જમ્મુ-કાશ્મીર: નગરોટા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ભાજપના દિગ્ગજ નેતા જીતેન્દ્ર સિંઘના ભાઈ દેવેન્દ્ર સિંહ રાણાનુું નિધન થયું છે. આ સમાચાર ભાજપ માટે એક મોટો ઝટકો મનાઈ રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપના ધારાસભ્ય તરીકે તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને નગરોટા બેઠક પરથી જંગી મતો સાથે જીત મેળવી હતી.
માહિતી મુજબ દેવેન્દ્ર સિંહ રાણાએ ફરીદાબાદની એક હોસ્પિટલમાં બુધવારે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. દિગ્ગજ નેતાના નિધનથી જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મહેબૂબા મુફ્તી સહિત અનેક નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં દેવેન્દ્ર સિંહ રાણાને 48113 મત મળ્યા હતા. જ્યારે NC ઉમેદવાર જોગીન્દર સિંહને 17641 વોટ મળ્યા હતા. આ રીતે દેવેન્દ્ર સિંહે 30472 મતોથી જંગી જીત મેળવી હતી.
ભાજપના દિગ્ગજ નેતાનું દિવાળીના દિવસે જ નિધન
દિલ્હીની હવા દિવાળીના પર્વ બાદ વધુ ઝેરી બની
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં દિવાળીની સવારે વાયુની ગુણવત્તા વધારે ખરાબ પરિસ્થિતિમાં જોવા મળી. અહીં સવારે ૯ વાગ્યે એર ક્વાલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) ૩૩૦ રહ્યો હતો. સાંજે ફટાકડાને કારણે વાયુની ગુણવત્તા વધારે ખરાબ થવાની સંભાવના છે.
દિલ્હીમાં બપોરે ચાર વાગ્યે સરેરાશ એ.ક્યુ.આઇ. ૩૨૮ નોંધવામાં આવ્યો હતો. જે બુધવારના ૩૦૭થી વધારે છે. વર્ષ ૨૦૨૩માં દિવાળીના દિવસે એ.ક્યુ.આઇ. ૨૧૮ રહ્યો હતો. ગયા વર્ષે પરાળી બાળવાની ઘટનાઓમાં ઘટાડો થવાથી તેમજ દિવાળી પહેલાં વરસાદ પડવાને કારણે તહેવારના દિવસે દિલ્હી ગેસ ચેમ્બર બન્યું ન હતું.
પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને છેલ્લા ચાર વર્ષથી દિલ્હીમાં ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રક્ષા મંત્રી-સેના પ્રમુખની આસામમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી
નવી દિલ્હી: કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી બુધવારે સાંજે આસામના તેજપુર પહોંચ્યા હતા. અહીં તેમણે દિવાળીની ઉજવણી કરી અને મેઘના સ્ટેડિયમમાં સેનાના જવાનો સાથે ડિનર કર્યુ હતું.
LOC અને અટારી બોર્ડર પર, પુરૂષ-મહિલા સૈનિકોએ મીઠાઈઓ વહેંચી, મીણબત્તીઓ પ્રગટાવી અને ફટાકડા ફોડ્યા હતા. LOC પર દિવાળી પર જવાનોએ જોરશોરથી ડાન્સ પણ કર્યો હતો.
આ દરમિયાન ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ. પી. સિંહ જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. તેઓ જવાનોને મળ્યા અને તેમને દિવાળીની શુભેચ્છા પાઠવી અને તેમની સાથે નાસ્તો કર્યો હતો. આ સિવાય સી.ડી.એસ. જનરલ અનિલ ચૌહાણ પોર્ટ બ્લેયર, આંદામાન અને નિકોબારમાં તહેનાત જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી ગુજરાતના પોરબંદરમાં નૌકાદળના જવાનો સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા છે.
