (ઉં.વ. 65)
  2. શબીનાં રમઝાન અલી અંસારી (ઉં.વ. 28)
  3. પરવીન અબ્દુલ કલામ અંસારી (ઉં.વ. 19)
  4. હુસા બેગમ અબ્દુલ કલામ અંસારી (ઉં.વ.18)
  5. શુભાન રમઝાન અલી અંસારી (ઉં.વ. 4)

સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ગાડીઓ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઈટરોએ આગ-ધૂમાડા પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

તંત્ર દ્વારા હાલમાં આગને કાબૂમાં લેવાની અને ઘટનાસ્થળ પર સર્ચ ઓપરેશન ચલાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ગંભીર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનોમાં ભારે આઘાત અને આક્રંદ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેથી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાય.

પંજાબ–હિમાચલ વચ્ચે વચ્ચે એન્ટ્રી ટેક્સ મુદ્દે મોટો વિવાદ

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશ અને પડોશી રાજ્ય પંજાબ વચ્ચે એન્ટ્રી ટેક્સ મુદ્દે મોટો વિવાદ ઊભો થયો છે. હિમાચલની સુખવિંદર સિંહ સુક્કુ સરકારે 1 એપ્રિલથી રાજ્યમાં પ્રવેશતાં બહારનાં વાહનો પર ટેક્સ વધારવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ પંજાબના સરહદી વિસ્તારોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે અને ત્યાંના લોકોએ હિમાચલની ગાડીઓ રોકવાની સીધી ધમકી આપી છે. મુદ્દો એટલો ઉગ્ર બન્યો છે કે સોમવારે હિમાચલ વિધાનસભામાં પણ આ મુદ્દે ભારે હોબાળો થયો, જેને કારણે સરકાર બેકફૂટ પર દેખાઈ રહી છે.

સામાન્ય લોકોનાં ખિસ્સાં પર કેટલી અસર?

નવા આદેશ મુજબ, અત્યાર સુધી કાર લઈને હિમાચલ જતાં 70 રૂપિયા એન્ટ્રી ટેક્સ લાગતો હતો, જેને વધારીને સીધો 170 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય મોટાં કોમર્શિયલ વાહનોના એન્ટ્રી ટેક્સમાં પણ અંદાજે 2.5 ગણો વધારો કરવામાં આવ્યો છે.

 પંજાબની ચેતવણી: અમારી ગાડીઓ રોકશો તો અમે પણ રોકીશું

ટેક્સ વધારાનો સૌથી વધુ પ્રભાવ પંજાબ-હિમાચલ બોર્ડર વિસ્તારમાં રોજ અવરજવર કરતા લોકો પર પડશે. પંજાબના ટ્રાન્સપોર્ટર્સ અને સ્થાનિક લોકોએ તેનો જોરદાર વિરોધ શરૂ કર્યો છે. પંજાબ તરફથી ચેતવણી આપવામાં આવી છે કે જો હિમાચલ વધારેલા ટેક્સ સાથે તેમની ગાડીઓ પાસેથી વસૂલી કરશે, તો તેઓ પણ પંજાબની સરહદમાં હિમાચલનાં વાહનોની એન્ટ્રી બંધ કરી દેશે.

પંજાબના નાણાપ્રધાન હરપાલ સિંહ ચીમાએ હિમાચલની કોંગ્રેસ સરકાર પર ‘દેવાળિયા’ જેવી સ્થિતિ હોવાનો આરોપ લગાવતાં ‘જેમને તેમ’ ટેક્સ લગાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પંજાબ સરકાર પણ હિમાચલનાં વાહનો પર જવાબી એન્ટ્રી ટેક્સ લગાવવાની ગંભીરતાથી વિચારણા કરી રહી છે. જો તેઓ અમારા લોકો પાસેથી ટેક્સ વસૂલી શકે છે, તો અમારે પણ વિચારવું પડશે, એમ તેમણે જણાવ્યું હતું.

