ગુજરાતમાં આ વર્ષ લલનીનોને કારણે ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે ગુજરાતના જળાશયોમાં પણ પાણીની ધરખમ આવક નોંધાય છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 138.61 મીટરે પહોંચી ગઈ છે. હવે ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર 6 સેન્ટીમીટર જ દૂર છે. મળતી માહિતી અનુસાર આવતીકાલે માં નર્મદાના વધામણાં કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે સરદાર સરોવર નર્મદા ડેમનું સંપૂર્ણ કામ 2017માં પૂર્ણ થયુ હતું, ત્યારે 16 સપ્ટેમ્બર 2017એ ભરાયો હતો, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવીને નર્મદાનું પૂજન કર્યું હતું અને 7 વર્ષથી સતત સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી વટાવી રહ્યો છે અને ચાલુ વર્ષે 2024માં પણ 1 ઓક્ટોબરે 2024એ ફરી નર્મદા ડેમ છલોછલ ભરાશે.
સરકારી આકડા પ્રમાણે આજે સરદાર સરોવર નર્મદા ડેમ 138.61 મીટર પર છે. જ્યારે આજે પાણીની આવક 81508 ક્યુસેર નોંધાય રહી છે. જ્યારે ડેમમાંથી 80980 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. અને ડેમની જળ સપાટી આજે 138.61 મીટરે પહોંચતા હવે માત્ર 6 સેન્ટીમીટર ડેમ ખાલી રહ્યો છે, ત્યારે સીઝનમાં આ વખતે સંપૂર્ણ ડેમ 1 ઓક્ટોબર 2024 એટલે કે આવતીકાલે ભરાઈ જશે. સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાઈ જવાની ખુશીમાં એક મોટો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે 10.30 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માં નર્મદાના વધામણાં કરવા આવી રહ્યા છે. જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નર્મદાના વધામણાંના બેનરો પણ લાગી ગયા છે. કેવડિયાના બ્રાહ્મણો દ્વારા વિધિ સાથે માં નર્મદાના વધામણાં કરાશે. જોકે આ વધામણાં બાદ નર્મદા ડેમના 10થી વધુ દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદી બે કાંઠે થશે. જેને લઈ ભરૂચ નર્મદા અને વડોદરાના 42 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
બીજી બાજું સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોવાથી ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત શનિવારે મોડીરાતના શેત્રુંજી ડેમ 90 ટકા ભરાઈ ગયો હતો તેથી નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. આજે સોમવારે શેત્રુંજી ડેમની સપાટી 34 ફૂટે પહોંચતા નીચાણવાળા 17 ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત્ રહેતાં ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે.
એર માર્શલ એપી સિંહે ભારતીય વાયુસેનાના નવા વડા તરીકે કમાન સંભાળી છે. તેમને એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ ચાર્જ સોંપ્યો છે. જણાવી દઈએ કે આજે એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ સવારે વાયુ ભવનમાં પરંપરાગત ‘વૉક થ્રૂ’ કરતા પહેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર મૃત નાયકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી, તેમને વાયુસેનાના વાયુ યોદ્ધાઓ દ્વારા વિદાય સલામી તરીકે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
Air Chief Marshal VR Chaudhari handed over command of #IndianAirForce today. On the occasion, he paid homage to the departed brave hearts at the #NationalWarMemorial in the morning before undertaking the traditional ‘walk through’ at the Vayu Bhawan. He was presented a… pic.twitter.com/FlmA6BIqfj
તમને જણાવી દઈએ કે, 27 ઓક્ટોબર, 1964ના રોજ જન્મેલા એર માર્શલ એપી સિંહને ડિસેમ્બર 1984માં ભારતીય વાયુસેનાના ફાઈટર પાઈલટ સ્ટ્રીમમાં કમિશન આપવામાં આવ્યું હતું. તેમની લગભગ 40 વર્ષની લાંબી અને વિશિષ્ટ સેવા દરમિયાન, તેમણે અસંખ્ય કમાન્ડ, સ્ટાફ, સૂચનાત્મક અને વિદેશી નિમણૂંકોમાં સેવા આપી છે.
5 હજાર કલાકથી વધુ સમય માટે વિમાન ઉડવાનો અનુભવ
નેશનલ ડિફેન્સ એકેડેમી, ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કૉલેજ અને નેશનલ ડિફેન્સ કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી, એર ઑફિસર એક લાયક ફ્લાઇટ પ્રશિક્ષક અને વિવિધ ફિક્સ્ડ અને રોટરી વિંગ એરક્રાફ્ટ પર 5,000 કલાકથી વધુ ઉડ્ડયન અનુભવ સાથે પ્રાયોગિક પરીક્ષણ પાઇલટ છે.