પીએમ મોદી દર વર્ષે સેના સાથે દિવાળીની ઉજવણી કરતા હતા. આ વખતે તેઓ દિવાળી પર ગુજરાતના પ્રવાસે છે. આવી સ્થિતિમાં ત્રણેય સેના પ્રમુખ અને સીડીએસ અલગ-અલગ જગ્યાએ પહોંચ્યા અને જવાનો સાથે દિવાળી મનાવી.
રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં કહ્યું કે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને દિવાળીના પર્વ પર તમારી (સૈનિકો) વચ્ચે આવવાની તક મળી. મારે આજે અરુણાચલના તવાંગમાં જવાનું હતું. સૈનિકો સાથે ભોજન પણ કરવાનું હતું, પણ કદાચ ભગવાનને આ મંજૂર ન હતું. તેઓ ઇચ્છતા હતા કે હું તેજપુરમાં બહાદુર સૈનિકો સાથે ડિનરમાં હાજરી આપું. તેમણે કહ્યું કે કોઈપણ તહેવારની ખુશી ત્યારે વધી જાય છે જ્યારે તે પરિવાર સાથે ઉજવવામાં આવે. જેટલો મોટો પરિવાર, તેટલી મોટી ખુશી. તેથી હું મારા મોટા પરિવાર, મારા સશસ્ત્ર દળોના પરિવાર સાથે દિવાળી ઉજવવાનો પ્રયાસ કરું છું. તેથી જ હું આ વર્ષે તેજપુરમાં તમારી સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યો છું.
રાંદેરી આલુ પુરી
દિવાળીના નાસ્તા બનાવીને તેમજ મીઠાઈ ખાઈને જરા તરા કંટાળો જો આવ્યો હોય, તો આ મજેદાર નાસ્તો બનાવવા જેવો છે! સુરતની પ્રખ્યાત રાંદેરની આલુ પુરી કોકમની ચટણી સાથે ચટાકેદાર સ્વાદવાળી છે!

સામગ્રીઃ
- મેંદો 2 કપ
- મોણ માટે તેલ 2 ટી.સ્પૂન
- મીઠું સ્વાદ મુજબ
- તેલ તળવા માટે
- કાંદા 3-4 (કાંદા લસણ ન ખાતા હોય તેમણે કાંદાને બદલે કોબી તેમજ ચીઝનો ઉપયોગ કરવો)
- ચાટ મસાલો 2 ટી.સ્પૂન
- ઝીણી તીખી સેવ અથવા તૈયાર આલૂ ભૂજિયા સેવ 1 કપ
- ઝીણી સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
રગડા માટેઃ
- સૂકા સફેદ વટાણા 1 કપ
- બટેટા 3
- લીલાં મરચાં 2
- આદુ-લસણ પેસ્ટ 1 ટી.સ્પૂન
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- ગરમ મસાલો ½ ટી.સ્પૂન
- હળદર પાઉડર ½ ટી.સ્પૂન
- ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
- જીરૂ ટી.સ્પૂન
- તેલ 2 ટે.સ્પૂન
- મીઠું સ્વાદ મુજબ
લીલી ચટણીઃ
- કોથમીર ધોઈને સમારેલી 1 કપ
- લીલાં મરચાં 4
- આદુનો ટુકડો 1 ઈંચ
- શેકેલા જીરાનો પાઉડર ½ ટી.સ્પૂન
- મીઠું સ્વાદ મુજબ
- લીંબુનો રસ 2 ટી.સ્પૂન
કોકમની ચટણીઃ
- ભીના નરમ કોકમ 40 ગ્રામ
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- ધાણાજીરુ પાઉડર 1 ટી.સ્પૂન
- ગોળ
- લીંબુનો રસ 2 ટી.સ્પૂન
- મીઠું સ્વાદ મુજબ
રીતઃ કઠોળના સફેદ વટાણા 2-3 પાણીએથી ધોઈને પાણીમાં આખી રાત માટે પલાળી રાખો.
સવારે વટાણામાં બટેટા છોલીને ઝીણા ચોરસ ટુકડામાં સમારીને ઉમેરી 2 કપ પાણી ઉમેરીને કૂકરની 4-5 સીટી કરી બાફી લો. કૂકર ઠંડું થવા દો.
