સુરત: ઓગષ્ટ મહિનાના પ્રથમ સપ્તાહને દુનિયાભરમાં “વિશ્વ સ્તનપાન જાગૃતિ સપ્તાહ” તરીકે ઉજવવામાં આવે છે. આ દરમિયાન બાળકને સર્વોત્તમ રીતે માતાના દૂધ થકી પોષણ મળે તે માટે સમાજમાં સાનુકૂળ વાતાવરણ ઊભું થાય તેવા સઘન પ્રયત્નો કરવામાં આવે છે. સુરત પીડિયાટ્રિક એસોસિએશનના વડપણ હેઠળ બીજી અનેક સંસ્થાઓના કાર્યકરો આ ઝુંબેશ માટે તૈયાર કરવામાં આવે છે જે પછી બીજે આ જાગૃતિના બીજ વાવે છે.સુરતમાં અનેક સંસ્થાઓ આ સપ્તાહની ઉજવણી કરી રહી છે. સુરત પીડિયાટ્રિક એસોસિયેશનના પ્રમુખ અમી યાજ્ઞિક કહે છે, આ સપ્તાહમાં કેટલાક ટ્રસ્ટ અને ગામડાઓમાં કાર્યકરોને ટ્રેનિંગ આપવામાં આવી. જેનો ઉપયોગ તેઓ તેમના કાર્યક્ષેત્રમાં જાગૃતિ લાવવા માટે કરશે. 7 મી તારીખે ચેમ્બરની લેડીઝ વિંગ સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
સ્તનપાન વિશે આ જાણકારી જરૂરી છે
1. નવજાત શિશુને જન્મતાવેંત તરત જ માની છાતીએ લગાડવું જોઈએ. જન્મના પહેલા કલાકની અંદર આ શરૂ થવું જોઈએ.
2. કોઈપણ પ્રકારની ગળથૂથી બાળકને આપવી જોઈએ નહીં.
3. શરૂઆતના બે થી ત્રણ દિવસ આવતું પીળું, ઘટ્ટ સ્વર્ણિમ દૂધ બાળકને રોગ પ્રતિકારક શક્તિ આપી તેનું ચેપથી રક્ષણ કરે છે.
4. “માં” નું દૂધ બાળક માટે પોષક, રક્ષક , શુધ્ધ અને તેને ગમે તે સમયે, ગમે તે જગ્યાએ બીજી કોઈ પૂર્વતૈયારી કે ખર્ચ વગર મળી રહે તેવું હોય છે.5. બાળકને જન્મના પ્રથમ ૬ મહિના માત્ર ને માત્ર “માં” નું દૂધ મળવું જોઈએ બીજું કંઇ તેને મોઢેથી આપવું જોઈએ નહીં. ત્યારબાદ ઉપરના અન્ય ખોરાક સાથે માતાનું ધાવણ ચાલુ રાખવું જોઈએ ઓછામાં ઓછાં ૨ વર્ષ સુધી.
6. બાળકને આમ સર્વોત્તમ રીતે માતાનું ધાવણ મળે તો તેમાં તેના યોગ્ય વિકાસ માટે જરૂરી બધાં જ પોષકતત્વો હોવાથી શારીરિક વિકાસ મહત્તમ થાય છે એટલું જ નહીં ધાવવાની પ્રક્રિયા સાથે તેને માતાનો પ્રેમ અને હુંફ મળે છે જેથી બંને વચ્ચે મજબૂત સ્નેહનો સેતુ રચાય છે જે બાળકને માનસિક સ્વસ્થતા પણ બક્ષે છે. એટલું જ નહીં તેમનો બુધ્ધિનો અંક (I.Q) પણ ૭ થી ૮ અંક ઊંચો જાય છે. આવા બાળકને પુખ્ત થયા બાદ થતાં lifestyle diseases સામે પણ રક્ષણ મળે છે અને તેમની રોગપ્રતિકારક શક્તિ પણ સારી હોય છે.
(અરવિંદ ગોંડલિયા- સુરત)