એપી સિંહ પણ આ મહત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે
તેમની કારકિર્દી દરમિયાન, એપી સિંહે ઓપરેશનલ ફાઇટર સ્ક્વોડ્રન અને ફ્રન્ટલાઈન એર બેઝની કમાન્ડ કરી છે. ટેસ્ટ પાયલોટ તરીકે, તેમણે મોસ્કો, રશિયામાં મિગ-29 અપગ્રેડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમનું નેતૃત્વ કર્યું. તેઓ નેશનલ ફ્લાઇટ ટેસ્ટ સેન્ટરમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર (ફ્લાઇટ ટેસ્ટ) પણ હતા અને તેમને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ, તેજસના ફ્લાઇટ ટેસ્ટિંગની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડમાં એર ડિફેન્સ કમાન્ડર અને ઈસ્ટર્ન એર કમાન્ડમાં વરિષ્ઠ એર સ્ટાફ ઓફિસરના મહત્વના સ્ટાફના હોદ્દા સંભાળ્યા છે. એર હેડક્વાર્ટરમાં જતા પહેલા તેઓ સેન્ટ્રલ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ પણ હતા.
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરની એક ચૂંટણી સભામાં કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાક્યુદ્ધ છેડાયું હતું. ખાસ કરીને PM મોદી વિશેના વિવાદિત નિવેદનથી ગૃહ પ્રધાન અમિત શાહે આકરી પ્રતિક્રિયા આપી હતી.
ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની જમ્મુ-કાશ્મીરમાં એક જનસભા દરમ્યાન વડા પ્રધાન મોદી પર કરવામાં આવેલી ટિપ્પણીને અત્યંત ખરાબ અને અપમાનજનક ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ખડગેની ટિપ્પણી બતાવે છે કે કોંગ્રેસના મનમાં PM મોદી માટે કેટલી નફરત અને ડર છે. તેઓ સતત તેમના વિસે વિચારતા રહે છે.
રાજ્યના જસરોટામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુંન ખડગેએ ભાજપ પર હુમલો કરતાં કહ્યું હતું કે PM મોદીને સત્તા પરથી હટાવ્યા પહેલાં તેઓ મરશે નહીં. અમારી સરકાર આવશે તો અમે આતંકવાદને ખતમ કરી દેશે. અમે રાજ્યનો દરજ્જો અપાવવા માટે લડીશું. તમારી વાત સાંભળીશ, તમારા માટે લડીશ.
Yesterday, the Congress President Shri Mallikarjun Kharge Ji has outperformed himself, his leaders and his party in being absolutely distasteful and disgraceful in his speech.
In a bitter display of spite, he unnecessarily dragged PM Modi into his personal health matters by…
શાહે X પર લખ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડેગે પાર્ટીના નેતાઓ કરતાં પણ વધુ અભદ્ર ભાષાઓનો પ્રયોગ કર્યો હતો. તેમણે તેમની કડવાશનો પરિચય આપતાં કહ્યું હતું કે મોદીને સત્તાથી દૂર કર્યા પછી જ મરીશ. હું પ્રાર્થના કરું છું કે તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ રહે. તેઓ 2047 સુધી વિકસિત ભારતનું નિર્માણ માટે જીવિત રહે.
આ દર્શાવે છે કે આ કોંગ્રેસીઓમાં PM મોદી પ્રત્યે કેટલી નફરત અને ડર છે કે તેઓ સતત તેમના વિશે જ વિચારતા રહે છે, એમ તેમણે કહ્યું હતું.
આ નિવેદનોથી કોંગ્રેસ અને ભાજપની વચ્ચે રાજકીય ખેંચતાણ તેજ થવાની શક્યતા છે. બંને પક્ષોના સમર્થકોની વચ્ચે એક નવી ચર્ચા છેડાઈ છે. હવે જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં આ વિવાદની રાજકીય અસર શું થાય છે?
હિઝબુલ્લાહ કમાન્ડર નસરાલ્લાહના મોત બાદ આતંકી સંગઠનની કમાન ડેપ્યુટી કમાન્ડર નઈમ કાસિમે પોતાના હાથમાં લીધી છે. નસરાલ્લાહના મૃત્યુ બાદ પ્રથમ વખત નઈમ દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું છે. હિઝબોલ્લાહના ડેપ્યુટી કમાન્ડરે ઇઝરાયેલ સામેની લડાઈ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી અને તેના માણસોને લાંબી લડાઈ માટે તૈયાર રહેવા કહ્યું.
હિઝબોલ્લાહ કમાન્ડર નસરાલ્લાહની હત્યા પછીના તેમના પ્રથમ ભાષણમાં, નઇમ કાસિમે સોમવારે કહ્યું હતું કે જો ઇઝરાયેલ જમીન પર હુમલો કરવાનું નક્કી કરે છે, તો હિઝબોલ્લાહ લડવૈયાઓ લડવા અને લેબનોનનો બચાવ કરવા તૈયાર હોવા જોઈએ. ડેપ્યુટી સેક્રેટરી જનરલ નઈમ કાસીમ હવે હિઝબુલ્લાહના કાર્યકારી નેતા છે જ્યાં સુધી નેતૃત્વ નસરાલ્લાહના સ્થાને કોઈની પસંદગી ન કરે.