એક વાસણમાં મેંદો લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું તેમજ 1 ટી.સ્પૂન તેલ ઉમેરી પુરીના લોટની જેમ થોડો કઠણ લોટ બાંધીને ભીના સુતરાઉ કાપડથી ઢાંકીને 20 મિનિટ માટે રાખી મૂકો.
મિક્સીમાં ધોઈને સમારેલી કોથમીર લઈ તેમાં, આદુ-મરચાંના ટુકડા, જીરા પાઉડર, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બારીક તેમજ ઘટ્ટ ચટણી પીસી લો.
કોકમને ધોઈને એક તપેલીમાં 2½ કપ જેટલું પાણી ઉમેરો. તેમાં લાલ મરચાં પાઉડર, ધાણાજીરુ પાઉડર, ગોળ, લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ ઉમેરીને ગેસ પર ઉકળવા મૂકો. તેમાંનું પાણી સૂકાય જાય એટલે ગેસ બંધ કરીને ઠંડું કરવા મૂકો.

લોટને રાખીને 20 મિનિટ થઈ ગઈ હોય તો તેમાંથી નાની નાની પાણી પુરી જેવી પુરીઓ વણીને એક થાળીમાં ગોઠવી દો. પુરી વણાય જાય એટલે એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરીને પુરી તળી લો. ધ્યાન રહે, પુરીના રંગ જરાપણ ગોલ્ડન કે લાલ ન થવો જોઈએ. મધ્યમ તાપે પુરી કાચી ના રહેતાં એકસરખી તળાઈ જશે, એટલું કે પુરીનો રંગ સફેદ દેખાવો જોઈએ.
પુરી તળીને બહાર થાળીમાં એક ઉપર એક ગોઠવીને ઢગલીઓ કરતા જાઓ. જેથી પુરી નરમ રહે.
એક કઢાઈમાં તેલ ગરમ કરી જીરૂ તતડાવીને તેમાં સુધારેલાં મરચાં તેમજ આદુનો વઘાર કરી લો. હવે તેમાં બધા સૂકા મસાલા તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બાફેલો રગડો મેળવી દો. 2-3 મિનિટ બાદ તેમાંનું પાણી સૂકાઈને રગડો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.
કોકમ ઠંડા થાય એટલે તેને મિક્સીમાં લાલ મરચાં પાઉડર, ધાણાજીરુ પાઉડર, ગોળ, લીંબુનો રસ તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરીને જાડી ચટણી પીસી લો.
કાંદાની ગોળ પાતળી સ્લાઈસ કરી લો.
એક પ્લેટમાં 4-5 પુરી ગોઠવી લો. તેની ઉપર 1-1 ચમચી રગડો મૂકો. ઉપર તીખી તેમજ ગળી ચટણી ઉમેરીને દરેક પુરી ઉપર કાંદાની 2-3 રીંગ મૂકી દો. ઉપર થોડો ચાટ મસાલો ભભરાવીને ઝીણી તીખી સેવ ભભરાવો, સમારેલી કોથમીર સાથે સજાવીને ખાવા માટે પીરસો.

અમેરિકામાં બની, પાણીની સપાટીની નીચે નરેન્દ્ર મોદીની રંગોળી
સુરત: દિવાળી અને બેસતાવર્ષના દિવસે આંગણે રંગોળી પૂરવાની એક પરંપરા છે. રંગોળી કરોઠી, ફુલ, મીઠું ,રેતી, લાકડાનો વ્હેર, જુદા-જુદા કઠોળ કે ચોખાની મદદથી પણ બનાવી શકો છો. તૈયાર રંગોળી એક્રેલિકની શીટ, પ્લાસ્ટિકની સીટ અથવા તો પ્લાયની સીટ પર પણ મળે છે. આજે આપણે પાણીની નીચે રંગોળી માણીએ. મૂળ સુરતી અને હાલ અમેરિકા રહેતા રંગોળી કલાકાર હેમંતી ચંદ્રેશ જરદોશ દ્વારા આ રંગોળી બનાવાઈ છે. આ વખતે એમણે નરેન્દ્ર મોદીની રંગોળી બનાવી છે.
