Home Blog Page 1363

આવતીકાલથી બદલાશે આ 6 મોટા નિયમો

દર મહિનાની જેમ આ મહિનામાં પણ ઘણા નિયમોમાં ફેરફાર થવાના છે. ક્રેડિટ કાર્ડ, એલપીજી અને ટ્રેન ટિકિટથી લઈને એફડીની સમયમર્યાદા સુધીના નિયમો 1લી નવેમ્બરથી બદલાશે. જેની અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. ચાલો જાણીએ કે આવતા મહિનાથી કયા નિયમો બદલાઈ રહ્યા છે અને તેની તમારા પર શું અસર થઈ શકે છે.


LPG સિલિન્ડરની કિંમત

દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપનીઓ ગેસ સિલિન્ડર (LPG સિલિન્ડરની કિંમત)ના ભાવમાં ફેરફાર કરે છે અને નવા દર જાહેર કરે છે. આ વખતે પણ તેની કિંમતો 1લી નવેમ્બરે સંશોધિત થઈ શકે છે. લાંબા સમયથી સ્થિર રહેલા 14 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં આ વખતે લોકોને ઘટાડો થવાની આશા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો જુલાઈ મહિનામાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો હતો, પરંતુ તે પછી સતત ત્રણ મહિનાથી તેમાં વધારો થઈ રહ્યો છે.

ATF અને CNG-PNG ના દરો

એક તરફ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પ્રથમ તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે, તેની સાથે, સીએનજી-પીએનજી સિવાય, એર ટર્બાઇન ઇંધણ (એટીએફ) ના ભાવમાં પણ સુધારો કરવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનામાં હવાઈ ઈંધણના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ વખતે પણ ભાવ ઘટાડવાની તહેવારની ભેટની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ સિવાય CNG અને PNGની કિંમતોમાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે.

ક્રેડિટ કાર્ડના નિયમો

હવે વાત કરીએ 1 નવેમ્બરથી દેશમાં લાગુ થનારા ત્રીજા ફેરફારની, જે દેશની સૌથી મોટી સરકારી બેંક સાથે સંબંધિત છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની પેટાકંપની SBI કાર્ડ 1 નવેમ્બરથી મોટા ફેરફારો લાગુ કરવા જઈ રહી છે, જે તેના ક્રેડિટ કાર્ડ દ્વારા યુટિલિટી બિલની ચૂકવણી અને ફાઇનાન્સ ચાર્જિસ સાથે સંબંધિત છે. 1 નવેમ્બરથી, અસુરક્ષિત SBI ક્રેડિટ કાર્ડ્સ પર દર મહિને 3.75 રૂપિયાના ફાઇનાન્સ ચાર્જ ચૂકવવાના રહેશે. આ સિવાય વીજળી, પાણી, એલપીજી ગેસ અને અન્ય ઉપયોગિતા સેવાઓ માટે 50,000 રૂપિયાથી વધુની ચુકવણી પર 1 ટકા વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે.

મની ટ્રાન્સફરનો નિયમ

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ડોમેસ્ટિક મની ટ્રાન્સફર (DMT) માટે નવા નિયમો જાહેર કર્યા છે, જે 1 નવેમ્બર, 2024 થી અમલમાં આવશે. આ નિયમોનો હેતુ છેતરપિંડી માટે બેંકિંગ ચેનલોનો દુરુપયોગ અટકાવવાનો છે.

ટ્રેન ટિકિટમાં ફેરફાર

ભારતીય રેલ્વેની ટ્રેન ટિકિટ એડવાન્સ રિઝર્વેશન પીરિયડ (ARP), જેમાં મુસાફરીના દિવસનો સમાવેશ થતો નથી, તે 1 નવેમ્બર, 2024 થી 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવશે. આ સુધારાનો ઉદ્દેશ્ય ટિકિટ ખરીદી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરીને મુસાફરોની સુવિધા જાળવી રાખવાનો છે.

