Home Blog Page 1361

ગાંધીનગરમાં 75 વર્ષના વૃદ્ધમાં શંકાસ્પદ ઝીકા કેસ, આરોગ્ય વિભાગ સતર્ક

ગાંધીનગર શહેરમાં શંકાસ્પદ ઝીકા વાયરસના કેસના પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. સેકટર 5 ના એક 75 વર્ષીય વૃદ્ધમાં ઝીકા વાઇરસના લક્ષણો જણાતા એન્ટી લારવા, ફોગીંગ અને ફીવર સર્વે ની કામગીરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે દર્દીની હાલત સ્થિર હોવાથી તેમને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે. જોકે અન્ય કોઈ દર્દીઓમાં આવા પ્રકારના લક્ષણોની ચકાસણી માટે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગાંધીનગરના સેકટર 5,6,13,4 સહિતના સેક્ટરોમાં આરોગ્ય વિભાગની ટીમ કામગીરી કરી રહી છે. આ ઉપરાંત દર્દીના સેમ્પલ પુના ખાતેની લેબોરેટરીમાં તપાસથી મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ ઝીકા વાયરસ અંગે સ્પષ્ટતા થઈ શકશે. દિવાળીના તહેવારોમાં ડેન્ગ્યુ સહિતના દર્દીઓનું ફોલો અને સર્વેની કામગીરી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અલગ અલગ સેક્ટરોમાં કરવામાં આવી રહી છે.

ઝીકા વાયરસ શું હોય છે

ઝીકા વાયરસ મચ્છરોથી ફેલાતી એક બીમારી છે. આ બીમારી એડીઝ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છર દિવસના સમયે વધારે એક્ટિવ હોય છે. આ વાયરસથી થનારું સંક્રમણ ખતરનાક હોય છે. એડીઝ એલ્બોપિક્ટ્સ અને એડીઝ ઈજિપ્ટીથી ઝીકા વાયરસ ફેલાવવાનો ખતરો વધે છે. ઝીકા વાયરસથી સંક્રમિત થવા પર તાવ અને મલેરિયાના લક્ષણો સાથે જોવા મળે છે. આ વાયરસ એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે. એવામાં સંક્રમિત વ્યક્તિથી લગભગ 3 અઠવાડિયા સુધીનું અંતર રાખવું જરૂરી છે.

એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં 26 સગર્ભા સ્ત્રીઓનો સમાવેશ થાય છે, પરંતુ સદનસીબે તેમાંથી મોટાભાગની મહિલાઓ તંદુરસ્ત છે અને આ વર્ષે 20 જૂને શહેરમાં ઝિકા વાયરસના ચેપનો પ્રથમ કેસ નોંધાયો હતો. 46 વર્ષીય ડૉક્ટરનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદતેમની 15 વર્ષની પુત્રીમાં પણ ચેપની પુષ્ટિ થઈ હતી.

સંસદનું શિયાળ સત્ર 25 નવેમ્બરથી શરૂ થવાની શક્યતા

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થવાની શક્યતા છે. આગામી સત્ર તોફાની રહેવાની સંભાવના છે. આ સત્રમાં વન નેશન- વન ઇલેક્શનનો રિપોર્ટ અને સંબંધિત બિલ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત વકફ બિલ પર પણ હંગામો થવાની શક્યતા છે.  આ શિયાળુ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે. 26 નવેમ્બરે લોકસભા અને રાજ્યસભા બંનેનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવી શકે છે.

બંધારણનાં 75 વર્ષ પૂરા થવાના અવસર પર 26 નવેમ્બરે સંયુક્ત સત્ર બોલાવાય એવી શક્યતા છે. આ સ્પેશિયલ સંયુક્ત બેઠક વ્યવસ્થા જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં કરવામાં આવે એવી ધારણા છે, કેમ કે આ સ્થળે 26 નવેમ્બર 1949એ બંધારણ અપનાવવામાં આવ્યું હતું. તેથી 26 નવેમ્બરને હવે બંધારણ દિવસ તરીકે ઊજવવામાં આવે છે.

