રાજ્યસભામાં સભાપતિ વિરુદ્ધ વિપક્ષ લાવ્યો અવિશ્વાસ પ્રસ્તાવ

નવી દિલ્હીઃ રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડની વિરુદ્ધ વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. કોંગ્રેસના નેતૃત્વવાળા ઇન્ડિયા બ્લોકે ધનખડ પર પક્ષપાતપૂર્ણ કાર્યવાહી કરવાનો આરોપ મૂક્યો છે. વિપક્ષે દાવો કર્યો છે કે સંસદની કાર્યવાહી દરમ્યાન તેઓ સત્તા પક્ષનો પક્ષ લે છે.

રાજ્યસભામાં ધનખડની વિરુદ્ધ આ પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવને રજૂ કરવા માટે વિપક્ષને 50 સાંસદોના હસ્તાક્ષરની જરૂર હોય છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે તેમણે ગઈ કાલ સુધી 50થી વધુ વિપક્ષના નેતાઓના હસ્તાક્ષર એકત્ર કરી લીધા છે.

રાજ્યસભામાં હોબાળાના કારણે આજે પણ ગૃહની કાર્યવાહી ચાલુ રહી શકી ન હતી. સોરોસ મુદ્દે હંગામાને કારણે રાજ્યસભા દિવસભર માટે સ્થગિત કરવામાં આવી છે.

અદાણી અને સંભલ હિંસા પર સંસદમાં મડાગાંઠ ચાલી રહી હતી એ વચ્ચે હવે શાસક પક્ષે જ્યોર્જ સોરોસના મુદ્દે વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ સામે મોરચો ખોલ્યો છે. જ્યોર્જ સોરોસના મુદ્દે થયેલા હોબાળાને કારણે 9 ડિસેમ્બરે સંસદના બંને ગૃહોમાં કાર્યવાહી થઈ શકી ન હતી. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે 10 ડિસેમ્બરે સવારે 10.30 વાગ્યાથી ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરતાં પહેલાં તમામ ફ્લોર લીડર્સની બેઠક બોલાવી હતી.

સંસદના ચાલુ શિયાળુ સત્રના 12મા દિવસે પણ બંને ગૃહોમાં મડાગાંઠ ચાલુ રહી હતી. હંગામાને કારણે બંને ગૃહોની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. બંને ગૃહો સ્થગિત થયા બાદ વિપક્ષી સાંસદોએ સંસદ ભવનનાં પગથિયાં પર પ્રદર્શન કરીને ગૃહ ચલાવવાના સૂત્રો પોકાર્યા હતા.