13 દિવસ સુધી બેંકોમાં કામ નહીં થાય

નવેમ્બરમાં તહેવારો અને જાહેર રજાઓ તેમજ વિધાનસભાની ચૂંટણીને કારણે બેંકો અનેક પ્રસંગોએ બંધ રહેશે. નવેમ્બરમાં કુલ 13 દિવસની બેંક રજાઓ રહેશે. ચાલો જાણીએ કે કયા પ્રસંગોએ બેંકો બંધ રહેશે. આ બેંક રજાઓ દરમિયાન, તમે બેંકોની ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરીને તમારું બેંકિંગ સંબંધિત કામ અને વ્યવહારો પૂર્ણ કરી શકો છો. આ સેવા 24X7 કાર્યરત રહે છે.

ટ્રમ્પ અને કમલા વચ્ચે જોરદાર ટક્કર, સટ્ટા બજારમાં કોની બોલબાલા ?

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં મતદાન આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, પરંતુ ચૂંટણીમાં કયો ઉમેદવાર પ્રબળ દાવેદાર છે તે હજુ સ્પષ્ટ થયું નથી. વિવિધ સર્વેમાં સામે આવ્યું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગાઢ મુકાબલો છે અને ચૂંટણીના પરિણામો કોઈપણના પક્ષમાં જઈ શકે છે.

બુધવાર સુધીમાં, લગભગ 60 મિલિયન અમેરિકનોએ 5 નવેમ્બરની સામાન્ય ચૂંટણી માટે મેઇલ-ઇન વોટ અથવા વ્યક્તિગત મતદાન કર્યું છે. બુધવારે જાહેર કરાયેલા એક સર્વેમાં દર્શાવવામાં આવ્યું છે કે ટ્રમ્પ પેન્સિલવેનિયા અને નોર્થ કેરોલિનામાં કમલા હેરિસ કરતાં માત્ર એક ટકા પોઈન્ટ આગળ છે, જ્યારે બંને મિશિગનમાં ટાઈ છે. એરિઝોના, નેવાડા, જ્યોર્જિયા અને વિસ્કોન્સિનમાં પણ નજીકની હરીફાઈ છે. અન્ય સર્વેમાં પેન્સિલવેનિયામાં બંને ઉમેદવારો 48 ટકા પર ટાઈ ધરાવે છે, જ્યારે કમલા હેરિસ વિસ્કોન્સિનમાં છ પોઈન્ટ અને મિશિગનમાં પાંચ પોઈન્ટથી ટ્રમ્પથી આગળ છે. 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે ઉમેદવારને 270 ઈલેક્ટોરલ વોટની જરૂર પડશે.

સટ્ટાબાજીના બજારમાં ટ્રમ્પનો દબદબો

તમામ મુખ્ય ચૂંટણીઓ પર નજર રાખનારી એજન્સી રિયલ ક્લિયર પોલિટિક્સનું કહેવું છે કે રાષ્ટ્રીય સ્તરે ટ્રમ્પને 0.4 ટકા પોઈન્ટ્સની મામૂલી લીડ છે, જ્યારે જે રાજ્યોમાં બંને વચ્ચે જોરદાર ટક્કર છે ત્યાં ટ્રમ્પને 0.4 ટકાની લીડ મળી છે. માત્ર એક ટકાની લીડ. જોકે, સટ્ટાબાજીના બજારોમાં ટ્રમ્પ 63.1 પોઈન્ટ સાથે આગળ છે, જ્યારે હેરિસ 35.8 પોઈન્ટ સાથે આગળ છે.

કચ્છમાં BSF જવાનો સાથે વડાપ્રધાન મોદીએ દિવાળીની ઉજવણી કરી

કચ્છ: સતત 11મા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી ઉજવવા કચ્છ પહોંચ્યા હતા. છેલ્લાં દસ વર્ષથી PM મોદી દિવાળીની ઉજવણી દેશના જવાનો સાથે કરતા આવ્યા છે. આજે દિવાળીનું પર્વ છે. PM મોદીએ પાકિસ્તાનને અડીને આવેલા કચ્છની સરહદે ફરજ બજાવતા BSFના જવાનોનાં મોં મીઠાં કરાવી શુભેચ્છા પાઠવી હતી. છેલ્લાં 11 વર્ષમાં મોદી સૌથી વધુ ચાર વાર જમ્મુ-કાશ્મીર અને બે વાર હિમાચલ પ્રદેશમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી ચૂક્યા છે.

