વર્ષ 2025: આ પ્રખ્યાત સ્ટાર્ટઅપ્સની દુકાન થઈ બંધ

નવી દિલ્હીઃ વર્ષ 2025 દરમિયાન ભારતમાં અનેક નવા સ્ટાર્ટઅપ્સ શરૂ થયા, પરંતુ સાથે જ કેટલાક જૂના અને જાણીતા સ્ટાર્ટઅપ્સ બંધ પણ થઈ ગયા. અપેક્ષા મુજબ જ  આ વર્ષે બંધ થયેલા લગભગ તમામ સ્ટાર્ટઅપ્સ પાછળ મૂડીની અછત મુખ્ય કારણ રહી. ફંડ એકત્ર કરવાની ઘણી કોશિશો કરવામાં આવી, પરંતુ નિષ્ફળતા બાદ અંતે ઓપરેશન્સ બંધ કરવાની ફરજ પડી. તો 2025માં કયા મોટા સ્ટાર્ટઅપ્સ ઈતિહાસ બની ગયા, તે જોઈએ…

બ્લુસ્માર્ટ

2019માં શરૂ થયેલા બ્લુસ્માર્ટે ભારતમાં કેબ સર્વિસ ક્ષેત્રે ઓલા અને ઉબરને પડકાર આપવાનો પ્રયાસ કર્યો હતો. કંપનીએ પ્રદૂષણમુક્ત રાઈડ્સ અને પગારધારક ડ્રાઈવર્સનું વચન આપ્યું હતું. દિલ્હી વિસ્તારમાં આ મોડલ ખાસ કરીને લોકપ્રિય બન્યું હતું. બ્લુસ્માર્ટને BP Ventures સહિત અનેક મોટા રોકાણકારો પાસેથી અંદાજે 16.8 કરોડ ડોલરનું ફંડિંગ મળ્યું હતું.

આ સ્ટાર્ટઅપની શરૂઆત જેન્સોલ એન્જિનિયરિંગના પ્રમોટર્સ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે જેન્સોલમાં મોટા પાયે કૌભાંડ સામે આવ્યું, ત્યારે તેની અસર બ્લુસ્માર્ટ પર પણ પડી. સેબીએ શોધ્યું કે જેન્સોલના પ્રમોટર્સે EV લોનમાંથી ઓછામાં ઓછા 262 કરોડ રૂપિયા ગેરરીતિ કરીને કાઢી લીધા, અંતે કંપનીએ તેના ઓપરેશન્સ બંધ કરી દીધા.

હાઇક

હાઈકની શરૂઆત 2012માં ટેલિકોમ ટાયકૂન સુનીલ ભારતી મિત્તલના પુત્ર કેવિન મિત્તલે કરી હતી. એક સમય એવો હતો જ્યારે હાઈક વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવા વૈશ્વિક મેસેજિંગ પ્લેટફોર્મ્સને ટક્કર આપતું લાગતું હતું. લોન્ચના ચાર વર્ષમાં જ કંપનીએ વેન્ચર કેપિટલ ફર્મ્સ પાસેથી 25 કરોડ ડોલરથી વધુનું ફંડિંગ મેળવ્યું હતું, પરંતુ સ્પર્ધા વધતાં 2021માં તેની મેસેજિંગ સર્વિસ બંધ કરવી પડી. ત્યાર બાદ કંપનીએ રિયલ-મની ગેમિંગ પ્લેટફોર્મ ‘Rush’ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જોકે આ વર્ષે Online Gaming Promotion and Regulation Act હેઠળ રિયલ-મની ગેમિંગ એપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગ્યો. પરિણામે, સપ્ટેમ્બર 2025માં હાઈકે તેના બાકીના તમામ ઓપરેશન્સ પણ બંધ કરી દીધાં.

ડુન્ઝો

ડુન્ઝો ભારતમાં હાઈપરલોકલ ડિલિવરી ક્ષેત્રમાં શરૂઆત કરનાર આગેવાન સ્ટાર્ટઅપ્સમાંનું એક હતું. 2022માં તેને રિલાયન્સ રિટેલ પાસેથી 24 કરોડ ડોલરનું ફંડિંગ મળ્યું હતું, પરંતુ જ્યારે સ્પર્ધા વધી અને ઝેપ્ટો, સ્વિગી ઇન્સ્ટામાર્ટ તથા બ્લિન્કિટ જેવા ખેલાડીઓ મેદાનમાં આવ્યા, ત્યારે ડુન્ઝો તેમની સામે ટકી શક્યું નહીં.આ સાથે કંપની દેવાંના જાળમાં પણ ફસાઈ ગઈ. આ સાથે ડુન્ઝોની કહાણીનો અંત આવ્યો.

ઓટિપી (Otipy)

બ્લિન્કિટના ભૂતપૂર્વ ચીફ ટેક્નોલોજી ઓફિસર વરુણ ખુરાણાએ લોકડાઉન દરમિયાન 2020માં ઓટિપીની શરૂઆત કરી હતી. આ એક સબ્સ્ક્રિપ્શન આધારિત ગ્રોસરી ડિલિવરી સર્વિસ હતી. ઓટિપીએ મુંબઈ અને દિલ્હી-NCRમાં લાસ્ટ-માઈલ ડિલિવરી સંભાળતા રીસેલર્સની કોમ્યુનિટી મારફતે ગ્રાહકોને સીધા ખેડૂતો સાથે જોડ્યા હતા, પરંતુ થોડા સમય બાદ સ્ટાર્ટઅપમાં ફંડની તંગી શરૂ થઈ. કંપની 10 મિનિટમાં ડિલિવરીના મોડલને અપનાવી શકી નહીં. પરિણામે મે, 2025માં ઓટિપી સ્ટાર્ટઅપ બંધ થઈ ગયું.