10 દિવસમાં હિઝબુલ્લાના 6 ટોચના નેતાઓ માર્યા ગયા
નસરાલ્લાહ અને તેના છ ટોચના કમાન્ડરો છેલ્લા 10 દિવસમાં ઇઝરાયેલી દળોના હુમલામાં માર્યા ગયા છે. ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે લેબનોનના મોટા ભાગોમાં હજારો આતંકવાદી લક્ષ્યોને નિશાન બનાવીને હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર લેબનોનમાં 1,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાંથી લગભગ એક ક્વાર્ટર મહિલાઓ અને બાળકો છે. લેબનીઝ સરકાર કહે છે કે લડાઈથી દસ લાખ લોકો વિસ્થાપિત થઈ શકે છે.
ઇઝરાયેલના હુમલાના જવાબમાં હિઝબુલ્લાએ પાછલા સપ્તાહમાં ભારે રોકેટ છોડ્યા છે. હિઝબુલ્લાહ દ્વારા દરરોજ સેંકડો મિસાઇલો છોડવામાં આવી હતી. જેમને ઈઝરાયેલની એર ડોમ સિસ્ટમ દ્વારા હવામાં ગોળી મારી દેવામાં આવી હતી. કેટલાક રોકેટ જમીન પર પટકવામાં સફળ રહ્યા હતા. જેમાં કેટલાક ઈઝરાયેલના નાગરિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. 19 સપ્ટેમ્બરે સરહદ નજીક બે ઈઝરાયેલ સૈનિકોની હત્યા બાદ કોઈ જાનહાનિ થઈ નથી.
વડોદરા: ગુજરાતમાં વિદાય વખતે મેઘરાજા મન મુકી વરસી રહ્યા છે. ત્યારે ફરી એક વખત વડોદરામાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીનું લેવલ 25 ફૂટ આસપાસ નોંધાયુ હતું. ચોમાસા દરમિયાન વડોદરા શહેરની વિશ્વામિત્રી ચર્ચા રહી છે, કેમકે પાણીનું સ્તર વધતાની સાથે વડોદરામાં મગરના ત્રાસ વધી જતો હોય છે. ત્યારે ફરી એક વખત નદીની સપાટી ભયજન સુધી પહોંચી હતી. જોકે ગઈ રાતથી વરસાદ બંધ છે અને આજે ઉઘાડ છે, પરંતુ નદીનું લેવલ રવિવારની સરખામણીએ ધીમી ગતિએ વધી રહ્યું છે, એટલે વડોદરામાં હજી પૂરનું સંકટ માથે મંડરાઇ રહ્યું છે, હવે ભારે વરસાદ ન પડે તો જ શહેર ત્રીજી વખતના પૂરમાંથી બચી શકે તેવી સ્થિતિ છે.
રવિવારની સરખામણીએ આજવા સરોવરમાં પણ લેવલ ખૂબ ધીમી ગતિએ વધે છે. રવિવારે વડોદરામાં ભારે વરસાદ પડ્યા બાદ અને ઉપરવાસમાંથી આવક થતાં વિશ્વામિત્રી નદીની જળ સપાટી ખૂબ ઝડપભેર આગળ વધી ગઈ હતી. જેના કારણે કોર્પોરેશનનું તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. લોકો ત્રીજી વખત પૂર આવશે તેવી દહેશતથી ભયભીત બની ગયા હતા. ગત રાત સુધી લેવલ ખૂબ ઝડપથી વધતું હતું. રાત્રે બે વાગ્યે લેવલ 24 ફૂટ પહોંચી ગયું હતું. જોકે એ ત્યારબાદ સપાટીમાં વધારો ધીમી ગતિએ થઈ રહ્યો છે, એટલે તંત્ર થોડું નિશ્વિત બન્યું છે. રાત્રે 2 વાગ્યાથી અત્યારે સવારે 11:30 વાગ્યા સુધીમાં નદીની સપાટીમાં 1.03 ફૂટનો વધારો થયો છે. આજવા સરોવર ખાતે પણ ગત રાત્રે 11 વાગ્યે લેવલ 213.13 ફૂટ હતું. જે આજે 12 કલાક પછી તેમાં 0.16 નો વધારો થયો છે. આજવાનું લેવલ હાલ 213.26 ફૂટ છે. વરસાદ થંભી જવાના કારણે લેવલ વધવાની ગતિ ઘટી ગઈ છે.