PM મોદી આજે દિવાળીના દિવસે જ ગુજરાત પ્રવાસે છે ત્યારે પર્વની ઉજવણી પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા સુરક્ષા જવાનો સાથે કરી રહ્યા છે. વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર નરેન્દ્ર મોદી કચ્છમાં દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. 22 વર્ષ પહેલાં વર્ષ 2002માં ભચાઉના ચોબારી ખાતે ભૂંકપગ્રસ્તો સાથે દિવાળીની ઉજવણી કરી અસરગ્રસ્તોને હૂંફ પાડી હતી.

અમેરિકાની ચૂંટણી પહેલા ઈરાનની ઈઝરાયેલ પર મોટા હુમલાની તૈયારી

હમાસ અને હિઝબુલ્લા સાથે સીધા યુદ્ધમાં લાગેલા ઈઝરાયલે ઈરાન સાથે પણ દુશ્મનાવટ શરૂ કરી દીધી છે. બંને દેશ અત્યારે એકબીજાને ખતરામાં ધમકી આપી રહ્યા છે. 1 ઓક્ટોબરના રોજ ઈરાનના હુમલાના જવાબમાં ઈઝરાયેલે ઈરાની સૈન્ય મથકો પર હુમલો કર્યો. ત્યારપછી ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધુ એક સંઘર્ષ થવાની શક્યતા છે. ગુરુવારે સીએનએનએ સૂત્રોને ટાંકીને કહ્યું કે ઈરાને ઈઝરાયેલ પર નિર્ણાયક અને અત્યંત પીડાદાયક હુમલાની તૈયારી કરી લીધી છે. ઈરાની સૂત્રોએ કહ્યું કે ઈઝરાયેલ એવા વિસ્ફોટો અને ઈજાઓ માટે તૈયારી કરી રહ્યું છે જેને પેઢીઓ યાદ રાખશે. અમેરિકામાં 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા આ હુમલો કરવામાં આવી શકે છે.

ઈરાન તેના પ્રદેશ પર ઈઝરાયેલના તાજેતરના હુમલાનો નિર્ણાયક અને પીડાદાયક જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ હુમલો સંભવતઃ 5 નવેમ્બરે યોજાનારી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા થશે. યહૂદી શાસનના આક્રમણ સામે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનનો પ્રતિભાવ નિર્ણાયક અને પીડાદાયક હશે.

અહેવાલ મુજબ ઈઝરાયેલ જાણે છે કે ઈરાન તેના હુમલાનો જોરદાર જવાબ આપવા માટે તૈયાર છે. એટલા માટે ગયા અઠવાડિયે બેન્જામિન નેતન્યાહુ અને તેમની કેબિનેટની સુરક્ષાને લઈને નવા કાયદા પસાર કરવામાં આવ્યા હતા. જેમાં માત્ર મંત્રીઓ જ બેઠક માટે હાજર રહેશે, તેમના સલાહકારો અને અન્ય નહીં. આ સિવાય બેઠક બંકરોમાં યોજાશે અને કોઈને પણ હથિયાર રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તાજેતરમાં નેતન્યાહુના ઘર પર ડ્રોન હુમલા બાદ ઈઝરાયેલે ટોચના અધિકારીઓની સુરક્ષા વધારી દીધી છે. જો કે, ઈઝરાયેલે તેહરાનને ચેતવણી આપી છે કે તેના પ્રદેશ પર કોઈપણ હુમલાનો વધુ વિનાશક રીતે જવાબ આપવામાં આવશે.

