વિદેશી ભાગેડુઓ સામે ગુનેગારો સામે ઝીરો ટોલરન્સઃ અમિત શાહ

નવી દિલ્હીઃ આર્થિક ગુનેગારો, સાયબર ગુનેગારો, આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકો અને અન્ય તમામ ભાગેડુઓ સામે કડક વલણ અપનાવવું જોઈએ જેથી તેમને ભારતીય ન્યાય પ્રણાલી સમક્ષ લાવી શકાય એમ ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું.

દિલ્હીમાં CBI દ્વારા આયોજિત ભાગેડુઓનું પ્રત્યાર્પણ — પડકારો અને રણનીતિઓ વિષયક પરિષદને સંબોધિત કરતાં શાહે કહ્યું હતું કે ફક્ત ભ્રષ્ટાચાર, ગુના અને આતંકવાદ સામે જ નહીં, પરંતુ ભારતની બહારથી સક્રિય ગુનેગારો સામે પણ ઝીરો ટોલરન્સનો અભિગમ અપનાવવો જોઈએ.

બધા ભાગેડુઓને કાયદાના ઘેરા હેઠળ લાવવાનું આહવાન

બધા ભાગેડુઓને કાયદાની જાળમાં લાવવા માટે અને તેના માટે એક નિશ્ચિત તંત્ર સ્થાપિત કરવા માટે પ્રયાસ થવો જોઈએ. તેમણે કહ્યું હતું કે ચાહે તેઓ આર્થિક ગુનેગારો હોય, સાયબર ગુનેગારો હોય, આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોય કે સંગઠિત ગુનાહિત નેટવર્કનો ભાગ હોય — દરેક ભાગેડુ સામે કડક વલણ અપનાવવું જોઈએ જેથી તેમને ભારતીય ન્યાય પ્રણાલી સમક્ષ લાવી શકાય. હવે એ માટે સમય આવી ગયો છે.

મોદીની સરકારે આવા અચૂક ઉપાયો કર્યા છે કે જેથી કોઈ પણ ગુનેગાર કાયદાની પકડમાંથી છટકી ન શકે. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં એક શક્તિશાળી ભારત ફક્ત પોતાની સીમાઓની સુરક્ષા જ સુનિશ્ચિત કરી રહ્યું નથી, પરંતુ કાયદાના શાસનને પણ મજબૂત બનાવી રહ્યું છે.

ગુના અને ગુનેગારોની ચાલ ભલે કેટલીય ઝડપી હોય, પરંતુ ન્યાયની પહોંચ એથી પણ વધુ ઝડપી હોવી જોઈએ. તેમણે બધાં રાજ્યોને પોતાના રાજ્યમાં ઓછામાં ઓછી એક આંતરરાષ્ટ્રીય સ્તરની જેલ કોટડી સ્થાપિત કરવાની સલાહ આપી, જેથી વિદેશી અદાલતોમાં ભાગેડુઓ દ્વારા ભારતીય જેલોની નીચી સુવિધા અંગે આપવામાં આવતી દલીલોનો યોગ્ય જવાબ આપી શકાય, એમ શાહે કહ્યું હતું.