વિધાનસભામાં જયરામ ઠાકુરનો પ્રહાર — આ CMની જીદ છે

આ ભારે વિરોધની અસર હિમાચલ પ્રદેશ વિધાનસભામાં પણ જોવા મળી. વિરોધ પક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી જયરામ ઠાકુરે ટેક્સ વધારાને સીધું CM સુક્કુની જીદ ગણાવી. તેમણે કહ્યું હતું કે આ એક નિર્ણયથી પંજાબ અને હિમાચલ વચ્ચેના સંબંધો બગડશે અને સામાન્ય હિમાચલી લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ જશે. સરકારે તરત જ આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ.

હાથીને ગુલાબી રંગ કર્યો, જયપુરમાં રશિયન ફોટોગ્રાફરના ફોટોશૂટથી વિવાદ

જયપુરમાં એક રશિયન ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગથી રંગીને ફોટોશૂટ કરાવ્યું હતું, જેના કારણે વિવાદ થયો છે. વન્યજીવન પ્રેમીઓએ તેને પ્રાણી ક્રૂરતા ગણાવીને વિરોધ કર્યો છે, જેના પગલે વન વિભાગે તપાસનો આદેશ આપ્યો છે.

પિંક સિટી તરીકે વિશ્વભરમાં જાણીતું રાજસ્થાનનું પાટનગર જયપુર હાલમાં એક અનોખા અને વિવાદાસ્પદ ફોટોશૂટ માટે સમાચારમાં છે. એક રશિયન ફોટોગ્રાફરની સર્જનાત્મકતાએ સોશિયલ મીડિયા પર એટલો ગુસ્સો ફેલાવ્યો છે કે આ મામલો હવે સરકારી તપાસ અને વન વિભાગ દ્વારા કાર્યવાહીના તબક્કે પહોંચી ગયો છે.

ગુલાબી હાથી પર ગુલાબી મોડેલ

જયપુરના હેરિટેજ લુકથી પ્રેરિત પ્રખ્યાત રશિયન ટ્રાવેલિંગ આર્ટ ફોટોગ્રાફર જુલિયા બુરુલેવાએ એક પ્રોજેક્ટ બનાવ્યો. આ ફોટોશૂટમાં મોડેલ યશસ્વી સાથે માથાથી પગ સુધી ગુલાબી રંગમાં રંગાયેલ એક વિશાળ હાથી જોવા મળે છે. આ ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થતાંની સાથે જ, કલાની પ્રશંસા કરવાને બદલે પ્રાણીઓ પર ક્રૂરતાના આરોપો લાગવા લાગ્યા.

જુલિયાનો દાવો છે કે તેણે આ પ્રોજેક્ટ માટે જયપુરમાં છ અઠવાડિયા ગાળ્યા હતા, સવારે વહેલા ઉઠીને સ્થળોની શોધ કરી હતી. તેણી કહે છે કે હાથી પર વપરાતો રંગ સંપૂર્ણપણે ઓર્ગેનિક અને સ્થાનિક હતો, અને તહેવારો દરમિયાન પણ તેનો ઉપયોગ થાય છે. જોકે, સોશિયલ મીડિયા યુઝર્સ આ દલીલથી સહમત નથી.એક યુઝરે તીવ્ર પ્રતિક્રિયા આપતા લખ્યું,”આજના ડિજિટલ અને AI યુગમાં મૂંગા પ્રાણીને રંગની ડોલમાં ડુબાડવું એ કલા નથી, પરંતુ શોષણ છે. જુલિયાએ આ ઘૃણાસ્પદ કૃત્ય માટે માફી માંગવી જોઈએ.” વન્યજીવન નિષ્ણાતો પણ માને છે કે હાથીઓની ત્વચા અત્યંત સંવેદનશીલ હોય છે અને ભારે માત્રામાં રંગ લગાવવો તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

વિવાદ વધતો ગયો તેમ હાથી માલિક શાદિક ખાન અને હાથી ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ બલ્લુ ખાને સ્પષ્ટતા જારી કરી. તેમણે જણાવ્યું કે ઉપયોગમાં લેવાયેલી માદા હાથીનું નામ ‘ચંચલ’ હતું. માલિકના જણાવ્યા મુજબ, ચંચલ 65 વર્ષની હતી અને તેને માત્ર 10 મિનિટ માટે કાચા ગુલાલ (ગુંદર પાવડર) થી રંગવામાં આવી હતી, જે તરત જ પાણીથી ધોઈ નાખવામાં આવી હતી. ચોંકાવનારી વાત એ સામે આવી કે હાથી ‘ચંચલ’નું ફેબ્રુઆરીમાં મૃત્યુ થયું હતું.

વન વિભાગ દાખલ થયો, શું હવે કાયદેસરની કાર્યવાહી થશે?
આ મામલાની ગંભીરતા અને સોશિયલ મીડિયા પર વધી રહેલા રોષને ધ્યાનમાં રાખીને, રાજસ્થાન વન વિભાગ સક્રિય થઈ ગયું છે. વિભાગે સમગ્ર ફોટોશૂટ અને હાથીની સારવારની તપાસના આદેશ આપ્યા છે. વન્યજીવન સંરક્ષણ કાયદા હેઠળ, વ્યાપારી લાભ માટે કોઈપણ જંગલી પ્રાણીને નુકસાન પહોંચાડવું અથવા તેને અકુદરતી રીતે ચિત્રિત કરવું એ ગુનો ગણી શકાય. જો તપાસમાં જાણવા મળે કે ચિત્રથી હાથીને શારીરિક પીડા થઈ છે અથવા નિયમોનું ઉલ્લંઘન થયું છે, તો ફોટોગ્રાફર અને હાથીના માલિક બંનેને ભારે દંડ અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

શીતલા માતા મંદિરમાં નાસભાગમાં આઠ મહિલાઓનાં મોત, અનેક ઘાયલ

નાલંદાઃ બિહારના નાલંદામાં આવેલા શીતલા માતા મંદિરમાં નાસભાગ મચવાની ઘટના બની છે. પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટનામાં આઠ મહિલાઓનાં મોત થયા છે. મંદિરમાં ભારે ભીડ વચ્ચે પૂજા દરમિયાન આ દુર્ઘટના બની હતી. આ ઘટનામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના નાલંદાના દીપનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મઘડા શીતલા માતા મંદિરની છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અહેવાલ મુજબ ચૈત્ર મહિનાના છેલ્લાં મંગળવારે હોવાથી મંદિરમાં ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થયા હતા. પરંતુ અવ્યવસ્થાને કારણે નાસભાગ મચી ગઈ. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને મંદિર પરિસરમાં અનેક એમ્બ્યુલન્સ પહોંચી રહી છે.

ખરાબ વ્યવસ્થાને કારણે મચી નાસભાગ

મંદિરમાં હાજર પ્રત્યક્ષદર્શી રીના રાયે જણાવ્યું હતું કે અમને ખબર પડી કે કેટલાક લોકો બેભાન થઈ ગયા છે અને કેટલાક ઘાયલ થયા છે. કેટલાક લોકોનાં મોત થયાની પણ માહિતી મળી. કોઈ પણ લાઈનમાં ઊભા રહેવા તૈયાર નહોતું અને દરેક વ્યક્તિ પહેલા દર્શન કરવા માગતી હતી, જેને કારણે નાસભાગ મચી હતી. ચૈત્ર મહિનાનો છેલ્લો મંગળવાર હોવાથી ભારે ભીડ હતી. આ બધું ખરાબ વ્યવસ્થાને કારણે થયું હતું.

બીજા એક શ્રદ્ધાળુ મમતા દેવીએ જણાવ્યું હતું અહીં દર મંગળવારે ઘણી ભીડ રહે છે. લોકો શીતલા માતાનાં દર્શન માટે આવે છે. અમે પણ પટનાથી દર્શન કરવા આવ્યા હતા. પરંતુ દર્શનની ઉતાવળમાં નાસભાગ મચી ગઈ અને લોકોનાં મોત થયાં. આ બધું કુવ્યવસ્થાને કારણે થયું હતું. અહીં એમ્બ્યુલન્સ આવી ગઈ છે, પરંતુ ભીડ ખૂબ વધારે છે અને વહીવટી તંત્ર નજરે પડતું નથી.

બિહારના ઉપ મુખ્યમંત્રીનું નિવેદન

બિહારના ઉપ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે નાલંદાનાં માતા શીતલા મંદિરમાં થયેલી દુઃખદ નાસભાગની ઘટના અત્યંત હૃદયદ્વાવક છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ શ્રદ્ધાળુઓના પરિવારો પ્રત્યે હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના વહેલી તકે સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. સરકાર અસરગ્રસ્ત પરિવારોને દરેક શક્ય સહાય અને રાહત પૂરી પાડી રહી છે. ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે તેવી પ્રાર્થના.

PM મોદીનો ગુજરાત પ્રવાસઃ રૂ. 20,000 કરોડની યોજનાઓની ભેટ

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વાવ-થરાદની મુલાકાત લેશે અને ગુજરાત માટે અનેક મોટાં વિકાસ કાર્યોની શરૂઆત કરશે. તેઓ ઊર્જા, રસ્તાઓ, હાઇવે, રેલવે, શહેરી વિકાસ, પાણી પુરવઠો, આવાસ, આરોગ્ય, પર્યટન અને આદિવાસી કલ્યાણ સહિત રૂ. 20,000 કરોડથી વધુની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. વાવ-થરાદ તેમ જ ગુજરાત માટે આ દિવસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.ગાંધીનગરમાં વર્લ્ડ-ક્લાસ જૈન હેરિટેજ મ્યુઝિયમ

વડા પ્રધાન મોદી ગાંધીનગરના કોબા ગામમાં શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં બનેલા સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. અહીં જૈન ધર્મની વારસા, પ્રાચીન પાંડુલિપિઓ, દુર્લભ કલાત્મક વસ્તુઓ અને મૂર્તિઓ સાત અલગ-અલગ ગેલેરીમાં પ્રદર્શિત થશે. આ સ્થળ રાજ્ય માટે મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને પર્યટન કેન્દ્ર બનશે.

દરરોજ 60 લાખ ચિપ્સ — અને હજારો રોજગાર

અમદાવાદના સાણંદ GIDCમાં આવેલા કેઇન્સ સેમિકોન પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન થશે, જેની સાથે કોમર્શિયલ ઉત્પાદન શરૂ થશે. રૂ. 3300 કરોડના ખર્ચે બનેલી OSAT સેમિકન્ડક્ટર ફેક્ટરી દરરોજ આશરે 60 લાખ ચિપ્સ બનાવશે.

રાજ્યના લોકો માટે અનેક વિકાસકાર્યો

* નવી રોજગાર તકો

* ઔદ્યોગિક વિકાસમાં વધારો

* સાણંદને દેશના મહત્વના મેન્યુફેક્ચરિંગ હબ તરીકે મજબૂતી

 શહેરોમાં સુધરશે રસ્તા, ડ્રેનેજ અને આવાસ

રાજ્યમાં રૂ. 5295 કરોડના ખર્ચે 44 શહેરી વિકાસ પ્રોજેક્ટ શરૂ થશે. તેમાં અમદાવાદને સૌથી મોટો હિસ્સો મળ્યો છે — રૂ. 4640 કરોડની 32 યોજનાઓ, જેમાં સમાવેશ થાય છે:

* ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા

* ડ્રેનેજ સિસ્ટમ સુધારો

* વડા પ્રધાન આવાસ યોજના હેઠળ ઘર

આથી હજારો પરિવારોને સારી સડકો, પાણી ભરાવાની સમસ્યામાં ઘટાડો અને સસ્તા આવાસની સુવિધા મળશે.

 વડનગરમાં પર્યટનને પ્રોત્સાહન

વડનગરમાં હેરિટેજ ટાઉન અને રોડ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ હેઠળ શહેરને વધુ આકર્ષક બનાવાશે. આથી પર્યટકોની સંખ્યા વધશે અને સ્થાનિક વેપારને લાભ મળશે.

કહેવત: મરચાં લાગવાં

 

 મરચાં લાગવાં

 

કોઈ પણ બાબતે લાગણી અતિ તીવ્ર બની ઊઠે, અપમાનિત થવાની પરિસ્થિતીનું સર્જન થાય, અકળાઇ ઉઠાય અને ન આમ કે તેમ કશું જ ન સૂઝે ત્યારે ખૂબ માઠું લાગ્યું હોય કે એકદમ રીસ ચઢી હોય તેવો ભાવ મનમાં પેદા થાય.

જેમ મરચાંવાળો હાથ આંખે અડે અને આંખોમાં એકદમ બળતરા ઊઠે તે રીતે કોઈ વાતથી અપમાનિત થવાય અને ખરાબ લાગે.

શરીરનું રોમરોમ તીવ્ર વેદનાથી સળગી ઉઠ્યું હોય તેવો અનુભવ થાય ત્યારે આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રીટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

યુદ્ધ ખતમ કરવા તૈયાર ટ્રમ્પે કહ્યું,  હોર્મુઝ ના ખૂલે તો પણ સૈન્ય કાર્યવાહી નહીં

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સહયોગીઓને જણાવ્યું છે કે તેઓ હોર્મુઝ જલડમરુમધ્ય ફરીથી ખૂલ્યા વગર પણ યુદ્ધ ખતમ કરવા તૈયાર છે. વોશિંગ્ટનમાં પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રમ્પ ઈરાન સામે ચાલી રહેલા અમેરિકન સૈન્ય અભિયાનને બંધ કરવા તૈયાર છે, ભલે હોર્મુઝ જલડમરુમધ્ય બંધ જ રહે.આ નિર્ણયથી શક્ય છે કે આ મહત્વપૂર્ણ જળમાર્ગ પર તહેરાનની મજબૂત પકડ યથાવત રહે અને તેને ફરીથી ખોલવાનું મુશ્કેલ કામ ભવિષ્ય માટે મુલતવી રાખવામાં આવે.

આ માહિતી વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં આપવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ટ્રમ્પ અને તેમના સહયોગીઓએ આકલન કર્યું હતું કે આ મહત્વપૂર્ણ જળમાર્ગને બળજબરીથી ખોલવાનો કોઈ પણ પ્રયાસ સંઘર્ષને તેમના નક્કી કરેલા સમયગાળા (ચારથી છ અઠવાડિયા) કરતાં ઘણો લાંબો ખેંચી શકે છે.

તેથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે અમેરિકા પોતાનાં મુખ્ય લક્ષ્યો હાંસલ કરવા પર ધ્યાન આપે — એટલે કે ઈરાનની નૌસેના અને તેના મિસાઈલ ભંડારને નબળા પાડવા તેમજ હાલના ટકરાવને સમાપ્ત કરીને વેપાર ફરીથી સામાન્ય બને તે માટે તહેરાન પર કૂટનીતિનું દબાણ વધારવું.

 સૈન્ય વિકલ્પ તરત નહીં અપનાવે ટ્રમ્પ

અધિકારીઓએ જણાવ્યું કે જો કૂટનીતિના પ્રયાસો નિષ્ફળ જાય, તો વોશિંગ્ટન યુરોપ અને ખાડી દેશોમાં પોતાના સાથી દેશો પર દબાણ કરશે કે તેઓ જલડમરુમધ્ય ખોલવા માટે પહેલ કરે. ટ્રમ્પ પાસે કેટલાક સૈન્ય વિકલ્પો છે, પરંતુ હાલ તે તેમની પ્રાથમિકતા નથી.

ગયા એક મહિનામાં ટ્રમ્પે જાહેરમાં આ જળમાર્ગ અંગે અલગ-અલગ નિવેદનો આપ્યાં છે. ક્યારેક તેમણે ચેતવણી આપી હતી કે નિશ્ચિત સમયમર્યાદા સુધી જળમાર્ગ ન ખૂલ્યો તો નાગરિક ઊર્જા માળખા પર બોમ્બમારો થઈ શકે. જ્યારે અન્ય પ્રસંગોએ તેમણે કહ્યું હતું કે આ સમસ્યાનો ઉકેલ લાવવાની જવાબદારી અન્ય દેશોની છે.

હોર્મુઝ બંધ રહેવાના નુકસાન

જેટલો લાંબો સમય આ જલડમરુમધ્ય બંધ રહેશે, એટલી વૈશ્વિક અર્થતંત્રોમાં ઊથલપાથલ વધશે અને ગેસની કિંમતોમાં તેજી આવશે. અમેરિકાના સહયોગી દેશો સહિત ઘણા દેશો ઊર્જા પુરવઠામાં આવેલા ભારે ઘટાડાનો સામનો કરી રહ્યા છે.