હેમંતી જરદોશે અમેરિકાથી ચિત્રલેખા.કોમ સાથે ફોન પર પાણીની સપાટી નીચે રંગોળી બનાવવાની રીત જણાવતા કહ્યુ કે, સૌ પ્રથમ સ્ટીલ અથવા કાચની અથવા પ્લાસ્ટિકની ડીશ લો. જો રંગોળી મોટી બનાવવી હોય તો મોટું વાસણ પણ લઈ શકો છો. હવે તેની સપાટી ઉપર તેલ કે દિવેલ લગાવી પાતળું પડ તૈયાર કરો અને તેના પર ચોકની મદદથી ડિઝાઇન તૈયાર કરો અથવા પેન્સિલની મદદથી પહેલા ડિઝાઇન તૈયાર કરી શકો છો. હવે જુદા-જુદા રંગોની કરોઠી લઈ આ દોરેલી ડિઝાઇન પર રંગોળી તૈયાર કરો.
તમે જે દોરો છો કે જે રંગ ઉમેરો છે એ ફાઇનલ પ્રોડક્ટ છે એમ સમજી લો. આમાં ભૂલ સુધારવાનો અવકાશ નહીવત્ છે. રંગોળી તૈયાર થઈ ગયા બાદ ૩૦ થી ૪૦ મિનિટ રંગોને રહેવા દો. ત્યારબાદ થાળીમાં કે વાસણમાં ધીમે ધીમે એક સાઈડથી પાણી ઉમેરો. થાળીમાં તેલ કે દિવેલ લગાડેલું હોવાથી પાણી રેડવા છતાં કરોઠી/ રંગો થાળીમાં જ ચોંટી રહેશે. આ રીતે તૈયાર કરી શકશો, પાણીની અંદર એક આકર્ષક રંગોળી.
આ રંગોળી તમારી કાયમ માટે સચવાઈ રહેશે. એમાંથી પાણી કાઢીને સાચવીને રાખી શકો અને જરૂર પડે ત્યારે પાણી નાખીને તમે બતાવી શકો છો. અલબત્ત રંગ તેલ સાથે ચોંટેલા હોય છે એટલે તમે અડકો એટલે ખરાબ થઈ શકે છે. એકબીજામાં રંગો ભળતા હોવાથી આ રંગોળી બનાવનાર વ્યક્તિને રંગોના મિશ્રણનો ખ્યાલ હોય એ જરૂરી છે. આ રંગોળી ૩ થી વર્ષ સુધી સાચવીને વાપરી શકો છો.
હેમંતી જરદોશએ આ વર્ષે અમેરિકામાં નરેન્દ્ર મોદીની રંગોળી તૈયાર કરી છે. અગાઉ ગણેશજી, અમિતાભ બચ્ચન વગેરે રંગોળી બનાવી ચૂક્યા છે.
(અરવિંદ ગોંડલિયા – સુરત)
IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટનના નામની જાહેરાત કરી
IPL 2024માં નિરાશાજનક પ્રદર્શન બાદ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે મજબૂત પુનરાગમન કરવા માટે પ્રથમ પગલું ભર્યું છે. IPL 2025ની મેગા ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સે કુલ 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. ખાસ વાત એ છે કે રોહિત શર્મા હજુ પણ આ ટીમ સાથે છે. ગત સિઝન બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ છોડી શકે છે, પરંતુ એવું થયું નથી. આ સાથે જ હાર્દિક પંડ્યાને પણ જાળવી રાખવામાં આવ્યો છે. આ બે દિગ્ગજ ખેલાડીઓ સિવાય મુંબઈની ટીમે વધુ ખેલાડીઓને જાળવી રાખ્યા છે.