આ ઉપરાંત અફવા પર ધ્યાન ન આપવા માટે પણ કોર્પોરેશન દ્વારા એપિલ કરવામાં આવી છે. ત્યારે આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરનું પાણી વિશ્વામિત્રી નહીં છોડાય તેવી પણ જાણકારી તંત્રએ આપી હતી. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. તંત્ર દ્વારા એન.ડી.આર.એફની બે ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે અને બચાવ કામગીરી માટે તરાપા રાખવામાં આવ્યા છે. આજની સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરાની શાળાઓ અને એમ.એસ.યુનિવર્સિટી બંધ રાખવામાં આવી છે. હાલ નદીમાં પાણી જે વધી રહ્યું છે, તે વિશ્વામિત્રીના ઉપરવાસના વરસાદના લીધે વધે છે. સામાન્ય રીતે વરસાદ થયા બાદ 24 કલાક સુધી ધીમી ગતિએ પાણીની આવક ચાલુ રહે છે. કોર્પોરેશનના તંત્રનું માનવું છે કે હવે લેવલ ધીમે ધીમે સ્થિર થશે અને કલાકો બાદ પાણી ઉતરવાની શરૂઆત થશે, પરંતુ તે સમય દરમિયાન વરસાદ પડવો ન જોઈએ. જો વરસાદ પડે તો સ્થિતિ પાછી ચિંતાજનક બની જાય તેમ છે
અમદાવાદ: શહેરના લો ગાર્ડન નજીક આવેલા ફૂટપાથ પરનું બજાર હવે ચારે તરફ ફેલાતું જાય છે. જી.એલ.એસ. કોલેજની સામે વસ્ત્રો માટે બનેલી ફૂટપાથ પરની હાટ હવે આ વિસ્તારના તમામ માર્ગ ગલીઓમાં ફેલાઈ ગઈ છે. એમાંય નવરાત્રિ પહેલાં ખરીદી માટે અહીં ભારે ભીડ જામી રહી છે. બપોરથી રાત્રી સુધી આખાય વિસ્તારમાં અનિયંત્રિત ટ્રાફિક જોવા મળે છે.
લો ગાર્ડન પાસેના ફૂટપાથની નાની-નાની હાટડીઓમાં આમ તો બારે માસ પરંપરાગત ડ્રેસ, કેડિયા, ભરતગુંથણ વાળા ચણિયાચોળી, છત્રીઓ, ઓક્સોડાઈઝના ઘરેણાં જેવી અનેક પરંપરાગત ચીજવસ્તુઓનું વેચાણ થાય છે. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોમાં લાલ દરવાજા, ભદ્ર, ત્રણ દરવાજા, પાનકોર નાકા કરતાં પણ વધારે ભીડ નવરાત્રિ દિવાળી પહેલાં લો ગાર્ડનની આસપાસના વિસ્તારમાં જોવા મળે છે.આ સાથે શહેરના નવા વિકસેલા પૂર્વ પશ્ચિમના વિસ્તારોમાં પણ ખુલ્લી જગ્યાઓમાં ચણીયા ચોળી, કેડિયા અને ઉત્સવોની ચીજવસ્તુઓની ખરીદી માટે લાગતી ભીડથી ટ્રાફિક જામ થઈ જાય છે. છેલ્લા કેટલાક દિવસથી લો ગાર્ડનની આસપાસની ફૂટપાથ, ડીવાઈડર અને રોડની વચ્ચે ફેરિયાઓએ અડ્ડો જમાવી દીધો છે.ઓફિસ ટાઈમ વેળાએ આવતા-જતા અને ઈમરજન્સીના વાહનો ટ્રાફિકમાં ફસાઈ જાય છે. સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસની ટોઈંગ વાન, દબાણ વિભાગની ગાડીઓની ઉપસ્થિતિ હોવા છતાં લોકો માર્ગો, ડિવાઈડર રોકી ધંધો કરી રહ્યા છે. જેના કારણે ભારે ચક્કાજામ સર્જાય છે.અમદાવાદની મધ્યમાં લોકોને ફન માટે બનાવેલી લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ આસપાસ ફેરિયા માર્ગો પર અડ્ડો જમાવીને બેઠા છે. હેપ્પી સ્ટ્રીટ સાથે આખોય લો ગાર્ડન વિસ્તાર ટ્રાફિક સ્ટ્રીટમાં ફેરવાઈ ગયો છે.
પટનાઃ બિહારમાં કોસી, ગંડક, બાગમતી નદી કાળો કેર વર્તાવી રહી છે. અત્યાર સુધી બે ગામોમાં પૂરનાં પાણી ઘૂસી ગયાં છે. આશરે 2.50 લાખથી વધુ લોકોને અસર થઈ છે. બિહાર સરકારે અલર્ટ પણ જારી કર્યું છે. છેલ્લા 24 કલાકમાં સાત બાંધ તૂટ્યા છે. આ બાંધ તૂટવાને કારણે કિરતપુર, પ્રખંડ અને ધન્યશ્યામપુર પ્રખંડમાં પૂરનાં પાણી વિનાશ વેર્યો છે. સીતામઢી અને શિવહરમાં કુલ પાંચ બંધને બાગમતી નદીના પૂરે ધ્વસ્ત કર્યાં છે.
