વર્લ્ડ હેડ ઈન્જરી અવેરનેસ-ડે: સિનિયર ન્યૂરોસર્જન પાસેથી મેળવો મહત્વની માહિતી

જામનગર: તા. ર૦ માર્ચના વિશ્વભરમાં લોકોમાં જાગૃતતા લાવવા માટે વર્લ્ડ હેડ ઈન્જરી અવેરનેશ ડે તરીકે ઉજવાય છે. આ સંદર્ભમાં માથાની ઈજા અંગે જનજાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમો યોજાય છે. ત્યારે જામનગરના ડૉ. એ. ડી. રૂપારેલીયા કે જેઓ પોતે સિનિયર ન્યૂરોસર્જન છે. તેઓ આપણને કેટલીક મહત્વની માહિતી આપી રહ્યા છે.

પ્રવર્તમાન સમયમાં વાહનોની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને તેની સાથે વાહન અકસ્માતોનું પ્રમાણ અને અકસ્માતોને લીધે મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. માર્ગ અકસ્માત એ જાણે આપણી જીંદગીનો કમનશીબ હિસ્સો બની રહ્યો છે, અને એક અર્થમાં આ અકસ્માતોમાં માથામાં થતી ઈજા ૧૦૦ ટકા માનવસર્જીત છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.

માથાની ઈજાએ દુનિયાભરમાં સૌથી મોટો પબ્લિક હેલ્થ પ્રોબ્લેમ છે વિકસીત તથા વિકાસશીલ દેશોમાં આ સમસ્યા એપિડેમીક સ્વરૂપમાં પ્રસરી રહી છે. ભારતમાં અત્યારે દર ૧ મિનિટે વાહન અકસ્માત થાય છે અને દર પ મિનિટે વાહન અકસ્માતને કારણે ૧ મૃત્યુ થાય છે. સરેરાશ આખા વર્ષમાં ભારતમાં માથાની ઈજાના કારણે દોઢ લાખ લોકોના મૃત્યુ તથા પ લાખ લોકો ઈજાગ્રસ્ત થાય છે. માર્ગ અકસ્માતમાં ૭પ ટકા મૃત્યુ મગજની ઈજાના કારણે થાય છે. મૃત્યુ થવાના મુખ્ય કારણોમાં કેન્સર, હાર્ટ એટેક પછી મગજની ઈજાનો નંબર આવે છે, અને સૌથી વધારે કરૂણતા તો એ છે કે માથાની ઈજા સૌથી વધારે યુવા વર્ગમાં, ર૦ થી ૪૦ વર્ષની ઉંમરમાં થઈ રહી છે.

આ સંજોગોમા પ્રશ્ન ઉભો થાય છે કે શું માથાની ઈજા અટકાવી શકાય ? માથામાં ઈજા થાય તો તાત્કાલિક શું કરવું ? શા માટે માથાની ઈજા ગંભીર કે જીવલેણ હોય છે? માનવ શરીરનું મગજ અમુક ક્ષમતા સુધી જ ઈજા સહન કરી શકે છે. ઈજાના કારણે ઓક્સિજન અને લોહીનું પરિભ્રમણ મગજમાં જો ઓછું થઈ જાય તો મગજમાં ગંભીર અસરો અને તેના પરિણામો ઉદ્દભવતી અનેક સમસ્યાઓ સર્જાય છે. માથાની ઈજા સંપૂર્ણપણે અર્થાત ૧૦૦ ટકા અટકાવી શકાય છે જેમાં (૧) ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જેમ કે હેલ્મેટ પહેરવી, સીટ બેલ્ટ બાંધવો વગેરે (ર) ઔદ્યોગિક એકમોમાં ફરજ સમયે સતર્ક રહેવું, એકાગ્રતા રાખવી વગેરે (૩) શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ તથા યુવા વર્ગને માર્ગ સલામતિનું શિક્ષણ આપવું (૪) દારૂ પીને વાહન ન ચલાવવું (પ) વાહનની ગતિ મર્યાદાનું પાલન વગેરે કરવાથી અકસ્માતોનું પ્રમાણ ઘટી શકે છે અને તેથી માથાની ઈજાથી બચી શકાય છે.