Home Blog Page 1285

GDPમાં ઘટાડા પછી RBI પર વ્યાજદરમાં કાપનું દબાણ

નવી દિલ્હીઃ હાલમાં GDP ગ્રોથ રેટમાં મોટો ઘટાડો નોંધાયો છે. રિઝર્વ બેન્કની MPC આ સપ્તાહે ધિરાણ દરની સમીક્ષા કરવા માટે મળવાની છે, ત્યારે અનેક કેન્દ્રીય મંત્રીઓ અને જાહેર મંચથી વ્યાજદરમાં કાપ અને સામાન્ય વ્યક્તિને રાહત આપવાની વકીલાત કરવામાં આવી છે.

બીજી બાજુ RBIના ગવર્નર શક્તિકાંત દાસ પર ગ્રોથ દરને જાળવી રાખવા અને મોંઘવારીને નાથવા માટે દબાણ છે. આ ઉપરાંત ડોલર સામે રૂપિયાને નબળો પડતાં અટકાવવાનું પણ દબાણ છે.

રિઝર્વ બેન્કની છ સભ્યોવાળી મોનિટરી પોલિસી કમિટી (MPC)ની મીટિંગ 4-6 ડિસેમ્બરે મળવાની છે, ત્યારે જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં દેશનું અર્થતંત્ર માત્ર 5.4 ટકાના દરે વધ્યું હતું, જે સાત મહિનાના નીચલા સ્તરે છે અને RBIના સાત ટકાના અંદાજથી પણ ઘણો નીચે છે.

દેશનો ઓકટોબરનો રિટેલ ફુગાવો RBIની ચાર ટકાની મર્યાદા ઉપરાંત છ ટકાથી વધુ રહી ૬.૨૦ ટકા રહ્યો છે, ત્યારે મોનિટરી પોલિસી કમિટી (MPC) વ્યાજ દર ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરવાનું દબાણ છે, એમ વિશ્લેષકે જણાવ્યું હતું. એક બાજુ ઊંચા ફુગાવા તથા બીજી બાજુ GDPની નીચી વૃદ્ધિને જોતાં ૪-૬ ડિસેમ્બર દરમિયાન યોજાનારી MPC બેઠકમાં સભ્યો વચ્ચે મતમતાંતર જોવા મળવાની સંભાવના રહેલી છે.

હવે RBI ડિસેમ્બરની બેઠકમાં વ્યાજ દર અંગે કેવો અભિગમ અપનાવે છે તેના પર સૌની નજર રહેલી છે. ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખતા RBI હજુ પણ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવશે તેવો પણ એક મત પણ પ્રવર્તી રહ્યો છે.

ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસ તેજ, 5 ખાનગી હોસ્પિટલોને સમન્સ

અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચ ખ્યાતિ હોસ્પિટલ કેસમાં એક્શન મોડમાં જોવા મળી રહી છે. હવે ક્રાઈમ બ્રાન્ચે 5 ખાનગી હોસ્પિટલને સમન્સ પાઠવ્યા છે. હોસ્પિટલોને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. આ ખાનગી હોસ્પિટલનું ખ્યાતિ હોસ્પિટલ સાથે કનેક્શન ખુલ્યું હતું અને ક્રાઈમ બ્રાન્ચે તપાસમાં હોસ્પિટલની પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. આરોપી ડો. પ્રશાંત વજીરાણી, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનના આ ખાનગી હોસ્પિટલ સાથેના કનેક્શન સામે આવ્યા છે. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે PMJAY અને વીમા એજન્ટોના નિવેદન લીધા છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ રિમાન્ડ પર રહેલા ચિરાગ રાજપૂતની વધુ પૂછપરછ કરી રહી છે.

બીજી તરફ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે મોટો ખુલાસો થયો છે. PMJAYનો લાભ લેવા માટે દરેક એપ્રુવલ ઈમરજન્સીમાં મોકલવામાં આવતી હતી. PMJAY યોજના હેઠળ 2022થી અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલમાં 3500થી વધુ ઓપરેશન થયા હોવાનું સામે આવ્યું છે. PMJAY દ્વારા રૂપિયા 16 કરોડથી વધુની રકમ ખ્યાતિ હોસ્પિટલને ચૂકવવામાં પણ આવી છે. ખોટા મેડિકલ રિપોર્ટના આધારે PMJAYમાંથી મંજૂરી મેળવતા હોવાનું સામે આવ્યું છે. વારંવાર ઈમરજન્સીમાં મંજુરી મેળવતા હોવા છતાં આરોગ્ય વિભાગે કોઈ તપાસ ન કરી તે પણ એક સવાલ છે. ઓપરેશન થયા બાદ પણ આરોગ્ય વિભાગને હોસ્પિટલમાં રહેલા દર્દી અને હોસ્પિટલે કરેલી સારવાર અંગે તપાસ કરવાની સત્તા છતાં નિદ્રાધીન જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે PMJAYના 8 કલાકમાં 100થી વધુ દર્દીની ફાઈલને મંજૂરી આપવામાં આવે છે. બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી સંજય પટોળીયાને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. ગ્રામ્ય કોર્ટે આરોપી સંજય પટોળીયાને ઝટકો આપ્યો છે અને સંજય પટોળીયાના જામીન ગ્રામીણ કોર્ટે ફગાવી દીધા છે. રાહત આપવા લાયક આરોપી ન હોવાનું ગ્રામ્ય કોર્ટનું અવલોકન રહ્યું છે.

મહારાષ્ટ્રમાં CM પદ સહિત 22 મંત્રાલય ભાજપ પાસે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં પાંચ ડિસેમ્બરે નવી સરકારના શપથગ્રહણ સમારોહનું લાન થઈ ચૂક્યું છે. નવી સરકારમાં CM પદ ભાજપ પાસે રહેશે, જ્યારે તેમની સાથે મહારાષ્ટ્રના બે નાયબ CM શપથ લેશે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ભાજપ 21થી 22 મંત્રાલયો પોતાની પાસે રાખશે.

ગૃહ મંત્રાલય ભાજપ પાસે જ હશે. આ સિવાય મહારાષ્ટ્ર સ્પીકરપદ પણ ભાજપને મળી શકે છે. જોકે બાકી વિભાગો વિશે બાદમાં ચર્ચા કરવામાં આવશે. રાજ્યની નવી સરકારમાં એકનાથ શિંદેની શિવસેનાના 11થી 12 મંત્રીઓ હશે. જોકે અજિત પવારની NCP તરફથી સરકારમાં 10 મંત્રીઓ હશે. આ સિવાય એકનાથ શિંદેએ કેબિનેટમાં 16 મંત્રીઓની માગ કરી છે. એકનાથ શિંદે નાયબ CMના શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહ પાંચ ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં થશે, જેમાં PM નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વિશેષરૂપે પોતાની હાજરી આપશે.રાજ્યમાં ભાજપ ગૃહ અને મહેસૂલ વિભાગ પોતાની પાસે રાખે એવી શક્યતા છે.  આ સાથે જ પાર્ટી સ્પીકર અને વિધાન પરિષદના ચેરમેનનું પદ પણ પોતાની પાસે રાખી શકે છે. NCPને નાણાં અને શિંદેને શહેરી વિકાસ મંત્રાલય મળી શકે છે. આ સિવાય બાકીના મંત્રાલયો પર બાદમાં ચર્ચા કરવામાં આવશે.

આ પહેલાં મુંબઈમાં મહાયુતિના ત્રણેય નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર બેઠક કરશે અને નવા CMથી લઈને મંત્રીમંડળના ફોર્મ્યુલા પર સંમતિ આપશે. જોકે ડેપ્યુટી CM એકનાથ શિંદે હજુ પણ અસ્વસ્થ છે. જેના કારણે સતત બેઠકો ટળી રહી છે. શિંદે અમુક ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલમાં છે. તેઓ તાવ અને કમજોરી જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે.

કાંતારા હિરો ઋષભ શેટ્ટી હવે મરાઠા યોદ્ધા બનવાની તૈયારીમાં

મુંબઈ: રિષભ શેટ્ટી તેની ફિલ્મ ‘કાંતારા’ના બીજા ભાગને લઈને ચર્ચામાં છે. નિર્માતાઓ આ ફિલ્મ વિશે સતત નવા અપડેટ્સ શેર કરી રહ્યા છે. 2022માં રિલીઝ થયેલી ‘કાંતારા’ને દર્શકોમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે અભિનેતા તેની આગામી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. રિષભ શેટ્ટીની ‘કાંતારા 2’ ઑક્ટોબર 2025માં સ્ક્રીન પર આવશે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન અભિનેતા તેની નવી ફિલ્મને લઈને ચર્ચામાં આવ્યા છે. રિષભ શેટ્ટી પીરિયડ ડ્રામા ફિલ્મ ‘છત્રપતિ શિવાજી મહારાજ’માં જોવા મળશે, જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ઋષભ છત્રપતિ શિવાજી મહારાજમાં જોવા મળશે

નિર્માતાઓએ ફિલ્મમાંથી રિષભ શેટ્ટીનું ફર્સ્ટ લૂક પોસ્ટર પણ રિલીઝ કર્યું છે, જેમાં કન્નડ અભિનેતા મરાઠા યોદ્ધાના અવતારમાં જોવા મળે છે. આ પોસ્ટરે ઋષભ શેટ્ટીના ચાહકોમાં ઉત્સાહ વધારી દીધો છે. આ ફિલ્મને સંદીપ સિંહ ડાયરેક્ટ કરવા જઈ રહ્યા છે. સંદીપ અને રિષભ બંનેએ આ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે.

પોસ્ટર શેર કરતી વખતે ઋષભ શેટ્ટીએ કેપ્શનમાં લખ્યું,’અમારું ગૌરવ અને વિશેષાધિકાર, અમે તમારી સમક્ષ ભારતના મહાન યોદ્ધા, રાજા, ભારતના ગૌરવ છત્રપતિ શિવાજી મહારાજની મહાકાવ્ય ગાથા લાવી રહ્યા છીએ. તે માત્ર એક ફિલ્મ નથી. તે એવા યોદ્ધાના સન્માનમાં એક યુદ્ધ પોકાર છે જે તમામ અવરોધો સામે લડ્યા, શકિતશાળી મુઘલ સામ્રાજ્યની શક્તિને પડકારી અને એક વારસો બનાવ્યો જે ક્યારેય ભૂલી શકાય નહીં. એક મહાન ઓપસ એક્શન ડ્રામા માટે તૈયાર થાઓ, જે અન્ય કોઈથી વિપરીત સિનેમેટિક અનુભવ છે, કારણ કે અમે છત્રપતિ શિવાજી મહારાજની અકથિત વાર્તાને ઉજાગર કરીએ છીએ. 21 જાન્યુઆરી 2027ના રોજ વૈશ્વિક પ્રકાશન. સર્વત્ર શિવ.’

આ ફિલ્મોમાં રિષભ જોવા મળશે
તમને જણાવી દઈએ કે, એક અભિનેતા તરીકે ઋષભ શેટ્ટીએ સાઉથ સિનેમામાં પોતાની ખાસ છાપ છોડી છે. 2022માં જ્યારે તેની ‘કાંતારા’ રીલિઝ થઈ ત્યારે તેને વિશ્વભરમાં ઓળખ મળી. આ ફિલ્મ માટે ઋષભ શેટ્ટીની ઘણી પ્રશંસા થઈ હતી. આવનારા સમયમાં રિષભ કાંતારા 2 અને છત્રપતિ શિવાજી મહારાજ સહિત ઘણી વધુ ફિલ્મોમાં જોવા મળવાનો છે.

વિશ્વ વિકલાંગ દિવસે દિવ્યાંગજનોને સ્વરોજગાર માટે સહાય

અમદાવાદ: 3 ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ. આ દિવસે દિવ્યાંગજનોના શિક્ષણ, પુનઃર્વસન, સહ સ્વરોજગાર ક્ષેત્રે હુન્નર કેળવીને આર્થિક રીતે પગભર કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. જેથી તેઓ પોતોનો જીવન નિર્વાહ જાતે ચલાવીને પરિવાર તેમજ સમાજને ઉપયોગી બની શકે.અમદાવાદ સ્થિત અંધજન મંડળ ખાતે આજ રોજ વાઘબકરી ફાઉન્ડેશનના સૌજન્યથી એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં દિવ્યાંગજનો સ્વમાનભેર જીવન વ્યતિત કરી શકે તે માટે અમદાવાદ, ખેડા અને મહિસાગર જિલ્લાના 25 લોકોને નાના સ્ટોલનું વિતરણ કરવામાં આવ્યું. લાભાર્થીઓને તેમની આજીવિકા વધારવા માટે જંગમ નાની દુકાનો અને સંબંધિત કીટ આપવામાં આવી હતી. તેમના વ્યવસાયને અસરકારક રીતે ચલાવવા માટે તાલીમ પણ આપવામાં આવી હતી. BPA (બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન) લાભાર્થીઓને વ્યવસાયમાં સફળ બનાવવા માટે આગામી ત્રણ વર્ષ સુધી હેન્ડ-હોલ્ડિંગ સપોર્ટ પ્રદાન કરશે.સાથે જ દિવ્યાંગ મહિલાઓ પણ સ્વરોજગાર મેળવી શકે તે માટે તેમજ સ્ત્રી સશક્તિકરણના ઉદ્દેશ સાથે તેમને કેડીન્સ કંપનીના સહયોગથી સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વાઘ બકરી ટી ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પારસ દેસાઈ, ડિરેક્ટર્સ વિદિશા દેસાઈ, માલવી દેસાઈ અને પ્રિયમ પરીખ, સીઈઓ સંજય સિંગલ સહિતના વરિષ્ઠ મેનેજમેન્ટ અને BPAના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ભૂષણ પુનાની હાજર રહ્યાં હતા.આ પહેલ અંગે વાત કરતા વાઘ બકરી ટી ગ્રુપના સીઈઓ સંજય સિંગલએ જણાવ્યું હતું કે, “વાઘ બકરી ટી ગ્રુપ હંમેશા સમાજમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે અને આ પ્રોજેક્ટ સામાજિક જવાબદારી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સ્વનિર્ભર બનવા માટે સંસાધનો અને તાલીમ વડે દિવ્યાંગોને મદદ કરીને, અમે તેમને સ્વામાન સાથે આત્મર્નિભર જીવન જીવવામાં મદદ કરી રહ્યાં છીએ. અમને વિશ્વાસ છે કે આ પહેલ દિવ્યાંગોને સશક્તિકરણ તરફ આગળ લઇ જશે. આ પ્રયાસમાં BPAના સમર્થન બદલ અમે આભારી છીએ. આગામી સમયમાં વાઘ બકરી ટી ગ્રૂપ આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યભરમાં 100 લાભાર્થીઓને સહાય કરશે, જેનો ઉદ્દેશ્ય દિવ્યાંગોને સ્વ-રોજગારની તકો પ્રદાન કરવાનો છે અને તેમને ‘આત્મનિર્ભર’ બનવા માટે સશક્તિકરણ કરવાનો છે.”

અભિનેત્રી નરગીસ ફખરીની બહેનની વિદેશમાં બૉયફ્રેન્ડની હત્યાના આરોપમાં ધરપકડ

મુંબઈ: રણબીર કપૂર સ્ટારર ‘રોકસ્ટાર’ ફેમ નરગીસ ફખરીની બહેનની ન્યૂયોર્કમાં ધરપકડ કરવામાં આવી છે. નરગીસની બહેન આલિયા ફખરીની ન્યૂયોર્કના ક્વીન્સમાં થયેલા ડબલ મર્ડર મામલે ધરપકડ કરવામાં આવી છે. 43 વર્ષીય આલિયા પર બે માળના ગેરેજમાં આગ લગાડવાનો આરોપ છે, જેમાં તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ (35) એડવર્ડ જેકોબ્સ અને તેની નવી ગર્લફ્રેન્ડ(33)અનાસ્તાસિયાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે.

કથિત ગુનાની વિગતો
અહેવાલો અનુસાર, આલિયા ફખરીએ ગેરેજમાં આગ લગાડી, એડવર્ડ અને અનાસ્તાસિયાને અંદર ફસાવ્યા અને તેમની હત્યા કરી. ધુમાડાના શ્વાસ અને થર્મલ ઇજાઓથી તેમનું મૃત્યુ થયું હતું, જેને ડિસ્ટ્રિક્ટ એટર્ની મેલિન્ડા કાત્ઝે “દૂષિત” કૃત્ય તરીકે વર્ણવ્યું હતું. ત્યારબાદ આલિયાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને ક્વીન્સ ક્રિમિનલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં તેને જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

કૌટુંબિક પ્રતિક્રિયા
જ્યારે 2011માં રોકસ્ટારથી પ્રસિદ્ધિ મેળવનાર નરગીસ ફખરીએ હજુ સુધી આ ઘટના અંગે જાહેરમાં કોઈ ટિપ્પણી કરી નથી, ત્યારે તેની માતાએ આલિયાનો બચાવ કરતા કહ્યું હતું કે, “મને નથી લાગતું કે તે કોઈની હત્યા કરી રહી હશે. તે એક એવી વ્યક્તિ છે જે દરેકની કાળજી લે છે, તે દરેકને મદદ કરવાનો પ્રયાસ કરતી હોય છે.” નરગીસની માતાએ વધુમાં જણાવ્યું હતું કે આલિયા ઓપીયોઇડની લતથી લડતી હતી, જેના કારણે આ ઘટના બની શકે છે.

ગુનાના સ્થળે એક સાક્ષીએ ઘટનાઓની અવ્યવસ્થિત શ્રેણીને યાદ કરી. “અમને કંઈક સળગતી ગંધ આવી. મને ખબર નથી કે તે પેટ્રોલ હતું કે શું. અમે બહાર દોડ્યા, અને સીડી પરના સોફામાં આગ લાગી હતી, અને અમારે બહાર નીકળવા માટે તેના પરથી કૂદવું પડ્યું. સ્ટાર મારી સાથે કૂદી ગઈ, પરંતુ તેણી જેકોબ્સને બચાવવા પાછા અંદર ગઈ.” સાક્ષીએ જણાવ્યું. તેણે એમ પણ કહ્યું કે આલિયાએ અગાઉ જેકોબ્સના ઘરને બાળી નાખવાની ધમકી આપી હતી અને તેમના સંબંધો ખૂબ જ અપમાનજનક હતા.

એક વર્ષ પહેલા આલિયા અને એડવર્ડનું બ્રેકઅપ થઈ ગયું હતું
એડવર્ડ જેકોબ્સ, 35 વર્ષીય પ્લમ્બર, અને એનાસ્તાસિયા એટીન કથિત રીતે રોમેન્ટિક રીતે સંકળાયેલા ન હતા, પરંતુ મિત્રો હતા. એડવર્ડની માતાના જણાવ્યા અનુસાર, બંને (આલિયા અને એડવર્ડ) એક વર્ષ પહેલા અલગ થઈ ગયા હતા, પરંતુ આલિયાએ તેનો પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું. જેકબ ગેરેજને એપાર્ટમેન્ટમાં રૂપાંતરિત કરવા માટે મિલકત પર કામ કરી રહ્યો હતો, જ્યારે આગ ફાટી નીકળી હતી, જેમાં એડવર્ડ અને તેની સ્ત્રી મિત્રનું મૃત્યુ થયું હતું.

ડૉ. રાજેન્દ્ર પ્રસાદની 140મી જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમ

ગાંધીનગર: ડૉ. રાજેન્દ્ર પ્રસાદની આજે ૧૪૦મી જન્મજયંતિ છે. સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ એવાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ૩જી ડિસેમ્બર, ૧૮૮૪ના રોજ બિહારમાં થયો હતો.ડૉ. રાજેન્દ્ર પ્રસાદના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા પોડિયમમાં મૂકાયેલ તેમના તૈલચિત્રને આજે પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે વિધાનસભા સચિવ ચેતન પંડ્યા, સહિત ઉચ્ચઅધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી ડૉ. રાજેન્દ્ર પ્રસાદના તૈલચિત્રને પુષ્પ અર્પણ કરીને તેમના જીવનના મુક્તિ સંગ્રામ સમયના સંસ્મરણો યાદ કર્યા હતા.

સરકારના કડક નિયમો સામે રાજ્યની 40,000 પ્રી-સ્કૂલના સંચાલકો હડતાળ પર

અમદાવાદ: રાજ્યની સરકાર દ્વારા પ્રિ-સ્કૂલોની નોંધણી માટે નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ નિયમો અત્યંત કડક હોવાથી પ્રિ-સ્કૂલ સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના વિરોધમાં 40 હજાર પ્રિ-સ્કૂલોના સંચાલકો હડતાળ પર ઉતર્યા છે. ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ ઍસોસિયેશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિતના અધિકારીઓને રજૂઆત કરીને આ નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે.

આ મામલે આજે રાજ્યની તમામ પ્રિ-સ્કૂલના સંચાલકો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એકઠા થયા હતા. રિવરફ્રન્ટ ખાતે વડોદરા, રાજકોટ, સુરત અને મોરબી સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પ્રિ-સ્કૂલના સંચાલકો એકઠા થયા છે. ત્યારબાદ અહીંથી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપવા માટે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. સરકાર દ્વારા ઘડવામાં આવેલા નવા નિયમોમાં મકાન માલિકી અંગેની શરતો અને ભાડાના કરાર અંગેના નિયમો ખૂબ કડક છે. જેના કારણે ઘણા પ્રિ-સ્કૂલ સંચાલકો નોંધણી કરાવી શકશે નહીં. નવા નિયમોમાં કેટલીક વિસંગતતાઓ છે જેના કારણે પ્રિ-સ્કૂલ સંચાલકોને મુશ્કેલી પડી રહી છે. રાજ્યમાં જ્યારે જ્યારે મોટી દુર્ઘટના સર્જાય ત્યારે સરકાર દ્વારા અનેકવાર આ પ્રકારે નવા નિયમો અને ગાઇડલાઇન બહાર પાડવામાં આવે છે. પરંતુ તેની અમલવારીનું સૂરસૂરિયું નિકળી જતું હોય છે. બધુ તરખટ થોડોક સમય ચાલે છે, પરંતુ સમય જતાં બધા જ નિતિ નિયમો અને ગાઇડલાઇન નેવે મૂકી દેવામાં આવે છે.

પ્રિ-સ્કૂલના સંચાલકોની શું છે માંગ?

– સરકાર આ નિયમોમાં ફેરફાર કરીને પ્રિ-સ્કૂલ શિક્ષણને સરળ અને સસ્તું બનાવે આ નિયમોમાં (બીયુ)બિલ્ડિંગ પરમિટ, ભાડા કરાર અને ટ્રસ્ટ નોંધણી જેવા મુદ્દાઓ સામેલ છે, જેને લઈને પ્રિ-સ્કૂલ સંચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

– મકાન માલિકી અંગેના નિયમોમાં છૂટછાટ આપવામાં આવે, ભાડાના કરાર અંગેના નિયમોમાં સરળતા આપવામાં આવે અને પ્રોપરાઇટરશિપ અથવા ભાગીદારીના વિકલ્પને પણ મંજૂરી આપવામાં આવે.

– સરકારે નવા નિયમોમાં ફેરફાર કરવાની જરૂર છે. જેથી કરીને પ્રિ-સ્કૂલો સરળતાથી નોંધણી કરાવી શકે અને નાના બાળકોને સારું શિક્ષણ મળી શકે.

નિયમોની આડ-અસર શું થશે 

– નવા નિયમોને લીધે ઘણા પ્રિ-સ્કૂલ બંધ થઈ શકે છે. જેના કારણે નાના બાળકોના શિક્ષણ પર માઠી અસર પડશે. તેમજ ઘણી મહિલાઓની રોજગારી પણ જોખમમાં મૂકાશે.

– પ્રિ-સ્કૂલો બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્ત્વના છે. પ્રિ-સ્કૂલમાં બાળકોને શિક્ષણ ઉપરાંત સામાજિક કુશળતા, સર્જનાત્મકતા અને ભાવનાત્મક વિકાસ જેવી અન્ય ઘણી બધી કુશળતા શીખવા મળે છે.

– નવા નિયમોના કારણે ઘણા પ્રિ-સ્કૂલ બંધ થવાની સ્થિતિમાં છે. જેના કારણે નાના બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે. આ ઉપરાંત, આ નિયમોને કારણે પ્રિ-સ્કૂલ શિક્ષણ મોંઘુ બનશે અને સામાન્ય માણસ માટે પ્રિ-સ્કૂલ શિક્ષણ મેળવવું મુશ્કેલ બનશે.

વિદ્યાદીપ યુનિ. ખાતે ‘ડિજિટલ યુગમાં ગુજરાતી ભાષા સામેના પડકારો’ વિષય પર સેમિનાર

ગાંધીનગર: ગત 30મી નવેમ્બરના રોજ ગુજરાત સાહિત્ય અકાદમી અને વિદ્યાદીપ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એસ. આર. પટેલ બી.એડ્. કોલેજ દ્વારા ‘ડિજિટલ યુગમાં ગુજરાતી ભાષા અને તેની સામેના પડકારો’ વિષય પર એક મહત્વપૂર્ણ સેમિનાર યોજાયો. સેમિનારનો મુખ્ય ઉદ્દેશ ડિજિટલ યુગમાં ગુજરાતી ભાષાના વ્યાપ, સંરક્ષણ અને તેને એક નવા દ્રષ્ટિકોણથી વિકસિત કરવાની જરૂરિયાત પર ચર્ચા કરવામાં આવી હતી. આ પરિસંવાદમાં દક્ષિણ ગુજરાતની બધી જ કોલેજોએ ભાગ લીધો હતો. જેમાં કુલ 306 જેટલા સંશોધન પત્ર રજૂ થયા હતા. સેમિનારમાં બિરસામુંડા વિશ્વ વિદ્યાલયના કુલગુરુ ડૉ. મધુકર પાડવી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલગુરુ ડૉ. કિશોરસિંહ ચાવડા, ચિત્રલેખા ડિજિટલના એડિટર કેતન ત્રિવેદી, સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રોફેસર ડૉ. મહેન્દ્ર નાઈ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ભરત ઠાકોર, દમણની સરકારી કૉલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ભાવેશ વાળા જેવા ખ્યાતનામ ભાષાવિદો, શૈક્ષણિક પ્રતિનિધિઓ અને ગુજરાતી ભાષાના પ્રેમી, કવિઓ અને લેખકોએ પોતાના વિચારો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. સેમિનારમાં ભારતીય ભાષાઓ, ખાસ કરીને ગુજરાતી ભાષાને ડિજિટલ મિડિયા અને ટેકનોલોજીના પ્રભાવથી કેવી રીતે આગળ લઈ જઈ શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ગુજરાતી ભાષાને નવી પેઢી સુધી પહોંચાડવામાં અને કમ્પ્યુટર, મોબાઇલ એપ્લિકેશનો અને સોશિયલ મીડિયા જેવા આક્રમક પ્લેટફોર્મ પર ભાષા માટે ઉપલબ્ધ તકનિકીઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી. સેમિનારના નિયામક ડૉ. જયેશ પટેલ સાહેબે પરિસંવાદની પૂર્વભૂમિકા અને મહેમાનોનું સ્વાગત પ્રવચન રજૂ કર્યું હતું. તથા સેમિનારના સંયોજક ડૉ. સંજય પટેલ દ્વારા સેમિનારની પ્રસ્તાવિક્તા રજૂ કરવામાં આવી હતવિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રમુખ જયંતિ પટેલે જણાવ્યું કે, “ડિજિટલ યુગમાં ગુજરાતી ભાષાના સંરક્ષણ માટે આપણે નવો દ્રષ્ટિકોણ અપનાવવો પડશે. જેનાથી ટેકનોલોજી અને ઈન્ટરનેટના માધ્યમથી ભાષાની સંપત્તિ અને સાંસ્કૃતિકતા વધારે વિકસિત થઈ શકે છે.”સેમિનારમાં આધુનિક ગુજરાતી કવિતા અને લેખનના ક્ષેત્રમાં નવી તકનીકીઓ, બ્લૉગિંગ, સોશિયલ મિડિયા, અને ડિજિટલ સામગ્રીના અમલ પર ચર્ચાઓ કરવામાં આવી. ડિજિટલ યુગમાં ગુજરાતી ભાષાની સાચી ઓળખ આપવી, તેને વધુ વિકસિત કરવી અને તેના ભવિષ્ય માટે નવા રસ્તા શોધવાની પ્રેરણા આપવા ઉપર ફોકસ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ દ્વારા ભવિષ્યમાં ભાષાના વિકાસ માટે એક નવો દ્રષ્ટિકોણ અને સંકલન મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

ત્રીજો ‘મંગળ દિન’: સેન્સેક્સ 600 પોઇન્ટ, નિફ્ટી 24,450ને પાર

અમદાવાદઃ GDPના પ્રતિકૂળ ડેટા છતાં ઘરેલુ શેરબજારોમાં સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં આગઝરતી તેજી થઈ હતી. ટ્રેડિંગ સેશનના ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ આશરે 900 પોઇન્ટ ઊછળ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સ 1700 પોઇન્ટથી વધુ ઊછળી ચૂક્યો છે. નિફ્ટી પણ 24,450ની ઉપર બંધ થયો હતો.

એશિયન માર્કેટમાં તેજીને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ તેજી થઈ હતી. ખાસ કરીને મેટલ અને ફાઇનાન્શિયલ શેરોની આગેવાની હેઠળ શેરોમાં તેજી થઈ હતી. આ સાથે BSE સેન્સેક્સ 598 પોઇન્ટ ઊછળી 80,845.75 બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 181 પોઇન્ટ ઊછળી 24,457.15ના મથાળે બંધ થયો હતો. નિફ્ટીમાં આજે 24,280થી 24,481ની વચ્ચે કામકાજ થયાં હતાં. નિફ્ટી બેન્ક 587 પોઇન્ટ ઊછળી 52,696ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીના 50માંથી 41 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે નિફ્ટી બેન્કના 12માંથી 11 શેરો તેજી સાથે બંધ થયા હતા. આ સાથે મિડકેપ અને સ્મોલકેપમાં પણ તેજીમય વાતાવરણ હતું.

આ સાથે બજારને તેજીનો બુસ્ટર ડોઝ ત્યારે મળ્યો હતો, જ્યારે US ફેડ રિઝર્વના અધિકારીઓએ આ મહિનાના અંતે વ્યાજદરોમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરવાની શક્યતા દર્શાવી હતી, એમ અહેવાલ કહે છે.

નિષ્ણાતોનું માનવું છે કે બજાર GDPના આંકડાને પહેલેથી જ ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. જેથી બજારની નજર હવે આ સપ્તાહના અંતમાં થનારી રિઝર્વ બેન્કની બેઠક પર છે. આ બેઠકમાં RBI ધિરાણ નીતિની MPC વ્યાજદરો વિશે નિર્ણય કરશે, જેનો માર્કેટને ઇન્તજાર છે.

BSE એક્સચેન્જ પર કુલ 4067 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2738 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1227 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 102 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 251 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 13 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.