આ પહેલાં 26 નવેમ્બરનો દિવસ રાષ્ટ્રીય કાનૂન દિવસ તરીકે ઊજવાતો હતો, પરંતુ 2015માં નરેન્દ્ર મોદી સરકારે તેને બંધારણ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. રસપ્રદ વાત એ છે કે સત્તાધારી NDA અને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન બંને ખુદને બંધારણના રક્ષક ગણાવે છે. બંને પક્ષો એકબીજાને બંધારણના દુશ્મન તરીકે પ્રચાર કરવામાં કોઈ કરકસર છોડતા નથી. આ વખતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સહિત વિપક્ષો જો મોદી સરકાર ફરીથી સત્તામાં આવશે તો બંધારણ ખતરામાં પડી જશે તેવો પ્રચારનો મારો ચલાવ્યો હતો. મોદી સરકાર ત્રીજી વખત સત્તા મેળવવામાં સફળ રહી અને કટોકટીના દિવસો યાદ કરીને 25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી.

 

 

દિવાળી પછી ગુજરાતમાં ફટાકડાથી પ્રદૂષણમાં ઉછાળો

ગુજરાતમાં દિવાળી નિમિત્તે ભવ્ય ઉજવણી જોવા મળી હતી. લોકો ભારે ઉત્સાહ અને આનંદ સાથે ફટાકડા ફોડવાનો આનંદ માળ્યો હતો. ત્યારે આગામી બે દિવસ સુધી ગુજરાતમાં ઉજવણીનો માહોલ જોવા મળશે. આજે (પહેલી નવેમ્બર) બપોર સુધી દિવાળીની ઉજવણીનો ઉત્સાહભર્યો માહોલ અમદાવાદમાં ઠેર ઠેર જોવા મળ્યો. લોકોએ લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજનનું આજે પણ આયોજન કર્યું હતું. જ્યાર બાદ લોકોએ મોટીમાત્રામાં ફટાકડા ફોડ્યા. મોટી સંખ્યામાં ફટાકડા ફૂટવાના કારણે રાજ્યના મોટાભાગના શહેરોની હવામાં પ્રદૂષણ પણ વધ્યું.

સૂત્રો પ્રમાણે દિવાળીના અવસર પર અમદાવાદ શહેરમાં મોડી રાત સુધી ફટાકડા ફૂડ્યા હતા. જેના કારણે અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 171 નોંધાયો. સૌથી વધુ પ્રદુષિત મણીનગરમાં 199 એક્યૂઆઈ નોંધાયો છે. રાયખડમાં 193 એક્યૂઆઈ નોંધાયો છે. આ ઉપરાંત ચાંદખેડા અને બોપલમાં 185 એક્યૂઆઈ નોંધાયો છે. જ્યારે ગાંધીનગરના ગીફ્ટ સિફ્ટમાં 197 એક્યૂઆઈ નોંધાયો છે. દિવાળીના તહેવાર નિમિત્તે અમદાવાદ માત્ર નહીં મોટા ભાગના મહાનગરોમાં પ્રદૂષણના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં સુરત શહેરમાં એક્યૂઆઈ 169 હતો જે દિવાળીની ઉજવણી બાદ 239 એક્યૂઆઈ થયો છે. રાજકોટ શહેરમાં 96 એક્યૂઆઈ નોંધાયો છે. વડોદરા શહેરમાં દિવાળીને દિવસે 124 એક્યૂઆઈ હતો જે પહેલી નવેમ્બરે 134 એક્યૂઆઈ નોંધાયો છે. જ્યારે ભાવનગર શહેરમાં 105 એક્યૂઆઈ નોંધાય છે.  ઉલ્લેખનીય છે કે, શ્વાસને લગતી બીમારીથી પીડિત લોકો માટે અત્યારે ગુજરાતમાં હવા ઝેરી બની છે. વાયુ પ્રદૂષણ તમામ ઉંમરના લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો કરી શકે છે. શ્વાસ સંબંધી સમસ્યાઓ ઉપરાંત તે શરીરના તમામ અંગો માટે પણ હાનિકારક છે. પ્રદૂષિત વાતાવરણની સૌથી વધુ અસર બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર જોવા મળે છે.

