‘મહિલા લીડર્સ ઈન્ડિયા ફેલોશિપ’ માટે અરજીઓ આવકાર્ય

મુંબઈ: રિલાયન્સ ફાઉન્ડેશન અને વાઈટલ વોઈસ દ્વારા સામાજિક ક્ષેત્રે કામ કરતી મહિલા આગેવાનો માટે શરૂ કરવામાં આવેલ ‘વુમન લિડર્સ ઈન્ડિયા ફેલોશિપ 2023-24’ને મળેલી સફળતા બાદ આ વર્ષે ફરી 2024-25 માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

2023માં, ભારતના G-20 પ્રેસિડેન્સીએ પ્રથમ વખત મહિલાઓના વિકાસથી આગળ વધીને મહિલાઓના નેતૃત્વવાળા વિકાસ તરફ લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું. જેના પરિણામે ‘જેન્ડર ઇક્વાલિટી એન્ડ એમ્પાવરિંગ ઓલ વુમન એન્ડ ગર્લ્સ’ પ્રત્યેના ભારતના સામૂહિક અને અતૂટ પ્રયાસોને G20 નવી દિલ્હી લીડર્સ ડેક્લેરેશનમાં મજબૂત સ્થાન મળ્યું.

આ વિઝનને આગળ વધારતા ‘વુમન લીડર્સ ઈન્ડિયા ફેલોશિપ’ પ્રતિભાશાળી મહિલાઓ માટે એક મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. જેમાં સામાજિક ક્ષેત્રની મહિલાઓ અને સામાજિક સાહસિકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જળવાયુ પરિવર્તન, રમત-ગમત, શૈક્ષણિક ક્ષેત્રે કામ કરતી મહિલાઓને આવકારવામાં આવે છે. જેઓ તેમના ક્ષેત્રમાં નવી પહેલને આગળ વધારવા, આજીવિકા પૂરી પાડીને અન્ય મહિલાઓની આર્થિક સ્વ-નિર્ભરતાને પ્રોત્સાહન આપી રહ્યાં છે.

દસ મહિનાના આ કાર્યક્રમનો હેતુ ભારતભરમાંથી આવી 50 પ્રભાવશાળી મહિલાઓને વધુ સશક્ત કરવાનો છે. આ દરેક મહિલા તેમના કાર્યક્ષેત્રમાં પરિવર્તનકારી કામ કરવા માટે પહેલાંથી જ સમર્પિત છે. આ 50 ફેલો ફેલોશિપ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) સાથે તેમના નવીન પ્રોજેક્ટ્સ પર પણ કામ કરશે, માર્ગદર્શન અને અન્ય સપોર્ટથી લાભ મેળવશે.

  • ફેલોશીપ માટે અરજીઓ 1લી જુલાઈ, 2024 થી 28મી જુલાઈ, 2024ના રાત્રે 23:59 કલાક સુધી આવકાર્ય છે.
  • https://reliancefoundation.org/womenleadersindiafellowship પર જઈને તમે અરજી કરી શકો છો.

ફેલોશિપ સપ્ટેમ્બર-2024 માં શરૂ થશે.  જે ભારતમાં વ્યક્તિગત સંમેલન સાથે શરૂ અને સમાપ્ત થાય છે. ફેલોશીપ દરમિયાન અગ્રણી ભારતીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સાથે નેતૃત્વ અને કૌશલ્ય વિકાસ વિષય પર કેન્દ્રિત વર્ચ્યુઅલ વેબિનર્સ અને ગેટ-ટુ-ગેધરનું આયોજન કરવામાં આવે છે. આ સિવાય દરેકને તેમના ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાંતોનું પર્સનલ ગાઈડન્સ પણ પૂરું પાડવામાં આવે છે. રિલાયન્સ ફાઉન્ડેશન અને વાઈટલ વોઈસ નેટવર્ક દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નેટવર્કિંગ માટેની તકો પણ પૂરી પાડવામાં આવે છે.

ડિસેમ્બર 2022માં, ભારતના સામાજિક ક્ષેત્રની પચાસ પ્રેરણાદાયી મહિલાઓને પ્રથમ ફેલોશીપનો લાભ મળ્યો હતો. તેના સંમેલન અને પદવીદાન સમારોહની ઝલક જોવા માટે આ વીડિયો જોઈ શકો છો.