અમિત શાહના હસ્તે સાળંગપુરમાં શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ

બોટાદ: સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં ગુજરાતનું સૌથી મોટું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન તૈયાર થઇ ગયું છે. 31 ઓક્ટોબર, 2024ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ લક્ઝુરિયસ હોટેલને ટક્કર આપે તેવા યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું. અમિત શાહ મારૂતિ યજ્ઞમાં પણ સહભાગી થઈ રહ્યા છે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ સભામાં મોટી સંખ્યામાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહ્યાં.આ પ્રસંગે વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે અમિત શાહને વડતાલ ખાતે યોજાનાર દ્વિ શતાબ્દી મહોત્સવનું ​​​​​​આમંત્રણ આપ્યું હતું. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો તેમજ પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાં હતા.સાળંગપુરમાં અમિત શાહે કષ્ટભંજન દેવની જય બોલાવી પ્રવચન શરૂ કર્યું હતું. આ સાથે તેઓએ સંતોના ચરણોમાં વંદન કરી તમામ ભક્તોને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. દિવાળી અને રૂપ ચૌદશના દિવસે દાદાના દર્શન કરવાનો મોકો મળ્યો તે બદલ સંસ્થાનો હૃદયપૂર્વક આભાર માનું છું. કરોડો લોકોને કષ્ટ પડે ત્યારે તે અહીં આવે છે અને મને પણ જ્યારે કષ્ટ પડ્યું ત્યારે દાદાને યાદ કર્યા હતા.

સાળંગપુરમાં દિવસે ને દિવસે હનુમાન દાદાના દર્શનાર્થે લાખો ભક્તો ઊમટી રહ્યા છે. દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા લક્ઝુરિયસ હોટલને ટક્કર આપે તેવું શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન લાગી રહ્યું હતું, જેનું એલિવેશન ઈન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ ભવનની ડિઝાઈન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઈન સંતોએ ફાઈનલ કરી હતી.

દિવાળીમાં ત્યારે જ સાતેય કોઠે દિવા થશે…

દિવાળી એટલે સીતા અને ઉર્મિલાનાં જીવનનો હર્ષોત્સવ. કૌશલ્યારૂપી ધીરજનો પ્રાણોત્સવ. રામ, લક્ષ્મણ અને જાનકીના વનવાસ બાદ અયોધ્યા આગમનની ઉજવણી અને ઉલ્લાસનો ઉત્સવ. દશાનનરૂપી નકારાત્મકતા પર ત્યાગ, તપ અને ધર્મનો વિજ્યોત્સવ. રિદ્ધિ-સિદ્ધિ સહિત લક્ષ્મીજીના આગમનના વધામણાનો તહેવાર.

પરંતુ ક્યારેય એવું લાગે છે કે વર્તમાન સમયમાં બધી માન્યતાઓ, પરંપરાગત વ્યવસ્થા અને વ્યવહારની સાચવણી કરવા જતાં ઘણી વાર બધુ કષ્ટદાયક થતુ જાય છે? બધા જ લોકો અને રિવાજો આપણાથી નથી સચવાતા ક્યારેક…

ઘરની સફાઈ કરતાં ક્યારેક કમરના મણકાઓનો મિજાજ બદલાઈ જાય છે અને બાળકોના કપડાં અને માણસોના પગાર ચૂકવતાં જ બજારમાં મંદી અને દાઢીમાં ક્યારે સફેદી છવાય જાય છે એનો અંદાજ રહેતો નથી. ઝગમગાટમાં રહેવાના સપનાંઓ દિવસભરના થાક પર ભારે પડે છે અને ભીનાં ખૂણાવાળી આંખના ફ્રોઝન શમણાઓ ઊંઘ સામે રોજ જીતી જાય છે. ઓનલાઇન લીલા ટપકાંમાં અને ફોરવર્ડ કરેલા મેસેજમાં પ્રિયજનની હાજરી શોધતાં શોધતાં છેવટે ક્યાંય પહોંચાતું નથી.

તેલના દીવડાના તેજમાં અને ઘૂઘરાના સાચા ઘીમાં મંદીએ પોતાનો સ્વભાવ જાળવી રાખ્યો છે અને એટલે જ ડાલડા ઘી અને પ્લાસ્ટિકના ફૂલોના માર્કેટનો પ્રભાવ ક્યારેય ઝાંખો થતો નથી.