𝗥𝗘𝗧𝗔𝗜𝗡𝗘𝗗 💙💙💙💙💙
“We have always believed that the strength of a family lies in its core and this belief has been reinforced during the course of recent events.
We are thrilled that the strong legacy of MI will be carried forward by Jasprit, Surya, Hardik, Rohit and… pic.twitter.com/G70B6DyZhw
— Mumbai Indians (@mipaltan) October 31, 2024
મુંબઈ ઈન્ડિયન્સની રિટેન્શન લિસ્ટ જાહેર
ગત વર્ષે જ મુંબઈએ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપી હતી, ત્યાર બાદ માનવામાં આવી રહ્યું હતું કે રોહિત ટીમ છોડી શકે છે. પરંતુ રોહિત ફરી એકવાર માત્ર મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવા મળશે. રોહિત આ ટીમ સાથે 5 વખત IPL ટ્રોફી જીતી ચૂક્યો છે. તે જ સમયે, હાર્દિક પંડ્યા ગત સિઝનમાં જ વેપાર દ્વારા મુંબઈની ટીમમાં આવ્યો હતો અને કેપ્ટન પણ બન્યો હતો. આ સિવાય જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માને પણ જાળવી રાખવામાં આવ્યા છે.
𝐅𝐨𝐫𝐞𝐯𝐞𝐫 𝐩𝐚𝐫𝐭 𝐨𝐟 𝐨𝐮𝐫 𝐬𝐭𝐨𝐫𝐲 💙#MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/wDBSNQBv4A
— Mumbai Indians (@mipaltan) October 31, 2024
કેપ્ટને આગામી સિઝન માટે જાહેરાત કરી
રિટેન્શન લિસ્ટની સાથે મુંબઈ ઈન્ડિયન્સે આગામી સિઝન માટે કેપ્ટનના નામની પણ જાહેરાત કરી છે. મુંબઈની ટીમે જાહેરાત કરી છે કે IPL 2025માં હાર્દિક પંડ્યા ટીમનો કેપ્ટન રહેશે. ગત સિઝનમાં હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, પરંતુ મુંબઈએ પંડ્યા પરનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. એટલે કે રોહિત શર્મા આગામી સિઝનમાં પણ ખેલાડી તરીકે રમશે.
MI એ કયા ખેલાડીને કેટલામાં જાળવી રાખ્યો?
મુંબઈએ જસપ્રિત બુમરાહને સૌથી વધુ 18 કરોડ રૂપિયા આપ્યા છે. તે જ સમયે, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાને 16.35-16.35 કરોડમાં જાળવી રાખવામાં આવ્યા છે. આ સિવાય રોહિતને 16.30 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. બીજી તરફ તિલક વર્મા ફરી એકવાર આ ટીમ માટે 8 કરોડ રૂપિયા સાથે રમતા જોવા મળશે.
IPL 2025 : રિટેન્શન પ્લેયરની સંપૂર્ણ યાદી
તમામ 10 ટીમોએ IPL 2025 માટે તેમની રીટેન્શન લિસ્ટ જાહેર કર્યું છે. મોટા સમાચાર એ છે કે એમએસ ધોની IPL 2025 રમશે અને તેને ચેન્નાઈએ જાળવી રાખ્યો છે. જ્યારે દિલ્હી કેપિટલ્સે રિષભ પંતને રિટેન કર્યો નથી. કેએલ રાહુલ પણ લખનૌ સુપરજાયન્ટ્સમાંથી બહાર છે. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા સહિત 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. બેંગલુરુએ માત્ર ત્રણ ખેલાડીઓને જાળવી રાખ્યા છે જેમાં વિરાટ કોહલી, રજત પાટીદાર અને યશ દયાલનો સમાવેશ થાય છે. પંજાબની ટીમે માત્ર 2 ખેલાડીઓને જાળવી રાખ્યા છે.