હાલના દિવસોમાં ગંડક, કોસી, બાગમતી, કમલા બલાન અને ગંગા સહિત અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. કોસી નદીમાં જળસ્તર વધી રહ્યું છે. લાખ્ખો લોકોની જિંદગી મુશ્કેલીમાં છે. લોકોને 2008વાળો ડર સતાવવા લાગ્યો છે. વર્ષ 2008માં આવેલા પૂરમાં સરકારી આંકડાઓ મુજબ 2008માં પૂરથી 526 લોકોનાં મોત થયાં હતાં. અનેક ખેડૂતોનાં ખેતરો હંમેશ માટે ખતમ થયાં હતાં, ત્યારે નેપાળે બે-ત્રણ લાખ ક્યુસેક પાણી છોડ્યું હતું.રાજ્યમાં ઘર, રસ્તા, પૂલ અને ઊંચી ઇમારતો પાણીમાં ગરકાવ છે. લાખ્ખો જિંદગીઓ અચનક નિઃસહાય થઈ ગઈ છે. નેપાળના રસ્તે આવી રહેલી નદીઓએ રાજ્યના 13 જિલ્લાઓ ભારે વિનાશ વેર્યો છે. આ જળપ્રલય જોઈને લોકોને હવે 1968 અને 2008ની ભયાનક યાદો તાજી થઈ છે.
રાજ્યમાં કોસી નદી પર બીરપુર (નેપાળ)થી 6.61 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જે છેલ્લાં 56 વર્ષોમાં સૌથી વધુ છે. જે 2008ની તુલને આશરે ત્રણ ગણું છે. જોકે 168માં 7.88 લાખ ક્યુસેક પછી એ સૌથી વધુ છે. ગંડક પર વાલ્મીકિનગરથી 5.62 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જે 2003 પછી સૌથી વધુ છે.
નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તહેવારના ત્રણ દિવસ પહેલા ગુજરાતમાં મેઘરાજા પણ મનમૂકી વરસી રહ્યા છે. જોકે હવામાન વિભાગે નવરાત્રિમાં કોઈ પણ વિધ્ન નહીં પડે તેવી આગાહી પણ વ્યક્ત કરી છે. જ્યારે પાછલા 24 કલાકની વાત થાય, ગુજરાતમાં એક દિવસમાં 134 તાલુકમાં વરસાદે હાજરી પુરાવી હતી. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 4.40 ઈંચ વરસાદ નોંધાયો છે. તો વડોદરામાં 3.77 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જૂનાગઢમાં 3.58 ઈંચ, બોટાદના ગઢડામાં 3.26 ઈંચ, તાલાલામાં 3 ઈંચ અને ગીર ગઢડા 2.9 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ પ્રમાણે આજે વરસાદનું જોર ઘટવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે (30મી સપ્ટેમ્બર) વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં વીજળી અને મેઘગર્જના સાથે સપાટી પરના પવન 30-40 કિમી પ્રતિ કલાકના પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
નવરાત્રિ પર નહીં નડે વિઘ્ન
આ ઉપરાંત ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન ધોધમાર વરસાદની શકયતા નહિવત છે. જો કે ક્યાં કોઇ જગ્યા ઝાપટા પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પોસ્ટ મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવા ઝાપટા નવસારી, વલસાડમાં પડી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સિસ્ટમના કારણે હાલ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. મળતી માહિતી અનુસાર ઓક્ટોબરની શરૂઆતમાં જ ચોમાસાની વિદાયની શક્યતા સેવાય રહી છે. ત્યારે ખેલૈયા અને ગરબા આયોજક માટે સારા સમાચાર એ છે કે, 2 ઓક્ટોબરથી રાજ્યમાં વરસાદ વિદાય લેશે. નવરાત્રિ 3 ઓક્ટબરથી શરૂ થઇ રહી છે જેથી નવરાત્રિમાં વરસાદ વિધ્નરૂપ બને તેવી શક્યતા નહિવત છે.
ગુજરાતમાં સિઝનનો 137 ટકા વરસાદ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસતાં અનેક સ્થાનોએ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યારસુધી સરેરાશ 47.44 ઈંચ સાથે સિઝનનો 137 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં છેલ્લા 10 વર્ષમાં આ બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે. અગાઉ વર્ષ 2019માં 49.95 ઈંચ સાથે સરેરાશ 146 ટકા વરસાદ વરસ્યો હતો.
નવી દિલ્હીઃ બોલિવુડ એક્ટર મિથુન ચક્રવર્તીનું ફિલ્મજગતમાં મહત્ત્વનું યોગદાન રહ્યું છે. તેમણે તેમની કેરિયરમાં એક-એકથી ચઢિયાતી ફિલ્મોમાં કામ કર્યું છે. જેથી મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી છે. તેમને આ એવોર્ડ નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં આપવામાં આવશે. આ એવોર્ડ સમારોહ આઠ ઓક્ટોબરે આયોજિત કરવામાં આવશે.