મધ્યમ વર્ગ પર ઘર ચલાવવાની ચિંતાનુ કદ, કાળીચૌદશના મેલીવિદ્યાના પ્રભાવ કરતાં વધુ હોય છે. મોંઘવારી, થાક અને ખર્ચાઓનો કકળાટ કોઈ ચાર ચોક વચ્ચે મૂકી શકતું નથી અને ઘરમાંથી કકળાટ તો નીકળી જાય છે, પણ મનનો કકળાટ નીકળવા માટે હજુ કોઈ રસ્તા શોધાયા નથી. હનુમાનજીના વડા દ્વારા ભૂખ અને શેઠિયાઓના ઉતરેલ કપડામાં ફેશન સંતોષતો મજૂર વર્ગ વર્ષમાં એક વાર જ પોતાના પગના છાંલાઓને ઢાંકવા સક્ષમ બની શકે છે.

પ્લાસ્ટિકના ફૂલો, મીણીયા દીવડા અને ચાઇનીઝ રોશનીમાં ભૂલા પડેલા લક્ષ્મીજી અંતે તો શોધતા હોય છે-સાફ આંગણે કરાયેલ તેલનો એક દીવો.

આલિશાનતા તો ધનતેરસે લક્ષ્મીપુજાથી મેળવી જ લેવાય છે, પરંતુ ધનકુબેર બનતા બનતા છૂટી જાય છે શાંતિ અને સંતોષ. કેમકે લક્ષ્મીજીના ફોટા સાથે સરસ્વતી અને ગણપતિનુ મહત્વ આપણે કદાચ સમજી શક્યા નથી. જયારે આપણે એ મહત્વને જાણશું ત્યારે જ જ્ઞાનગંગા સાથે આવનારી લક્ષ્મીજી દરેકના જીવનમાં સમૃદ્ધિ અને સુખ લાવી શકશે.

ખરા અર્થમાં દિવાળી એ મનની આંગણવાડીનો ઉત્સવ છે. મનના ભેદભાવને વાળીને ખડે ચોકે મુકતા જ શાંતિરૂપી લક્ષ્મીજી નવા વર્ષે વેણ વગાડતાં ઘરમાં પ્રવેશશે. સ્નેહીઓને મળવાનુ ટાળવા જયારે આપણે હિલસ્ટેશનની રિસોર્ટમાં ભરાવાનો પલાયનવાદ ત્યજશું ત્યારે જ પરાણે દેખાદેખીમાં થતાં સ્નેહમિલનના રિવાજો બંધ થશે. જયારે દેખાદેખીનુ સ્થાન સાદગી અને માથે પડેલા રિવાજોનું સ્થાન એકમેકની અનુકૂળતા લેશે ત્યારે જ જીવનના આનંદરૂપી સબરસની બોણી થશે અને સાતેય કોઠે દિવા પ્રગટશે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

લોહ પુરુષની જન્મ જયંતીએ મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષએ પુષ્પાંજલિ અર્પણ કરી 

ગાંધીનગર: લોહ પુરુષ અને અખંડ ભારત ના શિલ્પી ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૯મી જન્મ જયંતી અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સહિત મહાનુભાવોએ ગુજરાત વિધાનસભા પરિસરમાં આવેલી સરદાર સાહેબની પ્રતિમા તેમજ વિધાન સભા પોડિયમમાં સરદાર પટેલના તૈલ ચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ગુજરાત વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ  ચેતન પંડયા, નાયબ સચિવઓ, અધિકારીઓ-કર્મચારીઓ, મહાનગરપાલિકાના કોર્પોરેટરઓ સહિત અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહીને સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે પ્રતિમા તેમજ તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા.

વડાપ્રધાનની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

રાજપીપળા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે આજે કેવડિયાની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા.