દિવાળીના દિવસે 108 દોડતી જ રહી, દાઝવાના 38 અને અકસ્માતના 921 કોલ મળ્યા

દિવાળીના પર્વ પર લોકોએ પોતાના ઘરે પરિવાર સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી પણ લોકો માટે ‘સંજીવની’ ગણાતી 108 દિવસ-રાત દોડતી રહી હતી. 108ના સ્ટાફે એક જ દિવસમાં 4889 કોલ એટેન્ડ કર્યા હતા. સામાન્ય દિવસો કરતાં દિવાળીના દિવસે 108ને 8.50% ટકા વધુ કોલ મળ્યા હતા. જેમાં દાઝવાના 38 જ્યારે અકસ્માતના 921 કોલ મળ્યા હતા. સૌથી સારી વાત એ છે કે, અમદાવાદ જિલ્લામાં સામાન્ય દિવસો કરતાં દિવાળીએ ટોટલ ઈમર્જન્સી કોલમાં ઘટાડો નોંધાયો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજ્યમાં એક જ દિવસમાં ઈમર્જન્સી કોલમાં 8.50 ટકાનો વધારો નોંધાયો હતો. રાજ્યમાં 108 સેવાને સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 4504 ઈમર્જન્સી કોલ મળતા હોય છે. તેના બદલે દિવાળીના દિવસે 4889 ઈમર્જન્સી કોલ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સામાન્ય રીતે મારામારી દરરોજના 144 કેસ મળતા હોય છે. દિવાળીના દિવસે મારામારીના 323 કેસ મળ્યા હતા. જે સામાન્ય દિવસો કરતાં 124 ટકા વધુ હતા. દિવાળીના દિવસે રાજ્યમાં સામાન્ય દિવસો કરતાં ઈમર્જન્સી કેસમાં વધારો નોંધાતો હોય છે. પરંતુ, અમદાવાદ જિલ્લામાં કુલ કેસમાં 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, માર્ગ અકસ્માતના બનાવમાં સામાન્ય દિવસો કરતાં 45.56 ટકા વધારો થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ, અરવલ્લી, ભરૂચ, બોટાદ, દાહોદ, મહીસાગર, મોરબી, પંચમહાલ, પોરબંદર, વલસાડ જિલ્લામાં સૌથી વધુ ઈમર્જન્સી કોલ મળ્યા હતા.

દિવાળીના તહેવારમાં અમરેલી અને તાલાલા ગીર પંથકની ધરા ધ્રુજી

ગુજરાતભર જ્યારે તહેવારની ઉજવણીમાં અમરેલી અને તાલાલા ગીર પંથકના પેટાળમાં મોટી હીલચાલ નોંધાઈ હતી. દિવાળીની ઉજવણી દરમિયાન ધરતી ધણધણી ઉઠ્તા ચકચાર મચી જવા પામ્યો હતો. સૂત્રો પ્રમાણે તાલાલા વિસ્તારમાં 1.4 થી 2.4ની તીવ્રતા ધરાવતા સાત આંચકા આવ્યા હતા. તાલાલા ગીરથી અહેવાલ મૂજબ આ ભૂકંપોની અસર તાલાલા શહેર અને આજુબાજુના વિસ્તારમાં જોવા મળી હતી. કેન્દ્રબિંદુ તાલાલાથી ૩ કિ.મી. ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશાએ નોંધાયું હતું અને જમીનથી માત્ર 4 કિ.મી.ની ઉંડાઈએ કંપન ઉદ્ભવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પંદર દિવસ પહેલા 14 ઓક્ટોબરના રોજ તાલાલા ગીર પાસે પશ્ચિમ-પશ્ચિમ ઉત્તર દિશાએ હીરણ નદીની સામે કાંઠે તલાલાથી 2 કિ.મી.ના અંતરે ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપ પણ જમીનથી માત્ર 3 કિ.મી.ની ઉંડાઈ આવ્યો હતો. આ પહેલા તજજ્ઞોના જણાવ્યા મૂજબ તાલાલા પંથકમાં કચ્છ જેવી કોઈ મોટી ફોલ્ટલાઈન નથી પરંતુ, જમીનના પોપડાંમાં ફ્રેક્ચર્સ, નાના નાના ફોલ્ટ્સ રચાતા હોય જેના કારણએ આવા આંચકાનો અનુભવ થતો રહે છે. આ આંચકા મોટાભાગે ઓછી તીવ્રતાના અને જમીનમાં બહુ ઉંડાઈએ હોતા નથી.  આપને જણાવી દઈએ કે, આજે ઉપરાઉપરી આંચકા આવ્યા તે જ દિશામાં તાલાલાથી 13 કિ.મી.ના અંતરે ચિત્રોડ અને સાસણગીર વચ્ચે 4.0ની તીવ્રતાનો તીવ્ર ભૂકંપ તા.2-5-2022 ના નોંધાયો હતો. તાલાલા ઉપરાંત અમરેલી પંથકમાં પણ વારંવાર હળવા ભૂકંપો આવતા રહ્યા છે અને આઈ.એસ.આર.ના વૈજ્ઞાનિકોએ ત્યાં અભ્યાસ પણ કર્યો છે. તાજેતરમાં ચાર દિવસ પહેલા જ તા.27ના અમરેલી પંથકમાં જીરા અને માધુપુર ગામ વચ્ચે રિચર સ્કેલ પર 3.7 તીવ્ર ભૂકંપ નોંધાયો હતો.