The wait is over and the retentions are 𝙃𝙀𝙍𝙀! 🔥
Here are all the players retained by the 🔟 teams ahead of the #TATAIPL Auction 💪
What do you make of the retention choices 🤔 pic.twitter.com/VCd0REe5Ea
— IndianPremierLeague (@IPL) October 31, 2024
મુંબઈએ 5 ખેલાડીઓને રિટેન કર્યા હતા
મુંબઈ ઈન્ડિયન્સે 5 ખેલાડીઓને રિટેન કર્યા છે જેમાં હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, તિલક વર્માનો સમાવેશ થાય છે. જસપ્રીત બુમરાહને સૌથી વધુ 18 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવને 16.35 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાને પણ 16.35 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો. રોહિત શર્માને 16.30 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો. તિલક વર્માને 8 કરોડમાં જાળવી રાખવામાં આવ્યા છે.
દિલ્હી કેપિટલ્સ
દિલ્હીની ટીમે અક્ષર પટેલને સૌથી વધુ 16.50 કરોડ રૂપિયા આપ્યા છે. કુલદીપ યાદવને 13.25 કરોડ રૂપિયા મળશે. ટ્રિસ્ટન સ્ટબ્સને 10 કરોડ રૂપિયામાં જાળવી રાખવામાં આવ્યા છે. અભિષેક પોરેલને 4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે.
— IndianPremierLeague (@IPL) October 31, 2024
કોલકાતા નાઈટ રાઈડર્સ
કોલકાતા નાઈટ રાઈડર્સે આશ્ચર્યજનક નિર્ણય લીધો છે અને તેના કેપ્ટન શ્રેયસ અય્યરને છોડી દીધો છે. KKRએ 6 ખેલાડીઓને રિટેન કર્યા છે જેમાંથી રિંકુ સિંહને સૌથી વધુ 13 કરોડ રૂપિયા મળ્યા છે. વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણને 12-12 કરોડ રૂપિયામાં જાળવી રાખવામાં આવ્યા છે. આન્દ્રે રસેલને 12 કરોડ રૂપિયામાં અને હર્ષિત રાણા-રમનદીપ સિંહને 4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે.
RCB
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે માત્ર 3 ખેલાડીઓને રિટેન કરીને સૌને ચોંકાવી દીધા હતા. RCBએ સૌથી વધુ 21 કરોડ રૂપિયામાં વિરાટ કોહલીને રિટેન કર્યો છે. રજત પાટીદારને 11 કરોડમાં અને યશ દયાલને 5 કરોડમાં જાળવી રાખવામાં આવ્યા હતા. આરસીબીએ તેના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને જાળવી રાખ્યા નથી. મેક્સવેલને પણ મુક્ત કરવામાં આવ્યો છે.
રાજસ્થાન રોયલ્સ
રાજસ્થાન રોયલ્સે 6 ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં કેપ્ટન સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલને 18-18 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે. રિયાન પરાગ અને ધ્રુવ જુરેલને 14-14 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે. શિમરોન હેટમાયરને 11 કરોડમાં જાળવી રાખવામાં આવ્યો છે. સંદીપ શર્માને 4 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો. ટીમે યુઝવેન્દ્ર ચહલ અને અશ્વિન બંનેને રિલીઝ કર્યા છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ
સનરાઇઝર્સ હૈદરાબાદે પાંચ ખેલાડીઓને રિટેન કર્યા છે, જેમાંથી હેનરિક ક્લાસેન 23 કરોડ રૂપિયામાં ટીમમાં રહેશે. કેપ્ટન પેટ કમિન્સને 18 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. અભિષેક શર્માને 14 કરોડમાં જાળવી રાખ્યો હતો. ટ્રેવિસ હેડને પણ 14 કરોડ રૂપિયા મળ્યા છે. નીતિશ રેડ્ડીને 6 કરોડ રૂપિયા મળ્યા છે.