એક્ટરે કેરિયરના પ્રારંભમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. જોકે એ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં તેમનો એક જમાનો હતો. તેમના નામના સિક્કા પડતા હતા. સિનેમામાં યોગદાન માટે તેમની દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદગી થઈ છે. એક્ટર મિથુન માત્ર એક્ટિંગમાં જ નહીં, પરંતુ એક્શન અને ડાન્સિંગમાં પણ એક્સપર્ટ છે. તેણે વિવિધ ભાષાઓમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે – બંગાળી, હિન્દી, ઉડિયા, ભોજપુરી, તમિલ, તેલુગુ, કન્નડ અને પંજાબી. તેની બોલિવુડ ડેબ્યુ ફિલ્મ મૃગયા હતી. આ ફિલ્મમાં તેનો બહુ નાનો રોલ હતો. આ પછી તેણે તેરે પ્યાર મેં, પ્રેમ વિવાહ, હમ પાંચ, ડિસ્કો ડાન્સર, હમ સે હૈ જમાના, ઘર એક મંદિર, અગ્નિપથ, તિતલી, ગોલમાલ 3, ખિલાડી 786 અને ધ તાશ્કંદ ફાઇલ્સમાં કામ કર્યું.
Delighted that Shri Mithun Chakraborty Ji has been conferred the prestigious Dadasaheb Phalke Award, recognizing his unparalleled contributions to Indian cinema. He is a cultural icon, admired across generations for his versatile performances. Congratulations and best wishes to… https://t.co/aFpL2qMKlo
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે X પર પોસ્ટ શેર કરી, જેમાં તેમણે આ માહિતી શેર કરી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે મિથુન ચક્રવર્તીની નોંધપાત્ર સિનેમેટિક સફર પેઢીઓને પ્રેરણા આપે છે. તેમને આ સન્માન ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે આપવામાં આવી રહ્યું છે. જ્યારે અભિનેતા માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કારની જાહેરાત કરવામાં આવી ત્યારે તેના ચાહકો ખૂબ જ ખુશ છે. વડા પ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને તેમને અભિનંદન પાઠવ્યાં હતાં.
મિથુન ચક્રવર્તીએ અભિનય ઉપરાંત માર્શલ આર્ટમાં નિષ્ણાત તાલીમ લીધી છે અને તે બ્લેક બેલ્ટ પણ છે. મિથુન 80ના દાયકાના લોકપ્રિય અભિનેતા રહ્યા છે. તેમણે હિન્દી ફિલ્મોમાં ડાન્સને નવી ઓળખ આપી. એક સમય હતો જ્યારે મિથુનના ડાન્સના કારણે જ ફિલ્મ હિટ થતી હતી.મિથુનને નામે ક રેકોર્ડ નોંધાયેલો છે. મિથુને સૌપ્રથમ રૂ. 100 કમાણી કરતી હિટ ફિલ્મ આપી હતી, તેમની ડિસ્કો ડાન્સરે રૂ. 100 કરોડનો બિઝનેસ કરી ઇતિહાસ રહ્યો હતો.
ઓસ્કાર માટે ઘણી ભારતીય ફિલ્મને મોકલવામાં આવી છે. પરંતુ જો કોઈ ફિલ્મ વધારે ચર્ચામાં હોય તો તે છે ‘લાપતા લેડિઝ’. આ ફિલ્મની એટલી બધી વાતો થઈ છે કે કદાચ ફિલ્મ સંબંધિત તમામ બાબતોથી તમે અવગત હશો. ત્યારે આજે આપણે ફિલ્મને પાનાં પર ઉતારનાર ફિલ્મના લેખિકા સ્નેહા દેસાઈ વિશે વાત કરીશું. ગુજરાતીઓ માટે ખાસ ગોરવની વાત છે એ છે કે સ્નેહા દેસાઈ ગુજરાતી છે. મૂળ સ્ટોરી બિપલબ ગોસ્વાની છે. પરંતુ એક રોપાને પાણી પાઈને જેમ ઘટાદાર વુક્ષ બનાવવામાં આવે એમ સ્નેહા દેસાઈએ આ સ્ટોરીનો સ્ક્રીનપ્લે અને સંવાદો લખીને વાર્તા બનાવી લોકોના દિલ સુધી પહોંચાડી છે.