આપને જણાવી દઈએ કે, ગઈકાલે પૂરા થતા ઓક્ટોબર- 2024માં ગુજરાતમાં કૂલ 7 ભૂકંપો નોંધાયા છે જેમાં 1 તાલાલા, 1 અમરેલી તથા કચ્છના દુધઈ, ખાવડા અને ભચાઉમાં 3 અને ગુજરાતની સરહદે મહારાષ્ટ્રના પાલઘર પંથકમાં ૨ ભૂકંપ સમાવિષ્ટ છે. તંત્ર દ્વારા માત્ર 2.5થી વધુ તીવ્રતાના ભૂકંપની માહિતી જ ઓનલાઈન જાહેર કરાતી રહે છે. આમ, આ ઉપરાંત નાના આંચકા અસંખ્ય આવી રહ્યા છે.

એટલી જ ગેરંટી આપો, જેટલી એ પૂરી થઈ શકેઃ ખડગે

નવી દિલ્હીઃ કર્ણાટક સરકાર હાલ આર્થિક સંકટનો સામનો કરી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટી નેતાઓ અને સરકારને ચેતવણી આપી હતી કે માત્ર એટલી જ ગેરંટીનું વચન આપો, જેટલી એ પૂરી થઈ શકે. નહીંતર સરકાર નાદારી તરફ જતી રહેશે.

તેમણે  કહ્યું હતું કે કર્ણાટકમાં પાંચ ગેરંટીનું વચન આપવામાં આવ્યું હતું. એને જોઈને અમે મહારાષ્ટ્રમાં પાંચ ગેરંટીનું વચન આપ્યું છે. હાલમાં એવા અહેવાલ હતા કે કર્ણાટક સરકાર હવે એક ગેરન્ટીને રદ કરવાની યોજના બનાવી રહી છે. જેથી તેમણે જણાવ્યું હતું કે તમે એક ગેરંટી રદ કરી દેશો. એવું લાગે છે કે તમે બધાં ન્યૂઝ પેપર નથી વાંચતા. પરંતુ મેં વાંચ્યું, એટલે કહી રહ્યો છું. મેં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ નેતાઓને કહ્યું હતું કે પાંચ, છ, સાત કે આઠ ગેરંટીના વચન ન આપો. તેના બદલે એવા વચન આપો જે તમારા બજેટ પ્રમાણે હોય.