વડાપ્રધાન મોદી સરદાર પટેલને પુષ્પાંજલિ કર્યા બાદ યુનિટી પરેડમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ પરેડમાં 9 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસની 16 માર્ચિંગ ટુકડીઓ, 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચિંગ બેન્ડે ભાગ લીધો હતો. એકતાનગર કેવડિયા ખાતે આયોજિત આ પરેડમાં જવાનો દ્વારા અનેક કરતબ રજૂ કરાયા હતા. PM મોદીએ આ દરમિયાન રાષ્ટ્રીય એકતાના શપથ પણ લેવડાવ્યાં હતાં. તેમણે કહ્યું કે ‘હું શપથ લઉં છું રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા હું મારી જાતને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓ સુધી આ સંદેશ પહોંચાડવા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. હું દેશની એકતાની ભાવનાથી શપથ લઈ રહ્યો છું જે સરદાર પટેલની દૂરંદેશી અને કાર્યોથી શક્ય બન્યું. હું દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારા હિસ્સાનું યોગદાન આપવાનો પણ સંકલ્પ કરું છું.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગત 10 વર્ષમાં ભારતે વિવિધતામાં એકતામાં જીવવાના દરેક પ્રયાસમાં સફળતા મેળવી છે. આજે વન નેશન, વન આઇડેંટિટી એટલે કે આધારની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે. અમે વન નેશન, વન ટેક્સ સિસ્ટમ બનાવી. અમે વન નેશન, વન ગ્રિડની સંકલપના પુરી કરી. અમે આયુષ્માન ભારતના રૂપમાં વન નેશન, વન ઇશ્યોરન્સની સુવિધા દેશને આપી છે. હવે અમે વન નેશન, વન ઇલેક્શન પર કામ કરી રહ્યા છીએ. આ ભારતના લોકતંત્રને મજબૂતી પુરી પાડશે. તેનાથી ભારત વિકાસની નવી ગતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે.

નૂતન વર્ષનો શુભ સંકલ્પ…

વિક્રમ સંવત ૨૦૮૦ ધીરે ધીરે અસ્ત થઈ રહી છે. થોડા જ સમયમાં ૨૦૮૧ ક્ષિતિજે ઝળાંહળાં થશે. દિવાળીના દિવસોમાં તમે નવાં કપડાં કે એવી કોઈ નવી ચીજવસ્તુ ખરીદશો, શૉપિંગ કરશો તો સપરમા દિવસોમાં એક સારું પુસ્તક પણ ખરીદીને વાંચજો. એવું પુસ્તક, જે તમને નવા વર્ષમાં કશુંક નવું કરવાની, તમારું સપનું, તમે નક્કી કરેલું લક્ષ્ય સાકાર કરવાની પ્રેરણા આપે. દાખલા તરીકે, હમણાં ૧૫ ઑક્ટોબરે જેમનો જન્મદિવસ ગયો એ ડૉ. અબ્દુલ કલામની જીવનચરિત્ર.

તામિલનાડુના રામેશ્વરમમાં જન્મેલા ડૉ. અબ્દુલ કલામ મહાન વિચારક, વિજ્ઞાની, ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ હતા. કશુંક કરવાની મગજ પર સવાર લગન, સખત પરિશ્રમ અને કાર્યપ્રણાલીના બળે અસફળતાને પડકાર ફેંકતા એ આગળ વધતા રહ્યા. ડૉ. કલામ કહેતા કે “સપનાં જોવાં જરૂરી છે, પરંતુ માત્ર સપનાં જોઈને જ તેને સાકાર નથી કરી શકાતાં. જરૂરી છે, જીવનમાં પોતાના માટે એક લક્ષ્ય રાખવું… જીવનમાં ઉચ્ચતમ તથા શ્રેષ્ઠ લક્ષ્ય રાખો અને તેને પ્રાપ્ત કરવાની કોશિશ કરો… પ્રત્યેક ક્ષણ રચનાત્મકતાનો ક્ષણ છે, તેને વ્યર્થ ના કરો.”

કહે છેને કે પગલાં અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. એક નાનકડી કીડી અનાજનો દાણો લઈને દીવાલ ચઢે છે ત્યારે અનેક વખત પડે છે છતાં હાર માન્યા વગર ફરી દાણો પકડીને દીવાલ પર ચઢે છે. પોતાના કદ કરતાં મોટા અનાજના દાણાને પકડીને લઈ જવામાં કીડી ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરતી હશે, છતાં અનાજના દાણાને એ છોડતી નથી. માણસને તો ભગવાને બુદ્ધિ અને બળ બંને આપ્યાં છે. શા માટે આપણે નિષ્ફળતા મળવાથી હતાશ થઈએ છીએ? જો નાનકડી કીડી ઝઝૂમવાનો જુસ્સો ધરાવતી હોય, તો આપણે શા માટે હિંમત હારી નિષ્ક્રિયતાની ચાદર ઓઢી સૂઈ જઈએ છીએ?