સ્નેહા દેસાઈ મૂળ મુંબઈના છે. તે એક લેખિકા અને કુશળ અભિનેત્રી પણ છે. ગુજરાતી પરિવારમાં જન્મેલા સ્નેહા દેસાઈએ પોતાના કરિયરની શરૂઆત ગુજરાતી રંગભૂમિથી કરી હતી. અભિનેત્રી તરીકે ગુજરાતી નાટકોમાં કામ કરતાં સ્નેહાને સપનેય વિચાર નહોતો કે ભવિષ્યમાં કલમ તેમની કરિયરને એક અલગ જ દિશા આપશે. તેણીએ પ્રખ્યાત નાટકોમાં અભિનય પણ કર્યો છે. લગ્ન બાદ બાળકનો જન્મ થયો ને અભિનયથી થોડું અતંર આવ્યું, આ અંતરે તેણીને લેખન તરફ દોર્યા. તેમણે કોડમંત્ર, સફરજન, ક કાનજીનો ક જેવા વિવિધ સફળ નાટકો લખ્યાં અને પછી ટેલિવિઝન તરફ પ્રયાણ કર્યુ. સ્નેહા દેસાઈએ હિન્દી શૉ ‘વાગળે કી દુનિયા’ અને ‘પુષ્પા ઈમ્પોસિબલ’પણ લખ્યાં છે. લેખિકા તરીકે લાપતા લેડિઝ તેમની ડેબ્યુ ફિલ્મ રહી છે. તેમજ ‘મહારાજ’ ફિલ્મ પણ તેમની કલમથી લખાઈ છે. હવે જ્યારે લાપતા લેડિઝને ઓસ્કારમાં એન્ટ્રી મળી છે ત્યારે સ્નેહા દેસાઈએ ચિત્રલેખા ડૉટ કૉમ સાથે વાત કરી પોતાના અનુભવ શેર કર્યા છે.
1. લાપતા લેડિઝ ફિલ્મ કેવી રીતે મળી?
લાપતા લેડિઝ એક સુખદ સંજોગ છે એવું કહી શકાય. મેં પહેલી ફિલ્મ જે લખી હતી એ મહારાજ છે. જ્યારે હું જનૈદ ખાનને મહારાજની સ્ટોરી સંભળાવવા ગઈ હતી ત્યારે આમિર સર અને કિરણ મેમ પણ ત્યાં બેઠા હતા નરેશન સાંભળવા માટે. એ સમયે અમારી પહેલી મુલાકાત થઈ. જોકે ત્યારે લાપતા લેડિઝ વિશે કોઈ જ પ્રકારની વાત નહોતી થઈ. બાદમાં મહારાજ ફિલ્મનું શૂટિંગ શરૂ તો થયું પણ લોકડાઉનને કારણે અટકાવવામાં આવ્યું. આ સ્થિતિમાં ઈન્ડસ્ટ્રીમાં મોટા ભાગના લોકો જ્યારે ઘરે બેઠા હતા ત્યારે લોકડાઉન દરમિયાન મને આમિર ખાન પ્રોડક્શનન તરફથી લાપતા લેડિઝની સ્ટોરી માટે સ્ક્રીનપ્લે અને સંવાદ લખવાની ઓફર આવી હતી.
2. ફિલ્મ લખતી વખતે કેવા પડકાર રહ્યાં?
અમે લખવાનું શરૂ કર્યુ ત્યારે નક્કી કર્યુ હતું કે ફિલ્મથી ઉપર કોઈ વસ્તુ ન હોવી જોઈએ. પ્રોડક્શન તરફથી મને કોઈ પણ બંધન નહોતું. મને વાર્તાને અનુરુપ કંઈ પણ લખવાની બાંહેધરી હતી. અમે બહુ સાતત્ય સાથે આ વાર્તા લખી શક્યા. લખતી વખતે કિરણ મેમ અને આમિર સર બંને સતત સાથે હતાં. અમે જ્યારે રિંડીંગ કરતા ત્યારે તેઓ સતત ફિડબેક આપતાં. સ્ક્રિપ્ટ લેવલ પર જ એટલું ઝીણવટપૂર્વક અને સરસ એડિટિંગ થયું હતું કે અમને ખાતરી હતી કે જ્યારે ફિલ્મ બનશે ત્યારે એક ભારે ફિલ્મ બનશે.
3. સ્ટોરી લખતાં કેટલો સમય લાગ્યો?
મૂળ વાર્તા બિપલબ ગોસ્વામીની છે. સ્ક્રીનપ્લે અને સંવાદો મેં લખ્યા છે. મેં જ્યારે પહેલો રૉ ડ્રાફ્ટ તૈયાર કર્યો જે મારે પ્રોડક્શનને સંભળાવવાનો હતો તે 25 દિવસમાં તૈયાર થયો હતો.બાદમાં જ્યારે મેં વાર્તા સંભળાવી ત્યારે તે તેમને ખુબ જ ગમી અને તેમણે કહ્યું કે અહીં આપણે આ પ્રોજેક્ટને લૉક કરીએ છીએ. આપણે તમારી સાથે જ આ વાર્તામાં આગળ વધીશું અને તમે જ સ્ક્રીનપ્લે અને સંવાદ લખશો. ત્યાર બાદ અમે બીજા ડ્રાફ્ટ પર કામ કરવાનું શરૂ કર્યુ. કઈ વસ્તુ પર ભાર આપવો, લોકોને સમજાય એવી રીતે ડેવલપ કરવી, કોઈ વસ્તુ સારી છે તો તેને યોગ્ય રીતે ઉજાગર કરવી આવી વિવિધ બાબતનો ધ્યાનમાં રાખી બીજો ડ્રાફ્ટ તૈયાર કર્યો. લોકડાઉન હોવાથી અમારી પાસે ઘણો સમય હતો તેથી ધીમે ધીમે કામ કર્યુ આશરે છ થી આઠ મહિના જેટલો સમય લાગ્યો બાકી બે મહિનામાં પણ થઈ શક્યુ હોત.