ખડગેએ પાર્ટી નેતાઓને ચેતવ્યા અને કહ્યું, જો તમે બજેટ પર વિચાર કર્યા વિના વચન આપતા રહેશો તો નાદારી તરફ જતા રહેશો. રસ્તા પર રેતી નાખવાના પૈસા નહીં હોય. જો આ સરકાર અસફળ રહી તો તેની અસર આવનારી પેઢીઓ પર પડશે. આનાથી બદનામી થશે અને સરકારને આવનાર દસ વર્ષો સુધી પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે, તેથી બજેટ પર સાવધાનીથી વિચાર કરવાની જરૂર છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આપણે બજેટના આધારે મહારાષ્ટ્રમાં ગેરંટીની જાહેરાત કરીશું. ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ પર ન પહોંચો. 15 દિવસની ચર્ચા બાદ હવે મહારાષ્ટ્રમાં ચૂંટણીની ગેરંટીએ આકાર લીધો છે. અમે તેની જાહેરાત નાગપુર અને મુંબઈમાં કરીશું.કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસના લોકોની સામે પાંચ મોટી ગેરંટી આપવામાં આવી હતી. તેમાં ગૃહ લક્ષ્મી યોજના હેઠળ મહિલાઓને દર બે મહિને 2 હજાર રૂપિયા, યુવા નિધિ હેઠળ બેરોજગાર ગ્રેજ્યુએટ્સને બે વર્ષ સુધી ત્રણ હજાર રૂપિયા, ડિપ્લોમાધારકોને 1500 રૂપિયા, અન્ન ભાગ્ય યોજનામાં ગરીબી રેખા નીચે દરેક પરિવારને દર મહિને પ્રતિ વ્યક્તિ 10 કિલો ચોખા, સખી કાર્યક્રમ હેઠળ મહિલાઓ માટે સરકારી બસોમાં મફત યાત્રા અને ગૃહ જ્યોતિ યોજના હેઠળ દરેક ઘરને 200 યુનિટ વીજળી આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

હવે જો કોંગ્રેસ પાંચેય ગેરંટીને પૂરી કરે છે તો તેનાથી કર્ણાટકની આવક ખાધ 60 હજાર કરોડ રૂપિયાથી વધીને 1 લાખ 14 હજાર કરોડ રૂપિયા થઈ જશે અને રાજ્યના કુલ બજેટના લગભગ 21 ટકા ભાગ છે. કર્ણાટક પર પહેલાંથી જ પાંચ લાખ કરોડ રૂપિયાનું દેવું છે. એવામાં આ દેવામાં વધારો થઈ શકે છે.

 

દ્વારકામાં જગત મંદિરે દિવાળી પર્વની પરંપરાગત ઉજવણી

ગુજરાતભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ત્યારે રાજ્યના મંદિરોમાં પણ વિશેષ પૂજા અર્ચના સાથે દિપાવલીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકાધીશના જગતમંદિરમાં બુધવારે ધનતેરસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે ગઈકાલે ગુરુવારના દિવસ દરમિયાન રૂપ ચતુર્દશી તથા દિપાવલી પર્વ નિમિતે હાટડી દર્શન તથા દિપમાલા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવારની સાંજે દિપાવલી પર્વ નિમિત્તે ઠાકોરજીને સોનેરી રંગના વિશેષ વાઘા સાથે સંપૂર્ણ સોના ચાંદી હિરાજડિત આભુષણો તથા મસ્તક પર સુવર્ણજડિત મુગટનો શગણાર કરવામાં આવ્યા હતા. નિજ મંડપમાં રંગોળી કરી  દિપમાલા દર્શન યોજવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રિના સમયે 8 વાગ્યે જગતમંદિરમાં હાટડી દર્શન યોજાયા હતા. જેમાં  દ્વારકાધીશજી શામળા શેઠ સ્વરૂપ ધારણ કરી વેપારી બન્યા હતા. ઠાકોરજીને તમામ પ્રકારની મીઠાઈઓની હાટડી ભરી, ત્રાજવા-તોલા સાથે બિરાજી ચોપડા પૂજન તેમજ લક્ષ્મી સ્વરૂપના સોના ચાંદીના સિકાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સવારે 5:30 વાગ્યે મંગલા આરતી અને રાત્રે 8 વાગ્યે હાટડી દર્શન તેમજ દિપમાલા દર્શન યોજવામાં આવ્યા હતા. ઠાકોરજીના દિવ્ય દર્શનનો લાભ હજારો-લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા, આ સાથે ઓનલાઈનના માધ્યમોથી પણ લાખો કૃષ્ણભકતોએ લીધો હતો. જગતમંદિરમાં 1 નવેમ્બરના રોજ સાંજે 5 થી 7 અન્નકૂટ મહોત્સવ, 2 નવેમ્બરે નૂતન વર્ષ તેમજ 3 નવેમ્બરે ભાઈબીજ પર્વની ઉજવણી કરવામાં આવશે. યાત્રાધામ દ્વારકામાં દિવાળીના મિનિ વેકેશનમાં હોટલ, ગેસ્ટ હાઉસમાં  સંપૂર્ણપણે બુકિંગ નોંધાયા છે. યાત્રાધામમાં ભાવિકો તથા સહેલાણીઓની વ્યાપક ભીડભાડ જોવા મળી રહી છે. હજુ  પખવાડિયા સુધી યાત્રાધામ દ્વારકા ઉપરાંત નાગેશ્વર જ્યોતિલગ, બેટ દ્વારકા, શિવરાજપુર બ્લ્યુ ફલેગ બીચ, હર્ષદ (ગાંધવી), ગોપી તળાવ વગેરે ધાર્મિક સ્થળો તેમજ પર્યટન સ્થળો પર વ્યાપક ભીડભાડ જોવા મળશે.