અમેરિકન લેખક-પ્રકાશક-ફિલસૂફ એલ્બર્ટ હ્યુબાર્ડ કહેતા કે “ઈટ ઈઝ ફ્રૉમ ધ ફૅઈલ્યૉર ધૅટ વન ગેટ્સ ધ વે… ઍન્ડ વે ટુ સક્સીડ” અર્થાત્ નિષ્ફળતા જ સફળતાનું સરનામું ચીંધે છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને તે પછી એમ બબ્બે વખત વડા પ્રધાન રહેનારા બ્રિટિશ રાજદ્વારી વિન્સ્ટન ચર્ચિલનું જીવન નિષ્ફળતાથી ભરેલું હતું. શૈશવકાળમાં, ગણિતમાં સૂઝ ન હોવાને કારણે સ્કૂલના પ્રિન્સિપાલ અવારનવાર એમને ટોકતા, ક્યારેક મારતા પણ ખરા. એમણે સ્કૂલો બદલી પણ બધે આ જ સ્થિતિ. એકમાં તો એ પ્રવેશ પરીક્ષામાં જ નાપાસ થયા. સૅન્ડહર્સ્ટ મિલિટરી કૉલેજની પ્રવેશ પરીક્ષામાં પણ નિષ્ફળતા મળી. વારંવાર નિષ્ફળ થવા છતાં તેમણે પ્રયત્ન ન ત્યજ્યો અને એક સમયે તેઓ બ્રિટનના વડા પ્રધાન બન્યા.

સન ૨૦૦૯માં કોલકાતામાં ૯૦૦થી વધારે શિલ્પીનાં ટાંકણે કંડારાયેલું ભવ્ય નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ત્રણ વર્ષના અંતે શિખર સુધી ચણાઈ ગયેલું, પરંતુ અચાનક એન્જિનિયરો સમક્ષ એક પડકાર આવ્યોઃ બંગાળની પોચી જમીનના કારણે નિર્માણાધીન મંદિરનો અમુક ભાગ જમીનમાં બેસી ગયો. આથી પાયામાં જરૂરી ફેરફાર કરવાની આવશ્યક્તા જણાઈ. મૂંઝવણ એ હતી કે પૂર્ણતાના આરે આવી પહોંચેલા સ્ટ્રક્ચરનું શું કરવું?તે વખતે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે, “આખું મંદિર ઉતારી, પાયામાં જરૂરી ફેરફારો કરી પાછું બાંધો.”

આ બહુ જ કપરું કામ હતું. છતાં, સાવચેતીથી આખું મંદિર ઉતારવામાં આવ્યું, પાયામાં જરૂરી ફેરફારો કરી પુનઃ ડિસેમ્બર, ૨૦૧૧માં મંદિરનિર્માણનું કાર્ય શરૂ થયું. માત્ર ૨૬ મહિના બાદ જ્યારે આ મંદિર ભાવિકો માટે ખુલ્લું મુકાયું ત્યારે સૌ કોઈને આશ્ચર્ય હતું. પ્રમુખ સ્વામી મહારાજ કાર્ય પ્રત્યેનો અભિગમ શીખવતા કહેતા કે, “મુશ્કેલીમાં કાર્ય કરે, તેને જ કાર્ય કર્યું કહેવાય.”

હા, સીધા સરળ રસ્તા પર ચાલવું એમાં શું ખરી મજા? ખરી મજા તો ડુંગરા ખૂંદવાની છે. સ્ટમ્પ્સ અને ફિલ્ડર વગરની ક્રિકેટમાં શું મજા? મજા તો સ્ટમ્પ્સને બચાવી, ફિલ્ડરો વચ્ચેથી બૉલ કાઢી ચોગ્ગા-છગ્ગા મારવામાં છે.

વિક્રમ સંવત 2081ના નૂતન વર્ષે આપણે પણ મહાપુરુષોનાં જીવનમાંથી પ્રેરણા લઈ વિઘ્નોથી હાર્યા વિના, જીવનમાંથી નિષ્ફળતાને ખંખેરી સફળતાના સરનામે ડગ માંડીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

સુવિચાર – ૩૧ ઓક્ટોબર ૨૦૨૪