4. કિરણ રાવ અને આમિર ખાન સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
મારે એક વાત કહેવી જ રહી કે તે લોકો પોતાની કળાને લઈને અને પોતાના પ્રોડક્શન હાઉસને લઈને ખુબ જ ઉદાર છે. તેમના પ્રોડ્કશનમાં બનતી અન્ય કોઈ ફિલ્મની પ્રક્રિયામાં પણ તમને સામેલ કરે છે. રિડીંગ સેશન્સ કે કોઈ અન્ય પ્રવૃત્તિમાં તે બોલાવે તેમજ જોડાવવાની તક આપે જેથી જ્યાં પણ તમારે યોગદાન આપવું હોય ત્યાં આપી શકો. તમને સાંભળવામાં આવે. તેમના આટલા બહોળા અનુભવમાંથી મને આ પ્રોજોક્ટ દરમિયાન ઘણું બધું શીખવા મળ્યું.
5. એક મહિલા તરીકે મહિલા કેન્દ્રિત ફિલ્મ લખવાની પ્રક્રિયા કેવી રહી?
મને લાગે છે જ્યારે સ્ત્રીઓ સ્ત્રી પાત્રને લખતી હોય ત્યારે એક અલગ પ્રકારની ભાવના આપણે લાવી શકીએ છીએ. પણ હા, હું જરાય એવું નથી માનતી કે પુરુષો સ્ત્રી પાત્રને સારી રીતે નથી લખી શકતાં. લાપતા લેડિઝમાં જે મહિલા પાત્રો છે, એ પ્રકારના પાત્રો લખો ત્યારે એક મૂળભૂત વાત એ કે મહિલા ઓબર્ઝવેશનને તમે પાત્રમાં લાવી શકો છો. જ્યારે એવી વાતોને તમે પડદા પર લાવો ત્યારે મોટાભાગની ઓડિયન્સ, મહિલાઓ એ બાબતો સાથે કનેક્ટ થઈ શકે છે. તેમની ખુશી પીડા બધું જ અનુભવી શકે છે. જયારે તમને પાત્રો સાથેનું કનેક્શન મળી જાય ત્યારે તમે ફિલ્મ સાથે ઓટોમેટિક કનેક્ટ થઈ જાઓ છો. મને લાગે છે લાપતા લેડિઝને એ વાતનો સૌથી વધારે ફાયદો થયો છે. જો આપણે આપણી આસપાસ નિરીક્ષણ કરીએ તો આવા અનેક પાત્રો જોવા મળે છે. અમારો પહેલેથી એક નિર્ણય હતો કે અમારે માણસોની અંદર રહેલી સારપને ઉજાગર કરવી છે અને એને ઉજવવી છે. નારીને ઉંચી કે નબળી બતાવવી કે પુરૂષને મજબુત કે નબળો દર્શાવવો એવી કોઈ વાત નહોતી.
6. ઉભરતાં યુવા લેખકો માટે કંઈ સૂચન?
સૌથી પહેલા કહીશ કે ખૂબ જ વાંચો અને એટલું જ લખો. જેટલો રિયાઝ હશે એવું જ લખાણ કાગળ પર દેખાશે. ઘણાં લોકોને એવું લાગે કે અમે લખીએ છીએ પણ અમને મોકો નથી મળતો. પરંતુ એવું નથી, જો તમારા લખાણમાં સ્પાર્ક હશે તો તે કોઈ પણ રીતે દુનિયા સુધી પહોંચશે. ફિલ્મ જુઓ, વિવિધ સ્ક્રિપ્ટ વાંચો, સ્ક્રીનપ્લેની ગુંથણી કેવી રીતે થાય છે તેનું નિરીક્ષણ કરો અને સેલ્ફ સ્ટડી કરો.
અંતે ઓસ્કારમાં ફિલ્મની એન્ટ્રી પર ખુશી વ્યકત કરતાં સ્નેહા દેસાઈએ કહ્યું ‘બહુ બધાં લોકોને ફાળો છે આ સફળતામાં. મારો પરિવાર, મિત્રો અને જે પણ લોકોનો સહકાર મળ્યો છે તે તમામનો આભાર વ્યક્ત કરું છું. આ ગોવર્ધન ઉપાડવામાં બધાની આંગળી અડેલી છે એવું હું સખતપણે માનું છે. ઓસ્કાર સુધી પહોંચવું એ બહુ મોટી વાત છે.’ઉલ્લેખનીય છે કે સ્નેહા દેસાઈએ જયેશભાઈ જોરદાર અને મહારાજ ફિલ્મમાં અભિનય પણ કર્યો છે. જો તેણીના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો રાઈટર તરીકે તેમની બે ફિલ્મ્સ આવી રહી છે. જે આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે.