Home Blog Page 135

92 વર્ષીય આશા ભોંસલેને હાર્ટ એટેક આવતા આઈસીયુમાં દાખલ

સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને હૃદયરોગનો હુમલો આવતા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 92 વર્ષીય સિંગરને હોસ્પિટલના ઈમરજન્સી મેડિકલ યુનિટમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખી રહી છે. તેમના પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચી ગયા છે, જોકે હજુ સુધી હોસ્પિટલ કે પરિવાર તરફથી કોઈ સત્તાવાર મેડિકલ બુલેટિન જારી કરવામાં આવ્યું નથી.

મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આશા ભોંસલેને શનિવારે અચાનક છાતીમાં દુખાવો અને અસ્વસ્થતા અનુભવાતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરોએ તેમને હાર્ટ એટેક આવ્યો હોવાની પુષ્ટિ કરી હતી. તેમની વય 92 વર્ષ હોવાથી ડોક્ટરો અત્યારે અત્યંત સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા છે. તેમને હોસ્પિટલના સ્પેશિયલ ઈમરજન્સી મેડિકલ યુનિટ (EMU) માં રાખવામાં આવ્યા છે, જ્યાં તમામ આધુનિક સુવિધાઓ અને જીવનરક્ષક ઉપકરણોની મદદથી તેમની સ્થિતિને સ્થિર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આસિમ મુનીરનો ડબલ રોલ: ઈરાન સામે જંગી વર્દી અને અમેરિકા સામે બ્લેક સૂટ

ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા દરમિયાન પાકિસ્તાન આર્મી ચીફ આસિમ મુનીરના પહેરવેશની વ્યાપક ચર્ચા થઈ રહી છે. મુનીરે ઈરાની પ્રતિનિધિમંડળનું સ્વાગત પૂરા લશ્કરી સાજો-સામન અને કોમ્બેટ યુનિફોર્મમાં કર્યું હતું, જે સરહદી સુરક્ષા અને સૈન્ય તાકાતનો સંકેત માનવામાં આવે છે. જોકે, થોડા જ કલાકોમાં જ્યારે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પાકિસ્તાન પહોંચ્યા ત્યારે મુનીર લશ્કરી વર્દી ત્યાગીને અત્યંત આધુનિક બ્લેક સૂટમાં સજ્જ જોવા મળ્યા હતા. આ ફેરફાર પાછળ પાકિસ્તાનની સત્તાનું પ્રદર્શન અને અમેરિકા પ્રત્યેનો કૂટનીતિક અભિગમ હોવાનું મનાય છે.

 

ઇસ્લામાબાદના એરબેઝ પર જ્યારે ઈરાનનું 70 સભ્યોનું વિશાળ પ્રતિનિધિમંડળ ઉતર્યું, ત્યારે જનરલ આસિમ મુનીર તેમને મળવા માટે પોતાની જંગી વર્દી (કોમ્બેટ ગિયર) માં પહોંચ્યા હતા. સંરક્ષણ નિષ્ણાતોના મતે, ઈરાન સાથે પાકિસ્તાનના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે, ખાસ કરીને ૨૦૨૪ની શરૂઆતમાં બંને દેશોએ એકબીજા પર કરેલા મિસાઈલ હુમલા બાદ તણાવ વધ્યો હતો. ઈરાની નેતાઓ સામે સૈન્ય યુનિફોર્મમાં હાજર રહીને મુનીરે એવો સંદેશ આપ્યો છે કે તેઓ એક સૈનિક છે અને પોતાની સીમાઓની રક્ષા માટે હંમેશા સજ્જ છે. આ એક પ્રકારનું ‘પાવર પ્રોજેક્શન’ હતું જે ઈરાનને પાકિસ્તાની સેનાની સતર્કતાનો અહેસાસ કરાવવા માટે હતું.

 

બીજી તરફ, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમની ટીમ સામે આસિમ મુનીરનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. ત્યાં તેઓ કોઈ ફૌજી જનરલ નહીં પરંતુ એક ગંભીર રાજનેતા કે ઉચ્ચ અધિકારી તરીકે દેખાઈ રહ્યા હતા. કાળા રંગના સૂટમાં સજ્જ મુનીરે જેડી વેન્સ સાથે રેડ કાર્પેટ પર ચાલતી વખતે જે આત્મવિશ્વાસ બતાવ્યો, તે સાબિત કરે છે કે તેઓ અમેરિકા સાથે એક કૂટનીતિક અને વ્યૂહાત્મક સંબંધ બનાવવા માંગે છે. અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાતમાં પણ તેઓ સૂટમાં જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે પશ્ચિમી દેશો સાથેના વ્યવહારમાં તેઓ પોતાને એક વૈશ્વિક લીડર તરીકે સ્થાપિત કરવા માંગે છે.

આ સમગ્ર ઘટનાક્રમ પાછળ પાકિસ્તાનની આંતરિક રાજનીતિનો પણ મોટો હાથ છે. પાકિસ્તાનમાં ભલે લોકશાહી સરકાર હોય, પરંતુ મોટા નિર્ણયોમાં સેનાનો દબદબો હંમેશા રહ્યો છે. આસિમ મુનીરે આ વૈશ્વિક મંચનો ઉપયોગ એ બતાવવા માટે કર્યો કે પાકિસ્તાનમાં અસલી પાવર સેન્ટર વડાપ્રધાનના નિવાસસ્થાને નહીં પણ સેનાના મુખ્યાલય (GHQ) માં છે. જેડી વેન્સ સાથેની તેમની મુલાકાત અને ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં તેઓ પાકિસ્તાનના રક્ષક અને નિર્ણાયક બંને તરીકે ઉભરી આવ્યા છે. જોકે, અમેરિકાએ પણ આ સ્થિતિને સમજીને સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.

૧૧ એપ્રિલ ૨૦૨૬

બાબરી બનાવનારાઓ સાથે ભાજપ ક્યારેય ગઠબંધન નહીં કરે: શાહ

કોલકાતાઃ ગૃહ મંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ભાજપનું સંકલ્પપત્ર જાહેર કર્યું હતું. ભાજપે પોતાના સંકલ્પપત્રમાં યુવાઓ, મહિલાઓ અને સરકારી કર્મચારીઓ માટે અનેક મોટાં વચનો આપ્યાં છે.

બાબરી બનાવનારાઓ સાથે ગઠબંધન નહીં –  શાહ

હુમાયુ કબીર અંગે પુછાયેલા પ્રશ્ન પર અમિત શાહે કહ્યું હતું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ બનાવનારી કોઈ વ્યક્તિ સાથે ગઠબંધન કરવા કરતાં વિરોધ પક્ષમાં બેસવું પસંદ કરશે. TMCએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે મમતા બેનર્જીની સરકારને પાડવા માટે હુમાયુ કબીરને પૈસા આપ્યા. તેના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે મમતાજી 2000 વિડિયો બનાવી શકે છે. હુમાયુ કબીર અને ભાજપ દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ જેવી રીતે એકબીજાથી અલગ છે. અમે ક્યારેય એક થઈ શકતા નથી. ભાજપ બંગાળમાં બાબરી મસ્જિદ બનાવનારાઓ સાથે ક્યારેય ગઠબંધન નહીં કરે. અમે 20 વર્ષ સુધી પણ વિરોધમાં બેસવા તૈયાર છીએ.

હુમાયુ કબીર વિવાદ શું છે?

પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા એક કથિત સ્ટિંગ વિડિયો સામે આવતાં હુમાયુ કબીરને લઈને વિવાદ શરૂ થયો. TMCના નેતાઓ દ્વારા શેર કરાયેલા વિડિયોમાં કબીર કથિત રીતે મોટી નાણાકીય ડીલની ચર્ચા કરતા અને ભાજપ સાથે સંબંધ હોવાનો દાવો કરતા જોવા મળે છે. આ વિડિયોમાં તેઓ અલ્પસંખ્યક મતદાન પેટર્નને અસર કરવા માટેની વ્યૂહરચના વિશે પણ વાત કરતા હોવાનું કહેવાય છે. તેમ જ આ વિડિયોમાં તેઓ કહેતા હોવાનું જણાય છે કે યોજના અમલમાં મૂકવા માટે 1000 કરોડ રૂપિયાની ડીલમાંથી 200 કરોડ રૂપિયા એડવાન્સ તરીકે મળ્યા છે.

હુમાયુ કબીરનું શું કહેવું છે?

AIMIMએ હુમાયુ કબીરની પાર્ટી સાથેનું ગઠબંધન તોડી દીધું છે. જોકે હુમાયુ કબીરે વિડિયોને ખોટો અને AI દ્વારા બનાવેલો ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેમની છેલ્લી મુલાકાત નરેન્દ્ર મોદી, અમિત શાહ અને હિમંત બિશ્વા સરમા સાથે 2019માં થઈ હતી, ત્યાર પછી કોઈ સંપર્ક નથી. તેમણે TMCને પડકાર આપ્યો હતો કે 2019 પછી ભાજપના કોઈ નેતા સાથેનો ફોટો અથવા વિડિયો હોય તો જાહેર કરે.

હોર્મુઝમાં 20,000 નાવિકો રાશન, ઇંધણ વગર સમુદ્રમાં ફસાયા

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં લગભગ 40 દિવસ ચાલેલા ભયાનક યુદ્ધ બાદ અમેરિકા અને ઈરાન સીઝફાયર માટે સંમત થયા છે. સીઝફાયર શરતોમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો મુદ્દો પણ સામેલ છે, પરંતુ સીઝફાયર છતાં હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા 20,000થી વધુ નાવિકોની જિંદગી હજુ પણ અનિશ્ચિતતામાં છે. હાલમાં ખાડી વિસ્તારમાં લગભગ 2000 માલવાહક જહાજો ફસાયેલાં છે. સ્થિતિ એટલી ખરાબ છે કે નાવિકો પાસે ખાવાનું અને પીવાનું પાણી પણ ખૂટી રહ્યું છે.

અહીં સમસ્યા માત્ર સંસાધનોની કમી પૂરતી મર્યાદિત નથી, પરંતુ મોતનો ડર એટલો વધારે છે કે જહાજોના કેપ્ટન કોઈ પણ કિંમતે જહાજ આગળ વધારવા તૈયાર નથી. સમુદ્રની વચ્ચે ફસાયેલાં આ હજારો જહાજોની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે.

સીઝફાયર બાદ પણ રાશન-પાણીનું ગંભીર સંકટ

યુદ્ધ શરૂ થયા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો હતો, જેને કારણે 2000થી વધુ જહાજો ત્યાં ફસાઈ ગયાં છે. ઘણા સમયથી ફસાયેલાં આ જહાજોમાં ખોરાક અને શુદ્ધ પાણીનો જથ્થો ઝડપથી ખતમ થઈ રહ્યો છે. સીઝફાયર છતાં નાવિકોની મુશ્કેલીઓ ઘટી નથી. જહાજોમાંથી આવતા ઇમરજન્સી સંદેશમાં ખોરાકની અછત અંગે ગંભીર ચિંતા વ્યક્ત થઈ રહી છે. યુદ્ધને કારણે કોઈ સપ્લાય બોટ મદદ માટે પહોંચી શકતી નથી, જેને કારણે હજારો લોકો સમુદ્રમાં મુશ્કેલીમાં છે.

સીઝફાયર પછી પણ જહાજો બહાર કેમ નથી નીકળતાં?

સીઝફાયર હોવા છતાં જહાજો બહાર ન નીકળવા પાછળ મુખ્ય કારણ એ છે કે સીઝફાયર ખૂબ નાજુક છે. બંને પક્ષો વચ્ચે અથડામણ પૂરી રીતે બંધ થઈ નથી. ઈરાની મિડિયા મુજબ હોર્મુઝ ફરી બંધ કરવામાં આવ્યો છે. આ કારણે આ વિસ્તાર નાવિકો માટે ‘ડેથ ઝોન’ બની ગયો છે. જહાજોના કેપ્ટન અને ક્રૂ સભ્યો પોતાની સલામતીને લઈને એટલા ભયભીત છે કે તેઓ આગળ વધવાનો ઈનકાર કરી રહ્યા છે. તેમને ભય છે કે કોઈ પણ સમયે મિસાઈલ અથવા ડ્રોન હુમલો થઈ શકે છે.

વીમા કંપનીઓએ પણ હાથ ઊંચા કર્યા

હાલની સ્થિતિને જોતા કોઈ પણ સમુદ્રી વીમા કંપની જહાજો અને તેમાં ભરેલા કરોડો ડોલરના માલની સુરક્ષા માટે ગેરંટી આપવા તૈયાર નથી. વીમા કંપનીઓએ આ વિસ્તારને અત્યંત જોખમી ગણાવ્યો છે અને કવરેજ આપવાનું બંધ કરી દીધું છે.

ઇઝરાયલે સૌપ્રથમ વાર પાકિસ્તાનને ગણાવ્યો “આતંકી દેશ”

નવી દિલ્હીઃ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફના નિવેદન પર તીવ્ર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ઇઝરાયલને “માનવજાત માટે અભિશાપ” અથવા “કેન્સર જેવો દેશ” કહેવું સંપૂર્ણપણે ખોટું અને અપમાનજનક છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ પણ દેશે ઇઝરાયલને ખતમ કરવાની વાત ન કરવી જોઈએ, ખાસ કરીને ત્યારે જ્યારે એ દેશ પોતાને શાંતિ વાટાઘાટોમાં નિષ્પક્ષ બતાવે છે.

હકીકતમાં, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ગુરુવારે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર ઇઝરાયલ સામે આકરી ટિપ્પણી કરી હતી. તેમણે લખ્યું હતું કે ઇઝરાયલ એક બૂરાઈ છે અને માનવજાત માટે અભિશાપ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે જ્યારે ઇસ્લામાબાદમાં શાંતિ વાટાઘાટો ચાલી રહી છે, ત્યારે લેબેનોનમાં હત્યાકાંડ થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે પહેલા ગાઝા, પછી ઇરાન અને હવે લેબેનોન – ઇઝરાયલ સતત નિર્દોષ લોકોનું લોહી વહાવી રહ્યું છે. તેમણે એ પણ કહ્યું કે પેલેસ્ટિનિયન જમીન પર યુરોપિયન યહૂદીઓને વસાવવા માટે બનાવાયેલા આ “કેન્સર જેવા દેશ”ને બનાવનારા લોકોને સજા થવી જોઈએ.

આ ઘટનાક્રમ પછી ઇતિહાસમાં પહેલી વાર ઇઝરાયલે પાકિસ્તાનને “આતંકવાદી દેશ” તરીકે ગણાવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઇઝરાયલે પાકિસ્તાનને ચેતવણી આપી કે આવાં નિવેદનો સહન નહીં કરવામાં આવે. ઇઝરાયલના વિદેશ મંત્રાલય તરફથી પણ પાકિસ્તાનની ટીકા કરવામાં આવી છે.

ઇઝરાયલના વિદેશ મંત્રીએ ગિડેન સારે પણ પાકિસ્તાનના નિવેદનની કડક નિંદા કરી. તેમણે કહ્યું હતું કે યહૂદી રાષ્ટ્રને “કેન્સરગ્રસ્ત” કહેવું એ તેના વિનાશની માગ જેવું છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં તેમણે કહ્યું હતું કે ઇઝરાયલ આવા સ્પષ્ટ યહૂદીવિરોધી આક્ષેપોને ગંભીરતાથી લે છે, ખાસ કરીને જ્યારે તેવાં નિવેદનો એ સરકાર તરફથી આવે છે જે પોતાને શાંતિના મધ્યસ્થ તરીકે રજૂ કરે છે. તેમણે ઉમેર્યું કે ઇઝરાયલ પોતાના વિનાશની વાત કરનારાઓ સામે પોતાનો બચાવ કરશે.

જોકે આકરી ટીકા પછી પાકિસ્તાનના સંરક્ષણપ્રધાને તેમની પોસ્ટ ડિલિટ કરી હતી.

૧૦ એપ્રિલ ૨૦૨૬

KKRની હારની હેટ્રિક: મુકુલ ચૌધરીની 7 સિક્સરે લખનૌને અપાવી જીત

IPL 2026ની રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને છેલ્લી ઓવરના છેલ્લા બોલે હરાવ્યું છે. કોલકાતાએ આપેલા 182 રનના લક્ષ્યાંકનો પીછો કરતા લખનૌની ટીમ એક સમયે મુશ્કેલીમાં હતી, પરંતુ મુકુલ ચૌધરીએ માત્ર 27 બોલમાં અણનમ 54 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી. કોલકાતા તરફથી અજિંક્ય રહાણે (41) અને અંગકૃષ રઘુવંશીએ (45) સારી બેટિંગ કરી હતી, પરંતુ મુકુલની સાત સિક્સર સામે બોલરો લાચાર દેખાયા હતા. આ કોલકાતાની ચોથી મેચમાં ત્રીજી હાર છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 181 રન બનાવ્યા હતા. ટીમની શરૂઆત નબળી રહી હતી અને ફિન એલન માત્ર 9 રન બનાવી આઉટ થયો હતો. જોકે, ત્યારબાદ કેપ્ટન અજિંક્ય રહાણે અને યુવા બેટ્સમેન અંગકૃષ રઘુવંશીએ બાજી સંભાળી હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 84 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. રહાણેએ 24 બોલમાં 41 રન અને રઘુવંશીએ 33 બોલમાં 45 રનનું યોગદાન આપ્યું હતું. અંતિમ ઓવરોમાં કેમરન ગ્રીન (32*) અને રોવમેન પોવેલ (39*) વચ્ચે થયેલી 70 રનની અણનમ ભાગીદારીને કારણે કોલકાતા સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું.

લખનૌ સુપર જાયન્ટ્સ જ્યારે રનચેઝ માટે મેદાનમાં ઉતરી ત્યારે તેમની શરૂઆત સારી રહી હતી. એડન માર્કરામ અને મિચેલ માર્શે પ્રથમ વિકેટ માટે 41 રન જોડ્યા હતા, પરંતુ ઈમ્પેક્ટ પ્લેયર વૈભવ અરોરાએ એક જ ઓવરમાં બંનેને આઉટ કરી કોલકાતાને મેચમાં પરત લાવ્યું હતું. કેપ્ટન ઋષભ પંત માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો અને નિકોલસ પૂરન પણ 13 રનથી આગળ વધી શક્યો નહોતો. આયુષ બદોનીએ 37 બોલમાં 54 રન ફટકારીને એક છેડો સાચવી રાખ્યો હતો, પરંતુ તે આઉટ થયા બાદ અને મોહમ્મદ શમીના સસ્તામાં આઉટ થયા પછી લખનૌ 128 રન પર 7 વિકેટ ગુમાવીને હારની અણી પર હતું.

મેચના અંતિમ તબક્કે મુકુલ ચૌધરીએ અત્યંત આક્રમક વલણ અપનાવ્યું હતું. લખનૌને છેલ્લી ઓવરમાં જીતવા માટે 14 રનની જરૂર હતી. વૈભવ અરોરાની આ ઓવરમાં મુકુલે બીજી અને પાંચમી બોલ પર ગગનચુંબી છગ્ગા ફટકારીને સ્કોર લેવલ કરી દીધો હતો. છેલ્લા બોલ પર બાયના રન સાથે લખનૌએ 182 રન બનાવી મેચ જીતી લીધી હતી. મુકુલે પોતાની 27 બોલની ઈનિંગમાં 7 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી અણનમ 54 રન બનાવ્યા હતા. કોલકાતાના બોલરો અનુકૂળ રોય અને વૈભવ અરોરાએ વિકેટો ઝડપી હતી પરંતુ તેઓ મુકુલના તોફાનને રોકી શક્યા નહોતા.

આ જીત સાથે IPL ઈતિહાસમાં લખનૌ અને કોલકાતા વચ્ચે રમાયેલી કુલ 7 મેચોમાં હવે લખનૌનો દબદબો વધુ વધ્યો છે. અત્યાર સુધી લખનૌએ 5 મેચ જીતી છે જ્યારે કોલકાતા માત્ર 2 મેચ જીતી શક્યું છે. કોલકાતા માટે આ સીઝન અત્યાર સુધી નિરાશાજનક રહી છે કારણ કે તેઓ મુંબઈ અને હૈદરાબાદ સામે પણ હારી ચૂક્યા છે. ઈડન ગાર્ડન્સમાં હાજર હજારો પ્રશંસકોને આશા હતી કે કેકેઆર આજે જીતનું ખાતું ખોલશે, પરંતુ મુકુલ ચૌધરીની શાનદાર બેટિંગે લખનૌના કેમ્પમાં ખુશી લાવી દીધી હતી. હવે કોલકાતાએ આગામી મેચોમાં પોતાની વ્યૂહરચનામાં મોટો ફેરફાર કરવો પડશે.

Chitralekha Gujarati – 20 April, 2026

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ મહત્વના સમાચાર

આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે સંપન્ન કરાવવા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. પંચે રાજ્યના અનુભવી અને સિનિયર IAS અધિકારીઓની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે, જેઓ વિવિધ મહાનગર પાલિકાઓમાં ચૂંટણી પ્રક્રિયાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરશે. આ નિમણૂકોનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી દરમિયાન આચારસંહિતાનો ચુસ્ત અમલ કરાવવા અને કોઈપણ પ્રકારની ગેરરીતિને અટકાવવાનો છે.

આ નિમણૂકોના ભાગરૂપે વહીવટી દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતી અમદાવાદ મહાનગર પાલિકા માટે અવંતિકા સિંઘની નિરીક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. તેમની ક્ષમતા અને અનુભવને ધ્યાનમાં લેતા પંચે તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. બીજી તરફ, સુરત મહાનગર પાલિકાની ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે સિનિયર અધિકારી વિનોદ રાવની નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા લેવાયેલો આ નિર્ણય ચૂંટણી પ્રક્રિયામાં વહીવટી તટસ્થતા જાળવી રાખવા માટે અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

આ નિરીક્ષકો હવે તેમના સંબંધિત મહાનગર પાલિકા વિસ્તારમાં ચૂંટણી વ્યવસ્થાપન, ઉમેદવારી પત્રોની ચકાસણી, મતદાન મથકોની તૈયારીઓ અને મતગણતરી જેવી તમામ મહત્વની બાબતો પર નજર રાખશે. ચૂંટણી પંચે આ અધિકારીઓને કોઈપણ પ્રકારના દબાણમાં આવ્યા વગર સ્વતંત્ર રીતે કામ કરવા સૂચના આપી છે. આ પગલાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લોકશાહીનું મૂલ્ય જળવાઈ રહેશે અને નાગરિકો શાંતિપૂર્ણ માહોલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.