Home Blog Page 101

પંચાંગ 02/05/2026

રવા બિસ્કીટ

આ રવા બિસ્કીટ ઓવન વગર ઘરે જ ઘી અથવા તેલમાં તળીને બનાવી શકાય છે.

સામગ્રીઃ એકદમ બારીક રવો 2 કપ, ઘઉંનો લોટ ½ કપ, ચણાનો લોટ 2 ટે.સ્પૂન, દળેલી ખાંડ ½ કપ, બેકીંગ સોડા ¼ ટી.સ્પૂન, ઠંડું જામેલું દેશી ઘી ¼ કપ, હૂંફાળું ગરમ દૂધ 1 કપ, મીઠું 1 ચપટી, તેલ તળવા માટે

રીતઃ એક મોટા બાઉલમાં ઘી લેવું. ઘી જામેલું જ હોવું જોઈએ. ત્યારબાદ તેમાં સાકર તેમજ હૂંફાળું દૂધ મેળવીને જેરણી વડે થોડીવાર મિક્સ કરતા રહેવું. જેથી સાકર ઓગળી જાય. ત્યારબાદ તેમાં બારીક રવો મેળવીને વાસણ ઢાંકીને 5-10 મિનિટ માટે રહેવા દો.

10 મિનિટ બાદ રવો ફૂલવાને કારણે મિશ્રણ થોડું ઘટ્ટ થયું હશે. પરંતુ તે પાતળું હશે, તેથી તેમાં થોડો થોડો ઘઉંનો લોટ મેળવતા જવું અને નરમ લોટ બાંધી લેવો.

આ નરમ લોટમાંથી નાના લૂવા લઈ તેને ચપટા ગોળાકાર આપીને એક થાળીમાં ગોઠવી દો.

ત્યારબાદ એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ વધુ ગરમ ના કરવું. તેલ થોડું ગરમ થવા આવે એટલે ગેસની આંચ ધીમી કરીને બિસ્કીટ માટે વાળેલા ગોળા હળવેથી કઢાઈમાં નાખો. ગોળા નીચેથી સોનેરી રંગના થવા આવે ત્યારબાદ જ ઉથલાવવા. બંને બાજુએથી સોનેરી રંગના થાય એટલે ઝારા વડે તેલ નિતારીને કાઢી લેવા.

૦૨ મે ૨૦૨૬

અંતરથી હું ગુજરાતી

દેશથી દૂર… પરદેશ રહું છું હું,
મબલખ સુખમાં જીવન જીવું છું હું.
પાસપોર્ટમાં અમેરિકન કહેવાઉં,
પણ અંતરથી ગુજરાતી જ છું હું.

સંકટ આવે જો દેશ પર ક્યાંય
સૌથી પહેલાં દિલ દોડી જાય.
ભલે કહો તમે મને એનઆરઆઈ,
મન મારું તો વતનમાં જ વસે ત્યાં.

હક વોટ આપવાનો ભલે નથી,
ના પાસપોર્ટ ભારતનો મારી પાસ
દેશમાં આવવા વીઝા જોઈએ ખાસ.
તોય મારું ગુજરાત હૈયાથી દૂર નથી

ગરિમા સાચવું, ભાષા જાળવું,
વાંચન, લખાણ અને વાણીમાં…
સપનાઓ પણ ગુજરાતીમાં જ આવે,
એ જ મારી સાચી ઓળખાણ છે જાણું

મન ગર્વથી ઝૂમી ઊઠે અંતરથી,
વિદેશમાં રહીને પણ હંમેશા,
હું ગુજરાતી જ રહીશ અંતરથી!!

ગુજરાતી ભાષા માત્ર શબ્દો નથી, પરંતુ એક ગુજરાતી માટે જીવનનો અભિગમ છે. વિદેશમાં રહીને પણ જ્યારે કોઈ પોતાની ભાષાને વાંચન, લખાણ અને વાણીમાં જીવંત રાખે છે, ત્યારે તે માત્ર સંવાદ નથી કરતો, પરંતુ પોતાની સંસ્કૃતિને શ્વાસ આપે છે. સપનાઓ પણ ગુજરાતીમાં જ આવવી એ દર્શાવે છે કે ભાષા કેટલીઘણી અંદર સુધી વસી ગઈ છે. એ જ સાચી ઓળખાણ છે જે કોઈ સરહદ કે પરિસ્થિતિથી બદલાતી નથી.

ગુજરાતી ભાષા પ્રત્યેનો આ પ્રેમ સહજ રીતે રોજિંદા જીવનમાં ઝળકે છે. બાળકોને માતૃભાષા શીખવવી, ઘરમાં ગુજરાતી બોલવું, સાહિત્ય વાંચવું કે તહેવારોને એ જ ભાવથી ઉજવવા—આ બધું એ જ લાગણીનું પ્રતિબિંબ છે કે “હું ક્યાંય હોઉં, પણ મારી ઓળખાણ ગુજરાતી જ છે.” ભાષા માત્ર શબ્દોનો સમૂહ નથી; તે લાગણીઓ, સંસ્કાર અને સંબંધોની કડી છે, જે પેઢી દર પેઢી આગળ વધે છે.

વિદેશમાં રહીને પણ જ્યારે પોતાની ભાષા અને સંસ્કૃતિને જીવંત રાખી શકાય, ત્યારે એ ગર્વ અલગ જ હોય છે. અંતે, જીવન જ્યાં લઈ જાય ત્યાં જઈએ, પરંતુ આ ભાવ અડગ રહે છે—હું ગુજરાતી છું, અને હંમેશા અંતરથી ગુજરાતી જ રહીશ.

એનઆરઆઈ કે પરદેશી જેવા લેબલ ભલે મળ્યા હોય, પરંતુ હૃદયની ઓળખ ક્યારેય બદલાતી નથી. એક ગુજરાતી જ્યાં જાય ત્યાં પોતાની સાથે દેશની માટીની સુગંધ, ભાષાની મીઠાશ અને સંસ્કૃતિનો સ્પર્શ લઈને જાય છે. પરદેશમાં સુખ, સુવિધા અને સફળતા મળે, છતાં અંદર ક્યાંક વતન માટેનો એક સૂક્ષ્મ તાંતણો સતત જોડાયેલો રહે છે.

આખું વર્ષ મહેનત અને કાર્યમાં પસાર થાય છે. દિવસ-રાતની દોડધામ વચ્ચે જ્યારે થોડા દિવસોની રજાઓ મળે કે થોડી બચત થાય, ત્યારે ઘણા લોકો દુનિયાના નવા દેશો જોવા નીકળે છે. પરંતુ એક ગુજરાતી માટે પહેલી પસંદ હંમેશા પોતાનું દેશ જ રહે છે. વિદેશની ચમક-ધમક વચ્ચે પણ મનને શાંતિ તો પોતાના ઘરનાં આંગણે, પોતાના લોકો વચ્ચે જ મળે છે. એ જ કારણ છે કે થોડી પણ તક મળે, તો પગ આપોઆપ ભારત તરફ વળી જાય છે.

દેશ પ્રત્યેનો આ પ્રેમ માત્ર આનંદના ક્ષણોમાં જ નહીં, પરંતુ મુશ્કેલીઓના સમયમાં પણ એટલો જ ઊંડો રહે છે. જ્યારે દેશમાં કોઈ કુદરતી આફત આવે કે સંકટ ઊભું થાય, ત્યારે હજારો માઈલ દૂર બેઠેલા લોકોનું દિલ પણ તેટલું જ વ્યાકુળ થઈ ઊઠે છે. મદદ કરવાની લાગણી, કંઈક યોગદાન આપવાની ઈચ્છા—આ બધું સાબિત કરે છે કે અંતર માત્ર ભૌગોલિક છે, લાગણીઓનું નથી, અને આ જોડાણની મજબૂત કડી ભાષા છે.

તેમ છતાં, ઘણીવાર પ્રશ્નો પણ સાંભળવા મળે છે—“દેશ એટલો જ પ્રિય છે તો બહાર ગયા જ કેમ?” અથવા “એનઆરઆઈ બનીને દેશપ્રેમ ની વાતો નકામી ” આવા પ્રશ્નો ક્યારેક મનને સ્પર્શી જાય છે.

પણ જવાબ બહુ સરળ છે. પરદેશમાં જવું એ સપનાઓ, તક અને વિકાસ માટેનું એક પગલું છે, પરંતુ તે દેશપ્રેમને ઓછો કરતું નથી. માણસ જ્યાં જાય ત્યાં પોતાની ઓળખ સાથે જ જાય છે, અને એ ઓળખમાં દેશ અને ભાષા બંને ગાઢ રીતે વણાયેલા હોય છે.ગુજરાતી માટે તેની ભાષા માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ તેની લાગણીઓ, સંસ્કાર અને અસ્તિત્વનો એક મહત્વપૂર્ણ ભાગ છે. વિદેશમાં રહીને પણ જ્યારે કોઈ ગુજરાતી બોલે, લખે કે પોતાના બાળકોને શીખવે, ત્યારે એ માત્ર ભાષા જ નહીં, પરંતુ પોતાની ઓળખને જીવંત રાખે છે.

અંતે વાત એટલી જ છે કે પરદેશમાં રહેવું અને દેશને પ્રેમ કરવું—બન્ને વિરોધાભાસી નથી. એ એકબીજાને પૂરક છે. અંતર વધે તેટલો પ્રેમ વધુ ઊંડો બને છે. અને કદાચ એ જ સાચો દેશપ્રેમ છે—જે કોઈ લેબલ, અંતર કે પરિસ્થિતિથી ક્યારેય ઓછો થતો નથી.

(રેખા પટેલ – ડેલાવર)

મુંબઈ: બોરીવલીમાં પુસ્તકમેળા સાથે સર્જક ગોષ્ઠિનું આયોજન

મુંબઈમાં ગુજરાતી સાહિત્ય અને કલા સંબંધિત વિવિધ કાર્યક્રમોના આયોજન થતાં હોય છે. ત્યારે બોરીવલીમાં પુસ્તકમેળો અને સાથે જ ગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

બોરીવલીમાં આગામી 2મે થી 11 મે સુધી પુસ્તકમેળો યોજાવાનો છે અને આ સાથે જ સર્જક ગોષ્ઠી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા પ્રકાશક એન.એમ ઠક્કર અને પ્રજ્યોત સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે એક ભવ્ય પુસ્તક મેળાનું બોરીવલી સાઈબાબા નગરમાં યોજાશે.

કિશોર પટેલ અને સમીરા પત્રાવાલા

3મેના રોજ બે જાણીતા વાર્તાકાર કિશોર પટેલ અને સમીરા પત્રાવાલા ટૂંકી વાર્તા વિશે ગોષ્ઠિ કરશે. આ સાથે જ અન્ય ભાષાની વાર્તાઓ વિશે પણ વાત માડશે. ઉલ્લેખનીય છે કે બંને સર્જકો ભાવકો સાથે સંવાદ પણ કરશે. કાર્યક્રમનું સંકલન સંજય પંડ્યા દ્વારા કરવામાં આવશે. પુસ્તક મેળો અને કાર્યક્રમ દૈવી ઈટરનીટી ,એમ કે એમ ભાટિયા સ્કૂલની સામે, સાઈબાબા નગર ખાતે બોરીવલીમાં આયોજીત છે.

અદાણી જૂથ કામદારોના કલ્યાણ માટે મુન્દ્રામાં બનાવશે ક્લાઉડ કિચન

અમદાવાદઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આજે કામદાર કલ્યાણ, સ્થાનિક રોજગાર અને ઉદ્યોગસાહસિકતા પર કેન્દ્રિત વૃદ્ધિદાયક વ્યૂહરચના પ્રસ્તુત કરી હતી. આ વ્યૂહરચનાના ભાગરૂપે અદાણી ગ્રુપ મજબૂત તરલતા દ્વારા મૂડી ખર્ચને વેગ આપે છે. આંતરરાષ્ટ્રીય મજૂર દિન પ્રસંગે પર અદાણી સમૂહના કર્મચારીઓને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે ૨૪ રાજ્યોમાં ૭૦૦થી વધુ અસ્ક્યામતોનું સંચાલન અને લગભગ ચાર લાખ કર્મચારીઓ, ભાગીદારો અને કોન્ટ્રેક્ટરોને જોડતા અને તેના કાર્યબળને રાષ્ટ્ર નિર્માણના કેન્દ્રમાં રાખતા અદાણી સમૂહની પ્રગતિને સંપત્તિઓ મારફત સર્જવામાં આવેલી આજીવિકાની તકો અને સમુદાયોને સક્ષમ અને તાકાતવાન બનાવવાના માપદંડથી તોલશે.

તેમણે કહ્યું હતું કે તમે ફક્ત કર્મચારીઓ નહીં, પરંતુ રાષ્ટ્રનિર્માતા છો. આપણે કોઈ પ્રકલ્પ પૂર્ણ કરીએ છીએ, ત્યારે આપણે ફક્ત કાર્ય પૂરું કરતા નથી, પરંતુ આપણે દેશના ભવિષ્યને કંડારીએ છીએ. તેમણે અદાણી સમૂહનો ઇરાદો સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે અદાણી સમૂહના પ્રક્લ્પોના સ્થળે સ્થાનિક લોકોની ભરતીને પ્રાથમિકતા અપાશે, પહેલા સ્થળ નજીકના લોકોને, બાદના ક્રમે રાજ્યના ઉમેદવારોને અને જરૂર પડે ત્યાં બહારના ઉમેદવારોને તકો અપાશે.

તેમણે કહ્યું હતું કે અદાણી સમૂહની વ્યૂહરચનાનો મુખ્ય આધારસ્તંભ કામદાર કલ્યાણ છે. તેમણે માહિતી આપતાં કહ્યું હતું કે મોટા આંતર માળખાકીય કામકાજના સ્થળો મુન્દ્રા અને ખાવડામાં ૫૦,૦૦૦ કામદારો માટે અદાણી એર-કન્ડિશન્ડ રહેઠાણનું નિર્માણ કરવા સાથે દૂરનાં સ્થળોએ જીવનધોરણ સુધારવાના હેતુથી ગુજરાતના મુન્દ્રામાં એક કેન્દ્રીયકૃત ક્લાઉડ કિચન પણ બનાવી રહ્યું છે. આ કિચન દરરોજ ૧,૦૦,૦૦૦ લોકોને પૌષ્ટિક ભોજન પીરસશે.

અદાણીએ કહ્યું હતું કે આ કોઈ વિશેષાધિકાર નહીં, પણ એક જરૂરિયાત છે. દરેક કર્મચારીને ગૌરવ સાથે જીવવાનો અને કામ કરવાનો અધિકાર છે. તેમણે અદાણી સમૂહના ઉદ્યોગોના સંચાલન સંબંધી કામકાજની વ્યૂહરચના વિષે કહ્યું હતું કે મજબૂત તરલતા અને મૂડીની પહોંચ દ્વારા સમર્થિત ત્રણ સ્તંભોમાં પથરાયેલી આ વ્યૂહરચનાને કારણે મૂડીખર્ચની ઝડપી વ્યવસ્થા અને પ્રકલ્પની ઝડપી અમલવારીને સક્ષમ બનાવે છે.

મુન્દ્રા બંદર, ખાવડાનો નવીનીકરણીય ઊર્જા પાર્ક, નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને ગંગા એક્સપ્રેસવે સહિતના મુખ્ય પ્રકલ્પોને રાષ્ટ્રીય વિકાસ ધારા સાથે જોડતાં તેમણે કહ્યું હતું કે સમૂહની આ તમામ પહેલો ભારતના લોજિસ્ટિક્સ, ઊર્જા અને માળખાગત નેટવર્કની કરોડરજ્જુને મજબૂત બનાવી રહી છે. આ પ્રકલ્પો માત્ર મિલકતો નથી, પરંતુ તે રાષ્ટ્રીય પ્રગતિનાં સાધનો હોવાનું તેમણે કહ્યું હતું.

EDએ ઇકબાલ મિર્ચીની 700 કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત

નવી દિલ્હીઃ અંડરવર્લ્ડ કનેક્શન અને મની લોન્ડરિંગના મોટા કેસમાં EDએ દાઉદ ઇબ્રાહિમની નજીકના સહયોગી ઇકબાલ મિર્ચીની આશરે રૂ. 700 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. EDના જણાવ્યાનુસાર આ સંપત્તિઓ ભારતથી લઈને દુબઈ સુધી ફેલાયેલી છે અને તેને ગેરકાયદે કમાણીથી ખરીદવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે મુંબઈના વર્લી વિસ્તારમાં ડો. એન્ની બેસન્ટ રોડ પર આવેલી ત્રણ મોટી જમીનો—રાબિયા મેન્શન, મરિયમ લોજ અને સી વ્યુ—પણ આ એટેચમેન્ટમાં સામેલ છે.

આ પ્રોપર્ટીઓનું કુલ વિસ્તાર અંદાજે 4970 ચોરસ મીટર છે. આ ઉપરાંત દુબઈમાં હોટેલ મિડવેસ્ટ એપાર્ટમેન્ટ તેમ જ કોર્પોરેટ બે અને DEC ટાવર્સમાં આવેલી લગભગ 14 રિયલ એસ્ટેટ યુનિટ્સ પણ EDના નિશાને આવી છે.

આ સંપત્તિઓ સીધા ઇકબાલ મિર્ચીને નામે નહોતી

EDનું કહેવું છે કે આ સંપત્તિઓ સીધા મિર્ચીને નામે રાખવામાં આવી નહોતી, પરંતુ ટ્રસ્ટ અને પરિવારના સભ્યોને નામે છુપાવવામાં આવી હતી, તેમાં મોહમ્મદ યુસુફ ટ્રસ્ટ ઉપરાંત આસિફ ઇકબાલ મેમન, જુનૈદ ઇકબાલ મેમન અને હાજરા ઇકબાલ મેમનના નામનો સમાવેશ થાય છે. ED મુજબ આ બધાને ફક્ત ‘ફ્રન્ટ’ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા, જેથી વાસ્તવિક માલિકી છુપાવી શકાય.

પૈસા છુપાવવા અને કાયદેસર બતાવવાનો ગોઠવણભર્યો ખેલ

EDએ પોતાની રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે આ આખું પ્રોપર્ટી નેટવર્ક ગેરકાયદે પ્રવૃત્તિઓથી કમાયેલા પૈસાને ઠેકાણે લગાડવાનો માધ્યમ હતું. EDના કહેવા મુજબ મિર્ચી પરિવારએ આયોજનબદ્ધ રીતે પૈસા છુપાવ્યા, ફેરવ્યા અને કાયદેસર દેખાડવાનો પ્રયાસ કર્યો હતો.

ગેરકાયદે કમાણીનો મોટો હિસ્સો વિદેશમાં મોકલાયો

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી કમાયેલા પૈસાનો મોટો હિસ્સો વિદેશમાં મોકલવામાં આવ્યો હતો, જેને કારણે તેને જપ્ત કરવું મુશ્કેલ બન્યું છે. EDનું કહેવું છે કે આ તમામ સંપત્તિઓ PMLA હેઠળ પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ તરીકે આવે છે અને FEO (ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ) હેઠળ તેને જપ્ત કરી શકાય છે.

આજથી રાજ્યભરમાં ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ

અમદાવાદ: 1લી મે ગુજરાતના સ્થાપના દિવસથી જ ટ્રાફિક પોલીસ પણ ફરી એક્શનમાં આવી છે. ગાંધીનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં આજથી સઘન હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હોવાને કારણે છેલ્લા એકાદ મહિનાથી ટ્રાફિકના નિયમો બાબતે જે શિથિલતા જોવા મળતી હતી, તેનો અંત આવ્યો છે.

સરકારી કચેરીઓના દરવાજે જ ‘સપાટો’

આ વખતે પોલીસની રણનીતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સામાન્ય રીતે જાહેર રસ્તાઓ પર ઊભી રહેતી પોલીસ આજે સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પર જ ગોઠવાઈ ગઈ હતી. પોલીસનું માનવું છે કે જનતાને નિયમો શીખવતા પહેલા સરકારી કર્મચારીઓએ આદર્શ પૂરો પાડવો જોઈએ. જોકે, આ કડક અમલવારીને કારણે આજે અનેક સ્થળોએ પોલીસ અને સરકારી કર્મચારીઓ વચ્ચે તીખી તકરારના દૃશ્યો સર્જાયા હતા.

રાજકોટમાં હેલ્મેટ ડ્રાઇવનો પ્રારંભ

રાજકોટ શહેરમાં આજથી ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. હેલ્મેટ ન પહેરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં દંડ વસૂલાત અને નિયમોનું પાલન કરાવવા માટે ખાસ ચેકિંગ હાથ ધરાયું છે. ટ્રાફિક પોલીસનો ઉદ્દેશ માર્ગ અકસ્માતોમાં ઈજા અને મૃત્યુના પ્રમાણમાં ઘટાડો લાવવાનો છે. પરંતુ ઉનાળાની ગરમી વચ્ચે હેલ્મેટ ફરજિયાત બનાવવાના નિર્ણયને કારણે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

વડોદરામાં ફરજિયાત હેલ્મેટ અમલવારી

દારૂ પીને વિધાનસભામાં પહોંચ્યા CM માનઃ અકાલી દળનો આરોપ

ચંડીગઢઃ પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન પર શિરોમણિ અકાલી દળ  દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ વિધાનસભામાં દારૂ પીને આવ્યા હતા. અકાલી દળે આ મામલે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વિડિયો પણ શેર કર્યો છે અને આ વર્તનને શરમજનક ગણાવ્યું છે. બીજી તરફ ભાજપે પણ આ મુદ્દે ટીકા કરતાં કહ્યું હતું કે આ બંધારણ અને વિધાનસભાની મર્યાદાનું અપમાન છે. અકાલી દળે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે મજૂર દિવસના અવસર પર મુખ્ય મંત્રી ભગવંત માન દારૂ પીને વિધાનસભાના પવિત્ર ગૃહમાં આવ્યા, જે ખૂબ શરમજનક છે. પાર્ટીએ વધુમાં કહ્યું કે લોકો પોતે વિડિયોમાં જોઈ શકે છે કે મુખ્ય મંત્રીનું વર્તન કેવું હતું અને આ બાબતની કડક નિંદા કરવામાં આવે છે.

ડોપ ટેસ્ટની માગ

અકાલી દળે માગ કરી છે કે મુખ્ય મંત્રીનો પંજાબ સમક્ષ ડોપ ટેસ્ટ કરાવવામાં આવે, જેથી સત્ય બહાર આવી શકે. કોંગ્રેસે પણ આ આરોપોને સમર્થન આપ્યું અને વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું

 મોબાઇલ ઉપયોગથી શરૂ થયો વિવાદ

મજૂર દિવસ નિમિત્તે બોલાવવામાં આવેલા વિશેષ સત્રની શરૂઆત શાંતિપૂર્ણ રીતે થઈ હતી, પરંતુ ચર્ચા દરમિયાન કોંગ્રેસના વિધાનસભ્ય સુખપાલ સિંહ ખૈરા દ્વારા મોબાઇલ ફોનના ઉપયોગને લઈને મુખ્ય મંત્રી માને વાંધો ઉઠાવતાં વિવાદ શરૂ થયો હતો.

 કોંગ્રેસનો આરોપ અને હંગામો

થોડી વાર પછી ચર્ચા દરમિયાન ખૈરાએ આરોપ લગાવ્યો કે મુખ્ય મંત્રી માન નશાની હાલતમાં હતા. વિરોધ પક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ પણ આ આરોપને સમર્થન આપ્યું અને તમામ સભ્યોનો આલ્કોહોલ ટેસ્ટ કરાવવાની માગ કરી હતી.

બાજવાએ સ્પીકરને કહ્યું હતું કે જો આ આરોપ સાચો હોય તો તે લોકશાહી માટે કાળો દિવસ ગણાશે. તેમણે તમામ સભ્યોના ટેસ્ટ માટે દરવાજા બંધ કરવાની વિનંતી કરી હતી. એ પછી વિધાનસભામાં ભારે હંગામો થયો, સત્તાધારી પક્ષના સભ્યો માનના સમર્થનમાં ઊભા રહ્યા જ્યારે વિરોધ પક્ષે નારેબાજી ચાલુ રાખી હતી. અંતે કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું.

નાની નાની બાબતો…

શેમ્પૂ કંડિશનર બોડી વોશ આ ત્રણ નામ અથવા વસ્તુઓએ એટલા ઈરિટેટ કર્યા છે કે પૂછશો જ નહીં. અને મને ખબર છે કે મારા જેવી અનેકોને આ અનુભવ હશે. દુનિયાની અસંખ્ય હોટેલ્સમાં મેં હમણાં સુધી મુકામ કર્યો છે. ટુ સ્ટારથી સેવન સ્ટાર્સ સુધી, પરંતુ લગભગ નેઉ ટકા હોટેલ્સમાં આ ઈરિટેશન મેં અનુભવ્યું છે. અગાઉ પ્રવાસમાં હું મારો શેમ્પૂ મારું કંડિશનર એમ બધુંજ જોડે લઈને જતી. જોકે સમજ વધવા લાગી તેમ મેં સૂટકેસનો સાથ છોડી દીધો અને ફક્ત એક કેબિન બેગ પર દુનિયાનો પ્રવાસ કર્યો. `લેસ લગેજ મોર કમ્ફર્ટસ.’ આથી બેકપેકની જેમ જોડેનો સામાન ઓછો કરવો જ પડ્યો. શેમ્પૂ કંડિશનર્સને પણ બાયબાય કર્યું. હોટેલ્સમાં જે હોય તેની પરજ નિભાવી લેવાનો નિર્ણય લીધો અને છેલ્લાં અનેક વર્ષ તેનું પાલન કર્યું. આ નિર્ણયની કિંમત જોકે મને ઈરિટેશનના સ્વરૂપમાં ગણવી પડી.

આપણે હોટેલમાં નાહવા માટે બાથરૂમમાં જઈએ ત્યારે ત્યાં જનરલી ત્રણ બોટલ રાખેલી હોય છે અથવા આજકાલતો બાથરૂમની વોલને જ ફિક્સ કરેલું હોય છે. શેમ્પૂ કંડિશનર બોડી વોશ/જેલ બોટલોમાં હોય છે. તેની પરના અક્ષર એટલા નાના હોય છે કે આંખોગમે તેટલી પહોળી કરીએ, બારીકાઈથી જોવાનો પ્રયાસ કરીએ છતાં વંચાતું નથી. તેમાં શું છે? દુનિયાના ત્રણમાંથી બે માણસોને ચશ્માં હોય છે. એટલે કે, ચશ્માં વિના આ અક્ષરો દેખાઈ જ નહીં શકે અને બાથરૂમમાં ચશ્માં પહેરીને કોણ જાય છે?તે બોટલો સાથે ફાવટ કરતી વખતે ડિઝાઈનરને મારા દ્વારા સભ્ય શબ્દોનો ઠપકો અપાઈ જતો. ધીમે ધીમે ગુસ્સો કરવાને બદલે મેં મારી અંદર સુધારણા લાવી દીધી. એન્ટ્રી કર્યા પછી ચશ્માં પહેરીને બાથરૂમમાં જઈને મારા જમણા હાથે શું છે, ડાબા હાથે શું છે અને વચ્ચે કઈ બોટલ છે તેનો રીતસર અભ્ચાસ કરતી. આ પછી મારું ઠપકો આપવાનું કામ ઓછું થયું.જોકે તે છતાં હોટેલમાંના બાથરૂમ્સ એ કાંઈ અભ્યાસ કરીને જવાની જગ્યા છે? અર્થાત ક્યારેક એકાદ હોટેલમાં મોટા અક્ષરોમાં આ નામ લખેલી બોટલ દેખાય અને ચશ્માં વિના તે નામ વાંચી શકાય તો મારા દ્વારા તે હોટેલની ડિઝાઈન એજન્સીનો આભાર પણ માનવામાં આવે છે. કોઈક તો તે હોટેલના ગેસ્ટનો વિચાર કરે છે એ જોઈને સારું લાગે છે. આમ જોવા જઈએ તો આ નાની વાત છે, પરંતુ તેને કારણે તે હોટેલ્સ કેટલા લેવલ સુધી તેમના ગેસ્ટ્સનો વિચાર કરે છે તે સમજાય છે. `શેમ્પૂ કંડિશનર બોડી વોશ’ આ એક્ચ્યુઅલી મારા માટે એક કેસ સ્ટડી નીવડ્યાં. ટીમ મિટિંગ્સમાં આવી બાબતોના દાખલા, અમારે ત્યાં રિલેટેડ બાબતોનું મહત્ત્વ સમજાવવામાં બહુ મદદરૂપ થાય છે. અને મેં અનેક વાર અનુભવ્યું છે કે આ નાની જણાતી બાબતો બહુ મોટો ફરક નિર્માણ કરી શકે છે.

આપણે રોજના જીવનમાં અનેક બાબતોનો સામનો કરીએ છીએ, જે નજીવી લાગે પરંતુ તેની પાછળ વિચાર હોય તો તે અનુભવને એક અલગજ ઊંચાઈ  મળે છે. અને વિચાર નહીં હોય તો ત્રાસદાયક બને છે. એકાદ ડિઝાઈન, ત્યાં અપાતી સર્વિસ, આપણી વર્તણૂક આ બધું અંતે માણસો માટે જ હોય છે, પરંતુ અનેક વાર આપણે તે કેન્દ્રસ્થાને રહેલા માણસને જ ભૂલી જઈએ છીએ. મેં જ્યારે આ નાની નાની બાબતોનો વિચાર કરવાનું શરૂ કર્યું ત્યારે એટલી બાબતો માથામાં ઘેરો ઘાલીને નાચવા લાગી કે પૂછો જ નહીં.

એક દિવસ અમે જાપાની ફિલ્મ જોતાં હતાં. તેમાં તે જાપાની છોકરી ઘરમાં આવી. તેણે તેના શૂઝ કાયમની જગ્યા પર મૂક્યા, એકદમ સીધી રેખામાં અને તેની બાજુમાં તેટલાં જ વ્યવસ્થિત રીતે મૂકેલાં ઘરનાં સ્લીપર્સ પહેરીને તે અંદર ગઈ. આ ફક્ત બે સેકંડનો સીન હતો, પરંતુ તેમાં કેટલી શીખ હતી. આપણે ઘણી વાર શૂઝ કાઢીએ છીએ, પણ તે કઈ રીતે મૂકવા જોઈએ તેની પર બહુ ધ્યાન આપતાં નથી. તે છોકરીની એ નાની કૃતિમાં એક શાંતિ હતી. એક વ્યવસ્થિતપણું હતું. મેં અને સુધીરે એકબીજાને જોઈને કહ્યું, `કેટલી સુંદર આદત છે આ’ અને તે દિવસથી અમે પણ તે આદતને આત્મસાત કરી. ઘરમાં બહારના અને અંદરના ચપ્પલ અસ્તવ્યસ્ત રહેશે નહીં તેનું ધ્યાન રાખવું પડે છે. આદત નાની, પરંતુ વ્યવસ્થિતપણાનું મોટું પરિણામ ઘડાઈ શકે છે. આજકાલ મેનેજમેન્ટ સ્કૂલમાં એક વાત એકદમ ખાસ શીખવવામાં આવે છે. તે છે `સવારે ઊઠ્યા પછી ઘરમાં ગમે તેટલા માણસો કામે હોય તો પણ આપણો બેડ આપણે વ્યવસ્થિત કરવાનો.’ `યુએસ નેવી સીલ’ ના એડમિરલ વિલિયમ મેકરેવને તેમના પ્રસિદ્ધ ભાષણમાં કહ્યું હતું, `તમને જો દુનિયા બદલવી હોય તો સવારે ઊઠ્યા પછી તમારો બેડ વ્યવસ્થિત લગાવો.’ યુ ટ્યુબ પર આ ભાષણ પહેલી વાર સાંભળ્યું ત્યારે તુરંત ધ્યાનમાં આવ્યું નહીં. જોકે થોડું ઊંડાણમાં જઈને વિચાર કરતાં સમજાયું કે આ આદત ફક્ત બેડ ગોઠવવાની નથી, પરંતુતે શિસ્ત, સાતત્યતા, સમાધાન, આત્મવિશ્વાસ અને એકમ્પ્લિશમેન્ટની આદત છે. આપણે પોતે આપણો બેડ તૈયાર કર્યા પછી ખરેખર એક અનોખી અનુભૂતિ મળે છે. તે ભાષણે અમારી પર નિશ્ચિત જ પ્રભાવ પાડ્યો હતો અને અમે હવે નિયમિત રીતે તેનું પાલન કરીએ છીએ અને સુકૂન મેળવીએ છીએ. ખરું કહું તો   બેડ વ્યવસ્થિત કર્યા પછી આજે આપણે કાંઈક સારું કરીને દિવસની શરૂઆત કરી રહ્યા છીએ એ વિચારથી અથવા ભાવનાથી દિવસની દિશા બદલાય છે. મિટિંગમાં બેઠેલાં હોઈએ ત્યારે ફોન સાઈલેન્ટ રાખવો અથવા ઊલટો રાખવો અથવા એક્ચ્યુઅલી ફોન લઈને જ નહીં આવવું, આ આમ જોવા જઈએ તો એટિકેટ છે પરંતુ તેમાંથી સામેની વ્યક્તિને આપણે કેટલું મહત્ત્વ આપીએ છીએ તે દેખાય છે. મિટિંગમાં એકાદ સાથે અથવા ટીમ સાથે અથવા મહેમાન સાથે બોલતી વખતે વચ્ચે જ ફોન જોવો એટલે આપણે ફિઝિકલી ત્યાં હોવા છતાં મેંટલી નથી એ આપણી કૃતિને આપણે સામેની વ્યક્તિને બતાવીએ આપીએ છીએ અને સામેની વ્યક્તિનું તે અપમાન હોય છે. ફિઝિકલી અને મેંટલી આપણે ત્યાં હોવું, સામેની વ્યક્તિનો આદર કરવો, બીઈંગ ફોકસ્ડ ઈન પ્રેઝેન્ટ મોમેન્ટ એ આજના સમયની સૌથી મોટી વાત બની ગઈ છે.

રસ્તા પર ચાલતી વખતે અથવા વાહન ચલાવતી વખતે આપણે અથવા આપણો ડ્રાઈવર લેન ડિસિપ્લીનનું પાલન કરે છે? રેડ સિગ્નલ પર આપણે થોભીએ છીએ? તેની પર આપણે આત્મપરીક્ષણ કરવું જોઈએ. કહેવાય છે ને કે, `ઈન ઈન્ડિયા, એવરીબડી ઈઝ ઈન અ હરી, બટ નો બડી ઈઝ ઓન ટાઈમ.’ અનેક દેશોમાં લેન ડિસિપ્લીન, ઝેબ્રા ક્રોસિંગ, રેડ સિગ્નનલ પરથોભવું આ બાબતો જીવનશૈલીનો ભાગ છે. શરીરમાં તે નાનપણથી જ કેળવાઈ જતી હોવાથી આ શિસ્તની બાબત કરતી વખતે તેમને પ્રયાસ કરવા પડતા નથી. શિસ્તપ્રિયતાને લીધે તેમના ટ્રાફિકમાં પણ એક ફ્લો હોય છે. આપણે ત્યાં ટ્રાફિકમાં દરેક જણ પોતાનો માર્ગ કાઢે છે અને પછી ધાંધલ મચી જાય છે. સમાજ ઘડાય છે અથવા બગડે છે તેમાં નાની બાબતો જવાબદાર હોય છે.

આપણે એકાદ કેફેમાં બેસીએ છીએ, ઊઠતી વખતે ખુરશી બરોબર તેની જગ્યાએ ગોઠવીએ છીએ ખરા? તે જગ્યા ફક્ત આપણી નથી, પરંતુ તે શૅર્ડ સ્પેસ હોય છે. તેનો આદર કરવું તે નાની આદત છે. રૂમમાંથી બહાર નીકળતી વખતે અથવા કાર્યાલયમાં મિટિંગ રૂમમાંથી બહાર નીકળતી વખતે આપણે લાઈટ ફેન એસી બંધ કરીએ છીએ ખરા? અગાઉ આપણે ત્યાં `સેવ એનર્જી’ પર એક કેમ્પેઈન હતું. મોટા ભાગે સરકારની જ હતી, પરંતુ તે આજે પણ ધ્યાનમાં છે. એક યુવાન ઓફિસમાં જવા નીકળે છે. કારમાં બેસે છે. કાર સ્ટાર્ટ કરે છે, થોડો આગળજાય છે અને અચાનક એકદમ ચોંકે છે અથવા કાંઈક મહત્ત્વનું યાદ આવ્યું હોય તેમ કારને બ્રેક મારે છે. નીચે ઊતરે છે, ઘરમાં આવે છે અને ફેન ચાલુ હોયતે બંધ કરે છે. આ પછી હસતો હસતો એક વિજયી ભાવ ચહેરા પર લઈને ફરી કારમાં બેસે છે અને ઓફિસમાં જાય છે. આ એક નાની બાબત છે, તે જાગરૂક, જવાબદાર, સજાગ નાગરિક હોવાનું બતાવી આપે છે. અને નિસર્ગનિર્મિત અથવા માનવનિર્મિત જે રિસોર્સીસ છે તેમનો આદર આપણે કરવો જ જોઈએ એ મક્કમ રીતે અને કડક શબ્દોમાં કહું છું.

`થેન્ક યુ’ અને `સોરી’ આ બે નાના શબ્દ છે,પરંતુ સંબંધમાં મોટો ફરક નિર્માણ કરે છે. આપણે અનેક વાર મનમાં આભાર માનીએ છીએ… પરંતુ બોલીને બતાવતા નથી. અને ક્યારેક ક્યારેક એક સોરી કહેવામાં પણ કંજૂસી કરીએ છીએ. આપણો ઈગો આડમાં આવે છે. જોકે આ નાના શબ્દ સંબંધને જોડી રાખે છે. અમારે ત્યાં સુધીરની એક આદત બધાને ઘણું બધું શીખવી જાય છે. તે એટલે ગૂડ મોર્નિંગ અથવા ગૂડ ઈવનિંગ એકદમ મોટા અવાજમાં બોલવાનું અને ઓફિસમાંનો માહોલ એકદમ ઉત્સાહી બનાવી દેવાનો. સુધીરને અમે `જગન્મિત્ર’ કહીએ છીએ. તેની તે વેલકમિંગ પર્સનાલિટી બનવાનું મૂળ તે ગૂડ મોર્નિંગમાં હોવું જોઈએ એવું મને લાગે છે.

નાની બાબતોની તાકાત ચોક્કસ શું હોય છે તેઆ સમજાવી આપતું હોય તો ટોયોટાથી આપણા રોજના જીવન સુધીનો પ્રવાસ જોવો જોઈએ. ટોયોટા વિશે એક વાત બહુ પ્રસિદ્ધ છે. તે છે, તેમનું કામ કરવાની પદ્ધતિ. બીજું મહાયુદ્ધ પછી જાપાનમાં વિકટ પરિસ્થિતિ હતી. રિસોર્સીસ ઓછા, પૈસા ઓછા, પણ કામ કરવાની ઈચ્છા પ્રચંડ હતી. તે સમયે ટોયોટાએ એક અલગ જ રાહ પકડી. `મોટા ફેરફાર કરવાના નહીં, રોજ નાના ફેરફાર કરવાના.’ ફેક્ટરીમાં કામ કરનારા દરેક માણસને કહેવામાં આવ્યું, `તમે કશું નાનું સુધારી શકતા હોય તો કહો.’ આ સાંભળવામાં બહુ સાદું લાગે છે, પરંતુ અહીંથી જ બદલાવની શરૂઆત થઈ.

ટોયોટાએ `કાયઝેન’ કહ્યું તે કાંઈ મોટી ફિલોસોફી નહોતી. ફેક્ટરીમાં ઊભા રહેલા એક કામગારે “આ પાર્ટ થોડો ઉપર રખાય તો મને વાંકા વળવું નહીં પડશે એમ કહ્યું અને તે નાના બદલાવથી હજારો સેકંડ બચવા લાગ્યા. કોઈ મશીન બદલાયું નહીં, કોઈ કરોડો ખર્ચ કરાયા નહીં, ફક્ત ધ્યાન આપ્યું, બદલાવ કર્યો અને તે સાતત્યતાથી કર્યો. ટોયોટામાં હજુ એક બહુ અલગ વાત હતી, એંડોન કોર્ડ. કોઈ પણ વર્કરને પ્રોડકશન લાઈન અટકાવવાનો અધિકાર હતો. જો તેને કોઈ ડિફેક્ટ દેખાય અથવા કશુંક બરોબર નથી એવું લાગે તો તે દોરી ખેંચીને આખી લાઈન રોકી શકતો હતો. આપણને લાગશે, `અરે, લાઈન રોકવી એટલે નુકસાન!’ પણ ટોયોટાનો વિચાર અલગ હતો. `ભૂલને આગળ જવા દેવા કરતાં તેને ત્યાં જ રોકવાનું વધુ સારું હોય છે.’ આવા ડિફેક્ટ તુરંત પકડાય તો ભવિષ્યમાં મોટું નુકસાન ટળીશકે છે. ટોયોટાએ `5 S સિસ્ટમ’ રજૂ કરી. Sort, Set in Order, Shine, Standardize, Sustain. સરળ ભાષામાં કહીએ તો જે આવશ્યક છે તે જ રાખો, બધું વ્યવસ્થિત રાખો, સ્વચ્છ રાખો, બધા માટેએક જ પદ્ધતિ રાખો. આપણને આ સાંભળીને એવું લાગે છે કે, `અરે આ તો ઘરમાં પણ કહે છે!’ જોકે ફરક એટલો જ છે કે તેમણે તેનું રોજ પાલન કર્યું. ટોયોટાનું કામ જોઈને દુનિયા છક થઈ ગઈ. અમેરિકન કંપનીઝે અભ્યાસ કર્યો કે `આ લોકો અલગશું કરી રહ્યા છે?’ ફોર્ડ, જનરલ મોટર્સ જેવી કંપનીઓએ ટોયોટાની પદ્ધતિ શીખવાનું શરૂ કર્યુું. `લીન મેન્યુફેક્ચરિંગ’ આ શબ્દ ત્યાંથી જ આવ્યો. મોટોરોલા અને જી ઈ એ સિક્સ સિગ્મામાં કાયઝેન એલિમેન્ટ્સ લીધા. આજે આઈટી કંપનીઓ, હોસ્પિટલો, એરલાઈન્સ સર્વત્ર `સતત સુધારણા’ની સંકલ્પના વપરાય છે. ભારતમાં પણ અનેક કંપનીઓએ આ ગ્રહણ કર્યું. મારુતિ સુઝુકીએ ટોયોટા પ્રોડકશન સિસ્ટમ એડોપ્ટ કરી. ટાટા મોટર્સે `સતત સુધારણા’ આ તેનું કલ્ચર બનાવ્યું. ઈન્ફોસિસે પ્રોસેસીસ રિફાઈન કરી અને નાની સુધારણાઓ હાથમાં લીધી, પરંતુ મજેદાર વાત એ છે કેઆ બધાની શરૂઆત ક્યાં થઈ? તો એક વર્કરના નાના નિરીક્ષણમાંથી. ટોયોટાએ દુનિયાને એક મોટો બોધ આપ્યો કે મોટા થવા મોટા ફેરફાર કરવા પડતા નથી, નાની બાબતો સતત વ્યવસ્થિત કરવી પડે છે.

ખરું કહીએ તો આ બધી નાની નાની બાબતો,જેમ કે, ચપ્પલ વ્યવસ્થિત કરવા, લાઈટ બંધ કરવી, ફોન બાજુમાં રાખવો, એકાદને હસીને ભેટવું અથવા એકાદના મનથી `આભાર’ માનવા આ બધી બાબતોનું ક્યાંય મોટું કૌતુક થતું નથી. આ માટે એવોર્ડસ મળતા નથી, પરંતુ આ બધી બાબતો મળીને આપણો સ્વભાવ, આપણી પર્સનાલિટી અને આપણું જીવન ઘડે છે. મોટી વાતોનો આપણે બધા જ વિચાર કરી છીએ, પરંતુ જીવન ખરેખર તો આ નાની બાબતોના પાયા પર ઊભું હોય છે. ભાન, કાળજી અને થોડું પોતીકાપણું એટલું જ પૂરતું હોય છે. બાકી બધું આપોઆપ ઘડાય છે. આથી પ્રશ્ન એ નથી કે આપણે મોટું શું કરીએ છીએ, પ્રશ્ન એટલો જ છે કે આપણે નાની બાબતો કેટલા મનથી કરીએ છીએ? કારણ કે જીવન સમૃદ્ધ કરવા માટે મોટી બાબતોની જરૂર હોતી નથી, નાની બાબતો મનથી કરાય તો જીવન આપોઆપ અર્થપૂર્ણ બની જાય છે.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)