લખનૌ સુપરજાયન્ટ્સ
લખનૌ સુપરજાયન્ટ્સે તેમના કેપ્ટન કેએલ રાહુલને જાળવી રાખ્યા નથી. નિકોલસ પુરનને સૌથી વધુ 21 કરોડ રૂપિયા મળ્યા છે. રવિ બિશ્નોઈ અને મયંક યાદવને 11-11 કરોડ રૂપિયામાં જાળવી રાખવામાં આવ્યા છે. મોહસીન ખાન, આયુષ બધોનીને 4-4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા હતા.
ચેન્નાઈ સુપર કિંગ્સ
ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં રૂતુરાજ ગાયકવાડ અને રવિન્દ્ર જાડેજાને 18-18 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. મતિશ પથિરાનાને 13 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. શિવમ દુબેને 12 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો. ધોનીને 4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો.
ગુજરાત ટાઇટન્સ
ગુજરાત ટાઇટન્સે રાશિદ ખાનને 18 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. જ્યારે કેપ્ટન શુભમન ગિલને 16.5 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. સાઈ સુદર્શનને 8.5 કરોડ રૂપિયામાં જાળવી રાખવામાં આવ્યા છે. રાહુલ તેવટિયા અને શાહરૂખ ખાનને 4-4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે.
પંજાબ કિંગ્સ
પંજાબ કિંગ્સે 2 ખેલાડીઓને રિટેન કર્યા છે. શશાંક સિંહને 5.5 કરોડ રૂપિયામાં, પ્રભસિમરન સિંહને 4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે.
ભારત-ચીનના સૈનિકોએ દિવાળી પર એકબીજાને મીઠાઈ આપી
ડેપસાંગ અને ડેમચોકમાં ભારત અને ચીન વચ્ચે છૂટાછેડાનું કામ પૂર્ણ થઈ ગયું છે. ભારત-ચીન બોર્ડર પર બંને દેશોના સૈનિકોએ પીછેહઠ કરી છે. આજે અથવા આવતીકાલથી બંને દેશોની સેના અહીં પેટ્રોલિંગ શરૂ કરશે. આજે દિવાળીના અવસર પર બંને દેશો (ભારત-ચીન)ના સૈનિકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી છે. તાજેતરમાં, ભારત અને ચીન વચ્ચે ડેપસાંગ અને ડેમચોકમાંથી છૂટાછેડા અંગે સમજૂતી થઈ હતી.

પૂર્વી લદ્દાખના ડેપસાંગ અને ડેમચોકમાં જ નહીં પરંતુ અન્ય સ્થળોએ પણ મીઠાઈઓ વહેંચવામાં આવી છે. જ્યાં પણ મીઠાઈ વહેંચવામાં આવી છે ત્યાં લદ્દાખમાં ચુશુલ મોલ્ડો, સિક્કિમમાં નાથુલા, અરુણાચલમાં બુમલા અને અન્ય ઘણી જગ્યાઓ પણ સામેલ છે. સેનાના સૂત્રોએ જણાવ્યું કે પાંચ BMP પોઈન્ટ પર મીઠાઈની આપ-લે કરવામાં આવી હતી.

ડેમચોક-ડેપસાંગમાંથી ચીન-ભારતીય સૈન્ય પીછેહઠ કરી
સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે બુધવારે ડેપસાંગ અને ડેમચોકમાં છૂટાછેડાનું કામ પૂર્ણ થયું હતું. આ પછી પેટ્રોલિંગને લઈને સ્થાનિક કમાન્ડર સ્તરની વાતચીત થઈ હતી. સંભવતઃ આજ અથવા આવતીકાલથી બંને દેશોની સેના ડેપસાંગ અને ડેમચોક વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરશે. છેલ્લા સાડા ચાર વર્ષથી તણાવના કારણે અહીં પેટ્રોલિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. તાજેતરમાં જ બંને દેશો વચ્ચે આ અંગે સમજૂતી થઈ હતી. કરાર માત્ર ડેમચોક અને ડેપસાંગ માટે જ થયા છે. અન્ય ક્ષેત્રો માટે હજુ પણ વાટાઘાટો ચાલુ છે.