દિવાળી પર દુર્ઘટનાનો ભરમાર, ગુજરાતમાં 24 કલાકમાં આગ લાગવાની અનેક ઘટના

ગુજરાતભરમાં ધામધૂમથી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ મનમૂકી ફટાકડાની મોજ મસ્તી માણી હતી. પરંતુ વધુ પ્રમાણમાં ફટાકડાથી ગુજરાતના મહાનગરોમાં આગ બનાવોમાં પણ મોટા પ્રમાણમાં વધારો નોંધાયો છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત રાજ્યભરના શહેરોમાં આગ લાગવાની ઘટના બની છે. જોકે સારી બાબત એ રહી કે આગની ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાંથી 4,885 ઈમરજન્સીના કોલ નોંધાયા છે.

અમદાવાદમાં દિવાળીના પર્વ દરમિયાન આગ લાગવાના 80 થી વધુ બનાવો બનતા ફાયર બ્રિગેડને સતત કામગીરી ચાલુ રાખવી પડી હતી. જેના લીધે દિવાળી દરમિયાન ફાયરબ્રિગેડે સતત દોડતા રહેવું પડ્યું હતું. મોટાભાગના આગના બનાવો ફટાકડા ને કારણે લાગ્યા હોવાનું મનાય છે. જેમાં દુકાન, મકાન, શોર્ટ સર્કિટ, સ્કૂલ, ગોડાઉન, ભંગાર, વાહન વગેરેમાં આગ લાગવાના બનાવનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ કચરાના કોલ મળ્યા હતા. અમદાવાદમાં 80, સુરતમાં 90, જ્યારે વડોદરામાં 21 આગના 21 કોલ મળ્યા હતા. દિવાળીની રાત્રે અમદાવાદ શહેરમાં આગની કુલ 80 જેટલી નાની મોટી ઘટના બનવા પામી હતી. અમદાવાદના મિરઝાપુરમાં કબાડી માર્કેટમાં સૌથી મોટી આગ લાગી હતી. જેને કાબુમાં લેવા માટે 12 ગજરાજ અને ફાયરના અધિકારીઓ કામગીરીમાં જોડાયા હતા. 8 જેટલી દુકાનો સદંતર બળી ને રાખ થઇ ગઈ હતી.

બીજી બાજુ સુરતના વિવિધ વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ટીમને 90થી વધુ આગના કોલ મળ્યા હતા. કાપોદ્રા, સરથાણા અને પુણાગામ સહિતના ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના 90 જેટલા કોલના પગલે ફાયર વિભાગ સતત દોડતું રહ્યું હતું. જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગજનીની ઘટના નોંધાઇ હતી. 70 જેટલા ફાયર સ્ટાફની મદદથી તમામ સ્થળોએ આગ પર કાબુ મેળવી લેવાયો હતો, અને સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી. જામનગર શહેરમાં સેકશન પર એક રહેણાંક મકાનના આગ લાગી હતી. સળગતો ફટાકડો પડવાના કારણે મકાનમાં આગ લાગ્યા પછી આગની જવાળાઓ દૂર સુધી દેખાઈ હતી, અને શરુ સેક્શન મેઇન રોડ વિસ્તારમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.

ભાજપના ‘बंटेंगे तो कटेंगे’ના જવાબમાં SPનું નવું પોસ્ટર

લખનઉ: ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાવાની છે. જેને કારણે રાજ્યમાં રાજકીય ગરમાટો આવ્યો છે. જોકે રાજ્યમાં ચૂંટણી સૂત્રો અંગે ભારે હોબાળો મચ્યો છે. ભાજપે ‘બટેંગે તો કટંગે’ ના સૂત્ર સાથે પ્રચાર કરી રહી છે, જેના જવાબમાં સમાજવાદી પાર્ટીએ પણ પોતાનું સૂત્ર આપ્યું છે. લખનઉના રોડ પર પર SPના નવાં પોસ્ટર જોવા મળ્યાં છે.

હાલમાં જ ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે ‘બટેંગે તો કટંગે’ સૂત્ર આપ્યું હતું, જે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીમાં પણ ખૂબ ચર્ચામાં છે. આ નારા પર રાજકારણ ગરમાયું છે, વિપક્ષી પાર્ટીઓ ભાજપના ભeગલા પાડવાના રાજકારણ કરવાનો આરોપ લગાવી રહી છે.

હવે સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ યુપીની રાજધાની લખનઉમાં નવા પોસ્ટર લગાવવાનું શરૂ કરી દીધું છે. લખનઉના રસ્તાઓ પર અખિલેશ યાદવની તસવીર સાથેના પોસ્ટર જોવા મળ્યા છે અને તેના પર ‘જુડેગે તો જીતેંગે’ અને ‘સત્તાઇસ કા સત્તાધીશ’ લખેલું છે. આ પોસ્ટરો સમાજવાદી પાર્ટીના કાર્યકર વિજય પ્રતાપ યાદવે લગાવ્યા છે.

એક જનસભામાં યોગી આદિત્યનાથે બાંગ્લાદેશમાં હિંદુઓ સામે હિંસાનો ઉલ્લેખ કરતા લોકોને એકજૂટ રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં જે ભૂલો થઈ છે તે ભારતમાં ન થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રથી મોટું કંઈ ન હોઈ શકે, રાષ્ટ્ર ત્યારે જ મજબૂત બનશે જ્યારે આપણે બધા એક થઈશું.

 

પદ્મશ્રી અર્થશાસ્ત્રી ડો. બિબેક દેબરોયનું નિધન

નવી દિલ્હીઃ દેશના જાણીતા પદ્મશ્રી અર્થશાસ્ત્રી અને વડા પ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન બિબેક દેબરોયનું 69 વર્ષની વયે નિધન થયું છે. ભારતીય અર્થતંત્ર માટે મહત્ત્વનું યોગદાન આપનારા દેબરોયે દેશની આર્થિક નીતિઓને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

PM નરેન્દ્ર મોદીએ સોશિયલ મિડિયા પોસ્ટ પર દેબરોયનના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. PM મોદીએ લખ્યું હતું કે ડો. દેબરોયને હું ઘણાં વર્ષોથી ઓળખું છું. તેમનુ જ્ઞાન અને એકેડેમિક ચર્ચા પ્રત્યેનો જુસ્સો હું હંમેશાં યાદ રાખીશ. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.

ડો. બિબેક દેબરોય એક મહાન વિદ્વાન હતા. તેઓ અર્થશાસ્ત્ર, ઈતિહાસ, સંસ્કૃતિ, રાજનીતિ, આધ્યાત્મ, અને અન્ય ઘણા ક્ષેત્રોમાં પારંગત હતા. તેમનાં ઉત્કૃષ્ટ યોગદાને ભારતના બૌદ્ધિક દ્રષ્ટિકોણ પર એક અમિટ છાપ મૂકી છે. તેમના જીવનના ઉદ્દેશો પૈકી એક ઉદ્દેશ જાહેર નીતિમાં યોગદાન ઉપરાંત પ્રાચીન ગ્રંથો પર કામ કરવું અને તેને યુવાનો માટે સરળ બનાવવાનો હતો. દેબરોયે પ્રેસિડન્સી કોલેજ કોલકાતા, ગોખલે ઈન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિક્સ એન્ડ ઈકોનોમિક્સ, પુણે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ, દિલ્હીમાં કામ કરી ચૂક્યા છે. તેઓ કાયદાકીય સુધારણા માટે નાણાં મંત્રાલય અને UNDP પ્રોજેક્ટ્સના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે.